ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પન્ના નાયક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘ફ્લેમિંગો’ : પન્ના નાયક

આરતી સોલંકી

Panna Nayak.png

સર્જક પરિચય :

કવિ, વાર્તાકાર અને ગ્રંથકાર પન્ના નાયકનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૩ના રોજ મુંબઈમાં ધીરજલાલ મોદી અને રતનબેનને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન સુરત હતું. ઈ. સ. ૧૯૫૪માં તેમણે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં બી.એ. અને ઈ. સ. ૧૯૫૬માં એમ.એ.ની પદવીઓ મેળવી. ઈ. સ. ૧૯૬૦માં લગ્ન પછી તેઓ યુનાઈટેડ સ્ટેટ ખાતે સ્થાયી થયાં. ઈ. સ. ૧૯૬૨માં ફિલાડેલ્ફીયાની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એલ.ની લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી અને ઈ. સ. ૧૯૭૨માં ફિલાડેલ્ફીયાની પેન્સિલ્વેનિઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવીઓ મેળવી. ઈ. સ. ૧૯૬૪થી ઈ. સ. ૨૦૦૩ દરમિયાન તેઓ પેન્સિલ્વેનિઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાઇબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તેમજ ઈ. સ. ૧૯૮૫થી ઈ. સ. ૨૦૦૨ દરમિયાન ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે રહ્યાં.

સાહિત્યસર્જન :

પન્ના નાયકનાં સાહિત્યસર્જન વિશે વાત કરીએ તો તેમના પર અમેરિકન કવિ અન્ને સેક્સટોનનો પ્રભાવ હતો, જેમના કાવ્યસંગ્રહ ‘લવ પોઅમ્સ’ (ઈ. સ. ૧૯૬૭) વડે તેમને કવિતા લખવાની પ્રેરણા મળી હતી. આ ઉપરાંત પન્ના નાયકે ભારતીય તેમ જ વિદેશી કાવ્યપ્રવાહોમાંથી પ્રેરણા લીધી છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રવેશ’ (ઈ. સ. ૧૯૭૫) પ્રશંસા પામ્યો હતો. ‘વિદેશીની’ (ઈ. સ. ૨૦૦૦) ભારતીય ડાયસ્પોરાને સંબંધિત સમસ્યાઓ વિશેના તેમના પ્રથમ પાંચ કવિતાઓના સંગ્રહ છે. ‘પ્રવેશ’ (ઈ. સ. ૧૯૭૫), ‘ફિલાડેલ્ફિઆ’ (ઈ. સ. ૧૯૮૦), ‘નિસ્બત’ (ઈ. સ. ૧૯૮૫), ‘અરસપરસ’ (ઈ. સ. ૧૯૮૯) અને ‘આવનજાવન’ (ઈ. સ. ૧૯૯૧) એટલે વિદેશીની. ‘અત્તર અક્ષર’ તેમનો હાઇકુસંગ્રહ છે જ્યારે ‘ફ્લેમિંગો’ (ઈ. સ. ૨૦૦૩) તેમનો વાર્તાસંગ્રહ છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રવેશ’ માટે ગુજરાત સરકાર તરફથી ઈ. સ. ૧૯૭૮માં પુરસ્કાર મળ્યો હતો. ઈ. સ. ૨૦૦૨માં તેમને ચુનીલાલ વેલજી મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

વાર્તાકારનો યુગસંદર્ભ :

પન્ના નાયક અનુ-આધુનિકયુગના ડાયસ્પોરા સાહિત્યક્ષેત્રે મહત્ત્વના સર્જક છે.

