સ્વાધ્યાયલોક—૨/ધ ડૅફોડિલ્સ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘ધ ડૅફોડિલ્સ’  ઐક્ય અને આનંદનું કાવ્ય}} {{Poem2Open}} {{Poem2Close}} {{left|'''૧...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
 
THE DAFFODILS
I wandered lonely as a cloud 
That floats on high o’er vales and hills, 
When all at once I saw a crowd, 
A host, of golden daffodils; 
Beside the lake, beneath the trees, 
Fluttering and dancing in the breeze.
Continuous as the stars that shine 
And twinkle on the Milky Way, 
They stretched in never-ending line 
Along the margin of a bay: 
Ten thousand saw I at a glance, 
Tossing their heads in sprightly dance.
The waves beside them danced, but they 
Outdid the sparkling waves in glee: 
A poet could not but be gay, 
In such a jocund company: 
I gazed — and gazed — but little thought 
What wealth the show to me had brought:
For oft, when on my couch I lie 
In vacant or in pensive mood, 
They flash upon that inward eye 
Which is the bliss of solitude; 
And then my heart with pleasure fills, 
And dances with the daffodils.
— William Wordsworth
વર્ડ્ઝવર્થ એમના સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘Immortality Ode’(અમરતાનું સ્તોત્ર)માં અંતે સંઘર્ષ પછીના સંવાદની, પરાકાષ્ઠાની ક્ષણે કહે છે  ‘Thanks to the human heart by which we live.’ ‘ભલું થજો માનવહૃદયનું. એની દ્વારા આપણે જીવીએ છીએ.’ આપણને હૃદય મળ્યું છે એ કેવડી મોટી વાત છે! અને એ વાત વર્ડ્ઝવર્થે એમની કવિતામાં જેટલી તીવ્રતાથી અને ઉત્કટતાથી કહી છે એટલી તીવ્રતાથી અને ઉત્કટતાથી ભાગ્યે જ અન્ય કોઈ કવિએ કહી હશે. આપણે હૃદય દ્વારા જીવીએ છીએ, એટલે કે હૃદયની રિદ્ધિ-સમૃદ્ધિ દ્વારા જીવીએ છીએ; દયા, પ્રેમ, કરુણા, અનુકંપા, સહાનુભૂતિ આદિ નામે હૃદયના જે ગુણને અનુભવીએ છીએ એની દ્વારા જીવીએ છીએ; એક જ શબ્દમાં કહેવું હોય તો ઊર્મિ — feeling — દ્વારા જીવીએ છીએ. માનવજીવનના આ સત્યના દર્શનની કવિતાનું આજે, ૧૯૭૦માં, આપણી સંસ્કૃતિમાં યંત્રવિજ્ઞાનજનિત સંકુલતા ને સંકુચિતતાના યુગમાં જેટલું મૂલ્ય છે એટલું પૂર્વે કદી ન હતું. મૅથ્યુ આર્નલ્ડે વર્ડ્ઝવર્થના મૃત્યુ સમયે ૧૮૫૦ના એપ્રિલમાં ‘Memorial Verses’ (સ્મરણાંજલિ શ્લોકો) અંજલિકાવ્યમાં અંતે ભાવિ વિશે એટલે કે આપણા યુગ વિશે સચિંત બનીને પૂછ્યું હતું 
‘But where will Europe’s latter hour 
Again find Wordsworth’s healing power? 
Others will teach us how to dare, 
And against fear our breast to steal: 
Others will strengthen us to bear — 
But who, ah! who, will make us feel?’
આજે એકસો ને વીસ વરસ પછીના ભાવિ યુગ(latter hour)માં, ૧૯૭૦માં, વર્ડ્ઝવર્થના જન્મની દ્વિશતાબ્દીમાં અહીં અંતિમ પંક્તિમાંના ‘ah who’ જેવા બે સાદા શબ્દો (બે અલ્પવિરામની વચ્ચે કૌંસમાં એટલે કે હળવેથી આર્દ્ર સ્વરે જે કાનમાં કહ્યા છે અને એથી સ્તો જેમાં શોકની ઊર્મિની ઉત્કટતા અને શંકા, ભય વગેરેની લાગણીની તીવ્રતા પ્રગટ થાય છે એવા બે સાદા શબ્દો)ની સાર્થકતા કેવી આપોઆપ સિદ્ધ થાય છે! ‘To feel’ — હૃદયનું સંવેદન! ક્યાં છે? આજે કેટલું દુર્લભ છે!
