સ્વાધ્યાયલોક—૬/ચન્દ્રવદનની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચન્દ્રવદનની કવિતા

૨૦મી સદીના પૂર્વાર્ધની ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ચન્દ્રવદનનું દલપતરામની પરંપરાના કવિ તરીકેનું સ્થાન અવશ્ય હશે. ઉપલક નજરે જોનારને થશે કે એ બલવન્તરાયની પરંપરાના કવિ છે. પણ ઊંડે ઊતરીને જોનારને તરત સૂઝશે કે એ દલપતરામની પરંપરાના કવિ છે. સુન્દરમ્‌ને આમ સૂઝ્યું પણ છે. ૧૯૨૦ની આસપાસ સાક્ષરયુગ અસ્ત પામી ચૂક્યો હતો. હજુ ગાંધીયુગનો આરંભ થયો ન હતો. આ સંધિકાળમાં આપણી ભાષામાં પાંચ કવિઓ – રામનારાયણ, દેશળજી, ચન્દ્રવદન, ગજેન્દ્ર અને ઝીણાભાઈ – એ એમની કાવ્યયાત્રાનો આરંભ કર્યો. યુનિવર્સિટીને કારણે એમના પુરોગામીઓની આસપાસ બુદ્ધિને ઉશ્કેરે એવું અને ગાંધીજીને કારણે એમના અનુગામીઓની આસપાસ હૃદયને ઉત્તેજે એવું વાતાવરણ હતું. આવું કશું જ આ કવિઓના સદ્ભાગ્યમાં ન હતું. આ સત્ય જ્યારે જ્યારે આ કવિઓનું મૂલ્યાંકન થાય ત્યારે સતત સ્મરણમાં રહેવું જોઈએ. અને એમનું કાવ્યવિશ્વ અથવા રસવિશ્વ સાંકડું અને સીમિત કેમ છે એવું આશ્ચર્ય ન થવું જોઈએ. ગજેન્દ્રનું ૨૫ વર્ષની અતિ કાચી વયે ૧૯૨૭માં અવસાન થયું. કલાપીના અવસાન પછી અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એના જેવી જ આ એક મહાન કરુણ ઘટના છે. પછીથી એક રામનારાયણ જ પ્રૌઢ કવિતાને પામી શક્યા, એટલું એમનું કાવ્યબળ વિશેષ. ચન્દ્રવદને કાવ્યયાત્રાનો આરંભ કર્યો ત્યારે એમની ગઠરિયામાં એમણે શું શું બાંધ્યું હતું? દસેક વરસની વયે સુરતમાં અંબાજીને ચકલે મામાના ઘરમાં દિવસે માશીઓ પાસેથી ધ્રુવાખ્યાન અને રાતે મોતીમામા પાસેથી બત્રીસ પૂતળીની વાર્તાઓનું શ્રવણ અને જાતે જાતે ‘કાવ્યદોહન’નું વાચન — પ્રાચીન કવિઓનો આટલો પરિચય ઘરમાં થયો હતો. તો પંદરની વયે સુરતમાં કિલ્લાના મેદાનમાં સરકારી હાઈસ્કૂલમાં એ સમયના અંગ્રેજી ચોથા ધોરણમાં શાહસાહેબ પાસે ‘કુસુમમાળા’નાં કાવ્યોનો અભ્યાસ, એમના બુલંદ અવાજે એમાંના હરિગીત છંદના પઠનનું શ્રવણ, એમાંનાં ‘આશા પંખીડું’ અને ‘ચંદા’ કંઠસ્થ — આ હતો અર્વાચીન કવિતાનો પ્રથમ પરિચય. પાંચમા ધોરણમાં ‘રેક ઑફ ધ હેસ્પરસ’નો ચાર દિવસમાં હરિગીતમાં અનુવાદ અને દરુ માસ્તર પાસેથી પાંચ રૂપિયાનું ઇનામ — આ હતો પદ્યરચનાનો પ્રથમ અનુભવ. છઠ્ઠા ધોરણમાં મૂલાણી માસ્તર પાસે કેટલાક પ્રાચીન-અર્વાચીન કવિઓનાં કાવ્યોનો અભ્યાસ, ગોવર્ધનરામનું ‘વિધવાનું વૃત્તાન્ત’ અને ‘વિદ્ધ મૃગ’ કંઠસ્થ, સાતમા ધોરણમાં દોલતરામકૃત ‘ઇન્દ્રજિત વધ’નું કેટલુંક પદ્ય કંઠસ્થ — આ હતો વધુ પ્રૌઢ અર્વાચીન કવિતાનો વિશેષ અનુભવ. આ ઉપરાંત સુરતમાં બાલાજીને ટેકરે સરકારી મિડલ સ્કૂલમાં બીજા ધોરણમાં સહાધ્યાયી મંછુ શરાફ પાસેથી ઝડઝમકના છંદોનું શ્રવણ, આઠથી અઢારની વયે દસ વરસ લગી સતત સુરતમાં ઘરની ગલીની સામેના અંબાજીના મંદિરમાં નવરાત્રિમાં છઠ, સાતમ અને નોમ એમ ત્રણ રાત માતાના ભક્ત અમીચંદ પાસેથી ઝૂલણા, સવૈયા, દોહરા, ચોપાઈ, લાવણી તથા વીરરસના છંદોનું શ્રવણ, એક વૅકેશનમાં વડોદરાના