‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/આપને અને ચંદ્રકાંતભાઈને અભિનંદન : જોસેફ મેકવાન
યોસેફ મેકવાન
આપને અને ચંદ્રકાન્તભાઈને અભિનંદન!
પ્રિય રમણભાઈ, સાદર પ્રણામ. ‘પ્રત્યક્ષ’ના જુલાઈ-સપ્ટે. ૨૦૧૨ (સળંગ અંક ૮૩)માં તમારો ‘પ્રત્યક્ષીય’ લેખ જાગૃત સાહિત્યપ્રેમી અને સંપાદકની સૂક્ષ્મ નજરનો દ્યોતક છે. ‘વાંચે ગુજરાત’નું શોરબકોરભર્યું આટલું મોટું વાતાવરણ ફેલાયું તેમાં આ તરફ કોઈનીયે નજર ન ગઈ! હૉસ્પિટલો, કન્સલ્ટીંગ રૂમ્સ ઉપરાંત, આધુનિક બાર્બર શોપ, મોટી રેસ્ટોરાંમાં કૉફી ટેબલ બુક્સ, તથા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં પણ જો વાંચે ગુજરાતની ઝુંબેશ આવરી લીધી હોત તો... આવાં વાસી સામયિકો, પત્રિકાઓ, છાપાંઓ જોવા ન મળત. તમારા વિચારને જો સાહિત્યિક સંસ્થાઓ મૂર્તરૂપ આપી શકે તો પ્રજાજીવનની કોઈ નવી દિશા ઊઘડી શકે. એ રીતે પણ વાચન-જ્ઞાનનો પ્રસાર થઈ શકે. અંકના આવરણ સાથે પણ તાલમેળ સાધતો લેખ છે આ. મિત્ર ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘નિબંધ’ સ્વરૂપ અને ‘નિબંધમાલા’ વિશે પુનર્વિચારની દિશા ચીંધી છે તે પણ સમયની આજની પરિસ્થિતિ સાથે બંધબેસતી છે. એમની ચિંતા વાજબી છે કે ખેંચતાણમાં સપડાયેલા નિબંધોમાંથી ‘નિબંધ’ને ઉગારી લેવો જોઈએ! જ્ઞાનસત્રોમાં આવા વિષયો પર પુનર્વિચાર દ્વારા ચર્ચાઓ થાય તો? – આપને અને ચંદ્રકાન્તભાઈને અભિનંદન - લેખો માટે.
અમદાવાદ, ૨૩ ઑક્ટો. ૨૦૧૨
– યોસેફ મેકવાન
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૨, પૃ. ૫૫]