સોરઠી સંતવાણી/રહેણીમાં રસ
Jump to navigation
Jump to search
રહેણીમાં રસ
માણવો હોય તો રસ માણી લેજો, પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે’વું હતું તે કહી દીધું, પાનબાઈ!
હવે રે’ણી પાળવા હેતેથી હાલો —
ભાઈ રે! રે’ણી થકી જોને રામ રીઝે, પાનબાઈ!
રે’ણી થકી રોમેરોમ ભીંજાય;
રે’ણી થકી રસ શરીરમાં પરવરે,
રે’ણી થકી ઉગાવો જોને થાય. — માણવો.
ભાઈ રે! રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે’ણી થકી અમર જોને થવાય,
રે’ણી થકી અધ્ધર ઉતારા, પાનબાઈ!
રે’ણી થકી પાર પોગી જોને જવાય. — માણવો.
ભાઈ રે! રે’ણી તો સરવરથી મોટી, પાનબાઈ!
રે’ણીથી મરજીવા બની જોને જાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે’ણી પાળ્યેથી આનંદ વરતાય. — માણવો.