નર્મદ-દર્શન/નર્મદ-ગાંધીજી-બળવંતરાય!
‘બુદ્ધિપ્રકાશ’ના ડિસે. ૧૯૮૩ના અંકમાં ઉશનસ્નો એક સંતર્પક લેખ વાંચ્યો : ‘નર્મદ ગુર્જર સેનાની’, જેમાં તેમણે નર્મદ અને ગાંધીજીના સર્વદેશીય અને સર્વતોભદ્ર નેતૃત્વની સર્વાંગી અને સમગ્રલક્ષી સૂક્ષ્મ તુલના કરી છે. એ વાંચી ઉશનસ્ના વલસાડમાં જ, નર્મદની જન્મશતાબ્દી પ્રસંગે ગાંધીજીના ઉલ્લેખે બલવંતરાયે વણસાડેલા એક સમારંભની નોંધ તાજી થઈ. વલસાડના સાહિત્યમંડળના ઉપક્રમે ૧૯૩૩માં તા. ૨૪થી ૨૯ ઑગસ્ટ સુધી નર્મદની જન્મશતાબ્દીની ઉજવણી થઈ હતી. ૨૪-મીના પ્રારંભક સમારંભના પ્રમુખસ્થાને બલવંતરાય ઠાકોર હતા. અને તેના મુખ્ય વક્તા હતા વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી. તેમના વ્યાખ્યાનનો વિષય હતો ‘કવિ નર્મદાશંકરનું જીવનચરિત્ર અને તેની સાહિત્ય અને સમાજસેવા’. તેમણે કવિના જીવનના પ્રસંગોના અનુલક્ષમાં, તેમની કવિતા અને નિબંધોની ચર્ચા કરી, ‘કવિની મનુષ્યતા અને નર્મદતા’ વિશે નિરૂપણ કરી, તેમના કાર્યને દયાનંદ અને ગાંધીજીનાં કાર્ય સાથે સરખાવતાં એવું વિધાન કર્યું કે, ‘ધર્મક્ષેત્રમાં દયાનંદે જે કૃત્ય કર્યું અને રાજકીય ક્ષેત્રમાં જે કામ મહાત્મા ગાંધીજીએ કર્યું છે તે કામ સાહિત્યક્ષેત્રમાં કવિ નર્મદાશંકરે કર્યું છે.’ ઉપસંહારમાં પ્રમુખસ્થાનેથી બલવંતરાયે વક્તાના આ વિધાનની ટીકા કરતાં કહ્યું કે ‘સાહિત્યનું ક્ષેત્ર નિર્મળ છે. રાજકીય વિષય અંદર દાખલ કરી એ ક્ષેત્રને મલિન બનાવવું જોઈએ નહીં. મહાત્મા ગાંધીની અને કવિ નર્મદની સરખામણી થઈ શકે નહીં, કારણ કે બંનેનાં ક્ષેત્રો જુદાં છે અને એક ગુજરી ગયા છે અને બીજા હયાત છે. કવિ નર્મદાશંકરનું ગુજરાત મુંબઈથી ભરૂચ સુધીનું હતું.’ (‘ગુજરાતી’, તા. ૧૦ સપ્ટે. ૧૯૩૩માંનો હેવાલ) પરંતુ આટલું જ બોલી બલવંતરાય અટક્યા ન હતા. તેમણે ગાંધીજીની નિંદા કરતાં વેણ ઉચ્ચાર્યાં હતાં. એક શિક્ષકે તેમને ચિઠ્ઠી લખી ખુલાસો માગ્યો ત્યારે બે હજાર શ્રોતાઓ જુએ તે રીતે તે ચિઠ્ઠી ફાડી નાખી, ગર્જનાપૂર્વક કહ્યું : ‘ગાંધીજીએ શું ઉકાળ્યું? કવિ નર્મદ સાથે એની સરખામણી કદી થઈ નહીં શકે. એણે ગુજરાતનું ઘણું નુકશાન કર્યું, પાયમાલ કર્યું....’ આ વખતે મંચ પર બેઠેલા, વલસાડના સાહિત્યમંડળના પ્રમુખ પ્રહ્લાદજી ચંદ્રશંકર દીવાનજી ખુશ થઈને પોતાની લાકડી સ્ટેજ પર ઠોકી આનંદ દર્શાવવા લાગ્યા. આ પ્રકારના ઉચ્ચારણ અને વર્તનથી ગાંધીઘેલી પ્રજા ઉશ્કેરાઈ અને બલવંતરાયને બોલતા બંધ કર્યા. દીવાનજીએ ‘ગરબડ કરનારને પોલીસને સ્વાધીન કરવો પડશે’ એવી ધમકી પણ ઉચ્ચારી હતી. (તા. ૧૭ સપ્ટે. ૧૯૩૩ : ‘ગુજરાતી’ની એક નોંધને આધારે.) આ બનાવ વિશે સુરતના ‘પ્રતાપ’ અને ‘પ્રજાબંધુ’એ ભારે ઊહાપોહ કર્યો અને ‘ગુજરાતી’માં (૩–૯–૩૩) પણ તેનો પડઘો પડ્યો. તેના ‘સાહિત્ય સમરાંગણ’ના સ્તંભમાં ‘સેનાની’એ બલવંતરાયનો ઊધડો લીધો. તેમણે એક મહત્ત્વની વાત એ કહી કે ‘કવિ નર્મદે તૈયાર કરેલી ભૂમિકાના બળે, આજે ગાંધીજીના વિચારો અને આદર્શો ગુજરાત વધારે સહેલાઈથી ઝીલી શક્યું છે.’ ઉશનસે પણ આ જ સત્ય સ્વતંત્ર રીતે ઉચ્ચાર્યું છે. બલવંતરાય બચાવની સ્થિતિમાં આવી ગયા. તેમણે ‘ગુજરાતી’ના સંપાદકને પત્ર લખી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો પાંગળો પ્રયાસ કર્યો હતો (૧૦–૯–૩૩). તેમાં તેમણે બે હજાર જેટલા શ્રોતાઓ, અગાઉનો કંટાળાજનક લાંબો કાર્યક્રમ, ગરમીનો ઉકળાટ વગેરેને ગરબડનાં કારણોમાં ગણાવ્યાં હતાં. પોતાને તો બેસી જવું પડ્યું જ ન હતું, પોતે વિશેક મિનિટ તો બોલ્યા જ હતા એવો તેમણે દાવો કર્યો હતો. ગાંધીજી તો પોતાના સહાધ્યાયી મિત્ર હતા, તેમનાં બંનેનાં કુટુંબને ઘરોબો હતો, પોતે તેમને મોહનદાસ તરીકે જ સંબોધતા વગેરે અંગત નિકટના સંબંધથી રિપોર્ટર અજ્ઞાત હોઈ તેણે ભળતો રિપોર્ટ છાપાને મોકલ્યો હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી. વક્તા પાઠકજીએ નાયકને તેના સમયમાં નહિ, તેના અવસાનનાં વર્ષો પછી જ, તટસ્થ રીતે અવલોકી શકાય એ પોતે સ્વીકારેલા ધેારણથી વિરુદ્ધ નર્મદની સરખામણી ગાંધીજી સાથે કરી તેમાં અનૌચિત્ય હતું એમ જણાવી પોતાના કથનનો મર્મ દર્શાવતાં તેમણે લખ્યું હતું : ‘...મારા મિત્ર મોહનભાઈ ગાંધી તો અદ્યતન, વળી રાજકારણની અતિ ઉગ્ર પક્ષાપક્ષીના કેન્દ્ર. એમની સાથે કવિની સરખામણી કરવામાં વક્તાએ પોતે જ સ્વીકૃત ધોરણને તજ્યું, એટલું જ નહીં, પણ સાહિત્ય વિદ્યાશાસ્ત્ર આદિની ચર્ચામાં રાજપુરુષ, રાજપ્રકરણ અને રાજપ્રકરણી રસાકસી અને ડહોળાં પાણીથી જેમ દૂર રહેવાય તેમ સારૂં, એ સીધી વાત પણ એઓ ભૂલ્યા.’ બલવંતરાય એ ભૂલી ગયા કે નર્મદ પણ રાજપ્રકરણી પુરુષ હતો. તેઓ એ પણ ભૂલી ગયા કે ગાંધીજી કેવળ રાજપ્રકરણી પુરુષ ન હતા. નર્મદે જે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું તે સર્વ ક્ષેત્રમાં તેઓ ક્રિયાશીલ લોકસંગ્રાહક હતા. સમાજ, ભાષા, સાહિત્ય જેવા વિષયોમાં પણ ગાંધીજીનું પ્રદાન ઓછું મૂલ્યવાન ન હતું. બલવંતરાય નર્મદને કેવળ કવિ-સર્જક ગણે છે અને ગાંધીજીને કેવળ ચળવળિયા લેખે છે. તેમાંથી તેમનો ઉકળાટ જન્મ્યો હતો અને તેઓ ગાંધીનિંદાનો બીભત્સ દેખાવ કરી બેઠા હતા. તેનો બચાવ ઉપરના ખુલાસાથી તો નથી જ થતો. નર્મદથી ગાંધી એ તો એક સતત ચાલેલી ઉત્થાન-પ્રક્રિયા છે. તેને કોઈ બલવંતરાય ઓઝલ નહિ કરી શકે.
૯–૧–૮૪