‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/દૂધ ફાટી જવા માટે જ સર્જાયું હતું : રજનીકુમાર પંડ્યા
રજનીકુમાર પંડ્યા
[સંદર્ભ : એપ્રિલ-જૂન ૧૯૯૬ ‘પુષ્પદાહ’ની સમીક્ષા, માય ડિયર જયુ]
‘દૂધ ફાટી જવા જ સર્જાયું હતું...’
આખરે જેની દહેશત હતી તે જ થયું. માર્ચ ૧૯૯૬ના ‘ઉદ્દેશ’માં રમણલાલ જોશીએ ‘પુષ્પદાહ’નાં બે વિમોચનો વિરુદ્ધ બખાળા કાઢ્યા. અને તેના ‘રે લોલ’માં જે બેચાર ભોળા લેખકો જોડાઈ ગયા તેમાંના એક તે ભાઈ માય ડિયર જયુ. એમણે એપ્રિલ ૯૬ના ‘ઉદ્દેશ’માં વળી કોઈ ત્રીજા પરની ત્રીજી જ દાઝ (અકાદમીનાં ઇનામો – કોઈ વાચિકાએ કરેલી મારી પ્રશંસા) ચર્ચાપત્રમાં કાઢી. જેને ‘પુષ્પદાહ’ના વિમોચનોવાળી વાત સાથે પણ કોઈ લેવાદેવા જ નહીં! એ ચર્ચાપત્રમાંથી જ મેં તારવ્યું કે આપે એમને જ ‘પુષ્પદાહ’ ‘પ્રત્યક્ષ’માં અવલોકન લખવા માટે સોંપી છે. એમણે એ નવલકથા વાંચ્યા પહેલાં જ રમણલાલના વલણની પ્રશંસા કરેલી તે જોઈ હું સમજી જ ગયો કે અગાઉથી જ જેનું માનસ પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે તેવા જજના હાથમાં હવે મારો ફેંસલો છે. હોસ્ટાઈલ સાક્ષી જ ન્યાયાધીશ બની ગયો હોય પછી પક્ષકાર બિચારો સાવધાની વરતે એમ મેં અમેરિકા જવા નીકળતાં પહેલાં એમને કાગળ લખ્યો કે ભાઈ જે લખો તે તાટસ્થ્યથી લખશો – કૃતિલક્ષી લખશો (ને તમે ન લખો તો સારું એવો ભાવ પણ ખરો). તમારું ધ્યાન પણ દોર્યું. પણ તમેય શું કરો? તીર છૂટી ગયું હતું. તમે તસલ્લી આપી કે કૃતિલક્ષી નહીં હોય એવું નહીં આવવા દઉં, પણ સંપાદકશ્રી, તમે દૂધમાંથી કસ્તર દૂર કરી શકો, બેકટેરીયા વ્યાપેલા હોય તે કેવી રીતે દૂર કરી શકો? દૂધ ફાટી જવા જ સર્જાયું હતું. આદર્શ સ્થિતિ એ હતી કે તમે જેને વિવેચન સોંપો એનું માનસ અગાઉથી પ્રદૂષિત થઈ ગયું છે એમ જાણો કે તરત જ એને નૈતિક આચારસંહિતાનો ભંગ ગણીને એમને સમીક્ષા ન લખવા દો – પણ આવી અપેક્ષા આપણે ત્યાં સ્વપ્નવત્ જ ગણાય. તમે એવી હિંમત બતાવી હોત તો... પછી ભલે ને બીજો કોઈ તટસ્થ વિવેચક એનું છોડીયાંફાડ વિવેચન લખે. ભાઈ જયુ ‘પ્રત્યક્ષ’માં ‘પુષ્પદાહ’ના સમીક્ષક તરીકે આવી જ ગયા છે તો હવે હું તો અદબ જાળવું જ છું. વિવેચનોનું વિવેચન, કમ સે કમ લેખકથી તો ન જ કરાય. એ ન્યાયે એમની ‘સમીક્ષાત્મક ટિપ્પણીઓ વિશે મૌન જ જાળવું છું. કશું નથી કહેવું – કહેવું હતું તે એ વિવેચનની પશ્ચાદ્ભૂ વિશે જ.
અમદાવાદ : ૧૧-૮-૯૬
રજનીકુમાર પંડ્યા
- ‘પુષ્પદાહ’ પ્રત્યેના પ્રેમમાં સંપાદક તરફનો પ્રેમ પણ ઉમેરીને રજનીકુમાર સંપાદન-કાર્યના ઉંબરની અંદર સુધી પ્રવેશ્યા છે અને ‘આદર્શ’ સંપાદકીય આચારસંહિતા માટે સ્નેહ-ભલામણ કરતી ભાષા લખી બેઠા છે... સૌની જાણ ખાતર એક વિગત જણાવવાની કે રમણલાલ જોશીએ ઉદ્દેશમાં વિમોચન વિશે લખ્યું એના ત્રણચાર માસ પહેલાં માય ડિયર જયુને ‘પુષ્પદાહ’ની સમીક્ષા સોંપેલી. પદ્ધતિની દૃષ્ટિએ એમની સમીક્ષા વસ્તુલક્ષી છે. રજનીભાઈ એ પ્રદેશમાં પ્રવેશ્યા હોત તો વિશદ ને ઉપયોગી ચર્ચા થઈ હોત... - સં.
[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૬, પૃ. ૪૦]
ઉપર્યુકત વિષયની ચર્ચા : ‘ખેવના’માં
રજનીકુમાર પંડ્યા, પપ, જાન્યુ-ફેબ્રુ,૧૯૯૭ ૨૪-૨૭