પન્ના નાયકની વાર્તાકળા :

Flamingo by Panna Naik - Book Cover.jpg

પન્ના નાયક પાસેથી એકમાત્ર વાર્તાસંગ્રહ મળે છે જેનું નામ છે ‘ફ્લેમિંગો’. આ વાર્તાસંગ્રહ ૨૦૦૩માં પ્રકાશિત થયેલ છે. અહીં કુલ ૨૭ વાર્તાઓ ગ્રંથસ્થ છે. પન્ના નાયક ડાયસ્પોરા લેખિકા છે. તેઓ અમેરિકામાં વસવાટ કરીને પોતાના સાહિત્ય મારફતે ભારતીય જીવનને ધબકતું રાખે છે. તેઓ જેટલા કવિતાક્ષેત્રે સફળ થયાં છે તેવી સફળતા એને વાર્તાકાર તરીકે મળી નથી. પન્ના નાયક હંમેશા ભારત અને અમેરિકાના ક્રૉસરોડ પર રહીને સ્વસ્થતાથી વાર્તાઓ લખી શકે છે. જેમાં બંને સંસ્કૃતિના ધબકારા વર્તાય છે. આ સંગ્રહની પ્રથમ વાર્તા છે ‘લેડી વિથ અ ડૉટ’. આ વાર્તામાં લેખિકાએ બે સંસ્કૃતિ અને પહેરવેશને સામસામે અથડાવ્યાં છે. અલ્પા પોતે ભારતીય છે પરંતુ અમેરિકામાં આવીને તેને પોતાનો પહેરવેશ બદલવો પડે છે જે તેને ગમતી વાત નથી. અહીં લેખિકાએ ભારતીય સંસ્કૃતિને જીવંત કરતું એવું અલ્પાનું પાત્ર આલેખ્યું છે તો બીજી બાજુ અમેરિકન સંસ્કૃતિને પોતાની અંદર ધબકતી રાખનાર રાજીવનું પાત્ર છે. તો વળી ‘નિત્યક્રમ’ વાર્તામાં સર્જક કયા નિત્યક્રમની વાત કરે છે તે પ્રશ્ન બની જાય છે. આ વાર્તાની કથનશૈલી થોડી અટપટી છે. સર્જકે નાયકને તમે તમે ના બદલે જો નામ આપ્યું હોત તો કદાચ વાર્તા વધુ સફળ બની શકી હોત. ‘વળાંક’ વાર્તા એ પ્રયોગશીલ વાર્તા છે. અહીં લેખિકાએ એક સ્ત્રીપાત્ર પસંદ કર્યું છે જે પોતે જ પ્રશ્ન પૂછે છે અને પોતે જવાબ આપે છે. સમગ્ર વાર્તામાં કથક તરીકે સ્ત્રી એક જ છે. પોતે જ્યારે તેનો પીછો કરનાર લોકોને આઇડેન્ટિફાય કરવા જાય છે ત્યારે વાર્તામાં વળાંક આવે છે. અહીં પાત્ર સ્વરૂપે એક જ સ્ત્રી છે તો વળી ‘મેટ્રિમોનિયલ્સ’ વાર્તા પ્રભા, ઉષા અને નિરંજન એવાં ત્રણ પાત્રો થકી ઘડાય છે. પ્રભા અત્યારે હયાત નથી તેને મૃત્યુ પામ્યાંને અત્યારે ત્રણ વર્ષ થઈ ગયાં છે. તેના ગયા પછી નિરંજન તેના બંને સંતાનો રીના અને રુચિરને ઉછેરે છે તેવામાં તેનો પરિચય ઉષા સાથે થાય છે અને વાર્તામાં વળાંક આવે છે. અહીં પણ અમેરિકાનો પરિવેશ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ‘બુક-કેસ’ વાર્તામાં સર્જક મહેશ અને ઉમેશભાઈના પાત્ર મારફત બે પેઢીના વિચારો, રહેણીકરણી વગેરેની વાત કરે છે. ઉમેશભાઈ તેની પત્નીના અવસાન પછી અમેરિકા મહેશ સાથે આવીને રહે છે. એવામાં તેમની તબિયત