નારીસંપદાઃ વિવેચન/રસપ્રદ અને વિચારોત્તેજક આત્મકથાઃ મુક્તિવૃત્તાંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫

રસપ્રદ અને વિચારોત્તેજક આત્મકથા : મુક્તિવૃત્તાંત
બિન્દુ ભટ્ટ

આત્મકથા એ સત્યને ઝંખતું સાહિત્ય સ્વરૂપ છે. એમાં લેખક પોતે જ કથક બનીને, પોતાના જીવનનું આલેખન કરે છે. આ માટે એની પાસે મુખ્ય સ્રોત પોતાની અને પોતાની સાથે સંકળાયેલાઓની સ્મૃતિઓ હોય છે. આપણે જાણીએ છીએ કે માણસ સ્મૃતિ બાબતે મહદ્અંશે સિલેક્ટિવ હોય છે. લખતી વેળા આત્મકથાકાર પોતાની મનોભૂમિમાં, જે-તે સમયની સ્મૃતિઓને પુનર્જીવિત કરે છે. એ પ્રક્રિયામાં મૂળનાં રંગો ઊપટી જાય છે તો ક્યારેક ઘેરા બનીને પણ ઊપસી આવે છે. આમ, સત્યને વરેલા આ સાહિત્યસ્વરૂપમાં લેખકની કલ્પના અને અર્થઘટનની આગવી છતાં સૂક્ષ્મ ભૂમિકાને પણ સ્વીકારવી રહી. વળી અહીં અતીત અને વર્તમાન વચ્ચેનું દ્વંદ્વ પણ સ્વાભાવિક રીતે જ રચાતું હોય છે. બાળપણનું વર્ણન કરતો આત્મકથાકાર ઊભો તો છે વર્તમાનમાં. એની આજની ચેતનાની ભેળસેળ વગરનો શુદ્ધ ભૂતકાળ કેટલી હદે સંભવે? અને જો એમ ન હોય તો એમાં આજનો આત્મકથાકાર ક્યાં? આમ આત્મકથાકારના નસીબે સત્યની વાટે, જતાં અને વળતાં બંને વખત વહેરાવાનું જ આવે. અપેક્ષા તો એવી હોય છે કે આત્મકથાકાર પોતાના જીવન અને સમયને પૂરી પ્રામાણિકતા અને પોતીકી મુદ્રા સાથે પોતાના 'હું'ને આગળ થવા દીધા વિના એવી રીતે મૂકે કે એ અનન્ય બની રહે. પરંતુ આત્મકથા અનન્ય હોય એટલું પૂરતું નથી. લેખક પોતાના અંગત અનુભવોને વ્યક્ત કરીને એની સાર્થકતાની સાથોસાથ સર્વસામાન્ય એવું માનવીય પરિમાણ પણ શોધવા ઇચ્છે છે. હું અને અન્યનું આ તાણ આત્મકથાનું ચાલક બળ છે. અહીં વ્યક્તિગત અનુભવનું વર્ણન માત્ર નથી, વર્તમાનના દૃષ્ટિબિન્દુના આધારે અતીતના પ્રસંગોની પુનર્રચના પણ થતી રહે છે અને એમાં એક પ્રકારની ભાત હોય છે. અંગત અનુભવની પ્રગાઢતા જ્યારે ભાષામાં રૂપાંતરિત થાય છે ત્યારે ઘટનાઓની પસંદગી, પુનર્ગઠન, વ્યાખ્યા અને મૂલ્યાંકન જેવી પ્રક્રિયા દ્વારા આત્મકથાનો ઘાટ ઘડાય છે.

લગભગ પાંચેક વર્ષ પહેલાં મુંબઈ મુકામે, સાહિત્ય અકાદેમીના એક પરિસંવાદમાં ‘ગુજરાતી લેખિકાઓની આત્મકથા' વિશે વાત કરતા મેં આશા વ્યક્ત કરેલી કે આવનારાં વર્ષોમાં હિમાંશી શેલતના હસ્તે ગુજરાતી લેખિકાની જૅન્યૂઈન આત્મકથા અવતરવી જોઈએ! જાન્યુઆરી ૨૦૧૬માં મારી એ આશા 'મુક્તિ-વૃત્તાંત' રૂપે મૂર્ત થાય છે એનો આનંદ છે. એક નિર્ભીક-નિખાલસ, કલાત્મક સભાનતા સાથેનો મર્મસ્પર્શી અને સંયમી સ્વર સંભળાય છે અહીં. હિમાંશીના આરંભિક કથાસાહિત્યની આગવી વિશેષતા-સાંકેતિકતા અને લાઘવનો પણ અહીં સઘન અનુભવ થાય છે. જૂની ગુજરાતીમાં આવતાં એવાં વૃત્તાંતનું શીર્ષક ધરાવતી આ આત્મકથામાં લેખિકાના વીતેલા સમયનો અણસાર મળે છે. મુક્તિ એટલે લેખિકા પોતે. હિમાંશીનું નહીં જાણીતું એવું એક નામ મુક્તિ. એ અર્થમાં આજ સુધી કંઈક અપ્રગટ એવાં આ લેખિકાની મુક્તિનો બીજો અર્થ એટલે વ્યક્તિને જીવનનાં એક એવા પડાવે એવું લાગે કે જે કંઈ જોયું, જાણ્યું, જીવ્યું, જોગવ્યું અને