‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/જોડણી-લિપિ સુધારની સમસ્યા : હરિપ્રસાદ શાસ્ત્રી
હરિપ્રસાદ શાસ્ત્રી
જોડણી-લિપિ સુધારની સમસ્યા
ગુજરાતી લેખનમાં જોડણી-સુધાર તથા લિપિ-સુધાર વિશે કેટલાક વખતથી ઠીકઠીક ઊહાપોહ થઈ રહ્યો છે. જોડણી અને લિપિમાં સુધારા કરવાના હિમાયતીઓ કેટલાક ક્રાંતિકારી સુધારા કરી દેવાનું સૂચવે છે ને તેઓની ઝુંબેશ દિનપ્રતિદિન વેગ પકડતી જાય છે. બીજી બાજુ ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતી સંસ્થાઓ તથા વિદ્વાન વ્યક્તિઓ આ બાબતમાં પરંપરાનાં ચુસ્ત આગ્રહી રહે છે, પરંતુ આ ઊહાપોહમાં પ્રાયઃ ઉપેક્ષા અને ઉદાસીનતાનું વલણ ધરાવે છે. ખરી રીતે ગુજરાતી ભાષા તથા લિપિની શાસ્ત્રીય જાણકારી ધરાવતી સર્વ વ્યક્તિઓ આ અંગે સાથે મળી ચર્ચા-વિચારણા કરે ને કોઈ સર્વમાન્ય કે બહુમાન્ય ઉકેલ શોધે એ આવશ્યક છે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આવો ઉકેલ કોણ શોધી શકે? ગાંધીજીની પ્રેરણાથી ૧૯૨૧ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠે આ અંગે આગેવાની લીધેલી ને ગુજરાત સરકારે સરકાર-માન્ય પાઠ્યપુસ્તકો માટે એના જોડણીકોશને મહોર મારેલી. પરંતુ જોડણીની અસંગતતાઓ દૂર કરવામાં તેમજ તેમાં જોડણીકોશને અદ્યતન બનાવતા રહેવામાં વિદ્યાપીઠ ઉદાસીનતા ધરાવે છે. તો આ સમસ્યાના ઉકેલ માટે આગેવાની કોણ લઈ શકે? ગુજરાત રાજ્ય સરકારનો ભાષા-સંશોધન-વિભાગ? ગુજરાત સાહિત્ય અકાદમી? કે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી બિન-સરકારી સાહિત્યસંસ્થાઓ? ખરી રીતે રાજ્ય સરકારે આ માટે પોતાના પ્રસ્તુત વિભાગો દ્વારા સાહિત્ય-સંસ્થાઓ સાથે ચર્ચાવિચારણા યોજી આ વિષયમાં સક્રિય રસ તથા જાણકારી ધરાવતી સર્વ સંસ્થાઓનું સંમેલન યોજવું જોઈએ ને એમાં જે સર્વમાન્ય કે બહુમાન્ય નિર્ણયો લઈ શકાય તેના આધારે અદ્યતન સંશોધિત જોડણીકોશ તૈયાર કરવો કે કરાવવો જોઈએ ને એને સરકાર-માન્ય ગણવો જોઈએ. અલબત્ત સમય જતાં જોડણી તથા લિપિમાં અવારનવાર સુધારાવધારા કરતા રહેવા પડશે ને આથી એ માટે કાયમી ધોરણે એક સ્થાયી સમિતિ તજ્જ્ઞ વિદ્વાનોના સક્રિય સહકારથી રચવી પડે. સમિતિના સભ્યોમાં સમય જતાં અવારનવાર નવા સભ્યો નીમતા રહેવાનું જરૂરી ગણાય. આ સમગ્ર વિવાદ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સરકારી અને બિન-સરકારી સંસ્થાઓએ એનો સુમેળભર્યો ઉકેલ શોધવા માટે બને તેટલો સત્વર સક્રિય ઉપાય આદરવો ઘટે. આ જેટલું જલ્દી કરી શકાય તેટલું સહુના હિતમાં છે. ગુજરાતી પ્રજાના હિતમાં આવશ્યક આવી હિલચાલની આગેવાની કોણ લે? એ કોનું પરમ કર્તવ્ય છે? એમાં કોનો અધિકાર કામિયાબ નીવડે? ઉપર સૂચવેલી સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ આ વિવાદનો ઉકેલ લાવવા માટે કોઈ ગંભીર કાર્યવાહી કરશે? ભાષાને વરેલી અન્ય કઈ સંસ્થાઓ એમાં સહકાર આપશે? ગુજરાતની યુનિવર્સિટીઓના ગુજરાતી ભાષાવિભાગો પણ ધારે તો સક્રિય સહકાર આપી શકે.
નિવૃત્ત, નિયામક, ભો. જે. વિદ્યાભવન,
અમદાવાદ ૨૦-૨-૯૮
– હરિપ્રસાદ શાસ્ત્રી
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૮, પૃ. ૩૮-૩૯]