આંગણે ટહુકે કોયલ/આપણા મલકમાં રાજ
૬. આપણા મલકમાં રાજ
આપણા મલકમાં રાજ એલચીનાં ઝાડવાં,
એલચડી લળી લળી લેજો મારા સાયબા,
હાલોને જાઈં હવે આપણા મલકમાં.
આપણા મલકમાં ગોરલ! ઝાળાં ને ઝાંખરાં,
લળી લળી જાઈં ગુજરાત મોરી ગોરલ!
નથી રે જાવું હવે આપણા મલકમાં.
આપણા મલકમાં રાજ સોપારીનાં ઝાડવાં,
સોપારી લળી લળી લેજો મારા સાયબા,
હાલોને જાઈં હવે આપણા મલકમાં.
આપણા મલકમાં ગોરલ! બાવળનાં ઠૂંઠાં,
લળી લળી જાઈં ગુજરાત મોરી ગોરલ!
નથી રે જાવું હવે આપણા મલકમાં.
આપણા મલકમાં રાજ માયાળુ માનવી,
માયા મેલીને ઘોડે ચડજો મારા સાયબા,
હાલોને જાઈં હવે આપણા મલકમાં.
આપણા મલકમાં ગોરલ! ઈર્ષાળુ માનવી,
માયાળુ માનવી મળે ગુજરાતમાં,
નથી રે જાવું હવે આપણા મલકમાં.
જમીનનો એક નાનકડો કટકો હોય તોય રોદણાં રોવાને બદલે એમાં ઋતુ અનુસાર શાકભાજી, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ, શેરડી, ડાંગર વાવીને આખું ઘર અઢાર કલાક મહેનત કરે ને પરિવારનું લાલનપાલન કરે એ ખેડૂત ગુજરાતનો હોય! ખેતી નાની હોય ને સંતાનોની એમાં જરૂર ન હોય તો એક-બે દીકરાઓને સુરત કે મુંબઈ હીરા ઘસવા મોકલીને નવી કેડી કંડારે એ પરિવાર ગુજરાતી જ હોય! પચ્ચીસ-ત્રીસ કિલોમીટરે એક મંદિર, આશ્રમ, સેવાધામ, સંસ્થામાં એકપણ પૈસો લીધા વિના સવારની ચા, બપોરનું ભોજન અને સાંજનું વાળુ આગ્રહપૂર્વક કરાવે એ અમીરાત ગૂર્જરધરાની જ હોય! માતાપિતા વિહોણી કે દારુણ ગરીબીમાં જીવતાં માબાપની દીકરીઓને પોતાની જાયા ગણીને રાજકુમારીની જેમ જાહોજલાલીથી પરણાવી દે અને જીવનજરૂરી તમામ ચીજો હોંશે હોંશે ભેટ આપે એવા દાનવીરો-સેવાશ્રેષ્ઠીઓ ગુજરાતમાં જન્મે! રાજનીતિ, વેપાર-ઉદ્યોગ, કૃષિ, સહકાર, રમતગમત, સાહિત્ય, કળા- જ્યાં નજર કરો ત્યાં ગુજરાતે દીવાદાંડી સમા સપૂતો-સન્નારીઓ આપ્યા છે. ગઈકાલેય ગુજરાતની ચડતીકળા હતી, આજેય છે. ‘આપણા મલકમાં રાજ એલચીનાં ઝાડવાં...’ બહુ જ ઓછું સંભળાતું છતાં ગુજરાત અને ગુજરાતીઓની સાચુકલી પ્રશંસા કરતું, પોરસ ચડાવતું લોકગીત છે. વર્ષો જૂની લોકવાણીમાં પણ ગરવી અને ગુણીયલ મા ગૂર્જરીને કેવી કંકુચોખાથી વધાવી છે! એ વખતનાં અભણ કે ઓછું ભણેલા લોકો પાસે આજના જેવી અંગ્રેજી શબ્દોની ભરમારવાળી ‘સેક્રિન લેન્ગવેજ’ ન્હોતી પણ હૃદયમાંથી ઉદ્દભવતી બોલી હતી એટલે કે એમની વાતો વિદ્વત્તાભરી ન્હોતી પણ ભાવવાહી હતી જેનો રણકો આ લોકગીતમાં સંભળાય છે. લોકગીતની કથાવસ્તુ એવી છે કે ગુજરાતની સરહદે વસેલા અન્ય પ્રાંતના દંપતી વચ્ચે સંવાદ થઇ રહ્યો છે. પત્ની કહે છે કે આપણા પંથકમાં એલચી, સોપારી વગેરેનાં ઝાડ છે, ચાલો ત્યાં જઈને એલચી, સોપારી વીણી લઈએ, ટૂંકમાં આપણા વિસ્તારમાં જતાં રહીએ. સામાપક્ષે પતિ કહે છે કે હે ગોરલ! તને ખબર નથી, આપનો મલક તો સાવ સૂકોભઠ્ઠ છે, ત્યાં ઝાળાં ઝાંખરાં અને બાવળનાં ઠૂંઠાં સિવાય બીજું કંઈ જ નથી, ત્યાં જઈને શું કરીએ? એના કરતાં તો ગુજરાત જવા જેવું છે! પત્નીનું મન હજુ પોતાની ભૂમિ બાજુ વળેલું છે એટલે ખુદની દલીલને મજબૂત કરવાનો પ્રયાસ કરતાં કહે છે કે આપણા મલકમાં માયાળુ માનવીઓ છે પણ પતિ કહે, એ જ તો તારી ભૂલ છે, માયાળુ માનવીઓ તો ગુજરાતમાં વસે છે, તું ગુજરાત આવ પછી જોજે કેવા મમતાળુ લોકોનો આપણને ભેટો થાય છે! તા. ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ને આ દિવસને આપણે ગુજરાત સ્થાપના દિન કે ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવીએ છીએ. લોકગીતના નાયક-નાયિકા જેવા અનેકાનેક નિસ્વાર્થ, નિર્દંભ અને નિષ્કપટ લોકો ગુજરાત અને ગુજરાતીઓનાં બે મોઢે વખાણ કરે એ દિવસ પણ ગૌરવ દિન જ ગણાય...