પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 222: Line 222:
બીજી એક વાત ધ્યાન ખેંચનારી છે. આધુનિક ગુજરાતી સ્થિરતા પામી તે પૂર્વના સમયમાં ભાષાના શબ્દોનાં રૂપો અન્તર્ગત બંધારણમાં નવા નવા વિકાર પામતાં હતાં, અને તે સમય સુધી ભાષાનો સ્વરૂપવિકાસ અન્તર્ગત બંધારણનો હતો એ સ્થિતિ આધુનિક ગુજરાતીના સમય પછી બદલાઈ છે. હવે અન્તર્ગત બંધારણમાં ફેરફારનો પ્રસંગ નથી. (ઉચ્ચારાનુસાર જોડણી પ્રમાણે લખવાની પદ્ધતિથી ભ્રમમાં પડવાનું કારણ નથી, કેમ કે વસ્તુતઃ ઉચ્ચારસ્વરૂપ તો ભાષામાં છે જ, અને પ્રાચીન સમયમાં ઉચ્ચાર અને આકાર વચ્ચે ભેદ રાખવામાં આવતો નહોતો.) હવે તો નવા શબ્દો અન્ય ભાષામાંથી આણવાનો, નવા વિચારને પ્રતિબિમ્બ આપવાને સમર્થ શબ્દો યોજવાનો, નવી વાક્યઘટનાનાં સ્વરૂપો ઉપજાવવાનો સમય છે. અર્થાત્ ભાષાના શબ્દોનું બંધારણ તો સ્થિરતા પામ્યું લાગે છે. પ્રાચીન અને આધુનિક સ્થિતિ વચ્ચે આ ભેદનાં અનેક કારણો છે. પ્રાચીન સમયમાં દેશમાં રાજકીય ફેરફારો અનેક હતા; લખવાની, છાપવાની, સાહિત્ય પ્રચારવાની, અનુકૂળતાઓ નહોતી; લોકોના ઉચ્ચાર ઉપર અંકુશમાં હાલના જેટલાં સાધનો નહોતાં; ઇત્યાદિ અનેક બળોના સંકુલ વ્યાપારનું ફળ શબ્દોના અન્તર્ગત બંધારણમાં ફેરફાર થવામાં પ્રગટ થતું હતું. હાલ તે સ્થિતિ નથી. એટલે શબ્દસ્વરૂપો તો સ્થિરતા પામી ચૂકયાં છે એમ કહી શકાય ખરું.
બીજી એક વાત ધ્યાન ખેંચનારી છે. આધુનિક ગુજરાતી સ્થિરતા પામી તે પૂર્વના સમયમાં ભાષાના શબ્દોનાં રૂપો અન્તર્ગત બંધારણમાં નવા નવા વિકાર પામતાં હતાં, અને તે સમય સુધી ભાષાનો સ્વરૂપવિકાસ અન્તર્ગત બંધારણનો હતો એ સ્થિતિ આધુનિક ગુજરાતીના સમય પછી બદલાઈ છે. હવે અન્તર્ગત બંધારણમાં ફેરફારનો પ્રસંગ નથી. (ઉચ્ચારાનુસાર જોડણી પ્રમાણે લખવાની પદ્ધતિથી ભ્રમમાં પડવાનું કારણ નથી, કેમ કે વસ્તુતઃ ઉચ્ચારસ્વરૂપ તો ભાષામાં છે જ, અને પ્રાચીન સમયમાં ઉચ્ચાર અને આકાર વચ્ચે ભેદ રાખવામાં આવતો નહોતો.) હવે તો નવા શબ્દો અન્ય ભાષામાંથી આણવાનો, નવા વિચારને પ્રતિબિમ્બ આપવાને સમર્થ શબ્દો યોજવાનો, નવી વાક્યઘટનાનાં સ્વરૂપો ઉપજાવવાનો સમય છે. અર્થાત્ ભાષાના શબ્દોનું બંધારણ તો સ્થિરતા પામ્યું લાગે છે. પ્રાચીન અને આધુનિક સ્થિતિ વચ્ચે આ ભેદનાં અનેક કારણો છે. પ્રાચીન સમયમાં દેશમાં રાજકીય ફેરફારો અનેક હતા; લખવાની, છાપવાની, સાહિત્ય પ્રચારવાની, અનુકૂળતાઓ નહોતી; લોકોના ઉચ્ચાર ઉપર અંકુશમાં હાલના જેટલાં સાધનો નહોતાં; ઇત્યાદિ અનેક બળોના સંકુલ વ્યાપારનું ફળ શબ્દોના અન્તર્ગત બંધારણમાં ફેરફાર થવામાં પ્રગટ થતું હતું. હાલ તે સ્થિતિ નથી. એટલે શબ્દસ્વરૂપો તો સ્થિરતા પામી ચૂકયાં છે એમ કહી શકાય ખરું.
હાલની સ્થિતિમાં તો બીજો ક્ષોભકર પ્રકાર પેઠો છે. એ પ્રકારના પરિણામમાં આધુનિક ગુજરાતી ખદખદતા ખીચડા જેવી બની છે; શબ્દના આન્તર સ્વરૂપમાં નહિ પણ શબ્દસમૃદ્ધિમાં અને કાંઈક અંશે વ્યાકરણસ્વરૂપમાં સંસ્કૃતમય ગુજરાતીનો મોહ, પારસી ગુજરાતીના અને મુંબાઈની ખીચડિયા ભાષાના અનિષ્ટ અંશનો આદર, ઇત્યાદિ પ્રકારોને લીધે ભાષાની વિશુદ્ધિને ક્ષોભકર સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એ સ્થિતિને સારે માર્ગે શી રીતે દોરવી તે પરિષદનું એક ચિન્તનકાર્ય છે.
હાલની સ્થિતિમાં તો બીજો ક્ષોભકર પ્રકાર પેઠો છે. એ પ્રકારના પરિણામમાં આધુનિક ગુજરાતી ખદખદતા ખીચડા જેવી બની છે; શબ્દના આન્તર સ્વરૂપમાં નહિ પણ શબ્દસમૃદ્ધિમાં અને કાંઈક અંશે વ્યાકરણસ્વરૂપમાં સંસ્કૃતમય ગુજરાતીનો મોહ, પારસી ગુજરાતીના અને મુંબાઈની ખીચડિયા ભાષાના અનિષ્ટ અંશનો આદર, ઇત્યાદિ પ્રકારોને લીધે ભાષાની વિશુદ્ધિને ક્ષોભકર સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એ સ્થિતિને સારે માર્ગે શી રીતે દોરવી તે પરિષદનું એક ચિન્તનકાર્ય છે.
<br>
<br>
<Center>'''નરસિંહ, મીરાં વગેરેના સમયની વ્યાપક ભાષા'''</Center>
એક બીજી વાત લક્ષમાં આવશે. ઉપરની ઇતિહાસચર્ચાથી સહજ જણાઈ આવશે કે મીરાં રજપૂતાનામાં ઉત્પન્ન થઈ, રહી, એણે કવિતા કરી, વળી સૌરાષ્ટ્રમાં આવી વસીને કવિતા કરી, – આમ રજપૂતાનાની આ કવિભકતાણીનાં પદો ગુજરાતના લોકો શી રીતે સમજી શક્યાં હશે? આ શઙ્કાનો ઉત્તર તે સમયમાં ગુજરાત, કાઠિયાવાડ, રજપૂતાના એ વિશાળ પ્રદેશમાં વ્યાપક એક ભાષા હતી એ સ્થિતિથી મળે છે. ‘કાન્હડદેપ્રબન્ધ’ની ભાષા, એના કવિનો જાલોરમાં રાજકવિ તરીકે નિવાસ, ઇત્યાદિનું સમાધાન પણ આ સ્થિતિથી મળે છે. આ ખુલાસો પૌષ ૧૯૭૦ના ‘વસંત’માં (પૃ. ૬૪૮મે) મેં સૂચવેલો; તેને ફેબ્રુઆરી ૧૯૧૪ના ‘ઇન્ડિઅન એન્ટિક્વેરી’માંના લેખમાં ડૉક્ટર ટેસિટોરીએ અણધારી પુષ્ટિ આપી છે. જે કલ્પના મેં ઇતિહાસ અને સ્વરૂપને આધારે ઉપસ્થિત કરી હતી તે જ અનુમાન ઉપર એઓ જૂના હસ્તલેખોની પરીક્ષાદિકથી સ્વતંત્ર રીતે આવ્યા છે. એમણે તે ઉપરથી એમ પણ સાબિત કર્યું છે કે નરસિંહ મહેતાની કવિતા ‘કાન્હડદેપ્રબન્ધ’ની ભાષામાં જ રચાઈ હશે, અને કાલાદિક સંગતિને બળે આધુનિક રૂપમાં આપણી કને આવી છે. વિસ્તાર થાય તેથી એમના શબ્દો અહીં ઉતાર્યા નથી. ડૉ. ટેસિટોરીએ જુદા પ્રકારે સાબિત કરેલી વાત પૂર્વે પણ પંડિતોએ સ્વીકારેલી હતી. નવલરામભાઈ એમના “ગુજરાતી ભાષાનું ઐક્ય” નામના લેખમાં લખી ગયા છે કેઃ
“આશરે સાતસેં આઠસેં વર્ષ ઉપર જોઈશું તો માલમ પડશે કે આપણું ભાષાઐક્ય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથો અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શોધકોના કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિં પણ પંજાબ, સિન્ધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉરિયા અને ઠેઠ બંગાળા સુધી લગભગ એકસરખી જ ભાષા બોલાતી હતી.”
આ જરાક અતિ વ્યાપક સ્થિતિકથનનો સંકોચ આપવો પડે એમ છે, અને તે સંકોચ જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષાના વિસ્તારક્ષેત્રને ડૉ. ટેસિટોરીએ આપ્યો છે તે ઉપરથી જણાશે. વાત ખરી એમ છે કે નવલરામભાઈએ ઉલ્લેખ કરેલી વ્યાપક ભાષા તે સામાન્યરૂપે પ્રાકૃત ભાષા હતી, તેના વિભાગ માગધી, શૌરસેની ઇત્યાદિ હતા જ અને ડૉ. ટેસિટોરીના અવલોકનનો વિષય તો રાજસ્થાન અને ગુજરાત (તળ તથા સૌરાષ્ટ્ર)માં વ્યાપક રૂપે પ્રવર્તતી અન્તિમ અપભ્રંશ (જૂની પશ્ચિમ રાજસ્થાની) ભાષા તે હતો.
