રણજિતરામ ગદ્યસંચય – ૨/અભિજ્ઞાન શાકુન્તલની સમાલોચના

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અભિજ્ઞાન શાકુન્તલની સમાલોચના

દુર્વાસાનો શાપ શકુન્તલાની કથાની પ્રધાન ઘટના છે. આ ઘટનાને લીધે શકુન્તલાની કથા નાટકરૂપ પામી છે. નહીં તો વાર્તા માત્ર જ થાત. કહેવાની જરૂર નથી કે જે કથા હોય છે તે તે બધી નાટક થઈ જતી નથી. અરબી રજની (અરેબિયન નાઈટ્સ) નામના ગ્રન્થમાં સહસ્ત્રાધિક વાર્તાઓ છે; છતાં અરબી રજની નાટક નથી. જે કથાનો પ્રધાન ઉદ્દેશ મનુષ્યચરિત્રનું આભ્યન્તરિક મૂલ પ્રદર્શન કરવાનું છે તેને જ નાટકની કથા કહેવાય. મનુષ્યચરિત્ર બે પ્રકારનું છે. જે બાહ્ય જગત દ્વારા અનુશાસિત છે તે એક પ્રકારનું ચરિત્ર; અને જે બાહ્ય જગતનું શાસન કરે, તે બીજા પ્રકારનું ચરિત્ર. બે દરિદ્ર માણસોને ભાગ્યવશાત્ ઘણું ધન પ્રાપ્ત થયું; ધન મળવાથી એક જન ગર્વિત થઈ જાય છે, અને બીજો પહેલાં હતો તેવો વિનય–નમ્ર રહે છે. જોઈ શકાય છે જે બહિર્જગતની ઘટના એકને વિચલિત કરી શકે છે, અને બીજાને નથી કરી શકતી; એક જણનું મન, શક્તિ અને દૃઢતાસંપન્ન, અને બીજાનું મન તેવું નહીં. બાહ્ય જગત એક જણના મનને રંજિત કરે છે, અને એક જણનું મન બાહ્ય જગતને રંજિત કરે છે. સિરાજ ઉદ્ દૌલા અને પ્રથમ નેપોલિયન બન્ને એ આસ્ફાલનપ્રિય હતા. કિન્તુ સિરાજનું આસ્ફાલન ફકીરીમાં પરિણત થયું અને પ્રથમ નેપોલિયને સમવેત યુરો૫થી એલ્બા દ્વીપમાં તાડિત હતો ત્યાંથી પાછો સમવેત યુરોપનો પરાજય કરવા એલ્બાદ્વીપનો પરિત્યાગ કરી સમરાનલ પ્રજ્વલિત કર્યો. અંત:ચક્ષુથી જુઓ, કુરુક્ષેત્રનું મહાયુદ્ધ ચાલે છે. આજે શસ્ત્રગુરુ દ્રોણાચાર્ય કૌરવસેનાના અધિનાયક છે. પાંડવોનું એથી શ્રેય નથી. સમજો કે આજના યુદ્ધમાં જ પાંડવપક્ષને વિનાશ પ્રાપ્ત થશે. અશ્વત્થામા હત થયો છે એેવો જનરવ ઊઠ્યો. દ્રોણાચાર્યનું હૃદય વ્યથિત થઈ ગયું. તેના મનમાં થઈ ગયું કે હવે યુદ્ધનું પ્રયોજન રહ્યું નથી. પણ વાત ખરી છે કે નહીં? એેવો પ્રશ્ન તેણે સત્યપ્રિય ધર્મપુત્ર યુધિષ્ઠિરને કર્યો. ધર્મપુત્રની ધર્મનિષ્ઠા ‘ઈતિગજત્વે’માં પરિણત પામી. શાસ્ત્રાચાર્ય શસ્ત્રપરિત્યાગ કરી ઊભા. યુધિષ્ઠિરની કેવી ભયાનક આત્મહત્યા! જે મહાત્માએ કોઈ વખત ૫ણ પ્રવંચનાની વાત કરી નથી, જે મનુષ્યોની મધ્યે ધર્મ અને સત્યના અવતાર તરીકે પરિચિત છે, જેણે સત્ય અને ઐશ્વર્યની વચમાં સત્યને જ અક્ષયનિધિ કહી તેનો આદર કર્યો છે, તેણે આજે ચિરસંસ્કાર દૂર નિક્ષેપ કરી ઐશ્વર્યના લોભે સત્યનો સંહાર કેવો કરી દીધો! એક જ બળે બાહ્યશક્તિ દ્વારા અનુશાસિત થયા—બાહ્યશક્તિથી નિહત થયા. નાટકકાર એ જ પ્રકારે આત્મહત્યાનું નિવારણ કરે છે. આવે સ્થળે આત્મહત્યા ન દેખાડી નાટકકાર અત્મગૌરવ દેખાડી આપશે. આત્માનો પરાજય નહીં દેખાડી વિજય દેખાડશે. જ્યારે યુધિષ્ઠિરે રાજ્યલોભ ત્યાગ કર્યો, વનવાસ વિસ્મૃત કર્યો, અજ્ઞાતવાસની યંત્રણાપ્રતિ દૃક્પાત ના કર્યો, ભક્તિમતી સહધર્મિણીનું અપમાન હૃદયાભ્યંતરમાં સંતાડી રાખ્યું, કેવળ સત્ય અને ધર્મ ઇચ્છી સત્ય વાત કહી હોત, તો તેનું યુધિષ્ઠિરત્વ રક્ષિત હતું—તેણે બરાબર જો, આ રીતે પોતાપણું રાખ્યું હોત તો તેનું એક નાટકોપયોગી ચરિત્ર થઈ પડ્યું હોત. મહાકવિ શેકસ્પિયરનું એક પાત્રચરિત્ર જોઇએ. પ્રિયમિત્ર બેસેનીઆના ઉપકારાર્થે ઉદારચેતા એન્ટોનીઓએ શાઈલોકની પાસેથી કર્જે રૂપિયા કાઢી આવું ખત લખી આપ્યું. જો ત્રણ મહિનામાં વ્યાજ સાથે પૈસા પાછા ન આપી શકું તો શાઈલોક તેના દેહમાંથી એક શેર માંસ કાપી લે–એવા રૂપની શરતનો તેણે અંગીકાર કર્યો હતો. દુર્ભાગ્યક્રમે નિરૂપિત સમયની મધ્યે એન્ટોનીઓનાં વેપારી વહાણો આવ્યાં નહીં. નિષ્ઠુર શાઈલોકે અંગીકૃત માંસખંડ મેળવવાની ફરિયાદ રાજદ્વારે કરી. મુકદ્દમો ચાલ્યો. તે વખત ઉન્નતમનના ઉદારચેતા પરદુઃખકાતર પરોપકારી એન્ટોનીઓએ શું કર્યું? તે ત્યારે જે દશામાં આવી પડ્યો છે, તેમાં મહોન્નત મન પણ અવનત થઈ જાય, ઉદારચિત્ત સંકુચિત થઈ જાય, પરદુઃખકાતરતા નિજદુઃખકાતરતામાં વિલુપ્ત થાય, હૃદય ફાટી જાય, કેન્દ્રભ્રષ્ટ ગ્રહની માફક મન વિપથે છૂટું દોડે, કિન્તુ તેણે સ્થિરચિત્તે દૃઢતાપૂર્ણ અન્તઃકરણે ન્યાયાધીશને કહ્યું:

