સંચયન-૬૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
()
No edit summary
Line 485: Line 485:


{{gap|6em}}(અલકમલક પૃ. ૨૨૯)</poem>}}
{{gap|6em}}(અલકમલક પૃ. ૨૨૯)</poem>}}
==વાર્તા==
{{color|BlueViolet|'''<big>બારી પર ખેંચાયેલા પડદા</big>'''}}
{{color|OliveDrab|'''~ વીનેશ અંતાણી'''}}
દરવાજા પર કોઈ નહોતું. દરવાજો બંધ હતો પણ ધક્કો દેતાં જ ઊઘડી ગયો. ગુલમહોરનું વૃક્ષ કેટલાંક ફૂલઝાડો, એક હીંચકો અને પથરાયેલી લૉન. બંગલાનંુ નામ ‘શૈલ’ હતું. મને એની ખબર નહોતી. આ બંગલામાં હું પહેલી જ વાર પ્રવેશતો હતો. અંદર જઈને હું શું બોલીશ? એક લાંબી મુદતથી રેખાને મળ્યો નહોતો અને આજે જ્યારે જઈ રહ્યો હતો ત્યારે...
દરવાજો બંધ કરવા જતાં અવાજ થયો. અવાજ સાંભળીને પણ કોઈ ડોકાયું નહી. મેં ચાલવા માડ્યું. ખૂબ શાંતિ હતી અને મારા બૂટનો ભારેખમ અવાજ આવી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે હું સતત કોઈકને કચડીને ચાલતો હતો. લૉન પર એક કાળી ટ્યૂબ પડી હતી. પણ લૉન ભીની નહોતી, સુકાઈને કરકરી થઈ ગઈ હતી.
બેલ માર્યો. એક પ્રકારનો અજંપો મારા મનને ઘેરાઈ વળ્યો. મને લાગ્યું કે હું એમાં તણાઈ જઈશ. બચવા માટે દીવાલ પર હાથ ટેકવ્યો. બારણું ઊઘડ્યું. નોકરે ઉઘાડ્યું હતું. રેખા... હું બોલતો હતો તે વચ્ચે જ એણે ઇશારો કર્યો. કદાચ એને સૂચના મળેલી હતી.
નોકરે ચીંધેલા કમરામાં ગયો. અંદર પ્રવેશ્યો ત્યારે અંધકાર હતો. બારી પરના પડદા ખેંચાયેલા હતા. મને ખેંચાયેલા પડદાના રંગવાળો પ્રકાશ નથી ગમતો. કમરામાં એવો જ અંધકારમિશ્રિત પ્રકાશ હતો. મારું મન ઉદ્વિગ્નતાથી ભરાઈ આવ્યું. બહારથી આવતા અંદરના અંધકાર સાથે આંખોનો મેળ નહોતો બેસતો. મેં જોયું તો રેખા સામેના ખૂણામાં નીચું માથું રાખીને બેઠી હતી. એ દીવાન પર હતી. દીવાનની બાજુમાં પડેલી એક ખુરશી પર હું બેસી ગયો.
મને ઇચ્છા થઈ આવી કે બારી પરના બધા જ પડદા દૂર કરી દેવામાં આવે અને કમરામાં એકદમ પ્રકાશ ફેલાઈ જાય. સાંજનો પ્રકાશ. રેખાએ ઊંચું ન જોયું. હું જાણે આવ્યો જ ન હોઉં કે ક્યારનો આવી ગયો હોઉં એવું લાગ્યું. એના વાળ છૂટા હતા અને એણે સફેદ સાડી પહેરી હતી. મને આવેલો જાણીને પણ એ કશું જ બોલી નહિ. ખરેખર તો બોલવાનું મારે હતું, પણ હોઠ નહોતા ઊઘડતા. મેં ગળું સાફ કરીને હળવા થવાનો પ્રયત્ન કર્યો. રેખાએ દીવાલને અઢેલીને મૂકેલા તકિયા પર માથું ઢાળી દીધું અને સૂઈ રહી. એની આંખ પર હાથ દબાઈ ગયો હતો. એની બદલાયેલી સ્થિતિ મારા આગમનને સ્વીકારતી હોય એવું લાગ્યું.
નોકર આવ્યો ને પાણી આપી ગયો. પાણી પીઈને ગ્લાસ નોકરને આપ્યો. રેખાએ ગ્લાસને સ્પર્શ કર્યો નહિ. નોકર એક ગ્લાસ ભરેલો ને એક ગ્લાસ ખાલી લઈને ચાલ્યો ગયો. નોકરને પાછો બોલાવીને બારી પરના પડદા ખેસવી લેવાનું કહેવાની મને ઇચ્છા થઈ. પણ ત્યાંજ વિચાર આવ્યો કે મારે અહીં વાતાવરણ ઘડવાનું નહોતું, આ વાતાવરણની સંગતમાં રહેવાનું હતું, થોડી વાર.
