સ્વાધ્યાયલોક—૧/કવિનો શબ્દ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિનો શબ્દ

આ ક્ષણે અહીં ઉપસ્થિત થવામાં હું આનંદ અનુભવું છું. કવિસંમેલનનું ઉદ્ઘાટન કરવું એ કોઈ પણ વ્યક્તિને માટે — અને જે વ્યક્તિ વિશે એ કવિ છે એવો વહેમ આવ્યો હોય એ વ્યક્તિને માટે તો સવિશેષ — આનંદનો અનુભવ છે. આ આનંદ માટે આ સંમેલનના આયોજકોનો આભાર માનું છું. બલકે એમનો બેવડો આભાર માનું છું. બેવડો આભાર એટલા માટે કે એમણે મને એક અંગત ઋણનો સ્વીકાર કરવાનો અવકાશ આપ્યો છે. મને ગુજરાતના સંતાનને બંગાળના કવિએ કવિતાનું કામણ કર્યું હતું. એમાં નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલનના ઉપક્રમે કવિસંમેલનનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર આ ગુજરાતી કવિને પ્રાપ્ત થાય એની સાર્થકતા હું જોઉં છું. આમ આરંભમાં જ અંગત ઉલ્લેખ કરું છું તો આશા છે કે તમે મને ક્ષમા કરશો. આ દેશનાં અનેક સંતાનોની જેમ હું પણ કિશોરવયમાં જ રવીન્દ્રનાથની કવિતાથી મંત્રમુગ્ધ થયો હતો. અંગ્રેજી અનુવાદોમાં મેં એનો આસ્વાદ કર્યો. કવિતા સાથેનું આ મારું પ્રથમ મિલન હતું. સૌપ્રથમ મિલનની જેમ આ એક અનિર્વચનીય અનુભવ હતો. એના સંમોહનમાં સો કાવ્યો અંગ્રેજીમાં રચાઈ ગયાં. અલબત્ત, એમાં વિવેકશૂન્યતા હતી, પણ આ આકર્ષણ અનિરુદ્ધ હતું. રવીન્દ્રનાથનાં કાવ્યોના આ અંગ્રેજી અનુવાદોમાં રવીન્દ્રનાથની વાણીના અપૂર્વ માધુર્યનો અભાવ છે એવો અનુભવ થયો, આ અનુવાદો યેટ્સ અને પાઉન્ડ બન્ને કહે છે તેમ, અત્યંત સુન્દર હોવા છતાં એવો અનુભવ થયો. એથી રવીન્દ્રનાથનાં કાવ્યો એમની અનનુકરણીય એવી મૂળ બંગાળી ભાષામાં વાંચવા માટે સ્વપ્રયત્નથી બંગાળી ભાષા ભણ્યો. એના સંમોહનમાં પણ થોડાંક કાવ્યો બંગાળીમાં રચાઈ ગયાં. ત્યાર પછી જ મેં મારી ભાષામાં કાવ્યો રચવાનો આરંભ કર્યો. આ અંગત વાત કહેવાનું સાહસ એટલા માટે કરું છું કે એમાં એક વ્યાપક સૂચન છે, અંગત વાતને અતિક્રમી જાય એવો એક અર્થ છે. એમાં બંગાળી કવિતા અને ગુજરાતમાં — અને એમ તો સમગ્ર ભારતમાં — એના વાચકો વચ્ચેના સંબંધનું સ્વરૂપ તથા આ ક્ષણે અહીં મારી ઉપસ્થિતિનું રહસ્ય પ્રગટ થાય છે. બંગાળ અને ગુજરાત વચ્ચે હજારેક માઇલનું અંતર છે. આકાશયાત્રીએ, સૂર્યદેવે પણ આ અંતર માન્ય કર્યું છે. પણ કવિતા સૌ અંતરને અતિક્રમી જાય છે. કવિતા ભૂગોળસર્જિત સીમાઓ અને ઇતિહાસનિર્મિત દીવાલોને ઉલ્લંઘી જાય છે. કવિતા પંચાગોને પૂછતી નથી ને નકશાઓને ગાછતી નથી. કવિતા મનુષ્યને સ્થળ અને કાળનાં બંધનમાંથી મુક્ત કરે છે. અહીં બંગાળી અને ગુજરાતી કવિઓ એક જ મંચ પર એકત્ર થયા છે. એટલે કે અહીં બંગાળ અને ગુજરાત એક થયાં છે. એથી આ મંચ મારે મન ભારતની તાત્ત્વિક એકતાનું, આધ્યાત્મિક સંવાદિતાનું પ્રતીક છે. આ દેશમાં હંમેશાં આવા મંચ પર જ આ એકતાનો અનુભવ થયો છે, આ સંવાદિતાનો સાક્ષાત્કાર થયો છે. અહીં કવિજનો માત્ર આ મંચના સંદર્ભમાં જ સહભાગી નથી. પણ દેશકાલની પરિસ્થિતિ અને કાવ્યસર્જનની પ્રક્રિયાના સંદર્ભમાં પણ સહભાગી છે. આજ લગી આ દેશમાં આપણે કવિતાનો બંગાળી કવિતા અને ગુજરાતી કવિતા તરીકે ઉલ્લેખ કર્યો છે પણ હવે આપણે આપણા ઇતિહાસની એ ક્ષણે આવી પહોંચ્યા છીએ જ્યારે આપણે કવિતાનો ભારતીય કવિતા તરીકે ઉલ્લેખ કરવાનો છે. આજ લગી ભારતીય ભાષાઓમાં ભિન્ન ભિન્ન સાહિત્ય હતું. હવેથી ભિન્ન ભિન્ન ભાષાઓમાં ભારતીય સાહિત્ય હશે. આ સંસ્થાનું નામ ‘નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલન’ છે. પૂર્વે એનું નામ હતું ‘પ્રવાસી સાહિત્ય સંમેલન.’ ત્યારે પણ એ દેશમાં ફરતી રહેતી સંસ્થા હતી. હવે નવા સંદર્ભમાં એણે પોતાની પ્રાદેશિક લાક્ષણિકતા પર નહિ પણ રાષ્ટ્રીય લાક્ષણિકતા પર યથાયોગ્ય ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એથી આ સંમેલન એના નામાભિધાનમાં ‘બંગ સાહિત્ય’થી યે વિશેષ તો ‘નિખિલ ભારત’ શબ્દોનું ગૌરવ કરે છે એમ સમજું છું. આ સંમેલનના કાર્યક્રમો, એના મંચ પર ગુજરાતી કવિઓની ઉપસ્થિતિ અને ગુજરાતી સાહિત્યનો વિભાગ એના રાષ્ટ્રીય વ્યક્તિત્વના પ્રમાણરૂપ છે. અત્યાર લગી મેં કવિઓનો બંગાળી કવિઓ અને ગુજરાતી કવિઓ તરીકે ઉલ્લેખ કર્યો છે. પણ કવિતાના પ્રદેશમાં કે આ મંચ પર બંગાળી કે ગુજરાતી નહિ, પણ માત્ર કવિઓ જ છે. સાચો બંગાળી કે ગુજરાતી કવિ બંગાળને અને ગુજરાતને અતિક્રમી જાય છે. કારણ કે બંગાળ કે ગુજરાત એને ન સમાવી શકે એવા ન્હાના છે. એ તો એની કલ્પનાના પ્રદેશમાં, એની સ્વયંસર્જિત સૃષ્ટિમાં વસે છે. એ પ્રદેશમાં, એ સૃષ્ટિમાં માત્ર બંગાળ અને ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વ સમાય તો પણ એ ખાલી ને ખાલી રહે એટલો અવકાશ છે. કવિ તો માત્ર જન્મે જ બંગાળી કે ગુજરાતી હોય છે. સ્વ-ભાવથી તો એ બ્રહ્માંડનો નાગરિક છે. એથી સ્તો રાજદ્વારી પુરુષો જે તોડે છે તેને કવિઓ સર્વત્ર અને સર્વદા જોડે છે. કવિઓ નિરંતર એમનાં કાવ્યોમાં સૌ જીવો વચ્ચેની એકતા અને મનુષ્ય મનુષ્ય વચ્ચેની સંવાદિતાનું દર્શન પ્રગટ કરે છે. એનાં વચનો અને ઉદ્બોધનોમાં મનુષ્યજાતિ માટેની મોટી આશા છે. અહીં જે કાવ્યોનું પઠન થશે એમાં, મને ખાતરી છે કે, આ એકતા અને સંવાદિતાનું દર્શન પ્રગટ થશે. અહીં જે કવિઓ ઉપસ્થિત છે તેઓ આ દર્શન સૂક્ષ્મતાથી પ્રગટ કરશે. તેઓ બાહ્યજગતની એકસમાન પરિસ્થિતિ અને કલાજગતના એકસમાન પ્રશ્નોનો અનુભવ કરી રહ્યા છે. એથી એમની એકસમાન