આ સર્વ અવલોકન પછી જણાશે કે ડૉ. ટેસિટોરીએ કરાવેલા દર્શન પછી હવે અત્યાર સુધી પાડેલા ગુજરાતી ભાષાના યુગવિભાગમાં થોડોક ફેરફાર કરવો પડશે. એ ફેરફારની દિશા મેં ઉપર બતાવેલી સમયરેખાઓમાં બતાવી છે. અગાઉ મેં એ યુગવિભાગમાં થોડોક ફેરફાર સૂચવ્યો જ હતો12 તેમાં વધારે પેટાવિભાગ ઉમેરીને વિશિષ્ટ ભાષાલક્ષણોને આધારે અહીં પાંચ વિભાગ મેં પ્રગટ કર્યા છે. સર જ્યોર્જ ગ્રીઅર્સને ‘લિંગ્વિસ્ટીક સર્વે ઑફ ઇન્ડિઆ’ ગ્રંથ ૯, ભાગ ૨, ‘રાજસ્થાની એન્ડ ગુજરાતી’માં પૃષ્ઠ ૩૨૭મે ‘મુગ્ધાવબોધ’ની ભાષાને ગુજરાતી કહી શકાય એમ કહ્યું છે, અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય નરસિંહ મહેતાની કવિતાથી શરૂ થાય છે એમ કહ્યું છે; તેમજ ‘ધી ઈમ્પીરીઅલ ગેઝેટીઅર ઑફ ઇન્ડિયા’, નવી આવૃત્તિ, ગ્રં ૨જાના પૃ. ૪૩૦મે કહ્યું છે કે ગુજરાતીનું સાહિત્ય છેક ૧૪મા સૈકાથી ચાલી આવ્યું છે; તે વિશે મેં ઘણા કાળથી સંશયચિહ્નની નોંધ અન્ય પ્રમાણને આધારે કરી હતી; અને આજ કહી શકાય એમ છે કે ડૉ. ટેસિટોરીએ સાબિત કરેલી સ્થિતિ જોતાં સર જ્યોર્જ ગ્રીઅર્સનનાં આ વચનો ફેરવવાં પડશે.
<br>
<br>
<Center>'''ગુજરાતી સાહિત્યનું ઇતિહાસદર્શન'''</center>
હવે આપણા સાહિત્ય તરફ નજર નાંખીએ. આ સાહિત્યના બે સ્થૂલ સમયવિભાગ કરીશું; (૧) ઈ.સ. ૧૮૫૦ (વિ.સં. ૧૯૦૬) પૂર્વેનું સાહિત્ય, અને (૨) તે પછીનું સાહિત્ય. પ્રથમ વિભાગમાં આવનાર સર્વ કવિઓ પાશ્ચત્ય સંપર્ક પૂર્વેના અથવા એ સંપર્કના પરિણામથી અસ્પૃષ્ટ સંસ્કારવાળા આવશે; અને બીજા વિભાગમાં તે સંપર્ક પછીના અને વધતા ઓછા પ્રમાણમાં અને સ્વરૂપમાં સંપર્કના સંસ્કારવાળા કવિઓ તથા ઇતર લેખકો આવશે. પ્રથમ વિભાગના કવિઓની કવિતા વિશે અત્યાર સુધી એટલી બધી ચર્ચા થઈ ગઈ છે કે સર્વ વિદ્યારસિક જન એથી પરિચિત છે. તેથી એ ખેડાયેલી ભૂમિ ફરીથી ખેડાવામાં શ્રમ અને સમયનો વ્યય કરીશું નહિ. માત્ર એ કવિતાના સ્વરૂપના સ્થૂલ વિભાગો અને રૂપરેખાનું સ્મરણ કરી જઈશું. સરળતા માટે પ્રથમ વિભાગમાં સાહિત્ય, કવિતા, અને કવિઓને પ્રાચીન એ વિશેષણ આપીશું અને બીજા વિભાગનાંને અર્વાચીન કહીશું. (આ વિશેષણો આ ચર્ચા માટે જ વાપર્યાં છે; પાછળ થઈ ગયેલી ભાષાદિકના ઇતિહાસની ચર્ચાને તે લાગુ પાડવાનાં નથી.)
<br>
<br>
<Center>'''પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદ'''</center>
પ્રાચીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચે એક ભેદ સાહિત્યશરીરને સંબંધે છે; તે એ કે પ્રાચીન સાહિત્ય પદ્યમય જ છે. ગદ્ય અપવાદ રૂપે નજરે પડે છે; અને અર્વાચીનમાં ગદ્ય તથા પદ્ય બંને સમતોલ છે. પ્રાચીન ગદ્યના છૂટાછવાયા અપવાદરૂપ દાખલા અલ્પ જ છે; એ ગદ્ય સંવત ૧૬૪૩ સુધીમાં છૂટક છૂટક છે.13 આ સર્વ નમૂના ગદ્યસાહિત્યનું નામ આપવા જોગ નથી; “વૈશાખ સુદિ લૂણદાન ન દીજઈ.” એવાં બોધનાં છૂટક વચનો, અથવા તો ‘છાસિસઉં પાકીઉં બીલું પીજઈ હરસ જાઇ.’ હેવા ઓસડના ટૂચકા, ઇત્યાદિ તૂટક વાક્યો અથવા તો “વિપુલ વિસ્તીર્ણ પુલક યે રોમાંચ તીણિ સહિત છિ પૃથુ કહિતાં ઘણૂ વેપથુ યે ધ્રુજવું.” એવી ટીકાનાં વાક્યો, બહુ ભાગે છે; ક્વચિત્ માત્ર વાર્તાનું ગદ્ય છેઃ “પાડલિપુર નગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ર રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઇ.” – ઇત્યાદિ; ‘શુકબોહોતરી’ (વિ.સં.ના ૧૫મા સૈકાની) વાર્તાનું ગદ્ય; ઇત્યાદિ નરસિંહ મહેતાના સમયનું ‘ગદ્યરામાયણ’ તે પણ કથાગ્રંથ તરીકે અપવાદમાં મુકાશે. આ ગદ્ય તે પ્રાચીન સાહિત્યના વિશાળ પદ્ય સિન્ધુની સરખામણીમાં ખાબોચિયાં જેવું છે.
અર્વાચીન ગદ્યનો આરંભ સંવત ૧૮૮૪ (ઈ.સ. ૧૮૨૮)માં બાપુશાસ્ત્રીકૃત ‘ઈસપનીતિ; (ભાષાન્તર – મરાઠી ઉપરથી કરેલા)થી થયો. કવિ નર્મદાશંકર આ સ્થિતિ વિશે કહે છેઃ “સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માંડ્યું.” ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના (ઈ.સ. ૧૮૪૮ – સંવત ૧૯૦૪), તેને અંગે ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાનો ઉદ્ભવ (ઈ.સ. ૧૮૫૩ – સંવત ૧૯૦૯), ‘બુદ્ધિવર્ધક હિન્દુ સભા’ની સ્થાપના (ઈ.સ. ૧૮૫૬ – સંવત ૧૯૧૨), ઇત્યાદિ અને કેળવણી ખાતાની ઉત્પત્તિને અંગે રચાયલાં પુસ્તકો, વાંચનમાળા, ઇત્યાદિ સંસ્કારસાધનો નવીન રૂપમાં પ્રવેશ પામતાં ગુજરાતી ગદ્યની ઉત્પત્તિ થઈ. નવલરામભાઈએ આ બુદ્ધિવર્ધક સભાના આદ્ય પ્રમુખ રણછોડદાસ ગિરધરભાઈને “ગુર્જરી ગદ્યના પિતા”14 કહ્યા છે, અને તે યથા ઘટિત જ છે તે એમની ગુર્જરગિરાની સેવાથી વાકેફ માણસો કબૂલ કરશે.15 એમનાં પૌત્ર પણ આ સમયને અનુરૂપ ગુર્જર ગદ્યની સેવા કરે છે, અને આપણી આ પરિષદના કાર્યમાં ધુર્ય ભાગ લે છે તે સરસ્વતીદેવીના ભક્તોને એક આર્દ્ર આનંદનું કારણ બને એમ છે.
પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચે બીજો ભેદ સાહિત્યના વિષયસ્વરૂપને અંગે નજરે પડે છે. પ્રાચીન સાહિત્યમાં નરસિંહ, મીરાં, ભાલણ, ઇત્યાદિ મોટે ભાગે ધર્મ, ધર્મના સંપર્કનો કૃષ્ણલીલાનો શૃઙ્ગાર, ઇત્યાદિ વિષય ચર્ચે છે; ભાલણ ‘કાદમ્બરી’ જેવી રસપૂર્ણ કથાને કાવ્યરૂપમાં રસમય બનાવે છે. જૈન કવિઓ રાસાઓમાં કથાઓ ગૂંથે છે; પાછળના કવિઓ પ્રેમાનન્દ જેવા આખ્યાનો, પુરાણકથાઓ, ઇત્યાદિ ગાય છે; શામળ કલ્પિત વાર્તાઓને નવીન માર્ગમાં જ દોરે છે, દયારામ શૃંડ્ગાર રસને પોતાની મોહક ભાષાશૈલીથી આકર્ષક રૂપ આપે છે, તેમ જ ભક્તિવૈરાગ્યની પણ કવિતા ગાય છે; અન્ય કવિઓ બોધપરાયણ (‘ડાયડેક્ટિક’) પદ્યો, ચાબખા, ઇત્યાદિ વડે ધર્મ, નીતિ, વગેરે વિષયોને અંગીકૃત કરે છે; આમ પ્રાચીન સમયનો સાહિત્યસમૂહ એક જુદા ખંડમાં મુકાય એવો છેઃ ત્યારે અર્વાચીન સાહિત્ય આ પાછલા વિષયને લગભગ છોડી જ દઈને નવીન દિશા તરફ જ વલણ લે છે; તેમાં પણ દલપતરામ અને નર્મદાશંકરના સમયનું સાહિત્ય એક વર્ગમાં આવશે; અને તે પછીનું ઈ.સ. ૧૮૮૦ પછીનું બીજા વર્ગમાં આવશે, અને એ બેની વચ્ચે ઊભેલું નવલરામનું સાહિત્ય એક અવાન્તર ક્રમમાં રહેલું જણાશે. નર્મદાશંકર તથા દલપતરામની કવિતાએ પ્રાચીન સાહિત્ય જોડેનો સંબંધ લગભગ તદ્દન છોડ્યો, છતાં વિચાર અને પ્રદર્શનપદ્ધતિ તદ્દન જુદા પ્રકારની ન પ્રગટ કરી; આથી આગળ ક્રમ ભરનાર નવલરામભાઈનાં ‘વીરમતી નાટક’, ‘ભટ્ટનું ભોપાળું, ‘મેઘદૂત’નું ભાષાન્તર ઇત્યાદિએ એમના પછી તરત આવનારા નવીન યુગનાં કાંઈક પ્રભાતકિરણો પ્રગટાવ્યાં.