થોડી વાર. રેખા સાથેના મારા સંબંધો આમ પણ થોડી વારની કક્ષાના જ હતા. પહેલાં પણ અને હમણાં પણ. હું કશું જ બોલી શકતો નહોતો. મને ફરીથી તરસ લાગી હતી, પણ પાણી માગવું અજુગતું લાગશે એમ માનીને સામેની દીવાલ પરના ચિત્રને જોઈ રહ્યો. ચિત્રમાં પીળા રંગનો ઉપયોગ વધારે થયો હતો તે પ્રથમ નજરે જ દેખાઈ આવતું હતું. કોણે પસંદ કર્યું હશે? શૈલે કે રેખાએ? પણ રેખાને ચિત્રની પસંદગી કરતાં નથી આવડતી એની મને ખબર છે. હું શૈલે પસંદ કરેલા ચિત્રને ધ્યાનથી જોઈ રહ્યો. મારી સ્થિર થઈ ગયેલી નજર સામે રંગોના પોપડા ઊખડવા લાગ્યા, અને એક સફેદ કૅનવાસ મારી આંખો સામે ઊપસી આવ્યું. એ સફેદ કૅનવાસને ધારીધારીને જોતાં મારી આંખને સફેદીનું પોલાણ દેખાવા લાગ્યું. એ પોલાણમાં હાથ નાખીને મેં જાણે કે જૂના દિવસોના ડૂચા આ કમરામાં કાઢવા માંડ્યા.
- ધુમ્મસ. ધુમ્મસથી ઢંકાયેલું આકાશ. હૉટેલની બારીમાં ઊભેલી રેખા. એનો ઢીલો અંબોળો, ગુલાબનું ફૂલ, બારીની ડિઝાઈનથી કપાઈ રહેલા આકાશના બેકગ્રાઉન્ડમાં રેખા સરસ દેખાઈ રહી હતી. મારો હાથ રેખાની પીઠ પર પડ્યો અને અણધાર્યા સ્પર્શથી એ ઝણઝણી ઊઠી. માર હોઠ એના કાન સુધી વિસ્તર્યા રે...ખા...
- સુખ ભરાઈ જવાને કારણે ફૂલી ગયેલું રેખાનું શરીર. ફ્રિજ ખોલતાં અંદરના પ્રકાશને લીધે ઝિલમિલાતો એનો ચહેરો. જમવાનું ટેબલ. આ લે. હજી તો તું જમ્યો જ ક્યાં છે? ના, હું તો પછી જમીશ. મને સ્પર્શીને બેસ. રેખા. તારા સ્પર્શ વિના હું મારી હાજરી અનુભવી શકતો નથી. રેખાનું સ્મિત. મારા કાન સુધી વિસ્તરતા એના હોઠ. શબ્દો નહિ. ભીનાશ.
- દિવસો. ફરીથી બારી. ઉનાળાનો તપતો બપોર. ફૅનનો કર્કશ અવાજ. મેં તને આવો નહતો ધાર્યો. આવો એટલે કેવો? આટલો અસભ્ય... રેખા, તને ખબર છે કે તું મને ગાળ આપી રહી છે... તું... તું... મારી પત્ની... કમરાની લાઈટ ચાલી જવાથી બંધ થઈ ગયેલા ફૅનને લીધે ઊભી થયેલી શાંતિમાં મારો અવાજ જોરથી સંભળાયો. હું ચોંકી ગયો. શાંત થવાનો પ્રયત્ન કરતાં મેં પૂછ્યું, તું શું ઇચ્છે છે, રેખા? હું કશું ઇચ્છતી નથી. માત્ર તને વિનંતી કરું છું કે તું બાજુના કમરામાં ચાલ્યો જા. મને એકલી પડી રહેવા દે. રેખા, તું કઈ વાતનો બદલો લે છે? મેં તને કોઈ અભાવ નથી આપ્યો. હંમેશા પ્રેમ આપ્યો છે. પણ એ તારી આંખોથી દેખાતો પ્રેમ છે. મને જે જોઈએ છે તે આપવામાં તું નિષ્ફળ ગયો છે. મને તારી સાથે જીવતાં અકળામણ થાય છે. મને લાગે છે કે હું હવે વધારે વખત જો તારી સાથે રહીશ તો પાગલ થઈ જઈશ.
- સડક. રાતનો દોઢ વાગી ગયો હતો. ભયંકર સન્નાટા વચ્ચે હું ચાલી રહ્યો હતો. સાંજે વરસાદ વરસી ગયા પછીની ઠંડક અને સુંગધ અને એકલતાની વચ્ચે હું પસાર થઈ રહ્યો હતો. ક્યાંક જઈ રહ્યો હતો. ક્યાંકથી આવી રહ્યો હતો. પણ ક્યાંથી તે સ્પષ્ટ નહોતું. કયા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે પણ ખબર નહોતી. હોઠ વચ્ચે સિગરેટ જલતી હતી. મારી ટાઈ ઢીલી થઈ ગઈ હતી અને સડક પર અથડાતાં પગલાંનો અવાજ મારા થાકનો પડઘો પાડતો હતો. સામેથી એક ટ્રક આવીને મારી આંખોને ચીરતી ચાલી ગઈ. હું સડકને કિનારે આવેલા એક બાંકડા પર બેસી ગયો. થાક અને દર્દને લીધે મારી આંખ ઘેરાઈ રહી હતી. લગભગ એકાદ કલાક સુધી એમ ને એમ બેસી રહ્યો. શરીર અકડાઈ ગયું હતું. એક રિક્ષા પસાર થઈ. હું એમાં બેસી ગયો ને મારા ઘરની દિશા બતાવી. ઘર. ત્રણના ટકોરા. રેખાના કમરાની લાઈટ નહોતી જલતી. હું ડ્રોઈંગરૂમમાં સોફા પર પછડાયો અને સૂઈ ગયો. સવારે ઊઠીને જોયું તો મને સખત તાવ હતો અને રેખા ઘરમાં નહોતી. એ મને છોડીને ચાલી ગઈ હતી. હંમેશને માટે. એણે લખેલી ચિઠ્ઠી ટેબલ લેમ્પ નીચે દબાઈને ફડફડતી હતી.
-કોફી હાઉસના ટેબલ પર એક ખૂણામાં રેખા બેઠી હતી. મને પ્રવેશતો જોઈને બેરા પાસે બિલ મંગાવ્યું અને પૈસા ચૂકવીને ચાલી ગઈ. હું એની ખાલી પડેલી ખુરશી પર બેઠો અને એણે જે જોયું હશે તે જોવા લાગ્યો.
- અમે બંનેએ સહી કરી લીધી અને પરસ્પર જોયું. મારા ચહેરા પર હાસ્ય આવ્યું એના બધા જ સ્પર્શો મારા બરડા પર તરડાઈને પસાર થઈ ગયા. થતું હતું કે અંદર ક્યાંક વેદના થાય છે. પણ કઈ જગ્યાએ તે નક્કી નહોતું થતું. રેખાએ હોઠ ફેલાવીને શુષ્ક અવાજે કહ્યું, થેંક્યું. મે પણ માથું હલાવ્યું. અમે છૂટા પડ્યાં. તે દિવસે એણે વાળમાં તેલ નહોતું નાખ્યું.
- એકલતા. ઘરના ફર્નિચર વચ્ચે ચગદાતો રહેતો શ્વાસ. રેખા હવે મારી પત્ની નહોતી. તો પણ એનું પત્નીપણું ઘરમાં અકબંધ પડ્યું હતું. એનો પલંગ. કબાટમાં ગોઠવાયેલી સાડીઓ. ડ્રેસિંગ ટેબલ પરનો અસબાબ. અરીસાની સપાટી પર છપાઈ ગયેલું એનું પ્રતિબિંબ. દીવાલોનો રંગ. પડદાનો રંગ. મારા કાન પાસે ગૂંજ્યા કરતા એના શબ્દો. મને એ દિવસે લાગ્યું કે હું રેખાને ખૂબ પ્રેમ કરતો હતો. મેં મનોમન નક્કી કર્યું, રેખા મારી પત્ની છે અને થોડા દિવસો માટે બહારગામ ગઈ છે.
મેં એને જ્યારે શૈલ સાથે જોઈ ત્યારે નક્કી કર્યું કે મારી પત્ની મરી ગઈ છે. કદાચ હું કોઈની સાથે પરણ્યો જ નહોતો. હું ચાલ્યો જતો હતો અને મારી બાજુમાંથી એક સ્કૂટર ઝડપથી પસાર થઈ ગયું. પાછળ એક પુરુષને વળગીને રેખા બેઠી હતી. મારા હોઠ બબડ્યા, તારા સ્પર્શ વિના હું મારી હાજરી અનુભવી શકતો નથી.
- વેડિંગ કાર્ડ આવ્યું. રેખા પરણતી હતી. શૈલ એનો પતિ થવાનો હતો. મેં કાર્ડમાં છપાયેલી તારીખ જોઈ. એ પરણી ગઈ હતી. મને કાર્ડ એક દિવસ મોડું મળ્યું હતું. આગલી સાંજે જ રેખા શૈલની પત્ની બની ગઈ હતી. એક દિવસ તે કૉફી હાઉસ પાસે મળી ગઈ. મેં કહ્યું, સારું થયું. આપણને કોઈ બાળક ન થયું તે. એ હસી પડી. છૂટાં પડ્યા પછી અમે પહેલી જ વાર ખુલ્લીને મળ્યા. કેવો છે શૈલ? તારા કરતાં તગડો, એણે કહ્યું અને હું ઉદાસ થઈ ગયો. પણ મેં ઉદાસી બતાવી નહિ. મોમાં પાણી ભરીને ચારે કોર ઉડાડતો હોઉં એમ હસ્યો હતો. પછી રેખાને મળ્યો જ નહોતો. દૂરથી જોતો. એ ગતિમાં જ હોય. વ્યસ્ત જ હોય. શૈલના સ્પર્શથી અંકિત થયેલી હોય. મેં મારા મનમાં એનું નામ બદલાવી નાખ્યું હતું. ઘરની દીવાલો અને બારીના પડદાના રંગ બદલાવી નાખ્યા હતા.
- ફોન. સ્ત્રીનો અવાજ. ગળેલો, રુદનથી ભીંજાયેલો. તું આજે આવી શકીશ? પણ આપ કોણ? હું... (વિરામ) ... હું રેખા... ઓહ! પણ તારો-તમારો અવાજ આવો કેમ છે? નિકેત... ઊંડો શ્વાસ, દાબેલું ડૂસકું, નિકેત...શૈલ...શૈલ... અને ફોનને ધણધણાવ્યો. વાત કર, શું થયું છે? નિકેત હાર્ટ બંધ પડી જવાથી શૈલનું... અદૃશ્ય ધોધનો પ્રવાહ. મેં આખો બંધ કરી દીધી અને કહ્યું, હું આવું છું. કદાચ એણે સાંભળ્યું હશે.