જેના કારણે જે કંઈ વલણો અને વળગણો, આગ્રહો અને પૂર્વગ્રહો બંધાયાં એ તમામ બંધનોમાંથી મુક્તિ! નરવું, નિખાલસ, મુક્ત, હળવુંફૂલ એવું પોતાનું 'હોવું' અંકે કરવાની ઝંખના વ્યક્ત કરતું શીર્ષક, એટલે કે બંને પ્રકારની મુક્તિનું વૃત્તાંત! જીવનના સાતમા દાયકાના આરે ઊભેલાં હિમાંશી આત્મકથાનો નાટ્યાત્મક રીતે આરંભ કરે છે. ટીવી ન્યૂઝમાં ફૅશન મોડેલની આત્મહત્યાના સમાચાર જોતી મુક્તિને વિચાર આવે કે “એને જો અલ્ઝાઈમર્સ થયો હોત તો આમ મોતને વળગી ન પડત.” (પૃ. ૧) અને લાગલું અલ્ઝાઈમર્સ થાય તો શું? એવું વિચારતી એ બોલી પડેઃ “જીવેલું આખેઆખું ભુલાઈ જાય. પહાડની ધાર પરથી સીધાં ઊંડી ખીણમાં.” (પૃ. ૨) સાટોરીની જેમ એની ભીતર ઝબકાર થાય, “મારે આત્મવૃત્તાંત લખવું છે.” નૅરેટર (અધર સૅલ્ફ) નવાઈ પામતાં પૂછી બેસે છે : “યૂ મીન આત્મકથા?" (પૃ. ૨) મુક્તિ જવાબમાં આત્મકથાના નૅરેટર એટલે કે હિમાંશીને ખુલાસો આપતાં કહે છે : “...છેલ્લું છેલ્લું જોઈ લેવું છે કે કેટલા પ્રામાણિક થઈ શકાય છે, અને કેટલા નિખાલસ! આ પણ એક પ્રકારનો બારડાન્સ. બધાં જોતાં હોય ત્યારે અજવાળામાં ખુલ્લાં થઈ ઊભા રહેવાની તાકાત કેવીક છે, જોઈએ તો ખરાં! મુક્તિ જેવી છે તેવી, ઢોળ ચડાવ્યા વિનાની અને રંધો ફેરવ્યા વગરની. બસ, એની જોડે આંખ મેળવવાની ઈચ્છા છે.” (પૃ. ૨) પણ, નૅરેટર આ જવાબ નહીં સ્વીકારીને, મુક્તિની આ ઇચ્છાને અતીતમોહ, લખવાના અભરખા કે જાતને સ્થાપવાના ધખારા ગણાવે છે. મુક્તિ પોતાના પ્રયોજનને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે “મારે મારા સંબંધોની સચ્ચાઈને ચકાસવી છે. અને કામની નક્કરતાને પણ.” (પૃ. ૨) અહીં મને સહજ જ તુલસીદાસ યાદ આવ્યા. એમણે 'રામચરિતમાનસ'ના આરંભે સગુણ ભક્તિની સ્થાપના કરતાં પહેલાં નિર્ગુણ ભક્તો કેવા-કેવા પ્રશ્નો કરી શકે એની શક્યતા વિચારીને આગોતરા જવાબો આપ્યા હતા. હિમાંશી પણ એવાં સભાન રચનાકાર છે. વળી, આમ પણ આપણે ત્યાં કોઈપણ સ્ત્રીની રચનામાં અંગત સંદર્ભો સૂંઘવાની બિનસાહિત્યિક ચેષ્ટાઓ થતી રહે છે ત્યારે કોઈ સ્ત્રીનું આત્મકથા લખવાનું સાહસ એ જેવો-તેવો પડકાર નથી! હિન્દીના લેખિકા પ્રભા ખેતાન પોતાની આત્મકથા ‘અન્યા સે અનન્યા’(૨૦૦૭)માં સ્ત્રીના આત્મકથા લેખન માટે કહે છે. “વૈસે આત્મકથા લિખના તો સ્ટ્રીપટીઝ કા નાચ હૈ” (અન્યા સે અનન્યા, પૃ. ૨૫૫) લેખિકાની ઝંખના છે કે એની વાતને એ જ અર્થમાં લેવામાં આવે, જે અર્થ એને પોતાને અભિપ્રેત છે. આત્મકથાની નાયિકા અને આત્મકથાકારને જુદા પાડવાની પ્રયુક્તિરૂપે અહીં મુક્તિ અને મુક્તિની અધરસૅલ્ફ એવી લેખિકાની ઉપસ્થિતિ છે. અહીં નાયિકાનું જીવન બે દૃષ્ટિકોણ દ્વારા રજૂ થાય છે. મુક્તિએ કહેલી અંગત વાતમાં લેખિકાની સંડોવણી થતાં વાત કંઈક તાટસ્થ્ય ધારણ કરે. આમ, નાયિકા મુક્તિની અંગત આત્મીયતા અને નૅરેટર હિમાંશીના વિવેચનાત્મક તાટસ્થ્યની જુગલબંદી આત્મકથાને મર્મસ્પર્શી કલાકૃતિ બનાવે છે. મુક્તિના જીવનના માર્મિક, અત્યંત સંવેદનશીલ અને ક્યારેક તો હચમચાવી દે એવા આઘાતજનક અને હૃદયદ્રાવક પ્રસંગોમાં વાચક દ્રવી