આ સદીના આરંભે, ૧૯૧૨માં, જેનું નામાભિધાન થયું તે જૉર્જિયન કવિતા મુખ્યત્વે વર્ડ્ઝવર્થવાદની કવિતા હતી. એમાં વર્ડ્ઝવર્થની કવિતાના એક મુખ્ય વિષયનો, પ્રકૃતિનો મહિમા થયો હતો. આ સદીના મધ્યભાગમાં આજે હવે, જેમાં જીવનનાં મૂલ્યો જ માત્ર નહિ પણ સ્વયં અસ્તિત્વનાં મૂળિયાં સુધ્ધાં હચમચી જાય એવાં બે વિશ્વયુદ્ધોના કરુણ અનુભવ પછી, માનવ ને માનવસર્જિત યંત્ર વચ્ચેના અદૃષ્ટ એવા ત્રીજા વિશ્વયુદ્ધના વિશેષ કરુણ અનુભવના સમયમાં વર્ડ્ઝવર્થની કવિતાના બીજા મુખ્ય વિષયનો, માનવહૃદયનો મહિમા આપણને જાણે કે આર્નલ્ડના અંજલિકાવ્યમાંના પ્રશ્નોના સઘન અને સબળ પ્રતિશબ્દ રૂપે સમજાય છે; અને વધુ કરુણ સંદર્ભને કારણે આપણને, કદાચને, આર્નલ્ડને સમજાયો હશે એથી પણ વધુ સચોટ અને સ્પષ્ટ સમજાય છે.
વર્ડ્ઝવર્થ ‘the still, sad music of humanity’ — માનવ-હૃદયના શાંત કરુણ સંગીત રૂપ કવિતાના કવિ છે. અને આવી કવિતાને અનુરૂપ ભાષા, સરલ ભાષા વિશેનો એમનો કવિતાવિચાર છે. આ કવિતા અને આ કવિતાવિચાર એ વર્ડ્ઝવર્થની મનુષ્યજાતિને મહાન ભેટ છે. કાવ્યના ત્રણ પ્રકાર  નાટ્યકાવ્ય, મહાકાવ્ય અને ઊર્મિકાવ્ય. પ્રત્યેક પ્રકારમાં અંગ્રેજી ભાષાની કવિતામાં એક એક મહાન કવિ  નાટ્યકાવ્યમાં શેક્સ્પિયર, મહાકાવ્યમાં મિલ્ટન ને ઊર્મિકાવ્યમાં વર્ડ્ઝવર્થ. શેક્સ્પિયરની કૃતિઓમાં મનુષ્યના અન્ય મનુષ્યો સાથેના સંબંધની કવિતા છે, મિલ્ટનની કૃતિઓમાં મનુષ્યના પરમેશ્વર સાથેના સંબંધની કવિતા છે, વર્ડ્ઝવર્થની કૃતિઓમાં મનુષ્યના પ્રકૃતિ સાથેના સંબંધની કવિતા છે. અંગ્રેજી કવિતાનું આ સદ્ભાગ્ય વિરલ છે, એની આ સિદ્ધિ અદ્વિતીય છે.