ચિત્રમાં ફરીથી રંગો ઊભરાવા લાગ્યા. પીળા રંગની જગ્યાએ કાળો રંગ ઊભરાઈ રહ્યો. કમરામાં અંધકાર વધી ગયો હતો. રેખા હજી પણ એ જ રીતે સૂતી હતી. એના વાળ કોરા હતા. કાન ખાલી, હાથ ખાલી અને કોર િવનાની સફેદ સાડી. મેં ફરીથી બોલવાનો પ્રયત્ન કર્યો. કદાચ બોલી શક્યો હતો, પણ રેખાએ પડખું વાળીને દીવાલ તરફ ચહેરો ફેરવી લીધો. હું કશું જ બોલી શક્યો નહિ. કમરામાં અંધકારની સાથે રેખાનું રુદન ઉમેરાયું. એની સિસકતી પીઠ દેખાઈ રહી હતી. મારા હાથ સળવળ્યા. સ્પર્શથી પણ આશ્વાસન આપી શકાય. પણ મને લાગ્યું કે મારી અને રેખાની વચ્ચે એક સફેદ કૅનવાસ આવી ગયું હતું, જે મારા હાથને રેખા સુધી પહોંચતાં અટકાવતું હતું. રેખાને રડતી મૂકીને હું બહાર ગયો. નોકર રસોડામાં હતો. મેં એને પૂછ્યું કેમ થયું આ બધું?
સાહેબ સવારે ઊઠ્યા ત્યારે નહોતા, એણે ટૂંકમાં કહ્યું. પણ એકદમ? હા, રાતે બહેન સાથે પિકચર જોઈને આવ્યા હતા. કોઈ સંબંધીને જાણ નથી કરી? શૈલ સાહેબ તો એકલા જ હતા અને રેખાબહેને તમને ફોન કર્યો. હું અંદર ગયો. રેખા સ્વસ્થ થઈ ગઈ હતી. હું કમરામાં પ્રવેશ્યો ત્યારે છૂટા વાળ બાંધતી હતી. એની આંખોમાં ઊંડા કૂવા સીંચ્યા હોય એવું લાગતું હતું. હું ફરીથી ખુરશી પર બેસી પડ્યો. એ એની આંગળીના નખને જોઈ રહી હતી. બહારના કમરામાં લાઈટ જલાવીને નોકર અંદર આવ્યો. દબાયેલા સ્વરે બોલ્યો, લાઈટ કરું, બેન?
રેખા કંઈ બોલી નહિ. મેં હા પાડી. લાઈટ થઈ ને મારી આંખ સામે કમરાની વસ્તુઓ સ્પષ્ટ ઊભરાઈ આવી. શૈલની ટાઈ ટેબલ પર લટકતી પડી હતી. હું ઊભો થઈ ગયો અને લાઈટ બંધ કરી દીધી. રેખા પર કોઈ પ્રતિક્રિયા ન થઈ. એનો ચહેરો બદલાઈ ગયો હતો. એનું પણ કોઈ સંબંધી નહોતું. ફક્ત મને જ ફોન કર્યો હતો એમ નોકરે કહ્યું હતું. પણ કયા સંબંધે? મને વિચાર આવી ગયો અને મારા દાંત કળવા લાગ્યા.
કેટલીય વાર સુધી હું બેસી રહ્યો. રેખા એકવાર ઊઠીને બહાર ગઈ. પાછી આવી તે વચ્ચે નોકર કૉફી મૂકી ગયો હતો. બહેને કંઈ ખાધું નથી. આ કૉફી મૂકું છું. રેખા આવી. મેં કપ ઉપાડીને એના હાથમાં આપ્યો. એના શબ જેવા આંગળાનો સ્પર્શ થઈ ગયો. રેખાએ મારી આંખોમાં જોયું. કૉફીની વરાળ એની આંખોમાં આંસુ બનીને લટકતી હોય એમ પાંપણો ભીની થઈ ગઈ. એણે કૉફી પીવાનું શરૂ કર્યા પછી મેં પણ કપ ઉપાડ્યો.
દિવસોના ઢગલામાં એક નવો દિવસ ઉમેરાયો હતો અને એક નવી પરિસ્થિતિ જન્મી હતી. મારી એક વખતની પત્ની રેખા આજે.... મેં વિચાર અટકાવી દીધો. મને એ ગમ્યું નહિ.
કૉફી પીઈને કપ મૂકતાં એનો હાથ ધ્રૂજ્યો. નોકર કપ લઈ ગયો. એ ફરીથી તકિયાને અઢેલીને બેસી ગઈ. આંખ પર હાથ મૂકી દીધો. મને અહીં આવ્યો ઘણો સમય થયો હતો પણ હું રેખાને કશું જ કહી શક્યો નહતો. બહાર એટલો બધો અંધકાર થઈ ગયો હતો કે બારી પરના પડદા ખેસવી લેવાથી પણ હવે પ્રકાશ થાય તેમ નહોતો.
રેખાને ગઈ કાલની રાત યાદ આવતી હશે. શૈલ અને એ પિક્ચર જોઈને આવ્યાં હતાં. ગુડનાઈટ કહ્યું હશે અને નાઈટલૅમ્પ જલાવ્યો હશે. કમરામાં ચાંદની આવતી હશે તો નાઈટલૅમ્પ નહિ જલાવ્યો હોય. વરંડામાંથી રાતરાણીની સુગંધ આવતી હશે અને કમરામાં ફેલાઈ ગઈ હશે. રેખાની બાજુમાં સૂતેલા શૈલની છાતી પર રાતના કયા સમયે મૃત્યુ ચડી બેઠું હશે? રેખાની આંખો વચ્ચે ઊઘડી ગઈ હશે તો પણ એણે શૈલને સૂતેલો જ કલ્પ્યો હશે ને?
