માંડવીની પોળના મોર/માંડવીની પોળના મોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માંડવીની પોળના મોર

અમદાવાદમાં માણેકચોક પાસે માંડવીની પોળ છે. મહાનગરપાલિકાએ હવે તો દરેક પોળના પ્રવેશદ્વારે લંબચોરસ કમાનો બનાવીને મોટા અક્ષરે પોળનાં નામ લખાવ્યાં છે. પહેલાં તો, સફેદ અક્ષરે લખેલું નાનકડું કાળું પાટિયું ઝૂલતું. પોળની અંદર જાવ એટલે નિવાસીઓને માટે અનિવાર્ય એવી સૂચનાઓનું મોટું બોર્ડ હોય. જેમાં રોજેરોજના પંચાંગની વિગતો લખી હોય. સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય લખ્યો હોય. કોઈ ધાર્મિક તિથિ હોય તો દર્શન-આરતીની માહિતી ઉપરાંત પોળના રહીશો માટેની સામાન્ય સૂચનાઓ હોય જેમ કે -’કોઈની ઝાંઝરી મળી છે નિશાની આપીને લઈ જવી.’, અમુક તમુક ભાઈનું પાકિટ પડી ગયું છે તો જેમને મળ્યું હોય તે જાણ કરે. યોગ્ય તે ઈનામ આપવામાં આવશે.’, ‘કચરો ગમે ત્યાં નાંખવો નહીં.’, ‘આવતી કાલે ફલાણા ફલાણાનું બેસણું સવારે આઠથી દસમાં રાખેલ છે.’, ‘એસ.એસ.સી.બોર્ડની પરીક્ષામાં પોળનાં આટલાં આટલાં છોકરાંઓ પાસ થઈ ગયાં છે...’ એમ કરીને એક યાદી વગેરે વગેરે...હવે એવાં સૂચનપાટિયાંની જગ્યા રહી નથી, ફેઇસબુક અને વોટ્સએપના આ જમાનામાં એવી જરૂર પણ નથી રહી. આ પોળ એક જમાનાથી તાંબા-પિત્તળ-કાંસા અને જર્મન સિલ્વરનાં વાસણોની લે-વેચ માટે પ્રખ્યાત હતી. હવે નથી રહ્યો એવો દબદબો કે નથી રહ્યા એવા મહાજન જે આવાં વાસણોની કદર કરે. હવે કોઈ કંસારા, વાસણ ઘડતા નથી. માત્ર જૂનાં વાસણોની લે-વેચ અને તોડફોડ કરે છે અથવા રિપેરિંગ કરે છે. પેલું ઠક.. ઠકાઠક.. ઠક...ઠકાઠકનું નિરંકુશ સમૂહસંગીત કંસારાની પોળમાં પણ બંધ થઈ ગયું છે. આખી પોળની ઊભી હાર બંને બાજુની દુકાનોથી ભરી પડી છે. દરેક દુકાન ધાતુના રણકારે ને આકારે લચી પડી છે. બીજા-ત્રીજા માળનાં મકાનો ગોડાઉનમાં ફેરવાઈ ગયાં છે. ક્યાંક રડયું ખડયું કોઈ રહે છે. પણ સીડીઓમાં વેપારીઓનો એટલો બધો માલ પડ્યો છે કે આવવું-જવું એટલે જાણે વિઘ્નદોડ. પહેલાં તો આ પોળની અંદરના રસ્તા ઘણા મોટા લાગતા. સામસામી બે ઘોડાગાડીઓ આસાનીથી નીકળી જતી. હવે બધી જ દુકાનોએ ઊંટની ડોક જેમ ધીરે ધીરે કરતાં બે-પાંચ બે-પાંચ ફૂટ જગ્યા લંબાવી છે. વધારામાં લટકણિયાંનો તો પાર જ નહીં. ક્યારેક તો થડે બેઠેલો વેપારી યે ન દેખાય! લટકણસેહરો આઘો કરીએ ત્યારે એનો ચહેરો દેખાય, આડી લાઈનોમાં પણ ઊડે ઊંડે રહેણાંકનાં થોડાંક ઘરો બચ્યાં છે એમાં પણ અરધા ઉપરાંતે ગૃહઉદ્યોગ ઘૂસી ગયો છે. ફોલ-છેડા, બાંધણી, ક્રોશિયા, પાપડ, અથાણાં, મસાલા, ચીકી, ટિફિનસર્વિસ, મોતી પરોવણી, ભરતકામ, ભગવાનના વાઘા ને એવું બધું લોક કર્યાં કરે ને દિ’ આખો દોડ્યા કરે. પોતાનાં દુ:ખની આજુબાજુ સુખની તૂઈ મૂક્યાં કરે. બપોરે લાંબી થઈને સૂતી પોળની નિરાંત કોઈ ચોરી ગયું છે. કહો કે પોળનાં મકાનો આડાં ને ઊભાં ફૂલીને ચોરસ રહેવાને બદલે ફૂટબોલ ભણી ગતિ કરી રહ્યાં છે. થોડાઘણા વસે છે એ લોકો પણ બહાર નીકળીને નદીપાર ફ્લેટોમાં જવા ઉતાવળા થયા છે. જેમને પોળ સિવાય નીંદર જ ન આવે તે લોકો પણ ધીરે ધીરે ખાંસતાં ખાંસતાં એન્ટિક કહેવાતાં આ વાસણો જેવાં થતાં જાય છે. એક દુહો છે :

‘કૂવા ઢાંકણ ઢાંકણું ને જગનું ઢાંકણ જાર,
બાપનું ઢાંકણ બેટડો ને ઘરનું ઢાંકણ નાર!’