મનસુખરામ સૂર્યરામની આરંભકાળની કૃતિઓ અને રા. રણછોડભાઈ ઉદયરામની નાટકરચનાઓનો પ્રવાહ તે વળી આ વચગાળાના સાહિત્યને બે જુદાજુદા રંગ આપતાં જણાય છે. ઝવેરીલાલ ઉમિયાશંકરનું ‘શાકુન્તલ’ નાટક પણ આ મધ્ય ખંડમાં મુકાશે. ‘કરણઘેલો’ એ એકલ પુસ્તક હોઈ એની વાર્તાસાહિત્યમાં પહેલ તથા નવીનતાને લીધે એ જમાનામાં પંચમહાલના વિશાળ મેદાનમાં એકલા ઊભેલા પાવાગઢ જેવી સ્થિતિએ ભોગવે છે. એ પણ આગામી શુદ્ધ નવીન યુગનો ડંકો વગાડનાર અગ્રેસર સવારનું સ્થાન લે છે. ભામરાવનાં ‘પૃથુરાજરાસા’ અને ‘દેવલદેવીનાટક’ તથા ‘મેઘદૂત’નું ભાષાંતર તે પણ આ ડંકેસવારની જોડાજોડ ચાલનાર બીજા દુંદુભિવાદક તરીકે ગણી શકાશે. હરિલાલ હર્ષદરાય ધ્રુવની કવિતામાં નવીન યુગ અને પ્રાચીન યુગનું વિલક્ષણ મિશ્રણ છે.
<br>
<br>
<Center>'''નવીન યુગનું સાહિત્ય'''</Center>
કેવળ નવીન યુગ ગોવર્ધનરામ, મણિલાલ દ્વિવેદી, ‘કલાપી’ ઇત્યાદિ કવિઓના જુદા જ સંસ્કાર અને પદ્ધતિથી રંગાયેલા સાહિત્યથી અંકિત થાય છે. પાશ્રાત્ય જ્ઞાનપ્રકાશનો પ્રવાહ પૂરજોસમાં આવ્યા પછી આ સાહિત્ય ઉત્પન્ન થયું; આ સાહિત્યયુગમાં નવલકથાનું સાહિત્ય ઉત્પન્ન થયું, નાટક સાહિત્યને નવું રૂપ મળ્યું, કવિતાના વિષયમાં તો કોઈ અપૂર્વ નવો પ્રદેશ જ ઊઘડ્યો, અને વિજ્ઞાન, જીવનચરિત, સમાજશાસ્ત્ર, ઇત્યાદિના જે પ્રદેશો ઉઘાડવાનું મુખ્ય માન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઘટે છે તે સાહિત્યવિભાગને પણ અલ્પાંશે આદર અપાયો.
આ નવીન યુગના સાહિત્યનું દર્શન વધારે નજીક જઈને કરતાં પહેલાં એક સામાન્ય વિચાર આ સ્થળે નોંધવા જેવો છે. ઉપર આપણે પ્રાચીન અર્વાચીન એમ બે વિભાગ ગુર્જર સાહિત્યના કર્યા, અને અર્વાચીનના બે પેટાવિભાગ જોયા; ઈ.સ. ૧૮૮૦ પૂર્વેનું સાહિત્ય અને તે પછીનું; આ બેમાંના પ્રથમને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ અને બીજાને ઉત્તરાર્ધ એ સંજ્ઞાથી ઓળખીશું. આ ત્રણ વિભાગનાં સ્વરૂપ જોતાં જણાશે કે પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ એ બે વચ્ચે વિષયભેદ અને કાંઈક અંશે રૂપભેદ થયો ખરો, છતાં પ્રાચીનથી તદ્દન વિચ્છેદ કરીને એ અર્વાચીન પૂર્વાર્ધનું સાહિત્ય પ્રવૃત્ત થયું નથી; ત્યારે અર્વાચીન ઉત્તરાર્ધનું સાહિત્ય તે તો અર્વાચીન પૂર્વાર્ધના સાહિત્યથી પણ તદ્દન વિચ્છિન્ન થઈને કોઈ નવા પ્રદેશમાં નવી જ ફલંગો મારતું ચાલ્યું છે, તો પછી પ્રાચીનથી તદ્દન વિચ્છેદ થયો છે તેની તો વાત જ શી? આ સ્થિતિ શું સૂચવે છે? સાહિત્યના વિભાગમાં ઉત્ક્રાન્તિના તત્ત્વનો ત્યાગ થયો? ભૂત ઉપર ભાવિનો પાયો ચણાય એ નિયમ અહીં પ્રવૃત્ત કેમ ન થયો? આ આભાસી નિયમભંગનું સમાધાન જડે એમ છે. પ્રાચીન અને અર્વાચીનમાં ભેદ પાડનાર કારણબળ પાશ્ચાત્ય નવીન જ્ઞાનપ્રકાશ હતો; તે જ જ્ઞાનપ્રકાશ અર્વાચીન ઉત્તરાર્ધનું સ્વરૂપ બાંધનારું પ્રવર્તક કારણ હતું. પ્રથમનામાં એ કારણબળ કાંઈક સંકોચયુક્ત અને પ્રાચીન તરફ નજર નાંખનારું હતું. પાછળનામાં તેમ ન હોઈ અપૂર્વ સ્વતંત્ર દૃષ્ટિ અને પ્રવૃત્તિ રાખનારું બળ નવીન રૂપનું જ બન્યું હતું. આથી કરીને પ્રાચીન તરફ દૃષ્ટિ નાંખ્યા છતાં એ પ્રાચીન વિષયોનો તો સંગ્રહ કરીને, પણ તદ્દન નવીન દૃષ્ટિ અને નવીન સ્વરૂપ એ વિષયોને આ નવીન યુગના સાહિત્યમાં અર્પાયાં છે. હાલના નવીન યુગનો આરંભ ઈ.સ. ૧૮૮૦થી થયો તે વખતથી અંગ્રેજી, ફારસી અને સંસ્કૃત સાહિત્યના ઊંચા પ્રકારની પ્રેરણાથી એ યુગનું સાહિત્ય અનુપ્રાણિત થયું. આ સ્થિતિમાં પ્રાચીન જોડે વિચ્છેદ થયો તે માત્ર સ્થૂલ કાલ તથા સ્વરૂપના સંબંધનો જ; બાકી પ્રેરક બળોની કાર્યમૂર્તિ આ પરિણામને અંગે તપાસીશું તો ઉત્ક્રાન્તિનિયમનો ભંગ થયો છે જ નહિ. પ્રાચીન અંશોનો કાળબળે ત્યાગ અને નવીનનો સ્વીકાર એ ક્રિયા તો વિકાસવ્યાપારનું અંગ જ છે. કોઈ દેશની ભૂમિમાં અમુક કાળ સુધી અમુક જાતની ધાન્ય, ફલ, ઇત્યાદિની સમૃદ્ધિ નીપજતી જોવામાં આવે, પછી કોઈ અણધાર્યા નવીન સંજોગો પ્રગટ થઈને નવીન કારણસામગ્રી પ્રગટ થાય; ધરતીના પડની અંદરનાં કમ્પાદિક સંચલનોને પરિણામે નવા જલપ્રવાહ એ ભૂમિમાં વહેલા લાગે અને એ પ્રવાહની સાથે નવા પ્રકારની માટી, કાંપ, ઇત્યાદિ સામગ્રી ઘસડાઈ આવે, નવાં બીજ ઘસડાઈ આવે; વાતાવરણમાં પણ પવનો બદલાઈ નવાં બીજ ઊડીને આવી તે ભૂમિમાં પડે – આ ફેરફારોથી નવીન ફૂલ, પુષ્પ, ધાન્ય, ઇત્યાદિની ઉત્પત્તિ થાય; તો એ વિકાસનિયમનો ભંગ સૂચવશે નહિ. એ જ પ્રકારની કાંઈક ક્રિયા આપણા સાહિત્યના નવીન યુગની ઉત્પત્તિને અંગે પ્રર્વતમાન થયેલી જણાય છે. વળી આ પ્રકારની નવાં બળોની ક્રિયાનો વ્યાપાર સાહિત્ય ઉપર બીજી આડકતરી રીતે પણ થવાથી આ નવીનતા પ્રગટ થઈ છે. ઉપર સૂચવેલાં નવા જ્ઞાનસંસ્કારનાં બળોએ પ્રજાના જીવનમાં પ્રજાની ભાવનાઓમાં, ઉલ્લાસોમાં, આકાંક્ષાઓમાં, નવો જ ફેરફાર કર્યો છે (પછી તેમાં અનિષ્ટ અંશો પ્રવેશ પામ્યા હોય તે જુદી વાત.) તો સાહિત્ય તે પ્રજાજીવનનું પ્રતિબિંબ આપનારું સ્વરૂપ છે તે દૃષ્ટિએ જોતાં પણ આ નવીનતાનો ખુલાસો જડશે. યુરોપના દેશોનાં સાહિત્યમાં જોવા જશો તો આ પ્રકારની જ વ્યાપારક્રિયા ચાલેલી જણાશે. અલબત્ત, એટલું તો સ્વીકારવું પડશે કે આપણા હાલના નવીન યુગના સાહિત્યમાં કેટલીક કૃત્રિમતા છે. ખાસ કરીને કલ્પિતકથા (‘ફિક્શન’)માં એ નજરે પડે છે. પણ એ કૃત્રિમતાનો અંશ તો આપણા યુગનો જ દોષ છે એમ નથી. બાણભટ્ટની ‘કાદમ્બરી’માં કે શામળભટની વાર્તાઓમાં પોતપોતાના સમયના સંસારચિત્ર પડાયાં છે એ સ્વરૂપદર્શન સર્વાંશે ખરું લાગતું નથી; એમાંનાં ચિત્રો તે તે સમયની સમાજસ્થિતિનાં પ્રતિબિંબ હોવા કરતાં કવિની હૃદયની ઇચ્છાથી ઉત્પન્ન થયેલાં, કલ્પનાએ ઘડેલાં, કૃત્રિમ બિમ્બો હોવાનો સંભવ વધારે છે. તો પણ જ્યારે હાલના સાહિત્યમાં મુખપૃષ્ઠ ઉપર કેટલીક કથાઓમાં ‘આધુનિક સંસારનું ચિત્ર’ એમ જોઈએ અને વાર્તાની અંદર એ સંસારમાં કદી નજરે ન પડે એવાં બનાવો, સંસ્થાઓ, પ્રવૃત્તિઓ આલેખાયલાં દેખીએ ત્યારે તો, કૃત્રિમતા કરતાં પણ વધારે ભારે, અસત્યતાનો દોષ પ્રવિષ્ટ થાય; અને એવાં પુસ્તકો હાલના વખતમાં દેખા દે છે ખરાં, તે દૂષણરૂપ ગણીશું. આ પ્રકારનાં ઉદાહરણો બાદ કરીને પણ હાલના સાહિત્યમાં કૃત્રિમતા કોઈ કોઈ વાર એટલી બધી છે કે ભવિષ્યકાળનો ઇતિહાસ લખનાર એ કૃત્રિમ સ્વરૂપને ચાલુ જનમંડળની સ્થિતિના પ્રતિબિંબરૂપે માનવાનો શ્રમ કરે તો નવાઈ નહિ. એટલે અંશે ચાલુ સાહિત્યને ઇતિહાસની સત્યદર્શક સામગ્રી તરીકે સ્વીકારવામાં કાંઈક ભય છે એ ચેતવણી ભવિષ્યના ઇતિહાસકારને આજ આપી મૂકીશું તો એક પ્રકારની સત્યસેવા થશે.
