ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગદ્યકાવ્ય
ગદ્યકાવ્ય (Prose poem) : કથા, વૃત્ત, આખ્યાયિકા ઉપરાંત અનેક સાહિત્યસ્વરૂપો સમાવી શકાય એવો ગદ્યકાવ્યનો એક વ્યાપક અર્થ છે, એ અર્થમાં અહીં આ સંજ્ઞા નથી પ્રયોજાયેલી. આ સંજ્ઞા આધુનિક છે અને વિશિષ્ટ અર્થમાં વિશિષ્ટ કાવ્યપ્રકાર માટે જ પ્રયોજાયેલી છે. અછાંદસ અને ગદ્યકાવ્ય પર્યાય નથી. જો અછાંદસ છાંદસ સિવાયના લયવિશ્વને અંકે કરે છે, તો ગદ્યકાવ્ય ગદ્યપ્રણાલિઓની વધુ નજીક છે. અછાંદસની જેમ એમાં પંક્તિભેદ નથી. એ સતત વાક્યશ્રેણીઓમાં ગદ્યસ્વરૂપે છવાયેલી હોય છે છતાં એ ગદ્ય નથી. સાધારણ ગદ્યની અપેક્ષાએ એનું બાહ્યરૂપ વધુ લયયુક્ત, અલંકૃત અને સજ્જ છે તેમજ ઊર્મિકાવ્યની જેમ સ્વયંપર્યાપ્ત, ટૂંકું છે. આથી એમાં તાણ અને ઘનતા જળવાઈ રહે છે અને કાવ્યાત્મક ગદ્ય કે ટૂંકા ગદ્યખંડથી જુદું પડે છે. અલબત્ત, ઘણીવાર આ સંજ્ઞા બેજવાબદારીપૂર્વક બાઇબલથી માંડી ફોકનરની નવલકથા પર્યંત વિસ્તરી છે પરંતુ એને ગદ્યના સભાન કલાસ્વરૂપ માટે જ પ્રયોજવી ઘટે. પદ્યબંધ અંગેના અકાદમીઓના જડ નિયમોની સામે ફ્રાન્સમાં ઘણા કવિઓએ પોતાની વૈયક્તિક પ્રતિભા પ્રગટાવવા ગદ્યને પ્રયોજેલું; એમાં ૧૮૪૨માં બ્રેરતાં એલોયશસનાં ગદ્યકાવ્યો મળે છે પરંતુ બ્રેરતાં પાસેથી પ્રેરણા મેળવીને બોદલેરે પહેલવહેલી ગદ્યકાવ્યને પ્રતિષ્ઠા આપી અને એની સંજ્ઞા પણ આપી. બોદલેર આમ છતાં ગદ્યાળુતાને અતિક્રમી શક્યો નથી અને ક્યારેક ઘટનાગ્રસ્ત થયો છે. આ પછી રેંબોએ ઉત્તમ ગદ્યકાવ્યો આપ્યાં. ૧૯મી સદીના અંત સુધીમાં ગદ્યકાવ્ય સંપૂર્ણપણે પ્રસ્થાપિત થાય છે. ચં.ટો.