‘I have heard,
Your grace hath ta’en great pains to quality
His rigorous course; but since he stands obdurate,.
And that no lawful means can carry me
Out of his envy’s reach, I do oppose
My patience to his fury; and am arm’d
To suffer with a quietness of spirit,
The very tyranny and rage of his.’

એન્ટોનીઓ આજે રસ્તાનો ભીખારી છે; તેનું અતુલ ઐશ્વર્ય સ્વરનદૃષ્ટ ઐશ્વિર્યની પેઠે વિલીન થઈ ગયું છે, આજ તે પોતાના પ્રફુલ્લતામય, કરુણાજ્યોતિવિભૂષિત, પ્રીતિપૂર્ણ, હાસ્યમય ઘરમાંથી તાડિત થઈ ન્યાયાલયમાં ઊભો રહી મૃત્યુની આજ્ઞાની પ્રતીક્ષા કરે છે! તોપણ તેની આવી જ વાત! વણિગૂરાજ મનુષ્ય નહીં પણ દેવતા છે! સામાન્ય મનુષ્ય હોત તો આજની વિપત્તિમાં કેવી રીતે પોતાના પરોપકારવ્રતમાં દૃઢવ્રત રહી જીવન વિસર્જન કરવા બદ્ધપરિકર દેખાત? પોતાને પોતે ભૂલી, જન્માવચ્છિન્ન સંસ્કાર ખોઈને, ઉન્નત મન કુંઠિત કરી જીવનલાલસામાં ધુલ્યવલુંઠિત થયેલો ન દેખાત? પ્રકૃત નાટકકારે ધર્મની અવતારણા કરી છે; તેની શક્તિ, સૌંદર્ય, મહત્ત્વ–બધુંયે પાઠકને મનોહારિણી પીંછીથી આંકી દેખાડ્યું છે. એ જ વિમુગ્ધકર ચિત્ર દ્વારા પાઠકનું મન કોળી ઊઠશે; ઊઠતાં વાર તે જ ચિત્રને ભીષણાંધકારે નિક્ષેપ કરશે. તે અન્ધકારમાં ધર્મનું મુખ સ્વભાવને લીધે મલિન થવાનો સંભવ, શક્તિ વિનષ્ટ હોવાનો સંભવ, મહત્ત્વ હીનત્વે પરિણત થવાનો સંભવ થાત. એ ઘોર અવસ્થાવિપર્યય દેખી પાઠકનું મન આકુલ થઈ જશે; પ્રિય વસ્તુની શોચનીય અવસ્થા જોઈ પાઠકનું મન યંત્રણામય થઈ જશે; ધર્મ નિજ મહત્ત્વની રક્ષા કરવાનું જાણે છે અથવા બેદરકાર છે એ આશંકામાં પાઠકનું હૃદય વિલોડિત થઈ પડશે. ક્રમે અંધકાર સરી જાય; દેખાઈ જાય કે ધર્મજ્યોતિ મલિન થતું નથી–જેટલું ઉજ્જ્વલ હતું, તેટલું જ ઉજ્જ્વલ રહે છે; બાહ્ય જગત અન્તર્જગતમાં ચિહ્ન માત્ર અંકિત કરી શકતું નથી. ત્યારે પાઠકનું મન મનુષ્યનું મનુષ્યત્વ સમજી વર્દ્ધિતબલ થઈને નિર્મલ, પવિત્ર, સ્વર્ગીય આનંદમાં રેલશે. એને જ અમે નાટકત્વ કહીએ છીએ. સકલ નાટકની કથા કહેતા નથી. નાટકની શ્રેણીવિશેષની કથા કહીએ છીએ. શેકસ્પિયર કૃત ‘વેનિસનો વેપારી’ અને કાળિદાસ કૃત ‘અભિજ્ઞાન શાકુંતલ’ આ જ શ્રેણીમાં અન્તર્ગત છે. હવે અભિજ્ઞાન શાકુંતલનું નાટકત્વ કેવું છે તે જોઈએ. નાયિકાના નામથી નાટકનું નામ પડ્યું છે છતાં અમારે મતે અભિજ્ઞાનશાકુંતલ નાયકપ્રધાન નાટક. શાકુન્તલા કમ નથી; પણ દુષ્યંત જ અભિજ્ઞાનશાકુન્તલનું પ્રધાન ચરિત્ર છે. જોઈએ એ દુષ્યંત કેવો છે? કોઈ માણસનું મન જાણવું હોય તો પહેલાં તેનું શરીર જાણવું જોઈએ. મન અને શરીર એ બન્નેને નિકટ સંબંધ છે. મનનું ચિત્ર શરીરે અંકાય છે. કાલિદાસ દુષ્યંતને ઇન્દ્રિય શાસનાધીન કરી દેખાડે છે. પણ તે જ ચિત્રની સાથે સાથે તેના શરીરનું અને શરીરનું અનુરૂપ કાર્યાનુરાગનું એ એકત્ર ચિત્ર અમને આપ્યું છે.

