હયાતી/૬૩. અડવું લાગે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૩. અડવું લાગે

એક વળી પર કસીકસીને બાંધો મારો દેહ
અને જોજો કે રસ્તે ક્યાંય ચસે ના,
આ મારગ, આ માટી સંગે એવો એનો નેહ
કે એનું ચાલે તો એ ક્યાંય ખસે ના.

પિંજર પ્રજળી રહ્યું તમારી સંગ ઊભો હું,
હુંય તમારી જેમ અગન–જ્વાળાને મોહું,
મુખનો ભાર ઘટાડો, લ્યો, હું નયણે સોહું,
આ તે કેવી રીત, સ્મરણનું રચવા બેઠાં
આલય, એમાં કોઈ વસે ના?

એ જ હતો અપરાધ, જીવતો હતો ત્યાં સુધી ગાતો,
થોડો થોડો હજી જાળવી રાખો લયનો નાતો,
મિત્ર, જરા તો હસો, રુદનનો ભાર નથી જીરવાતો,
કેવી હૂંફભરી પ્રજળે છે મારી કેસરવરણી ચેહ
કે અડવું લાગે જ્યારે કોઈ હસે ના.

૪–૫–૧૯૭૨