ઊઠે, પણ લાગણીવેડામાં વહી ન જાય તેની તકેદારી લેખિકા રાખતાં રહ્યાં છે. આત્મકથામાં મુક્તિ ઘટનાઓ કરતાં એમાં સંડોવાયેલાં/સંકળાયેલાં પાત્રોને કેન્દ્રમાં રાખીને વાત માંડે છે. કુળ-કુટુંબના નિરૂપણમાં એ પોતાની સ્મૃતિઓ પર વધારે મદાર રાખે છે. અહીં પસંદગીમાં સહજપણે જ મુક્તિનો હાથ ઉપર રહેવાનો. મુક્તિના જીવનમાં કોઈ ને કોઈ ભૂમિકા રહી છે એવાં મહત્ત્વપૂર્ણ ચરિત્રો જેમ-જેમ એના જીવનમાં આવતાં ગયાં તેમ-તેમ આત્મકથાનું પોત વણાતું ગયું. આઝાદીના વર્ષ, ૧૯૪૭મા જન્મેલી દીકરીનું સ્વાગત 'મુક્તિ' નામકરણથી થાય છે. આગળ ઉપર રાશિનામ મળે હિમાંશી. લેખિકાના પરિવાર સિવાય ભાગ્યે જ આ હુલામણા નામની કોઈને ખબર હશે. આમેય આત્મકથામાં કહ્યા પ્રમાણે લેખિકાના આત્મીય મિત્રો બહુ ઓછા. સ્વભાવ, જીવનદૃષ્ટિ અને મળેલી પરિસ્થિતિના કારણે જીવનમાં લોકોની સતત બાદબાકી થતી રહી. અલબત્ત, પ્રિય પ્રાણીઓનો સરવાળો ઘણો મોટો. પોતાની શરતે ચાહનારા વ્યક્તિઓને પ્રાણીઓનો નિરપેક્ષ પ્રેમ વધારે આકર્ષી શકતો હશે કદાચ! આજે પણ પોતાને અત્યંત પ્રિય એવી જીવનભારતી શાળાનું નામ આવતાં જેના બત્રીસ કોઠે દીવા ઝળહળી ઊઠે છે એવી મુક્તિને સૌથી પહેલાં યાદ આવે છે ભણવા વિશેનો પોતાનો અનુત્સાહ. લગભગ નફરતની કક્ષાએ રહેલી અરુચિ જોઈને વિશ્વાસ ના બેસે કે આ એ જ બાળકી છે, જે ભવિષ્યમાં અંગ્રેજીની અધ્યાપિકા બનશે! ગણિતના એકડાને તો એણે ચકલી બનાવી ઉડાડી જ દીધા! એને ગણિત ન આવડવાનો અફસોસ પણ નથી. જોકે રચનાના અંતે પ્રતીતિ થાય છે કે સારું થયું કે એને ગણિત ન આવડ્યું, નહીંતર આવું નિર્દ્વંદ્વ નરવું–ગરવું વ્યક્તિત્વ આપણને ન મળ્યું હોત! જીવનભારતી શાળામાં સંગીત, ચિત્ર, અભિનય માટે રુચિ જાગી. 'વહુનાં લક્ષણ બારણામાં' કહેવત અનુસાર એ પણ પ્રમાણ મળી જાય છે કે કોઈ વાતે મુક્તિની 'ના'ની 'હા' થવી સંભવ નથી. બીજી બાજુ, કોઈ જ ગણતરી વગર જેના પર એ ઓળઘોળ થઈ જાય છે એના માટે એ કોઈની પરવા કરતી નથી. માટે જ મહેતાસાહેબ માટે એ લખી શકે છે : 'સાહેબ મેરા એક હૈ!' પોતાનાથી મોટી વયના અને કોઈના પતિ, પિતા એવા, ઍમ.ટી.બી. કોલેજના આચાર્ય શ્રી કુંજવિહારી મહેતા માટેનું અનન્ય બૌદ્ધિક આકર્ષણ અને નિર્દન્દ્ર સમર્પણ જે સાહસ અને સ્પષ્ટતા સાથે નિરૂપાયું છે, એના કારણે આ આત્મકથાની નાયિકા જીવતી-જાગતી સ્ત્રીરૂપે અનુભવાય છે. પણ, એક વાત નોંધવી જોઈએ કે હિમાંશીની વાર્તા-નાયિકા આવા સંબંધના સંદર્ભે જે મનોસંઘર્ષમાંથી પસાર થાય છે એ સંઘર્ષ અહીં લગભગ ગેરહાજર છે. સામાન્ય રીતે દરેક માણસ માટે પોતાનું બાળપણ સ્મૃતિઓનો અદ્ભુત ખજાનો હોય છે. એમાં વહી જવાની સંભાવના પણ ઘણી વધારે હોય છે. અહીં નૅરેટર મુક્તિને આજ તર્કથી રોકે છે. વળી, ઉમેરે છે કે એમાં ખાસ ઉતાર-ચઢાવ નથી. ‘પ્રતાપ’ સમાચારપત્રના તંત્રી એવા દાદાજીની નિશ્રામાં, સંયુક્ત પરિવારમાં વીતેલા બાળપણમાંથી લેખિકા એવા જ પ્રસંગો પસંદ કરે છે, જેમાં ભવિષ્યની હિમાંશીના સગડ મળે. સુરત બહારના વિસ્તાર અઠવા ગામની ગજ્જરવાડીની ઓરડીમાં રહેતી ભાણીબાઈને અર્ધી રાતે ઝૂડતો દારૂડિયો પતિ, કે પછી