अनवरत धनुर्ज्यास्फालनक्रूर कर्मा
राधकिरणसहिष्णुः स्वेदलेशैरभिन्न।
अपचितमणि मात्रं न्यायतत्त्वादलक्ष्यं
गिरिचर इव नागः प्राणसारं बिभर्ति ॥

દુષ્યંત રાજા – ભારતના અતુલમહિમાસંપન્ન ચંદ્રવંશી રાજાઓમાં એક પ્રખ્યાતનામા રાજા. તે રત્નગર્ભા ભારતભૂમિના અતુલ ઐશ્વર્યનો અધીશ્વર. ઐશ્વર્યસુલભ વિલાસરાશિ, મન થતાં જ તેની થઈ શકતી; પણ તે વિલાસવિદ્વેશી હતો. તે વીરોચિત કાર્યોમાં રત હતો. તે શારીરિક સુખ તુચ્છ કરી, ધનુષ્ય હાથમાં રાખી, પ્રચણ્ડ રવિકિરણમાં વીરની પેઠે વિચરણ કરતો હતો. વિલાસીની પેઠે તેનો દેહ જીવનપ્રભાહીન શિથિલગ્રન્થિ નથી. ગિરિચર હસ્તીની પેઠે તે દેહ કેવલમાત્ર બલવ્યંજક છે. આ છબી, અસાર વિલાસપ્રિય વ્યક્તિની છબી પૌરુષપૂર્ણ મહાપુરુષની છે. જ્યારે સેનાપતિ દુષ્યંતને જોઈ મનમાં તેના શારીરિક બલવીર્યની આ રૂપે પ્રશંસા કરે છે, ત્યારે દુષ્યંત શકુંતલારત્ન જોઈ વ્યાકુલ થઈ ગયો છે. તે બધો વખત વિચારે છે કે એ જ પવિત્ર રત્ન તેનું થશે કે નહીં. વિદૂષકે આપણને કહી દીધું છે કે તેણે પૂર્વરાત્રે નિમેષમાત્ર નિદ્રાલાભ મેળવ્યો નથી. તેમ અમે પણ તેને મુહૂર્તાગ્રે શયનગૃહ ત્યાગ કરી બહાર નીકળતા સમયે જોયો છે; તે મનમાં મનમાં ઘડભાંગ કરે છે અને બહાર આવી પ્રિય વિદૂષકની મશ્કરી સાંભળ્યા છતાં સાંભળતો નથી. કિન્તુ તે જ મુહૂર્તે સેનાપતિ આવી એ જ વિષમ હૃદયવ્યથાનું ચિહ્ન માત્ર પણ દુષ્યંતના શરીરમાં કે મોં પર જોઈ શકતો નથી. એટલે તો દુષ્યંત માત્ર કર્મવીર નથી. તે તો કર્મવીર અને ચિત્તવીર બન્ને છે. તે માત્ર પ્રચંડ રવિકિરણ સહ્ય કરી શકે છે તેટલું જ નહીં, પણ ચિત્તસંયમ એ તેને તેટલું જ અભ્યસ્ત અને આયત્ત. પરિણામે કાલિદાસે આ અદ્ભુત ચિત્તસંયમનું ચિત્ર અતિશય જાજ્વલ્યમાન કરી બતાવ્યું છે. શકુંતલા, પ્રિયંવદા અને અનસૂયા આશ્રમનાં તરુલતાનું જલસેચન કરવામાં રોકાયેલાં છે અને કેટલીક વાતો કરે છે. દુષ્યંત વૃક્ષાન્તરાલે રહી જુએ છે અને મુગ્ધ થાય છે. સર્વલોકપ્રિય ભ્રમર શકુંતલાને વ્યતિવ્યસ્ત કરી નાંખે છે તે જોઈ, દુષ્યંત મનમાં ને મનમાં વિચારે છે —