હાલના યુગના સાહિત્યનું હવે સમીપથી દર્શન કરીએ. કોણ જાણે કેમ પણ આ યુગમાં કવિતાનું સાહિત્ય બીજા સાહિત્ય કરતાં વિશેષ જથામાં ઊભરાઈ જાય છે. પરિણામ એ આવે છે કે જથાથી વિપરીત પ્રમાણમાં કવિત્વગુણ નજરે પડે છે. નવીન સાહિત્યનો આરંભ ઈ.સ. ૧૮૮૦ પછી થયો ગણીએ છીએ; તે નવીન યુગના અધિષ્ઠાતા બનેલા મુખ્ય કવિઓની ઢબની નકલો પણ બહુ થાય છે. તેમાં એ શૈલીનું હૃદયતત્ત્વ ઉતારાતું નથી અને બાહ્ય રૂપનાં નિર્જીવ ખોખાં, આગન્તુક અંગો, ઇત્યાદિ ઉપાડી લઈને અસલ શૈલીના અજાણતાં ઉપહાસ કરનારી રચનાઓ પ્રગટ થાય છે. આ દશાનું કારણ એ છે કે ગોવર્ધનરામ મણિલાલ, કલાપી, નાનાલાલ, ઇત્યાદિની કવિતાને જે હૃદયના અંતરની સાચી કવિત્વભાવની ઊર્મિઓ પ્રવૃત્ત કરતી હતી અને કરે છે તે ઊર્મિનો બહુ તો આભાસ પ્રગટ કરાય છે, અને તેથી રચના અસત્ય અને કૃત્રિમ બને છે. પ્રાચીન સાહિત્યમાં ગમે તે ખામીઓ હશે, પરંતુ એમાં એક નગદ ગુણ એ હતો કે એ સાહિત્યની કવિતામાં ખરા દિલની ઉત્સાહવૃત્તિ, હૃદયની સાચાઈ, એ ગુણો હતા અને તેથી કવિતામાં અન્ય દૂષણો છતાં સાચાઈનો રણકાર હતો. આપણા હાલના નવીન યુગમાં બહુ ઠેકાણે આ ગુણોની ઊનતા દેખાય છે. અર્વાચીન સાહિત્યના પૂર્વાર્ધમાં પણ આ સાચાઈ, ખરું દિલ, એ ગુણો હતા. માત્ર આપણા નવીન યુગમાં જ ભાવનાદિકની નવીન ગતિ સાથે, કવિતા લખનારાના મોટા ભાગમાં ઉપર કહેલી ખામીઓ પ્રવેશ પામી છે. એ ખામીઓની સાથે વિદ્યાદિકના સંસ્કારની ઊનતા અથવા પોતાના અધિકારની મર્યાદાના ભાનનો અભાવ ઇત્યાદિક લક્ષણો પણ આ દૂષણમય દશાને વધારવામાં સહાયભૂત થાય છે. છેક પિંગળના નિયમોની બાબતમાં પણ ઉદ્ધત અનાદર નજરે પડે છે; અર્વાચીન પૂર્વાર્ધમાં મહેતાજીવર્ગના અને ઇતર કવિતા કરતા તેમાં બીજું કાંઈ નહિ પણ પિંગળના નિયમો સચવાતા હતા. હાલના ઉત્તરાર્ધમાં તેમ નથી. એટલું જ નહિ પણ એ નિયમભંગમાં મોટાઈ મારનાર અગ્રેસરોના એ લક્ષણનું અનુકરણ કરનારા કેટલાકના મનમાં એ વિશે ભ્રમયુક્ત મત બંધાઈ જાય છે. એક કવિતામાં નિબંધ લખનારે લખ્યું હતું કે વાંચકવર્ગની તથા અપ્રતિમ સાક્ષર વર્ગની કૃત્રિમ નિયમબદ્ધ પદ્ય લખાણ માટે તીવ્ર જુગુપ્સા છે એવું લાગવાથી પિંગળના નિયમો બરોબર પળાયા નથી, અને તેથી રાગનાં કે છન્દનાં નામ નથી! રાગ અને છન્દ વચ્ચેના ભેદનું અજ્ઞાન આમાં જણાય છે તે તો જુદી વાત, પરંતુ ‘નિયમ પળાયા નથી’ એ સ્વીકારથી પોતાનું અસામર્થ્ય ઉઘાડું એ અસામર્થ્યને માટે આ ‘ફેશન’ની ઢાલનું રક્ષણ લે છે એ બહુ સૂચક વાત છે.
પરિણામ એ થાય છે કે જે કાવ્યશૈલીનું અનુકરણ કરવામાં આવે છે તે શૈલી નાહક બદનામ થાય છે; અનુકરણોના દોષ અનુકૃત મૂળને જ સમર્પી દેનારા નીકળે છે. એક પક્ષે નવીન શૈલીનું રહસ્ય ન સમજનારાઓ બાહ્ય અંગોને પકડી લઈને નિન્દવા મંડી જાય છે – જે બાહ્ય અંગો અનુકરણ કરનારા તત્ત્વભૂત સ્વરૂપ તરીકે પકડી લઈ સ્વીકારે છે – તો, બીજે પક્ષે ન્યાયદૃષ્ટિથી વિવેચન કરનારા એ બાહ્ય અંગો ને જ તત્ત્વ માની ઉપાડી લેનાર વર્ગનો વાજબી ઉપહાસ કરે છે. કેટલાક માસ ઉપર એક “કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા”ના નામથી ચર્ચાપત્ર પ્રગટ થયું હતું.16 તેમાં વિનંતી કરી હતી કે આ સાહિત્યપરિષદે ઠરાવ પસાર કરવો કે કવિઓ અગર કવિ કહેવડાવનારાઓ હવે પછી કોયલ પર કવિતા લખવાની બંધ કરે – એ વિનંતિમાં આ પ્રકારનો વાજબી ઉપહાસ સમાયો હતો.
અર્વાચીન નવીન સાહિત્યની ભાવનાઓની હું નિન્દા કરવાને પ્રવૃત્ત થયો નથી. એ ભાવનાઓ તો મારે સર્વથી ઇષ્ટ, આદરણીય જ છે અને હું તેનો પૂજક જ છું. મારો હેતુ તો એ ભાવનાઓને યોગ્ય સ્થાનથી ભ્રષ્ટ થવાના ભય ચાલુ યુગમાં કયે સ્થળે છે તે દર્શાવવું એ છે. એ ભાવનાઓનું આમ એક પક્ષે ભ્રંશ થવામાંથી રક્ષણ કરવાની જરૂર છે; તો બીજે પક્ષે અન્ય સ્થળેથી જ એ ભાવનાના સાહિત્ય ઉપર અન્યાયયુક્ત આક્ષેપો આવે છે તેનો પણ નિરાસ કરવાની આવશ્યકતા છે. નવીન ભાવનાનું ખરું રહસ્ય ન સમજનારા માત્ર નિન્દાપ્રવૃત્તિ જ આદરનારા વર્ગ વિશે હું નથી બોલતો. એ તો ઉપેક્ષ્ય રાશિ તરીકે જ સમજવા લાયક છે. હું બોલું છું – બોલવાને ઇચ્છું છું તે તો આપણા સાહિત્યની ગુણપરીક્ષા પરકીય અને વિશાળ વર્ગમાં પ્રસરાવનાર કેટલાક ખરા વિદ્વાનોને ઉદ્દેશીને. જ્યારે સર જ્યોર્જ ગ્રિઅર્સન જેવા પ્રમાણભૂત ગણાતા પંડિત આ યુગની કવિતા વિશે કાંઈ પણ અભિપ્રાયને શંકા કાઢ્યા વિના જ સ્વીકારે; આવી સ્થિતિ હોવાથી એ પંડિતનો અભિપ્રાય આપણા સાહિત્યને અન્યાય આપતો જણાય તો આપણા સર્વનું કર્તવ્ય છે કે એ અભિપ્રાયની દૂષિતતા પૂર્ણ ઘોષથી દર્શાવવી. એ પંડિતના શબ્દો આ પ્રમાણે છેઃ
“Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and mostly translations.”
