બે હજાર ચોવીસ સમક્ષ/ડાગળે દીવા – વજેસિંહ પારગી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કવિતા

‘ડાગળે દીવો’ : વજેસિંહ પારગી

પીયૂષ ઠક્કર

ભૂખ્યા પેટની ને આજીવન વેઠની પીડાના આળેખ

૧. વજેસિંહ પારગી(૧૯૬૩–૨૦૨૩)ના એમની હયાતીમાં બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા. ‘આગિયાનું અજવાળું’(૨૦૧૯) અને ‘ઝાકળનાં મોતી’(૨૦૨૨). આ ‘ડાગળે દીવો’ એમનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. મહીસાગર સાહિત્ય સભા અન્વયે કવિ–વાર્તાકાર–સંપાદક કાનજી પટેલે એનું મરણોત્તર પ્રકાશન કર્યું છે. એમાં ૭૬ કાવ્યો છે. સંગ્રહમાં કાનજી પટેલે ભૂમિકા લખી છે અને અંતે ત્રણ લેખો પણ સમાવ્યા છે. પોતાના બાળપણ અને ઉછેર વિશે વજેસિંહનો લેખ છે અને પછીના બે લેખો પૈકી પહેલામાં ઉમેશ સોલંકીએ સંસ્મરણ આલેખ્યાં છે અને બીજા લેખમાં કિરીટ પરમારે વજેસિંહનો વિગતે પરિચય આલેખ આપ્યો છે. આ ત્રણે સંગ્રહોમાં અછાંદસ કાવ્યો છે. ૨. અગાઉના બન્ને કાવ્યસંગ્રહોમાં કવિએ ટૂંકી પ્રસ્તાવના આપી છે. પહેલા સંગ્રહમાં કવિતાના પ્રકાર વિશે તેઓ લખે છે : રોજરોજનું ભીંસાતું જીવન જીવતાં મનમાં કઈંક ગોરંભાતું રહેતું. આ ગોરંભો ઘાણીએ ફરતાંફરતાં બળદ વાગોળી લે એમ લઘુકાવ્યોરૂપે આલેખાયો છે. એમાં જ કવિતાના સંવેદન વિશે તેઓ લખે છે : ‘કાયમનો છવાયેલો રહેતો ને મારી ઓળખ બની ગયેલો ઉદાસીનો ભૂખરો રંગ અહીં મુખ્યત્વે આળેખાયો છે.’ બીજા સંગ્રહમાં તેઓ લખે છે : ‘ભાવ બદલવો હતો. રંગ બદલવો હતો. આશા-ઉલ્લાસની એકાદ રંગોળી પૂરવી હતી. લાખ વાનાંયે કરી જોયાં, પણ ભીતર કોઈ રંગ ઊઘડ્યો જ નહીં. ને રંગ વગર તો રંગોળી ક્યાંથી પુરાય? આમ તો મને કેસૂડાંનો ભડકાઉ રંગ વધુ ગમે, પણ મને મળ્યો છે તેતરનો ભૂખરો રંગ. ફરીને આળેખવાનું થયું તે આ લઘુકાવ્યો.’ પહેલા કાવ્યસંગ્રહ જેવું જ બીજા સંગ્રહમાં ભાવસંધાન અને રંગપૂરણી છે એમ પણ તેઓ નોંધે છે. હા, તેમને પોતાનાં કાવ્યોમાં જીવનના વિરોધાભાસો ઉઘાડા પાડવાનું ગમે છે. અણગમતું જીવતર અને ખોળિયું, ભૂખ અને ગરીબી તથા ગામનું ખેંચાણ અને શહેરીજીવનની યંત્રણા – વજેસિંહની કવિતાનાં ત્રણ મુખ્ય નિર્ણાયક પરિબળો છે. આ ત્રણે પરિબળોથી ઊપજતી પીડાના આછા-ઘેરા આલેખો એમની કાવ્યરચનાઓમાં આળેખાયા છે, જેનો વિસ્તાર