વસુધા/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 09:05, 18 June 2023 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.


વસુધા


[‘કાવ્યમંગલા’નો અનુગામી કાવ્યસંગ્રહ]





સુન્દરમ્







હે પૃથ્વીમૈયા! તમ ચરણસંગીત ઝમતું
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી તે ગમ તમે
અમારાં વાળી દ્યો તૃષિત મુખનેત્રો, ભરી દિયો
દિગન્તી વિદ્યુત્‌ને અમ બટુક યાત્રાળુચરણે.


પ્રકાશક
આર. આર. શેઠની કંપની • મુંબાઈ • ૨
વિ. ૧૯૯૫          ઈ. ૧૯૭૯



સર્વ હક્ક કર્તાને સ્વાધીન
આ સંગ્રહમાંના કાવ્યોનો કોઈપણ પ્રકારે ઉપયોગ ક૨તા પહેલાં કર્તાની સંમતિ મેળવવી જરૂરની છે.
બે રૂપિયા
પહેલી આવૃત્તિ ૧૧૫૦ : આસો ૧૯૯૫
મુદ્રક: કસ્તુરચંદ છગનલાલ શાહ : શ્રી લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ
રાવપુરા : વડોદરા, તા. ૧-૧૧-૩૯






શ્રી બચુભાઈ રાવતને
મારી કવિતાના અને મારા પ્રથમ તથા પરમ સુહૃદને









याऽर्णवेऽधि सलिलमग्र आसींद्यां मायाभिरन्वचरन् मनीषिणः। यस्याः हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः। सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे ॥ अथर्व-१२-१-4 [અગ્રે હતી અર્ણવે સલિલ જેહ, માયાથી જે અનુસર્યા મનીષિઓ, જે પૃથ્વીનું અમૃતરૂપ હૃદય સત્યે છાયું પરમ વ્યોમમાં છે. દ્યો તેજ બલ તે ભૂમિ, અમને રાષ્ટ્ર ઉત્તમે–‘શેષ’]

त्वज्जातास्त्वयि चरन्ति मर्य्तास्त्वं बिभर्षि द्विपदस्त्वं चतुष्पदः। तवेमे पृथिवि पंच मानवा येभ्यो ज्योतिस्मृ मर्त्येभ्य उद्यन्त्सूर्यो रश्मिभिरातनोति ॥ अथर्व-१२-१-१५ [તૂંથી જન્મી મર્ત્યો તૂંમાં ફરે છે, ધારે છે તું બેપગાં ચોપગાંને. તારા પૃથ્વી પાંચ આ માનવો છે, જે મર્ત્યોને અમૃત એવું જ્યોતિ સૂર્ય ઊગન્તો રશ્મિથી વિસ્તરે છે–‘શેષ']





પ્રાસ્તાવિક

મુખ્યત્વે સને ૧૯૩૩ અને ૧૯૩૮ વચ્ચે લખાયેલાં કાવ્યોમાંથી ઘણાંખરાં આ સંગ્રહમાં મૂક્યાં છે. ૧૯૩૩ પહેલાંનાં કેટલાંક કાવ્યો તે વેળાના રાજકીય વાતાવરણને લીધે ‘કાવ્યમંગલા'માં મૂકી શકાયાં ન હતાં તે અહીં લઈ લીધાં છે. કાવ્યોની ગોઠવણ અમુક અંશે વિષયવાર કરવા પ્રયત્ન કર્યો છે. અને કાવ્યની રચનાતારીખ છંદ વગેરે ગૌણ માહિતી પાછળ ટિપ્પણ અને સમયાનુક્રમમાં મૂકી છે. ટિપ્પણમાં મૂકેલી સમજૂતી, સાર, વગેરે વિદગ્ધ સહૃદયોની ક્ષમાયાચના સાથે જ.

છેવટે મૂકવી પડેલી મુદ્રણશુદ્ધિ પ્રમાણે કાવ્યોને પ્રથમથી સુધારી લેવા વિનંતી છે. પુસ્તક છપાતાં સૂઝેલાં કેટલાંક પાઠાન્તરો પણ ત્યાં મૂક્યાં છે.

‘કાવ્યમંગલા’ માટે અમદાવાદની ગૂજરાત સાહિત્યસભાએ મને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો એ માટે એ સંસ્થા પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વળી, જો કે કાવ્યસંગ્રહની નકલો તો બહુ વેચાતી નથી, છતાં જનતા પણ જે રીતે મારાં અને મારા મિત્રકવિઓનાં કાવ્યોમાં જે રસ ધરાવતી થઈ છે તેથી પણ હૃદય આર્દ્ર થાય છે. આજની કવિતા ગુજરાતને હવે બેકદર કહી શકે તેમ નથી. આ કદરને માથે ચડાવી કવિતાએ પ્રતિભાની આરાધના વિશેષ ઊંડી, અને વિનમ્ર છતાં ઉગ્ર કરવી જોઈએ એમ મને લાગે છે. ઉત્કૃષ્ટ કવિતાનું સર્જન થવું એ તો ‘બાજી હરિને હાથ’ જેવું છે.

સંગ્રહના સંપાદનમાં એવા આત્મીય મુરબ્બીઓ અને મિત્રોનો હાથ છે કે તેમનો નામોલ્લેખ કરવો તેમને અવિનય લાગે, છતાં ય પણ તેમના સહકારની અમૂલ્યતા તો મારે સાભાર સ્વીકારવી જ જોઈએ.

એ ફરિયાદ સાચી જ છે કે ગુજરાત બહુ કવિતા ખરીદતું નથી. પણ એ ફરિયાદ કરવાનો કવિને હક છે કે કેમ તેની મને ખબર નથી. ગુજરાત પોતાને ત્યાં જે કવિતા લખાય છે તેને વાંચે, અને સમજે તેટલું જ કવિ માટે પૂરતું ગણાવું ન જોઈએ?

‘કાવ્યમંગલા’ ગૂજરાતના ચરણમાં ધરતાં જે આશા મેં વ્યક્ત કરેલી તે એ પછીનાં છ વર્ષે પણ વ્યકત કરવા મન થાય છે કે આ સંગ્રહનું પ્રકાશન ગૂજરાતની જનતાનાં સમય દ્રવ્ય અને સહાનુભૂતિ ઉપર નિરર્થક આક્રમણ જેવું નહિ ગણાય.

ત્રિભુવનદાસ પુ. લુહાર શરદપૂર્ણિમા, ૧૯૯૫
અમદાવાદ


કૃતિ-પરિચય

વસુધા (૧૯૩૯) : ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે. ‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ જેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત જનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે.

—કિશોરસિંહ સોલંકી