‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/૯૯મો અંક, પ્રત્યક્ષનાં પચીસ વર્ષ : કાન્તિ પટેલ

૧૩
કાન્તિ પટેલ

૯૯મા અંક વિશે

‘પ્રત્યક્ષ’નાં પચીસ વર્ષ

પ્રિય રમણભાઈ, અંકશાસ્ત્ર પ્રત્યે રુચિ કે લગાવ નથી. એને અંગે ખાસ કોઈ જાણકારી પણ નથી. તેમ છતાં નવના આંકડા પ્રત્યે મને આકર્ષણ રહ્યું છે. જ્યાં કંઈ મેળ બેસતો હોય, ત્યાં મેળ બેસાડવા મથું છું. તેથી જ જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૬નો ‘પ્રત્યક્ષ’નો અંક મળ્યો ત્યારે મારું પહેલું ધ્યાન તેની નીચેના ૯૯ના આંકડા પર ગયું. પ્રસન્નતા થઈ. તમે ‘પ્રત્યક્ષ’ને આ મુકામ સુધી લઈ આવ્યા એ કંઈ જેવી તેવી વાત નથી. હવે ૧૦૦મો અંક આવશે. પચ્ચીસ વર્ષો સુધી સાતત્યપૂર્વક ‘પ્રત્યક્ષ’ પ્રકાશિત કરતા આવ્યા છો તમે, એને હું મહત્ત્વની બાબત ગણું છું. આપણે ત્યાં અન્ય અનેક ’સામયિકો’ એનાથી પણ અધિક સમયથી પ્રકાશિત થતાં રહ્યાં છે પણ જૂજ અપવાદ સિવાય મોટા ભાગનાં સામયિકોને સંસ્થાગત અથવા અન્ય કોઈ પ્રકારનું પીઠબળ મળતું હોય છે. ‘પ્રત્યક્ષ’ તો વ્યક્તિગત રીતે ચાલતું અને નર્યું વિવેચનનું સામયિક છે. સામ્પ્રત પુસ્તકજગતને ઉજાગર કરવાની મથામણ તેમાં જોઈ શકાય છે. તેનું નામકરણ પણ તેના અભિગમનો ખ્યાલ આપે છે. પુસ્તકો વિશેની તાજી અને પ્રત્યક્ષ જાણકારી તેમાં મળે છે. આ દુષ્કર કામ તમે એકલે હાથે સહજભાવે કરતા આવ્યા છો, પચ્ચીસ પચ્ચીસ વરસથી કરતા આવ્યા છો જેને પરિણામે છેલ્લા ત્રણ દાયકાની ગુજરાતી પ્રકાશન-પ્રવૃત્તિનો આલેખ તેમાં મળે છે. મુદ્રણકળાના તમે માહોર છો એટલે એ દૃષ્ટિએ તમને ‘પ્રત્યક્ષ’ ચલાવવામાં મુશ્કેલી ન પડે. પણ માત્ર એટલી જ વાત નથી. આર્થિક ઉપરાંત અનેક પ્રકારની વિટંબણાઓની વચ્ચેથી માર્ગ કાઢવાનો રહે છે. સાહિત્યિક સામયિકો કાઢવાં કે ચલાવવાં એ ઘર વેચીને તીરથ કરવા જેવી વાત છે. વાચકોનાં લવાજમ થકી તો એ નહીં જ ચાલી શકે. જાહેરાતો પણ એટલી સહેલાઈથી ક્યાં મળી શકે? મુદ્રણના ખર્ચમાં સતત વધારો થતો રહે છે. તેથી બે છેડા ભેગા તો થાય જ ક્યાંથી? બીજો પ્રશ્ન વ્યવસ્થાનો, કાર્યાલય વિના કામ કરવાનું. વ્યવસાય કરતા રહીને એ જવાબદારી નિભાવવાની અને એકલે હાથે જ આ કામ કરવાનું. તંત્રી કે સંપાદકે જ ચપરાશીનું કામ પણ કરવું પડે. ‘પ્રત્યક્ષ’ની કામગીરીનું ક્ષેત્ર અનેક રીતે વિશિષ્ટ છે. પહેલી વાત તો પ્રકાશનો અંગે જાણકારી મેળવવી. એમાંથી યોગ્ય લાગે તેવાં પ્રકાશનો મેળવવાં. પ્રકાશકો સામાન્ય રીતે આ બાબતમાં ઉદાસીન હોય છે. આ પ્રકારનાં સામયિકોમાં આવતી સમીક્ષા કે જાણકારીની વેચાણ ઉપર ઝાઝી અસર નહીં પડતી હોવાના ખ્યાલને લીધે, પુસ્તકો મોકલવા વિશે પ્રકાશકો ઉદાસીન હોય. અને એમ ન હોય તો પણ પ્રકાશકો પ્રકાશિત