પદ્મિની/‘પદ્મિની’ નાટ્યકૃતિ (ટૅક્સ્ટ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 204: Line 204:
(બધા કાંગરા પાસે જાય છે, અને ટોળા તરફ જોઈ રહે છે. નીચેથી જય એકલંગિજી!, જય મહાદેવીનો જય! એવા અવાજો આવે છે. લોકો હર્ષમાં નાચતાકૂદતા વીખરાય છે. મશાલના પ્રકાશ આછા થતા જાય છે. બધા એ દૂર જતા ટોળાને જોઈ રહે છે.
(બધા કાંગરા પાસે જાય છે, અને ટોળા તરફ જોઈ રહે છે. નીચેથી જય એકલંગિજી!, જય મહાદેવીનો જય! એવા અવાજો આવે છે. લોકો હર્ષમાં નાચતાકૂદતા વીખરાય છે. મશાલના પ્રકાશ આછા થતા જાય છે. બધા એ દૂર જતા ટોળાને જોઈ રહે છે.
થોડી વારે મહારાણા અને પદ્મિની ફરે છે. એમની આંખો મળે. મહારાણા આંખો ઢાળી દે છે.){{Poem2Close}}
થોડી વારે મહારાણા અને પદ્મિની ફરે છે. એમની આંખો મળે. મહારાણા આંખો ઢાળી દે છે.){{Poem2Close}}
{{Poem2Open}]
અંક બીજો
(સ્થળકાળ : સાત દિવસ પછી અલાઉદ્દીનની છાવણીની લગભગ છેલ્લી શિબિરમાં આથમતા બપોર, ગિરિકૂટ ઉપર દિલ્હીશ્વર અલાઉદ્દીનની વિશાળ સેના ડેરા તાણીને પડી છે. શહેનશાહનો કિનખાબનો તંબૂ આખી છાવણીની મધ્યમાં ઊંચી ડોક કરી ઊભો છે. આસપાસ સેનાપતિઓની સુંદર શિબિરો છે. ત્યાર બાદ સૈનિકોના ડેરાઓની લાંબી હારમાળાઓ શરૂ થાય છે. છાવણીના અંતભાગમાં એક મોટો તંબૂ છે. શત્રુસેનાના સંધિ સંધિવિગ્રહકોને અહીં રાખવામાં આવે છે.
તંબૂનું ઉત્તર તરફનું બારણું રંગીન સાદડીની ચતથી ઢાંકી દેવામાં આવ્યું છે. દક્ષિણના બારણાની બાજુમાં ઊંચે નાનાંનાનાં બે ચોરણ કાણાં છે. જેમાંથી નમતા બપોરના પ્રકાશમાં બહાર ઊભેલા બે સંત્રીઓના ભાલા ચમકતા દેખાય છે. વચ્ચે વચ્ચે સંત્રીઓ એ કાણાંઓમાંથી બધું સલામત છે કેમ એ જોઈ લે છે.
તંબૂના મધ્યદંડની એક બાજુએ મોટી ગાદી પાથરી છે. અને દંડને અઢેલીને એક તકિયો મૂકવામાં આવ્યો છે. ઉપર સુંદર ભરતગૂંથણીની ચાદર બિછાવેલી છે.
રાણા ભીમસિંહ એક હાથ તકિયા ઉપર ટેકવી, બીજો હાથ બે પગોના મરોડ વચ્ચે મૂકી, વ્યાકુળ મુખને ઉપલા હાથની કોણી ઉપર ટેકવી, આંખો નીચી ઢાળી બેઠા છે. ગાદી ઉપર પડખે એમની તલવાર પડી છે. એમના પડછંદ શરીર અને ગૌરવશાળી મુખ ઉપર ક્ષત્રિય તેજ ઝળખે છે.)
ભીમસિંહ : (મોઢું ઊંચકી) પહેરેગીર!
પહેરેગીર : (પશ્ચિમ તરફની ચક ઊંચકી, અંદર આવી, કુર્નિશ કરી) હજૂર!
ભીમસિંહ : મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?
પહેરેગીર : હું કશું નથી જાણતો, હજૂર! કાજી સાહેબના હુકમથી આપને અહીં ખસેડવામાં આવ્યા છે. સાહેબે ફરમાવ્યું છે કે હજૂરને જે જોઈએ તે અમારે દેવું. દેશો હુકમ, જનાબ?
