બે હજાર ચોવીસ સમક્ષ/શ્વેતા પૂજારણ – પ્રવીણસિંહ ચાવડા
ટૂંકી વાર્તા
હીરેન્દ્ર પંડ્યા
પાત્રસંબંધોની સંકુલતા નિરૂપતી વાર્તાઓ
‘શ્વેતા પૂજારણ’ એ પ્રવીણસિંહ ચાવડાનો બારમો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાઓમાં સર્જક માનવસંબંધોનાં વિવિધ રૂપોને આલેખે છે. ‘ફોટોગ્રાફીની કળા’, ‘દટાયેલી મૂર્તિઓ’, ‘સંબંધોનો વહીવટ’ અને ‘ખોટું સરનામું’ – આ ચાર વાર્તાઓમાં પ્રેમનાં જુદાંજુદાં પરિમાણો દર્શાવ્યાં છે. ‘પડોશણ’ અને ‘શુભ્રમાં તરતું શ્વેત’માં નાયકની ચેતના દ્વારા ઝિલાયેલી સંબંધની મહેકનું ચિત્રાત્મક નિરૂપણ થયું છે. ‘કોઈનું કંઈ ખોવાય છે?’ અને ‘વિદૂષક આટલું હસે છે કેમ?’માં મિત્રતાનું, ‘ઉપપિતા’માં મૈત્રી અને પિતૃહૃદયની સંકુલ સંવેદનાઓનું નિરૂપણ થયું છે. કથકની અને પાત્રોની નર્મમર્મકટાક્ષ-સભર ઉક્તિઓ અને સંવાદો, પાત્રોની સંવેદનશીલતા, સ્મૃતિઓ તથા નાટ્યાત્મક પ્રસંગો વડે સંગ્રહની ઘણીખરી વાર્તાઓનો દેહ ઘડાયો છે. ‘હું’નું કથનકેન્દ્ર ધરાવતી નાનાનાના આઠ ખંડોમાં વિભાજિત ‘પડોશણ’ વાર્તામાં કથકની પડોશણ પ્રત્યેની લાગણીનું નિરૂપણ થયું છે. સરકારી નોકરી કરતા કથકની વારંવાર બદલી થતી રહે છે. આ શહેરમાં નવા આવેલા કથકને પત્ની અને નોકર ભીમજીભાઈ દ્વારા, પડોશમાં રહેતી ડૉક્ટરપત્ની વિશેની જિજ્ઞાસા જન્માવે તેવી માહિતી મળતી રહે છે. આ માહિતી વડે એ ડૉક્ટરપત્નીનું ચિત્ર મનમાં રચતો રહે છે. પાંચ ખંડમાં વિદ્યાબહેન સાથેની પ્રથમ મુલાકાત, પત્નીને વિદ્યાબહેન પાસેથી મળતી નિઃસંતાન ડૉક્ટર પત્નીની રસપ્રદ વિગતો અને તેનું પત્ની વડે કથક સામે થતું નિરૂપણ, ભીમજીભાઈ અને કથકની પત્નીના વાર્તાલાપ દ્વારા પત્નીને મારતા ડૉક્ટર, વગેરેનું આલેખન છે. પત્ની સાથેના કથકના સંવાદો તથા કથકની સ્વગતોક્તિઓ વડે વાર્તામાં નર્મમર્મ હાસ્યનો સૂર વહેતો રહે છે. વાર્તાનો વળાંક છઠ્ઠા ખંડમાં આવે છે. પત્નીના મુખે જેના લાંબા કેશ અને રૂપની પ્રશંસા સાંભળી જેના રૂપની કથકે માત્ર કલ્પનાઓ કરી હતી તે પડોશણની એક ઝલક તેને જોવા મળે છે. એકાંતમાં હળવા પગલે ટહેલતી, મધુર હલકે ગીત ગાતી, હોઠ પર રહસ્યમય સ્મિત ધરાવતી એ પડોશણનું ચિત્ર કથકને તેની આંતરિક મુક્તિની અનુભૂતિ કરાવે છે. સામાન્ય રીતે પતિનો ત્રાસ સહન કરતી ગરીબડી સ્ત્રીનું આલેખન વાંચવા ટેવાયેલો ભાવક નવાઈ પામે. અહીં તો સર્જક પીડાની વચ્ચે પણ સ્વસ્થ એવી સ્ત્રી દર્શાવે છે. તે જાણે કે કથકને કહે છે, ‘મારી કથાથી હું મુક્ત છું ને? તો પછી તમે શીદ બંધાઈ રહ્યા છો?’ (પૃ. ૪૨) વાર્તાના અંતિમ આઠમા ખંડમાં આ ઘટના પછીના ત્રીજા દિવસે ટપાલમાં કથકની બદલીનો હુકમ આવે છે. એ વિચારે છે કે આ ઘટનાની વાત સરકારી તંત્ર સુધી પહોંચી હશે એટલે તો તેની બદલી નથી થઈ ને? વાર્તામાં ક્યાંય પડોશણનો એક પણ સંવાદ જોવા મળતો નથી, તેનું નામ પણ જણાવ્યું નથી, એ સૂચક છે. વાર્તાનો ખુલ્લો અંત વિષયવસ્તુને ઉપકારક બન્યો છે. આવી જ, હવામાં રચાતા મેઘઘનુષ સરખા સંબંધોની બીજી વાર્તા એટલે ‘શુભ્રમાં તરતું શ્વેત’. આ વાર્તામાં પણ હુંનું કથનકેન્દ્ર છે. સરકારી ઑફિસનો કાયમી કર્મચારી અંતર્મુખી એવો નાયક ઑફિસમાં હંગામી તરીકે આવેલી યુવતીના પરિચયમાં આવે છે. એ યુવતી બાવીસ દિવસ પહેલાં રાજીનામું મૂકીને ચાલી જાય છે. અહીં કથક પાત્ર અને પ્રતિભાવક એવી ત્રેવડી ભૂમિકા નાયક ભજવે છે. ગાલનાં ઊપસેલાં હાડકાં અને ફિક્કી ત્વચાવાળી પચ્ચીસેક વર્ષની યુવતી કથકથી રિસાઈને બેઠી છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. ત્યાર બાદ ત્રણ નાના ખંડોમાં નાયિકાનું હંગામી તરીકે ઑફિસમાં જોડાવું, તેના વિશે થતી અટકળો, અન્ય સ્ત્રી-કર્મચારીઓ વડે નાયિકાની થતી ઉલટતપાસ અને તેમાં તેના ભગ્ન લગ્નજીવનની મળતી આછી વિગતનું નિરૂપણ થયું છે. પાંચમા ખંડમાં વાર્તા સીધી વર્તમાનમાં આવી જાય છે. વાર્તાનું જમાપાસું નાયક અને યુવતીના સંવાદો છે. યુવતી તર્કબદ્ધ કે ક્રમાનુસારી વાતચીતના બદલે જુદી જ કેડીએ વાત કરવા ટેવાયેલી છે. નાનાનાના અનેક પ્રસંગો, સ્વપ્નો તે નાયકને સંભળાવે છે. વાર્તામાં કથક અને નાયિકાનું સ્વપ્ન અગત્યનું છે. કથક પોતાને કાયમ નિર્જન ગ્રહ ઉપર અર્ધમૂર્છિત અવસ્થામાં એકલો પડેલો જુએ છે. નાયિકા સ્વપ્નમાં ટેકરી પર આવેલા ઘર સુધી ક્યારેય પહોંચી શકી નથી. અહીં જ ખ્યાલ આવી જાય કે વાર્તાના અંતે નાયકના ભાગમાં વિખૂટા પડવાની વેદના જ આવશે. ‘દટાયેલી મૂર્તિઓ’ અને ‘ફોટોગ્રાફીની કળા’ પ્રેમના રંગને રજૂ કરતી રચનાઓ છે. ‘દટાયેલી મૂર્તિઓ’માં માર્ગદર્શક સુદર્શનના હાથ નીચે સંશોધન કરતા પરિમલને એકવાર સુદર્શન અને તેની પત્ની ગીતા મૃગાવતી પટવારી વિશેની માહિતી શોધી લાવવા જણાવે છે. પરિમલના વતનની શાળામાં જ નોકરી કરનાર મૃગાવતી વિશેની માહિતી માટે પરિમલ બાળસખી અપરિણિત હેમાંગિનીને મળે છે. હેમાંગિનીના મુખે મૃગાવતી અને દીક્ષિતજીના ઉદાત્ત પ્રણયસંબંધ વિશે માહિતી જાણીને વાચકની આંખ ભીની થાય. કથા કહેતી હેમાંગિનીનું પાત્ર પણ તેના સંવાદો વડે ઊઘડે છે. તેનો એક સંવાદ જુઓ. ‘કોઈ સ્ત્રી એકલી પડી રહે છે. એણે કોઈનું કંઈ બગાડ્યું નથી. તો એના વિશે આટલી પંચાત, આટલી ખણખોદ શા માટે? એનું એકાંત કેવું છે?’ (પૃ. ૧૦૮) જો કે આટલી સરસ વાર્તામાં હેમાંગિની અને પરિમલની પત્ની સરોજની મિત્રતા, હેમાંગિનીનો ભૂતકાળ જેવી બાબતો વાર્તાનો મેદ વધારે છે. ‘પડોશણ’ વાર્તામાં પણ નોકર ભીમજીભાઈની લાક્ષણિકતાઓનું વર્ણન રમૂજ પ્રેરે છે પણ વાર્તાના ભોગે. ગૌણ પાત્રોના ભૂતકાળનું કે તેમની ખાસિયતોનું લંબાણપૂર્વકનું નિરૂપણ આ સંગ્રહની ઘણી ખરી વાર્તાઓની મર્યાદા ગણી શકાય. ‘ફોટોગ્રાફીની કળા’માં આવું લંબાણ પોસ્ટમાસ્તર હીરપરાના પ્રણયસંબંધ વિશે જાતભાતની વાતો કરતાં લોકોની પંચાતવૃત્તિ દર્શાવવામાં મદદરૂપ બન્યું છે. કટલરીની દુકાનવાળો નૂર મહમ્મદ, નાયકનો સાહિત્યરસિક ફોટોગ્રાફર મિત્ર ગુણવંત, તેની પત્ની રેણુકા, હીરપરાની પત્ની ભગવતી જેવાં ગૌણ પાત્રો વડે હીરપરાના ઉદાત્ત પ્રેમને સર્જક વળ ચઢાવે છે. શનિવારની સાંજની સાડા ચારની લોકલમાં મહેસાણાના રેલવેસ્ટેશન પર થોડીક ક્ષણો માટે હીરપરા અને તેની પ્રેમિકા મળતાં. ગુણવંત અને નાયક વચ્ચે શરત લાગે છે કે આ સંબંધમાં પ્રેમ છે કે વાસના તે જાણવું રહ્યું. તેઓ હીરપરાની પ્રેમિકાનો સંતાઈને ફોટો પાડવાનો નિર્ણય લે છે. ગુણવંત હૃદયની લાગણી પર ભાર મૂકે છે. હીરપરાનો પીછો કરી સત્ય જાણવા બંને મિત્રો ટ્રેનમાં બેસે છે પણ એ સાંજે કાયમનો ક્રમ તૂટે છે, ઊંઘમાં જ ટ્રેનમાં હીરપરા મૃત્યુ પામે છે. ગુણવંત પેલી સ્ત્રીની વેદનાનું કલ્પનાથી ચિત્ર રચે છે. સ્મશાનમાં જ્વાળાઓની પેલે પાર ઊભેલી સ્ત્રીને ગુણવંત ઓળખી જાય છે પણ તેનો ફોટો પાડવાનું ટાળે છે. ત્યાં ગુણવંતનું પાત્ર ગૌરવવંતુ બની રહે છે. ચાર ખંડમાં વિસ્તરતી ‘શ્વેતા પૂજારણ’ સમાજની દૃષ્ટિએ હીન ગણાય તેવી સ્ત્રીના આંતરસત્ત્વને આલેખતી વાર્તા છે. અમદાવાદ કામથી આવેલા નાયકને બાબુલાલ બળજબરીથી પોતાની સાથે લઈ જાય છે. તેઓ બાબુલાલના ઉપવસ્ત્ર તરીકે રહેતી શ્વેતાના ઘરે એક રાત રોકાય છે. બીજા દિવસની સવારે નાયક પાછો જવા નીકળે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તા નાયકના મુખે કહેવાઈ છે. મંદિરેથી પૂજાનો થાળ લઈને પાછી ફરતી શ્વેતાને નાયક જુએ છે – ‘શ્વેત સાડી કેશ ઢંકાય એ રીતે આગળ ખેંચેલી હતી. ભગવા વસ્ત્રનો ટુકડો ગળા ફરતે સ્કાર્ફની જેમ બાંધેલો હતો. કપાળે ચંદનનો લેપ, ખભા પાસે જમણા હાથમાં થાળી... એની પીઠ પાછળ સૂર્યાસ્ત પછીના આકાશની લાલી. શ્વેત વસ્ત્રની આજુબાજુ ફરફરતું બીજું, હવા કરતાં પણ પાતળું સંધ્યાનું વસ્ત્ર.’ (પૃ. ૨૦૦) ઘરમાં પ્રવેશતી નાયિકાનું આ ચિત્ર હજુ તો ભૂંસાય તે પહેલાં જિન્સ અને ટી-શર્ટ પહેરી બાબુલાલ અને નાયક સાથે દારૂ પીતી નાયિકાનું બીજું ચિત્ર જોવા મળે. દારૂના નશામાં શ્વેતાના મુખે તેનો ભૂતકાળ ઊખળે. બાબુલાલે તરછોડી દીધેલી પહેલી પત્ની માટેની શ્વેતાની લાગણી બાબુલાલને ન ગમે. બીજા દિવસે સવારે તૈયાર થઈ મંદિરે જતી શ્વેતાને જોઈ નાયક મનોમન તેના ભાવિ વિશે વિચારે કે, ‘શ્વેતા પૂજારણ! આ રસ્તો તને ક્યાં લઈ જશે?’ (પૃ. ૨૧૧) શ્વેતાની મજબૂરીની પડછે લસરકામાં બાબુલાલની શોષક વૃત્તિ દર્શાવી દીધી છે. ‘વિદૂષક આટલું હસે છે કેમ?’ મેલોડ્રામેટિક નિરૂપણવાળી પ્રમાણમાં શિથિલ રચના છે. બાર ખંડમાં વિસ્તરતી આ રચનામાં ઘટના તો માત્ર એટલી જ છે કે સરકારી અધિકારી એવો નાયક કામસર અંબાજી અને ખેડબ્રહ્માના ડુંગરી વિસ્તારમાંથી સુસ્મિતા ખેર સાથે પસાર થતો હોય ત્યાં રસ્તાની ધાર પર લઘરવઘર દેખાવવાળો નાયકનો મિત્ર પૃથ્વીસિંહ દેખાય. એને જોઈ સુસ્મિતા વિદૂષક શબ્દ પ્રયોજે. નાયક ગાડીની બહાર નીકળવાનું ટાળે પણ અંદરથી અપરાધબોધ અનુભવે. દૂરથી હસતા વિદૂષક જેવા મિત્રની આંખમાં પણ છલકાતાં આંસુ નાયકને દેખાય ત્યાં વાર્તા પૂરી થાય. આટલી જ ક્ષણોમાં નાયકની સ્મૃતિઓ રૂપે પૃથ્વીસિંહના જીવનપ્રસંગો ઊઘડે. અતિશય ઘેરા રંગોથી થયેલું ભૂતકાળના પ્રસંગોનું આલેખન તથા કથકની ખોટી પસંદગીના લીધે વાર્તા લાગણીવેડામાં સરી પડે છે. આખી વાર્તા સરકારી અધિકારી એવા મિત્રના મુખે કહેવાઈ છે. ભૂતકાળના પ્રસંગોની વાત નાયક જે રીતે કરે છે તેમાં તેનો પૃથ્વીસિંહ માટેનો અહોભાવ અપ્રતીતિકર જણાય છે. જો સર્વજ્ઞ કથક હોત તો વાર્તા આટલી હદે કથળી ન હોત. સરળ અને ચિત્રાત્મક શૈલી, પાત્રોનાં સંકુલ સંવેદનોનું નિરૂપણ, માર્મિક સંવાદો તથા નાટ્યાત્મક પ્રસંગો વડે ઊઘડતી પાત્રની રેખાઓ અને એ દ્વારા માનવસંબંધોનાં વિવિધ રૂપોનું થયેલું નિરૂપણ જેવી બાબતોના લીધે ‘શ્વેતા પૂજારણ’ સંગ્રહ ધ્યાનપાત્ર બની રહે છે.
[ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ]