અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલેરબાબુ/લઈ શોધ મારી જ્યારે… (હશે)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લઈ શોધ મારી જ્યારે… (હશે)

દિલેરબાબુ

લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે;
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.

સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.

તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.

પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.

તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઑગળ્યું હશે.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૫૧)