પણ આ બધામાં હું ક્યાં હતો? મને લાગ્યું કે આશ્વાસન આપવા આવનારે આટલી બધી વાર બેસવું જોઈએ નહિ. હું ઊભો થઈ ગયો, રેખાએ આંખ પરથી હાથ ન હટાવ્યો.
હું જાઉં છું, મેં રેખાને કહ્યું. એ એમ ને એમ સ્થિર રહી. જડ બની ગઈ હોય તેવી, પદાર્થ જેવી. કદાચ એણે અંદર ને અંદર હોઠ હલાવીને હા પાડી દીધી હશે. હું ચાલવા માંડ્યો. કમરાની બહાર નીકળતો હતો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો: નિકેત. રેખાનો સ્વર આખા કમરામાં કંપકંપી ગયો. હું પાછળ જોયા વિના ઊભો રહી ગયો. થોડી વારે મારો ચહેરો ફેરવ્યો અને અંધકારમાં ડૂબેલી, મૌનના ઢગલા જેવી રેખાના આવનારા વાક્યની અપેક્ષામાં ઊભો રહ્યો.
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{color|BlueViolet|'''<big>સાંકડી ગલીમાં ઘર</big>'''}}
{{color|OliveDrab|'''વિજય સોની'''}}
અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખૂલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડે દૂર મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખૂલી અે ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલીંગ કરતી પોલીસવાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારેતરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જ્યાંથી તૂટી ગયા હતા ત્યાંથી જોડાઈ ગયા, જાણે ઊંઘ આવી જ ન હતી.
હુલ્લડ ધાર્યા કરતાં વધુ લંબાઈ ગયું હતું. કરફ્યું હજી ચાલુ હતો. દાતણ લઈ માણેકચોક વેચવા જવાય એમ ન હતું. અમીનાએ ચારેબાજુ જોયું. મોટા અઝીમના નસકોરાનો અવાજ મોટો હતો. ફાટેલી ચડ્ડી પહેરીને નાનુ સૂતો હતો. નાનુ રમતિયાળ અને તોફાની. ઘરમાં ઉધમ મચાવી દે. અમીનાએ પળવાર આંખો બંધ કરી. વિચારો તોફાનના સપાટાની જેમ ફૂંકાઈ ગયા.
આમ ઘરે રહીને ક્યાં સુધી ચાલશે? બચ્ચાંઓનું પેટ તો ભરવું પડશે ને? ઘરમાં દાલ-ચાવલ, આટો, કેરોસીન સુદ્ધાં ખતમ થવા આવી રહ્યું હતું. એની આંખો એલ્યુમિનિયમના ખાલી ડબ્બાઓ પર ફફડતા કબૂતરની જેમ ફરી ગઈ. કાબાના પથ્થરવાળું કૅલેન્ડર હવામાં ધ્રૂજતું હતું. આઝાનનો બુલંદ અવાજ અને કૅલેન્ડરનું ધ્રૂજવું બંને સાથે થતા હતા. હુલ્લડમાં ગરીબ ધ્રૂજે તેમ. મનમાં કંઈક સારું લાગ્યું. અઝીમના વાળમાં હાથ ફેરવ્યો. ઠંડો શ્વાસ લીધો અને એ ઊભી થઈ. ધંધા પર ગયે લગભગ પંદરેક દિવસ થઈ ગયા હતા. એણે કોગળા કર્યા, સિમેન્ટની પાળી કરેલી ચોકડીમાં ઊભી રહી કપડાં ઉતારવા લાગી. અઝીમ હવે બાર-તેરનો થઈ ગયો હતો. એ જાગી જાય તો? એ સંકોચાઈ.
સિમેન્ટની કોઠીમાં ગઈકાલનું પાણી ઠરીને બરફ થઈ ગયું હતું. ડબલું ભરીને શરીર પર રેડ્યું તો તીખી આહ નીકળી ગઈ. નસો હલી ગઈ, કમકમાટી આવી ગઈ. સામે ટીંગાડેલો પાયજામો ખેંચી કાઢ્યો. એની આડશમાં ઢંકાયેલો અરીસો ખુલ્યો કે તરત નગ્ન થઈ ઊભી રહી. ઘડીભર થંભી આંખ ભરીને શરીર જોયું, કેટલું બધું ભૂલી ગઈ હતી? કેવું ભૂલી ગઈ હતી?
આખા શરીર પર ગરોળીની જેમ નજર ફેરવી તો અરીસામાં જાણે જીવ આવી ગયો.
આ બદન! આ ભરેલા બદન પર તો સલીમ મરતો હતો. થોડીવાર અરીસા સામે તાકી રહી. ભાગી ગયો સાલો. હરામી. કોને લઈ ગયો? ક્યાં લઈ ગયો? કોઈ ખૈર-ખબર નથી. મારે માટે મૂકતો ગયોઃ આ બે-બે પેટ પાળવાનાં અને શરીર તોડીને દાતણ વેચવાનાં વૈતરાં. એ તો ગયો પણ પછી વસ્તીવાળાની નજર બદલાઈ ગઈ. મરદો ખેંચાઈ આવતા, ગૉળ પર માખીઓની જેમ બણબણતાં. વસ્તીની હલકી સ્ત્રીઓ પણ ગુસપુસ કરતી. ચાંદબીબીનો મામદ તો એટલો નજીક આવીને વાત કરે કે જાણે આખેઆખી ગળી જવાનો હોય. સલીમના ગયા પછી એની હેરાનગતી વધી પડેલી.