મૂંઝવણો અને મુશ્કેલીઓ છે. અન્ય એમની મુંઝવણો અને મુશ્કેલીઓને પાર કરવામાં કેવી રીતે સફળ થાય છે અથવા નિષ્ફળ જાય છે એ જોવાથી પ્રત્યેકને ઘણુંબધું જાણવાનું પ્રાપ્ત થશે. તેઓ એકસમાન સંઘર્ષનો અનુભવ કરી રહ્યા છે. એલિયટ આ સંઘર્ષનો આમ ઉલ્લેખ કરે છે : ‘Trying to learn to use words, and every attempt /Is a wholly new start, and a different kind of failure.’ વળી તેઓ એનો ‘a raid on the inarticulate’ તથા ‘the fight to recover what has been lost and found and lost again and again.’ તરીકે પણ ઉલ્લેખ કરે છે. આ સૌ કવિઓ આ સાહસમાં સુશ્લિષ્ટ અને સુગ્રથિત સર્જનની સૃષ્ટિની ખોજમાં, કવિશબ્દ — વિશિષ્ટ શબ્દ, પૂર્ણ શબ્દ — ની શોધમાં સહભાગી છે. વળી પૂર્વોક્ત એલિયટકથિત ભવ્ય નિષ્ફળતાઓમાં પણ સહભાગી છે. આ પૃથ્વી પર દિનપ્રતિદિન અબજો શબ્દો ઉચ્ચારાય છે. પણ એ શબ્દો વાયુમંડલમાં વિલીન થાય છે. જન્મે ન જન્મે ત્યાં જ કોઈ સૂક્ષ્મ એવા અવકાશમાં અલોપ થાય છે. કવિનો શબ્દ ચિરંજીવ હોય છે, એ અજર-અમર હોય છે, એ અ-ક્ષર હોય છે. માલાર્મેના પ્રસિદ્ધ શબ્દોમાં ‘જનજાતિના શબ્દોને વિશુદ્ધ અર્થ અર્પવો’ એ તો કવિનો વિશેષ ધર્મ છે. ‘પ્રાકૃતજનોની બોલીને વિશુદ્ધ કરવી’ એ તો કવિની વિશિષ્ટ સાધના છે. શબ્દ એક રહસ્ય છે. કવિ એ રહસ્યનો પાર પામવાનો સતત પુરુષાર્થ કરે છે. એથી મનુષ્યમાત્ર જેનો અનુભવ કરે છે એને માટે યોગ્ય શબ્દ યોજવો એ તો કવિનું વિરલ વરદાન છે. એની આ નામ પાડવાની અલૌકિક શક્તિને કારણે તો યુગોથી કવિને ઋષિ, સ્રષ્ટા, સર્જક એવાં એવાં નામે નવાજવામાં આવ્યો છે. કવિ જે વસ્તુનું નામ પાડે છે એ વસ્તુને અસ્તિત્વ ધારણ કરવું પડે છે. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં કવિની આ શક્તિ જાદુ અને ચમત્કાર મનાતી હતી. અર્વાચીન યુગમાં એને સર્જનાત્મક કલા ગણાય છે. કવિ આ શબ્દ દ્વારા જીવનને અર્થ અર્પણ કરે છે અને આ શબ્દ દ્વારા જ એ અર્થને સંમાર્જિત અને આલોકિત કરે છે. આ શબ્દ દ્વારા જ એ રહસ્યની ધાર પર જે વાસ્તવ વસ્યું હોય છે અને વાસ્તવના કેન્દ્રમાં જે રહસ્ય વસ્યું હોય છે એને પ્રગટ કરે છે. આ શબ્દ દ્વારા જ એ જીવનનું સત્ય પામે છે અને એનો સાહસપૂર્વક સ્વીકાર કરે છે. આ શબ્દ વિના આપણું જીવન મૂલ્ય વિનાનું અને આપણું જગત વિસ્મય વિનાનું બની જાય. તો આપણે પ્રેમપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક શ્રવણ કરીએ આ શબ્દ, કવિનો શબ્દ. (નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલનનું ૩૩મું અધિવેશન અમદાવાદમાં યોજાયું તે પ્રસંગે કવિસંમેલનના ઉદ્ઘાટક તરીકે અંગ્રેજી વક્તવ્યનો અનુવાદ. ૨૮ ડિસેમ્બર ૧૯૫૭.)

*