સ્વાધ્યાયલોક—૭/સુન્દરમ્‌

From Ekatra Wiki
Revision as of 21:02, 5 May 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુન્દરમ્‌

આજે (માર્ચ ૨૨) સુન્દરમ્‌‌ની ૬૦મી જન્મતિથિ છે. હાર્દિક અભિનંદન! કોઈ પણ કવિ વયના ૬૦મા વર્ષ લગી સતત સુન્દર કવિતાનું સર્જન કરતો રહે એ એનું અને કવિતાનું સદ્ભાગ્ય છે. એ ધન્યતાનો અનુભવ છે. એનો અર્થ એટલો જ કે એ કવિએ ગૌરવ અને ગાંભીર્યથી કવિકર્મ કર્યું છે. અને ત્યારે એટલા જ ગૌરવ અને ગાંભીર્યથી એની કવિતાનો પ્રેમાદર કરવાનો રસિકજનોનો અનિવાર્ય ધર્મ છે. વળી આવા કવિની ૬૦મી જન્મતિથિ એ એની કવિતાનું પુન:મૂલ્યાંકન કરવાનું સહજ જ નિમિત્ત ગણાય. અહીં આ લઘુલેખમાં આવું પુન:મૂલ્યાંકન કરવાનો નહિ પણ કેવળ કવિના જીવન અને કવનનો સ્વલ્પ પરિચય કરવા-કરાવવાનો આશય છે. પણ આશા છે કે અધિકારી રસિકજનો સુન્દરમ્‌‌ના સમગ્ર સાહિત્યસર્જનનું આ વર્ષમાં પુન:મૂલ્યાંકન કરીને એમને ૬૦મી જન્મતિથિની શુભેચ્છાઓ અર્પશે અને ગુજરાતની પ્રજાની કાવ્યરુચિને સુયોગ્ય રીતે સંતર્પશે. સુન્દરમ્‌ (ત્રિભુવનદાસ લુહાર)નો જન્મ ૧૯૦૮ના માર્ચની ૨૨મીએ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર ગામમાં. માતાનું નામ ઊજમબહેન અને પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવલાલ. ૯ વર્ષની વયે મંગળાબહેન સાથે લગ્ન. મિયાંમાતરમાં લોકલબોર્ડની શાળામાં ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અભ્યાસ. આ સમયમાં પોતાના ભાઈઓનાં નામ સાથે શબ્દો ગોઠવીને બનાવેલાં જોડકણાં, પિતાના અવસાન સમયે સાંભળેલા રાજિયા, એક ભાઈબંધ લઈ આવેલો અને ઘાસલેટના દીવાની ધુમાડિયા નાનકડી જ્યોતમાં વાંચેલી તે ગજરામારુની વારતા, એમાંથી એક મિત્ર ગાતો તે સાંભળેલા દોહા, પાઠ્યપુસ્તકમાં આવતાં વિવિધ કાવ્યો, કેટલાક અચ્છા હરિદાસ કલાકારોના સમાગમે સાંભળેલાં કથાકાવ્યો — એવા-એવા અનુભવો થતા હતા ત્યાં ‘કાવ્યદોહન’ હાથમાં આવી ચડ્યું. પ્રેમાનંદની શૈલીમાં એક કાવ્ય માંડી દીધું. પંદરેક લીટી લખાઈ હશે પણ પછી પાંચપંદર દિવસે એની કશી સ્મૃતિ પણ રહી નહિ. (જોકે પછીનાં દસેક વર્ષમાં આવી જ શૈલીમાં ‘લોકલીલા’, દલપતશૈલીમાં ‘રાયપુરની રમણી’ અને એવાં ચારપાંચ અન્ય, તથા મુખ્યત્વે દોહાસોરઠામાં ૩૪૨ પંક્તિમાં ‘એક કવિતાપ્રવાસ’, ક્લાંતશૈલીમાં ખંડ શિખરિણીના ૫૪ શ્લોકોમાં ૩૨૪ પંક્તિમાં ‘માયાવિની’ વગેરે કાવ્યો રચ્યાં તે સામયિકોમાં અથવા હસ્તપ્રતોમાં સચવાયાં છે. ગ્રંથસ્થ ક્યારે થશે?) ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વરસ અભ્યાસ. આ સમયમાં મહાત્માજીના રેંટિયા અને રેંટિયાનાં ગીતો શાળામાં ગુંજવા લાગેલાં, એના ગુંજનના અનુસંધાનમાં કવિ અને કવિમિત્રો જે વડની ડાળ પર ઝૂલતા તેનું ગીત રચ્યું. વિનીતના અભ્યાસવર્ષમાં પ્રૌઢ અને શિષ્ટ કવિતાનો પરિચય, સંસ્કૃત છંદોનો અભ્યાસ અને શ્લોકના અનુવાદનો અને ક્યારેક મૌલિક સંસ્કૃત શ્લોકના સર્જનનો અનુભવ. ભરૂચમાં એક સભામાં રમણભાઈ નીલકંઠ અને ઓંકારનાથની ઉપસ્થિતિ તથા એમની સાહિત્યચર્ચા અને સંગીતકલા કોઈ ગુપ્ત ઝંકારને જાગ્રત કરી ગઈ. ગુજરાતીના શિક્ષક વિશ્વનાથ ભટ્ટની પ્રેરણાથી અમદાવાદથી યોજાતી સાહિત્યસભાની સાહિત્યપરીક્ષામાં ઉત્તીર્ણ થતાં, જે પછીથી પ્રેમપૂર્વક સાચવી રાખ્યું તે રમણભાઈ નીલકંઠના હસ્તાક્ષરનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. ૧૯૨૫માં ભરૂચમાંથી વિનીત થઈ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ. વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માં ઉત્તમ લેખ માટે ‘તારાગૌરી ચન્દ્રક’ પ્રાપ્ત કર્યો. ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ નિબંધ માટે અખિલ ભારત વિદ્યાર્થી પરિષદનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ૧૯૨૮–૨૯ના છેલ્લા વર્ષમાં ‘સાબરમતી’નુ તંત્રીપદ પ્રાપ્ત કર્યું. ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ભાષાવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરીને સ્નાતક થયા. આ સમયમાં અનેક અધ્યાપકો દ્વારા ચિત્ત ઉત્તમ ગુજરાતી કવિતાના ઉત્તમ સંસ્કારોથી સિંચાતું ગયું. એમાં માત્ર સુન્દરમ્‌‌ના જ નહિ પણ હવે સમગ્ર ગુજરાતના કાવ્યગુરુ રામનારાયણ પાઠકનું કર્તૃત્વ અનન્ય હતું. પાછળથી ૧૯૩૮માં પાઠકસાહેબે પોતાના આ શિષ્યને સંબોધીને એક કાવ્ય ‘વિવેચક મિત્રને’ રચ્યું, એમાં તેને ‘સદાનો એ મારો સહૃદય તું નિષ્કારણ સખા!’ એમ મિત્ર અને સખા ગણ્યો. પાઠકસાહેબે આ ૧૭–૧૮ વર્ષના છોકરડાને કવિતાના અસીમ-નિ:સીમમાં છૂટથી વિહરતો કર્યો. ક્લાંત, કાન્ત, કલાપી અને સવિશેષ ન્હાનાલાલ તથા બલવન્તરાયની કવિતાની અનન્ય ભૂરકી આ તરુણચિત્ત પર છાંટી. આ ઉભયવિધ શિક્ષણની ભેટ તે ‘એક રસનાટિકા’ રચવાનું સ્વપ્ન અને એક સવારે પૃથ્વી છંદની સિદ્ધિ. આ પૃથ્વી છંદ સુન્દરમ્‌ પાઠકસાહેબ પાસે લઈ ગયા. પાઠકસાહેબે પૂછ્યું, ‘કયો છંદ છે?’ સુંદરમે કહ્યું, ‘પૃથ્વી.’ ત્યારે એમણે કવિને અત્યંત સહજ રીતે કહ્યું કે છંદો લખતાં પહેલાં તે શીખવા જોઈએ. અને પછી તો જેમ અનેક વાર ચડીચડીને અને પડીપડીને સાઇકલની સવારી શીખ્યા હતા એમ જ પૃથ્વી છંદ શીખ્યા. નવરંગપુરા ગામના એક મેડા ઉપર એમ મધરાતે મધરાતે કવિના મગજના ખલમાં પૃથ્વી છંદ ઘૂંટાઈ ગયો અને પરિણામે પૃથ્વીયુગનો આરંભ થયો. એ વિશે કવિમિત્ર અને મિત્રકવિ ઉમાશંકરે નોંધ્યું છે, ‘ઇન્ટરમાં હતો ને મિત્રો જોડે ગૂજરાત વિદ્યાપીઠમાં ગયેલો. એક મિત્રે સુથારી કામ કરી રહેલા એક જુવાનને ‘આ ત્રિભુવનદાસ લુહાર, ‘સાબરમતી’ના તંત્રી, કવિ છે.’ કહીને બતાવ્યા. મિત્ર પાસેથી મળેલું ‘સાબરમતી’ દ્વૈમાસિક પાછા આવતાં રસ્તામાં ખોલ્યું, ત્યાં પ્રથમ પૃષ્ઠે જ મુશ્કેલી! તંત્રીએ કીટ્સની ‘ઓડ ટુ એ નાઇન્ટિંગેલ’નું ‘કોયલને’ મથાળાથી ભાષાંતર આપેલું. મથાળાની નીચે કૌંસમાં લખેલું ‘પૃથ્વી.’ વિદ્યાપીઠના એ, અત્યારે તો નાશ પામેલા, આમલી અને કણઝીનાં વૃક્ષોથી છવાયેલા આખા રસ્તે હું વિમાસતો જ રહ્યો કે કવિએ કાવ્યને બે મથાળાં કેમ આપ્યાં હશે? કોયલ પૃથ્વી ઉપરથી ઊડી માટે ‘કોયલને’ એમ લખીને નીચે ‘પૃથ્વી’ શબ્દ કૌંસમાં મૂક્યો હશે? ‘પૃથ્વીયુગ’ શરૂ થઈ ચૂક્યો છે એ જાણવાની મને હજુ વરસેકની વાર હતી.’ સુન્દરમ્‌‌નું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય તે ‘એકાંશ દે’, ૧૯૨૬માં, ‘સાબરમતી’માં ‘મરીચિ’ના કવિનામથી. એ નામે અન્ય ત્રણ કાવ્યો પ્રસિદ્ધ થયાં, પછી મહામહેનતે બેત્રણ કવિનામો અજમાવી જોયા પછી એક સુભગ ક્ષણે ગાંધીજીની આત્મકથામાં આવતા બાલાસુન્દરમ્‌ ગિરમીટિયામાંથી પાછલો ટુકડો મનમાં ચોંટી ગયો અને સુન્દરમ્‌‌નું અવતરણ થયું. એ નામે પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય તે ‘બારડોલીને’, ૧૯૨૮માં, ‘સાબરમતી’માં. આ ચારેક વરસમાં દસપંદર હળવાં ગંભીર કાવ્યો રચ્યાં તેમાંનું એક ‘અભયદાને’ પ્રસિદ્ધ થયું ત્યારે કવિના બીજા એક ગુરુ રસિકલાલ છોટાલાલ પરીખે કવિને પાસે બોલાવીને ખાસ અભિનંદન આપ્યાં. એ થોડા શબ્દોએ જે કામ કર્યું તેટલું મોટાં-મોટાં વિવેચનો કે સુવર્ણચન્દ્રકો કરી શક્યાં નથી. ૧૯૨૭માં અમદાવાદમાં ન્હાનાલાલ સુવર્ણજયંતી મહોત્સવ પ્રસંગે ન્હાનાલાલ, નરસિંહરાવ, બલવન્તરાય, ખબરદાર વગેરેની વિધવિધ ભાવછબીઓ સગી નજરે જોવા મળી કે સાંભળવા મળી. ૧૯૨૮માં નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ૯મા અધિવેશનમાં પરિષદપ્રમુખ આચાર્ય આનંદશંકર ધ્રુવનું ગતિમાન વ્યક્તિત્વ મન પર અંકાઈ ગયું. ૧૯૩૦થી સુન્દરમ્‌ ને ઉમાશંકર મિત્રો બન્યા અને ૧૯૩૪ સુધીનાં વર્ષોમાં જીવનના અનંતવિધ અનુભવોમાં સહભાગી રહ્યા. આજે પણ સ્થળકાળનાં અંતર છતાં આ મૈત્રી એટલી જ ગહનગભીર છે. આ બે કવિઓની મૈત્રી વિરલ છે. સ્વયમ્ એક જીવતા કાવ્ય જેવી છે, પ્રત્યેકના જીવનનો ધન્ય અનુભવ છે. ઇંગ્લૅન્ડમાં વર્ડ્ઝવર્થ-કોલરિજની કે જર્મનીમાં ગટે-શીલરની કે આપણે ત્યાં કાન્ત-બલવન્તરાયની મૈત્રીનું સહેજે સ્મરણ કરાવી જાય છે. ઉમાશંકરે ‘ત્રિઉર’ (‘ગંગોત્રી’,૧૯૩૩) કાવ્યમાં ને ‘અભિજ્ઞા’ (૧૯૬૭) કાવ્યસંગ્રહના અર્પણમાં એનો કૃતજ્ઞતાપૂર્વક આનંદ વ્યક્ત કર્યો છે, તો સુન્દરમે એટલી જ કૃતજ્ઞતાપૂર્વક ‘તપોગિરિની આનંદયાત્રા’ (પ્રમુખ-વ્યાખ્યાન, સાહિત્ય વિભાગ, ૨૦મું સંમેલન, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ૧૯૫૯)માં એનો આનંદ વ્યક્ત કર્યો છે, ‘કોઈ એક સુભાગી ઘડીએ એ (ઉમાશંકર) મારા મિત્ર બનીને મને શોધતા-શોધતા આવી ગયા અને પછી અમે પરસ્પરનો વિકાસ જોઈને રાચતા જ ગયા અને અન્યોન્યને પુષ્ટિ આપતા જ રહ્યા. એમની જે જે કૃતિ રચાતી જાય, જે-જે કળા ખીલતી જાય તે જોઈને મને તો આનંદ જ થાય. કેટલાક લોકો અમારી તુલના કરવાનો કે અમને આગળ-પાછળ કે ઉપર-નીચે મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે મને માત્ર મંદ સ્મિત જ આવે છે. આ અંગેની મારી એક લાગણી મેં કોઈને ખાસ કહી નથી પણ એ અત્યારે કહેવી જોઈએ — કહી શકાય કે આમાં મને તો એમ લાગે છે કે અમે જાણે એક યુગ્મ છીએ. અને એમની જે કંઈ સિદ્ધિ છે તે જાણે કે મારી જ સિદ્ધિ છે અને મારી તે એમની છે. આવી એક ગૂઢ આત્મીયતાથી અમે અનેક સ્થળે સાથે ફર્યા છીએ, સાથે કાવ્યગાન કર્યાં છે અને બધાં માનપાન અને ચન્દ્રકો અને પારિતોષિકો પણ સાથે-સાથે ભેગાં કર્યાં છે.’ ૧૯૩૦–૩૧માં ‘મેઘદૂત’ની શૈલીમાં એના જેવું ૧૦૦–૧૨૫ મન્દાક્રાન્તાનું ‘ચક્રદૂત’ કાવ્ય રચ્યું અને તેમાં ભારતની અહિંસક ક્રાંતિની ગૌરવગાથા મૂકવાનો પ્રયત્ન કર્યો. ‘કાલિદાસને’ અર્પણ પણ કર્યું. બલવન્તરાયને બતાવ્યું. એમણે કહ્યું, ‘આને પ્રસિદ્ધ કરીશ તો બે વરસમાં તું પસ્તાઈશ.’ એમનું કહેવું શબ્દશ: સાચું હતું અને એથી બે વરસની રાહ જોયા વિના એ કાવ્ય તરત જ રદ કર્યું. અને સર્જનની નિર્મલ ક્ષણોમાં રચાયેલું એનું અર્પણ ‘કાલિદાસને’ (‘કાવ્યમંગલા’) ટકી રહ્યું. ૧૯૩૦ના મેમાં જીવનમાં એક પરમ વરદાન જેવા સ્વાતંત્ર્યસંગ્રામનો, સત્યાગ્રહનો આરંભ થયો. એમાં — સ્નાતક થયા પછી તરત જ સોનગઢ ગુરુકુળ, સૌરાષ્ટ્રમાં એકાદ વરસ શિક્ષક થયા પછી — તીવ્રપણે ઓતપ્રોત થયા. ખભે થેલીઓ ઝુલાવીને ખેતરો ખૂંદતાં-ખૂંદતાં કે ઝૂંપડાંઓ અને છાવણીઓમાં ઘૂમતાં-ઘૂમતાં કે જેલના સળિયા પાછળ બરાકોમાં વસતાં વસતાં જે અનુભવ થયો તે અનિર્વચનીય હતો. એને વિશ્વપ્રેમથી સહેજ પણ ઓછું નામ ન અપાય. ત્યારે ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં કોઈ સભાન-અભાન શાંત ક્ષણોમાં એક ખેતર પાસેથી ‘બુદ્ધનાં ચક્ષુ’ મળી આવ્યું. ‘બુદ્ધનાં ચક્ષુ’ એટલે સુન્દરમ્‌‌ની કાવ્યદીક્ષા. ૧૯૩૧માં ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં બલવન્તરાયે એનો સમાસ કર્યો અને એના શ્લોક ૨ વિશે વિવરણ કર્યું. ‘ગુજરાતી કવિતાના આખા જથામાં આવી અર્થઘન, સવિવેક અને સુંદર કડીઓ કેટલી હશે? આપણી કવિતાની સમૃદ્ધિ ગણતાં આવાં મુક્તકોનું મૂલ્ય છે, તેટલું આખી ચોપડીઓનું પણ નથી.’ આ પુરસ્કારથી કવિ એક અકળ પ્રસન્નતામાં શાંત બની ગયા અને કવિતાની સૂક્ષ્મ સાધનાનાં બીજ ત્યાંથી મંડાયાં. કવિ હોવાપણાની સુન્દરમ્‌‌ની આ પ્રથમ અને પૂર્ણ પ્રતીતિ. ૧૯૩૨માં વિસાપુર જેલમાં ‘બુદ્ધનાં ચક્ષુ’ની જેમ ગાંધીજી વિશે એવું ઉત્તમ કાવ્ય ગાંધીજીના વય જેટલી સંખ્યાના શિખરિણી ગણી-ગણીને ગોઠવી ગોઠવીને લખવાનો પ્રયત્ન કર્યો. એમાં બધું હતું. સમર્થ શિખરિણી છંદ હતો, અલંકારો હતા, ભાષાવિશારદની ભાષા હતી, વીર્ય અને શૌર્યની પ્રશંસા હતી. માત્ર એક જ વસ્તુ ન હતી અને તે કવિતા. એથી એ કાવ્ય રદ કર્યું. ૧૯૩૩માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ પ્રગટ થયો. એ જ વરસમાં બીજો કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’ પ્રગટ થયો. તરત જ રામનારાયણ પાઠકે ‘પ્રસ્થાન’માં બન્ને સંગ્રહોનું અવલોકન કર્યું અને એમાંનાં કાવ્યોની વિશેષતા અને નવીન કવિતામાં એમની મહત્તા સમજાવી. ૧૯૩૪માં ‘કાવ્યમંગલા’ માટે રણજિતરામ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો. એ જ વરસમાં જ્યોતિસંઘમાં શિક્ષક તરીકેના કાર્યનો આરંભ. ૧૯૩૫ના નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો. પોંડિચેરીની પરમ નીરવ શેરીમાંથી એક રાતે રિક્ષામાં બેસીને વિદાય લેતાં એક અકલ્પ્ય એવો સંકલ્પ પોતાનામાં સાકાર થતો જોયો. ‘કોઈ મૂંગું સંવેદન અંતર કોરી રહ્યું હતું. જીવનના સૌ રસો કરતાં કોઈ મહારસ અહીં રેલાઈ રહ્યો છે તેનું ભાન મને બેચેન કરી મૂકતું હતું. એ મહારસના અસ્તિત્વની ખાતરી અહીંના સાધકોને જોઈને થઈ. શ્રી અરવિંદનાં પ્રત્યક્ષ દર્શન કદાચ વધારે ગૂઢ અસર પણ ઉપજાવી શકતાં હશે. પણ શું શ્રી અરવિંદનું કાર્ય જીવનના સૌ રસોને છોડીને જ સમજી શકાય? સંકલ્પ કર્યો. જે ઘડીએ જીવનના સૌ રસો સુકાઈ જશે અને ત્યાં કશું કર્તવ્ય નહિ દેખાય તે જ ઘડીએ અહીં દોડ્યો આવીશ.’ ૧૯૩૬માં પુત્રી સુધાનો જન્મ. ૧૯૩૮માં ‘ત્રિશૂલ’ના નામથી પ્રસિદ્ધ એવી વારતાઓનો પ્રથમ વારતાસંગ્રહ ‘હીરાકણી અને બીજી વાતો’ પ્રગટ થયો. (સુન્દરમ્‌ અને ઉમાશંકર ઉત્તમ વારતાકારો છે. એક વધુ સામ્ય.) ૧૯૩૯માં ત્રીજો કાવ્યસંગ્રહ ‘રંગરંગ વાદળિયાં’ (બાળકાવ્યો) પ્રગટ થયો અને બીજો વારતાસંગ્રહ ‘ખોલકી અને નાગરિકા’ પ્રગટ થયો. એ જ વરસમાં ચોથો કાવ્યસંગ્રહ ‘વસુધા’ પ્રગટ થયો. તરત જ ઝવેરચંદ મેઘાણીએ ‘જન્મભૂમિ’ની પ્રસિદ્ધ કટાર ‘કલમ અને કિતાબ’માં ‘વસુધા’નું ઉષ્મા અને ઉમળકાભેર અવલોકન કર્યું. ‘વસુધા’ સુન્દરમ્‌‌નો શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ છે. એમાંનું ‘૧૩–૭ની લોકલ’ છંદ, લય, અલંકાર, પ્રતીક, શૈલી, સ્વરૂપ, વસ્તુ, વાતાવરણ, વર્ણન, દર્શન, આદર્શમયતા, વાસ્તવિકતા, કરુણતા, કટાક્ષ, કરુણા અને સવિશેષ તો સઘન માનવરસ — એમ અનેક કારણોસર એવું તો સર્વાંગસુન્દર કાવ્ય છે કે સુન્દરમે એમાં કલાકૃતિ સિદ્ધ કરી છે. સુન્દરમ્‌‌નું એ ઉત્તમોત્તમ કાવ્ય છે અને ગુજરાતી ભાષાનાં ઉત્તમ કાવ્યોમાંનું એક છે. ૧૯૪૦માં ત્રીજો વારતાસંગ્રહ ‘પિયાસી’ પ્રગટ થયો. એ વરસમાં પોંડિચેરીમાં શ્રી અરવિંદનાં દર્શન કર્યાં અને ત્યારથી એક નવી દિશા ઊઘડી. ૧૯૪૨માં દક્ષિણ ભારતના પ્રવાસ વિશેનું પુસ્તક ‘દક્ષિણાયન’ (જેને વિશે સુન્દરમ્‌ ૧૯૫૨માં બીજી આવૃત્તિ માટે ફરીથી વાંચતાં ‘મારા સર્વ પુસ્તકો કરતાં આ મને જાણે વધુ પ્રિય, પ્રેરક લાગવા માંડ્યું’ એમ કહે છે તે) પ્રગટ થયું. ૧૯૪૪માં શૂદ્રકકૃત સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિક’નો અનુવાદ પ્રગટ થયો. (૧૯૪૦માં બોધાયનકૃત સંસ્કૃત પ્રહસન ‘ભગવદજ્જુકીય’નો અનુવાદ રંગભૂમિ પરિષદ પ્રકાશનમાં પ્રગટ થયો હતો. સુન્દરમ્‌ અને ઉમાશંકર ઉત્તમ સંસ્કૃતજ્ઞ છે. સંસ્કૃત કાવ્યનાટકોના ઉત્તમ અનુવાદકો છે. એક વધુ સામ્ય. સુન્દરમ્‌ મહાભારતના અને ઉમાશંકર રામાયણના ઉત્તમાંશોનો અનુવાદ કોઈ વાર આપી બેસશે. આ પેઢી પછી અત્યારે સમાજમાં — અનુગામી કવિપેઢીઓ સુધ્ધાંમાં — સંસ્કૃત પ્રત્યે જે ઉપેક્ષા અને ઉદાસીનતા છે તે શોચનીય અને ચિંતાજનક છે.) એ જ વરસમાં શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ. ૧૯૪૫માં ચોથો વારતાસંગ્રહ ‘ઉન્નયન’ (‘ખોલકી અને નાગરિકા’માં નવી પાંચ વારતાઓના ઉમેરણથી એની સંવર્ધિત આવૃત્તિ રૂપે) પ્રગટ થયો. ૧૯૪૬માં, આઠેક વરસ પહેલાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી અર્વાચીન કવિતાની ૨૫૦ પૃષ્ઠની એક સાદી રૂપરેખા લખવાનું સંસ્થાના અધ્યક્ષ હીરાલાલ પારેખે શુભ ભાવનાથી સોંપ્યું હતું તે, એમની પ્રેરણાથી, નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી ૧૨૫૦ જેટલી કૃતિઓના વાચનમનનના તપના ફલ રૂપે ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા એક અપૂર્વ — અને આજ લગી તો અદ્વિતીય — ૫૫૦થી વધુ પૃષ્ઠનો મહાકાય પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતા’ પ્રગટ થયો. (સુન્દરમ્‌ અને ઉમાશંકર ઉત્તમ વિવેચકો છે. એક વધુ સામ્ય.) ૧૯૪૬માં ‘અર્વાચીન કવિતા’ માટે મહિડા પારિતોષિક પ્રાપ્ત થયું. ૧૯૪૪ લગીના અમદાવાદ નિવાસ દરમિયાન ‘બુધસભા’, ‘મજલિસ’, ‘પ્રગતિશીલ સાહિત્ય મંડળ’, ‘લેખકમિલન’ વગેરે ઔપચારિક-અનૌપચારિક સાહિત્યસંસ્થાઓનાં સંસ્થાપન-સંચાલનમાં ભાગ લીધો. ૧૯૪૭થી પોતાના તંત્રીપદે ‘શ્રી અરવિંદના જીવન દર્શનનું અનુશીલન કરતું’ ત્રૈમાસિક ‘દક્ષિણા’ પ્રગટ કર્યું. (સુંદરમ્ અને ઉમાશંકર ઉત્તમ તંત્રીઓ છે. એક વધુ સામ્ય.) ૧૯૫૦માં શ્રી અરવિંદનું ટૂંકું જીવનચરિત્ર ‘શ્રી અરવિંદ મહાયોગી’ પ્રગટ થયું. ૧૯૫૧માં પાંચમો કાવ્યસંગ્રહ ‘યાત્રા’ પ્રગટ થયો. ૧૯૫૪માં ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારત લેખક પરિષદમાં ભાગ લીધો. ૧૯૫૫માં ‘યાત્રા’ માટે નર્મદ સુવર્ણ ચન્દ્રક પ્રાપ્ત કર્યો. ૧૯૫૯માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના ૨૦મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખપદે વરાયા. ૧૯૬૧માં જર્મન નાટ્યકાર અર્ન્સ્ટ ટોલરના ‘ટ્રાન્સ્ફીગ્યુરેશન’ નાટકનો અનુવાદ ‘કાયાપલટ’ પ્રગટ થયો. ૧૯૬૫માં ટોલરના ‘માસિઝ ઍન્ડ મેન’ નાટકનો અનુવાદ ‘જનતા અને જન’ પ્રગટ થયો. એ જ વરસમાં, ૧૯૨૮માં ‘સાબરમતી’માં એક કાવ્યસંગ્રહની સમાલોચનાથી આરંભીને ગદ્ય અને પદ્ય વિશે જે અવલોકનો, આમુખો, અધ્યયનો, સમીક્ષાઓ, વ્યાખ્યાનો આદિ રૂપે વિવેચનકાર્ય કર્યું એના ફળ રૂપે બીજો વિવેચનસંગ્રહ ‘અવલોકના’ પ્રગટ થયો. હજુ પણ સુન્દરમ્‌‌નાં અનેક લખાણો — કાવ્યો, નાટકો, વારતાઓ, નિબંધો, અનુવાદો, વિવેચનો, પત્રો, ડાયરી વગેરે અપ્રગટ છે. આશા છે કે એમની ૬૦મી જન્મતિથિના વર્ષમાં એના ગ્રંથો અથવા એમાંથી ઓછામાં ઓછો એક ગ્રંથ પ્રગટ થશે. એ ગુજરાતનું એના આ લાડીલા કવિને ઉત્તમ અભિનંદન હશે. સુન્દરમ્‌‌નાં કેટલાંક કાવ્યો એમનાં અંતર્ગત કાવ્યતત્ત્વને કારણે સતત વંચાશે. જ્યાં લગી ગુજરાતી ભાષા જીવશે ત્યાં લગી વંચાશે એમ હવે આજે આટલે વરસે કહેવું ભાગ્યે જ વધુ પડતું હોય. તો સાથે-સાથે એને કારણે જ જે કેટલાક પ્રશ્નો