(ભીમસિંહ પહેરેગીર તરફ એક તિરસ્કારભરી નજર નાખી, પાછા પહેલાંની જેમ નીચે જોઈ બેસી રહે છે. પહેરેગીર અસ્વસ્થ થતો, કશા હુકમની રાહ જોતો, ઊભો રહે છે. થોડી વારે)
કશો હુકમ જનાબ?
ભીમસિંહ : હા; મને એકલો રહેવા દે!
(પહેરેગીર કુનિર્શ ચાલ્યો જાય છે.)
કશું નથી સમજાતું! કાજીમાં આ શો અજબ પલટો? જો મને આવી રીતે રાખવો હતો તો ઓચિંતો છાપો મારી ગિરફતાર શા માટે કર્યો હશે? પહેલાં તો મેં એમ માનેલું કે કડુડભૂસ થતાં ચિતોડગઢનો છેલ્લો ભીષણ ધડાકો સાંભળવા હું જીવતો નહિ રહું! અને અંતરમાં ને અંતરમાં ભગવાન એકલંગિનો અહેશાન માનતો હતો! પણ અહીં તો...
પહેરેગીર : (આવીને નમન કરીને) : જનાબ!
(ભીમસિંહ જવાબમાં ઊંચે જુએ છે.)
સરદાર કાજી પધાર્યા છે. આપને મળવા ચાહે છે.
ભીમસિંહ : ભલે આવે.
(પહેરેગીર પશ્ચિમ દ્વાર પાસે જાય છે અને ચક ઊંચકીને ઊભો રહે છે. કાજી પ્રવેશ કરે છે. એની આંખોમાં હંમેશનું મામિર્ક હાસ્ય તરવરે છે. પહેરેગીર બહાર જાય છે.)
કાજી : કુશળ છો, રાણા?
ભીમસિંહ : હા, જનાબ! કેમ પધારવું થયું?
કાજી : (હસતો) એક ખુશ ખબર આપવા આવ્યો છું.
(તંબૂના મધ્યદંડને અડકીને રાણા તરફ નીચી નજર કરી ઊભો રહે છે.)
ભીમસિંહ : શૂળીની તૈયારી થઈ ચૂકી?
કાજી : હા... હા.... હા... (હસે છે): રાણાજી, આવા ઉગ્ર શા માટે થાવ છો? તમને મુક્ત કરવા આવ્યો છું.
ભીમસિંહ : મુક્ત કરવા? મને? તો દગાથી પકડ્યો શા માટે? કાજી, હું તમારો કેદી છું, તમને મારી મશ્કરી ઉડાવવાનો અધિકારી છે.
કાજી : (હસે છે) હા... હા...હા...! રાણાજી! તમને હજી મશ્કરી લાગે છે? દિલ્હીપતિએ જીવનભરમાં કોઈ કાફીર કેદીને આવી રીતે સાચવ્યો નથી, રાણા.
ભીમસિંહ : કસાઈઓ હલાલ કરવાના ઘેટાની ખાસ કાળજી લે છે. પણ જવા દો એ વાત, કાજી! કહો, મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?
કાજી : (આંખો ચમકાવી) કહું? કહું રાણા? ના, ના, હર્ષાવેશમાં તમે કદાચ ગાંડા થઈ જાવ!
ભીમસિંહ : રજપૂતોને ટોળટપ્પામાં બહુ રસ નથી હોતો જનાબ!
કાજી : નહિ હોય તો કેળવાશે. રાણા, વાત તો એવી મીઠી કરવા આવ્યો છું. કે હું તો શું, પેલો પહેરેગીર હોત તો તેને પણ તમે ભેટી પડત!
(ભીમસિંહ કચવાય છે. એનું અંગ ધ્રૂજે છે. બીજી બાજુ ફરી મુખ ઢાળી દે છે. કાજી હસે છે.)
એમ મારી સાથે રિસામણાં ન લો, નામદાર! રિસામણાં તો જે આવનાર છે તેની સાથે શોભશે.
(ભીમસિંહ ફરે છે અને કાજી સામે નજર તાકે છે, એમનું મોઢું સખત થયું છે.)
ભીમસિંહ : શું કહેવા માગો છો, સરદાર? સહેજ માણસ સમજી શકે એવી ભાષામાં બોલશો?
