ચાંદનીના હંસ/૨૩ તને


તને

તું તો છે ત્યાં જ જ્યાં જ્યાં હતી.
વર્ષાનાં અગણિત ટીપાંઓમાં વરસતી,
છોળ છોળ ઊછળતી
મરીનડ્રાઈવની પાળીઓમાં પલળતી
અનન્ત આ આકાશની નીચે
સૂંઘું તને ઊડી આવતી મ્હેકમાં
સૂણૂં તને અણજાણ્યા પગરવની ઠેકમાં.
સ્પર્શું તને અંગેઅંગ ભીંજવીને સરી જતા પાણીમાં
તું તો છે ત્યાં જ જ્યાં જ્યાં હતી.
મારે મને શોધવો ક્યાં?!
તારી કીકીઓમાં વળ ખાઈ અમળાતા દરિયામાં
દૂર દૂર આઘે આઘે
ક્ષિતિજની પાર પેલે
દુનિયાની બ્હાર જાણે
એકલો અટુલો સાવ રસ્તોભૂલ્યો ભટકતો
આભ થકી ઊતરતી અણિયાળી કેડી પરે
આસપાસ પથરાતી ખાઈના ઊંડાણ જોતો
ક્યાંક તું જડે તો
મને મળવા આતુર, બધે શોધતો રહું છું.

માર્ચ, ૮૦