પુછાશે એમાં ઇતિહાસ અને ધર્મની દૃષ્ટિએ બે પ્રશ્નો અનિવાર્યપણે પુછાયા કરશે. (આજ લગી પુછાયા છે ને આજે પણ પુછાય છે.) કોની કવિતા ઊંચી — સુન્દરમની કે ઉમાશંકરની? સુન્દરમ્‌‌ના જીવનકવનમાં કવિતા અને શ્રદ્ધાનો સંબંધ શો? કોઈ પણ બે કવિની કવિતામાં કોની ઊંચી અને કોની નીચી એવો પ્રશ્ન પૂછ્યા વિના વિવેચક રહી શકે તો પછી એ વિવેચક શાનો? આવી- આવી ચેષ્ટાઓ કર્યા વિના જેને ચેન ન પડે તે વિવેચક નહિ. એ તો એનો જન્મસિદ્ધ અધિકાર છે. પણ સદ્ભાગ્યે, કોઈ પણ બે કાવ્યો કે એકના એક કવિનાં બે કાવ્યો કે કોઈ પણ બે કવિનાં કાવ્યો વિશે ઉચ્ચનીચના પ્રશ્નથી ભલે આરંભ થતો હોય, પણ સાચી વિવેચના તો એ બે કાવ્યો કે એ બે કવિનાં કાવ્યો એકમેકથી કેવાં તો ભિન્ન છે અને શાથી ભિન્ન છે એની સૂઝસમજમાં વિરમે છે ત્યારે જ એને ચેન પડે છે. સુન્દરમ્‌ શોધક અને સાધક છે (કવિ નામને લાયક કયો કવિ શોધક અને સાધક નથી?) એ તો એમના કાવ્યોમાં પ્રશ્નાર્થ ચિહ્નોની સંખ્યા અને પૂર્ણતા વિના પૂર્ણવિરામ ન મૂકવાના સંકલ્પ પરથી પણ સમજાય છે. જોકે ‘યાત્રા’નાં કાવ્યોમાં કાવ્ય સિદ્ધ કરવાની શ્રદ્ધા અન્ય ‘શ્રદ્ધા’ જેટલી તીવ્ર હોય એવું લાગતું નથી. કાનમાં કહેવા જેવું છે કે સુન્દરમ્‌ ભવિષ્યમાં કોઈ પણ ક્ષણે સિદ્ધ કરી છે એથી પણ ઊંચી કવિતા સિદ્ધ કરી બેસે એવા અકળ અને અસાધારણ ઓજસ્‌ના કવિ છે. કવિને, કવિ તરીકે, કાવ્ય સિદ્ધ કરવું એ જ શ્રદ્ધા! એ સિવાયની કોઈ શ્રદ્ધા સાથે કવિને શો સંબંધ? પણ દુર્ભાગ્યે કવિતા અને શ્રદ્ધાના સંબંધનો પ્રશ્ન એટલો તો સુકુમાર અને સંકુલ છે કે હજુ લગી એનો સંતોષકારક ઉત્તર અપાયો નથી. ક્યારેય અપાશે? અને એથી સ્તો અંતે જો કોઈ પૂછવા જેવો પ્રશ્ન હોય તો તે આ જ પ્રશ્ન છે. ૧૯૪૨માં સુન્દરમે બલવન્તરાયને સંબોધીને ‘શ્વેતકેશી પિતર્‌ને’ કાવ્ય રચ્યું ત્યારે એના ઉત્તરમાં બલવન્તરાયે “શ્વેતકેશી પિતર’નું ઉત્તર’ સૉનેટ રચ્યું. એમાં સૂચક રીતે જ ‘…ને હતો પ્હેલથી 
વડો ગુરુ તું પંડનો, ટકિ રહે જ તેવો હજી’ એમ આરંભે આશિષ આપીને પછી અંતે કહ્યું છે : ‘સખે, તર તું ડૂબ તું, વિકટ સત્યયાત્રા સદા; 
અને વિરલ દૃઢમનસ્ક યાત્રાળુ યે સાહસી. 
ભલે સફર તું ચડ્યો : સભય તોય દૌં આશિષો.’ સાચું કહ્યું છે, ‘વિકટ સત્યયાત્રા સદા.’ અને એથી સ્તો કરવા જેવી કોઈ યાત્રા હોય — પછી ભલે એમાં સર્વસ્વ, કાવ્ય સુધ્ધાં, ડૂબવાનું હોય તો ડૂબે. તો તે આ જ યાત્રા છે. આ યાત્રામાં ‘અભયદાને’ના કવિ સુન્દરમ્‌‌ને આજે એમની ૬૦મી જન્મતિથિએ હાર્દિક શુભેચ્છાઓ!

૨૨ માર્ચ ૧૯૬૮


*