બંગલામાં બા પાસેથી અને મદનઝાંપે નટો પાસેથી ‘ઉમાદેવડી’, ‘નરસિંહ મહેતા’ આદિ નાટકોનાં ગીતોનું શ્રવણ, બીજી એક વૅકેશનમાં અમદાવાદમાં ખાડિયામાં બાલાહનુમાન પાસે પુષ્કર્ણાની પોળમાં માતાપિતા સાથે વસવાનું થયું, ત્યારે જેમનો પરિચય થયો હતો તે ફાયરમૅન હિંમતલાલ જોશી પાસેથી ‘મણિકાન્ત કાવ્યમાળા’નાં ‘નિર્ભાગી નિર્મળા’ આદિ કાવ્યોનું શ્રવણ, સુરતમાં વાડીફળિયામાં નાકા પરના માતાજીના ઘરમાં જ્ઞાતિના એક વાર્ષિક સ્નેહસંમેલનમાં ચન્દ્રશંકર પંડ્યાના પ્રમુખપદે સુરતના પ્રસિદ્ધ કાવ્યસ્વરૂપ ખાંયણાંની શીઘ્રરચના — આ હતો પ્રચલિત અને લોકપ્રિય કવિતાનો અનૌપચારિક પરિચય. એક દાયકા જેટલો આ સમય એ ચન્દ્રવદનનો કાવ્યદીક્ષાનો સમય હતો. એમાં એમણે પિંગળનો એટલે કે જગણ-મગણનો, લઘુગુરુના ગણિતનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો ન હતો. ગણિતના વિષયમાં શાળા-કૉલેજમાં એકેએક પરીક્ષામાં મહામુસીબતે પાસ થયા હતા, શાળામાં અંગ્રેજી પહેલા અને પાંચમા ધોરણમાં તથા કૉલેજમાં પ્રથમ વર્ષમાં એમ ત્રણ વાર તો નાપાસ થયા હતા. ચન્દ્રવદને છંદ અને કવિતાનો અનુભવ પઠન-શ્રવણ દ્વારા જ કર્યો હતો. એથી હજુ તો કવિતાનું સર્જન કરે તે પૂર્વે જ કવિતા એટલે અવાજ એવી સમજ પ્રાપ્ત થાય એવું એમનું સદ્ભાગ્ય હતું. ચન્દ્રવદનની કવિતામાં ભાષા અને શબ્દોમાં જે સરળતા અને સ્વાભાવિકતા છે, છંદ અને લયમાં જે પ્રવાહિતા અને પ્રાસાદિકતા છે અને સવિશેષ તો છેલ્લા બે દાયકાની એમની કવિતામાં જે બોલચાલની ભાષાના લહેકા અને મરોડ છે એનું રહસ્ય એમના આ પઠન-શ્રવણના અનુભવમાં છે. આ સમયમાં હરિગીત છંદ અનાયાસે જ સિદ્ધ થયો હતો. પછીથી હરિગીત છંદ જેમના નામના પર્યાયરૂપ હતો તે નરસિંહરાવ સાથે સતત અંગત આત્મીય સંબંધ હતો છતાં ચન્દ્રવદને એક પણ કાવ્ય હરિગીત છંદમાં રચ્યું નથી, એ હરિગીતિયા કવિ થયા નથી એ મોટું આશ્ચર્ય છે. બલવન્તરાયની કવિતાની બાહ્ય અસરમાં જ કદાચને આ આશ્ચર્યનું સમાપન છે. ચન્દ્રવદન એમની ગઠરિયામાં આટલો કાવ્યાનુભવ બાંધીને ૧૯૨૦માં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈ આવ્યા અને આરંભમાં જ એમને સાક્ષરત્રિપુટીનો પરિચય થયો એ એમનું મોટું સદ્ભાગ્ય છે. કૉલેજના પ્રથમ વર્ષમા જ કવિમિત્ર ગોપાળજી લોહાણાને ઘરે અને કૉલેજની હૉસ્ટેલમાં ન્હાનાલાલ સાથે મિલન થયું. અને છ વરસ પછી અમદાવાદમાં થોડોક સમય વસવાનું થયું ત્યારે કવિ સાથે રોજનું મિલન, કવિના અભયદાનથી કવિથીયે મોટા અવાજે મુક્ત સંવાદો આદિને કારણે કવિ સાથે મૈત્રીનો સંબંધ પણ થયો. પછી કૉલેજની લાઇબ્રેરીમાં અને કૉલેજની સામેના કોર્નેલિયા રેસ્તોરાંમાં નરસિંહરાવ સાથે મિલન થયું. અને ત્રણ વરસ પછી ગુજરાતીના વર્ગમાં નિયમિત બે વરસ લગી પ્રાચીનોમાંથી નરસિંહ, અખો, પ્રેમાનંદ અને શામળ, અર્વાચીનોમાંથી કાન્ત અને ‘ભણકાર’ તથા ‘સ્મરણસંહિતા’નું એમની પાસે અધ્યયન, કાવ્યસર્જનમાં પ્રોત્સાહન, અંગત જીવનમાં આશ્વાસન આદિને કારણે નરસિંહરાવના અવસાન લગી એમની સાથે સતત અંગત આત્મીય સંબંધ થયો. પછી ઠાકુરદ્વાર પર ભીમરાવ વાડીમાં વૈકુંઠરાય