કાજી : (આંખો ચમકાવી હસે છે. ગાલના ગોળા અરધી આંખ ઢાંકી દે છે.) હજી ન સમજ્યા, રાણા? કે નથી સમજ્યા એવો ડોળ કરવાનો આનંદ લો છો? રાણા! આજે તો તમારાં મહારાણી પદ્મિની પોતાના સ્વામીનાથને મુક્ત કરવા જાતે જ અહીં આવે છે.
ભીમસિંહ : (એકદમ કૂદી ઊભા થઈ જાય છે, મોઢા ઉપર લોહી દોડી આવે છે.) પદ્મિની? અહીં આવે છે?  શા માટે?
કાજી : (સહેજ દૂર ખસી) એમ આકળા ન થાવ, ભીમસિંહ? એ તો તમને મુક્ત કરવા આવે છે. અહા, શું એમનું ગૌરવ! ચિતોડગઢના તમામ રજપૂતો ફિટકાર વર્ષાવી કહેતા હતા કે : તુર્કપતિની કદમબોસી કરવા જતાં પહેલાં, મહારાણી! તમારે હજારો રજપૂતોનાં પેટનાં પગથિયાં કરવાં પડશે. ત્યારે રાજમહાલયનાં કાંગરા પકડીને મહાદેવી જવાબ દેતાં હતાં : તો હું તે ઉપરથી પણ જઈશ. જગતમાં મને સૌ કરતાં સૌભાગ્ય વહાલું છે, રજપૂતો! અહા! કેવું રૂપ! કેવું ગૌરવ! રાણા, જગતમાં એક જ સ્ત્રી છે અને રાણા, જગતમાં એક જ બડભાગી છે!
ભીમસિંહ : શું કહ્યું કાજી? (જાણે ખાતરી ન થતી હોય તેમ) પદ્મિની દિલ્હીપતિની કદમબોસી કરવા આવે છે એમ આપ બોલ્યા?
કાજી : હા, રાણા! પોતાના સ્વામીને બચાવવા! પોતાના દેશને બચાવવા! હજારો રજપૂત બાળાઓનાં સૌભાગ્યકંકણ સાબૂત રાખવા! રાણાજી, ચિતોડગઢમાં મેં તો મૂર્ખાઓની વસ્તી જ દીઠી. એ બધાંની વચ્ચે બગલાઓનાં ટોળામાં ભૂલથી ભળી ગયેલી કોઈ હંસણી, જેવી એક જ પદ્મિની નીરક્ષીરનો વિવેક કરી શકતી હતી. મહારાણા અને ખુદ મંત્રીશ્વર પણ ટેક, શિયળ અને મરી ખૂટેલાઓના મિથ્યા ગૌરવમાં ભીંત ભૂલ્યા હતા; મને આવ્યા એવા પાછા જવાનું કહી સૌ ઉતાવળા થતા હતા. ત્યાં તો આકાશ ચીરીને જેમ અપ્સરા ઊતરે તેમ રણવાસમાંથી મહાદેવી ધસી આવ્યાં અને બોલ્યાં, થંભો, કાજી! દિલ્હીશ્વરને કહેજો કે રાણાજીને મુક્ત કરવા પદ્મિની પોતે પધારશે.
ભીમસિંહ : (તંદ્રામાંથી જાગતા હોય તેમ) પદ્મિની? દિલ્હીશ્વરની કદમબોસી કરવા? ભૂલ્યા તમે કાજી! કોઈ બીજી સ્ત્રીની વાત કરતા હશો! સ્વપ્નુ આવ્યું હશે, સરદાર!
કાજી : સ્વપ્નુ? સ્વપ્નું તો આપને આવવા લાગ્યું છે, રાણા! આજે કહેણ પણ આવી ગયું. સાતસો સખીઓ સાથે આજે નમતે પહોરે પદ્મિની શહેનશાહની તહેનાતમાં હાજર થશે.