ઘોડાગાડીમાં જોતરાવાનો વિરોધ કરતા ઘોડાને ફટકારતો ભૈયો, બાળકી મુક્તિને નામ પાડ્યા વિના જ શોષક અને શોષિત એવા બે ભાગમાં વહેંચાયેલા સંસારની ક્રૂરતાનો સાક્ષાત્કાર કરાવે છે. અઠવા લાઈન્સમાં મકાનમાલિકના બંગલામાં ઉજવાતા કૃષ્ણ કે રામજન્મ, નવરાત્રી, ગણેશોત્સવ જેવા તહેવારોમાં મૂર્તિઓને થતા શણગાર, ધરાવાતા નૈવેદ્ય, ભરાતા અન્નકૂટ, આરતી-ધૂપ વગેરેની સ્મૃતિ મુક્તિની સૌન્દર્યચેતનાને આજે પણ સંકોરે છે. પોતાના ઘરપરિવારની વાત માંડતાં મુક્તિ પોતાના કુટુંબનાં પુરુષો અને સ્ત્રીઓમાંથી કેટલાંક વિશિષ્ટ પાત્રો પસંદ કરે છે. સર્વ પ્રથમ તો, મુક્તિને હિમાંશી બનાવવામાં જેમનો બહુ મોટો ફાળો છે તે દાદાજી કાલિદાસ શેલત. ઉમરેઠમાં ધીરધારનો ધંધો કરતા ખેડાવાળ બ્રાહ્મણ કૃપાશંકરના પુત્ર કાલિદાસ. એક એવો સાહસી પત્રકાર, જે વડોદરા, મુંબઈ અને રાણપુર થઈ સુરતમાં સ્થાયી થઈને પોતાનું છાપું નામે 'પ્રતાપ' કાઢે. બાળપણથી મુક્તિને વાચન- લેખન, સાહિત્ય, કળા અને શિક્ષણનો જે પરિવેશ મળ્યો એ આ દાદાજીને કારણે. આઠ-નવ વર્ષની વયે મુક્તિ પોતાના ઘરના નાનકડા વિસ્તારને આવરી લેતું, 'ગુલાબ' નામે ચાર પાનાનું હસ્તલિખિત છાપું કાઢે એમાં આશ્ચર્ય શું? બાહોશ દાદાજીના પ્રભામંડળમાં રહેલી મુક્તિને પિતા ઈન્દુભાઈ માટે મોટાભાગે ફરિયાદ જ રહી. એકાદ પ્રસંગમાં પિતા સાથે પોતે ઉદ્ધતાઈ કર્યાનો એકરાર પણ કરે છે. (પૃ. ૫૮-૫૯) મુક્તિને એમ પણ લાગતું કે પિતાના કારણે માને શોષાવું પડ્યું છે. સંસાર-વ્યવહારના ગણિતમાં કાયમ કાચા સાબિત થતા પિતાને મુક્તિ આજે કદાચ સાચી રીતે સમજી શકી છે. મુક્તિને યાદ આવે છે એ પ્રસંગ, જ્યારે બાળપણમાં એક વખત એ પિતા સાથે રેલવે સ્ટેશન ગયેલી. રાત્રે સ્ટેશન પર ઘસઘસાટ ઊંઘતા ઘરવિહોણાં ત્રણેક નાનાં છોકરાંઓની અધખુલ્લી હથેળીઓમાં સિક્કો મૂકતા ભાઈ એટલે કે પિતાની સંવેદનશીલતા અને સામાજિક નિસ્બતનો વારસો આજે ગૌરવભેર સ્વીકારતી હિમાંશીની કલમે પિતાનું ચરિત્ર અત્યંત મર્મસ્પર્શી બની આવ્યું છે. સમાજના વગદાર મોભી ગણાતા તથા રાજનીતિ, કળા, સાહિત્ય અને શિક્ષણજગતનાં મોટા માણસો જોડે ઘરોબો ધરાવતા, પણ ક્યાંય મોટાઈનો દેખાડો ન કરનારા, મૂલ્યનિષ્ઠ પત્રકારત્વને વરેલા દાદાજીથી અત્યંત પ્રભાવિત મુક્તિ આજે પણ માને છે કે મહેતાસાહેબ માટેના પોતાના ભાવને સૌથી પહેલાં દાદાજી જ સમજી શકેલા! મૃત્યુ પહેલાં તેમણે મહેતાસાહેબને કહેલું, “આ ઇન્દુ બહુ ભલો ને સરળ છે, એને લોકો બનાવી જશે એટલે એને જાળવજો અને આ છોકરી તમને બહુ માને છે, એને તમારા માટે ખૂબ ભાવ છે, એનું ધ્યાન રાખજો.” (પૃ. ૨૩) પોતાના જીવનમાં જેમનું અનન્ય સ્થાન છે એવા મહેતાસાહેબને મુક્તિ કંઈક મોડા યાદ કરે છે. આરંભે અવઢવ પણ રહી હશે. વાતની શરૂઆત કરતાં પહેલાં એ ‘જોગર્સ પાર્ક' ફિલ્મનો સંદર્ભ લાવી નૅરેટર અને મુક્તિની ચર્ચા દ્વારા વાચક માટે અને પોતાને માટે પણ એક ભૂમિકા રચે છે. મહેતાસાહેબ દાદાજીની બૌદ્ધિક બેઠકોના નિયમિત સભ્ય. પારિવારિક મિત્ર. મુક્તિના શબ્દોમાં "મારા માટે અને મારા આખાયે પરિવાર માટે એ પરમ સખા કૃષ્ણ, જે