પણ લથડે છે ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે ત્યાર પછી સર્જક વિગતે બંને પાત્રોનો પરિચય કરાવી વાર્તાના અંતે સરસ રીતે ઉમેશે અઢારમે વર્ષે લખેલા કાવ્યની બુક કાઢીને આપે છે અને વાર્તા પૂરી થાય છે. ‘ક્યુટિપ’ વાર્તામાં પોતાના પતિને છોડીને બાજુના ઘરમાં એકલા રહેતા વિલિયમ તરફ આકર્ષાતી શ્રેયા છે. શ્રેયા આમ તો તેના પતિ સિદ્ધાર્થને જ ચાહે છે પરંતુ રાત્રીના સમયે બારીમાંથી વિલિયમનો જોયેલો નિર્વસ્ત્ર દેહ તેને આકર્ષે છે. તે તેની ઇચ્છાઓને કાબૂમાં રાખી શકતી નથી, પરિણામે તેના પતિથી દૂર થતી જાય છે. આ વાર્તાનું શીર્ષક પણ લાક્ષણિક છે. ‘કોઈ એની સાથે રમત રમે છે’ વાર્તાના શીર્ષકની જેમ જ વાર્તા પણ રમતિયાળ શૈલીમાં લખાયેલી છે. કામાક્ષીના પાત્ર મારફત લેખકે એક જગત ઊભું કર્યું છે જ્યાં બધાં જ કામો અડધાં જ થયેલાં છે. આ પણ એક પ્રયોગશીલ વાર્તા છે. ‘રૂમ વિથ અ વ્યૂ’ વાર્તામાં વાર્તાની અંદર વાર્તા લખવાનો પ્રયાસ કરતું પાત્ર અનિલનું છે. અનિલની કલ્પનામાં આવેલું અમેરિકા અને તે જ્યાં રહેતો હતો તે અમદાવાદની તુલના કરતા કરતા વાર્તા વેગ પકડે છે અને પછી તેમાં પેટ્રેશિયા નામનું સ્ત્રી પાત્ર ઉમેરાય છે. જેને પૈસા સૌથી વધુ વહાલા છે ને જો અનિલ તેને પૈસા આપે તો તે બધું જ કરવા તૈયાર છે. ‘વોટરફિલ્ટર’ વાર્તાની કથક નાયિકા અલ્પા છે. જ્યારથી અલ્પાના જન્માક્ષર જોઈને ભાનુભાઈએ કહ્યું કે અલ્પાને પ્રવાસયોગ છે ત્યારથી અલ્પાનો પતિ નિમેષ તેને સતત પૂછે છે ક્યાં જાય છે અલ્પા? આ એક પ્રશ્નની આજુબાજુ આખી વાર્તા રચાય છે અને વાર્તાના અંતે નિઃસંતાન અલ્પાને સંભળાય છે કે તેનો પતિ જે રોજ ક્યાં જાય છે એમ પૂછતો હતો તે આજે ક્યારે જાય છે અલ્પા? એવું પૂછે છે. અલ્પાના મનોજગતને વાચા આપવાનો અહીં લેખિકાએ સરસ પ્રયત્ન કર્યો છે. ‘સૂઝન અને વિવેક’ આ વાર્તામાં સૂઝન, વિવેક અને એમી એવાં ત્રણ પાત્રો છે. જેમાં સૂઝન અને વિવેકના પાત્ર મારફત સર્જક આપણને એમીનો ભૂતકાળ યાદ કરાવે છે. સૂઝન અને વિવેકના પ્રેમલગ્ન, લગ્ન પછીના ઝઘડાઓ આ બધાની સાથે જાણતાં કે અજાણતાં એમી તેના અને મનોજ વચ્ચેના સંબંધોને જોડતી જાય છે, જેથી વાર્તાનું પોત ઘટ્ટ બને છે. ‘ઊડી ગયો હંસ’ વાર્તામાં સર્જકે બે બાબતો આલેખી છે. એક તો હંસા અને બાળકૃષ્ણનો પ્રેમ અને બીજું અમેરિકાનું રાજકારણ. અમેરિકાના રાજકારણનું અહીં એક વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રયાસ સર્જકે કર્યો છે. ‘રીઅલ ભાગ્યોદય’ વાર્તામાં કથક રાજેશકુમાર પંડ્યા છે. અમેરિકામાં થેન્ક્સગિવિંગનો તહેવાર છે અને આ તહેવારમાં કથક એકલા એકલા પથારીમાં આળોટે છે ત્યારે તેને તેનો ભૂતકાળ યાદ આવે છે. જેમાં તેની પત્ની બીના, દીકરી નીના, પ્રેયસી પેગી અને સ્મિતા જેવાં પાત્રો ઊપસતા આવે છે. તેની દીકરી નીના તેના મમ્મી પપ્પાના છૂટાછેડા થયા પછી મમ્મી સાથે રહેવાનું પસંદ કરે છે અને ઘણા સમય પછી આજે વાર્તાના અંતે તે કથકને એટલે કે તેના પપ્પાને મળવા આવે છે. તેની સાથે એક છોકરો છે જેને તે ખૂબ જ ચાહે છે. એક બાજુ રાજેશભાઈને ઘણા સમયથી નોકરી મળતી નથી એટલે એકલા ફરે છે તે તેના ભવિષ્યમાં જ્યોતિષમાં એવું લખ્યું છે કે પાંચ અઠવાડિયાં પછી તેનો ભાગ્યોદય થવાનો છે અને વાર્તાના અંતે નીના તેને કહે છે કે તમે ગ્રાન્ડફાધર બનવાના છો. વાર્તાના અંતે કથકને લાગે છે કે, તેનો ખરેખર ભાગ્યોદય થયો છે. ‘બીલીપત્ર’ વાર્તામાં ભગવાનદાસનુ પાત્ર કેન્દ્રસ્થ છે. ભગવાનદાસ સુરતની એક કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસર હતા અને અત્યારે નિવૃત્ત જીવન ગાળવા માટે તેઓ અમેરિકામાં રહીને ડૉક્ટરી કરતાં તેના દીકરા આનંદ પાસે આવ્યા છે. અમેરિકા આવ્યા પછી ભગવાનદાસના પાત્રમાં પરિવર્તન આવે છે. તેઓ અમેરિકાની સંસ્કૃતિથી અંજાય છે અને તેની પુરુષસહજ ઇચ્છાઓને વશ થઈ શકે એવી કોઈ અમેરિકન સ્ત્રીનો સાથ ઝંખે છે. વાર્તાના અંતે તે છવ્વીસ વર્ષની લિસા તરફ આકર્ષાય છે. ‘બા’ વાર્તાની નાયિકા સોનલ જ વાર્તાની કથક છે. અહીં સર્જકે બાના પાત્રને વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. જે વાત બા કોઈ પાસે નહોતા કરી શક્યા તે વાત તેઓ કથકને કરે છે. અહીં સર્જકે વ્યંગ અને કટાક્ષ પણ વ્યક્ત કર્યો છે. બાને ઘણા સમયથી અમેરિકા આવવું હોય છે પણ બાપુજીની ઇચ્છા નથી એટલે નથી આવી શકતા એ બધી જ વાતો જાણી કથક વાર્તાના અંતે દંગ રહી જાય છે. ‘નૉટ ગિલ્ટી’ વાર્તામાં ફાલ્ગુની નામની સ્ત્રી વાર્તા લખવાનો પ્રયાસ કરે છે. તેની વાર્તાનું મુખ્ય કથાવસ્તુ એક પરિણીત સ્ત્રી પોતાના પતિને ચાહતી હોવા છતાં છેલ્લા છત્રીસ શુક્રવારથી એક પરપુરુષ તરફ આકર્ષાય તેને મળવા જાય છે. તે પુરુષ એટલે જિતેન્દ્ર. જ્યારે જિતેન્દ્ર પૂછે છે કે તું તારા પતિથી છુપાવી આ જે કંઈ કરે છે તેમાં તને ગિલ્ટ ફિલ થાય છે? ત્યારે ચિત્રા તેને સ્પષ્ટ ના પાડી દે છે. ચિત્રાનો જવાબ સાંભળી જિતેન્દ્ર સમસમી ઊઠે છે. ‘સુષ્મા’ વાર્તા એ નાયિકાપ્રધાન વાર્તા છે. જેમાં સુષ્મા, નોર્મન અને રાકેશ એવાં ત્રણ પાત્રો છે. આ ત્રણ પાત્રોની વચ્ચે આ વાર્તા રચાય છે. જે વાર્તા પરથી આ સંગ્રહને નામ અપાયું છે તે વાર્તા એટલે ‘ફ્લેમિંગો’. આ વાર્તાની નાયિકા આશા ન્યૂયોર્ક છોડીને કામના સિલસિલામાં લંડન જાય છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. રસ્તામાં તેને પેટ્રિક મળે છે. જે બે દિવસ પછી તેને વિક્ટોરિયા સ્ટેશન મળવાનું કહે છે વાર્તામાં આગળ વધતા આશાની મુલાકાત અનુરાગ સાથે થાય છે જે તેને ફ્લેમિંગો કહીને સંબોધે છે. આશા અનુરાગને અગાઉથી જ ઓળખતી હોય છે. અનુરાગ પણ ભારતીય છે. આજે અચાનક મળી જવાથી આનંદ થાય છે તે તેના તરફ આકર્ષાય છે. અને પેટ્રિકને મળવા જવાના બદલે તે અનુરાગને મળવા માટે જાય છે ત્યાંથી વાર્તામાં એક વળાંક આવે છે. લોકો આશા અને અનુરાગને પતિ પત્ની સમજે છે પેરિસ ફરવા જવાની ટિકિટ પણ મળે છે પરંતુ શરત તેટલી છે કે બંને પતિ પત્ની હોવાં જોઈએ. બંને પતિ પત્ની ન હોવાં છતાં પતિ પત્ની જ છે એવું કબૂલે છે. એ સમયે જ્યારે આશાને નામ પૂછવામાં આવે છે ત્યારે તે ફ્લેમિંગો અને અટક પૂછવામાં આવે છે ત્યારે ઇમાનદાર એવું જણાવે છે. વાર્તાના અંતે અનુરાગથી છૂટી પડેલી આશા પેટ્રિકને મળવા માટે જાય છે અને વાર્તાનો અંત આવે છે. ‘ગેરસમજ’ વાર્તામાં બકુલાનાં ભાઈ-ભાભી વડોદરાથી તેને મળવા માટે અમેરિકા આવ્યાં હોય છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અમેરિકામાં એકલવાયું જીવન પસાર કરતી બકુલાના મનમાં તેના પરિવાર માટે ગેરસમજ ઊભી થયેલી હોય છે જે કદાચ વાર્તાના અંતે દૂર થાય છે. ‘કથા નલિનભાઈની’ વાર્તામાં લેખિકા નાલિનભાઈની વાત માંડે છે. માટે શીર્ષક પણ એવું જ રખાયું છે. નલિનભાઈ રોમેન્ટિક સ્વભાવના છે એટલે રોજ ગીતાપાઠ કરતી અને સ્વાધ્યાયમાં જતી પત્નીથી ત્રાસી ગયા છે. તેને સ્વાધ્યાયમાં જાય તેવી નહિ પણ બાજુમાં બેસીને તેને પ્રેમ કરે, તેની સાથે ફિલ્મો જુએ એવી પત્ની જોઈએ છે. આ ઇચ્છા પૂરી કરવા તે વિજ્યાબહેનને મારી નાખે છે ને સમાજ સામે ખોટો આડંબર કરે છે પરંતુ વાર્તાના અંતે વાચકને જાણવા મળે છે કે આ તો નલિનભાઈની સ્વપ્નાવસ્થા હતી. ‘ખલનાયક’ વાર્તામાં કથક અજ્ઞાત