ઠાકોરને ઘરે બલવન્તરાય સાથે મિલન થયું. સારો એવો સમય સ્વરચિત કાવ્યોનું કઠોર – બલકે ક્રૂર વિવેચન, ‘ભણકાર’નું અધ્યયન, વાદવિવાદ, સલાહસૂચન આદિને કારણે એમની સાથે એક બલિષ્ઠ બુદ્ધિના પ્રતિભાશાળી પુરુષ સાથે શક્ય એવો અને એટલો સંબંધ થયો. ચન્દ્રવદન મુંબઈ આવ્યા તે પૂર્વે જ સુરતમાં અંબાજીના મંદિરને ઓટલે ૧૯૧૭-૧૮માં છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે સોળ-સત્તર વર્ષની વયે મિત્ર ઠાકોરલાલ ઠાકોરની ભત્રીજી અને વૈકુંઠરાય ઠાકોરની આઠેક વર્ષની પુત્રી પ્રિયંવદાનું પ્રથમ મિલન થયું હતું. પછી થોડાક જ સમયમાં, જ્યાં પોતાનો જન્મ થયો હતો એ આજની દેસાઈની પોળની પાછલી શેરીમાં અને પોતાના જ કુટુંબની બીજી શાખામાં જેનો જન્મ થયો હતો અને પોતાને જેનો કોઈ જ પરિચય ન હતો તે બારેક વર્ષની ધીરજલાલ કોમોડોરની પુત્રી વિલાસ સાથે જગત જાણે પછી પોતે જાણે એમ પોતાને પૂછ્યાગાછ્યા વિના જ ચન્દ્રવદનનો વિવાહ થયો હતો. પ્રિયંવદા અને એનાથી વયમાં ચારપાંચ વર્ષ મોટી વિલાસ એક જ કન્યાશાળામાં અભ્યાસ કરે પણ ચન્દ્રવદને પ્રિયંવદા સાથેના સંવાદોમાં વિલાસ વિશે રસ પ્રગટ કર્યો ન હતો. ચન્દ્રવદને પ્રિયંવદા સાથે અમદાવાદ-ગંગાપુરનો પ્રવાસ પણ કર્યો હતો અને ત્યારે અમદાવાદમાં ગોટીની શેરીમાં એમનું પ્રિયંવદાથી વયમાં ચારપાંચ વર્ષ મોટી એની માસી અને ઠાકોરલાલ ઠાકોરની પુત્રી, જેનું અંબાજીના મંદિરને ઓટલે પ્રિયંવદા સાથે દર્શન થયું હતું તે સુમતિ સાથે પ્રથમ મિલન થયું હતું. પછી ૧૯૨૪માં સુમતિ સાથે વલસાડનો પ્રવાસ પણ કર્યો હતો. ચન્દ્રવદન મુંબઈ આવ્યા પછી બેએક વરસમાં જ પ્રિયંવદા ક્ષયના રાજરોગ સાથે મુંબઈ આવી. ઠાકુરદ્વાર પર ભીમરાવ વાડીમાં પિતાને ઘરે એ શય્યાબદ્ધ હતી ત્યારે એની મોટી બહેન અનસૂયાનો પરિચય થયો. પછી પ્રિયંવદા, સુમતિ અને અનસૂયા સાથે આગ્રાનો પ્રવાસ કર્યો. હૉસ્ટેલમાં સ્થાન સુલભ ન હતું એથી વૈકુંઠરાયની ઉદારતાથી એમને ઘરે થોડોક સમય વસવાનું પણ થયું. વચમાં આ સમયમાં લગ્ન કરવું ન હતું છતાં ચન્દ્રવદનનું અનિવાર્ય સંજોગવશાત્ વિવાહિતા વિલાસ સાથે લગ્ન થયું. અંતે ૧૯૨૬માં પંદર વર્ષની વયે પ્રિયંવદાનું અવસાન થયું ત્યાં લગીમાં સતત મૃત્યુની છાયામાં ચન્દ્રવદનનો પ્રિયંવદા સાથે મનુષ્યની ભાષાના કોઈ પણ શબ્દથી જેને નામ ન આપી શકાય એવો સંબંધ થયો હતો. ચન્દ્રવદનનો આ અનુભવ એ એમના કવિજીવનના પૂર્વાર્ધનો એકમાત્ર કાવ્યાનુભવ છે. ચન્દ્રવદનના જીવનમાં પ્રેમ અને મૃત્યુનો એક રૂપે, પ્રિયંવદા રૂપે પ્રવેશ થયો. ચન્દ્રવદનના જીવનની આ કરુણ નિયતિ હતી. ૧૯૨૨માં પ્રિયંવદા અસ્થિક્ષયના અસાધ્ય રોગ સાથે મુંબઈ આવી ત્યારે સૌને — ચન્દ્રવદન સુધ્ધાંને — મૃત્યુના દુર્નિવાર દૈવનો અનિવાર્ય અનુભવ થયો હતો. ચન્દ્રવદને ‘એના જીવતાં એના અવસાન વિશે ખાસ્સું ૫૦૦-૬૦૦ લીટીનું કાવ્ય લખ્યું.’ કૉલેજમાં ‘સ્મરણસંહિતા’ અને ‘એડોનિસ’નો અભ્યાસ કરવાનો હતો. અંગ્રેજી ભાષાની ચાર અને ગુજરાતી ભાષાની છ પ્રસિદ્ધ કરુણપ્રશસ્તિઓ વાંચી હતી. વિલ્સન અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં એ વિશે ભાષણ આપ્યું હતું. નાની, સુન્દર બાંધણીની ડાયરી ખિસ્સામાં સતત સાથે રહેતી હતી. એમાં એક દિવસ એક સાથે ૨૦૦-૨૫૦ પંક્તિઓ રચી અને ડાયરી ખોવાઈ ગઈ. ફરીથી ૫૦૦-૬૦૦ પંક્તિઓ રચી. પ્રિયવંદાએ અકસ્માત્ એ વાંચી હતી અને પોતાની નોંધ સાથે એની એક નકલ પોતાની પથારી નીચે જીવની જેમ જતનથી સાચવી હતી. આ કાવ્યનું નામ ‘ભ્રમ’. એમાં ત્રણ વિભાગ છે : ‘સાંજ’, ‘મધરાત’ અને ‘પરોઢ’. ‘સાંજ’માં એક યુવાન પોતાનું દુઃખ ગાય છે, પછી નિદ્રાધીન થાય છે. ‘મધરાત’માં આ યુવાનને એક દેવદૂત જાગ્રત કરે છે, આશ્વાસન આપે છે, અને મૃત્યુનું રહસ્યોદ્ઘાટન કરે છે. આથી યુવાનમાં આશા જન્મે છે. ‘પરોઢ’માં ચૈતન્યનું દ્વાર ખૂલે છે, દિવ્ય તેજનો સૂર્ય ઊગે છે, યુવાન એને નમન કરે છે. કાવ્યના અંતમાં ‘ચિંતનાત્મક, અમુક ફિલસૂફીનું પ્રતિપાદન કરવાની ભાંજગડમાં’ કાવ્ય અપૂર્ણ રહ્યું અને અપ્રસિદ્ધ પણ રહ્યું. નરસિંહરાવ અને બલવન્તરાયને એક એક નકલ મોકલી હતી. નરસિંહરાવે એમાં જોડણીનો સુધારો કર્યો, બલવન્તરાયે કેટલીક પંક્તિઓનું બલવન્તી શૈલીમાં પાઠાન્તર કર્યું. ન્હાનાલાલને નકલ મોકલી જ ન હતી. આ સાક્ષરત્રિપુટી અને ચન્દ્રવદનના પરસ્પરના અંગત સંબંધોના, હવે પછી જોઈશું તે સંદર્ભમાં, આ ઘટનાઓ સૂચક છે. ‘ભ્રમ’ પ્રસિદ્ધ ન થાય ત્યાં લગી ચન્દ્રવદનની એ વિશે મૌન ધરવાની પ્રતિજ્ઞા છે. એમના મૌનને માન આપીને હું પણ ‘ભ્રમ’ વિશે અહીં મૌન ધરું છું. ‘ભ્રમ’ એ ચન્દ્રવદનનું પ્રથમ ઇલાકાવ્ય. સાથે સાથે અન્ય ઇલાકાવ્યોની રચના પણ થતી જતી હતી. એનું ‘ગુજરાત’, ‘વસંત’ અને પછીથી ‘કુમાર’ આદિ સામયિકોમાં પ્રકાશન થતું જતું હતું. આ એક દાયકામાં ચન્દ્રવદને ‘યમલ’, ‘ઇલાકાવ્યો’ અને ‘રતન’ એમ ત્રણ કાવ્યસંગ્રહોમાંની કૃતિઓ રચી છે. એમાંથી વિવિધ છંદોમાં ‘ઇન્દુ’ કાવ્યનું કવિના નામોલ્લેખ વિના બલવન્તરાયે ૧૯૨૩માં ‘કવિતાશિક્ષણ’માં વિવેચન કર્યું હતું. એમાં બલવન્તરાયે વિચારશક્તિ અને સર્ગશક્તિ તથા ચિંતન અને ધૃતિના અભાવને કારણે દુર્બોધતા અને ક્લિષ્ટતાનું દોષદર્શન કર્યું છે. તો એમાંથી પૃથ્વી છંદમાં ‘નિરાશા’ સૉનેટ નરસિંહરાવના આશીર્વાદરૂપ વિવેચન સાથે ૧૯૨૪માં ‘વસંત’માં પ્રગટ થયું હતું. એમાં નરસિંહરાવે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપના અદ્ભુત યોગને કારણે અસાધારણ સૌંદર્યનું ગુણદર્શન કર્યું હતું. ૧૯૨૬માં પૃથ્વી છંદમાં ચૌદ સૉનેટની સૉનેટમાલા ‘યમલ’નું બલવન્તરાયના ‘પ્રવેશક’ સાથે પ્રકાશન થયું. એ ‘મા’ને અર્પણ થયું છે. ચૌદ પંક્તિનું એક એવાં ચૌદ સૉનેટ અને સુન્દર મુદ્રણ, ત્રણ ચિત્રો તથા દ્વિરંગી આર્ટપેપરના જૅકેટ સાથે સંગ્રહનું મૂલ્ય પણ ચૌદ આના. વેચાણ પણ હજારમાંથી માંડ ચૌદ નકલનું. ત્રણસો-ચારસો નકલો ભેટ આપી હતી. પ્રેસનું બિલ મુરબ્બી મિત્ર ભુલાભાઈ દેસાઈએ ચૂકવ્યું હતું. ‘યમલ’માં યમલ એટલે જોડિયા ભાઈબહેનના પ્રેમ અને મૃત્યુના સહગમનની કથા છે. ‘પ્રવેશક’માં બલવન્તરાયે એમાં અર્થ, આત્મા અને વાણી દ્વારા સૌષ્ઠવ અને રૂપનું ભાવના રૂપે દર્શન કર્યું છે. પછીથી સુન્દરમે એમાં