વંઠેલાં અને બીજી નાટિકાઓ/જયમનનું રસજીવન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 297: Line 297:
}}
}}
{{Right|[ચાલ્યાં જાય છે. રમાને એમ ચાલવું ગમતું નથી એ સ્પષ્ટ દેખાય છે.]}}
{{Right|[ચાલ્યાં જાય છે. રમાને એમ ચાલવું ગમતું નથી એ સ્પષ્ટ દેખાય છે.]}}
પ્રવેશ બીજો
[તે જ દિવસે સંધ્યાકાળે. બાલુભાઈને ઘેર પાંચેક મિત્રો એક ટેબલ ફરતી ખુરસીઓ પર બેઠા છે. બાલુભાઈ ઘરના માલિક છે. નટુભાઈ ગ્રેજ્યુએટ છે : પ્રવીણભાઈ દાકતર છે : વેણીલાલ લેખક છે : જીતુભાઈ જુવાન હેડમાસ્તર છે : કાંતિલાલ ગામના નગરશેઠનો પુત્ર છે. બધા હસતા હસતા કંઈક વાતો કરી રહેલ છે.]
બાલુભાઈ : પણ આજની મજા મારી ગઈ. આજે તો આપણે એ ભાઈશ્રીની અદબ રાખવી પડશે.
નટુભાઈ : શા માટે?
પ્રવીણભાઈ : રમાબહેનને ખાતર.
વેણીલાલ : અરે, શી વીલ ઑલ્સો એન્જોય ધ ફન.
જીતુભાઈ : બાપડી ક્યાંય રડશે!
બાલુભાઈ : નહિ, નહિ, બેવકૂફી કરતાં નહિ કોઈ, હાં કે?
[જયમન અને રમા પ્રવેશ કરે છે.]
જયમન : સાહેબ મહેરબાનો!
[હસાહસ થંભે છે. સહુ ઊભા થાય છે. સહુ રમાને નમન કરે છે.]
બાલુભાઈ : આવી પહોંચ્યાં તમે? બહુ સારું થયું કે તમે આવ્યાં, રમાબહેન! આવો, આવો, અહીં વચ્ચે આવો બેઉ.
[વચલી બે બેઠકો ખાલી કરીને બેઉને ત્યાં લઈ જાય છે.]
[રમા બેસે છે. જયમન ઊભો રહે છે.]
જયમન : રમા, જો હવે તને આ પ્રત્યેકની ઓળખાણ કરાવું.
રમા : હું તો બધાને ઓળખું છું.
જયમન : નહિ, હું જે રીતે ઓળખાવવા માગું છું તે રીતે નથી તું ઓળખતી. જો સાંભળ. [પછી આંગળીઓ ચીંધી ચીંધી કહેતો જાય છે.] જો આ નટુભાઈ બી. એ. કે જે આપણાં શાંતાબહેનને ચોવીસેય કલાક રસોડામાં ગોંધી રાખે છે. [નટુ હસીને માથું નમાવે છે.] આ પ્રવીણભાઈ દાક્તરસાહેબ. આખા ગામને ઘેરે ઘેરે છેક રસોડાં સુધી પેસીને ભાઈબંધોની પત્નીઓને હાથે ચહા પી આવે, પણ પોતાને ઘેર જુઓ તો અઢારમી સદીના ઓઝલ પડદા! [પ્રવીણભાઈ ‘સાચું સાચું’ કહી સહાસ્ય શિર ઝુકાવે છે.] આ વેણીભાઈ મોટા લેખક. મુનશીના સાહિત્યને છાપરે ચડાવનારા. ઘેર કોઈ આવે તો અંદરનું બારણું પ્રથમ વાસી દીધા પછી જ આવનારને બેઠકમાં દાખલ કરે. [વેણીલાલ કંઈક બોલવા જાય છે, પણ બાલુભાઈ એનો હાથ દબાવી ચેતાવે છે.] આ જીતુભાઈ : વરસને વચલે દહાડે કુટુંબને લઈ નદીકાંઠે ઉજાણી કરવા જાય, તો વેણીભાભીને કચ્ચાંબચ્ચાં સાથે ઉત્તર તરફથી મોકલી આપે, ને પોતે ચોરીછૂપીથી પૂર્વ દરવાજાનો ચકરાવો ખાઈને નદીએ પહોંચે. [જીતુભાઈ હસે છે.] આ કાંતિભાઈ. ઘેરે મોટરગાડી. બાપાના એકના એક દીકરા. પણ પૂછી જો, સોગંદ ખાવાય કદી મોટરમાં એનાં વહુને સાથે લઈ ફરવા નીકળ્યા છે? સાથે લઈ સિનેમા જોવા ગયા છે?
