‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પ્રમાણભૂત ચર્ચા : સિલાસ પટેલિયા
સિલાસ પટેલિયા
[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૦૨]
‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય’-?
એપ્રિલ-જૂન, ૨૦૦૨ના ‘પ્રત્યક્ષીય’માં આપે સાહિત્ય અકાદમી, દિલ્હીના સંપાદક કે. સી. દત્તે Indian Literatureના માર્ચ-એપ્રિલના અંકમાં ‘ભારતીય પરિચયકોશ’ સંદર્ભમાં એમને થયેલા અનુભવો આલેખ્યા છે, એના પ્રકાશમાં ‘ગુજરાતી સાહિત્યકોશ’ના તમારા અનુભવો અને કોશની અનેક મહત્ત્વની બાબતોની છણાવટ કરી છે. પરિચયકોશની આવા અલગ પ્રકારની શિસ્ત અને રીતભાતના કામ વિશે તમે જે મુદ્દાસર ચર્ચા કરી છે, એ અગત્યની છે. આ દિશામાં કામ કરનારને માટે આ લેખ એક દીવાદાંડીની ગરજ સારે એમ છે. ‘સાહિત્યકાર પરિચયકોશ’ કે ‘સાહિત્યકોશ’ના સંદર્ભમાં અનેક લોકો એક પ્રતિભાવ તરીકે વાતો કરે પણ એ વિશે રીતસરનો લેખ કે મુદ્દાસર ચર્ચા ભાગ્યે જ મળે. કોશનું આ કામ જેટલું અટપટું છે એટલી જ એ કામ અંગેની શાસ્ત્રીય ચર્ચા પણ અઘરી છે, અઘરી એ અર્થમાં એ આ કામમાં જે ખુદ સંડોવાયો નથી એને માટે એ અંગેની વાતો એક આદર્શ છે. તમે તો આમાં સંડોવાઈને કામ કરી ચૂક્યા છો તેથી તમારી આવી ચર્ચા પ્રમાણભૂત અને નક્કર પ્રતીત થાય છે. ખરા અર્થમાં આવા લેખો ‘સાહિત્યિક આબોહવા’ ઘડવામાં મહત્ત્વનું નિમિત્ત બનતા હોય છે. આ બંને ‘પ્રત્યક્ષીય’ નિબંધો માટે તમને અભિનંદન પાઠવું છું.
વડોદરા
૨૪-૧૦-૨૦૦૨
– સિલાસ પટેલિયાનાં વંદન
[જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૨, પૃ. ૪૧-૪૨]