[‘વર્નાક્યુલર લિટરેચર’ એ લેખ – ‘ઈમ્પીરીઅલ ગેઝેટિયર ઑફ ઈન્ડીયા’ (નવી આવૃત્તિ, ઈ.સ. ૧૯૦૮), ગ્રંથ ૩જો, પા. ૪૩૦]
(“અંગ્રેજી સાહિત્યની અસર થઈને હાલ કેટલાંક વર્ષથી સંખ્યાબંધ પુસ્તકો છપાઈ પ્રગટ થયાં છે, પરંતુ એમાં અપૂર્વતા બહુ થોડી જ છે, અને ઘણે ભાગે એ ભાષાન્તરો જ છે.”)
સર જ્યોર્જના આ વચન માટે શું કહીશું? એ પંડિતની વિદ્વત્તા, અભ્યાસની ખંત, ઇત્યાદિ માટે પૂર્ણ માન છતાં કહેવું પડે છે કે આ મત એમણે જાતે મેળવેલા જ્ઞાન ઉપરથી નહિ પણ અન્યની પાસેથી મેળવીને પ્રગટ કર્યો લાગે છે. ‘ઘણે ભાગે ભાષાન્તરો છે.’ આ વચનમાં વસ્તુસ્થિતિ જોડે કેટલો વિરોધ છે તે આપણે તો જાણીએ જ છીએ. સર જ્યોર્જ ગ્રિઅર્સને હિન્દી અને ગુજરાતી પ્રાચીન કવિઓ વિશે મત દર્શાવ્યો છે તેમાં પણ ગુજરાતી સાહિત્ય વિશે જાતનું જ્ઞાન ન હોય એ પકડાઈ આવે છે. ઉપર ઉતારો આપ્યો તે પૃષ્ઠમાં જ એઓ જણાવે છે કે હિન્દુસ્તાનના મધ્યકાલીન સમર્થ કવિવરોની સમીપ પણ ગુણમાં આવી શકે એવા કવિ ગુજરાતી ભાષાએ હજી સુધી પેદા કર્યા નથી. તુલસી, સુરદાસ, ઇત્યાદિને ઉદ્દેશીને લખેલા આ વચનમાં પ્રેમાનંદ, દયારામ, ઇત્યાદિ સમર્થ કવિની કૃતિઓનો પરિચય ન હોય એમ જ ભાસ થાય છે. એ પંડિતને હિન્દીનો જેટલો ગાઢ પરિચય છે તેટલો ગુજરાતીનો નથી એમ માનવાને કારણ જણાય છે. ભલે, તેમ હોય તો આવો ઘાતક અભિપ્રાય પ્રગટ કરનારનું કર્તવ્ય સ્પષ્ટ એ હતું કે ગુજરાતના વિદ્વાનોમાંથી કોઈનો અભિપ્રાય પ્રથમ પૂછવો હતો. આ રીતની જવાબદારીથી આ પ્રકારના સ્થાયી લેખ લખનાર પંડિત મુક્ત થઈ શકતા નથી.
જો સર જ્યોર્જ ગ્રિઅર્સને કેવળ મિશનરી વર્ગના વિદ્વાનો ઉપર આધાર રાખીને આ અભિપ્રાય સ્થાપી દીધો હોય, તો એઓ ઊલટે માર્ગે ગયા છે એનું કારણ સમજી શકાય એમ છે. નવીન યુગના સાહિત્ય જોડે એ વિદ્વાન લોકોનો સમભાવ કાંઈક ઓછો જ જણાય છે. ગુજરાતી ભાષાનો અભ્યાસ ખંતથી કર્યા છતાં નવીન યુગના સાહિત્યના હૃદયમાં એઓ પ્રવેશ જ કરી શકતા નથી જણાતા. રેવરંડ મિ. એચ.આર સ્કોટ – આ સુરત શહેરના મિશનના અધ્યક્ષ–નો એક નિબંધ ઈ.સ. ૧૯૧૧માં ગુજરાત મિશનરી કોન્ફરન્સ આગળ વંચાયો હતો, તેમાં એઓ નીચે મુજબ કહે છે16:
There is a modern poetry, over which I do not advise you to spend time. It is the work of highly educated men, who aim at clothing the poetic fancies of English and Sanskrit poets in rather high-flown Gujarati. It is for the most part very artifical – full of Sanskrit words and turns of thought, and is obsenre and difficult to understand. No doubt it has an interest and value of its own, but only those who have much spare hand can afford to take it up. But the ancient classical poetry of Narasinh Mehtam, Tulsi, Premanand, Samaldas and Akho is easy to understand.”
(“અર્વાચીન કવિતા છે; પણ તે ઉપર વખત ગાળવાની સલાહ હું આપતો નથી. ઊંચી કેળવણી પામેલાઓની એ કૃતિ છે; અંગ્રેજી અને સંસ્કૃત કવિઓની કલ્પનાઓને આડમ્બરી ગુજરાતી વસ્ત્ર પહેરાવવાં એ એમનો ઉદ્દેશ છે. બહુ ભાગે એ અતિશય કૃત્રિમ સંસ્કૃત શબ્દો અને વિચારશૈલીથી ભરપૂર, અવિશદ તથા સમજવી કઠણ પડે એવી છે. બેશક, એની એક જાતની કીમત છે અને એમાં એક પ્રકારનો રસ પડે એમ છે, પણ જેઓને ફુરસદ બહુ હોય તે જ એ કવિતાનો અભ્યાસ હાથમાં લઈ શકે. પરંતુ નરસિંહ મહેતા, તુલસી, પ્રેમાનંદ, સામળદાસ અને અખાની પ્રાચીન શિષ્ટ કવિતા સમજવી સરળ છે.”)
આધુનિક કવિતાના ખરા અન્તઃસ્વરૂપનું અજ્ઞાન, એ કવિતા રચનારાઓની દૃષ્ટિએ જોવાની અશક્તિ અથવા અનિચ્છા, એ કવિતા જોડે સમભાવની ઊનતા, ઇત્યાદિ ભાવો આ અન્યાયયુક્ત અભિપ્રાયનાં ઉત્પાદક કારણ સંભવી શકે. (રેવ. મિ. સ્કોટનો નિબંધ મિશનરીઓ માટે હતો અને ધર્મપ્રચારકની વિશિષ્ટ દૃષ્ટિથી લખાયો હતો, એ વાત ધ્યાનમાં રાખીને આ હું બોલું છું.) ઉપરના જેવો અભિપ્રાય બાંધનાર વિદ્વાનો એટલું નથી ધ્યાનમાં રાખતા કે કવિત્વ એ આખા વિશ્વની મિલકત છે, અને એક દેશના અને બીજા દેશના કવિની રચનામાં સામ્ય આવે તે ઉપરથી એકનું બીજાએ અનુકરણ કર્યું છે એમ અવશ્ય ફલિત નથી થતું; આ નવીન યુગના કવિવર્ગને પાશ્ચાત્ય અને સંસ્કૃત કવિઓના સંસ્કાર મળેલા તે ઉપરથી એમની કવિતામાં તે સંસ્કારની પ્રેરણા મળે તે જુદી વાત છે અને અનુકરણ કરવું તે જુદી વાત છે; પાશ્ચાત્ય તેમ જ સંસ્કૃત કવિતાના જીવતત્ત્વને પોતાના હૃદયમાં પચાવી દઈને, પરંતુ સ્વાભાવિક શક્તિ અને પ્રેરણાથી, નવી કૃતિ ઉત્પન્ન કરાય તેમાં જે છાયારૂપ આકૃતિ ઘડાય તે કાંઈ અનુકરણ ન ગણાય; એમ તો ટેનિસન જેવા સમર્થ અને સ્વશક્તિવાળા કવિમાં પણ શેક્સ્પીઅર વગેરે પૂર્વગામી કવિઓની છાયા છે એમ દર્શાવવામાં આવ્યું છે છતાં એની અપૂર્વ ઘટનાશક્તિ વિશે મતભેદ થાય એમ નથી. પાશ્ચાત્ય કવિ જેવા એ વર્ગના, એ નમૂનાના તો કવિ ગુજરાતીમાં થઈ શકે જ નહિ એ એક પ્રકારના અયોગ્ય ગર્વની લાગણી રાખવાથી વસ્તુસ્થિતિ બદલાય એમ નથી. આ યુગના અગ્રણી કવિઓની કવિતા તરફ નિર્વિકાર આદર રાખીને જુવે તો ઉપર ટાંકેલા આક્ષેપ ઉત્પન્ન થાય જ નહિ. નવીન યુગની કવિતાને સમજવી કઠણ કહી પ્રાચીન કવિતાને સમજવી સરળ કહી છે તે આશ્ચર્યની વાત છે. પ્રેમાનંદ અને અખાની એક જ પંક્તિ “કને નહિ તે કહો શું ખુવે?” એનો અર્થ રેવરંડ મિ. સ્કોટે “He that is low (need fear) no pride” એમ કર્યો છે તે ઉપરથી જણાશે કે અખાની કવિતા સમજવી એ ધારે છે તેટલી સહેલી નથી.
કવિતા જોડે નિકટ સંબંધ રાખનારું નાટકસાહિત્ય જોઈએ. પણ એમાં શું જોઈશું? એ સાહિત્ય ખરું જોતાં આપણી ભાષામાં હજી ખેડાયું જ નથી. ‘કાન્તા’, ‘દેવલદેવી નાટક’, ‘જયા અને જયન્ત’, ‘રાઈનો પર્વત’ ઇત્યાદિ ખરા ગુણવાળાં નાટકો આંગળીને વેઢે ગણાય એટલાં છે. બીજાં નાટકો ખરા કવિત્વગુણની દૃષ્ટિથી કે કલાની દૃષ્ટિથી સ્વીકારાય એવાં જણાતાં પણ નથી, અને ગુણહીન નાટકો પણ સંખ્યામાં અલ્પ છે. હાલની રંગભૂમિ માટે રચાતાં નાટકો તો ગણનામાં લઈ શકાશે જ નહિ. જનસમાજના ઊતરતા વર્ગની હીન રુચિઓને સંતોષ આપવાનો ઉદ્દેશ જ જ્યાં પ્રધાન ત્યાં ખરું સાહિત્યલક્ષણ શી રીતે સંભવે?
નવલકથાનું સાહિત્ય નાટકસાહિત્ય કરતાં વિશેષ વિસ્તારનું છે. પરંતુ એમાં પણ ખરાં રસતત્ત્વ સાચવનારાં પુસ્તકો વિરલ જ જણાય છે. કવિતાના સાહિત્ય સંબંધે જે દૂષણો મેં પાછળ બતાવ્યાં – કૃત્રિમતા, હૃદયની સાચાઈનો અભાવ, ઇત્યાદિ – તે આ નાટક અને નવલકથાના સાહિત્યમાં પણ વધતા ઓછા પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. અર્વાચીન પૂર્વાર્ધમાં આ દૂષણ નહોતાં એ પાછળ કહ્યું જ છે; એ સમયના સાહિત્યમાં ભાષા વગેરેમાં સંસ્કારિતા નહોતી, તો હાલના સાહિત્યમાં પણ કવિતા, નાટક, નવલકથા, સર્વમાં ભાષા, વિદ્યા, ઇત્યાદિના સંસ્કારની ખામી પદે પદે જણાઈ આવે છે, અને તે અસંસ્કારિતા નવા જ પ્રકારની, સંસ્કારિતાનો ડોળ કરવા જતાં અસંસ્કારી બનાવનારી. ઉદાહરણો આપવાની જરૂર નથી. આ સર્વ દૂષણોનું મુખ્ય કારણ વિચારશૂન્યતા અને ભાવશૂન્યતા છે. કશું વક્તવ્ય હોય નહિ; તેમ વિચારની ઉત્પત્તિ જ ન હોવાને લીધે, હૃદયની ખરી ભાવોર્મિ પણ હોય નહિ; તે સ્થિતિમાં માત્ર શબ્દોની રણકારરચના, અર્થહીન રચના, શિવાય બીજુ શું ઘડાય?
આ સર્વ અપ્રિય વચનો લાગશે, પરંતુ આ મારાં વચનો ઉપર વર્ણવેલી નિઃસાર કૃતિઓના લેખકોને સંબોધીને હું નથી કહેતો, સંસ્કારી સાહિત્યશાસ્ત્રીની દૃષ્ટિએ અપરાધ કરનાર વર્ગને સંબોધીને હું નથી બોલતો, પરંતુ એ અપરાધીઓનો ઉદ્ધાર કરનાર આજના સત્રના ઋત્વિજો તથા ઇતર બ્રાહ્મણોને સંબોધીને કહું છું. આ પરિષદ આગળ આમ આજ શુભ હેતુથી આ ફરિયાદ રજૂ કરું છું કે આપણી પરિષદ કને શાસનબળ નથી, અને હોય જ નહિ; પણ અન્ય દૃષ્ટિએ શાસનબળ જ ગણાય. સાહિત્યની ભાવના ઊંચી દર્શાવવી; ઇનામી નિબંધોમાં તેમ જ અહીં વંચાવાના નિબંધોમાં ધોરણ એ ઊંચી ભાવનાની સમીપ જઈ શકે એમ દૃઢ અને ઊંચું કર્યે જવું; અને એ માર્ગે ચાલી સાહિત્યની સ્થિતિ સર્વ વિભાગમાં ક્રમે ક્રમે શુદ્ધિમાર્ગમાં ચઢાવવી – આ બળ આપણી કને છે.
આપણા સાહિત્યમાં કેટલાક વિભાગના સાહિત્યની વસ્તુતઃ ઊનતા જ છે તે હવે જોઈએ. જીવનચરિતનું સાહિત્ય, વિજ્ઞાનનું સાહિત્ય, દર્શન (તત્ત્વજ્ઞાન)નું સાહિત્ય સાહિત્ય-વિજ્ઞાનનું સાહિત્ય – એ મહત્ત્વના વિભાગોના ખંડ આપણા સાહિત્યના સંગ્રહમાં લગભગ ખાલી જ છેઃ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સતત પ્રયાસથી, તેમજ છૂટક વ્યક્તિઓના પ્રયાસથી આ ઊનતા કાંઈક પુરાતી જાય છે; પરંતુ આ સર્વ દિશામાં ગતિ મન્દ છે. બાલસાહિત્ય માટે હમણાંહમણાં નિસ્તેજ પ્રયાસ શરૂ થયા છે, પરંતુ એ સાહિત્યના ખરા સ્વરૂપનું પણ દર્શન એમાં થતું નથી. હાસ્યરસનું સાહિત્ય અત્યન્ત અલ્પ છે. અને જે છે તેમાં ખરા ગુણગૌરવવાળું વિરલ જ છે. કટાક્ષસાહિત્ય (‘સેટાયર’) તો છે જ નહિ એમ કહીએ તો ચાલે. હું ભૂલતો નથી કે હાસ્યરસનું સાહિત્ય અને કટાક્ષનું સાહિત્ય ઉપજાવ્યું ઊપજતું નથી; એની ઉત્પત્તિ માટે તો અનુકૂલ વાતાવરણ અને લેખકની પ્રતિભા બંનેની જરૂર છે. એ ગુણો પ્રજાનાં કેટલાંક સ્વભાવલબ્ધ લક્ષણ ઉપર આધાર રાખે છે; પણ તે અમુક મર્યાદામાં જ. માટે આ સર્વ વિભાગોની ઊનતાપૂર્તિ કરવામાં વિષમમાં વિષમ પ્રશ્ન આ છેલ્લાં બે સાહિત્યોનો બનશે. આ શિવાય બેત્રણ મહત્ત્વના વિષયની ઊનતાઓ જુદી નોંધવા જેવી છેઃ ગુજરાતી કોશ, વ્યાકરણ, સાહિત્યનો ઇતિહાસ, અને ભાષાનો ઇતિહાસ આ ચાર વિષયના ખરા વિદ્વત્તાવાળા અને સમર્થ ગ્રંથની આપણે ખાસ જરૂર છે. અત્યાર સુધીમાં આ ચારે દિશામાં થયેલા પ્રયાસો સ્વાભાવિક રીતે જ નાના પાયા ઉપર અને ખંડિત છે. આ ઊનતા પૂર્ણ કરવા તરફ આપણી પરિષદે લક્ષ રાખવાનું છે. સર્વભાષાકોશ (‘પોલીગ્લોટ ડિક્ષ્નરી’) જેવા ભગીરથ પ્રયત્નનો લાભ તો હાલ નહિ જ કરીએ. હિન્દુસ્તાનમાં કિશ્ચીઅન મિશનના આરંભકાલમાં રેવરંડ કેરીએ એ દિશામાં કરેલો પ્રયત્ન દુર્ભાગ્યે સિદ્ધિ પામી શક્યો નહોતો.
આપણું વર્તમાનપત્રો અને માસિકોનું સાહિત્ય જોઈશું તો અતિશય શોચનીય સ્થિતિ નજરે પડશે. દૈનિક અને સાપ્તાહિક પત્રોમાં ભાષા, શૈલી, અર્થગૌરવ, ઇત્યાદિ દરેક વિષયમાં અશુદ્ધિ, નીચી પાયરીનું સ્વરૂપ, અને શૂન્યતા સર્વત્ર વ્યાપેલી જોઈને કોને ખેદ નથી થતો? અંગ્રેજી વર્તમાનપત્રોની શૈલી – જેના સ્વરૂપબંધારણનું મૂળ મેકૉલેની વિદ્વત્તાભરી શૈલીમાં શોધી શકાય એમ છે, તે શૈલી આપણાં પત્રોમાં આવવાની વાત તો ક્યાંની ક્યાં રહી, પણ કોઈ પણ વર્તમાનપત્રના ‘લીડર’ લેખોમાં શબ્દશુદ્ધિ, વાક્યરચના, ઇત્યાદિ પ્રાથમિક લક્ષણોમાં જ ક્ષતિઓ પદે પદે થાય છે. માસિકો પણ સારા વર્ગનાં તો ગણતર જ જડશે. ‘ધ સ્ટ્રેન્ડ’, ‘ધી ફોર્ટ્નાઈટ્લી રિવ્યુ’ ઇત્યાદિ માસિકોના નમૂનાનાં માસિકો આપણે પેદા કરવાને હજી વર્ષોનાં વર્ષો સુધી મથતાં સિદ્ધિ મળતી કઠણ છે, પરંતુ જે છે તે માસિકોમાં પણ ગૌરવ, શુદ્ધિ અને ઊંચી કક્ષાના લેખ એ કેટલા વિરલ જોઈએ છીએ? આપણા સ્થાયી સાહિત્યનું પ્રતિબિંબ આ માસિક સાહિત્યમાં પડે છે. આ સર્વ સ્થિતિદર્શન કરવાથી આપણને લાભ છે, હાનિ નથી. આપણું બધું સારું સારું જ છે એમ આંખમીંચામણાં કર્યાથી સુધરવાનો સંભવ જ નથી રહેતો. ખરો રોગ જોવો, જાણવો, એ ઉપાય કરવાની પ્રથમ અવસ્થા પ્રાપ્ત કરવાનો ક્રમ છે.