કાન્તિલાલ : સાચે જ, કોઈ દા’ડો નહિ.
રમા : હવે જવા દોને એ બધું!
જયમન : નહિ, નહિ, જવા કેમ દઉં? જો આ બાલુભાઈ, ઉષાબહેનને પિયર વળાવીને પાછળથી આ મહેફિલો ઉડાવે છે! આઈસ્ક્રીમ ગળે ઊતરશે કેમ?
બાલુભાઈ : હમણાં તમે જોશો તેમ. [‘સરસ પ્રાસ! સરસ પ્રાસ!’ કહી બધા હસે છે. રમાથી પણ તાળી પડાઈ જાય છે.]
બાલુભાઈ : આપણું તો, ભાઈ, આદર્શથી ઊલટું જ ગાડું ચાલે છે. બધી વેજા ઘરમાં હોય ત્યારે આવી નિરાંત ક્યાંથી મળે? [સહુ હસે છે.]
જયમન : [રમા તરફ જોઈ] જોયા કે આ પુરુષો? [રમા બાલુભાઈ તરફ જોઈ જાય છે.]
જયમન : [સહેજ ખસિયાણો પડીને પાછો બીજો પ્રયત્ન કરતો હોય તે રીતે] ઉષાબહેનને ગયાં કેટલા મહિના થયા, હેં બાલુભાઈ?
બાલુભાઈ : થયા હશે ચાર-પાંચ. બરાબર યાદ નથી.
જયમન : એમાં તમે કેટલા કાગળો લખ્યા?
બાલુભાઈ : બે. એક પત્તું ને એક કવર.
જયમન : [રમા તરફ] સાંભળો! [બાલુભાઈ તરફ] ગજબ છે તમારી છાતી, ભાઈ!
બાલુભાઈ : અમારાં તો, યાર, જૂના જમાનાનાં લગ્ન : લાકડે માંકડાં જોડી દીધેલાં. એમાં તે અઠવાડિયે બે લાંબાં કવરોની આવ-જા ક્યાંથી સંભવે? [સહુ હસે છે.]
જયમન : ઉષાબહેનને મળી આવ્યા કે નહિ એકેય વાર?
બાલુભાઈ : ના રે, રેલ્વે કંપનીને નાહકની શીદ ખટાવવી?
જયમન : સિનેમા જોવા તો છેક મુંબઇ સુધી દોડો છો!
બાલુભાઈ : શું કરીએ, ભાઈ! સ્ત્રી તો પિયરથી પાછી આવશે, પણ સારું પિકચર તો એક વાર ગયું પછી પાછું આવવાની શી આશા? [‘કમાલ!કમાલ’ કહેતા બધા હસે છે.]
[આઇસ્ક્રીમની પ્લેટો આવે છે. સહુ આરોગવા લાગે છે.]
જયમન : મને તો આશ્ચર્ય જ એ થાય છે કે — [એટલું બોલતાં એના ચમચામાંથી આઈસ્ક્રીમનો લોંદો પડી જાય છે. એનાં કપડાં ખરાબ થાય છે. રમા તરફ ફરીને] રમા, આ જરા લૂછી...
બાલુભાઈ : રહો રહો, હું ટુવાલ લાવું.
જયમન : નહિ નહિ, એ તો રમા એને રૂમાલિયે જ લૂછી લેશે. [પણ રમા ઊઠતી નથી. બાલુભાઈ ટુવાલ લાવે છે. લૂછે છે.]