કુરતામાં માંડ સમાતી છાતી આયનામાં જોઈ એ ખુદ શરમાઈ ગઈ.
રૂખી કાંઈ ગલત તો નહોતી કહેતી. રૂખી યાદ આવતાં અમીના મલકીઃ શું કરતી હશે રૂખી? એના ઘરમાંય દાલ-ચાવલ-કેરોસીન નહીં હોય?
પણ એ તો મસ્તીથી જ રહેતી હશે. રૂખી ભાગ્યે જ મોઢું લટકાવીને ફરતી. એ સાથે હોય એટલે વાતાવરણ હળવું ફૂલ. રૂખી અને અમીના માણેકચોકમાં એક જ ઓટલા પર દાતણ વેચતાં. રૂખી કાળી-પાતળી. અવાજ ઘોઘરો પુરુષ જેવો. રૂપિયાનાં ત્રણ, રૂપિયાનાં ત્રણ એવી જોર જોરથી બૂમો પાડતી હોય, દાતણ ન લેવા હોય એનુંય ધ્યાન ગયા વગર રહે નહીં. વાળ હંમેશા વિખરાયેલા. શરીર ઘાટીલું. જાજમની જેમ ઘાઘરો પાથરી-ઉભડક પગે ઓટલા પર બેસે. સાડલાનો છેડો જાણીબુઝીને છાતીથી સરકાવી દે. થોડું ઝૂકીને બેસે. પસીનો નીતરતી કાળી પીંડીઓ તડકામાં ચમકતી રહેતી. અમીના તેને ઘણીવાર ધમકાવતી.
જરા રીતથી ધંધો કરને! કોણ તારી છાતી જોઈને દાતણ લેવા આવવાનું છે? રૂખી હસતી, આંખ મીંચકારીને બોલતીઃ મારી વ્હાલી, તને ધંધો કરતાં નથી આવડતું. દિખતા હૈ તો બિકતા હૈ. તારા જેવું ડીલ હોત તો બપોર લગીમાં બસોનાં દાતણ વેચી ધણી ભેગી સૂઈ જાત. આટલાં વરસમાં તું મારી પાસેથી કાંઈ શીખી નહીં.
મરદ જોડે સૂવાનું? કેટલો વખત થયો? અમીના કશુંક યાદ કરતી મૂંગી ઊભી રહી. એને જોઈ રૂખીને કશુંક યાદ આવી ગયું હોય મૂંગી થઈ ગઈ.
રૂખીની શરીર ખોલીને ધંધો કરવાની વાત અમીનાને ગમતી નહીં પણ રૂખી ગમતી. રૂખીનો ખુલ્લો સ્વભાવ–ખુલ્લું બોલવું, ખુલ્લુ હસવું, બધું ગમતું, રૂખી પોલીસને ગાળ દેતાય ખચકાતી નહીં. પોલીસ દંડો પછાડી મફતમાં દાતણ લઈ જતો. પાછો આંખ મીંચકારી બોલતોઃ
કેમ રૂખી, આ બખોલ ખુલ્લી રાખીને બેઠી છો? કોઈ ઘૂસી જશે તો?
જા ને ભડવા તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. એ સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત. સમજતી. બંન્ને સુખ–દુઃખની વાતો કરતાં.
રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો હતો ત્યારે રૂખી ઓટલા પર ચત્તીપાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી-પટાવીને ઘરે મોકલી હતી. બીજે િદવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતાંય લજવાઈ ગઈ હતી.
સલીમના ભાગી ગયા પછી ત્રણ દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ હતી.
રૂખી અમીનાને એની રીતે ધંધો કરવા સમજાવતી. પણ શરીરની વાત આવે કે અમીના બિલ્લીની જેમ સંકોચાઈ જતી.
હુલ્લડમાં દરેક ઝૂંપડામાંથી એક એક માણસે રાતના વસ્તીની ચોકીદારી કરવાની હતી. મામદ અને એના દોસ્તો અમીનાની ઝૂંપડી પાસે આવ્યા હતા. એમાંના એકે બહારથી જ પૂછ્યું હતુંઃ
અમીનાબીબી, તારે ત્યાંથી કોણ ચોકીદારી કરશે? એના પૂછવામાં ટીખળ હતી. મામદ તરત આગળ આવી ઝૂંપડીમાં ઘૂસીને બોલ્યોઃ
મૈં હું ના. બધા ખડખડાટ હસી પડ્યા હતા. મામદની આંખો અમીના પર લપકારા મારતી ચોંટી ગઈ હતી. અમીનાનું ગંદી મજાકથી માથું તપી ગયું હતું. ઊભા થઈ મામદને જોરથી થપ્પડ ખેંચી દેવાનું મન થયું હતું. પછી વિચાર ઝબક્યોઃ
હુલ્લડ લાંબુ ચાલશે તો? બસ્તી પર હુમલો આવશે તો?