<br>
<br>
<Center>'''પારસી સાહિત્ય'''</center>
વર્તમાન યુગના સાહિત્યનું નિરીક્ષણ કરતાં પાંચ વિભાગના સાહિત્યનું વિસ્મરણ કરવું એ વાજબી નહિ ગણાયઃ (૧) પારસીઓનું સાહિત્ય, (૨) ખોજા સાહિત્ય (૩) જૈન સાહિત્ય (૪) સૌરાષ્ટ્રનું સાહિત્ય, અને (૫) ક્રિશ્ચીઅન પાદરીવર્ગનું સાહિત્ય. પારસીઓએ આ નવીન યુગના આરમ્ભની પૂર્વે ગુજરાતી સાહિત્યમાં જે ભાગ આપ્યો છે તે આ સ્થિતિદર્શનમાં નહીં આવે. કેખુશરુ કાબરાજીનું નામ જે સાહિત્યપ્રવૃત્તિ સાથે ચિરકાળ ઉચિત રીતે જોડાયલું રહેશે તે આ નવીનયુગની પૂર્વની છે. તેથી એના ગુણદોષની સવિસ્તર નિરીક્ષા અહીં અપ્રસ્તુત છે; માત્ર સંક્ષેપમાં એટલું કહેવું બસ છે કે પારસી ગુજરાતી ભાષાની અસંસ્કારી દશા સુધારવાનો એમનો સ્તુત્ય હેતુ, એમના સંસ્કૃત ભાષાના અજ્ઞાનને લીધે તેમ જ ફારસી ભાષાના શબ્દોનું પણ મર્દન કરી નાંખવાને લીધે, તેમ જ અન્ય પારસી લેખકો એમની જોડેજોડે ન ચાલી શક્યા તેને લીધે, સર્વાંશે સફળ થયો નહિ, તથાપિ એમનો પ્રયત્ન માન અને આશ્ચર્યને ઉત્પન્ન કર્યા વિના રહે એવો નહોતો; અને સાહિત્યગ્રંથોની ભરતી કરવાનો એમનો પ્રયાસ આ ભાષાની ખામીને લીધે આપણા વ્યાપક સાહિત્યમાં યોગ્ય સ્થાન લઈ શક્યો નહિ. આ યુગના પારસી સાહિત્યની સ્થિતિ તો કાબરાજીના અવસાન પછી શોચનીય જ છે – ભાષામાં તેમ જ સાહિત્યવિષયમાં. મિ. અરદેશર ફરામજી ખબરદાર જેવા અપવાદરૂપ લેખકોને તો, કેટલાક પારસી ગુજરાતીના છાંટા વળગી રહેલા હોવા છતાં, હિન્દુ ગુજરાતીના લેખક વર્ગમાં જ ગણવાના છે. પારસી લેખકબન્ધુઓ સંસ્કૃત તેમ જ ફારસીનો સંસ્કાર પ્રાપ્ત કરશે, અને બીજે પક્ષે આપણે કેવળ આડમ્બર માટે જ સંસ્કૃતમય શૈલીનો આશ્રય કરતા અટકીશું, તો બંને પક્ષની વચ્ચેનું અંતર કાલક્રમે તૂટશે. સંસ્કૃત શબ્દો જ વાપરવાથી ભાષા સંસ્કારી નથી થતી તે વાત તેમ જ એ શબ્દોને અશુદ્ધ બનાવીને વાપરવાથી ઊલટી હાંસી થાય છે તે વાત પારસી બન્ધુઓએ સ્મરણમાં રાખવાની જરૂર છે.</center>
<br>
<br>
<Center>'''ખોજા સાહિત્ય'''</center>
ખોજા બન્ધુઓનું સાહિત્ય વીસરવું જોઈએ નહિ. કેટલાક સંજોગોને લીધે એ આપણા સંપર્કમાં આવ્યું નથી. પરંતુ ભાષાશુદ્ધિમાં એ સાહિત્ય સંતોષ ઉપજાવનાર છે; પારસી સાહિત્ય માટે જે ફરિયાદ કરીએ તે ફરિયાદને એમાં સ્થાન મળે એમ નથી. સચેદીના નાનજિયાણીએ પ્રગટ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં આપેલાં પદોની ભાષાશૈલી કાંઈક પાછલા યુગની છેઃ તેમના નમૂના ટાંકવાથી વિસ્તાર થવાનો ભય છે, છતાં એકબે નમૂના આપ્યા વિના રહેવાતું નથીઃ
(૧) ‘સતપંથ સતનું મુખ છે, જીભ્યા હેત પરીત,
નાશીકા ગુરતરનું નામ છે, ક્ષમા દયા બે દ્રષ્ટ’
(૨) ‘એ જી એક શીશો હાથે અમ્રતનો, અજાણ્યો જાણે શરાબ,
એક હાથ કાચે હૈડે, મુખી ન મેલે વિશ્વાસ.’
શરીફ સાલેમહમદની શુદ્ધ ભાષા પ્રખ્યાત છે, અને એમના પુત્ર અલાદીનકૃત ‘વિશ્વભેદ’ ઉઘાડીને વાંચીશું તો સંસ્કારી ભાષા જ નજરે પડશે. એક ખોજા વૃદ્ધ સ્ત્રી જે હાલ હયાત છે તેનાં ભજનોનું પુસ્તક મારી કને છે; તે પણ ભાષા માટે સંતોષ ઉપજાવે એમ છે.
<br>
<br>
<Center>'''જૈન સાહિત્ય'''</center>
આપણા જૈન બન્ધુઓએ કેટલાંક વર્ષથી પ્રાચીન જૈન સાહિત્ય પ્રગટ કરવાનો સ્તુત્ય પ્રયાસ આરંભ્યો છે. એ પ્રયાસથી ગુર્જર સાહિત્યમાં ભાષાના ઇતિહાસ તેમ જ સાહિત્યના ઇતિહાસ બંનેમાં નવો પ્રકાર મળ્યો છે. તેથી એ બન્ધુઓના આપણે ખરેખરા આભારી છીએ એમણે પ્રગટ કરેલા ગ્રંથો પ્રાચીન સાહિત્યના છતાં, એમની પ્રવૃત્તિ આ યુગમાં શરૂ થઈ છે તેથી આ યુગમાં આટલું એ પ્રવૃત્તિનું દર્શન કર્યુ છે.
<br>
<br>
<Center>'''સૌરાષ્ટ્રનું સાહિત્ય'''</center>
સૌરાષ્ટ્રના સાહિત્યને જુદું સ્થાન આપવાનું એક કારણ એ છે એ પ્રાન્તમાં વિદ્યાખાતાનો સંસ્કાર તળ ગુજરાત કરતાં મોડો પડ્યો હતો; છતાં પ્રમાણમાં સાહિત્યવિષયક જાગૃતિ ઝડપીથી પ્રસરી છે. પ્રાચીન સૌરાષ્ટ્ર – સાહિત્ય – દુહા, સોરઠા (સોરઠના દુહા તે સોરઠિયા દુહા એમ ખાસ એ દેશ ઉપરથી નામ પડેલું તે પ્રસિદ્ધ સોરઠા) ઇત્યાદિ લોકગીત તથા લોકસાહિત્ય એ જુદો જ વિષય છે. નવી સંસ્કૃતિ પછીની સાહિત્યપ્રવૃત્તિ સૌરાષ્ટ્રમાં થઈ તે હાલના નવીન યુગની પૂર્વનાં ૨૫-૩૦ વર્ષ અને હાલનાં ૩૦-૩૫ વર્ષ એ બે વિભાગમાં સ્થિતિ કરે છે. પ્રથમ ભાગની પ્રવૃત્તિ આરંભકાળના ગુણ તેમ જ દોષથી લક્ષિત હતી; બીજા ભાગની પ્રવૃત્તિમાં સંસ્કૃતિ વિશેષ ભળી – જો કે પૂર્ણ નહિ, તો પણ ‘કલાપી’ બાદ કરતાં કોઈ બીજો યુગ આંકનારો કવિ કે લેખક પ્રગટ થયો નથી. બાકી બીજીત્રીજી કક્ષામાં મુકાય એવી સાહિત્યકૃતિઓ અનેક અને કેટલીક પ્રશંસાપાત્ર પ્રગટ થઈ છે. રા. મણિશંકર રત્નજી ભટ્ટ, નારાયણ હેમચન્દ્ર, વગેરે કવિઓ તથા લેખકોને સૌરાષ્ટ્રના કરતાં આખા ગુજરાતના પુત્રો તરીકે લેખું છું તેથી આ વિભાગમાં એમનો ઉલ્લેખ નથી કર્યો. મહામહોપાધ્યાય શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરની કૃતિઓની ગણના આ સમૂહમાંથી જુદી કરવી પડશે, કેમ કે એ કૃતિઓનું સ્વરૂપ નવીન યુગનાં લક્ષણોથી ભિન્ન છે. આ યુગના સૌરાષ્ટ્રસાહિત્યની પ્રવૃત્તિનું દર્શન કરતાં એક ખેદની વાત એ લાગે છે કે કેટલાક ઉત્તમ સંસ્કારી કવિઓએ પોતાની સ્વતંત્રતા આધુનિક નાટક કંપનીઓને ગ્રાહ્ય થાય એવી ભાવનાને સમર્પણ કરી દઈને પોતાની કલાની વેલીને અયોગ્ય તરુ ઉપર વીંટીને ગૂંગળાવી નાંખી છે. “સાક્ષરસપ્તક”ના સંસ્કારી કવિ એ પ્રકારે પોતાની કાવ્યશક્તિને પરવશ બનાવે તેથી કોને આ પ્રકારનો ખેદ ન થાય?
<br>
<br>
<Center>'''કિશ્ચીઅન પાદરીઓનું સાહિત્ય'''</center>
કિશ્ચીઅન મિશનરી સાહિત્ય વિષે બોલવાની જરૂર નથી. એ સાહિત્ય એ ધર્મના વિષયમાં જ બહુધા રોકાયલું છે, અને એ સાહિત્યની ભાષા ગુજરાતી છતાં ગુજરાતી નથી એ સ્વરૂપલક્ષણ આપી બસ કરીશું. અલબત્ત, ટેલરકૃત વ્યાકરણ એ ગ્રંથનું સ્થાન જુદું જ છે. અને તે નવીન યુગની ઉત્પત્તિ નથી; બાકી એ ગ્રંથની વિદ્વત્તાને મિશનરી સાહિત્ય જોડે કશો સંપર્ક જ નથી.
<br>
<br>
<Center>'''બોધ અને ભાવિદર્શન'''</center>
આ યુગના સાહિત્યના આ નિરીક્ષણથી કાંઈક ગ્લાનિ થયા વિના નહિ રહે, પરંતુ નિરાશા માટે સ્થાન નથી. આપણી આસપાસની અને અંદરની સ્થિતિ જોતાં, જ્ઞાનના પ્રવાહની દિશાઓ તથા બળ તેમ જ તે પ્રવાહ અને બળ ઝીલનાર વર્ગોનાં સામર્થ્ય, અધિકાર, ઇત્યાદિ જોતાં, સાહિત્યમાં આ પ્રકારની મિશ્ર દશા શિવાય બીજું સંભવે નહિ; પરંતુ યોગ્ય નાયકોની મદદથી અને યોગ્ય ઉપાયના સેવનથી ભવિષ્યમાં સ્થિતિ સુધરશે એમ આશા રાખવી તે નિરાધાર નથી. વળી, આ યુગના સાહિત્યનું સ્થાપન થયું છે તે તો સુસંસ્કારના પાયા ઉપર જ. અને જે કાંઈ બગાડો પ્રવેશ પામ્યો છે તે અન્ય સંયોગોને પરિણામે. એ સંયોગોનો જો ક્રમેક્રમે ઉચ્છેદ થાય તો શુભ પરિણામ જ આવે.
