માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૭

સત્રાજિત વળી થોડાં વર્ષ ગુમ થઈ ગયો. પણ આ વેળા પાછો આવ્યો ત્યારે તેનો દમામ ઓર વધી ગયો હતો. હાથીની અંબાડી પર બેસીને તે આવ્યો. સેવકો તેને છત્ર-ચામર ઢોળતા હતા. આગળ છડીદાર ચાલતા હતા. ભેરી, ભૂંગળ વાગતાં આવતાં હતાં. પરદેશથી આવતા કોઈ યાદવે આ પહેલાં આવી જાહેરાત નહોતી કરી. આખી નગરીનું આકર્ષણ કરે એવી વસ્તુ સત્રાજિતે ઊડીને આંખે વળગે એ રીતે પહેરી હતી. તેની મોતીની માળાના ચગદામાં એક અત્યંત પ્રકાશિત મણિ ઝળહળતો હતો. એ હતો સ્યમન્તક. દ્વારિકાના નગરજનોની એ મણિએ આંખો આંજી નાખી. નાગરિકો પરસ્પર વાતો કરવા લાગ્યા : “અરે, શું સૂર્યદેવ પધાર્યા છે આજે?” “તું પણ ખરો છો. સૂર્ય આવે તો આમ હાથી પર આવે કે સાત ઘોડાના રથમાં?” “ત્યારે ઈન્દ્ર હશે?" “શ્રીકૃષ્ણનાં દર્શન કરવા ઘણા દેવતાઓ આવે છે. આ કયા દેવ હશે?” “કોઈ દેવ નથી, આપણો સત્રાજિત છે.” “સત્રાજિત? પેલો યુદ્ધનું નામ સાંભળી ભાગી છૂટનારો? તેનો આટલો વૈભવ?" “હા, કહે છે કે વિદર્ભમાં તે અપાર ધન કમાયો છે. આમ વાજતેગાજતે ન નીકળે તો આપણને ખબર કેવી રીતે પડે?” યાદવો સંપત્તિની સરસાઈ કરવામાં પડ્યા હતા. પણ લક્ષ્મીનું આવું અભદ્ર પ્રદર્શન આજ સુધી કોઈએ નહોતું કર્યું. મોટી કરુણતા તો એ હતી કે જે જીમૂતને બળરામે રજા આપી દીધી હતી તેને જ સત્રાજિતે રોકી લીધો હતો. વિદર્ભમાં તેણે વિશાળ જમીન ખરીદી મોટા પાયા પર ખેતી કરાવી હતી. રાજ્યોને યુદ્ધો ખેલવા માટે શસ્ત્રો જોઈતાં હતાં તેમ અનાજનો પુરવઠો પણ જોઈતો હતો. શસ્ત્રની જેમ જ અનાજનો ઊંચો ભાવ આપવામાં તે પાછું વળી નહોતાં જોતાં. જીમૂતની સિદ્ધિના બળે સત્રાજિતને ત્યાં લક્ષ્મીનો વરસાદ વરસવા માંડ્યો. સ્યમન્તક મણિને ધારણ કરી આવેલા સત્રાજિતને જોઈ ઘણા યાદવો અસંતોષ અને અદેખાઈથી બળવા લાગ્યા. “પ્રભાસક્ષેત્રમાં ધરતીને ઝેર પાયું, એ તો ઊગી નીકળ્યું, નાનકા,” બળરામે કૃષ્ણને કહ્યું : “હાથીની અંબાડી પર મણિધર નાગની જેમ ડોલતો સત્રાજિત આવ્યો છે. સાંભળ્યું ને?” કૃષ્ણ ઊંડી ચિંતામાં ડૂબી ગયા હતા. તેમના કમળ જેવા પ્રફુલ્લ ચહેરા પર લીલી માખીની જેમ ઉદાસી આવીને બેઠી હતી. એક હાથે તેને જાણે ઉડાડી મૂકતાં કૃષ્ણે કહ્યું : “માનવીનું વહાણ ખરાબે ચડે, દિશા ચૂકી જાય પણ તેથી એને કાંઈ નસીબ પર છોડી દેવાય, મોટા? આપણો તો મંત્ર છે, હેઈસો! હેઈસો!” “તારી સામે કોઈ ધ્રુવની દિશા છે? કે બસ એમ જ હેઈસો?” “માત્ર દિશા જ નહીં, દૈવતને પણ જોઉં છું મોટા,” કૃષ્ણે પોતાની છાતી પર હાથ મૂકી કહ્યું. એ છાતીમાંથી કોઈ માલમીનો અવાજ તે સાંભળતા હતા. ભયંકર તોફાનો