‘The Prelude’ (પૂર્વાલાપ), ‘Immortality Ode’ (અમરતાનું સ્તોત્ર), ‘Tintern Abbey’ (ટિન્ટર્ન દેવળ), ‘Michael’ (માઇકેલ), ‘Margaret’ (માર્ગરેટ), ‘Resolution and Independence’ (સંવાદ અને સ્વાતંત્ર્ય) જેવાં દીર્ઘમધ્યમકદનાં ચિંતનોર્મિકાવ્યો અને ‘Lucy Poems’ (લ્યૂસી કાવ્યો), ‘To the Cuckoo’ (કોયલને), ‘The Solitary Reaper’ (એકાકી ખેડૂતકન્યા), ‘The Daffodils’ (ડૅફોડિલ્સ) જેવાં લઘુકદનાં ઊર્મિકાવ્યો તથા ‘Upon Westminster Bridge’ (વેસ્ટમિન્સ્ટર પુલ પર), ‘It is a beauteous evening’ (સુંદર સંધ્યા), ‘To Toussain’ (તૂસેંને), ‘London ૧૮૦૨’ (લંડન ૧૮૦૨), ‘The world is too much with us’ (જગતની કેટલી જંજાળ વળગી છે આપણને), જેવાં સૉનેટ — વર્ડ્ઝવર્થનાં આ કાવ્યોમાં માનવહૃદયની કેટકેટલી શ્રી પ્રકટ થાય છે! વર્ડ્ઝવર્થની કેટકેટલી પંક્તિઓમાં એમની કવિતામાં માનવહૃદયનું જે શાંત કરુણ સંગીત છે, હૃદયનું જે સંવેદન છે અને એમની આર્ષવાણીમાં જે સરલતા છે, જે મંત્રશક્તિ છે તે પ્રકટ થાય છે! આવી પંક્તિઓનું ખાસ્સું એક ઉપનિષદ થાય. પણ આ સંગીત અને સંવેદનની સમગ્રતા તથા આ સરલતા અને મંત્રશક્તિની સંપૂર્ણતા આવી પ્રકીર્ણ પંક્તિઓમાંથી નહિ પણ, ભાગ્યે જ કહેવાનું હોય કે, વર્ડ્ઝવર્થના સમગ્ર જીવનમાંથી અને સંપૂર્ણ કવનમાંથી જ પામી શકાય.
‘The Daffodils’ (ડૅફોડિલ્સ) શીર્ષકથી જગપ્રસિદ્ધ એવું વર્ડ્ઝવર્થનું એક મહાન ઊર્મિકાવ્ય છે. એની દ્વારા વર્ડ્ઝવર્થની કવિતામાં માનવહૃદયનું જે સંગીત છે અને એમની આર્ષવાણીમાં જે સરલતા છે, મંત્રશક્તિ છે તેને કંઈક પામવાનો અહીં પ્રયત્ન છે. વર્ડ્ઝવર્થે આ કાવ્ય રચ્યું ૧૮૦૪માં અને પ્રસિદ્ધ કર્યું ૧૮૦૭માં ‘Poems in Two Volumes’ (બે ગ્રંથમાં કાવ્યો) નામના પોતાના કાવ્યસંગ્રહમાં. વર્ડ્ઝવર્થે આ કાવ્યને શીર્ષક આપ્યું ન હતું, એમણે આ કાવ્યનો એની પ્રથમ પંક્તિથી ઉલ્લેખ કર્યો હતો, અને હજુ પણ મુખ્યત્વે આ કાવ્યનો ઉલ્લેખ એની પ્રથમ પંક્તિથી થાય છે. તો વળી આ કાવ્ય એક અર્થમાં, પ્રથમ દૃષ્ટિએ ડૅફોડિલ્સ વિશે છે એથી ‘The Daffodils’ શીર્ષકથી પણ એનો ઉલ્લેખ થાય છે. કાવ્યનો બીજો પાઠ વર્ડ્ઝવર્થે ૧૮૧૫માં રચ્યો હતો. ત્યારે કાવ્યના પ્રથમ પાઠમાં ૪થી પંક્તિમાંના ‘dancing’ને સ્થાને ‘golden’ અને ૧૬મી પંક્તિમાં ‘laughing’ને સ્થાન ‘jocund’ એમ બે પાઠાન્તરો કર્યાં હતાં. કાવ્યની ૨૧મી અને ૨૨મી પંક્તિઓ વર્ડ્ઝવર્થનાં પત્ની મેરી હચિન્સને રચી હતી. આ બે પંક્તિઓને વર્ડ્ઝવર્થે ‘the two best lines in the poem’ (કાવ્યની બે શ્રેષ્ઠ પંક્તિઓ) કહી હતી.
