હયાતી/૭૭. હવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૭. હવે

ગયું અંધારું ને અવ લગીર ઓથાર પણ ક્યાં?
કૃપાના સૂર્યે આ જગત કશું આલોકિત થયું :
વિષાદોની સૃષ્ટિ અસહ, પણ એ ધુમ્મસ હતી
બધાં આંસુ થંભ્યાં વિમલતર ચ્હેરે સ્મિત ઠર્યું.

અમે તો માન્યું કે પગલું નવ એકે ઊપડશે
છતાં આંધી વચ્ચે સ્થિર ચરણ સાથે ગતિ થઈ.
અમે માન્યું, વાણીઝરણ અટક્યું, શબ્દ સ્થગિત :
થઈ વ્હેતી વાચા શુભ શબદગંગા વહી રહી.

હવે લીલાં વૃક્ષો પર નયન આલંબન ગ્રહે
થયો ચોખ્ખો રસ્તો, સુરભિત હવા, સ્વચ્છ તડકો :
ઉદાસીનો ઘેરો પટલ અવ તો શીર્ણ, અમને
હૂંફાળા હાથેથી સતત જનની, નિત્ય અડકો.

હવે ચોખ્ખો ચ્હેરો નીરખ નિત માના પદનખે
હવે તો શ્રદ્ધાના શિખર પર આરોહણ, સખે!

૧૧–૧૦–૧૯૭૧