ક્ષણે એમની આવશ્યકતા હોય ત્યારે એ ભીડભંજક બની અડીખમ ઊભા રહેતા.” (પૃ. ૧૧૭) એક પરિણીત મોટી વયના બૌદ્ધિક પુરુષ સાથેના પ્રેમ સંબંધ વિશે સમાજના ત્રાજવા-કાટલાંને નકારીને મુક્તિ પ્રેમ અંગેનું પોતીકું દર્શન રજૂ કરે છે: “જવાબદારીના ભાન સાથે, અને પરિવારને વિશ્વાસમાં લઈને બે વ્યક્તિ પરસ્પર સ્નેહ રાખે, એકમેકને સમજે, સમાજની બેહાલી ખંખેરવા થોડાં સારાં સપનાં સાચવે, અને એને નક્કર રૂપ આપવાં મથે, એમના થકી થોડાં સારાં કામો થાય, અને એ કામો માટેની ઊર્જા પણ એમને પોતાના મજબૂત સમ્બન્ધમાંથી જ મળે, તો એમાં ટીકાપાત્ર કશું જ ન હોય. આ જડ અને સંવેદનહીન, સ્વાર્થમાં રમમાણ લોકાચાર વચ્ચે, એકાદો રમણીય અને સુવાસિત સમ્બન્ધ પાંગરે તો એની હરખભેર નોંધ લેવાવી જોઈએ. પંચાતિયાઓને આમ કરવું ન ફાવે તો એમની સર્વ વ્યૂહરચનાઓ એમને મુબારક.” (પૃ. ૧૧૮) આવી સ્વસ્થતા આંખ માથા પર, સલામ આ નીડરતાને! પણ સમજાતું નથી કે તો પછી લેખિકા બે-બે વખત દાદાજીનો હવાલો આપી (પૃ. ૨૩, ૧૨૦) પોતાના આ સંબંધને કયું પ્રમાણપત્ર અપાવવા માંગે છે? એક સ્વતંત્ર બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે તમે આગવો નિર્ણય લીધો. એનું મૂલ્ય પણ ચૂકવ્યું, એથી સરેરાશ માણસ માટે કડવા થવાનો શો અર્થ? ક્યાંક લાગે કે લેખિકાનો માણસ માટેનો સમભાવ જોખમાય છે. જે પ્રેમે આટલી સભરતા આપી હોય એમાં આવી કડવાશને ક્યાં સ્થાન? પોતાના કુળની સ્ત્રીઓમાં મુક્તિ અનેક પ્રકારના સંઘર્ષમાં ટકી જવાનો કસબ જાણતી વડનાની અને નાની, અમ્બાફોઈ, પરદાદી, દાદી અને માને યાદ કરે છે : “જીવી લેવાની, જીવી જવાની, આ સ્ત્રીઓની કાબેલિયત યાદ કરવાના આ દિવસો છે.” (પૃ. ૩૬) એમાં એ સુંદર, સુશીલ અને અભિજાત એવી મા માટે આકર્ષણ તથા વિશેષ ભાવ-અહોભાવ અનુભવતી દેખાય છે. મા સુધાબહેન સાથે એ અત્યંત અંતરંગતા અનુભવે છે. મા એની દોસ્ત છે. વિવાહ નહીં કરવાનો નિશ્ચય હો કે પછી મહેતાસાહેબ સાથેનો પ્રેમસંબંધ હોય કે પછી નીલમણિ સાથે લગ્નનો નિર્ણય હોય– બા હંમેશાં મુક્તિની પડખે ઊભી રહી છે. બાએ દીકરીને 'સંપૂર્ણ મુક્તિ અને આત્મનિર્ભરતાની પરિકલ્પના' રૂપી અદ્ભુત ભેટ આપી છે. (પૃ. ૫૨) મુક્તિ નસીબદાર છે. ‘બાઈ રે તારા ભાગ્ય મહા બળવાન' કે આઝાદ ભારતના પ્રભાતમાં જન્મી. બાળપણમાં મુક્તિને ઘેર ભણવાની સગવડ મળે કે વયસ્ક થતાં લગ્ન ન કરવાનો નિર્ણય ખાસ વાંધા-વિરોધ વિના સ્વીકારાઈ જાય કે પછી મહેતાસાહેબ સાથેના આત્મીય સંબંધથી ન મુક્તિના ઘરમાં વમળ ઊઠે, ન મહેતા સાહેબના સંસારમાં ઉથલપાથલ થાય કે પછી ન સ્વયં મુક્તિના મનમાં 'ટુ બી ઑર નૉટ ટુ બી' જેવા પ્રશ્નો ઊઠે! ક્ષણેક આપણે માની લઈએ કે - આ બધું થયું પણ હશે, પરંતુ વાચકને માત્ર નીતર્યા જળનું દર્શન પ્રતીતિકર નથી લાગતું. ધસમસતાં પૂરને ખાળવાની મથામણનું બયાન, નાયિકાના મનોસંઘર્ષનો ચિતાર રજૂ થયો હોત તો વિશ્વસનીયતામાં વધારો થયો હોત. માત્ર 'ઈથાકા' જ નહીં, 'ઈથાકા’ સુધી પહોંચવાની યાત્રાનું પણ આગવું મહત્ત્વ હોય છે. મુક્તિએ ઉમળકાથી શાળાજીવનને યાદ કર્યું છે, પરંતુ કૉલેજમાં અભ્યાસના દિવસોની વાત લગભગ નથી કરી. એક પ્રૌઢ અધ્યાપક કે.