રચનાવલી/૧૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
{{Heading| ૧૭. ચંડીપાઠ (રણછોડજી દીવાન) |}}
{{Heading| ૧૭. ચંડીપાઠ (રણછોડજી દીવાન) |}}


<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e3/Rachanavali_17.mp3
}}
<br>
૧૭. ચંડીપાઠ (રણછોડજી દીવાન) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 00:45, 4 June 2024


૧૭. ચંડીપાઠ (રણછોડજી દીવાન)





૧૭. ચંડીપાઠ (રણછોડજી દીવાન) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


પાશ્ચાત્ય દેશોમાં કામ સાથે અપરાધ ભાવ જોડવમાં આવ્યો છે, ત્યારે આપણે ત્યાં કામની સાથે પુરુષાર્થભાવ જોડાયો છે અને જાતીયવૃત્તિને જીવનના એક વિધાયક બળ તરીકે સ્વીકારી છે. એ જ રીતે પાશ્ચાત્ય દેશોમાં નારીને એક ઊતરતી કક્ષાના કે દ્વિતીય કક્ષાના મનુષ્ય તરીકે હિણપતી જોઈ છે અને પુરુષની પાંસળીમાંથી ઉદ્ભવેલી કલ્પી છે. આની સામે ભારતીય વેદકાલીન પરંપરાથી નારીની શક્તિનો મહિમા થતો આવ્યો છે. નારીનો આદ્યશક્તિના રૂપમાં સ્વીકાર થયો છે. એ વાત જુદી છે કે મનોવિજ્ઞાને છેક આજે મનુષ્યના માનસિક વિકાસના પ્રારંભિક તબક્કામાં માતાને બાળકની સમગ્ર જીવનશક્તિના સંચારકેન્દ્ર રૂપે જોઈ છે. હા, ભારતીય રાજ્યવ્યવસ્થાના અંધાધૂંધ મધ્યકાળમાં નારી પરત્વેનું વલણ હીણું બનેલું એમાં કોઈ શંકા નથી. મધ્યકાલીન સામાજિક માળખાએ અને લગ્નસંસ્થાએ નારીને છૂપા અત્યાચારોની ભોગ બનાવી. સતીપ્રથા અને દીકરીને દૂધ પીતી કરવા સુધીની નારીહિંસાને છેવટે અંગ્રેજી રાજનીતિએ કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો. નારી ઉદ્ધારના આ કાર્યમાં ૧૯મી સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજોને મદદ કરનારાઓમાં રણછોડજી દીવાનનું નામ જાણીતું છે. ઈ.સ. ૧૭૮૫માં જન્મી ૧૮૪૧ સુધી હયાત રણછોડજી દીવાન નાગર પિતા અમરજી નાણાવટી અને માતા ખુશાલબાઈનું સંતાન હતા, તેઓ જૂનાગઢ જિલ્લાના દીવાન હતા અને પછી જામનગરમાં પણ એમણે દીવાનગીરી નભાવેલી. પણ દીવાન રાજદ્વારી પુરુષ હોવાની સાથે સાથે સારા યોદ્ધા પણ હતા. કેટલેક મોરચે એમણે પોતે યુદ્ધમાં ભાગ લીધો હતો. અંગ્રેજોએ પણ આ રાજદ્વારી પુરુષની પ્રશંસા કરી છે. સંસ્કૃત, વ્રજ અને ફારસી એમ ત્રણે ભાષાના જાણકાર રણછોજી દીવાને ફારસીમાં સૌરાષ્ટ્રનો ઇતિહાસ ‘તારીખ-ઈ-સોરઠ’ લખ્યો છે; અને એનો અંગ્રેજીમાં તરજૂમો પણ થયો છે. નારી સંબંધી કુરિવાજો દૂર કરવામાં અંગ્રેજોને મદદરૂપ થનાર આવા શક્તિશાળી પુરુષ નારીસન્માનની ભાવનાથી નારીશક્તિને વર્ણવવા માતાની ભક્તિ તરફ વળે એ સહજ છે અને એટલે જ રણછોડજી દીવાનનું નામ મધ્યકાળની શક્તિસંપ્રદાયની કવિતામાં ખાસ ઉલ્લેખાતું રહ્યું છે. ભાણદાસ, વલ્લભ મેવાડો અને રણછોડજી દીવાન જેવા કવિઓનાં નામ ગુજરાતી શક્તિસાહિત્યમાં આદરથી લેવાતા આવ્યાં છે. રણછોડજી દીવાને માતાની શક્તિનો મહિમા કરતાં કરતાં એના શણગારો અને એનાં પરાક્રમોને અનેક ગરબામાં વર્ણવ્યાં છે. અહીં રચનાઓમાં ભક્તિ કેન્દ્રસ્થાને છે. ‘ચંડીપાઠ’ રચના, રણછોડજી દીવાનની બહુ જાણીતી રચના છે. ભાલણના ‘ચંડીઆખ્યાન'ની સાથે સરખાવી શકાય એ કક્ષાની એમની આ રચના છે. ‘ચણ્ડી પાઠ’ કડવામાં નહીં પણ કવચમાં