કરીને જોઈએ તો એમનાં જ કાવ્યોના શબ્દો લઈને કહી શકીએ કે – હયાતીનો ભાર, એકલતા, ભૂખ, નિયતિની ક્રૂરતા, વાસ્તવની વક્રતા, એકવિધ જીવનનાં કંઈએક સંવેદનો ત્રણે સંગ્રહોમાં વેરાયેલાં છે. આ રચનાઓ દમિત-શોષિત વર્ગનો એક અવાજ બને છે. એ અવાજ વ્યવસ્થાના શિકાર થયેલા અને નિયતિને સ્વીકારતા એક મજૂરનો છે. જોકે ત્રીજો સંગ્રહ આવતાં કવિનું પોતાનું સ્થાનક બદલાય છે. પહેલાંનો સર્વસામાન્ય દમિત-શોષિત એક વધુ ઓળખ અંગીકાર કરે છે. આ કાવ્યોમાં આદિવાસી હોવાની પીડા અને વ્યવસ્થા સામેનો પ્રતિકાર જોવા મળે છે. કવિ અહીં સ્પષ્ટપણે વધુ વેધકતાથી એક દમિત-શોષિત આદિવાસી હોવાની યંત્રણાને વ્યક્ત કરતા જોવા મળે છે. આ રચનાઓ માત્ર પીડાના ક્ષણિક ઉદ્‌ગારો નથી બની રહેતી પરંતુ પીડાને એનું સંયત નિર્વહણ કરતાં યોગ્ય વિષય અને બાનીમાં ઢાળવામાં આવી છે. ત્રીજા સંગ્રહની મોટાભાગની રચનાઓને કવિએ શીર્ષકો આપ્યાં છે. તેમજ કેટલાંક એકમેકથી નોખા વિષયનાં કાવ્યો પણ અહીં સમાવાયાં છે, જેમ કે ચૂંટણીવિષયક ‘હું ભોળો’, આજના સમયમાં સ્ત્રીની સલામતી વિશેનું ‘માની કૂખ’, જીવનની પ્રાથમિક જરૂરિયાતના અભાવમાં ધર્મને પ્રશ્નાંકિત કરતું, ‘એક બે અને ત્રીજી’, વૃદ્ધ હોવાની લાચારી ‘વૃદ્ધની પ્રાર્થના’, ગામવટો થતાં મળતી ‘એકલતા’, અનામત વિશે ‘કાલની આશા’, ‘અનાથ બાળકને’ ભલામણ, આદિવાસીની ‘અભિલાષા’, એક સમાનતા અને સૌહાર્દની વાત કરતું ‘ધર્માંતરણ કરવું છે’, આદિલોકનો રાહબર ન થઈ શકતો ‘એકલવ્ય તું થઈ ન શક્યો’ વગેરે. સંગ્રહની ભૂમિકામાં કાનજી પટેલ લખે છે, ‘વિષય અને ભાષારીતિ પરત્વે એમની કવિતા નિજી અને કોઈ પણ ભાષાની કવિતામાં જઈને માગ પાડે એવી અનન્ય છે.’ વળી આ કવિ માટે કવિતાલેખન એ દુનિયા ડુબાડી દે એવા દરિયામાં કાગળની હોડી તરાવવા જેવું કપરું છે. તેઓ લખે છે, ‘જો તરી જવાની મંછા ન હોય/ ને ડૂબી જવાની ચિંતા ન હોય/ તો કાગળની હોડીમાં બેસો!’ (૧૯) ૩. સંગ્રહની થોડીક રચનાઓ એમાં પ્રયોજેલી આગવી અભિવ્યક્તિને સંદર્ભે જોઈએ. અણગમતા જીવતરના વિવિધ આલેખો કેટલાંક કાવ્યોમાંથી મળે છે, તેમાં ‘ઝુલડી’ કાવ્યમાં તેઓ લખે છે, ‘અણગમતી ઝૂલડી જેવું/ થઈ ગયું છે શરીર’(૧૩) જેમાં માની બાળપણમાં મળેલી ઝૂલડી પહેરીને ફાડી નાંખવાની વહાલભરી સમજાવટની વક્રતા ભળે છે, ‘પહેરી ફાડ બેટા!’