ભીમસિંહ : ઓહ! ઓહ! રજપૂતોનાં પુણ્ય પરવારી ગયાં! (આંખે અંધારા આવે છે. થાંભલો પકડી સ્વસ્થ થાય છે.) પદ્મિની, ચિતોડ તો પડવાનું જ હતું. પણ તેં તો રજપૂત કુળને પણ પાડ્યું! બાપ્પા રાવળના કીર્તિકળશ ઉપર હવે ભ્રષ્ટાચારના કાટ ચડશે. એ ધૂળ ભેગો થશે, અને ધૂળમાં મળી જશે. ઓ કાજી! તમે આ જીવલેણ ઘા કર્યો છે! તમે મને આવા ખબર શા માટે આપ્યા? મારી જાણ વિના એને દિલ્હી જાજ્વલ્યમાન જનાનખાનામાં પૂરી દેવી હતી! અને મારા, મહારાણાના, આખા ક્ષત્રિયકુળના હૃદયોની પથારી પાથરી એને યવનસમ્રાટ સાથે ક્રીડા કરવા દેવી હતી. પણ મને એનાથી અજ્ઞાત રાખ્યો હોત તો હું સુખેથી એનું સુંદર, સ્નેહાસક્ત મોઢું સ્મરતો સ્મરતો મરી શકત!
કાજી : રંગ રે રજપૂત! વાહ રાણાજી! જે સ્ત્રીએ માત્ર તમારા પ્રાણ બચાવવા, કેવળ તમારા પ્રેમ ખાતર, પોતાના શરીરનું પોતાના આત્માનું બલિદાન આપવાની તત્પરતા દાખવી, તેને માટે આ શબ્દો? આ બદલો? મહારાણા તમે પુરુષ છો; — પદ્મિનીના માલેક છો એ તમે ભૂલી શકતા નથી પણ હવે હું જાઉં. દલીલો કરી કરીને થાક્યો છું. અને હવે તો સમય પણ થવા આવ્યો. શહેનશાહની બેગમ બનતાં પહેલાં રાણાની સાથે પદ્મિનીને ટૂંકી મુલાકાત માગી છે; અને શહેનશાહે મંજૂર કરવાની ઉદારતા બતાવી છે; જીવનના પરમ સુખની ઘડી વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખજો, રાણા! સલામ!
(કાજી જવા જાય છે. રાણા એકદમ ધસે છે, અને કાજીનો હાથ જોરથી પકડી રાખે છે.)
ભીમસિંહ : ઊભા રહો, કાજી! મારું એક કામ કરો. મારે એ કુલટાનું મોઢું નથી જોવું; તમે એને પાધરી ઉપાડી જજો.
(કાજી રાણા સામે જોઈને હસે છે. થોડી વાર સુધી રાણા કાંઈ વિચારમાં પડી ગયા હોય તેમ નીચે જોઈ રહે છે. પછી ઓચિંતો કંઈ આંચકો આવ્યો હોય તેમ)
ના, ના; એ ભલે આવે, ભલે આવે!
(કાજીનો હાથ છોડી દઈ ગાદી પાસે જાય છે. તલવાર ઉપાડે છે. તલવારને હાથમાં ફેરવતાં ફેરવતાં ભાવપૂર્વક તેની સામે નીચે નજરે જોઈ રહે છે.)
શક્તિ! બાપ્પા રાવળનું રાજ્ય સાચવવા આજ સુધી તારું સેવન કર્યું! આજે બાપ્પા રાવળની કીર્તિ સાચવવા તારો ઉપયોગ થશે.
(મોઢા ઉપર હાસ્ય તરવરે છે. હાથ ધ્રૂજવા લાગે છે.)
દેવી! ધ્રૂજે છે કાં! સ્ત્રીહત્યાના પાપનો તને ભય છે? અરે! એ પાપ મારે માથે! હું એ પાપનું વિષ ધોળીને પી જઈશ અને પછી સનાતન સોડ તાણીને સૂઈ જઈશ!
(પાસે જાય છે. મોઢું કડક થાય છે.)
કાજી : રાણા! શું વિચાર કરો છો? હિંદુ પતિઓ આટલી હદ સુધી જઈ શકે છે?
(નજર ફેરવીને) પહેરેગીર!
પહેરેગીર : (અંદર આવી કુનિર્શ બજાવી) હુકમ, સરદાર!
કાજી : રાણાજીના હાથમાંથી તલવાર લઈ લો.
(પહેરેગીર આગળ વધે છે.)
રાણાજી, તમે અમારા કેદી છો. તમારાં હથિયાર સોંપી દેવાનો હું તમને હુકમ કરું છું.
(રાણા તિરસ્કારથી તલવારને ફેંકી દે છે. પહેરેગીર તે ઉઠાવી લે છે.) અને પહેરેગીર! તંબૂમાં પાલખી આવ્યા પછી કશો ઘોંઘાટ થાય તો તમે કોઈના હુકમની રાહ જોયા સિવાય અંદર ધસી આવજો, અને રાણાજીને બાંધી લેજો.