બલવન્તરાયની શૈલીનું પ્રાસાદિકતાભર્યું નવું સ્ફુરણ અનુભવ્યું છે. અને પોતાને પૃથ્વી છંદનું જ્ઞાન ન હતું ત્યારે ચન્દ્રવદને એનો ચોટદાર પ્રયોગ કર્યો એનો પ્રભાવ પણ અનુભવ્યો હતો. બલવન્તરાયને ‘પ્રેમનો દિવસ’ સૉનેટમાલા રૂપે રચવાની મહેચ્છા હતી. પણ એમાં સૉનેટેતર કાવ્યો રચવાનું પણ અનિવાર્ય થયું એથી એમણે ‘યમલ’નું ‘ગુજરાતી કવિતામાં પ્રથમ પહેલી સૉનેટમાલા’ તરીકે સ્વાગત કર્યું છે. ચન્દ્રવદને નરસિંહરાવ અને સ્વયં બલવન્તરાય પાસે ‘ભણકાર’નું અધ્યયન કર્યું હતું. છતાં ‘યમલ’માં બલવન્તરાયની બુદ્ધિપ્રતિભાનો એક પણ અંશ નથી. એમાં માત્ર પૃથ્વી છંદ, અગેય પ્રવાહી પદ્ય અને સૉનેટ કાવ્યપ્રકાર એટલી જ બલવન્તરાયની સ્થૂલ અને બાહ્ય અસર છે. ‘યમલ’નો અહીં ઉલ્લેખ થાય એ માટે એ ગુજરાતી ભાષાની પ્રથમ સૉનેટમાલા છે એ જ એની એકમાત્ર પાત્રતા છે. ૧૯૩૩માં ‘ઇલાકાવ્યો’ પ્રસિદ્ધ થયાં. એમાં મુખ્યત્વે ઇલા નામની ત્રિમૂર્તિ — પ્રિયંવદા, સુમતિ અને અનસૂયાને સંબોધનરૂપ કાવ્યોનો સંગ્રહ છે. એમાં પણ મુખ્યત્વે પૃથ્વી અને દ્રુતવિલંબિત છંદોમાં ‘યમલ’ના પુનર્મુદ્રણ અને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ ૩૫ સૉનેટ છે. પાઠકસાહેબે ઇલાકાવ્યોમાં સંસ્કૃત વૃત્તો, અંત્યપ્રાસ, પ્રેમની સૌમ્યતા અને મર્યાદાને કારણે શાંત વાતાવરણ અનુભવ્યું હતું. એમણે શૈશવની મિલનમધુર નિર્દોષતા અને મૃત્યુ-સ્વર્ગ-મોક્ષ અંગેની તરંગલીલાનો પણ ઉલ્લેખ કર્યો છે. અલબત્ત, મૃત્યુ અંગેનાં કાવ્યોમાં કલ્પનાનાં ઊંચાં ઉડ્ડયનો છે એમ પણ ઉમેર્યું હતું. પણ એમણે દ્રુતવિલંબિત છંદમાં જે સાત સૉનેટની સૉનેટમાલા ‘કંચનજંઘા’ને કારણે ઇલાકાવ્યોમાં પ્રકૃતિવર્ણનો વૈવિધ્ય અર્પે છે એમ નોંધ્યું હતું એ ‘કંચનજંઘા’ બલવન્તરાયને વિચારસમૃદ્ધિમાં સાધારણ લાગી હતી. અને સમગ્ર ઇલાકાવ્યોમાં વિચારવણાટ આછો છે અને પ્રકાશ પણ ખાસ આંખે વળગે એવો નથી એમ નોંધ્યું હતું. બલવન્તરાયે પૃથ્વી છંદમાં ‘સ્મારક’ને ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં સ્થાન આપ્યું છે. સંગ્રહમાં મૃત્યુ વિશેનાં કાવ્યો મુખ્યત્વે દ્રુતવિલંબિત છંદમાં છે એ સૂચક છે, એમાં સૂઝ અને ઔચિત્ય છે. સંગ્રહનાં કુલ ૪૨ કાવ્યોમાંથી ૧૯ કાવ્યો બબ્બે યુગ્મના એક એક શ્લોકમાં ઇન્દ્રવજ્રા અને ઉપજાતિ છંદમાં છે. એમાં દલપતરામની સ્પષ્ટ અસર છે. ‘ઇલાકાવ્યો’માં ‘દલપતશૈલીનો વધારે કલ્પનારસિત પુનર્જન્મ થયો છે’ એમ સુન્દરમે નોંધ્યું છે. ‘ઇલાકાવ્યો’, અલબત્ત, બાળકાવ્યો નથી. ભાવમયતા અને ભાવનામયતાને કારણે એ બાળકાવ્યોથી કંઈક વિશેષ છે. એમાં બુદ્ધિમત્તા અને પ્રગલ્ભતા નથી એથી એ પ્રૌઢકાવ્યો પણ નથી. ‘ઇલા’ શબ્દ માત્ર સ્મારક નથી, પર્યાય છે કૌમાર્યનો, પ્રતીક છે ષોડશીનું. ઇલાકાવ્યોની કવિતા એટલે કિશોરકવિતા. ૧૯૩૭માં સળંગ પૃથ્વીછંદમાં ૧૬૩૩ પંક્તિનું કથાકાવ્ય ‘રતન’ પ્રગટ થયું. ૧૯૨૪માં સુમતિ સાથે વલસાડનો પ્રવાસ કર્યો હતો. ત્યારે પરાગજીએ ધના પટેલની કથા કહી હતી. એ તો આ કાવ્યનું નિમિત્ત. એની સાચી પ્રેરણા પ્રિયંવદા અને સુમતિના પ્રેમમાં અને