૧૮૦૨ના એપ્રિલની ૧૫મી ને ગુરુવારની સવારે, વાસંતી સવારે ગ્રાસમિયરમાં ટાઉન એન્ડના ડવ કૉટેજ પાસેના વનપ્રદેશમાં સરોવરના તટ પર બહેન ડૉરૉથીના સાન્નિધ્યમાં ફરતાં ફરતાં વર્ડ્ઝવર્થને ડૅફોડિલ્સનો જે અંગત અનુભવ થયો એ આ કાવ્યની પ્રેરણા છે. ડૉરૉથીએ એમનો અંગત અનુભવ એ જ દિવસે એમની જગપ્રસિદ્ધ નોંધપોથી ‘Journals’માં નોંધ્યો છે 
‘… When we were in Woods beyond Gowbarrow Park we saw a few daffodils close to the waterside. We fancied that the lake had floated the seeds ashore, and that the little colony had so sprung up. But as we went along there were more and yet more; and at last, under the boughs of the trees, we saw that there was a long belt of them along the shore, about the breadth of a country turnpike road. I never saw daffodils so beautiful. They grew among the mossy stones about and about them; some rested their heads upon these stones as on a pillow for weariness; and the rest tossed and reeled and danced, and seemed as if they verily laughed with the wind, that blew upon them over the lake; they looked so gay, ever glancing, ever changing. This wind blew directly over the lake to them. There was here and there a little knot, and a few stragglers a few yards higher up; but they were so few as not to disturb the simplicity, unity and life of that one busy highway.’
જ્યારે કાવ્યની રચનાતિથિ અને કાવ્યનો અંતિમ શ્લોક સૂચવે છે તેમ વર્ડ્ઝવર્થે આ કાવ્ય આ અનુભવ થયા પછી બે વરસે રચ્યું છે. સંભવ છે કે ડૉરૉથીની નોંધપોથીમાં ડૉરૉથીએ એમના અંગત અનુભવનું આ સુંદર ગદ્યકાવ્ય નોંધ્યું તે વર્ડ્ઝવર્થે વાંચ્યું હોય. અને કાવ્યના સર્જનમાં — વર્ણન અને દર્શન બન્નેમાં એની કંઈક અસર અનુભવી હોય. વિશ્વનું સૌંદર્ય જોવાની દૃષ્ટિ અને વિશ્વનું સંગીત સાંભળવાની શ્રુતિ વર્ડ્ઝવર્થ ડૉરૉથી પાસેથી પામ્યા હતા એ ઋણનો સ્વીકાર તો એમણે કૃતજ્ઞતાપૂર્વક એમની પ્રસિદ્ધ પંક્તિમાં કર્યો છે  ‘She gave me eyes, she gave me ears.’ ડૉરૉથીની નોંધમાં ‘the little colony’, ‘more and yet more’, ‘a long belt’, ‘so beautiful’, ‘tossed and reeled and danced’, ‘and laughed’, ‘so gay, ever glancing, ever changing’, ‘the simplicity, unity and life’ આ શબ્દોમાં અને વર્ડ્ઝવર્થના કાવ્યમાંના એવા જ કેટલાક શબ્દોમાં જે વર્ણન અને દર્શન પ્રકટ થાય છે એ બે વચ્ચેનું સામ્ય સ્પષ્ટ છે. ડૉરૉથીની નોંધમાં ‘dance’ અને ‘unity’ — આ બે શબ્દો અને વર્ડ્ઝવર્થના કાવ્યના પ્રત્યેક શ્લોકમાં (૬ઠ્ઠી, ૧૨મી, ૧૩મી અને ૨૪મી પંક્તિઓમાં) ‘dancing’ ‘dance’, ‘danced’ અને ‘dances’ શબ્દો દ્વારા નૃત્યનું પ્રતીક, નૃત્યનું રૂપક તથા કાવ્યસમગ્રમાં ‘daffodils’, ‘stars’, ‘waves’ અને ‘my heart’ વચ્ચે જે સહજસરલ ઐક્ય પ્રગટ થાય છે એ બન્ને વચ્ચેનું સામ્ય અત્યંત સૂક્ષ્મ અને સૂચક છે. વર્ડ્ઝવર્થ અને ડૉરૉથીને ડૅફોડિલ્સનો આ અનુભવ પરસ્પરના સાન્નિધ્યમાં એકસાથે થયો છે. ડૉરૉથીએ એમની નોંધમાં ‘we’ શબ્દ દ્વારા વર્ડ્ઝવર્થનો ઉલ્લેખ કર્યો છે. પણ વર્ડ્ઝવર્થે આ અનુભવ થયા પછી બે વરસે જ્યારે આ કાવ્ય રચ્યું ત્યારે એમાં ડૉરૉથીનો ઉલ્લેખ કર્યો નથી. કાવ્યને આરંભે જ કહ્યું છે : ‘I wandered lonely as a cloud.’ આ કાવ્યમાં ડૉરોથીને કે અન્ય કોઈ પણ મનુષ્યને સ્થાન નથી, ન હોય, એ કહેવાનું હોય? કાવ્યના આરંભમાં એકલો-અટૂલો મનુષ્ય અને અંતમાં એના હૃદય — ‘my heart’ — નું ‘stars’, ‘waves’ અને ‘daffodils’ સાથેનું, ‘a jocund company’ સાથેનું, સમસ્ત વિશ્વ સાથેનું પૂર્ણ પરમ ઐક્ય, એ છે આ કાવ્યનો મર્મ. આવા કાવ્યમાં અન્ય કોઈ પણ મનુષ્યના, ડૉરૉથી સુધ્ધાંના અસ્તિત્વને સહેજ પણ અવકાશ છે જ ક્યાં જે?