પહેરેગીર : જેવો હુકમ જનાબ! (કુર્નિશ બજાવીને ચાલતો થાય છે.)
કાજી : રાણાજી, જીવનની છેલ્લી ધન્યક્ષણ વેડફી ન નાખતા; અને સાનને ઠેકાણે રાખજો.
(કાજી જાય છે. રાણા બેફામની માફક આમતેમ આંટા મારે છે. બહારથી કોઈ મોટો કાફલો ચાલ્યો આવતો હોય એવો અવાજ આવે છે. થોડી વારે પાલખીની ઘંટડીઓનો અવાજ સ્પષ્ટ થાય છે.)
ભીમસિંહ : આ અવાજ શાનો? પદ્મિનીનું સરઘસ તો આવી નથી પહોંચ્યું ને?(પૂર્વ તરફની ચક પાસે જાય છે અને તડમાંથી બહાર જુએ છે. ત્યાં જ ઊભા ઊભાહા, એ જ પાલખીઓની લાંબી હાર અરાવલીની ખીણોમાં થઈને ચાલી આવે છે. આગળ સુનેરી પાલખી છે અને મોભને બાંધેલી ઘંટડીઓ ગાજી રહી છે. અહા! કુળકીર્તિને કંલક લગાડવા તેઓ કેટલા ઉત્સાહભેર ચાલ્યા આવે છે. અરાવલી ટેકરીઓ આગળ ધસી આવી તેઓની ઉપર ફસડાઈ કેમ નહિ પડતી હોય? ધરતી ઊંડી ફાટ પાડી એમને ઓહિયાં કરી જઈ પાછી બિડાઈ કેમ નહિ જતી હોય? ખલાસ! ખલાસ! બધું ખલાસ! ભીમસિંહ, રજપૂતોનું પુણ્ય પરવારી બેઠું.
(અસ્વસ્થ થઈ આંટા મારવા લાગે છે.)
પદ્મિનીના રૂપમાં હું અંધ બન્યો હતો, અને અંદરની સર્વભક્ષી ડાકણને જોઈ શક્યો નહોતો.
(પાછા આકળા થઈ કદમો ભરે છે.)
અંગે અંગમાં આગ લાગી છે.
(એક પછી એક સ્થળનિર્દેશ કરતા કરતા)
અહીંયાં એ અડકી હતી! અહીં એણે આલંગિન આપ્યું હતું! અહીં એણે ગાલ ચાંપ્યો હતો. અહીં એણે પહેલી રાતે ચુંબન દીધું હતું! અરે બધે, બધે જ ભડકા બળે છે! જે વિષનું જીવનપર્યન્ત પાન કીધું તે આજે રોમેરોમે ફૂટી નીકળે છે.
પાછા આમતેમ આંટા મારે છે. ઘંટડીઓનો અવાજ સ્પષ્ટ થતો જાય છે અને અંતે પાસે આવીને અટકે છે.
આવી પહોંચી! એ અને એની નાશની ઘડી બન્ને સાથે જ આવી પહોંચ્યાં! આટલી વિપત્તિઓમાં જેની ખાતર જીવ્યો અને જેની ખાતર જીવન કુરબાન કરવા તૈયાર હતો, તેને આજે ધર્મની ખાતર, પિતૃઓની પ્રતિષ્ઠાની ખાતર, કુળની કીર્તિને ખાતર કુરબાન કરી દઉં! અને પછી હું પણ એની સાથે, એની પડખે, એની બાથમાં સૂઈ જાઉં. અને ફરી કદી જ આંખ ન ખોલું! કાજીએ પેદા કરેલું જગત ઇન્દ્રજાળ માની હું મારી પહેલાંની પદ્મિનીને લઈને સ્વર્ગે સંચરું.
(પાલખીને ઉપાડીને આવતા ભોઈઓના પગોના અવાજ તંબૂની નજીક આવે છે. જાણે પોતાનો ભરોસો ન હોય તેમ રાણા થાંભલાને બે હાથમાં ઝાલી બાવરાની જેમ ઊભા રહે છે. પૂર્વ તરફની ચક ઊંચી થાય છે અને અંદર અડધી પાલખી આવે છે. ભોઈ લોકો પાલખીને નીચે મૂકી બહાર જઈ ઊભા રહે છે. પાલખીનો પડદો ઊંચકાય છે. રાણા ટગર ટગર તાકી રહે છે. અંદરથી ડોકું બહાર આવે છે.)
