‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/વિક્ષિપ્તા અંગે થોડુંક : ભાનુપ્રસાદ ત્રિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ભાનુપ્રસાદ ત્રિવેદી

[સંદર્ભ : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૪, ‘વિક્ષિપ્તા‘ની સમીક્ષા, રમણ સોની]

‘વિક્ષિપ્તા’ અંગ થોડુંક...

‘વિક્ષિપ્તા’ના ઘનિષ્ઠ વાચક તરીકે (ચાર વાર વાંચી છે.) થોડુંક ધ્યાન દોરવા માગું છું. ‘કઈ સત્ત્વશીલતા સ્પૃહણીય?’ (‘પ્રત્યક્ષ’ : જુલાઈ-સપ્ટેમ્બર ’૯૪)ને શીર્ષસ્થ મુદ્દો બનાવી, રમણ સોનીએ પ્રશ્ન કર્યો છે : ‘તો નવલકથાકારે આવો આત્મવિશ્વાસ દૃઢાવવાનો?’ (પૃ. ૧૬) જેને આધારે આ પ્રશ્ન કરવામાં આવ્યો છે તે છે ‘વિક્ષિપ્તા’ની પ્રસ્તાવનાનો બીજો પરિચ્છેદ. આ આખો પરિચ્છેદ એક જ વાક્યનો બનેલો હોવાથી, ને તેનાં ઘટક આઠ ઉપવાક્યોમાંથી પ્રથમ બે ઉપવાક્યો જ દૃષ્ટિમાં રહી ગયાં હોવાથી અન્વય છટકી ગયો લાગે છે, વાક્યના વિધેયનું ઉદ્દેશ્ય નજર બહાર રહી ગયું છે. સંબંધિત અન્વય આ પ્રમાણે છે : ‘– આવી બધી હતાશાઓ વચ્ચે પણ, લોહી ફૂટે એવા શબ્દની સર્જનવ્યથા ભોગવ્યે રાખવાનું પ્રસ્તુત છે એ આત્મવિશ્વાસ.’ (લંબાણ ટાળવા આખો ફકરો ઉતારતો નથી). ‘વિક્ષિપ્તા’ (અને એમની અન્ય નવલકથાઓ) જોતાં, લેખકનું કૃતિ પર તોળાઈ રહેવું, જાતને લાદવી, પ્રોમ્પ્ટર બનવું, અર્થઘટનમાં ફસાવું, ચૈતસિક વ્યાપારોનાં બોલકાં નિરૂપણોમાં પડવું એને બદલે વચ્ચેથી ખસી જઈ માત્ર ઘટનાઓનો સાક્ષાત્કાર કરાવી વાચકને સ્વાયત્ત, સક્રિય બની ઊંડું અવગાહન કરવાનું આહ્વાન આપવાની આ લેખકની રીતિ હોય તેમ જણાય છે. [વેદ સરસ્વતીની ચિઠ્ઠી વાંચતા હૃષીકેશના ચિત્તમાં કેવા તુમુલ ખળભળાટ થયા હશે તેનું ચિતરામણ કરવાને બદલે લેખક લખે છે : ‘હૃષીકેશની આંખો વિસ્ફારિત થઈ ગઈ. થોડી ક્ષણો એના ચહેરા પર મેઘધનુષી રંગોની રમણા ચાલી. પછી એ ચહેરો તેલ ખૂટતાં બળેલી વાસવાળી ધૂમ્રસેર કાઢતા કોડિયા જેવો બની ગયો./ ‘બહુ મોડું થઈ ગયું વેદ!’ આવું કંઈક એ બોલ્યો – અથવા ન પણ બોલ્યો હોય...’ (પૃ. ૫૬૭)] આથી ક્વચિત્‌ મર્મો ચૂકી જવાય એવું બને છે. [જોકે હૃષીકેશ (‘ઋષિકેશ’ નહિ. જુઓ ‘વિક્ષિપ્તા’ પૃ. ૩૦૯) કૉંગ્રેસ હાઉસમાં જતો કેમ થયો એ, છાપામાં હપતાવાર વાંચતા એક સામાન્ય વાચકને કળાઈ ગયેલું : ‘... વેદ સરસ્વતીને લીધે.’ એણે પત્રમાં લખેલું!] સંભવિત છે કે ‘ઉદ્ધત યજમાન’, ‘હૃષીકેશ-૨’ એ બે પ્રકરણો અને ‘કાળબળ’ના અમુક અંશોમાં પુનર્નિમજ્જન કરવામાં આવે તો અગોચર ગોચર થઈ ‘પલટો’ ઉતાવળે આવી ગયાની, ‘ઉતાવળના, પ્રતીતિના પ્રશ્નો’ થવાની ભીતિ નિર્મૂળ થાય. તત્ત્વદર્શન, દાર્શનિક–વૈચારિક સામગ્રી, ચર્ચાઓ ઇત્યાદિને નિરપેક્ષ રીતે જોવા કરતાં પાત્રવ્યક્તિત્વ–પાત્રકક્ષા–સાપેક્ષ જોવી જોઈએ. આની સાથે સંજોગો, સમય, વાતાવરણ, દેશ-કાળ, કથા-માહોલનો સંદર્ભ પણ ધ્યાનમાં રહેવો જોઈએ, વેદ સરસ્વતી જેવી મેધાવિની સાથે. વાત ચાલતી હોય, એ પાછી સંન્યાસિની હોય, યોગની સાધના કરી રહી હોય, બોલનાર યોગના સૈદ્ધાન્તિક પાસાના તજ્‌જ્ઞ હોય, એ તજ્‌જ્ઞ એનેટોમી પણ ભણેલો (ડૉક્ટર) હોય, જે સમયમાં આ ચર્ચા ચાલતી હોય તે સમય, અંગ્રેજી શાસનના પ્રારંભિક તબક્કામાં પ્રસરેલો પાશ્ચાત્ય મોહ ઓસર્યા પછીનો આપણી પ્રાચીન સંસ્કૃતિ પરત્વેનો પુનર્જાગરણ કાળ હોય, આર્થિક – દોટથી મુક્ત હોવાને લીધે જેમને સમય ખર્ચવાની લક્ઝરી પોસાય છે એવાં સાધુ-સાધ્વી જ્યારે એ વિષયની જ ચર્ચા કરવા બેઠાં હોય ત્યારે ‘યોગની પરિભાષા અને એનેટોમીની પરિભાષાની તુલના’ ન થાય તો જ નવાઈ – એવો મારો નમ્ર મત છે. પાત્રનું મહત્ત્વનું કાર્ય જો પ્રવચનો આપવાનું હોય તો આખે-આખું પ્રવચન આવી જાય – જેને પરિણામે પાત્રનો વધુ ઉઘાડ શક્ય બને (આપણા લિજેન્ડ્રી પ્રોફેસર સદ્‌ગત એસ. આર. ભટ્ટનું પાત્ર, એમના એકેય લેક્ચર વિના આલેખી શકાય ખરું? અરે, એકાંકી જેવા ‘ઈકોનોમી’–પ્રતિજ્ઞ સ્વરૂપમાં પણ ભાષણો આવેલાં છે ને!) – એ બનવાજોગ નથી? અને... ‘દીક્ષાવિધિ’ને (‘પ્રક્રિયા’ શબ્દ વધારાનો છે), વિઘ્નો પાર કરીને આવેલી આતુર દીક્ષાર્થિનીની આંખે જોઈએ તો? અલબત્ત, મતાંતર સ્વીકાર્ય છે. અત્રે, ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’માં આવતી આખે-આખી લોકવાર્તાઓ, શરદ-ટાગોરની નવલકથાઓમાં પાનાંનાં પાનાં ભરી દેતી ચર્ચાઓ ઇત્યાદિના હવાલા આપી. બચાવ મજબૂત કરવાનો ઉપક્રમ નથી. લેખકને દૂર રાખી, એક વાચકની હેસિયતથી આ લખાયું હોવા છતાં, મારે પક્ષે વિવેચનમાં ઊતરવું એ અવિવેક જ નહિ, અનધિકાર ચેષ્ટા પણ બની રહે. આપણા સંનિષ્ઠ અને નીવડેલા વિવેચકો પરત્વે આદર ધરાવતો એવો હું રમણ સોનીએ ચીંધેલા અન્ય મુદ્દાઓ શિરોધાર્ય ગણી, ‘વિક્ષિપ્તા’ની સમીક્ષામાં એમણે જે સામર્થ્ય દાખવ્યું છે તે બદલ અભિનંદન આપવાની લાગણી સેવતા ‘પ્રત્યક્ષ’ના વાચકોમાં મારો પણ સમાવેશ કરું છું.

– ભાનુપ્રસાદ ત્રિવેદી
ગાંધીનગર, ૧૪-૧૧-૯૪
(ઑક્ટોબર-ડિસે. ૧૯૯૪, પૃ. ૩૭-૩૮)