यतोयतः षट्चरणो लिवर्तते ततस्तः प्रेरित वामलोचना ।
विवर्त्तित भूरियमद्य शिक्षते भयादकामापि हि दृष्टिविभ्रमम् ॥
चलापाङ्गां दृष्टिं स्पृशसि बहुशो वेपथुमतीं
रहस्याख्यायीव स्पृशसि मृदु कर्णान्तिकचरः ।
करौ व्याधुन्वत्याः पिबसि रतिसर्वस्व मधरं
वयं तत्त्वान्वेषा न्यधुकर हतास्त्वं कृती ॥

એ મોટો સહજ ભાવ નથી. જે ભાવ ઉદય થવાથી મનુષ્ય ચિત્તસંયમમાં પ્રાયઃ વિફલયત્ન થાય, તે જ આ ભાવ છે. દુષ્યંત અત્યારે એ જ ભાવથી આવિષ્ટ છે. પણ એથી જ તેને તે સખીત્રયની સંમુખ જવાનું બન્યું અને તેઓના ભૂમિષ્ઠ અનુરોધથી તેમની પાસે બેસી શક્યો. આવી અવસ્થામાં પડવાથી આ રીતે ભાવ ઊભરાઈ ઊઠે છે, કમી થતો નથી? પ્રિયંવદાના બોલવાથી દુષ્યંતને શું થયું છે —

हला अनसूए कोण्कूथु एसो दुस्वमाहगम्मीरा किदी,
महुरं आलबन्तो पहुत्तदाकूखिन्नं वितथारेदि ।।

અસાર વિલાસમગ્ન વ્યક્તિની આવી અવસ્થામાં આવો પ્રભામય ગાંભીર્યપૂર્ણ મુખભાવ હોય નહીં. ધન્ય છે દુષ્યંતના ચિત્તસંયમને, ધન્ય છે તેના આત્મજયને! હજુ પણ કાંઈ જોવાનું બાકી છે. અભિજ્ઞાન શાકુન્તલનો ત્રીજો અંક સંભારો. શકુંતલા અસહ્ય જ્વાલાથી પ્રજ્વળી રહી છે. તે કહે છે કે એ જ મહાપુરુષ નહીં મળે તો હું જીવનાન્ત કરીશ. દુષ્યંત અનંતપૂર્ણ મનથી એ સકલ જુએ છે અને સાંભળે છે. આવડી યાતનાની પછી મિલન થશે. પણ મિલનનો સુખાસ્વાદ કરવાનો ઉદ્યમ માત્ર થતાં, વડીલના આવવાની આશંકાથી શકુન્તલા ત્યાંથી ચાલી જાય છે. ત્યારે દુષ્યંતની કેવી અવસ્થા છે? ત્યારે તે પ્રજ્વલિતાંતઃ કરણે પ્રતિનિઃશ્વાસે અનલ બહાર ફેલાવી દે છે. એવામાં રાક્ષસ પીડિત તાપસગણનો ભયાર્ત્તરવ શ્રવણ કર્યો. શ્રવણ કરતાં જ ‘भो भो तपस्विनः मा भैष्ट मा भैष्ट अयमहमागत एव—’ એ આશ્વાસવાક્ય સ્થિરગંભીર સ્વરે ઉચ્ચારણ કરતો કરતો રાક્ષસ વધ માટે નિષ્કાન્ત થઈ ગયો. જાણે શકુંતલાનું નામ પણ સાંભળ્યું નહીં હોય! જાણે તેને કાંઈ થયું જ ન હોય! આશ્ચર્યપુરુષ! [1]


  1. બંગાળી ઉપરથી