પદ્મિની, કુળવિનાશિની; તને આ શું સૂઝ્યું?
(રાણા ગાંડાની માફક કૂદે છે અને એને પકડી બહાર ખેંચે છે.)
ઓ પદ્મિની, તેં એક સપાટે....
(પાલખીમાંથી ગોરા બહાર નીકળે છે, એની પડછંદ કાયાને જોઈને રાણા ચમકે છે.)
ગોરાદેવ : (હસતો; નાકને આંગળી લગાડી ધીરે અવાજે બોલવાની સંજ્ઞા કરતો) રાણાજી! શું નાટક કરો છો? ચૌહાણપુત્રીનું આટલાં વર્ષો પડખું સેવ્યું તોય તમે એને ઓળખી નહિ? મને બહુ દુ:ખ થાય છે. રાણા! પણ અત્યારે એનો શોક કરવાનો સમય નથી. આપ આ પાલખીમાં બેસી જાવ. એ લોકો બારોબાર ઉપાડી જશે. સિંહપૌરી પાસે એક વાયુવેગી અશ્વ સાથે પ્રવિણસિંહને આપની રાહ જોતો ઊભો રાખ્યો છે. આપ કોટમાં સહીસલામત પહોંચી જાવ ત્યારે એક તોપ ફોડજો, અને રાજમહાલય ઉપર ધજા ફરકાવજો. ત્યાં સુધી અમે યવનસેનાને ખાળી રાખશું. એક એક પાલખીમાં એક એક શસ્ત્રસજ્જિત યોદ્ધો બેઠો છે અને ચાર રજપૂત વીરો ભોઈના વેશમાં પાલખીઓને ઉપાડી લાવ્યા છે. એટલે આપ અમારી ચંતાિ કરશો નહિ.
ભીમસિંહ : આ બધું શા માટે, ગોરાદેવ? એકનો પ્રાણ બચાવવા હજારોની આહુતિ? મારે નથી જવું, સેનાનાયક! અને હવે હું પદ્મિનીને પણ શું મોઢું બતાવું? અરેરે... મેં એનામાં અવિશ્વાસ આણ્યો! જીવનપર્યંત સાથે રહ્યા છતાં મેં એને ઓળખી નહિ....
ગોરાદેવ : (વચમાં જ) બસ કરો રાણા! ચર્ચાનો સમય નથી. મહારાણાનો હુકમ છે અને એ પ્રમાણે તમારે વર્તવું પડશે. (થોડીવાર રાહ જુવે છે.) આપ અંદર બેસી જાવ છો કે મારે આપને પકડીને બેસાડવા પડશે?
(પશ્ચિમની તરફની ચક ઉપર ટકોરા થાય છે. થોડી વારે બહારથી પહેરગીરનો અવાજ આવે છે : રાણાજી, શહેનશાહ ઉતાવળ કરે છે. આપ આજ્ઞા આપો તો જહાંપનાહ અંદર પધારે.
ગોરાદેવ : (પશ્ચિમ તરફની ચક પાસે જાય છે અને અવાજ મૃદુન — મીઠો કરે છે.) ખુદાવંદિને કહો કે મહારાણી જહાંપનાહને અરજ ગુજારે છે, કે આટલાં વર્ષો ખમ્યા તેમ પાંચ પળ વધારે ખમી જાય.
(બહારથી પહેરગીરનો અવાજ : જેવી આજ્ઞા.
રાણાજી! (પાસે જાય છે) શું નિશ્ચય કર્યો? બે પળ વધારે અને બાજી આખી ધૂળમાં મળી જશે. મહારાણાનો હુકમ ઉથાપશો તો મહારાણાનો રોષ કદી નહિ ઊતરે.
ભીમસિંહ : (શરણ થતાં) હું જાઉં છું. વીર ગોરાદેવ! પણ એકવાર તમને ભેટી લઉં.
(રાણા દોડીને ગોરાદેવને ભેટી પડે છે. ગોરા એમને છાતી સાથે ચાંપે છે. પછી મુક્ત કરી મીઠું હસે છે.)