જયમન : મને તો એમ જ થાય છે, કે પરણેલી સ્ત્રીઓને તમારા જેવાઓ આમ ખસતી મૂકે છે, નથી ભણાવતા, નથી આનંદવિનોદોમાં ભાગ લેવા આપતા, છતાં તેઓ તમારા પર આટલી મરી પડે છે શાથી?
રમા : [ધીરેથી] એથી જ! [‘હીઅર! હીઅર!’ કહી સહુ તાળીઓ પાડે છે.]
જયમન : [જરા કડકાઈથી રમા તરફ] એટલે?
બાલુભાઈ : એટલે એમ, કે અમે અમારી સ્ત્રીઓને એકલા અમારા જ અભિમાની સ્નેહની ધુમાડી દઈને ચોવીસેય કલાક નથી ગૂંગળાવી મારતા. [‘ઑવરબાઉન્ડરી! બ્રેવો, બાલુભાઈ, ઓવરબાઉન્ડરી!’ એવા અવાજ કરતા સહુ તાળીઓ પાડે છે. રમા પણ તાળીઓ પાડતી હસે છે. પછી પાન-સોપારી આવે છે.]
જયમન : ઠીક ત્યારે, બાલુભાઈ, અમે હવે રજા લઈશું.
બાલુભાઈ : કેમ અત્યારમાં?
જયમન : રમાને પાછા હજુ ચૂલો...
રમા : ના, ના, ચૂલાને તો હું આજની રજા આપીને જ આવી છું. કાલની પૂરીઓ પડી છે.
બાલુભાઈ : ત્યારે તો બેસોને? વેણીભાઈ કંઈક ગાશે.
રમા : તો તો સાંભળીએ. વેણીભાઈનાં ગીતો વિષે બહુ સાંભળ્યું છે.
જયમન : ધૂળ પડી એ ગીતોમાં, જે ગીતોનો એક પણ પડઘો પોતાના જીવનમાં ન ઊઠતો હોય.
વેણીભાઈ : હું તો, ભાઈસા’બ, તમારા જેવાના રસજીવનના પડઘા ઝીલું છું મારાં ગીતોમાં.
જયમન : ને બૈરાં ફોસલાવો છો.
રમા : બસ, બૈરાં એમ જ ફોસલાઈ જતાં હશે? તમે સ્ત્રીપૂજક ઊઠીને આમ બોલશો?
બધા : બાઉન્ડરી! બાઉન્ડરી! રમાબહેન! [કહેતા હસે છે.] [અહીં એકાદ ગીત મૂકવું ઠીક લાગે તો મૂકવું. ગીત પૂરું થયે —]
રમા : સરસ: બહુ જ સરસ.
જયમન : આવું જ કોઈ બીજા કવિનું ગીત મેં ક્યાંક વાંચ્યું છે ખરું! આ શું તમારું મૌલિક છે, વેણીભાઈ?
રમા : સરસ છે. ગમે તેનું હોય, પણ સરસ છે.
જયમન : પણ ગુજરાતમાં ગીતો રચાય છે બધાં અજીઠાં કોઈકનાં ચોરેલાં.
રમા : અમારે ઘેર ક્યારે ગાવા આવશો, વેણીભાઈ! જરૂર એક દા’ડો આવો. મારે તમારાં ગીતો ખૂબ સાંભળવાં છે.
જયમન : લો હવે ચાલો ચાલો, રમા!
રમા : [સાંભળ્યું ન હોય તેમ] કહો વેણીભાઈ, ક્યારે રાખીશું?
જયમન : [રમાનું કાંડું ઝાલીને] હવે ચાલવું છે? [બેઉ જાય છે. ટેબલ પરના મિત્રો પરસ્પર જોઈને સ્મિત કરે છે.]
બાલુભાઈ : બહુ થઈ! બિચારાં રમાબહેન ઉપર માછલાં ધોવાશે આજ!
પ્રવેશ ત્રીજો
[રમા રસોડામાં એકલી છે. ઘડી ચૂલા પર બેસતી, ઘડી વાળ ઓળતી, અરીસામાં જોતી, જુદી જુદી વીંગોમાં જતી ગુંજન-સ્વરે એક-બે ભાંગીતૂટી ગીત-પંક્તિઓ ગાય છે :]
પાણીડાં હેલે ચડ્યાં હેલે ચડ્યાં.