<br>
<br>
<Center>'''ભાવિ સુસ્થિત કરવાના ઉપાય'''</center>
આ શુભ પરિણામ આણવા માટે ઉપાય શા? પ્રથમ તો પ્રજાવર્ગમાં એ પ્રકારનો વિદ્યાપ્રસાર કરાવવો કે જેથી દરેક વ્યક્તિ શુદ્ધ સંસ્કાર મેળવે, તે સાથે જ પોતાના અધિકારની મર્યાદા પણ જાણી શકે. પછી બીજું સાધન એ કે નવીન ભાવનાઓ પ્રજાના જીવનવ્યાપારમાં, નાડીમાં વહેતા રુધિરપ્રવાહની પેઠે, શ્વાસોચ્છ્વાસમાં લેવાતા પ્રાણવાયુની પેઠે, પ્રવર્તે એ માર્ગ શોધવા માટે કવિવર્ગ, લેખકવર્ગ અને ઇતર વિદ્યારસિકો જોડે સહવાસમાં આવે એવા પ્રસંગ રચાવા જોઈએ. આ ઉપરાંત, લેખકોનું એક મંડળ બંધાય, પરસ્પર બન્ધુતા ફેલાવા સાથે અરસપરસના અનુભવો, વિચાર, ઇત્યાદિની આપલે થાય, તે માટે એ મંડળમાં પ્રવૃત્તિ ચાલુ રહે એ એક સાધન છે. માસિક પત્રોના સાહિત્યમાં સુધારા માટે વિદ્યાપ્રસારની સાથે પત્રોના તંત્રીઓના મંડળની સ્થાપના, તે મંડળમાં દાખલ થવાના અધિકારની દૃઢતા, ઇત્યાદિ ઉપાય શક્ય જણાય છે. આપણી પરિષદ એક આદર્શરૂપ માસિક કાઢે એ કલ્પના પણ વિચારમાં લેવા જેવી છે.
આ સર્વ ઉપાયોનો પાયો વિદ્યા, ગુજરાતી ભાષાનું જ્ઞાન – શુદ્ધ જ્ઞાન – પ્રસાર પામે તે ઉપર છે. હાલ ગુજરાતી ભાષાનું શિક્ષણ આપણી અંગ્રેજી શાળાઓમાં લગભગ નથી જ મળતું એમ કહીએ તો ચાલે. ઘણાં વિચારશીલ માતપિતા આ માતૃભાષા શુદ્ધ અને પાકા જ્ઞાનની ખામી પોતાનાં છોકરાંમાં હોવા બાબત ફરિયાદ કરે છે. અને એ અનિષ્ટ સ્થિતિ સુધરાવવાની માગણી કરે છે. ગુજરાતીના પાકા જ્ઞાનની ખામીને લીધે બી.એ., એમ.એ.ની ઉપાધિ મેળવેલા યુવકો પણ ભાષાશુદ્ધિમાં ગોથાં ખાય છે. ‘લખાવું’ એ સહ્યભેદનું રૂપ અને ‘લખાવવું’ એ પ્રેરક રૂપ એ બે વચ્ચે ભેદ ન સમજનારા એમ.એ. – બી.એ. જોવામાં આવ્યા છે. સંસ્કૃત ભણેલા ગ્રેજ્યુએટો પણ સંસ્કૃત શબ્દની જોડણી ખોટી કરે છે. ‘મોકલી આપવું’ જેવા દૂષિત પ્રયોગે એટલો પગપેસારો કર્યો છે કે “પરિષદ માટે ડેલિગેટો મોકલી આપવા” એમ માણસને નિર્જીવ પદાર્થની કક્ષામાં મૂકનારું વચન એક સાપ્તાહિક પત્રમાં નજરે પડ્યું હતું. આ ઉપરાંત, આપણા પ્રાચીન સાહિત્યનું જ્ઞાન તો વિરલ જ થવા લાગ્યું છે; અને પ્રેમાનંદ, અખો, ઇત્યાદિની કૃતિઓના અર્થ સમજવામાં પણ ભૂલો કરનારા ગ્રેજ્યુએટો જોવામાં આવે છે. આમ એક પક્ષે ઊનતા છે, તો બીજે પક્ષે જનસમૂહમાં અને તે પારસી ગુજરાતીનો આદર કરનાર મંડળમાં પણ સંસ્કૃત શબ્દો તરફ રુચિ વધતી જણાવા લાગી છે. આજથી વીસ વર્ષ ઉપર જે સ્થિતિ અસંભવિત હતી તે આજ વર્તમાનપત્રોની ભાષામાં નજરે પડે છે. વીસ વર્ષ ઉપર ‘દરિયાઈ લઢાઈ’ શબ્દો વપરાતા, તે સ્થળે આજ મુંબઈમાં રસ્તામાં ફેરવાતાં જાહેર ખબરોનાં પાટિયાં ઉપર (નૌકાયુદ્ધ નહિ તો) ‘નઉકા યુદ્ધ’ એમ શબ્દો જોવામાં આવે છે. સંસ્કૃત શબ્દ બનાવવા માટે “ઓટો અમૃત” એવી વિચિત્ર સ્વરચિહ્નોની મિશ્રતા એક પાટિયા ઉપર મુંબઈમાં દીઠી છે, તેનો ઉપહાસ કરવાને બદલે એમાં પણ સંસ્કૃત તરફ ઉત્સુકતા ભરેલું વલણ જોઈ શકાય એમ છે.
<br>
<br>
<Center>'''સાહિત્યપરિષદનાં કાર્ય અને કર્તવ્યના પ્રદેશની યોજના'''</center>
આમ ભાષાશુદ્ધિના ભંગમાં ભાષાશુદ્ધિનો ગુપ્ત રંગ જોઈ શકીશું તો નિરાશા માટે કારણ નહિ રહે. માત્ર કર્તવ્ય એટલું ઉપસ્થિત થાય ખરું કે જે વર્ગ આ દૂષણો માટે અપરાધી છે તેને સુપથે દોરવા. આ માટે આપણી પરિષદનાં કાર્ય અને કર્તવ્યની યોજનાનું રેખાલેખન અહીં આંકી બતાવવું અસ્થાને નહિ ગણાયઃ
(૧) લેખકમંડળની સ્થાપના;
(૨) વર્તમાનપત્રો અને માસિકપત્રોના તંત્રીઓના મંડળની સ્થાપના;
(૩) ગુજરાતી ભાષા અને સાહિત્યની કેળવણી અંગ્રેજી સ્કુલોમાં દાખલ કરવા માટે યોજના;
(૪) સાહિત્યપરિષદનું માસિક કાઢવાની યોજના;
(૫) ત્રીજી સાહિત્ય પરિષદે ઊભી કરેલી વ્યાખ્યાનમાલાની યોજનાને સજીવ કરી પ્રવૃત્ત કરવી.
નવીન સાહિત્ય સંસ્કારી પ્રચાર માટે આપણાં સાધનો હાલ બસ જણાય છે.
(૬) પ્રાચીન કવિઓના અસલ ગ્રંથોના હસ્તલેખ (‘મેનસ્ક્રીપ્ટ્સ’)નો સંગ્રહ કરાવવો;
(૭) એ લેખોનું સંશોધન યોગ્ય પંડિતો કને કરાવવું;
(૮) એમાંથી સારા ભાગોનો જ પ્રસાર કરાવવો.
પ્રાચીન સાહિત્ય માટે આટલી સૂચના બસ છે.
આ રેખાલેખન બહુ વિસ્તીર્ણ જણાય છે. સ્મરણમાં રાખવાનું એ છે કે આ સર્વ કાર્ય એકદમ હાથ લેવાં એમ કહેવાનો હેતુ છે જ નહિ. પણ પ્રોગ્રામ તૈયાર કરી મૂકવામાં નુકશાન નથી; એને અમલમાં આણવા માટે ડગલે ડગલે કામ કરીશું તેમાં બાધ નથી. આ ઉપરાંત આ યોજનામાં વધારો ઘટાડો કરવા માટે એકાદ કમિટી નીમીશું તો અડચણ નથી. એ યોજનામાંના હેતુ સિદ્ધ કરવા માટે શા શા માર્ગ લેવા તે વિષે એ કમિટી સારી રીતે વિચાર કરી સલાહ આપી શકશે.
આ સર્વ કાર્ય એક વ્યક્તિથી એકલે હાથે થાય એમ નથી, તેમ આપણાં મંડળને બાહ્ય સાહાય્ય મળ્યા વિના પણ થાય એમ નથી. માટે રાજારજવાડા વગેરેને. આપણી પ્રવૃત્તિની સાહાય્યમાં લેવા એ ઇષ્ટ જણાય છે. શ્રીમંત ગાયકવાડ મહારાજાએ તો આપણી પરિષદને ખાસ સહાયતા આપી છે તે વડોદરાની પરિષદ વખત એમણે આપેલી હાજરી તેમ જ સંગીન મદદ ઉપરથી સાબિત થઈ ચૂક્યું છે. એ ઉપરાંત અન્ય સ્થળોમાંથી સહાયતા મેળવવા માટે આપણા કાર્યવાહકોને અધિકાર આપીશું તો ઠીક. એ સર્વ ખરું, પરંતુ કાર્યસિદ્ધિનું ખરું બીજ તો આત્મબળ જ છે; અને આ આપણી પ્રવૃત્તિને અંગે આપણો સમૂહ તે એક આત્મવ્યક્તિ છે એટલે આ પ્રસંગે આત્મબળ એટલે સંઘબળ ગણીશું. આપણી આગળ ઊભાં રહેલાં કાર્ય મોટાં છે, વિષમ છે; પરંતુ આપણી ભાષાભક્તિ પણ તે પ્રમાણમાં મોટી રાખીશું, આપણી શ્રદ્ધા અચલ સ્થાપીશું, તો પરમ અન્તે વિજય જ છે.
ભગિનીઓ તથા બન્ધુઓ! માટે છેવટમાં એટલું જ કહેવાનું છે કે આપણી પરિષદનું કાર્ય ભારે જવાબદારીનું છે એ યાદ રાખી, આપણા આ સરસ્વતીસત્રમાં પરસ્પર પ્રીતિભાવથી પ્રવૃત્ત થવાનું પવિત્ર કર્તવ્ય લક્ષમાં રાખી, અને સાહિત્યના વિશુદ્ધ આનંદને અનન્ય ભાવથી પ્રાપ્ત કરવાનો ઉત્સાહ ધારી, આપણે આપણા આ કાર્યનો આરંભ કરીએ, અને સર્વ કાર્યના સિદ્ધિદાતા પરમ કૃપાળુ પિતાની આશિષ માગીએ.
इतिशम्
{{Poem2Close}}
26,604

edits

Navigation menu