ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/મનોજવ રાજાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મનોજવ રાજાની કથા

ભૂતકાળમાં મનોજવ નામના એક ચંદ્રવંશી રાજા થઈ ગયા. તે દર વરસે યજ્ઞ વડે દેવતાઓને, અન્ન વડે બ્રાહ્મણોને અને શ્રાદ્ધ વડે પિતૃઓને તૃપ્ત કરતા હતા. ધર્મ પ્રમાણે પૃથ્વીનું પાલન કરતા હતા. રાજ્યમાં કોઈ શત્રુ ન રહ્યા એટલે રાજાના મનમાં અહંકાર પ્રગટ્યો. જ્યાં અહંકાર પ્રગટે ત્યાં કામ, ક્રોધ, લોભ, મદ, હિંસા અને અસૂયા પ્રગટ થાય. તે રાજાએ બ્રાહ્મણોના ગામમાં કર નાખ્યો. શિવ, વિષ્ણુ વગેરે દેવતાઓ માટેનું ધન પણ લઈ લીધું. અહંકારે તેની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી હતી. તેણે બ્રાહ્મણોનાં ખેતર છિનવી લીધાં. પછી એક બળવાન શત્રુ રાજા ગોલુભે નગરને ઘેરી લીધું. એ રાજાએ ચતુરંગિણી સેના વડે આક્રમણ કર્યું. છ મહિના સુધી યુદ્ધ ચાલ્યું. છેવટે મનોજવનો પરાજય થયો. રાજાએ પત્ની અને પુત્ર સાથે વનનો આશ્રય લીધો. બાળકને એક દિવસ બહુ ભૂખ લાગી એટલે માતાપિતા પાસે ખાવાનું માગવા લાગ્યો. તેની આવી હાલત જોઈ માતાપિતા શોકથી મૂચ્છિર્ત થઈ ગયાં. જરા સ્વસ્થ થઈ રાજા બોલ્યા, ‘સુમિત્રા, હું શું કરું? ક્યાં જઉં? મારું શું થશે? આ પુત્ર ભૂખને કારણે થોડી વારે મૃત્યુ પામવાનો. મેં બ્રાહ્મણોનાં ખેતર છિનવી લીધાં, દેવતાઓ માટેનું ધન પડાવી લીધું. આ દુષ્કર્મને લીધે જ યુદ્ધમાં મારો પરાજય થયો. હું નિર્ધન, દુઃખી, ભૂખ્યોતરસ્યો છું. આ બાળકને ભોજન ક્યાંથી આપું?’

આમ વિલાપ કરતા રાજા સુધબુધ ગુમાવી ધરતી પર ઢળી પડ્યા. સુમિત્રા તેને ગળે વળગીને રડવા લાગી. તે વેળા મુનિ પરાશર ત્યાં આવી પહોંચ્યા. સુમિત્રાએ તેમને પ્રણામ કર્યાં. પરાશરે તેને ધીરજ બંધાવતાં પૂછ્યું, ‘તું કોણ છે? આ કોણ પડ્યું છે, આ બાળક કોણ છે?’

સુમિત્રાએ પોતાનો પરિચય આપી બધી વાત કરી. ‘આ બાળકે અમારી પાસે ભોજન માગ્યું. એટલે મારા પતિ મૂર્ચ્છા ખાઈને પડી ગયા.’

મુનિએ આ સાંભળી કહ્યું, ‘તારે ડરવાની જરૂર નથી. હવે તમારા દુર્ભાગ્યનો અંત આવ્યો છે.’ આમ કહી પરાશર મુુનિએ ભગવાન શંકરનું ધ્યાન ધરીને રાજાને સ્પર્શ કર્યો, તરત જ રાજા બેઠા થઈ ગયા. રાજાએ મુનિને પ્રણામ કર્યાં. ‘મને મારા શત્રુઓએ નગરમાંથી કાઢી મૂક્યો છે, તમે મારી રક્ષા કરો.’

પરાશર મુનિએ કહ્યું, ‘હું તમને એક ઉપાય બતાવું છું. ગંધમાદન પર્વત પર બધાં ઐશ્વર્ય આપનાર મંગલતીર્થ છે. તે સરોવર પર રામ સીતા સાથે રહ્યા હતા. તમે પત્ની અને પુત્ર સાથે ભક્તિભાવથી સ્નાન કરો. એ તીર્થના પ્રભાવથી બધા પ્રકારનું મંગલ થશે. યુદ્ધમાં શત્રુઓને જીતીને ફરી રાજ મળશે.’

પછી રાજા, રાણી, બાળકને લઈને પરાશર મુનિ ત્યાં ગયા. મુનિએ પોતે સ્નાન કર્યું અને બધાને વિધિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી મુનિએ રામચંદ્રનો એકાક્ષર મંત્ર આપ્યો. રાજાએ ચાળીસ દિવસ સુધી એ મંત્રનો પાઠ કર્યો અને રાજાને એક સુદૃઢ ધનુષ, બે અક્ષય ભાથા, સોનાની મૂઠવાળી બે તલવાર, એક ઢાલ, એક ગદા, એક ઉત્તમ મુસળ, એક મોટો ધ્વનિ કરતો શંખ, અશ્વસમેત રથ, સારથિ, પતાકા, અગ્નિસમાન સુવર્ણ કવચ, હાર, કેયૂર, મુકુટ, વલય અને બીજાં આભૂષણ, સહ વસ્ત્ર, દિવ્ય માળા: આપી રાજાનો અભિષેક મુનિએ તીર્થજળથી કર્યો.

રાજા કમર કસીને યુદ્ધ માટે તૈયાર થયા અને સજ્જ થઈને રથમાં બેઠા. મુનિએ રાજાને વિધિપૂર્વક બ્રહ્માસ્ત્રનો ઉપદેશ પણ આપ્યો. રાજાએ રથમાંથી ઊતરીને મુનિને પ્રણામ કર્યાં અને વિજય પામવા રથમાં બેઠા. નગરમાં પહોંચીને શંખનાદ કર્યો. એટલે ગોલભ તરત જ બહાર આવ્યો અને ત્રણ દિવસ બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું, ચોથે દિવસે મનોજવે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને શત્રુને હરાવ્યો. પછી ક્યારેય અહંકાર કર્યો નહીં અને રાજ કર્યું.

(બ્રાહ્મ ખંડ — સેતુ — માહાત્મ્ય)