કાવ્યની પ્રથમ પંક્તિમાં પૂર્વાર્ધમાં ‘I wandered lonely’ લગી તો કવિ પૃથ્વી પર એકલા-અટૂલા વિહરે છે. પણ જ્યાં ઉત્તરાર્ધમાં ‘as a cloud’ની ઉપમા આવે છે ત્યાં કવિ એકલા-અટૂલા જ નહિ પણ અ-ધર વિહરે છે, મુક્ત વિહરે છે, તરલચંચલ વિહરે છે, અસ્થિર અનિશ્ચિત વિહરે છે, અહીંતહીં અહેતુક વિહરે છે, જનહીન જગતમાં, શૂન્યાવકાશમાં વિહરે છે. અર્થનું એવું એક મહાન પરિમાણ પ્રકટ થાય છે. મનુષ્યોથી છૂટા-વિખૂટા વિહરવું એ હવે પછી કાવ્યમાં જે અનુભવ, વિશ્વઐક્યનો અનુભવ પ્રકટ થાય છે એની અનિવાર્ય ભૂમિકા છે. એકલતાની આ ભૂમિકા વિના આ અનુભવ શક્ય જ નથી. ત્રીજી જ પંક્તિમાં કવિ કહે છે કે એ ડૅફોડિલ્સનો એક પુંજ જુએ છે. કેવાં ડૅફોડિલ્સ? સોનેરી. ક્યાં? સરોવરની પાસે, વૃક્ષોની નીચે. કેવી સ્થિતિમાં? વાયુની લહરીમાં ડોલતાં અને નાચતાં. કેવું વિગતોથી ભર્યુંભર્યું ગતિશીલ ચિત્ર છે! પણ એટલું જ મહત્ત્વનું, બલકે એથીયે વિશેષ મહત્ત્વનું છે કવિનું ચિત્ર. એક તો કવિ એકલા-અટૂલા વિહરે છે; હમણાં જ જોયું એમ, મેઘની ઉપમામાંના સૌ અર્થપરિમાણ સાથે વિહરે છે; ત્યાં ‘all at once’ — એકાએક, અચાનક, અકસ્માત્, સહસા એ આ ડૅફોડિલ્સનો પુંજ — એકસાથે, એક જ દૃષ્ટિમાં દસ હજાર ડૉફોડિલ્સનો પુંજ — જુએ છે. આમ, આ સહસાપણાને કારણે ડૅફોડિલ્સદર્શનનો આ અનુભવ, ડૅફોડિલ્સ સાથેના કવિના સંબંધનો, સંવાદનો, ઐક્યનો આ અનુભવ અને ડૅફોડિલ્સ દ્વારા અંતે સમસ્ત વિશ્વ સાથેના કવિના સંબંધનો, સંવાદનો, ઐક્યનો આ અનુભવ એ એક તીવ્ર નાટ્યાત્મક અને અતિ ક્ષોભજનક અનુભવ છે. હવે પછી કાવ્યમાં જે અનુભવ, વિશ્વઐક્યનો અનુભવ પ્રકટ થાય છે એવા સૌ અનુભવો સૌ મનુષ્યોના જીવનમાં આમ જ સહસા, ક્ષણમાં — ક્ષણાર્ધમાં જ પ્રકટ થાય છે. એ આવા અનુભવો વિશેનું સાર્વભૌમ અને સનાતન સત્ય છે.
