આત્માની માતૃભાષા/15: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
(No difference)

Latest revision as of 12:12, 24 November 2022


ગુજરાત — ઉમાશંકરની

ભાગ્યેશ જ્હા

ગુજરાત — ઉમાશંકરની

મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી
ગૂજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા'કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં.
ગૂજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે;
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે!
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે
ગૂજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસશાં સુખડૂબ્યાં જોડલે
ગૂજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી?
ગૂજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.

મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.

મુંબઈ, ૨૮-૧૧-૧૯૩૪


ઉમાશંકર આપણી ભાષાના પ્રમુખ ઊર્મિકવિ છે. કવિ યુગચેતનાના ઉદ્ગાતા છે તેથી અનેક સ્તરે અને સ્થળે એમનો સમાજોન્મેષ પ્રગટ થયા કરે છે. ‘ગુજરાત મોરી મોરી રે…’ એ એમની ગુજરાત પ્રત્યેના પ્રેમ અને અપેક્ષાની હૃદયોર્મિનું ગીત છે. ‘મારી મારી'ને બદલે ‘મોરી મોરી’ ગાઈને કવિ એમના વ્હાલને થોડી લોકબોલીનો સ્પર્શ આપે છે, સાથે સાથે [આ કવિતા ૧૯૩૪માં લખાઈ છે] જન્મ આપનાર મા સાથે થોડો કાલો-કાલો ભાષાવ્યવહારથી આવનાર ભાવજગતની પીઠિકા પણ બાંધે છે. શેલી એમના ‘A defence of poetry'માં કવિના અધિકારપૂર્વકના ‘મળતાં મળી ગઈ’ કે ‘ભારતની ભોમમાં ઝાઝેરી’ જેવા કવિવિધાનોને આ રીતે મૂલવી શકાય, ‘Poets are the unacknowledged legislators of the world.’ કવિનો વતનપ્રેમ નદીઓમાં, પર્વતોમાં, વાડી અને વગડામાં અને નેહભર્યા માનવસમૂહમાં અભિવ્યક્તિ પામ્યો છે, જેમાં ગુજરાત અને ઉમાશંકર આકંઠ છલકાય છે. દરેક કવિતા એના નાભિકેન્દ્રથી કવિતામાં પથરાયેલ ભાવસંચલન પર નજર રાખતી હોય છે. અહીં કવિતાનો નાભિશબ્દ કાવ્યને છેડેથી ઉચ્ચરે છે, ‘નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી.’ કવિતા ઊર્મિનો પ્રદેશ છે, વતનવ્હાલમાં ઊભરાતી નદીઓ અને ગગનસ્પર્શી પહાડો હોય તે સ્વાભાવિક છે પણ કવિ બે ઇતિહાસપાત્રોને મૂકીને આખી કવિતાના ભાવજગતને એક વળાંક આપે છે. મહર્ષિ અરવિંદ એમના મહાન પુસ્તક ‘ફ્યુચર પોએટ્રી'માં જે કવિતાના મંત્રની વાત કરે છે તેનો રણકાર અહીં સંભળાય છે. કવિ ગાંધીયુગના પ્રભાવક પ્રવક્તા તો છે જ, પણ નર્મદ અને ગાંધીને સાથે સ્મરીને ગુજરાતી જીવનના આગામી પડકારોનો એક ભાવિનકશો પણ દોરે છે. ‘તારી હાંક સુણીને કોઈ ના આવે તો એકલો જાને રે’ જેવી રવીન્દ્રવાણી અને કલમને ખોળે માથું મૂકવાની પ્રતિજ્ઞાની ભાષામાં છલકાતી ભાષા અને સંસ્કૃતિપ્રીતિ આવનારી ઝગમગાટવાળી સમૃદ્ધિમાં ન ભુલાય માટે ‘જીવવી છે દોહ્યલી’ એવું કવિવચન દ્રવે છે. કવિનો ગાંધીપ્રેમ ખૂબ જ જાણીતો છે. એમનું ગ્લોબલાઇઝેશન વેદ અને ઉપનિષદ અને સંસ્કૃત સાહિત્યની ગૌરવભરી વિશ્વપ્રજ્ઞા થકી પોષાયેલું અને રસાયેલું હોવાથી ગાંધી સાથેનો એમનો વિચારમેળ સ્વાભાવિક છે. ‘વિશ્વશાંતિ', ‘અભિજ્ઞા', ‘ગંગોત્રી'માં જ નહીં પણ કવિની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં કવિની સમાજ માટેની, વંચિતો માટેની નિસબત પ્રગટ થયા કરી છે. આ સત્યનિષ્ઠા, દેશપ્રેમ અને સ્નેહથી છલકાતા માનવસંબંધો કવિને ગાંધીવિચારમાં તરબોળ કરે તે સ્વાભાવિક છે. ‘જન્મ ગાંધી બાપુનો, સત્યના અમોઘ જાદુનો.’ [અભિજ્ઞા, ગાંધી જયંતીએ…] આ અને આવા ગાંધીવિચાર તથા નિષ્ઠાને લીધે આ ગુજરાતને આ ભાવથી જીરવવી હશે તો ભારે પુરુષાર્થ કરવો પડશે. અહીં કવિનું ‘મળતાં મળી ગઈ’ એવું કહેણ સમજવામાં પણ આ વિચારભાર અને અપેક્ષાને કારણે ભાવકને સહાય મળે છે. કવિની અને કવિતાની મજા પણ આ છે. કાવ્યની શરૂઆતમાં ગૌરવવાણી, નદીઓની પ્રેમાળ છોળો અને પર્વતની વડીલ જેવી ઊંચી હાજરી ભાવકને ગુજરાતની ભૂગોળ અને ભાવ જગતને ખોલી આપે છે. ચરોતર અને ચોરવાડની લીલીછમ પાર્શ્વભૂમાં વિકસેલાં હૈયાં અને કોયલ-મોરના પંખીરવમાં ગુજરાતના સુખી સમાજજીવનની સોડમ વરતાય છે. પણ ત્યાર પછીના અંતરામાં કવિ નર્મદ અને ગાંધીને મૂકીને કાવ્યની ‘ઇકૉલૉજી'ને સફળતાપૂર્વક ઝંઝોળે છે. કવિતાની ભાગોળે મળેલા બે પ્રેરણાપાત્રો ભાવકને પાછો વાળે છે. એણે હવે સાબરના સોણલામાં ગાંધી અને નર્મદને સાંભળવાની જવાબદારી કવિએ સોંપી છે. ભાવકે ગિરનારી ટૂંકો [ગુજરાતના સૌથી ઊંચા પર્વતના શિખરને ટૂંકો કહી કવિ એકસાથે. ‘ઇતિહાસબોધ’ અને ગુજરાત માટે સરળ બનનાર વિકાસ-પર્વતારોહણોનો અંગુલિનિર્દેશ કરે છે.] અને ઇડરિયા ગઢને ગાંધી-નર્મદની હાજરીમાં જુદી રીતે વાંચવા પડે છે. હૈયાના હીરમાં ચોરવાડની છાતીના ધબકારા સાંભળવાના છે તો ‘નીરતીરે’ સારસસહજ લીલયા વિહરવામાં ગાંધીની જાગૃતિ અને તાપીતીરેથી પ્રગટેલી સુધારક મુદ્રા સુખમાં ડૂબી જતાં ભુલાઈ ન જવાય તેવું લોકશિક્ષણ આપવાનું કવિ-શિક્ષક કાનમાં કહેતા હોય તેવું જણાયા કરે છે. આ બધો મહિમાગાન એક વાર ગાયો તે કોઈ રીતે ભુલાય નહીં તેવું લ્હેકાભર્યું ઉમાશંકરીય વચન આપણને ફરી પાછા પે'લા લયમય ગીતમાં જોડે છે. ઉમાશંકરના પ્રબુદ્ધ અભ્યાસી ચંદ્રકાન્ત શેઠ સાચે જ ઠરાવે છે કે આ કવિ ‘વિશ્વતોમુખી’ કવિ છે. ન્હાનાલાલને જેમ ‘બ્રહ્મ’ શબ્દ પ્રિય છે તેમ ઉમાશંકર વિશ્વ શબ્દ એની અનેક અર્થમુદ્રાઓમાં પ્રયોજે છે. કવિના આ કાવ્યના પ્રથમ વાચને લાગતો ગુજરાતપ્રેમ છેક લગી ગુંજતો તો રહે જ છે પણ કવિની ૧૯૩૪માં ઉચ્ચારેલી વ્હાલવાણી આજે ૭૬ વર્ષ પછી પણ એક અલગ તાજપ છલકાવે છે. એમની નિસર્ગપ્રીતિની પાર્શ્વભૂમાં કવિતા આપણને ઇતિહાસ અને ભાવિના આંગણાની થોડી વાછટ તો થોડા તડકાનો સંસ્પર્શ કરાવે છે. કવિની અને કવિતાની આ જ સ્તો કાલજયી છબિ છે.