બસ્તીમાં મામદ એકલો મરદ બચ્યો છે. અમને બચાવી શકે અને હુલ્લડમાં રૂપિયાની જરૂરત પડી તો કોની આગળ હાથ લંબાવીશ?
મામદ સામે જોયું નજરમાં લાચારી હતી. કશુંક બોલવા મથી પણ ભયથી શરીર કાંપતું હતું. ઘરમાં ભૂખની ચૂડેલ આંટા મારતી હતી. મામદ હસતો હસતો પાછળ વળવા જતો હતો, ત્યાં જ અમીનાથી અનાયસ બૂમ પડાઈ ગઈઃ
મામદ, સો-બસો આપીશ? ધંધો ચાલુ થયે આપી દઈશ. પૈસા માગતાં જ બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો હોય એમ મામદ પાછો વળી ગયો. ખિસ્સામાંથી સો-સોની બે નોટ કાઢીને ઊભો રહ્યો.
તારે ઓટલે બેસી ધંધો કરવાની જરૂરત જ ક્યાં છે? લે રાખ, બસો પેશગી. બાકીના કામ પતે એટલે! મામદની આંખોમાં સાપોલિયાં રમતાં હતાં. એણે અમીનાના આખા શરીર પર કાચીંડાની જેમ નજર ફેરવી છાતીની પાસે ખીલાની જેમ ખોડી દીધી.
મને રંડી સમજે છે, હરામીની ઓલાદ?
હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બંનેથી સણકા ઉઠતા હતા. બંને બચ્ચાં એને જોતાં હતાં.
આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બે-ચાર ટીયરગેસના શેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢાઓ અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. એ નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતી-ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો માહોલ ગંધાઈ ઉઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકળી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી.
કેરોસીન ચાહીયે? મામદે પૂછ્યું.
અમીનાએ માથું જમીનમાં દાટી દેવાયું હોય એમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ આવીને દુકાનનું શટર પાડી દીધું.
કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઈસકી સખ્ત જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુપસુપ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટીપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી.
વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં પંદર-વીસ ઝૂંપડાં બિલાડીના ટોપની જેમ ફેલાયેલાં હતાં. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલીંગ કરવા આવતી. ઝૂંપડાંમાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બંને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી અને પતિ અને બે બચ્ચાં રહેતાં હતા.
અમીના હાંફળીફાંફળી ઝૂંપડીમાં પ્રવેશી. રૂખી એને જોઈ હેબતાઈને ઊભી થઈ ગઈ.
કેમ અમીના અત્યારે? અહીં? કોઈ તકલીફ?
અમીના કશું બોલી શકી નહીં. આંખોમાં ભય તરતો હતો. ચારે તરફ ડોળા ફેરવીને જોયું. કોઈ જોતું તો નથી ને?
દોડીને એ રૂખીને વળગી પડી. જોરથી રડવા લાગી. અમીનાનો હાંફ હજી શમ્યો ન હતો. પગ ધ્રૂજતા હતા.
શું થયું, અમીના, કાંઈક તો બોલ? રૂખીએ અમીનાને હલબલાવી મૂકી.
રૂખી, તમે બચ્ચાંને લઈ આજે જ ખોલી છોડી ક્યાંક જતાં રો, રાતે અમારી બસ્તીવાળા... અમીનાની જીભ થોથવતી હતી. ફાનસમાં જ્યોત ફફડતી હતી. પરસેવાના રેલાથી એનું પણ મોઢું ચળકતું હતું. રૂખીનાં બચ્ચાં મૂંગાં ઊભાં હતાં. રૂખી તરત સ્વસ્થ થઈ ગઈ. એણે અમીનાને અળગી કરી.
અમીના, તું જલ્દી આ વસ્તી છોડી નીકળી જા. કોઈક જોઈ જશે તો અહીં બબાલ થઈ જશે.
અમીના ઝપાટાબંધ નીકળી ગઈ. અંધારું ઘટ્ટ બનીને થીજી ગયું હતું. ચામાચીડિયાં ચક્કર લગાવતાં હતાં. સન્નાટાથી માહોલ ગંભીર લાગતો હતો. અમીના થોડીક આગળ ગઈ ત્યાં રૂખીને કશુંક યાદ આવ્યું. એણે અમીનાને પાછી બોલાવી. ખાંડનાં ડબ્બામાંથી સો-સોની ત્રણ નોટો કાઢી ડૂચો વાળી અમીનાનાં હાથમાં દબાવી દીધી. અમીના નિસ્તેજ આંખોથી થોડીવાર રૂખી સામે જોતી રહી. ઓટલા પર ખુલ્લી છાતી રાખીને ધંધો કરતી, ખુલ્લું બોલતી, ખુલ્લું હસતી, રૂખીનું આ કયું રૂપ હતું? આંખમાંથી પાણી ખેંચાઈ આવ્યા. એ રૂખીને જોરથી વળગી પડી. ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. રૂખીએ અમીનાનું કપાળ ચૂમી લીધું. અમીના મોઢું ફેરવીને સડસડાટ બહાર નીકળી. અંધકાર ઓઢીને નદીના પહોળા પટમાં ઓગળી ગઈ.
વાતાવરણમાં ભારેલો સૂનકાર હતો. કંસારીના અવાજથી જમીન ચરચરતી હતી. હુલ્લ્ડનું પ્રેત સન્નાટામાં નાચતું હતું. અમીનાથી મુઠ્ઠી જોરથી વળાઈ ગઈ. આશંકા અને ભયથી ઘેરાયેલા મનમાં રૂખીને બચાવી લીધાનો છૂપો સંતોષ પણ હતો.