બીજા શ્લોકમાં ડૅફોડિલ્સ એમની તેજસ્વિતા અને વિપુલતાને કારણે કવિને રાત્રિના તારકોનું સ્મરણ કરાવે છે. અને એક જ દૃષ્ટિપાતે કવિ જુએ છે કે શતસહસ્ર ડૅફોડિલ્સ આનંદનૃત્યમાં એમનાં શિર ડોલાવે છે. આમ, પહેલા શ્લોકની ૩–૬ પંક્તિઓનું અહીં બીજા શ્લોકની ૯–૧૨ પંક્તિઓમાં પુનરાવર્તન થાય છે. આ પુનરાવર્તન દ્વારા ડૅફોડિલ્સનું અને કવિનું ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે અને તારકો સાથેની ઉપમા દ્વારા ઐક્યનો અનુભવ વધુ સઘન થાય છે.
ત્રીજા શ્લોકમાં ડૅફોડિલ્સની નિકટના સરોવરના જલના તરંગો સાથે સરખામણી છે. એ તરંગોની તેજસ્વિતા અને મુદિતાથી ડૅફોડિલ્સની તેજસ્વિતા અને મુદિતા વિશેષ છે. આમ, પૃથ્વી પરનાં ડૅફોડિલ્સના દર્શનથી થતા આકાશના તારકોના સ્મરણ દ્વારા અને જલના તરંગોની સરખામણી દ્વારા પલકમાં કવિની એકલતા અને ઉદાસીનતા ઐક્યમાં અને આનંદમાં, ‘jocund company’માં, જાણે કે કોઈ અકળ-અગમ્ય પ્રક્રિયાથી, ગૂઢતાથી, રહસ્યમયતાથી પરિવર્તન પામે છે. કવિ પોતાને આ ‘jocund company’ — આનંદમય સમષ્ટિના એક અંતર્ગત અને અનિવાર્ય અંશ રૂપે, અથવા તો જલ, સ્થલ અને નભતલમાંની, ત્રિલોકમાંની વિરાટરૂપ પ્રકૃતિનાં તત્ત્વોમાં જે ઐક્ય અને આનંદ છે એના એક અંતર્ગત અને અનિવાર્ય અંશ રૂપે જુએ છે; આ સમસ્ત વિશ્વને એક અખંડ ચૈતન્ય રૂપે કવિ એમના આત્મામાં અનુભવે છે. ડૅફોડિલ્સને જુએ છે, બસ જોયા જ કરે છે. અન્ય કંઈ ત્યારે સૂઝતું નથી, સમજાતું નથી. આ દૃશ્યનો શો અર્થ, એનું શું મૂલ્ય — કંઈ જ સૂઝતું નથી, સમજાતું નથી. વિશ્વઐક્યના અનુભવની પ્રથમ ક્ષણ સૌની આવી જ હોય છે. એ સંપૂર્ણ આત્મવિલોપનની ક્ષણ હોય છે. અને સાથે સાથે જ આત્મસાક્ષાત્કારની ક્ષણ હોય છે.
ચોથા શ્લોકમાં કવિ ભૂતકાળમાંથી વર્તમાનમાં સરે છે. અને ત્યારે એમને ડૅફોડિલ્સના દર્શનનો અર્થ, એનું મૂલ્ય સૂઝે છે, સમજાય છે. અનેક વાર કવિ જ્યારે શૂન્ય મને અથવા સભર મને પથારીમાં પડ્યા હોય છે ત્યારે પેલાં ડૅફોડિલ્સ તેમનાં આંતરચક્ષુ સમક્ષ સહસા ચમકી જાય છે અને એકાન્તનો પરમ આનંદ સરજી જાય છે. અને ત્યારે એમનું હૃદય એવા તો હર્ષથી ભરાઈ-ઊભરાઈ જાય છે કે ડૅફોડિલ્સની સાથે નાચવા લાગી જાય છે. કાવ્યને આરંભે ‘lonely’ શબ્દ દ્વારા જેમ એકલતા છે અને એ એકલતામાં જ જેમ ઐક્ય શક્ય છે તેમ અંતે ‘solitude’ શબ્દ દ્વારા એકાન્ત છે અને આ એકાન્તમાં જ જેનો ભૂતકાળમાં સહસા અનુભવ કર્યો છે એ ઐક્યનું સ્મરણ થવું અને એ સ્મરણ દ્વારા વર્તમાનમાં એ ઐક્યનું પુન: પુન: અનુભવવું શક્ય છે. આમ, આ કાવ્યમાં ઐક્યના અનુભવમાં એકલતાનો અને એકાન્તનો કવિએ જે મહિમા કર્યો છે એ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે.
