કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૧. બંદો બદામી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૧. બંદો બદામી


સનમ શોખીન ગુલાબી છે, અને બંદો બદામી છે,
મને એ ભોટ માને છે, સનમનું દિલ હરામી છે.

અગર હું છું ભલે પાગલ, મગજમાં રાઈ રાખું છું,
અને એની ગુમાનીને ગઝલમાં ગાઈ નાખું છું.

મુસીબત છે હસીનોની, હસે છે ને જલાવે છે,
કદમને ચૂમવા એના ઇશારા ફોસલાવે છે.

પદમની લાલ પાની પર હલાહલ છે કે હિના છે?
ન જાણું તોય જાણું કે અમીથી હોઠ ભીના છે!

રિસાવું છું, રિઝાવું છું, અને થઈ ઠોઠ ઘૂમું છું,
કદમબોસી સનમ ચાહે, મગર હું હોઠ ચૂમું છું.
(દીપ્તિ, પૃ. ૮૦)