ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/દેવસ્મિતાની વાર્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવસ્મિતાની વાર્તા

તામ્રલિપ્તિ નામે એક નગરી હતી, તેમાં ધનદત્ત નામનો મોટો પૈસાદાર શેઠ રહેતો હતો. તેને ઘેર પુત્રની ખોટ હતી. એક દિવસ ગામના બધા બ્રાહ્મણોને એકઠા કર્યા, અને સર્વને શેઠે નમસ્કાર કરી કહ્યું કે, ‘હે બ્રહ્મદેવો! મને થોડી મુદતમાં પુત્ર પ્રાપ્ત થાય તેવો કંઈ ઉપાય કરો. ત્યારે તે બ્રાહ્મણોએ તે વાણીઆને કહ્યું, ‘આ વાત કાંઈ મુશ્કેલ નથી. બ્રાહ્મણો વેદમંત્રોથી સર્વ વાત સિદ્ધ કરી શકે છે. પૂર્વ કાળમાં એક રાજા હતો, તેને એકસો ને પાંચ રાણીઓ હતી. પણ એકેને પુત્ર નહોતો ત્યારે પુત્રયેષ્ટિ કરાવી, જેના યોગથી જંતુ નામનો એક પુત્ર અવતર્યો. તે તેની રાણીઓની દૃષ્ટિએ નવીન ચંદ્રની પેઠે આનંદ આપનાર થઈ પડ્યો હતો. તે ગુંઠણમંડીથી ચાલતો હતો. તેવામાં તેના સાથળમાં એક કીડી કરડી, જેથી તેણે ચીસ નાંખી રડવા માંડ્યું. તેટલામાં તો અંત:પુરમાં મોટો કોલાહલ થઈ રહ્યો. રાજા પણ ‘હે પુત્ર, હે પુત્ર!’ એવી રીતે સાધારણ માણસની પેઠે શોકના શબ્દો ઉચ્ચારવા લાગ્યો. થોડી વારમાં ચટકો લેનારી કીડીને સાથળમાંથી કહાડી નાંખી એટલે બાળક શાંત થયો. એકનો એક જ પુત્ર છે એ મહાદુઃખનું કારણ છે, એમ જાણી રાજા પોતાની અવજ્ઞા કરવા લાગ્યો, અને તે પરિતાપથી બ્રાહ્મણોને બોલાવી પૂછવા લાગ્યો કે, એવો કોઈ ઉપાય છે કે, જેથી મને ઘણા પુત્રો થાય? ત્યારે બ્રાહ્મણોએ ઉત્તર આપ્યો કે, હા, એક ઉપાય છે ને તે એ કે તમારા આ પુત્રને મારી તેનું માંસ અગ્નિમાં હોમવું. તે માંસની ગંધથી તમારી સર્વ રાણીઓને પુત્રોની પ્રાપ્તિ થશે. આ વાત સાંભળી રાજાએ યથાવિધિ તે પ્રમાણે કરાવ્યું, ત્યારે જેટલી પોતાની રાણી હતી, તેટલા જ પુત્રો જન્મ્યા. માટે હે શેઠજી! તમને પણ હોમ કરાવી પુત્રની પ્રાપ્તિ થાય તેમ કરીશું.’ આવું કહી ધનદત્ત પાસેથી દક્ષિણા લઈ તે બ્રાહ્મણોએ હોમ કર્યો, તેથી તે વાણિયાને ઘેર પુત્ર અવતર્યો. તેનું ગૃહસેન એવું નામ પાડ્યું. પુત્રની ઉમર મોટી થતાં તેનો પિતા ધનદત્ત સ્ત્રી શોધવા લાગ્યો. એક દિવસ વ્યાપાર કરવાના ઉદ્દેશથી ધનદત્ત તેને માટે પુત્રને સાથે લઈ દ્વીપાંતરે ગયો. ત્યાં ધર્મગુપ્ત નામે એક વાણીઆની દેવસ્મિતા નામની એક કન્યાનું પોતાના પુત્ર ગુહસેન વેરે માગું કર્યું. ધર્મગુપ્તને તે કન્યા ઘણી પ્રિય હતી, તેથી વિચાર્યું કે તામ્રલિપ્તિ નગરી ઘણી દૂર છે, એટલે જો કન્યા આપું તો પાછું દીકરીનું મોઢું જોવા વારો આવે નહિ, એમ ધારી તેનું માગું પાછું વાળ્યું. પણ ગુહસેનને જોઈ દેવસ્મિતા આશક થઈ; તેના ગુણો જોઈ પોતાના બંધુઓને છોડી ભાગી જવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાની સખી મારફત તેની સાથે સંકેત કર્યો અને સ્વનગરથી સસરા અને પતિની સાથે રાત્રે નીકળી ગઈ. પછી તામ્રલિપ્તિ નગરીમાં આવ્યા અને ત્યાં વિધિપૂર્વક લગ્ન કર્યા; ત્યારે સ્ત્રીપુરુષનાં મનમાં પ્રેમની સુદૃઢ ગાંઠ બંધાઈ.