છે. અહીં કે. બી. પટેલના પાત્ર મારફતે લેખકે ખલનાયકનું પાત્ર ઊભું કર્યું છે. આ પાત્ર વાર્તાના અંત સુધીમાં તો સાવ લાગણીવિહીન બની ભાવક સમક્ષ આવે છે ત્યારે ભાવક તેને સાચા અર્થમાં ખલનાયક જાણે છે. ‘ગૌતમ’ વાર્તા વાચકને જુદા પરિવેશમાં લઈ જનારી વાર્તા છે. ગૌતમ અને સચિનના પાત્ર મારફત સર્જક એક નવી દુનિયા ખોલવાનો પ્રયાસ કરે છે. વાર્તાના અંતે ઘટસ્ફોટ થાય છે ત્યારે સચિનના અસ્તિત્વ પર જ પ્રશ્ન ઊઠે છે. ‘જગન્નાથ! જગન્નાથ!’ વાર્તામાં જગન્નાથનું પાત્ર મહત્ત્વનું છે. વાર્તાની શરૂઆતમાં તેઓ સાઇકિયાટ્રીસ્ટ પાસે જાય છે. જેનું કારણ એવું છે કે તેને પહેલાં જેવા સપનાંઓ હવે નથી આવતાં. જે વાતે જગન્નાથ દુઃખી છે. તે સ્વપ્નની દુનિયામાં જ રચ્યાપચ્યા રહેવા માંગે છે પરંતુ વાર્તાના અંતે તેને સમજાય છે કે સ્વપ્નની દુનિયા અને વાસ્તવિક દુનિયામાં જમીન આસમાનનો ફરક છે. ‘સાચી સાચી વાતો’ એ કાવ્યાત્મક શૈલીમાં રચાયેલી વાર્તા છે. ‘ગાલના ટાંકા’ વાર્તાની નાયિકા સ્ત્રી છે જેનું નામ કથકે સ્વરૂપ એવું આપ્યું છે. જ્યારે તે તેર વર્ષની હતી ત્યારથી લઈ અત્યાર સુધીના તેના સ્ત્રીજીવનના અનુભવો અહીં કથક આપણને કહે છે. તેના જીવનમાં આવેલા તેના પુરુષમિત્રો અને તેનો પતિ રોહિત એક પ્રકારનો પરિવેશ રચી આપે છે જેનાથી વાર્તાનું પોત બંધાય છે. ‘ખૂટતી કડી’ વાર્તામાં એક જ પાત્ર કેન્દ્રમાં છે. સ્મૃતિલોપ-ભ્રંશનું વાસ્તવિક નિરૂપણ છે. વાર્તાની નાયિકા લીલાબહેનને બાણું વર્ષ થયાં છે. ડિમેન્સિયાનાં લાક્ષણિક દર્દી તરીકે એમની સ્મૃતિ ક્યારેક ઝબકે છે, ક્યારેક જતી રહે છે. ભૂતકાળ ક્યારેક યથાતથ યાદ આવે છે, વર્તમાન ભુલાઈ જાય છે. પ્રસંગો યાદ આવે પણ વ્યક્તિઓ ભુલાઈ જાય, નામનું તો સર્વદા વિસ્મરણ થાય. આ રીતે લીલાબહેન સ્મૃતિ-વિસ્મૃતિમાં ઝોલા ખાય છે. એનું પન્ના નાયકે રસાળ આલેખન આ વાર્તામાં કર્યું છે. ‘સુજાતા’નું કથાવસ્તુ અત્યંત મર્યાદિત છે, વાર્તાતત્ત્વ આ કૃતિમાં નહિવત્‌ છે. સુજાતા વાર્તાની નાયિકા છે જેના પતિ પાંચેક વર્ષ પહેલાં અવસાન પામ્યાં છે. પરણીને આવીને અમેરિકામાં સ્થિર થયે એને વર્ષો વીતી ગયાં છે અને હવે મુંબઈમાં માતાપિતા, ભાઈભાભી કોઈ રહ્યું નથી. વાર્તામાં સુજાતા અને એક રશિયન બાઈ બે જ પાત્રો છે. રશિયન બાઈ અને તેનો પતિ થોડા મહિના પહેલાં જ અમેરિકા આવ્યાં છે. બસ, આટલી પાતળી કથનરેખાના આધારે આ વાર્તા સર્જાઈ છે. આ નવલિકાનો સમય તો વળી, આનાથી પણ ટૂંકો છે. વૉશિંગ્ટન ડી.