ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુવર્ણા રાય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
‘પોતાનું નામ’ – સુવર્ણા રાય

ડૉ. વિજયરાજસિંહ જાડેજા

વાર્તાકારનો પરિચય :

સુવર્ણા રાયનો જન્મ ૧૬ ઑક્ટોબર ૧૯૪૨ના રોજ માલપુરમાં થયો હતો. તેમનું મૂળ વતન ગોંડલ. પિતા ન્યાયાધીશ હોવાથી બાળપણમાં સુવર્ણાને જુદા જુદા શહેરોમાં ફરવું પડતું. તેથી તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંકલેશ્વર, જલગાંવ, અમદાવાદ અને સુરત જેવાં સ્થળોએ લીધું હતું. ત્યાર બાદ ૧૯૬૨ના વર્ષમાં અમદાવાદની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેઓ સ્નાતકનો અભ્યાસ અર્થશાસ્ત્ર અને રાજકારણના વિષય સાથે કરે છે. આગળ અનુસ્નાતકનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનમાં રાજ્યશાસ્ત્ર વિષયમાં કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી અધ્યાપનકાર્ય સાથે સુવર્ણા રાય જોડાય છે. જેમાં દિલ્હી યુનિવર્સિટીમાં જાનકીદેવી મહાવિદ્યાલયમાં ત્રણ વર્ષ અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. અધ્યાપનની સાથે સંશોધનલક્ષી અધ્યયનમાં વર્ષ ૧૯૬૮-૬૯માં તેઓ રસ-રુચિ કેળવે છે. આ શોધકાર્યને માટે તેઓ કંબોડિયા અને થાઈલૅન્ડ જેવા દેશોમાં પ્રવાસ કરે છે. તેમનો સંશોધનનો વિષયઃ ‘પ્રિન્સ નોર્ડમસિંહાનૂક અને આધુનિક કંબોડિયા-રાજકિય નેતૃત્વનો અભ્યાસ’ હતો. વર્ષ ૧૯૭૩માં ગુજરાતી સાહિત્યના સર્જક મધુસૂદન ઠાકર (મધુ રાય) સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાય છે. ૧૯૭૪માં અમેરિકા જઈ ફિલસૂફી વિષય સાથે ફરીથી અનુસ્નાતકનો અભ્યાસ કરે છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ ૧૯૭૭માં તેઓ ભારત પરત ફરે છે. ફરી પાછાં અમેરિકા ગયાં બાદ હાલમાં ત્યાં સ્થિર થયાં છે.

સાહિત્યસર્જન :

નવલિકા : સુવર્ણા રાયનું મુખ્યત્વે સર્જન કથાસાહિત્યમાં રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને વાર્તાસ્વરૂપમાં તેમની લેખિની સવિશેષ ચાલી છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ૧૯૭૨માં ‘એક હતી દુનિયા’ નામથી પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૦૫માં બીજો વાર્તાસંગ્રહ ‘પોતાનું નામ’ પ્રગટ થાય છે.
નવલકથા : સુવર્ણા રાયે ‘અષાઢ, તું આવ’ શીર્ષકથી એક નવલકથા લખી છે. જે ‘જન્મભૂમિ’માં છપાઈ છે.

વાર્તાકારનો યુગસંદર્ભ :

ઉપયુક્ત સર્જનને જોતાં યુગસંદર્ભની દૃષ્ટિએ વિચારીએ તો સુવર્ણા રાયની વાર્તાઓ આધુનિક અને અનુઆધુનિક યુગમાં સર્જાતી આવી છે. તે સમયે રચતા-લખતા વાર્તાકારોથી જુદી વાર્તાઓ સુવર્ણા રાયે લખી છે. ઇયત્તા કરતાં ગુણવત્તા પર તેઓ વધુ ભાર આપે છે. માટે ભલે બે વાર્તાસંગ્રહો જ પ્રકાશિત થયા હોય, તેમ છતાં ગુજરાતી સાહિત્યમાં નોખી ભાત પાડતાં વાર્તાકાર તરીકે તેમનું નામ અવશ્ય લેવું પડે. લગ્ન બાદ મધુ રાય સાથેના સંપર્કને કારણે તેઓ વાર્તા સ્વરૂપ વિશે વધુ સભાન બન્યાં છે. તેનો ઉલ્લેખ સુવર્ણા એક મુલાકાત દરમિયાન કરે છે.