વચ્ચે હાલકડોલક વહાણમાં પગ ખોડીને ઊભેલા પડછંદ માલમીનો અવાજ. પોતાની ઝેરી દાઢ ફેલાવતા, ભયાનક જીભ લપલપાવતા, ફુત્કારતા ને ફેણ માંડતા કાળા નાગ જેવાં આંધી તોફાન આવી ચડે ત્યારે આ માલમી તેની સામે અદબ વાળી ઊભો રહેતો. અપલક મીટ માંડતો. કહેતો : કદાચ તને આ વિષધર ડંખ મારે તોયે પરવા નહીં. એ તારું રૂંવાડુંયે ખાંડું નહીં કરી શકે. તું સ્વયં મૃત્યુઓનું મૃત્યુ છો. તારું સ્વરૂપ જો, અને સામનો કર! કૃષ્ણે સત્રાજિતને બોલાવ્યો; કહ્યું : “સત્રાજિત, તમારો મણિ મને સોંપી દો.” "કેમ?" “તમારી પાસે સ્યમંતક રહેશે તો માણસોને આંધળા કરી દેશે.” “તમારે મારો મણિ પડાવી લેવો છે, એમ? નહીં આપું, નહીં આપું, મારો મણિ તમને કદાપિ નહીં આપું.” સત્રાજિતે કૃષ્ણનું કહેવું ન માન્યું, ત્યાં તેનો મણિ જ ગુમ થઈ ગયો. સત્રાજિત ગાંડાની જેમ છાતી કૂટતો દ્વારિકાની બજારમાં બરાડા પાડવા લાગ્યો : “ચોર! ચોર! કૃષ્ણ ચોર. મારો મણિ ચોરી ગયો. નાનપણમાં માખણ ચોરે તે મણિ શું કામ ન ચોરે? ચોરીની ટેવ પડી હોય તે ચોરે, ચોરે, ધરાર ચોરે. મારો મણિ કોઈ અપાવો! ચોરને દંડ આપો!” કૃષ્ણને માથે મોટું આળ ચડ્યું. જે યાદવોને તેમણે સમૃદ્ધ અને સબળ બનાવ્યા એ જ તેમને લાંછન લગાડવા લાગ્યા. યાદવોમાં બે પક્ષ પડી ગયા. મણિની બાબતમાં ગૃહયુદ્ધના ભણકારા વાગવા માંડ્યા. અક્રૂર, કૃતવર્મા, શતધન્વા વગેરે સત્રાજિતના પક્ષમાં ભળ્યા; બભ્રુ, ગદ, સાત્યકિ કૃષ્ણના અપમાનથી લાલચોળ બની ગયા. સાત્યકિએ તો ભરબજારમાં સત્રાજિતને મારી નાખવા માટે સાંગ ઉપાડી, પણ કૃષ્ણે તેને વાર્યો. “સત્યા, યાદ રાખ કે કોઈનું કલંક લોહી રેડવાથી નથી ભૂંસી શકાતું. એ ભૂંસવા માટે તો પોતાની જિંદગી ઘસી નાખવી પડે છે - ચંદનની જેમ.” પોતાની ગદા લઈ સત્રાજિતના ઘર ભણી ઊપડતા બળરામને કૃષ્ણે રોક્યા ન હોત તો તે દિવસે ઘણા યાદવોનાં માથાં ભાંગત. યાદવોને આટલી સમૃદ્ધિ અપાવવા માટે બળરામે બધો જ રોષ કૃષ્ણ પર ઠાલવતાં કહ્યું : “તેં જ આ બધાને ફટવી માર્યા છે, નાનકા, આ આયરો બે દમડીનેય લાયક નથી. તું શા માટે દુનિયાનાં હીરામોતી, માણેકથી તેમનાં ઘર ભરે છે? આ હરામજાદાઓ તને - તને ચોર કહે એમ? એટલી હિંમત? જોઉં છું કોણ દીકરો આવો હરફ કાઢે છે!” કૃષ્ણે બળરામને હાથ પકડી બેસાડ્યા. શાંત પાડતાં કહ્યું : “મોટા, ઘણા માંધાતાઓ ઇચ્છે છે કે આ કાલ સવારના ગોવાળિયા અંદરોઅંદર લડી મરે. તમે જ એ લોકોનું ગમતું કરશો? અને કેટલીક ગાળ તો ગળાનો હાર કરીને પહેરવા જેવી છે. આજે કેટલાક યાદવો મને સ્યમંતકનો ચોર ગણે છે. પણ હું એથી વધારે મોટો ચોર છું, એવું એ લોકો જાણે–” બળરામ આંખો ફાડી જોઈ રહ્યા. વળી