મારા અંતરના સરોવર માંય રે
પાણીડાં હેલે ચડ્યાં હેલે ચડ્યાં.
[કોઈનો પગસંચાર થતાં રમા સ્તબ્ધ બને છે. જયમન આવીને છુપાઈ રહી વીંગ ઓથે ઊભો રહે છે. પાછી રમા ગાય છે.]
પાણીડાં હેલે ચડ્યાં, હેલે ચડ્યાં.
એક પોયણું ખીલે ખીલે બિડાય રે
પાણીડાં હેલે ચડ્યાં હેલે ચડ્યાં.
[પછી તો ઝૂલતી જાય છે. શરીરને હેલે ચડાવે છે. ગાય છે.]
[જયમન વીંગમાંથી નિઃશ્વાસ નાખે છે. રમા નિઃશ્વાસ સાંભળીને થંભી જાય છે.]
જયમન : [પ્રવેશ કરીને] આજ તો પાણીડાં ભારી હેલે ચડ્યાં છે કંઈ!
રમા : [આડી વાત નાખી] હજુ પુરોહિત માસ્તર કેમ નહિ આવ્યા હોય.
જયમન : એ ફરીથી ગા તો!
રમા : મને ક્યાં આવડે છે? પુરોહિત માસ્તર હજુ કેમ ભણાવવા ન આવ્યા?
જયમન : કેમ બહુ અધીરાઈ?
રમા : કોણ જાણે શાથી પણ હમણાં હમણાં મને ભણવાની અધીરાઈ બહુ આવી છે. હજુ કેમ ન આવ્યા પુરોહિત માસ્તર?
જયમન : પુરોહિત માસ્તર ભણાવે તો જ ચાલે? કે બીજા કોઈ માસ્તર ચાલે?
રમા : કેમ?
જયમન : પુરોહિત માસ્તરને મારે રજા આપવી પડી છે.
રમા : સાચેસાચ? શા માટે?
જયમન : અહીં આવ. કહું. [રમા પાસે આવે છે. જયમન એનું મોં નિહાળીને જુએ છે.]
જયમન : મને ખબર પડી કે એને એની પોતાની સ્ત્રી જોડે જ બનતું નથી.
રમા : પણ તેથી આપણે શું?
જયમન : પોતાના જ સંસારનું વાજું બસૂરું બજાવનારો શિક્ષક પારકાને શા સંસ્કાર દેવાનો હતો? [રમા વિચારે ચડે છે.]
જયમન : બીજી વાત વધુ ગંભીર છે.
રમા : [ચમકીને] શી?
જયમન : કાલે મને કહે, કે જયમનભાઈ! છ મહિના જો બ્રહ્મચર્ય પાળો તો રમાબહેનમાં અદ્ભુત પ્રતિભા ઝલકી ઊઠે!
રમા : એમાં શું?
જયમન : એમાં શું!!! પરાયા જીવનમાં આટલી હદ સુધી ઊંડા ઊતરવાની ધૃષ્ટતા!!! હું એ ન સહું. હું કંઈ બાયલો નથી.
રમા : પણ એ તો મેં જ...
જયમન : શું તેં જ?
રમા : રોજ સવારે શીખવા બેસું ત્યારે આળસ-બગાસાં આવે ને હાથપગ ફાટે, એ પરથી કદાચ એમણે નિર્દોષ ભાવે —
જયમન : નિર્દોષ ભાવે! સરસ વાત! પણ હું આ શિક્ષકોને તો હવે ઠીક ઠીક પામી ગયો છું. એમને તો સર્વ પારકી પત્નીઓનાં વહાલ પોતાની તરફ જ વહાવવાં હોય છે.
રમા : મને તો એવો ખ્યાલ પણ નહોતો.
જયમન : તું છે જાણે કે ભોળી ભટાક. કાચની શીશી જેવી તું નિર્મલ છે. એટલે તને ખ્યાલ ન આવે. પણ પુરુષો સાલા બધા જ અંદરખાનેથી લંપટ હોય છે.
[જયમન દાઝમાં ને દાઝમાં આંટા મારે છે. રમાનું સર્વ તેજ હરાઈ ગયું છે.]
જયમન : એ કરતાં તો, ચાલ, હું જ તને મારી પ્રિય શિષ્યા બનાવું. કઈ કવિતા ચાલે છે હમણાં? લાવ જોઉં?
રમા : કવિતા નહોતી ચાલતી, મને તો માસ્તર હમણાં વિમાન વિષે શીખવતા હતા.
જયમન : એમાં આટલો બધો રસ? એ કરતાં તો ચાલ હું તને વસંતોત્સવ વંચાવું. [છટાથી શરૂ કરે છે.] “ગુલછડી સમોવડી એક બાલિકા હતી.”
રમા : [કંટાળીને] ત્યારે હું હમણાં પિયર જઉં?
જયમન : કેમ?
રમા : હવે ત્રણ જ મહિના રહ્યા છે.
જયમન : ત્રણ મહિના અગાઉથી જઈને શું કરવું છે?
રમા : શરીરને આરામ મળે તો સારું.
જયમન : તને અહીં કોણ વૈતરું કરાવે છે?
રમા : રાજી થઈને રજા આપો તો જવાનું મન બહુ જ થાય છે.
જયમન : ત્યાં જઈશ એટલે તું સહુને ભૂલી જઈશ. કાગળ પણ નહિ લખે.
રમા : લખીશ, જરૂર લખીશ. રાજી થઈને મને જવા દો. પાછી હું આવીશ ત્યારે તમારી જોડે જ વસંતોત્સવ વગેરે વાંચીશ.
જયમન : ચોક્કસ?
રમા : ચોક્કસ.
જયમન : તને મારા કરતાં તારાં માબાપ વધુ વહાલાં છે, ખરું? અહીંથી કેમ કંટાળે છે તું આટલી બધી? [રમા કશું બોલતી નથી. એની આંખોમાં જળજળિયાં ભરાય છે.]
જયમન : કહે તો ખરી?
રમા : શું કહું? હું પોતે જ નથી સમજી શકતી. [જયમનના ખોળામાં રમા માથું ઢાળી જાય છે.]
પ્રવેશ ચોથો
[ત્રણ મહિનાના ગાળા પછી મુંબઈના એક સ્વચ્છ સુંદર સુવાવડ-ખાનામાં રમા દૂધ જેવી સફેદ પથારીમાં સૂતી છે. ફૂલફૂલ જેવું ચોખ્ખું વાતાવરણ છે. પાસે બાળકનું પારણું છે. રમાની પથારી પર, ઓસીકા પાસે ત્રણ કાગળો ને બે તાર પડ્યા છે. એ લઈને હાથમાં ચંચવાળતી રમા પડી પડી રડે છે. હસમુખી, કદાવર દેહવાળી, શ્વેત વસ્ત્રધારિણી દક્ષિણી મેટ્રન પ્રવેશ કરે છે.]
મેટ્રન : કેમ? ર...મા...વં...તી? કે રમાદેવી! કેમ છે? રાતમાં નીંદ આવ્યો હતો કે? [રમાને કપાળે, શરીરે હાથ ફેરવે છે, ચાદર સરખી કરે છે, રમાનો પસીનો લૂછે છે. રમાના ઓસીકા પર એક ફૂલ મૂકે છે. આખી વાતચીત દરમ્યાન આ મેટ્રન ગતિમાન, વ્હાલભરી, અને ઉલ્લસિત દેખાય છે.]
રમા : નીંદ નહોતી આવી.
મેટ્રન : નહિ? આ શું? કેમ રડે છે? આ હાથમાં શું છે? ધણીનો ટપાલ? રોજ આટલો મોટો ટપાલ! તને રડાવવા જેવું શું લખ્યા કરે છે એ નવરો? કાંઈ ધંધોબીંધો કરતો નથી શું?
[કમાડ ઊઘડે છે. નોકર આવે છે. મેટ્રનને કહે છે : “આમના ધણી પરગામથી આવેલ છે. મળવા માગે છે.”]
મેટ્રન : લે, યાદ કરતાં જ આવી પહોંચ્યો તારો નવરો.