ગોરાદેવ : રજપૂતાણીને કહેજો કે મહાદેવીના ચૂડલા કરતાં તારો ચૂડલો વધારે નહોતો! અને સ્વર્ગમાં તો મળવાનાં જ છીએ.
(પછી એકદમ રાણાનો હાથ પકડી લે છે. બન્ને પાલખી પાસે જાય છે. રાણા અંદર બેસી  જાય છે. ગોરા પડદો ઢાળી દે છે.)
ભોઈ કિરણસિંહ!
(ભોઈના વેશમાં કિરણસિંહ અને બીજો રજપૂત પ્રવેશ કરી, નમન કરી ઊભા રહે છે.)
કિરણસિંહ : હુકમ, સેનાપતિ!
ગોરાદેવ : રાણાજીને સહીસલામત ઉપાડી જાવ.
(ભોઈ લોકો પાલખી ઉપાડી ચાલ્યા જાય છે. ગોરાદેવ સત્તાવાહી નજરે પૂર્વ તરફના ખુલ્લા પ્રવેશદ્વારમાંથી અરાવલીની ટેકરીઓમાં અદૃશ્ય થતી પાલખીને જોઈ રહે છે. દૂર દૂર ચિતોડનો કિલ્લો દેખાય છે.
પૂર્વ તરફની ચક ઉપર ટકોરા થાય છે. ગોરાદેવ એ બાજુ ફરે છે. બહારથી પહેરેગીરનો અવાજ આવે છે : રાણાજી, શહેનશાહ કહેવડાવે છે કે હવે જો વિલંબ થશો તો ચક તોડીને અંદર આવવું પડશે.
જવાબમાં ગોરાદેવ અટ્ટહાસ્ય કરે છે.
થોડીવારે એક કડાકા સાથે ચક તૂટી પડે છે. ખુલ્લા દ્વારમાંથી દિલ્હીપતિ અલાઉદ્દીન, સરદાર કાજી અને સિપાહસાલાર મલિક કાફૂર પ્રવેશ કરે છે.)
કાજી : આ શું? રાણા ક્યાં? પદ્મિની ક્યાં? અને તમે ક્યાંથી, ગોરાદેવ? આ શું થઈ ગયું?
ગોરાદેવ : (ખડખડાટ હસે છે.) જનાબને હજી ખબર ન પડી? રાણાજીના અશ્વની, જુવો ટેકરીઓ વચ્ચે ધૂળ ઊડે છે, અને પદ્મિની ક્ષિતિજની ધાર ઉપર ઊભેલા અજયદુર્ગના કાંગરા પકડી જુઓ વાલમની વાટ જોતી દેખાય!
અલાઉદ્દીન : દગો! દગો!
ગોરાદેવ : હા... હા... હા... (હસે છે.) જહાંપનાહના મોઢામાં એ શબ્દો કેવા શોભે છે? યવનસમ્રાટ! પાશવી આનંદની કલ્પનાના ઉદ્રેકમાં તમે ભૂલી ગયા કે આર્યોની કુળદેવીને જીવન કરતાં શિયળ વધારે વહાલું હોય છે? અને સિસોદિયાઓને મહાદેવીના શિયળ આસપાસ શરીરનો ગઢ ચણતાં આવડે છે. નરાધમ, તને એટલું ન સૂઝ્યું કે સતીનો સ્પર્શ પણ સર્વભક્ષી હોય છે?
અલાઉદ્દીન : કાજી, ગોરાદેવને કેદ કરો. સિપાહસાલાર, સેનાને સજ્જ કરી રાણાનો પીછો પકડો.
(સિપાહસાલાર નમન કરી પશ્ચિમ દ્વારમાંથી જાય છે. કાજી ગોરા તરફ આગળ વધે છે. ગોરા તલવાર ખેંચી આડો ફરી વળે છે.)
ગોરાદેવ : દૂર રહો, કાજી! જીવ જો વહાલો હોય તો રાણા કોટમાં ન પહોંચી જાય ત્યાં સુધી મને અડકશો નહિ. પછી હું મારી જાતે મારાં શસ્ત્રો ફગાવી દઈશ. પણ એ પહેલાં જો એક ડગલું પણ આગળ વધ્યા તો જોઈ છે આ તલવાર! (બૂમ પાડે છે) બાદલવીર! સાવધાન! રજપૂતો, જય એકલંગિજીનો! જય!
