ગુજરાતી નારીસંપદા : કવિતા/માણસ છે, ભાઈ!

માણસ છે, ભાઈ!

પ્રફુલ્લા વોરા

ઉભડક શ્વાસે હરતો-ફરતો, માણસ છે ભાઈ!
રેતીમાં પણ સપનાં ચણતો, માણસ છે ભાઈ!

દુનિયાનો રિવાજ ભલે ના સમજાયે પણ,
ચશ્માં ઊંધાં પહેરી ફરતો, માણસ છે ભાઈ!

સરવાળામાં શૂન્ય ઉમેરી બાદ કરે ને-
અવળું-સવળું ગણિત ગણતો, માણસ છે ભાઈ!

સૂરજને ઢાંકી દેવાને હાથ ધરે એ,
પાંપણ આડે પડદા કરતો, માણસ છે ભાઈ!

કોઈ ઉપર વિશ્વાસ કહો, એ ક્યાંથી મૂકે?
પોતાની છાયાથી ડરતો માણસ છે ભાઈ!

***