લખાયેલી છે. શક્તિની મંત્ર દ્વારા કરવામાં આવતી ઉપાસનાનાં પાંચ અંગોમાં ‘કવચ’ પણ એક અંગ છે. એને અનુસરીને કવિએ રચનાના ખંડોને ‘કવચ’ નામ આપ્યું છે. માતાજીની સહાયનું કવચ તો પાછું એમાં અભિપ્રેત છે જ. માર્કેડેય પુરાણ પર રચાયેલી સપ્તશતી ચંડીપાઠનો અહીં કવિએ આધાર લીધો છે; અને મુખ્યત્વે ચંડી દ્વારા થતા અસુરોના સંહારોને વર્ણવ્યા છે. રચનાની શરૂઆતમાં સુરથ નામનો એક રાજાનો મંત્રી અસુર સાથે ભળી જાય છે અને અસુર સુરથનું રાજ્ય છિનવી લે છે. દેશ ખોવાનો રાજાને ઉરે દાહ છે. કહે છે: ‘ધન માહરાંને શત્રુ ભોગવે રૈ, કીડી સંચરે ને તેતર ભોગવે રે / ધન મારું ને ધણી કોક થાય રે, વૃક્ષ વાવ્યું ને ફલ કોક ખાય રે’ રાજાને કોઈ વૈશ્યનો ભેટો થાય છે. વૈશ્યને એની પત્ની અને એનાં સંતાનોએ કાઢી મૂક્યો છે. એને પણ થાય છે કે ‘મધમાખી ઘસે જેમ હાથ રે, ભૂલ્યો ભરું બાવળ સાથે બાથ રે’ રાજા અને વૈશ્ય મુનિ પાસે જાય છે, મુનિને મમતામાંથી ઊગરવાનો ઉપાય બતાવવા વિનવે છે, ત્યારે મુનિ માયાનું શક્તિરૂપ સમજાવતા કહે છે : ‘દુઃખભંજની ને દાનવગંજની રે, શિવરંજની ને માત નિરંજની રે / સિંહવાહિની દારિત્ર્ય દુ:ખદાહની રે, પ્રબળવાહની પૂરણ અવગાહની રે’ આવી છબિ મધુકૈટભ જેવા અસુરોના વધમાં નિમિત્ત બને છે. આ પછી કવિએ મહિસાસુર સાથેનો આદ્યશક્તિનો સંઘર્ષ લંબાણથી વર્ણવ્યો છે. અસુરોને આરોગતી આદ્યશક્તિનું કવિએ જોરદાર ચિત્ર આપ્યું છે : ‘ઝાલે દુષ્ટને મંજારી જેમ કુકડા રે, વીશ વીશના ભરે છે માતા બુકડા રે / રથ વાજી હાથીની મુખે ઘાલિયા રે, જેમ ફાકડા ભરાય ધાણી દાળિયા રે.’ મહિષાસુર વર્ણન પણ યાદ રહી જાય એવું છે : ‘નાગઢની સમાન શિંગડા વળ્યા રે લોલ / કંઠ ઘંટ ઘણા ધમધમે કાને કડાં રે લોલ / પૂંછ ફેરવેથી સમુદ્રની માઝા ખસી રે લોલ’ મહિષાસુરમર્દન બાદ કવિ ‘જગજનની ગિરિનંદની ભયભંજની માય’ની સ્તુતિ કરે છે. અને પછી માએ શુંભ-નિશુંભ અસુરોને કઈ રીતે હણ્યા એની વાત માંડે છે. માના રમણીય રૂપનું દર્શન ચંડ અને મુંડ રાક્ષસો શુંભ-નિશુંભને પહોંચાડે છે. શુંભ-નિશુંભ દૂત મોકલે છે. દૂત માને કહે છે : ‘રાજી થઈને તું ચાલ છબીલી થા રાણી શિર મોડ’ પણ મા પોતાની પ્રતિજ્ઞા કહે છે : ‘ભરથાર થાય જે રણમાં શૂરો’ ભોંઠો પડેલો દૂત શુંભ-નિશુંભ પાસે પહોંચતા બંને અસૂરો સૈન્યને આજ્ઞા કરે છે ‘ઝાલી ખેંચીને લાવ સુકેશીજી’ જેમ બ્રાહ્મણ મોદક ખાય તેમ એક પછી એક અસુરો ઓરાતા જાય છે. ચંડાસુર અને મુંડાસુર હણાયા. રક્તબીજ અસુરના લોહીમાંથી અસુરો જન્મ્યા એ સૌ મા દ્વારા ‘મુખ કીધું વિશાળ મહેશપ્રિયા સઘળા અસુરાધમ ગ્રાસ થયા’ ને રક્તબીજને પણ માએ નિર્બીજ કર્યો. છેવટે શુંભ- નિશુંભ પણ હણાયા. કવિ કહે છે કે એ બધા તો ‘અરે! કાળજાળના મીન રે.’ કવિ છેલ્લે મુનિના મોંમાં શબ્દો મૂકે છે: ‘મુનિ બોલ્યા તે પરમ ઉદાર જય જગજનની રે / મહામાયા તે ભવનું સાર જય જગજનની રે’ મુનિ અંતે ‘જગ જનની તો બ્રહ્મપ્રકાશ’ એમ ઉચ્ચરે છે. મનુષ્યજીવનમાં પુરુષચેતનાની સાથે નારીચેતનાનો પણ એવો જ મહિમા હોઈ શકે અને મનુષ્યજીવનના ધારક અને ચાલક બળ તરીકે આજે જ્યારે મનોવિજ્ઞાઅે માતૃત્વને આગળ કર્યું છે, ત્યારે આ પ્રકારની શક્તિભક્તિ પાછળની માહિતી નારીને યોગ્ય રૂપમાં સ્થિર કરી આપે છે.