સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/કંકણવંતો હાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કંકણવંતો હાથ

યાત્રિકોનો સંઘ હસતો હસતો ચાલ્યો ગયો. કાશીધામમાં પહોંચીને યાત્રિકોએ ઠેકડી કરી. શ્રીફળ લઈને એક જણાએ ગંગાતીરે ઊભાં ઊભાં કહ્યું : “માતાજી, રોઈદાસ ચમારે શ્રીફળ મોકલ્યું છે, પણ હાથોહાથ લ્યો તો જ આપવાનું છે.” હાંસી યાત્રીઓના હોઠમાં સમાઈ ગઈ. ગંગાના નીર વચ્ચેથી કોઈ કંકણે રણઝણતો એક હાથ કોણી સુધી ઊંચો થયો. ફેંકાયેલું શ્રીફળ એ હાથની હથેળીમાં ઝિલાયું. શ્રીફળવંતો હાથ પાછો જળમાં સમાયો. કાંઠે ઊભેલો સંઘ સ્તબ્ધ બન્યો. એણે નદીને સંબોધી : હે લોકમાતા, ચમારનું શ્રીફળ તમે હાથોહાથ ઝીલ્યાનું અમે કહેશું તો કેમ મનાશે? કશીક એંધાણી આપશો?