કરે એમાંથી વિવેચનક્ષમ પુસ્તકો કેટલાં? એટલે પસંદગી તો કરવી જ પડે. સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વનું જણાતું પુસ્તક, પ્રકાશક મોકલે નહીં તો ખરીદવું પડે. તમે પણ એવાં કેટલાંયે પુસ્તકો ખરીદ્યાં જ હશે. મળેલાં, મેળવેલાં પુસ્તકોનું વર્ગીકરણ કરી, તેમાંથી સમીક્ષા યોગ્ય પુસ્તકોને યોગ્ય સમીક્ષકોને મોકલવાં, તેમને લખવા સંમત કરવા અને સમયસર સમીક્ષા મેળવવી એ કામ દેખાય છે એટલું સરળ નથી. લખાણ ઘણી વાર વધારે લાંબું હોય, ક્યારેક અસંબદ્ધ જણાતું હોય તો તમારે તેમાં યોગ્ય ફેરફાર કરવા પડે, અથવા પાછું મોકલવું પડે એવું પણ બને. લખાણ અપેક્ષા કરતાં ઊણું હોય એવું પણ બને. પુસ્તકનું કડક પરીક્ષણ ક્યારેક પ્રશ્નો ઊભા કરે. અને છતાં તેમ કરવું પડે. ટીકા ન સહી શકતા લેખકોને અંગે ઘણી વાર દ્વિધા ઊભી થાય એવું પણ બને. એટલે કે આ બધી જટાજાળમાંથી માર્ગ કાઢી આગળ વધતાં રહેવું પડે, તમે તેમ કર્યું છે. ‘પ્રત્યક્ષ’માં વીગતવાર અવલોકનો, સંક્ષિપ્ત અવલોકનો, સ્વીકારનોંધ – બધું મળીને ઓછામાં ઓછાં પચાસેક પુસ્તકોનો પરિચય મળે એ રીતે વિચારીએ તો આજ સુધીમાં પાંચ હજારથી પણ વધુ પુસ્તકોનો પરિચય વાચકોને તમે કરાવ્યો છે. આ તો ‘પ્રત્યક્ષ’નું એક પાસું થયું. એ ઉપરાંત એના સંપાદકીય ‘પ્રત્યક્ષીય’ની વાત જ નોખી. એમાં કંઈ કેટકેટલીય બાબતો અંગે તમે તીખી કે મીઠી પ્રતિક્રિયા આપી છે. એમાંથી થોડાંક જ લખાણો ગ્રંથસ્થ થયાં છે. વર્તમાનમાં પ્રકાશિત પુસ્તકો ઉપરાંત પ્રશિષ્ટ કૃતિઓ વિશે પણ અધિકારી વ્યક્તિઓ પાસે તમે લખાવતા રહ્યા છો. દરેક અંકમાં કોઈ ને કોઈ વિશિષ્ટ ગ્રંથ વિશે વીગતે જાણવા મળે છે. અન્ય ભાષાના ગ્રંથોની પણ સમીક્ષા મળે છે. સાહિત્યકારોના નિધન નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત તેમના પ્રદાનની પણ તમે ઉચિત નોંધ લો છો. સૌથી અગત્યની કામગીરી તો પ્રત્યેક વર્ષે ગુજરાતી સામયિકોમાંના વર્ષભરના લેખોની સૂચિ આપો છો એ છે. એ સૂચિમાં એ વર્ષોમાં સાહિત્યક્ષેત્રે થયેલી વિપુલ કામગીરીનો અંદાજ મળે છે. આ પ્રકારની વ્યાપક કામગીરીમાં તમને તજજ્ઞોનો સાથ મળતો રહ્યો છે. સો અંકોમાં સમીક્ષા ઉપરાંત તમે જે અન્ય સામગ્રી જહેમતથી એકઠી કરીને આપી છે, એ અલગ અભ્યાસનો વિષય બને છે. પચ્ચીસ વર્ષના સો અંકોમાં આવેલી સમીક્ષિત સામગ્રી અંગે પણ અભ્યાસ થવો જોઈએ. આવું તો ઘણું બધું છે જે નોંધપાત્ર બન્યું છે. અભ્યાસીઓ જરૂર એની નોંધ લેશે જ. સોમા અંક નિમિત્તે તમને સો વર્ષના આયુષ્ય સાથે આ પ્રકારનું નક્કર કામ તમારા દ્વારા થતું રહે એ પ્રાથુઁ છું.

મુંબઈ, ૧૫.૧૨.૨૦૧૬

– કાન્તિ પટેલ

આટલું બધું? – સંપા.

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૬, પૃ.૩૭-૩૮]