રમા : એને અહીં ન લાવશો.
મેટ્રન : કેમ?
રમા : એ અહીં લાખ જાતની વાતો કરી મને સંતાપશે.
[ત્યાં તો જયમન અંદર આવી પહોંચે છે. મેટ્રન ઊઠીને બીજી બાજુની વીંગમાં ચાલી જાય છે.]
જયમન : કાં, કેમ છો? આ ચાદર કેમ મેલી છે? આ લોકો બદલાવતા જ નથી શું? આમાં સેપ્ટીક થતાં શી વાર લાગે? ને આ મોસંબી કેમ ઉઘાડી પડી છે? દવામાં આ લોકો શું નાખે છે? આ બાળક કેમ વારે વારે રડે છે? મને વેળાસર બોલાવ્યો હોત તો બીજી સારી ઈસ્પિતાલમાં લઈ જાત ને! તારાં માબાપ લોભમાં તણાયાં!
રમા : તમે શીદ નાહકનો ધક્કો ખાધો?
જયમન : તારા ચચ્ચાર લીંટીના જવાબોને લીધે જ તો! તને ક્યાં મારા દરેક મુદ્દાનો ખુલાસો કરવાની પડી હતી? મેં કેટલા કાગળો કુલ લખ્યા, યાદ છે?
રમા : [ના પાડતી ડોકું ધુણાવે છે.]
જયમન : ક્યાંથી યાદ હોય? પૂરા વાંચ્યા તો હોય જ ક્યાંથી? શાની વાંચે? તને ક્યાં મારા પર હેત છે? હું આટલું કરું છતાં પણ… [રમા પેલી બાજુ ફરી જાય છે.]
જયમન : મારું મોં દીઠું ગમતું નથી કે?
રમા : એવું શીદ બોલો છો?મારી કમ્મર બહુ દુઃખે છે તેથી જ હું પડખું ફરી છું.
જયમન : [એકાએક રમાના શરીર પર આસમાની સાડી, ને પલંગ નીચે પેલાં સ્લીપરો જોઈ] આ આસમાની સાડી ને સ્લીપર તો પેલાં… તમારા…ધર્મભાઈએ…આપેલાં… તેજ કે?
રમા : હા.
જયમન : હજુય આ બે ચીજો હૈયેથી નથી છૂટતી કે?
રમા : તમને નહોતી ગમતી તેથી અહીં પહેરી ફાડું છું.
જયમન : નહિ રે! જીવનની મીઠી સ્મૃતિ કરી જાળવો ને?
રમા : [પેલે પડખેથી વેદનાભરી આ પડખે ફરી આક્રંદસ્વરે!] આ કરતાં કાં તો મારું ગળું દાબી દ્યો, ને કાં મને રજા આપો. તમારા પ્રેમનું આ કેદખાનું હવે મારાથી નથી સહેવાતું. ઓ મા! [રડે છે.]
જયમન : એમ કે? હજુ તો તારો જીવ લઈ......
[મેટ્રન આ શોર સાંભળી દોડતી આવે છે ને ઓચિંતી જયમનની ગર્દન પર પંજો દબાવે છે.]
મેટ્રન : ગેટ અપ, પ્લીઝ! [કૃપા કરીને ઊભા થાઓ!]
જયમન : [મેટ્રનના પંજામાં ચંપાએલી એની ગર્દન છે.] વ્હાઈ? વ્હૉટ રાઇટ....[શા માટે? શો હક્ક...]
મેટ્રન : રાઈટ ટુ સેવ એ પ્રેશિયસ લાઈફ, અંડરસ્ટેન્ડ? [કીમતી જિંદગી બચાવવાનો હક્ક સમજ્યા?]
[મેટ્રન જયમનને ગર્દનથી પકડી, ધકાવી, છેક બારણા સુધી લઈ જઈ, બહાર ધકેલી નાખે છે. ત્યાં મુક્કી ઉગાવી ઊભી રહે છે.]
જયમન : [વીંગમાં ઊભો ઊભો] મારી...... મારી પરણેલી ને... મારી કાયદેસર ઓરતને......
પડદો
26,604

edits

Navigation menu