એક વાર કૃષ્ણ તેને ન સમજાયો. “તું ચોર? સ્યમંતક મણિ કરતાંયે વધુ ચોરી?” “હા, આ યાદવોના મણિની નહીં, તેમની લોભવૃત્તિની.” “પણ આવા મણિ યાદવોના ઘરમાં ન ઘાલીએ તો?” “એ બહારથી લાવવા નથી પડતા. માનવીના હૈયામાં જ પડ્યા હોય છે. માનવીની મુઠ્ઠીમાંથી કોઈ મણિ છોડવાથી મૂળમાં પડેલો મણિ નહીં જાય, મોટા, મારું મન તો મૂળ જ ખોદી નાખવા માગે છે.” "કેવી રીતે?" “આ મણિની નિર્માલ્યતા જો બતાવી શકું એક વાર!” પછી પોતાની છાતી પર હાથ મૂકી કહ્યું : “આમાં બેઠો છે, તે કાંઈક માર્ગ બતાવશે. તમે બેફિકર રહો, મોટા!” અખિલ વિશ્વનો જે કલ્યાણમિત્ર તેને પોતાના ઘરમાં જ ચોર કહેનારા લોકો નીકળ્યા. મણિની ભાળ મળે તે પહેલાં એક બીજી વાત બહાર આવી. જે દિવસે મણિ ચોરાયો તે દિવસથી પ્રસેનનો પત્તો નહોતો. પ્રસેન સત્રાજિતનો નાનો ભાઈ હતો. સત્રાજિત સાથે તે બળરામની ખેતી જોવા આવ્યો હતો અને પ્રભાવિત થવાને બદલે પરેશાન થઈ ગયો હતો. સત્રાજિતનો સગો ભાઈ. પણ તેનાથી જુદી જ પ્રકૃતિનો, ધૂની, વેરાગી, જંગલ અને જંગલી લોકોનો પ્રેમી. બળરામને તેણે કહ્યું હતું : “આ દ્વારિકામાં ધૂળના ઢગલા પડ્યા છે, તો તમારા ખેતરમાં રાખના ઢગલા છે, હલધર! આ કાંઈ જિંદગી નથી. જિંદગી જોવી હોય તો ચાલો બતાવું જંગલમાં. રથે ચડો, કે હળે જૂતો, બેય ગુલામી. સ્વાધીન જીવન તો છે જંગલમાં. આવો, જોવું છે?” પ્રસેનની આંખમાં ચમક હતી. દ્વારિકાના લોકો તેને પાગલ ગણતા. સત્રાજિત વેપારધંધાને લીધે પરદેશ ઊપડી જતો તો પ્રસેન દિવસો સુધી જંગલમાં ખોવાઈ જતો. બરડા બાજુનાં જંગલો, ડુંગરાઓમાં તે ઘૂમ્યા કરતો. થોડા દિવસ થયા પ્રસેનનો પત્તો નહોતો. એક કઠિયારો સમાચાર લાવ્યો કે તેણે પ્રસેનને ઋક્ષજાતિના જંગલપ્રદેશમાં જતો જોયો હતો. ઋક્ષજાતિનાં બાળકો તેની આસપાસ કૂંડાળે વળી નાચતાં હતાં અને પ્રસેન એક ચમકતી વસ્તુ ઉછાળી ઝીલતો હતો અને ગાતો હતો. છોકરાઓ પણ તેની સાથે તાળી પાડી ગાતા હતા. આ સમાચાર સાંભળી બળરામની છાતી ગજ ગજ ફૂલી. તેણે કૃષ્ણને કહ્યું : “પ્રસેન શું ગીત ગાતો હશે, કલ્પના આવે છે, નાનકા?” “એમ ગાતો હશે કે, ચાલો, બચ્ચાઓ, આપણે આ પાંચીકે રમીએ.” કૃષ્ણે કહ્યું. “અને એમ પણ ગાતો હશે કે રમી કરીને ચાલો, ઓલ્યા દ્વારિકાવાળાના માથામાં મારીએ.” બળદેવે પૂરું કર્યું. પ્રસેને ઋક્ષજાતિનો પ્રેમ અને વિશ્વાસ જીતી લીધા હતા. તે ઋક્ષોની ભાષા બોલતો, તેમની સાથે ખાતો, પીતો, નાચગાન કરતો અને તેમનાં બાળકોને લઈને ઘૂમતો. ઋક્ષોને યાદવો પ્રત્યે ઘૃણા ને સૂગ હતી. મહાપરાક્રમી યાદવો પણ ઋક્ષપ્રદેશથી આઘા રહેતા. ઘોર અરણ્ય અને વંકા ડુંગરથી ઘેરાયેલો એ પ્રદેશ અભેદ્ય