પ્રિયંવદાના મૃત્યુમાં છે. એનો આરંભ ૧૯૨૪માં. એની પૂર્ણાહુતિ ૧૯૨૯માં. વચમાં ૧૯૨૬માં પ્રિયંવદાનું મૃત્યુ. કાવ્યના કેન્દ્રમાં રતનનો ભગિનીપ્રેમ છે. ગ્રામપ્રદેશની આ કથામાં રતનનો ત્યાગ અને એનું મૃત્યુ એ મુખ્ય અનુભવ છે. ૧૯૩૧માં સુમતિનું મૃત્યુ થયું પછી ‘રતન’ પ્રગટ થયું એથી એ સુમતિને અર્પણ થયું છે. ‘આ તો અમારી ધરતીનો રોપ’ એમ આ કાવ્યથી સોરઠી સાફા સાથે મેઘાણીનું માથું ધૂણ્યું હતું! ‘ઠાકોરની અરૂઢ રીતિને તેનાં રુક્ષ અને ક્લિષ્ટ અંગોનો પરિહાર કરીને વધુ પ્રાસાદિક રૂપે ચન્દ્રવદને ‘રતન’માં વિસ્તારી છે’ એમ સુન્દરમે નોંધ્યું છે. પણ આ કાવ્યમાં કાર્ય અને પાત્રો અંગેની સૂક્ષ્મ અને માર્મિક સૂઝસમજનો અભાવ છે. ૧૬૩૩ પંક્તિમાંથી ૬૪૪ પંક્તિમાં જેને ફ્રેન્ચ પિંગળમાં ‘enjambement’ અને અંગ્રેજી પિંગળમાં ‘overflow’ અથવા ‘run-on’ કહેવાય છે તે અંત્યયતિભંગ છે. ‘નિરાશા’ સૉનેટમાં એક જ પંક્તિમાં અંત્યયતિભંગને નિમિત્તે નરસિંહરાવને આઘાત થયો હતો. એમણે જો ‘રતન’ વાંચ્યું હોત તો એનાથી એમને ૬૪૪ ગણો આઘાત થયો હોત! ‘રતન’નો અહીં ઉલ્લેખ થાય એ માટે એમાં વિપુલ અંત્યયતિભંગને કારણે પૃથ્વી છંદમાં પ્રવાહિતા છે અને સરલ સ્વાભાવિક ભાષાને કારણે પદાવલિમાં પ્રાસાદિકતા છે એ જ એની એકમાત્ર પાત્રતા છે. બલવન્તરાયે ‘કવિતાશિક્ષણ’માં ચન્દ્રવદનના ‘ઇન્દુ’ કાવ્ય પર જાહેરમાં આક્રમણ કર્યું અને ‘પ્રવેશક’માં સૂચવ્યું છે તેમ ‘યમલ’નાં સૉનેટ પર ચન્દ્રવદનને ખાનગીમાં દોષદર્શન કરાવ્યું એટલે બલવન્તરાયે ‘કવિતાશિક્ષણ’ની બીજી આવૃત્તિની પાદટીપમાં ૧૯૪૫માં નોંધ્યું છે તેમ ચન્દ્રવદને નરસિંહરાવનો આશ્રય લીધો. એટલે નરસિંહરાવે બલવન્તરાય પર જાહેરમાં પ્રતિ-આક્રમણ કર્યું. એમાં એક તો એમણે ‘હૃદયવીણા’માંથી પોતાનાં જ કાવ્યોમાંથી બે અવતરણો આપીને આત્મસ્તુતિનું અનૌચિત્ય આચર્યું અને બીજું અસંબદ્ધ અને અપ્રસ્તુત હોવા છતાં ‘ભણકાર’માંથી યતિભંગ, શ્રુતિભંગ અને અંત્યયતિભંગનાં અનેક ઉદાહરણો આપીને પરનિંદાનું અનૌચિત્ય પણ આચર્યું. નમ્ર અને ભક્ત હૃદયના સજ્જનથી પણ અહમ્ અને ઈર્ષ્યાને કારણે ક્યારેક સંયમ અને સૌજન્યનો કેવો તો ભંગ થાય છે એનું એમાં કરુણ ઉદાહરણ છે. નરસિંહરાવમાં જીવનભર ગેયતાનું ભક્તિદાસ્ય. એથી આ વિવેચનમાં ચિંતનોર્મિકાવ્ય, મહાકાવ્ય અને પદ્યનાટકમાં જે અનિવાર્ય તે અગેય પ્રવાહી પદ્ય ગુજરાતી પિંગળમાં યતિભંગ, શ્રુતિભંગ, શ્લોકભંગ દ્વારા જ સિદ્ધ થાય એ સત્ય સમજવા સ્વીકારવાની એમની શ્રવણેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયની અશક્તિનું જ પ્રદર્શન થયું છે. ‘યમલ’નાં સૉનેટમાં પૃથ્વી, અગેય પ્રવાહી પદ્ય અને સૉનેટ કાવ્યસ્વરૂપનો એટલે કે પોતાના પક્ષપાતનો પુરસ્કાર થયો એથી બલવન્તરાયને કંઈક આત્મસ્તુતિ જેવો આનંદ થયો અને એમણે ‘પ્રવેશક’માં અને પછી ‘લિરિક’ના પરિશિષ્ટમાં અને ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’નાં ટિપ્પણોમાં ચન્દ્રવદનની કવિતાને નિમિત્તે નરસિંહરાવ પર કંઈક પરનિંદા જેવું પ્રતિ-પ્રતિઆક્રમણ કર્યું. નરસિંહરાવે ‘રોજનીશી’માં નોંધ્યું છે તેમ ચન્દ્રવદનના એક કાવ્યમાં ‘વીરી’ શબ્દ એમના કાનને કર્કશ, અરુચિકર લાગ્યો એથી એમણે એ નાપસંદ કર્યો ત્યારે સૌરાષ્ટ્રમાં વપરાય છે અને દલપતરામે વાપર્યો છે એવો ન્હાનાલાલનો આધાર ચન્દ્રવદને નરસિંહરાવની સામે ધર્યો. આમ, ચન્દ્રવદનની કવિતાને નિમિત્તે નરસિંહરાવ અને બલવન્તરાયે પરસ્પર પર આક્રમણ-પ્રતિઆક્રમણ કર્યું હતું અને પોતાની કવિતા પર જ્યારે બલવન્તરાયનું આક્રમણ થયું ત્યારે ચન્દ્રવદને નરસિંહરાવનો અને જ્યારે નરસિંહરાવનું આક્રમણ થયું ત્યારે ન્હાનાલાલનો આશ્રય લીધો હતો. ન્હાનાલાલે કદી ચન્દ્રવદનને ન તો નરસિંહરાવની જેમ આશ્રય આપ્યો કે બલવન્તરાયની જેમ એમની કવિતા પર જાહેરમાં કે ખાનગીમાં આક્રમણ કર્યું અને ન તો ચન્દ્રવદનની કવિતાને નિમિત્તે જાહેરમાં જીભાજોડી કે વાદવિવાદ દ્વારા નરસિંહરાવ કે બલવન્તરાય પર, એ બન્નેએ પરસ્પર પર કર્યું હતું તેમ, આક્રમણ-પ્રતિઆક્રમણ કર્યું. ન્હાનાલાલ એટલા સાત્ત્વિક અને સ્વમાની હતા. એક મનુષ્ય બીજા મનુષ્યને વાપરે,એનો લાભ ઉઠાવે, એનો દુરુપયોગ કરે એના જેવું આ જગતમાં કોઈ પાપ નથી. નરસિંહરાવ કે બલવન્તરાયે કદી એનું પ્રાયશ્ચિત્ત ન કર્યું અને ચન્દ્રવદને કર્યું તો ‘દેડકાંની પાંચશેરી’ રચીને કર્યું. બલવન્તરાયે ‘સમૃદ્ધિ’નાં વિવરણોમાં વિધાન કર્યું છે, ‘કર્તાએ ઇલા નામે સામાન્ય રીતે પોતા જેવડી કે કોઈ વાર ન્હાની, કોઈ વાર મોટી ઉંમરની બહેનને કલ્પીને… ઇલાકાવ્યો રચ્યાં છે. કર્તા ‘ઇલા’ નામ વડે પોતાની ત્રણ-ચાર બહેનોને કહો કે સખીઓને… એક સાથે લઈ લેવાના પ્રયત્નમાં સૌને લાગુ પડે એવું લખવા જાય છે અને કોઈનેય બરાબર લાગુ ન પડે એવું લખે છે… કલામાં ‘સાધારણીકરણ’ એટલે શું? કલામાત્રમાં વ્યક્તિત્વ અને સજીવનતા શી ચીજ છે, કે કેમ સધાય વગેરે એમની કૃતિઓમાં દેખાતું નથી.’ ઠાકુરદ્વાર પર ભીમરાવ વાડીમાં વૈકુંઠરાયના ઘરમાં બલવન્તરાય ચન્દ્રવદન અને પ્રિયંવદાના સંબંધના સાક્ષી હતા, સગી આંખે એમણે આ સંબંધ જોયો હતો એથી એમણે અહીં ‘બહેનો’ શબ્દ પર સુધારો સૂચવીને ‘સખીઓ’ શબ્દ યોજ્યો છે. ભગવાને ચન્દ્રવદનને સુમન, દયમંતી, સરલા અને ઉષા એમ ચાર નાની બહેનો આપી હતી, છતાં એમણે એમની સખીઓ પ્રિયંવદા, સુમતિ અને અનસૂયાને બહેનો માની હતી. અને એમનો ‘ઇલા’માં સરવાળો કર્યો હતો. એથી બલવન્તરાયે ઇલાને કાલ્પનિક ગણી છે. વળી કલામાં સાધારણીકરણ થાય છે એટલે કે વાસ્તવિકનું કાલ્પનિકમાં રૂપાન્તર થાય છે. ચન્દ્રવદને ‘ઇલાકાવ્યો’ની ત્રીજી આવૃત્તિના નિવેદનમાં ત્રણ વ્યક્તિઓના નામોલ્લેખ સાથે ઇલા વાસ્તવિક છે એવો બલવન્તરાયનો પ્રતિકાર કર્યો છે. ઇલા વાસ્તવિક કે કાલ્પનિક? આ પ્રશ્નનો ઉત્તર છે ઇલા વાસ્તવિક અને કાલ્પનિક બન્ને. પણ તે ઉપરાંત ચન્દ્રવદનની સાક્ષીએ, એટલે કે એમના શબ્દોની સાક્ષીએ કહી શકાય કે ઇલા કૃતક પણ છે. ચન્દ્રવદને ‘રતન’ના નિવેદનમાં ઇલાનું સત્ય, ઇલાનું રહસ્ય આ શબ્દોમાં પ્રગટ કર્યું છે : ‘મનુષ્યનો સાચો સ્વભાવ તો તેના અંતરને, જાણ્યે-અજાણ્યે સમય મળતાં વ્યક્ત કરવા તલસે જ છે, પણ અહીંની દુનિયાનું ડહાપણ એને એ ભીતરમાં છુપાવવાની છેતરપિંડી આદરવાનું ફરમાવે છે.’ ચોખલિયાઓના ભયથી ભીરુની જેમ એમના જેવા જ ચોખલિયા ન થવાનું, પણ વીરની જેમ સાચો સ્વભાવ વ્યક્ત કરવાનું અને એને ભીતરમાં છુપાવવાની છેતરપિંડી ન આદરવાનું સાહસ ચન્દ્રવદને કર્યું હોત તો? એટલું પ્રેમશૌર્ય એમનામાં પ્રગટ્યું હોત તો?તો ઇલા કાલ્પનિક છે, ઇલા કૃતક છે એવો અપવાદ ઇલાકાવ્યો પર ન આવ્યો હોત! અને હૃદયદૌર્બલ્ય અને મનોરુગ્ણતાને કારણે એમની કવિતાને સહન કરવાનું ન થયું હોત! ‘સૌનો સાળો, સૌનો સસરો દ્વિજ દલપતરામ.’ એ દલપતરામનું ચોખલિયાપણું. ન્હાનાલાલની આત્મલગ્નની ભાવના એ આ ચોખલિયાપણાની બીજી આવૃત્તિ, પણ ન્હાનાલાલ મહાન કવિ એથી એ એની વિસ્તૃત આવૃત્તિ. ચન્દ્રવદનનો ભગિનીપ્રેમ એ આ ચોખલિયાપણાની ત્રીજી આવૃત્તિ અને ચન્દ્રવદન ન્હાનાલાલના અનુજ કવિ એથી એ એની સંક્ષિપ્ત આવૃત્તિ. પ્રેમ અને મૃત્યુ બેમાંથી એકને પણ જીવવા-જીરવવાનું સોહ્યલું નથી. બન્ને જીવવા – જીરવવાનું ભલભલા માટે દોહ્યલું છે, તો ચન્દ્રવદન માટે ક્યાંથી સોહ્યલું હોય? ૧૯૨૬માં પ્રિયંવદાના મૃત્યુ પછી આજ લગી એટલે કે પંચોતેરમા વર્ષ લગી – પૂરી અરધી સદી લગી ચન્દ્રવદન જીવન જીવી અને જીરવી શક્યા છે એનું રહસ્ય છે સતત નાટક અને તેમાંય હાસ્યનાટક જેવા અત્યંત પરલક્ષી સાહિત્યપ્રકારનું અને છેલ્લા બે દાયકાથી હાસ્યકાવ્ય જેવા ઓછામાં ઓછા આત્મલક્ષી કવિતાપ્રકારનું એમનું સર્જન. ‘કોલોકિયલ ગુજરાતીમાં કવિતા’માં પ્રેમ પર, ‘કીડી — સ્વર્ગની સીડી’માં પરોપજીવિતા પર, ‘બુર્ઝવા’માં પ્રતિષ્ઠિતોના પ્રપંચ પર, ‘નવી કવિતા’માં વિવેચકો પર અને ‘ઓ ન્યૂયૉર્ક’માં આધુનિક યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિ પર કટાક્ષયુક્ત હાસ્યની કવિતા છે. ચન્દ્રવદનની કવિતા એક દાયકામાં ત્રણ કાવ્યસંગ્રહો દ્વારા સાક્ષરયુગના ત્રણ અને ગાંધીયુગના ત્રણ એમ છ વિવેચકો માટે ધ્યાનપાત્ર હતી એ હકીકત આજે પણ નોંધપાત્ર છે. આજે અને હવે પછી ચન્દ્રવદનની કવિતાએ પૃથ્વી છંદ, અગેય પ્રવાહી પદ્ય, સૉનેટ કાવ્યપ્રકાર અને ભગિનીપ્રેમની નવીનતા દ્વારા નહિ પણ એના સત્ત્વની સનાતનતા દ્વારા ટકવાનું રહેશે. ‘સ્મારક’ એના સંયમને કારણે, ‘વિસર્જન’ એના સામર્થ્યને કારણે અને કેટલાંક હાસ્યકાવ્યો એમના સર્વાનુભવને કારણે કવિતારસિકોનું હંમેશાં આકર્ષણ અને રસસંતર્પણ કરશે. ચન્દ્રવદનની કવિતામાં પૃથ્વી છંદ, અગેય પ્રવાહી પદ્ય અને સૉનેટ કાવ્યપ્રકારનો પુરસ્કાર છે અને એમનાં બે સર્વશ્રેષ્ઠ કાવ્યો ‘સ્મારક’ અને ‘વિસર્જન’ બલવન્તરાયની પરંપરામાં સિદ્ધ થયાં છે છતાં ચન્દ્રવદન બલવન્તરાયની પરંપરાના કવિ નથી પણ એમાં ઉપજાતિ છંદ, ચોખલિયાપણું અને હાસ્ય છે એથી એકંદરે એ દલપતરામની પરંપરાના કવિ છે. આજે એમની પંચોતેરમી જન્મતિથિએ, આ અમૃત મહોત્સવ પ્રસંગે ઇલાકાવ્યોના કવિ ચિરશિશુ ચિરંજીવી ચન્દ્રવદનને મારા અંત:કરણના આશીર્વાદ છે કે આમ ને આમ હસતા હસતા અને હસાવતા હસાવતા સો વરસના થજો!

(મુંબઈમાં ‘ઇન્ડિયન નેશનલ થિયેટર’ના ઉપક્રમે અમૃત મહોત્સવ પ્રસંગે વક્તવ્ય. ૬ એપ્રિલ ૧૯૭૬.)

*