. ‘જિંદગી’ કાવ્યમાં ઘેઘૂર ઇચ્છાઓ સાથે ઊગેલી/ પણ/ ધરતીના અમી વગર/ રૂંખડું થઈ ગયેલી / જિંદગી!(૩૩)ની તેઓ વાત કરે છે. ‘એકાદ આશા’ કાવ્યમાં ‘જન્મથી તે મોત લગી/ આયખું રહ્યું અમાસ જેવું!/ લાખો તારા જેટલી આશા/ વચ્ચે. (૩૮) અન્ય એક રચના ‘હોઈશું પ્રલયકાળ સુધી’માં આદિવાસી પોતાના વેરાન અણઉપજાઉ જીવન વિશે કહે છે, ‘રોડાબોડા ડુંગર જેવું/ સુકાયેલાં ઝરણાં જેવું/ વેરાન વગડા જેવું/ અમારું જીવતર! (૨૧) ભૂખ અને ગરીબીના આલેખો ક્યારેક સીધાં સપાટ વિધાનોમાં તો ક્યારેક કલ્પનોમાં પ્રચુર માત્રામાં મળે છે, જેમ કે ‘ઉદરમાં ફુંફાડા મારે છે ભૂખનો ભોરીંગ’ (૧૪); ‘ભૂખની આગ તો પેટમાં ઉકળતો લાવા’ (૨૮) અને ‘હું પણ ખપી જઈશ/ ગરીબી સામેની લડાઈમાં.’ (૩૧) જીવાતા જીવનમાં પડતા દુઃખનાં સંવેદનો આ પંક્તિઓમાં વ્યક્ત થયાં છે : ‘છાતી પર ચઢી બેઠાં છે/ એટલાં દુઃખ’ (૮૫) અને ‘રાખી આશા સુખની/ વેઠતા રહ્યા/ પીડા પ્રસવની/ પણ જનમતું રહ્યું દુઃખ/ પ્રસવે પ્રસવે’ (૬૭) કે ‘દુઃખનો એટલો દારૂગોળો/ ધરબાયેલો છે મારી છાતીમાં/ લોક પણ બિચારા રોજેરોજ પલીતો ચાંપે છે/ પણ થતો નથી ધડાકો’ (૪૦) કવિ ક્યારેક પરિવર્તનની આશાના સૂર રજૂ કરે છે. એક કાવ્યમાં નવા ધર્મની કલ્પના રજૂ કરતાં કવિ લખે છે : ‘ચકલી ચકલીની જેમ ઊડે/ ને ગરુડ ગરુડની જેમ ઊડે/ એમ માનવ પ્રકૃતિસહજ જીવતો હોય/ ને માનવ સિવાય કોઈ ઓળખ ન/ હોય. પૃથ્વીના કોઈક ખૂણે આવો ધર્મ હોય તો કહેજો :/ મારે ધર્માંતરણ કરવું છે.’ (૫૫) નિરાશાનો સૂર જેમાંથી સતત સંભળાતો હોય ત્યાં પોતાની મર્યાદિત ક્ષમતાની પ્રતીતિ સાથે પરિસ્થિતિની સામે દૃઢપણે મુકાબલો કરવાની લલક પણ જોવા મળે છે : એક પક્ષીની મથીમથીને પાંજરામાં આકાશ ભરી જવાની હઠ (૮૨); તારો થઈ એકાદ રાત ટમટમવાની ઇચ્છા (૭૮); ભલે પળ બે પળ પપલે પણ દીવો તો મારે પેટાવવો જ રહ્યો એવી અભિલાષા (૪૮) ક્યાંક આક્રોશનો તણખો પણ કવિ આલેખે છે : છાતીમાં ધરબાયેલો દારૂગોળો લઈને. (૪૦) આરંભે ઉલ્લેખ કર્યો છે તેમ, વજેસિંહનાં આ કાવ્યોમાં એમનું આદિવાસી હોવું, એની સભાનતા, એમની કવિતાને એક અતિરિક્ત પરિમાણ આપે છે. એ શબ્દોમાં વ્યક્ત થઈ છે અને એ જ કવિને બળ પણ આપે છે : ‘ધરતી પરનો પહેલપ્રથમ માનવ/ થાકીહારીને કેમ છોડું જીવવાનું?/ હું જીવીશ/ છેલ્લા શ્વાસ લગી!’