રસ્તે કૂતરાં મન મૂકીને રડતાં હતાં. આજે રસ્તો લાંબો અને બિહામણો લાગ્યો, અમીના આવી ત્યારે વસ્તી અજગરની જેમ પડી હતી. પોલીસની જીપો થીજી ગઈ હતી. વસ્તીનાં ટમટમિયાં જલતાં દેખાતાં હતાં. ઝૂંપડીમાં દાખલ થઈ નિરાંતનો દમ લીધો. ધબ્બ દઈ દીવાલના ટેકે બેસી પડી. મુઠ્ઠી ખોલી તો પસીનાથી તર ભીની નોટો એની સામે તાકી રહી. ફાનસની જ્યોત મોટી કરવા હાથ લંબાવ્યો તો અઝીમ જાગતો દેખાયો. નાનુ સૂઈ ગયો હતો. પતરાની દીવાલ પર એક ત્રીજો પડછાયો જોયો તો તે ગભરાઈ ઊભી થઈ. એની રાડ ફાટી ગઈ.
કોણ છે ત્યાં? કોઈ કાંઈ બોલ્યું નહીં તો તે વધુ ગભરાઈ. નાનુની પાછળનો આકાર સ્પષ્ટ થયો.
મામદ, તું અત્યારે અહીં? એ થડકારો ચૂકી ગઈ. બોલ મોઢામાં જ મરી ગયા. એણે જાત સંકોરી. મામદે શેતાનની જેમ ફાનસના અજવાળેથી માથું કાઢ્યું. એની સુજેલી લાલ આંખોથી અમીના અને ઝૂંપડી બંને થરથરતાં હતાં.
ક્યાં ગઈ હતી અમીનાબીબી, અત્યારે કોની પાસે સુવા ગઈ હતી? કે પછી ખાડાવાળાને અમારો પ્લાન ભસવા ગઈ હતી?
આ હલકટને કેમ કરતાં ખબર પડી ગઈ? અમીનાના શરીરમાં વીજળી દોડી ગઈ.
ક્યાંય નહીં, કાંઈ નહીં! થોથવાડી એ અઝીમને સોડમાં ખેંસીને બેસી રહી. કેટલા રૂપિયા લઈ આવી કાફરો પાસેથી બધું બકી મરવાના? તને ખબર નથી મારા આદમી ક્યાં ક્યાં ફેલાયેલા છે. સાલી હરામીની ઔલાદ, થોડા પૈસા માટે ગદ્દારી કરી આવી ને? મામદ ચિલ્લાતો હતો.
અમીના મૂંગી રહીને ગુનેગારની જેમ નીચી નજરે અઝીમના વાળમાં હાથ ફેરવતી રહી.
શું કહેવું? આ કમીનો કશું સમજશે નહીં. મુઠ્ઠીમાં દબાવેલા રૂપિયા ખૂલી ગયા હતા. એને થયું મામદને મુઠ્ઠી ખોલી બતાવી દે.
જો આ રૂપિયા લઈ આવી! લે, લઈ લે તું. મને જે કરવું હોય તે કર! પણ ખાડાવાળાને કશું કરતો નહીં. ત્યાં નાનાં નાનાં બચ્ચાં છે, ત્યાં મારી રૂખી છે. રોષ અમીનાની રગમાં વીજળીની જેમ સળગતો દોડતો હતો. ત્યાં જ મામદે એને ખેંચીને ઝૂંપડીની બહાર ઢસડી લીધી.
નીચ! અમારા આખા પ્લાન પર પાણી ફેરવી દીધું. કમીની, થોડા સા પૈસા ખાતર કૌમથી વિશ્વાસઘાત કીધો, બોલતાં બોલતાં મામદ એને સાંકડી ગલીના નાકે લઈ આવ્યો. મામદના બૂમબરાડાથી ઝૂંપડાંના દરવાજા ફટાફટ ખૂલી ગયા હતા. માહોલમાં ગરમાટો આવી ગયો હતો. ટોળાંમાં ઔરતોના કલબલાટ વચ્ચે વિરોધનો ધીમો સૂર ઊઠતો હતો.
કમીની ઔરત, આપણી બધી વાતો ખાડાવાળાને કહી આવે છે. ત્યાંથી માલ પડાવે છે.
યે તો ઠીક હૈ! વો લોગને પહેલે હમલા કિયા હોતા તો અપન તો નીંદ મેં જ રહેતે ના.
ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે, ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે!
કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાંક જુવાનિયા મશ્કરીએ ચડ્યા હતાં. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી, કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો, અમીનાએ આંખો બંધ કરી.
કોઈ એનાં કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાનું પથ્થરવાળું કૅલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીંચી દીધી.
ચાંદબીબી ટોળામાંથી આગળ આવી, એણે મુઠ્ઠી ભરીને મરચું ભરી દીધું. અમીના બંને સાથળ વચ્ચે હાથ દબાવી, કણસતી, ચત્તીપાટ પડી રહી.
આખા શરીરમાં કાળી બળતરા
અમીનાએ ફેંફસાં ફાડીને ચીસ પાડીઃ યા અલ્લાહ...
(૨૦૦૫)

Navigation menu