અમારાં ઘરનાં ઢાંકણહારે એક દિવસ કીધું કે તમે સારું એવું ગોળાઢાંકણ, મતલબ કે એક બુઝારું લઈ આવો અને અમે તો ખેસ ફરકાવતા નીકળી પડ્યા તે સીધા જ માંડવીની પોળે જઈને ઊભા. દુકાને દુકાને ફરીએ ને બાઘાની જેમ બુઝારું માંગીએ. બધેથી દોડીને સામે ‘ના’ આવીને ઊભી રહે. કોઈ વળી પીડાની લકીરવાળું હાસ્ય વેરીને કહે કે આર.ઓ.- ફિલ્ટર અને ફ્રિજના આ જમાનામાં, કોઈના ઘરમાં ગોળા જ ક્યાં રહ્યા છે તે બુઝારાં હોય? પાછું અમારે તો માથે કળાયલ મોર હોય એવું બુઝારું જોઈતું હતું! બુઝારું ક્યાંય જડે નહીં ને નજર રોકી રોકાય નહીં. પછી તો ભાઈ એવું થયું કે છીંડું શોધતાં લાધી પોળ! બુઝારું મેલ્ય પડતું ને અમે તો ઠામોઠામના અસબાબ જોવામાં પડી ગયા. એક દુકાનમાં પિત્તળની વજનદાર સાંકળો લટકે. એના અંકોડે અંકોડે કલાકારે જીવ રેડેલો. હાથી, ઘોડા ને પૂતળીઓ. બીજી સાંકળમાં દશાવતાર! પિત્તળમાં શિલ્પ, પણ એની નકશી બડી નાજુક. આંખ-કાન-નાક સુરેખ અને દેહ સુડોળ. એમ લાગે કે આ સાંકળ તો નગરશેઠના વંડેથી અથવા કોઈ નાગરશ્રેષ્ઠની હવેલીના હિંચકેથી જ આવી હશે. વચ્ચે વચ્ચે થોડા અંકોડા ઘસાયેલા તે એમ લાગે કે વાપરનારની સાતેક પેઢી તો ઝૂલી જ હશે. વળી વિચાર આવ્યો કે સાંકળ છે તો ક્યાંક હિંચકો યે હશે ને? સાવ અમથી તો આ નહીં ઝૂલતી હોય! ઝૂલતી કે ઝૂરતી? પાનપેટી પણ હોવી જોઈએ. પૂછ્યું તો કહે હિંચકા તો બધા કબાડી મારકિટની પછીતે પડ્યા હશે, પણ પાનપેટી માટે પાછળના ભાગમાં આવો! જોયું તો દસ-પંદર પેટીઓ એકબીજીની સોડમાં પડી હતી. એક જુઓને બીજી ભૂલો. લંબચોરસ, ત્રિકોણ, ષટ્કોણ અને પાનના આકારની નાનીમોટી પેટીઓ. એમાંની એક, જર્મન સિલ્વરની. હું ઉઘાડવા જતો હતો ત્યાં વેપારી કહે ‘આસ્તેથી....!બધાં ઢાંકણ ઊછળીને બહાર આવી જશે!’ ધીમે રહીને ઉઘાડી તો પહેલું જ સૂડી મૂકવાનું ખાનું. બાજુમાં સોપારીઓ પડી રહે એવાં ચાર ખાનાં. એકમાં શેકેલી ને બીજામાં કાચી. ત્રીજામાં વરિયાળી અને ચોથામાં ધાણાની દાળ કે ટોપરાનું રંગીન છીણ રહેતું હશે. એ પ્લેટ હટાવી તો કાથા-ચૂના-લવિંગ-એલચી-જરદો અને સુગંધિત મસાલો મૂકવા નાની નાની છ ડબ્બીઓ. એ ડબ્બીઓ ખોલી તો ક્યાંક વર્ષો જૂનો હાથે કમાવેલો ચૂનો અને કાથો હજીયે ચોટેલો હતો. ચૂનામાં પડેલી તિરાડો ન હોત તો એમ લાગે કે હમણાં કોઈની તર્જનીનું ચક્ર દેખાશે! એ પ્લેટ બાજુએ મૂકી તો નીચે પાન મૂકવાની જગ્યા ઊઘડી આવી. એમાં ત્રણેક ઈંચની કાકરવાળી કાતર. જેનાથી પાનની કોર કાપો તો તોરણિયો આકાર રચાય. આ ખાનામાં દેશી, કપૂરી, કલકત્તી, બનારસી, બંગલો, મઘઈ અને માંડવા જેવાં અનેક પ્રકારનાં પાન પડ્યાં રહેતાં હશે. દેશીનો ડૂચો લાંબો ચાલે, કપૂરીનો તમતમાટ મગજની કોશિકાઓને જાગ્રત કરે, કલકત્તી મીઠું તે મોંમાં મેલ્યા ભેગું જ ઓગળી જાય, બનારસી કડક હોય તો લગાર તૂરું, બંગલો તીખું-મર્દાના, ભલે મોઢું જરા કડક કરી દે પણ મઘઈની સુગંધ ઊડ્યા વિના ન રહે. માંડવાનો રંગ અને સ્વાદ શ્યામતુલસી જેવો. જીભને થોડી વાર માટે બહેરી કરી દે. જેવી જેની રુચિ! પાનના ગલ્લા અને માવા-મસાલા-ગુટકાના આ સમયમાં, એક આખી પરંપરા ગોપવીને પડેલી પેટીમાં બધું હતું એમ પાછું ગોઠવ્યું. પાછી ઘોડામાં હતી ત્યાં મૂકવા જાઉં છું તોનીચે પેટીના પેટમાંથી નીકળી આવ્યા હોય એવા એકદમ કળાત્મક, સિંહાસનના હોય એવા ચાર લઘુક પાયા પર નજર પડી. કિંમત સાંભળીને એ સમૃદ્ધિનું મૂલ્ય મનમાં ઠરાવ્યું. બાજુમાં જ નાની-મોટી તાંબાકૂંડીઓ પડી હતી. એમાંની એક ઉપાડી તો ભાર અનુભવાયો. ખાસ તો એનાં મજબૂત કડાં. કંસારાએ ઘડતી વખતે મારેલા લાકડાની મોગરીનાં ચિહ્નો હજી એવાં જ પાસાદાર હતાં. હા, થોડો મેલ ચડી ગયો હતો. ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે એના કડાં ઉપર માછલીઓની આકૃતિઓ ઊપસેલી હતી. વધારે ઝીણવટથી જોયું તો આખી તાંબાકૂંડીમાં સમુદ્રની લહેરો જેવાં વળિયાં હતાં અને એય તે ઘડતરમાં જ! વિચારું છું કે એ કયો વેદપાઠીવિપ્ર હશે જેણે આમાં ભરેલા હૂંફાળા ગંધોદક વડે અભ્યંગ કર્યો હશે ને પછી સોનેરી કિનારનું પીતાંબર પહેરીને નિત્યોપાસનામાં પરોવાયો હશે? પેલીની સહેલી જેવી જ બીજી ગંગાજમની કૂંડીએ મારી સામે જોયું. આખી તાંબાની, પણ એના પેટ ઉપર પિત્તળનો પટ્ટો. પટ્ટા પર ઘડાઈનાં કોઈ નિશાન નહીં પણ એમાં જળઝીલણી એકાદશીની આખી પાલખીયાત્રા કોતરેલી. આગળ-પાછળના માણસો ખભે પાલખી ઊંચકીને ચાલે. આગળનાઓના હાથમાં પરચમ, ધજા, નિશાન, ડંકા વગેરે. બધું જ ગતિમાં. પાલખી જાણે પૂછતી ન હોય કે મારી તાંબાની લોટી ક્યાં? હા, એમ તો પાટલો, પનિયું અને કેડ્યમાં કરડે એવી ઊનની કામળી પણ યાદ આવી ને એની સાથે જ ઘરની પાછળનો વાડો પણ ખુલ્લો થઈ આવ્યો. ‘ગંગે ચ યમુનૈ ચ ગોદાવરી... બોલતો