(૧૮) અને ‘અમે આદિમો/ છીએ આદિકાળથી/ હોઈશું પ્રલયકાળ સુધી.’(૨૧) કેટલાંક કાવ્યોમાં માતાનું ચરિત્ર માર્મિક કલ્પનો દ્વારા આલેખાયું છે. આ અભિવ્યક્તિની કુમાશ ધ્યાનાર્હ છે : ‘સૂકી નદીમાં વીરડો ગાળતાં ઝરણ ફૂટે/ એમ માની ઊંડી આંખમાં ફૂટે છે/ મમતાનાં પાતાળપાણી’ (૧૫) અને ‘છાતીએ વળગાડીને/ પોયણાની જેમ મને ખીલવતાં ખીલવતાં/ મા બની જતી ચાંદો’ (૨૪) કેટલાક વિશિષ્ટ આલેખો છે : એકલતા કાવ્ય આખું જ અહીં રજૂ કરું છું : ગામવખો (ગામવખો) થયો ત્યારે/ કોઈ કરતાં કોઈ/ મારી સાથે ન આવ્યું/ મને એકલાને ગામ છોડતો જોઈને/ મારી સાથે થઈ ગઈ :/ પાદરમાં ઊભેલા/ પાળિયાની એકલતા! (૪૭) કવિ ઘણી જગાએ નિયતિવાદને સ્વીકારી ચાલે છે એટલે પીડાના એકરારથી આગળ, પરિસ્થિતિના સ્વીકારથી વિશેષ કાવ્યો પરિવર્તનની દિશા સૂચવતાં નથી. એક કાવ્યમાં માનવતા સ્થાપનાર મસીહાના અવતરવાની મહેચ્છા વ્યક્ત થઈ છે. ‘એક વરદાન’ કાવ્યમાં ભગવાન પાસે પૃથ્વી પર કોઈ શાસક ન હો!/ પૃથ્વી પર કોઈ શોષિત ન હો!-નું વરદાન કવિ માગવા ઇચ્છે છે. જો કે, ઝૂલડી, પેટ, નવા રૂપે મા, કાગળની હોડી, હોઈશું પ્રલયકાળ સુધી, મા (એ), ડાગળે દીવો જેવાં કાવ્યો સંવેદનની તીવ્રતા અને રજૂઆતની પ્રભાવકતાને કારણે સ્મરણીય થયાં છે, એ પણ નોંધવું રહ્યું. કુદરતનો ખોળો છોડીને નગરનો પલ્લો સાહી, હિજરતીનું જીવન જીવતા, મામા-લંગોટિયાનાં મરમબાણોથી વીંધાતા, ભૂખના ભોરિંગથી ફફડતા, જેમનો દાળરોટીનો વેત થતો નથી, ભૂખ અને મજૂરી જેમને વારસામાં મળી છે, ગરીબી સામેની લડાઈમાં પેઢીઓથી હારતા આવ્યા છે એવા દમિત-શોષિતજનની એક જ અંતિમ ઇચ્છા તો છેઃ મારે ભૂખથી મરવું નથી/ મારે મજૂર રહીને જીવવું નથી. (૨૬) ૪. વિકટ જીવનસંજોગ, અપરંપાર પીડા, ભૂખ અને ગરીબીની યંત્રણા કવિએ નોખી પ્રયુક્તિઓ પ્રયોજી ક્યાંક ઉદ્‌ગારરૂપે તો ક્યાંક પાત્રગત-સંવાદગત આલેખરૂપે વ્યક્ત કરી છે. અગાઉના બન્ને સંગ્રહોની તાસીર આ સંગ્રહમાં પણ જોવા મળે જ છે. જો કે અનુભવનું ઊંડાણ અને અભિવ્યક્તિની તરેહોના સર્જનાત્મક સમાયોગ દ્વારા આ સંગ્રહમાં કવિ નવતર પરિમાણોમો અંકે કરી શક્યા છે. અહીં અગાઉના સંગ્રહની ક્વચિત્‌ કઠતી સંવેદનની રજૂઆતની એકવિધતા પાંખી પડતી જોવા મળે છે. કવિની કલમ ત્રીજે સંગ્રહે વધુ પાકટ બને છે.

[મહીસાગર સાહિત્ય સભા, લુણાવાડા]