ગણાતો. ઋક્ષોનો રાજા જાંબવાન ઘણો જોરાવર હતો. આ કાળા, શરીરે રુવાંટીવાળા અને કદાવર જંગલી લોકોનો પડછાયો લેવામાં પણ યાદવો સભ્યતાનું અપમાન સમજતા અને પોતાની સલામતી જોતા. થોડા દિવસો પ્રસેનની વાટ જોવામાં આવી પણ તેનો પત્તો નહોતો. સ્યમંતક મણિ સત્રાજિતને પાછો અપાવવા અને પોતા પરનું કલંક ટાળવાનો કૃષ્ણે નિશ્ચય કર્યો. બેત્રણ યાદવોને લઈ જાંબવાનના પ્રદેશમાં જવાનું નક્કી કર્યું. કૃષ્ણે સત્રાજિત, કૃતવર્મા અને સાત્યકિને બોલાવી કહ્યું : “આપણે મણિની તપાસ માટે જવાનું છે.” પછી ઉમેર્યું, “જાંબવાનની ગુફામાં.” પહેલાં તો ત્રણે યાદવ મહારથીઓ છળી ઊઠ્યા. “જાંબવાનની ગુફામાં?” “હા, એ વિના મણિ હાથ નહીં આવે." “પણ કેશવ, આપણે સૈન્ય લઈને જ તૂટી પડીએ તો? આપણી નજીકમાં રહેલું આ કાળું ધાબું કાયમને માટે ધોઈ નાખીએ.” કૃતવર્માએ કહ્યું. “એમ એ ધાબું નહીં ધોવાય, કૃતવર્મા, કદાચ આપણું સૈન્ય જ ધોવાઈ જશે અને મણિ તો એ રીતે આપણા હાથમાં નહીં આવે. તમારે મણિ પાછો મેળવવો છે કે મને કાયમનો ચોર ઠેરવવો છે?" કૃષ્ણની સીધી વાતથી કૃતવર્મા અને સત્રાજિત શરમાયા. કૃષ્ણે કહ્યું : “આપણે બેત્રણ જણા છૂપી રીતે જાંબવાનને ત્યાં જઈ પહોંચીએ. પ્રાણનું જોખમ છે, પણ ખેડ્યા વિના છૂટકો નથી.” “હું તૈયાર છું. ક્યારે ઊપડવું છે, કહો!” સાત્યકિને કોઈ નવું સાહસ કરવાનું આવે કે આનંદ આનંદ થઈ જતો. સત્રાજિતને તેનો ચેપ લાગ્યો. બોલી ઊઠ્યો : “આવતી કાલે અમાસ છે. તેના અંધારાનો લાભ લઈ નીકળી જ પડીએ. પણ જાંબવાનની ગુફા વિષે જાણકાર તો સાથે જોઈશે ને?" કૃષ્ણે કહ્યું : “તમારી ઉંમર થઈ છે. સત્રાજિત, તમને આવા જોખમમાં ઉતારવા નથી માગતો. તમારો મણિ ગુમ થયો છે, એટલે તમને મંત્રણામાં સાથે રાખ્યા છે. કૃતવર્મા, સાત્યકિ અને હું આવતી કાલે નીકળી પડીશું. અમારી ત્રણ દિવસ રાહ જોશો, ન આવીએ તો સભાપાળ પાસે ઘંટનાદ કરાવી યાદવ નાયકોને જાણ કરશો.” સત્રાજિતને થયું કે મણિ પોતાનો અને કૃષ્ણ તેને માટે મોતના મુખમાં પગ મૂકવા તૈયાર થાય છે! તેને પોતે કોઈ ગુનો કર્યો હોય તેમ લાગ્યું. કૃષ્ણની નિંદા કરવા બદલ ભારે પસ્તાવો થયો. તેણે ફરી આગ્રહ કર્યો : “હું પણ સાથે જ આવું છું. સ્યમંતકની ચોરીનું મેં આળ મૂક્યું છે, તે મારે હાથે જ ધોઈ નાખવું છે.” “તેને માટે કોઈ બીજો સમય રાખો.” કૃષ્ણે કહ્યું : “જાંબવાનને ત્યાં ગયેલા એમ પાછા ફરતા નથી. મારી સાથે કૃતવર્મા અને સાત્યકિ હોય તો બસ છે.” “પણ કોઈ જાણકાર?” કૃતવર્મા પૂછી બેઠો. “મેં ચોરી નથી કરી, પણ ચોરવિદ્યામાં હું કુશળ છું, એટલું તો મારે તમને બતાવવું પડશે. અને ચોરને હજાર આંખ હોય છે, ચિંતા ન કરશો.”