આવી રીતે કેટલાક દિવસો વીતી ગયા. થોડે કાળે તેનો પિતા ગુજરી ગયો ત્યારે ગુહસેનને તેના બંધુઓ કહેવા લાગ્યા કે; તું કટાહ દ્વીપમાં વ્યાપાર અર્થે જા.’ પણ આ વાત તેની સ્ત્રીને રુચી નહીં. કારણ દેવસ્મિતાના મનમાં એવી શંકા જન્મી કે પતિ પરદેશ જાય અને કદાચિત્ પરસ્ત્રીના છંદમાં પડે તો! આમ સ્ત્રીને પરદેશ જવાની વાત ગમતી નથી, અને બંધુઓ વારંવાર પ્રેરણા કર્યા કરે છે, ત્યારે ગુહસેન, શું કરવું અને શું ન કરવું, એવા વિચારમાં પડી ગયો. કાંઈ ન સૂઝયું ત્યારે દેવમંદિરમાં જઈ નિરાહાર રહી વ્રત કરવા લાગ્યો. અને દેવને પ્રશ્ન કીધો કે હવે મારે શું કરવું, ‘પરદેશ જવું કે અહીં રહેવું? આ બાબતમાં યોગ્ય હોય તે આપ કહો.’ પતિને આવી રીતે વ્રત કરતો જોઈ, તેની સ્ત્રી દેવસ્મિતા પણ વ્રત કરવા લાગી. ત્યારે તે સ્ત્રીપુરુષને સ્વપ્નમાં શંકરે દર્શન દીધું; અને બે રાતાં કમળ તેમને આપી શંકર બોલ્યા, ‘તમે બંને જણ આ અકેક કમળ હાથમાં રાખો, પછી પરદેશ જવામાં કશી હરકત નથી. દૂર દેશાવરમાં કોઈ પણ શિયળ તોડે તો બીજાના હાથનું કમળ કરમાઈ જવાથી, તેની ખબર તેને પડશે; અને જો બેમાંથી કોઈ શિયળનું ખંડન ન કરે તો બન્નેની પાસે રહેલાં કમળ જેમના તેમ ખીલેલાં જ રહેશે.’ આ વાત બેઉના ધ્યાનમાં ઊતરી અને એક બીજાના હૃદયની માફક તે રક્ત કમળને જોવા લાગ્યાં. ત્યાર પછી હાથમાં કમળ રાખી, ગુહસેન મુસાફરીએ નીકળ્યો અને દેવસ્મિતા કમળ સામી દૃષ્ટિ રાખી પતિના જ નગરમાં રહી. ગુહસેન તરત કટાહ દ્વીપમાં આવ્યો; અને ત્યાં રત્નોની લેવડદેવડ કરવા માંડી. તેના હાથમાં હમેશાં પ્રફુલ્લ કમળ જોઈ, કટાહ દ્વીપના કોઈ ચાર વાણીઆના છોકરા વિસ્મય પામી ગયા. તેઓ યુક્તિથી તેને ઘેર તેડી જઈ ખૂબ મદિરાપાન કરાવી, કમળની હકીકત પૂછવા લાગ્યા. મદિરાના ઘેનમાં ગુહસેન ઉન્મત્ત દશામાં આવી ગયો હતો, તેથી તેણે જેવું હતું તેવી વાત કહી દીધી. પછી તે વાણીઆના ચારે છોકરાઓએ વિચાર કર્યો કે આ ગુહસેન ઝવેરાતના વેચાણ સાટાણમાંથી તરત પરવારી ઘેર જાય તેમ નથી. તેથી તે સર્વેએ પાપબુદ્ધિથી સંકેત કર્યો કે એની સ્ત્રીને શિયળભંગ કરવી. આમ નક્કી કરી ખબર ન પડે એવી રીતે તે પાપાત્મા એકદમ તામ્રલિપ્તિ નગરી ભણી ચાલ્યા. કેટલેએક દહાડે ત્યાં આવી, ગુહસેનની સ્ત્રીને મેળવવાનો વિચાર કરતા કરતા બૌદ્ધના મંદિરમાં રહેલી યોગકરંડિકા નામની એક તાપસી પાસે ગયા અને સ્નેહપૂર્વક કહેવા લાગ્યા કે, ‘હે ભગવતિ! જો તું અમારી ઇચ્છા પૂરી પાડે તો તને ઘણું દ્રવ્ય આપીએ.’ ત્યારે તે તપસ્વી બાઈ બોલી, ‘તરુણ પુરુષોને તો ઘણું કરી કોઈ સ્ત્રીની ઇચ્છા હોય છે, માટે જેવું હોય તેવું ખરું કહો, હું તમારો અર્થ સાધી આપીશ; મને કાંઈ દ્રવ્યની લાલસા નથી. મારી સિદ્ધિકરી નામે બુદ્ધિમતિ શિષ્યા છે, તેની યુક્તિથી મને અપાર દ્રવ્ય મળ્યું છે.’ ત્યારે તે પાપાત્મા વાણીઆના છોકરાઓએ પૂછ્યું, ‘તમને શિષ્યાની કૃપાથી ધન કેમ મળ્યું?’ આવો પ્રશ્ન કરવાથી તે તપસ્વિની કહેવા લાગી કે, ‘હે પુત્રો! જો તમને આ વાત સાંભળવાનું કૌતુક હોય તો સાંભળો, કહું છું: