હયાતી/૭૮. કૃપાઓઘ


૭૮. કૃપાઓઘ

હવે ચોખ્ખો ચ્હેરો નીરખ નિત માના પદનખે
નથી આશંકાનાં ઘન, નભ થયું નિર્મળ હવે :
અશ્રદ્ધાનાં ગાઢાં વન પણ વટાવ્યાં, પ્રિય સખે!
હવે વહેતી વાચા, અધર પણ એના ગુણ સ્તવે.

પ્રલંબાતા રસ્તા પર સરસ ને શીતળ હવા
હવે ઉદ્યાનોમાં થઈ પથ જતો નિત્ય તુજનો,
રહ્યાં શબ્દોથી જે પર, કવન લાધે નિતનવાં
ઉઘાડે નેત્રો તો અવર નવ, છે સર્વ સ્વજનો.

કદી તોફાનોમાં અવિચલ રહ્યો દીપ સ્થિર થૈ
પ્રસારે છે તારે ભવન અજવાળું અખિલનું,
કદી સંગોપાયું ધરણી મહીં જે પાનખરમાં
હવે એ બીજેથી તરુ વિલસતું પૂર્ણ રસનું.

હવે એ નેત્રોનો પટ અજબ આકાશ થઈને,
લચે છે જો તારા શિર પર કૃપાઓઘ લઈને.

૧૧–૧૦–૧૯૭૨