બોલતો એક વિપ્ર વાડામાં જ પ્રયાગસ્નાન કરવા બેસી જાય છે અને એની એ લોટી દરેક વખતે અલગ અલગ નદીનાં જળથી એના મસ્તિષ્ક પર અભિષેક કરે છે. એકદમ કસાયેલું ગોરું ને થોડીક ચરબીવાળું શરીર લૂછીને એ રતુંબડો ગમછો ધારણ કરે છે. એનું પનિયું તો એ સુકાય પેલી ભીંતે બાંધેલી દોરીએ! જરાક હાથ ઊંચો કરું છું તો આડીઅવળી અનેક જલાધારીઓ પડી છે. કોઈ તાંબાની તો કોઈ પિત્તળની. એકાદ સફેદ ધાતુની આધુનિક! એકમાં તો કાળું ભમ્મર મોરના ઈંડા જેવડું શિવલિંગ પણ છે. કોઈનો સાપ છૂટો થઈને આડો પડ્યો છે તો કોઈએ વળી કંસારાની જાણ બહાર ફણા માંડી દીધી છે. ફણામાંનું ત્રિશૂળ બંને બાજુ વળાંક લઈ રહ્યું છે. બરાબર એની નીચે જાળીવાળી એક મોટી તાસકમાં પંચધાતુ ઉપરાંત પિત્તળના પોલા પોઠિયા અને બેઠેલી-ઊભેલી ગાયો પડી છે. એમાંના એકની અણીદાર શિંગડીનો વળાંક મનને મોહી લે છે. ઉપાડું છું તો નંદીનો હોય એવો જ ભાર લાગે છે. વિચારું છું કે કોઈ એક સમયે આ બધાં ઉપર પંચામૃતની ધારાઓ વહી હશે અને સાક્ષાત્ શશિશેખરે કોઈને બ્રહ્મનો માર્ગ બતાવ્યો હશે. સંભવ છે કે કોઈએ ક્રિયા-કર્મના ભાગરૂપે આ બધું બ્રાહ્મણને દાનમાં પણ આપ્યું હોય! બાજુમાં જ ભૂલથી આવી ગયાં હોય એમ પિત્તળની સાણસી, આંકડિયા તૂટી ડોલ, એક નાનકડી ટોયલી, કોઈ ફુવડના ઘરેથી આવી હોય એવી ચાની કિટલી તે એના નાળચામાં જામી ગયેલી ચાની કાળી ભૂકી હજી પણ દેખા દે છે; ખમણવાની છીણી, લોખંડના સળિયાવાળો ડોયો, તવેથો ને એવું બધું પડ્યું છે. ઉંદરના મૂતરના ડાઘાડૂઘીવાળી તાંબાની આખી ઉતરડ એક ખૂણામાં પડી હતી. નિશાળમાં કક્કો બોલતી વખતે ‘ઉ ઉતરડનો ઉ’ એમ બોલતાં. મોટા દેગડાથી શરૂ થયેલી ઉતરડ પર આંખ એક એક પગથિયું ચડે છે ને છેલ્લે નવ્વાણું રને આઉટ થતા ક્રિકેટર જેવા હાલ થાય છે. સૌથી ઉપરની નાનકુડી લોટી છે તો ખરી પણ એના શિખરસમાન ઢાંકણી ક્યાંક અલોપ થઈ ગઈ છે. નજરયોગની સાધના અધૂરી મૂકીને દાબડાઓની દિશામાં આગળ વધું છું. હથેળીમાં સમાય એવડાથી લઈને બે હાથે ઊંચકવા પડે એવા દાબડા સંપીને બેઠેલા હોકો પીતાં વૃદ્ધો જેવા ભાસે છે. આગળ નકૂચા ને પાછળ હાથે ઘડેલા મિજાગરા. ઢાંકણની વચ્ચે ગોળ કડું. બેસીને બે પગ વચ્ચે દાબડાને દબાવો. જમણા હાથે ઉપરનું કડું પકડો, ડાબા હાથે નકૂચો ખોલો ને પછી ખાધેલું ખભે લાવો ત્યારે દાબડો ખૂલે! અંદરની હવા