‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘લલિતા’ના બચાવનો સવાલ જ પેદા થતો નથી...’ : મણિલાલ હ. પટેલ


મણિલાલ હ. પટેલ

[સંદર્ભ : જૂન-સપ્ટે., ૧૯૯૬, ‘લલિતા’ની સમીક્ષા, ભરત મહેતા]

‘ ‘લલિતા’ના બચાવનો સવાલ જ પેદા થતો નથી...’

‘પ્રત્યક્ષ-૧૯માં ‘લલિતા’ વિશેનું ભરત મહેતાનું ઉભડક લખાણ વાંચીને થોડાક મુદ્દાઓ તરફ ધ્યાન દોરવાનું ઉચિત લાગ્યું છે, તો ક્ષમ્ય ગણશો. ૧. ‘લલિતા’નો એના લેખકે બચાવ કરવો પડે એવી એ કૃતિ નથી. એના બળે કરીને એ એનું ફોડી લે એટલી સક્ષમ હોવાની અન્યોનેય ખાતરી થઈ છે. એક સમર્થ કૃતિનું અનુસર્જન એ અપરાધ નહીં પડકાર છે. એવી કૃતિને, કૃતિથી દૂરના મુદ્દાઓ વડે, ઉતારી પાડી લેખકને વગોવવામાં, અપરાધ છે ને પાપ ગણો તો પાપ છે. લેખક ‘પ્રવાહ જોઈને ઝંપલાવે છે’ – એમ કહેવામાં સર્જન અને એની પ્રક્રિયાને, સંવેદન અને એની અભિવ્યક્તિરીતિને પરખવાનો અભાવ છે. ૨. ‘લલિતા’માનાં કલ્પનોની સર્જકતા વિશેની સતીશ વ્યાસની સ્વસ્થ નોંધોને ભરત મહેતાએ કયા આધારે ‘સરતચૂક’ ગણાવી છે? બીજાની પુખ્ત સમજને ‘ગેરસમજણ’ કહેનારાનો ઉત્સાહ શા માટે છે એ સમજી શકાય એવું છે. ‘અશ્રુઘર’ તો ‘લલિતા’ની આધારસામગ્રી છે. સમાન્તર વાતાવરણ રચવા ‘લલિતા’માં લેખકે એવી જ સામગ્રીમાંથી કલ્પનો-પ્રતીકો રચ્યાં હોય તો એમાં ક્યાં, કેવું પરિવર્તન છે ને કેટલું ઉપકારક છે એ જોવામાં સતીશ વ્યાસની સમજણ દેખાય છે. ભરત મહેતાએ કલ્પનો અધૂરાં વાક્યાંશોથી દર્શાવીને વાચકોમાં શંકા ભરી દેવાનો પ્રયાસ કર્યો છે. ૩. સર્જક કદી વિવેચનોથી દોરવાઈ જતો નથી, ભોળવાઈ જતો નથી. મેં ‘અશ્રુઘર’નાં વિવેચનો નહીં ’અશ્રુઘર’ને જ સામે રાખી છે ને લલિતાને કેન્દ્રમાં આણી એની સંવેદનાને મોકળાશ આપી કૃતિનું પુનર્ઘટન કર્યું છે. ભાઈ મારા! અહીં સૂર્યાને બદલે પ્રજ્ઞા નથી, સંબંધનામ એ જ પણ પ્રજ્ઞાનો પાઠ અહીં નોખો જ છે. એ કૃતિમાં બે વખત સપ્રયોજન સહજ રીતે આવે છે એ ‘અથડાયા’ કરે છે – એમ કહેવું એ નહીં સમજનારની અથડામણ હોઈ શકે! ૪. ‘લલિતા’ વડે ‘અશ્રુઘર’ વેડફાઈ ગઈ’ એમ કહેવામાં તો ‘અશ્રુઘર’ને અન્યાય થાય છે. ‘અશ્રુઘર’ લઘુનવલ છે – ‘લલિતા’ નવલકથાનું વિભાવન પામી છે. ‘લલિતા’ બીજી શક્યતાને ઉઘાડે છે. ઊર્મિમયતા સાથે વાસ્તવની લકીર ભળતાં, લલિતાને પૂરતી સામાજિક પીઠિકા મળતાં, (કિરણ નર્સ સાથે સેનેટોરિયમમાં ને સત્યના ગામમાં લલિતાની સંવેદનાને જે મોકળાશ મળે છે તે જોવું જ પડે.) કૃતિનાં ત્રણે એકમોની ચુસ્તી અને સંધાનમાંથી નીપજતો નવો અંત જોતાં એમાં ‘લલિતા’ના લેખકનું સર્જક-કર્મ જોનારને જરૂર દેખાય એવું છે. તુલનાત્મક દૃષ્ટિ કેળવ્યા વિના આક્ષેપો કરવાથી તુલના ના થાય. વિશ્લેષણ અને સમર્થન વિનાનાં વિધાનો અસ્વીકાર્ય બની રહે છે. ‘અશ્રુઘર’ જરાય વેડફાયા વિના-પૂરેપૂરા ફર્માઓ સાથે – ગુજરાતભરમાં મળે જ છે. ‘લલિતા’ને સ્વતંત્ર રીતે માણનારને કશું નડતું નથી. પ. ‘લલિતા’નો હિન્દી અનુવાદ કોણ કરે છે એ જો ભરત મહેતા મને જણાવશે તો ગમશે. એનો કોઈપણ ભાષામાં અનુવાદ થાય તો એ આનંદની જ વાત હોય ને! પણ આવી મનઘડંત વિગતો લઈને કૃતિ ઉપર બે વધુ પ્રહારો કરવાની અભદ્ર ચેષ્ટા એમનું ‘માનસ’ બતાવે છે. હું પડકાર ઉપાડીને માલા કે મૃણાલ વિશે રચના કરું. ‘વૃત્તિ’ જેવી અપૂર્વ કૃતિ આગળ ચલાવું – તો એ મારો અધિકાર છે. સાહિત્યમાં કોઈનીય રાજાજ્ઞા ચાલતી નથી. ૬. આવું ‘નિર્ભિક’ (!) વિવેચન જેમને રુચે એમને મુબારક હજો. મારા લેખોમાં હું ઊંચાં ધોરણોનો આગ્રહ રાખું છું – હું એમાં માનું ય છું... એ આદર્શ છે. કોઈપણ, મોટો લેખક પણ, પોતાના આદર્શોને હમેશાં નથી પહોંચી શકતો. ને એ ગુનો નથી. વિવેચન અને સર્જન બેઉને ભેળવીને ‘લખવાની ને બતાવવાની કલમ’ જુદી છે એમ કહેવું એ ઉભયની પ્રક્રિયાને ના સમજવા બરાબર છે. ‘લલિતા’ને એના સર્વ સંદર્ભોથી દૂર રહીને જોવા જતાં ભરત મહેતા ઊટાંગપટાંગ લખી બેઠા છે. એમણે જો ખરેખરી મર્યાદાઓ (જે હોય જ) સદૃષ્ટાંત અને સ્વચ્છ રીતે બતાવી હોત તો મારી સાથે ઘણાંને આનંદ જ થાત!

વલ્લભવિદ્યાનગર, ૨૧-૧૧-૯૬
મણિલાલ હ. પટેલ
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૬, પૃ. ૩૭]