GTVI Image 116 Potanum Nam.png

ટૂંકી વાર્તા વિશે સુવર્ણા રાયની સમજ :

વાર્તાઓનાં લેખન અને અભિવ્યક્તિ સંદર્ભે ‘પોતાનું નામ’ સંગ્રહની પ્રાસ્તાવિકમાં અને એક મુલાકાત દરમિયાન થોડી વાત તેઓએ કરી છે. કેવી રીતે વાર્તાલેખન તરફ તેઓ વળ્યાં તેના જવાબમાં તેઓ કહે છે કે – ‘...મૂળ ટેવ મારી ડાયરી લખવાની છે. પોતા સાથે વાત કર્યા કરવાની મને ટેવ છે. એમાંથી જ વાર્તાઓ જેવું બનવા માંડ્યું. ડાયરીના અંગતતમ્‌ લખાણને હું દૂરથી જોતાં કેવી રીતે શીખી તે હજુ સમજાયું નથી. જીવનના કેટલાક અનુભવો, કેટલાક સચેત મિત્રો જેમની સાથે ઊંડી સાર્થ ચર્ચાઓ થઈ શકતી તે બધાંને કારણે કદાચ ડાયરીમાં જે લખતી જતી તેમાં કંઈક સાર્વત્રિક રસ (યુનિવર્સલી ઇમ્પોર્ટ) જેવું આવ્યું હશે, જે ડાયરીનાં લખાણોને વાર્તામાં ફેરવી શકાયું હશે. ટૂંકી વાર્તા મારી અભિવ્યક્તિ માટે યોગ્ય સ્વરૂપ લાગ્યું છે કે નહિ તેનો જવાબ ‘હા’ પણ છે, જરા ‘ના’ પણ છે. વાર્તા લખાઈ ગઈ છે, મેં લખી છે ખૂબ ઓછી. અત્યંત સ્વાભાવિક રીતે-સ્પોન્ટેનિયસલી-વાર્તાઓ ઊગી નીકળી છે. તેથી મારી એક પાયાની જરૂરિયાત રહી છે. પણ મારી અભિવ્યક્તિ ત્યાં પૂરી થતી નથી લાગતી.’ (સુવર્ણા રાય સાથે... ગોસ્વામી ચંદ્રિકા એમ. ‘તાદર્થ્ય’, ડિસે. ૨૦૧૮)

‘પોતાનું નામ’નો પરિચયઃ

‘પોતાનું નામ’ સુવર્ણા રાયનો બીજો વાર્તાસંગ્રહ છે. તેમાં કુલ ૩૩ વાર્તાઓ સમાવિષ્ટ છે. દરેક વાર્તા વિષય-અભિવ્યક્તિની દૃષ્ટિએ જોતાં અલગ તરી આવે છે. પ્રથમ વાર્તા ‘હેવી’ શીર્ષકથી છે. જેમાં વિચારોનાં વજન (હેવી) તળે દબાતી જતી સ્ત્રીની વાત છે. ‘પંદર વર્ષ પહેલાં’, ‘એક જુદો ગ્રહ’ અને ‘સેતુ’ આ ત્રણ વાર્તાઓમાં જીવલેણ રોગ કેન્સર અને ડિપ્રેશનને કારણે બદલાતી જતી માણસની પરિસ્થિતિ-જીવનશૈલી વિષય તરીકે આવે છે. ‘ટેબલ’ વાર્તા પ્રતીકાત્મક રીતે રજૂ થઈ છે. ‘રવિવાર’માં એકલતાને લીધે રજાની અવગણના કરતા માણસનું ચિત્ર રજૂ થયું છે. ‘સૂરજનાં પહેલાં કિરણો’ જીવનની ઘટમાળમાં જીવ્યે જતા એક સામાન્ય માણસની મનોવ્યથાને વાર્તાકારે વાચા આપી છે. ‘લોકવાયકા’, ‘પોતાનું નામ’ અને ‘આકાશેથી વૃક્ષ પર, વૃક્ષ પરથી પર્ણો પર’માં સર્જકની કાલ્પનિક રચનાશક્તિનો ખ્યાલ આવે છે. તેમાં સર્જકનો વ્યંગ-કટાક્ષનો સૂર પણ સાંભળી શકાય છે. મધ્યમ વર્ગની ઇચ્છાઓમાં એક ઇચ્છા પોતાનું ઘર હોય જ્યાં બધાં સાથે મળીને રહે તેવી હોય છે. ‘ઘર એટલે–’ આવા જ વિષયને અભિવ્યક્ત કરે છે. ‘માટી’ અને ‘શોન’ વાર્તામાં વતનપ્રેમનું કથાનક છે. ‘તો, તો કેવું સારુંં!’માં લેસ્બિયન અને બાઇસેક્સ્યુઅલ વૃત્તિ ધરાવતી સ્ત્રીઓની વાત આલેખાઈ છે. સ્ત્રી તરીકે એકબીજા સાથેની મિત્રતાને લીધે ઇચ્છા અને ઈર્ષાનાં દ્વન્દ્વની પ્રસ્તુત વાર્તા છે. પ્રણયકથાઓ સંગ્રહનું સબળું પાસું છે. જેમાં ‘નૌ બહારની નાનકડી વાર્તા ને હું’, ‘તું અને મારા ચાર દેશ, બસ...!’, ‘પ્રેમપત્રો’, ‘સેતુ’, ‘પ્રેમ એ વાર્તાનો વિષય છે, પ્રિય ઓર્મિટો’ અને ‘ઝટપટ’નો સમાવેશ થાય છે. દલિતચેતનાને વાચા આપવાનું કામ પણ સર્જકે પ્રસ્તુત સંગ્રહમાં કર્યું છે. ‘થોડાક કલાક પહેલાં’ અને ‘પ્રેમપત્રો’ તેનાં ઉદાહરણ છે.

