ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યંત્રવિજ્ઞાન


યંત્રવિજ્ઞાન(Technology) અને સાહિત્ય : યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ પ્રાચીનતમ કાળમાં પથ્થરની કુહાડીથી શરૂ કરીને આજે જલઊર્જા, બાષ્પઊર્જા વગેરે ઊર્જાસ્રોતો તેમજ સંકુલ અધુનાતન વીજાણુયંત્રો પરના એના સામર્થ્ય સુધી વિસ્તરેલો છે. એક બાજુ ભાષા અને સાહિત્યની એને સહાય મળી છે તો બીજી બાજુ ભાષા અને સાહિત્યને પણ એની સતત સહાય મળતી રહી છે. ભાષા સાથેનો એનો બે પ્રકારે સંબંધ છે. એક તો પ્રત્યાયનમાં એણે સહાય પહોંચાડી છે. પ્રાચીન ઈરાન, ઍસીરિયાની ફાચરલિપિમાં મૃત્તિકાતકતી અને બહુશલાકાનો ઉપયોગ, ગ્રન્થસંસ્કૃતિના પ્રારંભથી કલમ-શાહી ભુર્જપત્રનો ઉપયોગ, મુદ્રણ સંસ્કૃતિમાં ગતિશીલ મુદ્રણોનો ઉપયોગ, ત્યારબાદ ચાવીઓ, ઇન્કરિબન સહિતના ટાઈપરાઈટરોનો ઉપયોગ અને કી-બોર્ડ, સ્ક્રીન તેમજ અન્ય ઉપસાધનોથી શબ્દો પર પ્રક્રિયા કરતાં કમ્પ્યુટરોનો ઉપયોગ નોંધપાત્ર છે. બીજું, જુદાં જુદાં યંત્રો, ઓજારો, ઉપકરણો તેમજ એના દ્વારા થતી પ્રક્રિયાઓને અને એનાથી થતાં ઉત્પાદનો ઓળખાવવા સંખ્યાબંધ જે પરિભાષાઓ જોઈએ તે ભાષાએ પૂરી પાડી છે. સાથે સાથે એ પણ સાચું છે કે ભાષાસાહિત્યની કૃતિઓને સદીઓ સુધી વાંચી શકાય એ રીતે જાળવવાનું અને સમયના ગાળાઓમાં માહિતીનું સંપ્રેષણ કરવાનું યંત્રવિજ્ઞાનનાં ભૌતિક ઉપકરણો વગર અશક્ય હતું. યંત્રવિજ્ઞાને આ જ સુધી તો અનેક પ્રસારમાધ્યમો આપ્યાં છે. વર્તમાનપત્રોનું વર્ચસ અને ચલચિત્રનો પ્રભાવ અછતો નથી. ટી.વી. અને ચેનલોનું પ્રભુત્વ વર્તાઈ આવે તેવું છે. કમ્પ્યુટરો અનેક રીતે રોજિંદા જીવનમાં પ્રવેશી રહ્યાં છે. ભાષા અને સાહિત્ય પર આ વાતાવરણની અસર ન પડે એવું ભાગ્યે જ કહી શકાય. ટેલિગ્રામ અને ટેલિફોનને કારણે ભાષાનું સ્વરૂપ બદલાયું હતું, પરંતુ રેડિયોને કારણે રેડિયોરૂપકથી માંડી સંગીતરૂપકનું, ચલચિત્ર અને ટી.વી.ને કારણે પટકથા તેમજ ટી.વી.સ્ક્રિપ્ટનું, તો કમ્પ્યુટરને કારણે કમ્પ્યુટર કવિતાનું નવું સ્વરૂપ દાખલ થયું છે. મુદ્રણના યંત્રવિજ્ઞાનની ક્રાંતિએ તો ગ્રન્થનિર્માણનું રૂપ જ સદંતર બદલી નાખ્યું છે. સી.ડી. (રોમ) અને (રેમ)ની તાજેતરની શોધે માહિતીવિસ્ફોટને અત્યંત વેગ આપ્યો છે. પ્રસારમાધ્યમોમાંથી ઊભું થતું વાસ્તવ એ ખરેખરા વાસ્તવના મૂલ્યાંકનનો ગજ બન્યું છે. દૃશ્યમાધ્યમોની બોલબાલાએ સાહિત્યની સાથે સંકલિત અમૂર્તવિચારશક્તિને પાછી પાડી છે. ભદ્રસંસ્કૃતિ અને યંત્રવિજ્ઞાનથી પ્રેરિત સમૂહસંસ્કૃતિની સીમાઓ અલબત્ત, ભેળસેળ થવા માંડી છે. પરંતુ યંત્રવિજ્ઞાની વીજાણુક્રાંતિથી શરૂ થયેલું ત્વરિત વૈશ્વિક આદાનપ્રદાન ભવિષ્યના સાહિત્યનું જુદી રીતે ઘડતર કરશે, તો સામે પક્ષે સાહિત્યે જન્માવેલી વિજ્ઞાનકથાઓથી યંત્રવિજ્ઞાન પણ ઘડતર મેળવતું રહેશે એમાં શંકા નથી. ચં.ટો.