મોચન લહે ને કહેતી જાય કે આમાં વર્ષો સુધી મણિમા કે રંભાકાકી શું ભરતાં હતાં. દાબડેદાબડાના પેટની ગોળાઈ અલગ. એક જેવી બીજી નહીં. કોઈ રેચક કરે તો કોઈ કુંભક. દીવાલના મૂળમાં પડઘલી ઉપર, બે ડબ્બાથી માંડીને પાંચ ડબ્બા સુધીનાં ટિફિન, ખંડિત-અખંડિત દશામાં હારબંધ મુકાયાં છે. મોટા ભાગનાં તો કારખાનાંવાળાંનાં કે મિલમજૂરોનાં જ હોવાં જોઈએ. અપડાઉનવાળાંનાં પણ હોઈ શકે. કોઈ ટિફિનની બાજુની પટ્ટીઓ ખૂલી ગઈ છે. એકની તો સામે કાણામાં ભરાવવાની ઠેસી જ નથી, પણ લોક કરવાનો આંકડિયો સલામત છે. એકબીજાના ડબ્બાઓ આડાઅવળા થઈ ગયા છે. સ્ટેનલેસ સ્ટીલનાં એકાદ બે બાદ કરતાં, મોટા ભાગના પિત્તળના જ છે અને લગભગ દરેક ડબ્બાની, ઊટકાઈ ઊટકાઈને કલાઈ ઊતરી ગઈ છે. કલાઈ જોઈ કે તરત જ, ગરમાગરમ લાલચોળ વાસણમાં ચમકતી કલાઈનું ટપકું મૂક્યા પછી, નવસાર નંખાય ને જે ધુમાડો ઊઠે એની તીવ્ર ગંધ અમારા નાકને ઘેરી વળી. એક મોટા તપેલામાં પિત્તળનાં અગરબત્તી ખોસવાનાં સ્ટેન્ડ અને સૂંઘવાની કે ઘસવાની છીંકણીની નાની નાની ડબ્બીઓ જોઈ, કે તરત જ નવસારની ગંધે અમારા નાકમાંથી જાતે જ મુક્તિ મેળવી લીધી અને મોગરાની તથા ગુલાબ કે એન્જિનછાપ તપકીરની ગંધને જગ્યા કરી આપી. અચાનક નાકમાં સળવળાટ થાય છે ને અમે ધડાકાભેર એક બે છીંકો ખાઈ ઊઠીએ છીએ. કંઈ કામ કરતાં હોઈએ ને અચાનક જ ભૂખ લાગ્યાનો અહેસાસ થાય એમ વચ્ચે વચ્ચે બુઝારું યાદ આવી જાય ને આ પાત્રશૃંખલા તૂટે. એમ તો સામે જ પિત્તળનાં ગરવાં પડ્યાં છે પણ ક્ષુધાતોષના કાર્યમાંથી એમણે રાજીનામાં આપી દીધાં છે. આ ગરવું રોટલી, ભાખરી, થેપલાં, પૂરી, ઢેબરાં અને વધેલાં શાકની વાટકીઓ વગેરેને પોતાનાં પેટમાં ભરી રાખે. કેટલાક લોકો એને ગરમું પણ કહે. ગરમુંમાં કદાચ ગરમનો ભાવ ઠરતો હશે પણ ગરવુંમાં તો નર્યું ગૌરવ. ઘર-કુટુંબનું ગૌરવ જાળવી રાખે. આવેલા મહેમાન સમક્ષ ઉઘાડું ન પડે! આ ગરવું ત્રણ ટાઈમ ઊઘડે-વસાય. સવારે, રાતની વધેલી ભાખરી અને ચાનો મેળાપ થાય. બપોરે ગરમાગરમ રોટલીઓ ઘીની સોડમ લઈને એમાં ઊતરે. સાંજે વાળુ પછી સંજેરો થાય ત્યારે જે કંઈ વધ્યું હોય એ પોતાનામાં સમાવીને મોઢું ભીડી લે. મોટા ઘરનું હોય એવું એક ગરવું જોયું ને કુવિચાર આવી ગયો. આનું ઢાંકણું બુઝારા તરીકે ન ચાલે? અંદરથી મણએકનો નકાર આવ્યો. ના. ન જ ચાલે. આ ઢાંકણની રચના જ એવી