સી. મહેતા અને એની પ્રતિભાશાળી વિદ્યાર્થિની મુક્તિ વચ્ચેની તરંગલંબાઈ કઈ હતી, જેણે એ બંનેને જોડ્યાં એનાં કોઈ સંકેત વાચકને મળતાં નથી. હા, જ્યાં ભણી એ જ કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક થયા પછી મુક્તિને પોતાના પ્રેમસંબંધ અંગે માનસિક સંઘર્ષ પણ વેઠવો પડયો છે. મહેતાસાહેબની સામાજિક છબિને ખરડવા ઇચ્છતા લોકોએ મુક્તિ અને અન્ય સ્ત્રીઓ સાથેના એમના સંબંધોને બદનામ કરવાનો પ્રયત્ન કરેલો. એ સમયે હચમચી ઊઠેલી મુક્તિએ પોતાની રીતે સ્થિરતા મેળવી લીધેલી. પરંતુ એ વખતે બંને પરિવારની પ્રતિક્રિયા અંગે મુક્તિ લગભગ મૌન છે. નૅરેટરે એ અંગે ખણખોદ કરી છે, પણ મુક્તિએ માત્ર ઈશારો કરીને વાતને વાળી લીધી છે. (પૃ. ૧૨૦-૧૨૧) કૉલેજની ઇતર પ્રવૃત્તિઓએ મુક્તિને સામાજિક સેવાનો માર્ગ ચીંધ્યો. મહેતાસાહેબ અહીં પણ એના રાહબર બન્યા. શિશુસહાય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પછી તો પીડિત સ્ત્રીઓ, સૅક્સવર્કર સ્ત્રીઓની સહાયતા સુધી વિસ્તરી. અધ્યાપક તરીકે મુક્તિ એક પૂર્ણ કદની બુદ્ધિજીવી વ્યક્તિરૂપે વાચક સમક્ષ ઊપસે છે. સમાજ, રાજનીતિ અને શિક્ષણના પ્રવાહો વિશેની એની સજગતા સમય આવ્યે સક્રિય રૂપ પણ લેતી રહી. અધ્યાપકોની હડતાલ હોય કે કટોકટી, નવનિર્માણ કે અનામત આંદોલન, સુરતમાં પ્લેગનો ઉપદ્રવ કે પૂર, કોમી રમખાણો કે પ્રાણીઓ પર થતા અત્યાચાર, મુક્તિની જીવન માટેની નિસ્બત ઝાંખી નથી થતી (પૃ. ૬૪-૭૩), બલ્કે વર્ષો વીતતાં વધુ તીવ્ર બને છે. શિક્ષણ, અધ્યાપન, અધ્યયનની અવદશા જોઈ મુક્તિએ નિર્ણય લીધેલો કે પચાસ વર્ષે નિવૃત્તિ લઈ લેવી. શિક્ષણ પ્રત્યે અધ્યાપક અને વિદ્યાર્થીની ઉદાસીનતા અંગે બળાપો વ્યક્ત કરતી વખતે મુક્તિ જાતને પણ બક્ષતી નથી. ભણતી હતી ત્યારથી મુક્તિને વાર્તાનું આકર્ષણ. કૅથેરીન મૅન્સફિલ્ડને ગુરુ માને. પહેલી કૃતિ 'નવનીત'માં છપાયેલી એનો રોમાંચ લેખિકા મા અને વાચક સાથે વહેંચે છે, પણ પછીથી સફળ-સમર્થ વાર્તાકાર તરીકેની મળેલી ખ્યાતિ વિશે એ સદંતર મૌન છે. આવો અને આટલો આત્મસંયમ? દુર્લભ! તડજોડ, વાટકીવ્યવહાર અને સમાધાનોથી પોતાની નિસબત અને નિષ્ઠાને ખરડાવા ન દેતી મુક્તિને સાહિત્યકારણ અને સાહિત્યિક સંસ્થાઓથી છેટા રહેવાનું યોગ્ય લાગ્યું. વાર્તાકાર મુક્તિમાં રહેલો વિવેચક સદા સતેજ અને નિર્મમ. માટે જ તો એ કહી શકે કે “બે પુસ્તકો અંગે એવુંયે બન્યું કે એના વિષયવસ્તુનું જેટલું પ્રબળ ખેંચાણ હતું એના પ્રમાણમાં એની અભિવ્યક્તિ સહેજ નબળી રહી જવા પામી.” (પૃ. ૯૬) કાચી વયે ઉમરેઠના બાપીકા ઘરમાં કોઈ વડીલની ડાયરીમાં દેહસંબંધ વિષે પત્નીની અનિચ્છા તથા અણગમો અને પરિણામે દાંપત્યજીવનની વિષમતા વાંચી કોઈ આનુવંશિકતાથી પ્રેરાઈ મુક્તિ લગ્ન નહીં કરવાનો નિર્ણય લે. એ કહે પણ છે કે, “દરેક સ્ત્રીમાં એક લાક્ષણિક માદા-ફીમેલ હાજર હોય છે, અને એ સારા પ્રમાણમાં સક્રિય સુધ્ધાં રહે છે. મારામાં એ કંઈક ઓછી સક્રિય અને વધારે સુષુપ્ત રહી. છેક અશરીરી નહીં, તોયે ઘણો ઓછો શરીરી, થોડો વાયવ્ય અને