સુવર્ણા રાયની વાર્તાકળા :

સુવર્ણા રાયની મોટા ભાગની રચનાઓમાં વિષય તરીકે સામાન્ય માણસનું જીવન પ્રગટ થયું છે. પ્રસ્તુત સંગ્રહની મોટા ભાગની વાર્તાઓને બે ભાગમાં વહેંચી શકાય તેમ છે. એક જેમાં પાત્ર છે અને તેની પોતાની એક તંગદિલી ભરી પરિસ્થિતિ છે. બીજી બાહ્ય વાસ્તવિક પરિસ્થિતિને આધારે પાત્રોનું બદલાતું જતું જીવન-જગત. વળી કોઈક વાર્તામાં લેખક કાલ્પનિક રીતે વાર્તાનું કથાનક રચી વાર્તાસ્વરૂપ આપે છે. લેખિકાના વિદેશ વસવાટને લીધે વાર્તાઓમાં વિદેશી પાત્રો અને તેમના સંબંધોના તાણા-વાણાની વ્યથા-કથા નિરૂપણ પામી છે. અમુક વાર્તાઓમાં પાત્ર-પાત્ર વચ્ચે પત્ર દ્વારા થતું પ્રત્યાયન કથાનકને આગળ ધપાવે છે. જીવનદર્શનની વાતો અમુક વાર્તામાં કથા સાથે ગૂંથી વાર્તાકારે રજૂ કરી છે. પ્રસ્તુત સંગ્રહની વાર્તાઓનાં શીર્ષક ધ્યાનાકર્ષક છે. અંગ્રેજી ભાષાનો પ્રયોગ અહીં ખાસ જોવા મળે છે. વાર્તાઓનાં પાત્રોનું પોતીકું કહી શકાય તેવું મનોજગત છે, જે તેને વાસ્તવની સાથે સહોપસ્થિત કરીને વાર્તાકારે આલેખ્યું છે. સુવર્ણા રાય પાસે ઓછાં પાત્રો પાસેથી કામ લેવાની આવડત છે. તેનાં ઉદાહરણ પ્રસ્તુત સંગ્રહની વાર્તાઓમાંથી મળી રહે છે. અહીં લગભગ મોટા ભાગની વાર્તાઓનાં કથક સ્ત્રી-પાત્ર છે. જે વાર્તાકાર તરીકે સુવર્ણા રાયની લાક્ષણિકતા ગણાવી શકાય. વળી, ‘આકાશેથી વૃક્ષ પર, વૃક્ષ પરથી પર્ણો પર’ વાર્તામાં લેખિકા વાર્તા અવતરણ પાછળના વિચારોની વાર્તાન્તે નોંધ કરી છે. જેમાં કલ્પના પરથી વાસ્તવ તરફની તેમની ગતિ જોઈ શકાય છે. બીજી એક વાર્તા ‘પ્રેમ એ વાર્તાનો વિષય છે, પ્રિય ઓર્મિટો’માં લેખિકા પોતાની સાથે બનેલી સત્ય ઘટનાને પાત્રોનાં નામ બદલી રજૂ કરે છે. ઘણી ખરી વાર્તાઓ લેખિકાના જીવન સાથે સીધો અનુબંધ ધરાવે છે. પોતે નથી કહી શક્યાં તે તેમની વાર્તાઓ થકી અભિવ્યક્ત થયું છે.

સંદર્ભ :

‘પોતાનું નામ’, સુવર્ણા રાય, પ્રથમ આવૃત્તિ ૨૦૦૫, રન્નાદે પ્રકાશન, અમદાવાદ.

ડૉ. વિજયરાજસિંહ જાડેજા
આસિસ્ટન્ટ પ્રોફેસર,
મહારાણી શ્રીનંદકુંવરબા મહિલા આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ,
નીલમબાગ ચોક, ભાવનગર.
મો. ૯૯૧૩૮ ૦૦૭૫૨
Email: jadejavijayrajsinh9707@gmail.com