હયાતી/૬૨. આ ક્ષણે જ
Jump to navigation
Jump to search
૬૨. આ ક્ષણે જ
આગળ ને પાછળ આંખો રાખી
મારા ઉંબર પર બેઠેલા
મૃત્યુને જોઈ હવે હું છળી મરતો નથી :
એનાં ક્ષેમકુશળ પૂછું છું
અને એ થાકી ગયું હોય તો અંદર આવી
આરામ કરવા કહું છું.
ક્યારેક એ અંદર આવી
મારી સાથે હાથ મિલાવે છે,
અને પૂછે છે....
ફરી નિરાંતે ક્યારે મળીશું?
આ આંખ–કાન–નાક–જીભ–ત્વચા
બધાંથી ઘેરાયેલો છું –
તને મળવાનું એકાંત એ સૌ આપે
એની જ પ્રતીક્ષામાં છું.
નિરાંતે મળવું છે –
એકાંત મળે તો આ ક્ષણે જ,
પણ
ક્ષણ એટલે કેટલો સમય?
૩૦–૫–૧૯૭૨