માનસિક પ્રેમ મને અદ્ભુત ભાસ્યો.” (પૃ. ૩૯) પ્રેમ, લગ્ન અને સંતતિ અંગેની મુક્તિની આ સ્પષ્ટતાઓમાંથી એનું માનસિક વલણ પ્રગટ થાય છે. પણ, આ ખુલાસાઓનું લંબાણ જોતાં ક્યાંક શંકા પણ જાય કે આ પોતાના પ્રેમને પ્લેટોનિક લવ ઠરાવવાની કોશિશ તો નથીને? વળી, પોતાનાં પાળેલાં પ્રાણીઓની અસહ્ય પ્રસવપીડા જોઈને એ માતૃત્વથી ભયભીત થતી. જોકે અભાવગ્રસ્ત બાળકો કે પ્રાણીઓ કે વૃક્ષો માટેનું મુક્તિનું વ્હાલ અને ખેવના જોઈને વાચકને મુક્તિમાં એક એવા શાશ્વત માતૃત્વનો અનુભવ થાય છે, જે કોઈ કૂખનું મોહતાજ નથી! મહેતાસાહેબના અવસાન સમયે લખેલી ડાયરીમાં પરમ સખા માટેના મુક્તિના અપાર્થિવ પ્રેમનો અનુભવ વાચકને પણ થાય છે. (પૃ. ૧૨૧, ૧૨૨) સુડતાલીસ વર્ષે વિનોદ મેઘાણી સાથે લગ્ન કરતી મુક્તિ પતિ માટે વિનોદભાઈનું ઓછું જાણીતું એવું નીલમણિ નામ પ્રયોજે છે. પોતાના આ સાહસને મુક્તિ આજે પણ સમજી શકી નથી. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી નંદીગ્રામમાં એક ઘર બનાવેલું મુક્તિએ. શહેરથી દૂર ગામડામાં સામાજિક કામ કરવાની ઇચ્છા. ત્યાં નીલમણિનો સંપર્ક થયો. જીવનમાં આવી પડેલી એકલતાએ એમને જોડ્યાં. બે સ્વતંત્ર વ્યક્તિત્વ, બંનેની કેટલીક દૃઢ માન્યતાઓ, બંનેની ખાસ ઢાળામાં ઢળેલી જીવનરીતિઓ - અઘરો માર્ગ લીધો હતો બંનેએ! પણ બંનેમાં સાહિત્ય માટે, સમાજ માટે કશુંક કરવાની ધખના એકસરખી! લગ્ન પછી 'સખ્ય' માણવાના આશયથી સુરત છોડી વલસાડ અબ્રામામાં સ્થાયી થયેલા આ દંપતીના જીવનમાં 'સખ્ય' ખાસ ન રચાયું. “સહજીવન મારી કલ્પનામાં જેવું હતું એનાથી જરા જુદી ઢબે આકાર લઈ રહ્યું હતું. નીલમણિ સાથેના સંબંધમાં જે અંતર પડી ગયું હતું એને નકરી વાસ્તવિકતા લેખે સ્વીકારવાની મારી તૈયારી અને હિંમત હતાં. મને એ ખાતરી પણ ખરી કે પરસ્પર આદર અને કાળજીને આધારે અમે માળો સાચવી રાખીશું...” (પૃ. ૭૫) પરસ્પરનું સખ્ય માણતાં પણ એકબીજા પર પ્રેમના દાવે કોઈ અધિકાર દાખવી ન શકતાં બે પ્રવાસી એક જ માર્ગે ચાલવા છતાં એકલા જ રહ્યાં! દાંપત્યજીવનની ગુંગળામણમાંથી મુક્ત થવા પોતાના દિવંગત સસરા ઝવેરચંદ મેઘાણીને મુક્તિ પત્ર લખે. નીલમણિને ગમશે કે નહીં? એવા વિચારે મુક્તિની લાગણીની અભિવ્યક્તિ અવ્યક્ત રહી! “...એક તીવ્ર ભાવ જાગેલો, નીલમણિનો બરડો પસવારવાનો, એને કપાળે અને માથે હાથ ફેરવવાનો. આ સહજ ઉમળકોયે અવ્યક્ત જ રહ્યો. નીલમણિને આવું વર્તન ગમશે કે કેમ, એ દ્વિધામાં પેલી ક્ષણ તો વહી ગઈ.” (પૃ. ૧૩૪) અત્યંત સંવેદનશીલ, અન્યના અને પોતાના સ્વાતંત્ર્ય વિષે સભાન, પોતાના વિચારોમાં દૃઢ અને વર્ષોથી પોતાની રીતે જ જીવવા ટેવાયેલા બે જણનું સહજીવન એકબીજાની કાળજી અને આદરથી રળિયાત હોય તોય ભયો ભયો. નીલમણિના ગયા પછી મુક્તિ અને વાચક પોતે પણ એની ખરી ખોટ અનુભવે છે. મુક્તિ, સોનુ (આવો પરિચય લખતા કલમ ઠરડાય પણ... સોનુ એમનો કૂતરો) અને નીલમણિ, એમ ત્રણ ભેરુની દોસ્તી ભૂલી ભુલાય એવી નથી. નીલમણિની વિદાય પછી તીથલના દરિયે અસ્થિવિસર્જન કરવા ગયેલા બે ભેરુનો ખાલીપો આપણી આંખમાં પણ ભરતી લાવી દે એવો હૃદયદ્રાવક! મુક્તિના