સી.ના સ્ટેશનેથી સુજાતા ગાડી પકડે છે અને ફિલાડેલ્ફિયા ઊતરે છે એ ત્રણ કલાકના ફલકમાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં ઘટના નથી, ઘાટ છે; સંકેતથી, સૂચનથી, વ્યંજનાથી વાર્તાકાર કામ લે છે. આ રચનાકૌશલ્ય આ વાર્તાનો વિશેષ છે. આ સંગ્રહની અંતિમ વાર્તા એટલે ‘થેંક્સગિવિંગ’. થેંક્સગિવિંગ એ અમેરિકામાં ઊજવાતો એક તહેવાર છે. જે દર વર્ષે નવેમ્બરના ચોથા ગુરુવારે ઊજવવામાં આવે છે. આ વાર્તાની કથક કુંદન છે. અહીં ડૉક્ટર અભય ત્રિવેદીનું પાત્ર કેન્દ્રસ્થાને છે. એ એક એવો ડૉક્ટર છે જેને મન માનવસેવા એ જ સૌથી મોટો ધર્મ છે. અભય ત્રિવેદીની અવેજીમાં બીજા બે યુવા પાત્રો રાજા અને ડિલન પણ એવા જ છે. તે બન્ને મિત્રો પણ ઝૂંપડપટ્ટીમાં રહેનાર લોકોને મદદ કરવા માટે જાય છે. પન્ના નાયકનું વાર્તાવિશ્વ નિરાળું છે. પચાસ વટાવી ગયેલા ત્યાં રહેતા પુરુષો અને પચાસ વટાવ્યા પછી અમેરિકા આવતા પુરુષોને કેવા કેવા પ્રકારના વસવસાઓ હોય છે તેની ઝલક આ વાર્તાઓમાં મળે છે. તો સાથે સાથે એકલી કે એકલવાયી સ્ત્રીને સમાજ કેવા ત્રાજવે તોલે છે તેનો આલેખ પણ મળી રહે છે. અહીં મોટાભાગની વાર્તાઓનો પરિવેશ અમેરિકાનો છે. ત્યાં શારીરિક સંબંધો અને જાતીયતા એ કોમન વસ્તુ હોવાથી ઘણીબધી વાર્તાઓમાં એનો ઉલ્લેખ થયેલો છે. પન્ના નાયકની સમગ્ર વાર્તાઓમાંથી પસાર થનારને તેમાં વતનથી છૂટા પડ્યાની વેદના, તેનો ઝુરાપો નજરે પડે છે. તેમની વાર્તાઓ આધુનિક શહેરમાં રહેતી સ્ત્રીની લાગણીઓ રજૂ કરે છે. વાર્તામાં પુરુષો સાથેના સંબંધો, લગ્નજીવનની મૂંઝવણો, આશાઓ અને નારીવાદી લાગણીઓ પણ રજૂ થઈ છે. તેમનો એકમાત્ર વાર્તાસંગ્રહ ‘ફ્લેમિંગો’ છે. અમેરિકામાં વસવા છતાં તેમણે ગુજરાતી સાહિત્યમાં ડાયસ્પોરા ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

સંદર્ભગ્રંથ :

૧. ‘ફ્લેમિંગો’, પન્ના નાયક, જાન્યુઆરી ૨૦૨૪, પ્રથમ આવૃત્તિ-૨૦૦૩, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ.

૨. ‘સાહિત્યસેતુ’ લેખ : ડાયસ્પોરાની સંજ્ઞા, વિભાવના અને ડાયસ્પોરા ક્ષેત્રે પન્ના નાયકનું પ્રદાન, સુનિલકુમાર જે. પરમાર, જાન્યુઆરી ફેબ્રુઆરી અંક ૨૦૧૯

ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક,
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