કે બંધ કરો ત્યારે બહારની હવા અંદર ઓછામાં ઓછી જાય. કેમકે એની ધાર સહેજ બહારની બાજુ વળેલી હોય. ઉઘાડો ત્યારે પણ અંદરની હવાનો જરાતરા અનુભવ કરાવે. બુઝારાની કોર તો ગુંબજના રવેશની જેમ બહારની બાજુ નીકળેલી હોય. આઈડિયા કેન્સલ! અને આમેય ગરવાથી એના ઢાંકણને અલગ કરવાનું પાતક આપણે શીદ વહોરવું? દુકાનની અંદર પડતાં બારણાંની પાછળ બંને બાજુ કંઈનું કંઈ પડ્યું હતું. એ બધી વસ્તુઓનું દબાણ એટલું બધું કે બારણાં અધૂકડાં જ ઊઘડે. અંદર જઈને પહેલાં તો ટ્યૂબલાઈટ ચાલુ કરાવી. જમણા બારણા પાછળનું જોવા કાઢ્યું તો શામળાજીનો મેળો જ જોઈ લો! ભગવાનને બેસારવાનાં કોતરણીવાળાં સિંહાસનો. કોઈ વળેલાં, તો કોઈ વળી, દોરંગી દુનિયા જોઈ વળેલાં! એક બે અત્તરદાની હતી, પણ જેમાંથી સુગંધ પ્રસરે એ છિદ્રો જગતના મેલને કારણે બુરાઈ ગયાં હતાં. આરતીઓનો તો પાર જ નહીં. આડી પડેલી ઘંટડીઓ જરાક હલે તોય રણકી ઊઠે. તાંબા-પિત્તળના લાંબા લાંબા તારનાં મોટાં મોટાં ગૂંચળાંઓ વચ્ચે કરોળિયાએ જાળું નાખ્યું હતું. બધું ખસેડયું તો કબડ્ડી રમતાં હોય એવા કેટલા બધા લાલજી! એક લાલજી નીચે પડ્યા તો બીજા બે-ત્રણ એમની ઉપર ચડી બેઠા. એક તો પગ મચકોડાઈ ગયો હોય એમ સાવ અળગા પડેલા. મોઢેથી જરા કૂંગરાયેલા લાગે! બાકી તો તૂટેલી સાંકળો, નાની નાની ટોયલીઓ, આચમની ને પંચપાત્ર, તમાકુનાં ભૂંગળાં ને એવું બધું પડ્યું હતું. બીજા બારણાની પછવાડે જોયું તો બાદશાહો વાપરતા એવી જર્મન સિલ્વરની થૂંકદાનીઓ, કાંસાના થાળી-વાડકાઓ, આદુ ટીચવા કામ લાગે એવા વજનદાર ખાયણી-દસ્તો, વચ્ચોવચ્ચ હિન્દીમાં અર્ધ ગોળાકારે જયહિન્દ લખેલા આંકડિયાવાળા કપ-રકાબીના ઘોડા, બટાઈ ગયેલા ઘી-વાળી કાળી પડી ગયેલી દીવીઓ આમતેમ રવડતી હતી. એમાં મત્સ્યાવતાર માફક અચાનક જ પ્રગટી આવ્યું એક બુઝારું! જોયું તો એક નહીં પણ બે. પહેલાની પાછળ જ બીજું સંતાઈને પડેલું. લાગ્યું કે જન્મારો સાર્થક થઈ ગયો. ભવના ગોળાનું જાણે ઢાંકણ મળી ગયું! ઘાટેઘૂટે બહુ સરસ. જોઈએ એવાં જ વજનદાર! અરે પણ આ શું? બે માંથી એકેયને ઉપરનું ટોપકું જ નહીં? ટોપકાંની નિશાનીસમાં માત્ર છિદ્રો જ? બે ય હાથમાં એકેક બુઝારું લઈને શેઠને પૂછું છું: ‘શેઠ! આના મોર ક્યાં?’ ઊંઘરેટી આંખે શેઠ બોલ્યા : ‘મારા સાહેબ! મોર તો ક્યારના ય ઊડી ગયા! આ તો આપણે શોધ્યા કરીએ એટલું જ!’