હયાતી/૮૬. આજ હું ઉદાસ નથી થાતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮૬. આજ હું ઉદાસ નથી થાતો

આજ હું ઉદાસ નથી થાતો, કે કાલના
જુવાનિયાની આંખ ન્હોય ભીની,
આજની આ વેદના વરાળ સમી, એટલે જ
યાદ કરું વારતા પછીની.

આ તને આશ્લેષે લીધી
ને ભીંસ એની આવનારી સદીઓમાં
કેટલાંય જોબનઘેલાંને મૂંઝવશે :
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓચિંતાં બોલાયાં નેહનાં બે વેણ,
સદા એવાં ને એવાં રહી તરશે.
કડવાં આ પાંદડાં તો આવશે જશે
ને હશે લીમડાની છાંય મ્હેકભીની.

ઝેરની પિયાલી કદી પીધી મીરાંએ
હવે તારે ને મારે
એ જીરવી જવાનું ભાગ્ય આવશે,
રડવાનું એટલું આસાન
અને આંખને તો જળની માયા છે ખૂબ
તોય, કહે, હસવાનું ફાવશે?
ગંગાજમુનામાં ભળે ત્રીજો પ્રવાહ
કદી સાંભળી તેં વાત એ નદીની?

૨૦–૭–૧૯૭૩