પ્રેમમાં અરધોઅરધ ભાગ પડાવ્યો છે બિલાડીઓ અને કૂતરાઓએ. એનું એક અલગ પુસ્તક પણ છે, વિક્ટર. અહીં આત્મકથામાં સોનુ ‘સખ્ય'ના બીજા જીવોમાં અનોખો. નીલમણિના ગયા પછી જાણે મુક્તિનું સર્વસ્વ. સાવ અસહાય અવસ્થામાં જીવતા વૃદ્ધ સોનુને છેવટે વિદાય આપવી જ પડી. “ચમ્પા અને કાંચનાર વચ્ચે સોનુને પોઢણ દીધાં. માટી વાળી તોયે એનો ભારે શ્વાસ સંભળાતો રહ્યો, મારી આગળ પાછળ હોય એમ. એ બપોરથી આ ઘરમાં મારાં આગમનના ઓચ્છવ વિલાયા, હરખે ઊછળતું આંગણું ગમગીન.” (પૃ. ૧૬૨) મુક્તિની સાથોસાથ વાચક પણ કોઈ અંગત સ્વજનની વિદાયનો અનુભવ કરે છે. વર્ષ ૨૦૧૪ના જૂનની પહેલી તારીખે હૃદયરોગનો હુમલો આવે છે ને ક્ષણેક પેલી પારની દુનિયાનો સાક્ષાત્કાર મુક્તિને થાય છે. સમયસર સારવાર મળતાં એ બચી જાય છે. પણ, આ અનુભવ આપી ગયો એને અંદર-બહાર પ્રગાઢ શાંતિ. (પૃ. ૧૬૮) હવે એક જ ઇચ્છા છે, રૂંઢનાથ મહાદેવના મંદિરની અગાશીમાં ઘુમ્મટ ફરતે હવામાં બેય હાથ ફેલાવી, એને પાંખો પેઠે ફફડાવતી, પુરજોશમાં ચક્કર પર ચક્કર લેતી ખુદમસ્ત છોકરીને ઊડતી જોવી છે. આરંભે અને અંતે રવીન્દ્રનાથની કાવ્યપંક્તિઓ મુક્તિની મુક્તિકાંક્ષા અને માનુષજીવનની ધન્યતાને અભિવ્યક્ત કરે છે. મુક્તિને અસાધારણ જીવન મળ્યું, એણે પોતે જીવન, જગત અને જાત પાસેથી જે અપેક્ષા સેવી એને કારણે તો સંઘર્ષો છે. અસ્તિત્વ નહીં, અસ્મિતા ટકાવવાની મથામણ છે આ. બુદ્ધિથી આકર્ષાતી અને હૃદયથી દોરવાતી મુક્તિ ક્યારેક સાવ સરળ તો ક્યારેક અપારદર્શક લાગે છે. પ્રાણીઓના પ્રેમ સાથે માનવના પ્રેમની તુલના કરતી મુક્તિ ક્યારેક અસહિષ્ણુ બની જાય છે. નાનામાં નાનાં ગલુડિયા કે બિલાડીના બચ્ચાઓને વિગતે યાદ કરતી મુક્તિ પોતાના મોટાભાઈ-ભાભી કે નાની ભાભીને ખાસ યાદ કરતી નથી. નાનો ભાઈ ડૉ. કેતન શિશુસહાય ટ્રસ્ટ કે સુરતમાં ફાટી નીકળેલા પ્લેગ સંદર્ભે આવે છે. મિત્રોમાં અંજનીબહેન કે જગદીપ સ્માર્ત સાથેનાં સ્મરણો નહીં જેવાં છે. કદાચ એવુંયે બન્યું હોય કે મુક્તિનું જગત એવું તો વિસ્તરી ગયું કે એમાં પરિવારને માટે બહુ તક ન રહી! નિવૃત્તિ પછી નંદીગ્રામમાં શેષજીવન ગાળવું હતું, ત્યાં ઘર પણ બનાવેલું એ અંગે અછડતો મભમ ઉલ્લેખ કરીને વાત છોડી દીધી છે. કલાત્મકતા અંગે સભાન એવાં લેખિકાએ અહીં નિરૂપણની એકાધિક રીતિઓ અપનાવી છે. ક્યાંક સંવાદ, વાદવિવાદ, સંભાષણ, સ્વગતોક્તિ, વર્ણન, કથન, ડાયરી, પત્ર વગેરે દ્વારા આત્મકથાને એક આકાર આપ્યો છે. પુસ્તકમાં રેખાંકનો પણ આગવો અર્થ પ્રગટ કરતાં રહે છે. આ રચનાનું સઘન ગદ્ય રસ અને ચિંતનનો સમાનાંતર અનુભવ કરાવે છે. આત્મકથાની ભાષા આપણી ગુજરાતી ભાષાનું આગવું ઘરેણું છે. ચિત્રાત્મકતા, સાંકેતિકતા, વ્યંગ, હાસ્ય અને લાઘવ અસરકારક છે. હિમાંશીએ વાર્તાલેખનના આરંભે સારી વાર્તાની એક કસોટી રાખેલી. જો વાર્તા બે થી વધુ વાર વાંચતા કંટાળો ન આવે તો એને સફળ માનવી. સફળતા અને સાર્થકતાની દૃષ્ટિએ કહેવું જોઈએ કે આ આત્મકથા વાચકને ફરી-ફરી આકર્ષે એવી રસપ્રદ અને વિચારોત્તેજક બની આવી છે.


હિમાંશી શેલત અધ્યયનગ્રંથ,પૃ.૨૩૧-૨૪૧, ?? પ્રકાશન સાલ