‘The Daffodils’ વિશ્વઐક્ય અને આનંદનું કાવ્ય છે. એમાં કવિ સમસ્ત વિશ્વને એક અખંડ ચૈતન્ય રૂપે પોતાના આત્મામાં અનુભવે છે. એથી આ કાવ્ય આધ્યાત્મિક અનુભવનું કાવ્ય છે, રહસ્યમય પરિવર્તનનું કાવ્ય છે. દર્શનની, રહસ્યોદ્ઘાટનની આ ક્ષણ, આ દૃશ્ય — show — ની સમૃદ્ધિ — wealth એમના એકલા-અટૂલા અને ઉદાસીન જીવનને સદાયના ઐક્ય અને આનંદથી સભર કરે છે. આંતરચક્ષુ દ્વારા, સ્મૃતિ દ્વારા એકલતા અને ઉદાસીનતાની અન્ય ક્ષણો પણ પેલી વાસંતી સવારની પ્રથમ ક્ષણની જેમ જ ઐક્ય અને આનંદથી સભર થાય છે, પુન: પુન: સભર થાય છે.
કાવ્યમાં બે પરાકાષ્ઠા છે  કંઈક અસામાન્ય, અસાધારણ, અનન્ય, અદ્વિતીય, અનુપમ, અદ્ભુત વસ્તુનું દર્શન કરવાનો સહસા આનંદ (૩–૪ પંક્તિઓ), અને એ વસ્તુનું વારંવાર સ્મરણ કરવાનો સહસા આનંદ (૨૩–૨૪ પંક્તિઓ), પ્રત્યેક પરાકાષ્ઠામાં કવિની એકલતા અને ઉદાસીનતા ઐક્યમાં અને આનંદમાં પરિણમે છે (૧૫–૧૬, ૨૩–૨૪ પંક્તિઓ), કાવ્યના કેન્દ્રમાં નૃત્યનું પ્રતીક છે. કવિએ પ્રત્યેક શ્લોકમાં એ યોજ્યું છે. પુષ્પો, તારકો, તરંગો આ નૃત્યનાં અંગો છે. જલ, સ્થલ અને નભતલમાં — ત્રિલોકમાં અને ત્રિકાલમાં આ નૃત્ય રચાય છે. કવિ પણ પ્રકૃતિ સાથેની એમની આત્મીયતાના અનુભવ, દર્શન અને રહસ્યોદ્ઘાટનને કારણે આ નૃત્યનું અંગ છે. આમ, ડૅફોડિલ્સ, કવિ અને અન્ય સૌ કોઈ આ નૃત્યની, આ વિશ્વનૃત્યની શિવશક્તિના, ચૈતન્યલીલાના પ્રતીકરૂપે પ્રકટ થાય છે.
‘મારું હૃદય-આનંદથી ભરાતું-ઊભરાતું મારું હૃદય, ડૅફોડિલ્સની સાથે નાચી ઊઠતું મારું હૃદય…’ આ હૃદય એ આ કાવ્યનો — માત્ર આ કાવ્યનો જ નહિ પણ વર્ડ્ઝવર્થની સમગ્ર કવિતાનો આત્મા છે. આ હૃદયનું, માનવહૃદયનું, હૃદયના સંવેદનનું આપણી સંસ્કૃતિમાં યંત્રવિજ્ઞાનજનિત સંકુલતા અને સંકુચિતતાના યુગમાં જેટલું મૂલ્ય છે એટલું પૂર્વે કદી ન હતું. અને એથી આ હૃદયની, માનવહૃદયની, હૃદયના સંવેદનની કવિતાનો આજે આપણે જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે. ઉપનિષદના પ્રાચીન ઋષિકવિની જેમ અર્વાચીન યુગમાં સહજ-સરલ આર્ષવાણીમાં હૃદયોપનિષદ રચનાર ઋષિ કવિ વર્ડ્ઝવર્થને એમના જન્મની દ્વિશતાબ્દીએ આપણાં હૃદયનાં અભિવંદન!


{{Poem2Close}}
{{Poem2Close}}
{{left|'''૧૯૯૦'''}}
{{left|'''૧૯૭૦'''}}


<center> '''*''' </center>
<center> '''*''' </center>

Navigation menu