(બહાર રજપૂતો તલવાર ખોલી કૂદી પડે છે. હર હર મહાદેવ, જય એકલંગિજી!, મહારાણાનો જય એવા ગગનભેદી અવાજો થાય છે. થોડીવારે અલ્લા હો અકબરની બૂમો સંભળાય છે. બે સેનાઓ વચ્ચે તૃમુલ યુદ્ધ જામે છે. મરતાઓની ચીસો અને વીરોના વિજયનાદ આવે છે.)
અલાઉદ્દીન : દગો! દગો ! પકડો! પકડો કોઈ ગોરાને!
(બહારથી બન્ને પહેરેગીરો ધસી આવે છે. અને ગોરા ઉપર તૂટી પડે છે. ગોરાદેવ ઘવાય છે અને નીચે પડે છે. એના પેટના આંતરડાં નીકળી પડ્યાં છે. પોતાના સાફાને પેટ ઉપર બાંધી એ ફરી ઊભો થાય છે, અને પૂર્વ તરફ ફરી ચિતોડ તરફ એક આતુર નજર નાખે છે.)
ગોરાદેવ : મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખશો તોય જ્યાં સુધી રાણા ચિતોડમાં સહીસલામત નહિ પહોંચી જાય ત્યાં સુધી એ ટુકડાઓ કૂદી રહેશે! (દૂરથી એક તોપનો ભડાકો સંભળાય છે. દૂર, ચિતોડના દુર્ગ ઉપર પતાકા ઊડતી દેખાય છે. ગોરાની આંખમાં આનંદના આંસુ ઉભરાય છે. ચકરી ખાઈ, એ નીચે ઢળી પડે છે. અલાઉદ્દીન અને કાજી એની પાસે જાય છે ગોરા ધીમેથી પોતાના પેટનો પાટો છોડે છે અને ફસડાઈ પડે છે.)
સમ્રાટ, હવે મને સંતોષ. હવે હું સુખેથી મરીશ. મારા રાણાજી ચિતોડમાં સહીસલામત પહોંચી ગયા.
અલાઉદ્દીન : દગાખોર! (એક લાત મારે છે.) હું આનો બદલો લઈશ. ચિતોડને બાળી ખાખ કરી મૂકીશ. તારી રજપૂતાણીને હું દિલ્હી ઢસડી જઈશ. પછી એને આખી સભા વચ્ચે નાગી નચાવીશ. દગાખોર!
(એના હોઠ કમ્પે છે. એક બીજી લાત લગાવે છે.)
ગોરાદેવ : (ખડખડ હસે છે.) હજી આંખ ન ઊઘડી, સમ્રાટ? (પૂર્વમાં આંગળી ચીંધી) ચિતોડના ગઢ ઉપર પેલી જો ચિતા સળગે! જોઈ? અને તેમાં જો આખા ગગનને પ્રજાળી દેવા મથતી પેલી સૌથી ઊંચી જ્વાલા ચંડીની જીભ જેવી આકાશને ચીરે! એ જ્લાવા મારી રજપૂતાણીની છે. હું જ્યારે ત્યાંથી નીકળવા તૈયાર થયો ત્યારે મને બખ્તર સજાવતી એ કહેતી હતી : રણશાયામાં સૂતા સૂતા ચિતોડના કાંગરા વચ્ચે બળતી ચિતા તરફ નજર કરજે, નાથ! અને એમાં સૌથી ઊંચે ચડતી જ્વાલાને તારી રજપૂતાણીની સમજી લેજે! પછી એનો પ્રભાદોર પકડી તુંય ઊંચે ચાલ્યો આવજે!
શહેનશાહ! તને ત્યાં મારી રજપૂતાણી નહિ મળે! ત્યાં એની રાખ પડી હશે! તને ભાળીને એનો વંટોળ ચડશે! તારી આંખ ફોડી નાખશે; અને પછી તું પૃથ્વીના અંત સુધી પ્રકાશને ગોતવા ખાલી ફાંફાં મારતો, ઠેબાં ખાતો, અવનિ ઉપર ભટક્યા કરીશ; અને દિશાઓ તને હસી રહેશે.
(ગોરાદેવ આંખો મીંચી દે છે. અલાઉદ્દીન એ મૃત શરીરને ‘દગાખોર! દગાખોર! દગાખોર, એમ બોલતો ત્રણ લાત મારે છે.){{Poem2Close}}
26,604

edits

Navigation menu