રચનાવલી/૩૮
◼
૩૮. શાહાનશાહ અકબરશાહ (ન્હાનાલાલ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
કોઈ સામાન્ય બંગાળીને પૂછો : જીવનાન દાસ કે બુદ્ધદેવ બસુને ઓળખે છે, તો એનું માથુ હકારમાં ધૂણશે. કોઈ મરાઠીને પૂછો પુ. લ. દેશપાંડે કે વિન્દા કરંદીકરને ઓળખે છે, તો એના મોં પર પરિચિતતાની લહેર દોડશે. આવું સામાન્ય ગુજરાતીની બાબતમાં ક્યારે બનશે? કોઈ સામાન્ય ગુજરાતીને પૂર્ણ, મહાકવિ પ્રેમાનંદ કે મહાકવિ ન્હાનાલાલને ઓળખે છે? કદાચ આ બે નામ એના કાને પણ નહીં પડ્યા હોય. અને તેથી તે મૂઢ જેવો તમને તાકી રહેશે – ગુજરાતી ભાષા પોતાનું મસ્તક ઊંચુ રાખીને જીવી શકે એવા એની પાસે બે કવિ છે : એક છે મધ્યકાળનો મહાકવિ પ્રેમાનંદ અને બીજો છે અર્વાચીનકાળનો મહાકવિ ન્હાનાલાલ, ન્હાનાલાલ ગુજરાતી સાહિત્યમાં એક વિશિષ્ટ ઘટના છે. એમનું વ્યક્તિત્વ નોખું હતું. એમનો મિજાજ નોખો હતો, એમની ભાષા નોખી હતી, એમની શૈલી નોખી હતી. એમનો પરિચય નોખો હતો. એમણે જે લખ્યું તેના પર એમની દૃઢ છાપ હતી અને એમણે એવું લખ્યું કે એમના પૂર્વે બીજા કોઈએ એવું લખ્યું નહોતું અને એમના પછી બીજો કોઈ લખી શકે નહીં. એમણે ગુજરાતને ઉત્તમ ગીતો આપ્યાં, રાસ આપ્યા, છંદોબદ્ધ કવિતા આપી અને છંદોને છોડીને ગુજરાતી સાહિત્યને એમની અનોખી ડોલનશૈલી આપી. ડોલનશૈલીમાં ન્હાનાલાલે બહુ જ જુદાં પ્રકારનાં નાટકો આપ્યાં. આ નાટકો રંગમંચ પર ભજવવાનાં નાટકો નથી. આરામ ખુરશીમાં પડ્યાં પડ્યાં વાંચવાનાં નાટકો છે. એમાં ધારદાર સંવાદો નથી, એમાં જોરદાર ગતિ નથી. એમાં જીવતાં જાગતાં રોજિંદાં ચરિત્રો જેવાં પાત્રો નથી. ન્હાનાલાલનાં નાટકોમાં પ્રસંગચિત્રો ગોઠવાયેલાં છે; પ્રસંગચિત્રોમાં ભાવભર્યાં પાત્રો ગોઠવાયેલાં છે, પાત્રો ભાવથી ઉભરાતી વાતચીત વચ્ચે ગોઠવાયેલાં છે, વાતચીત ડોલનશૈલીના લય અને અલંકાર વચ્ચે ગોઠવાયેલી છે, લય અને અલંકારો કોઈ ચોક્કસ સંદેશ કે વિચાર વચ્ચે ગોઠવાયેલા છે. સંદેશ કે વિચાર સૂત્રાત્મક ભાષા વચ્ચે ગોઠવાયેલા છે. ન્હાનાલાલનાં આ પ્રકારનાં નાટકોમાં કેટલાંક કાલ્પનિક છે; કેટલાંક સામાજિક છે અને કેટલાંક ઐતિહાસિક છે. એમનાં ઐતિહાસિક નાટકોમાં એમની મુગલપરસ્તી ખાસ ધ્યાન ખેંચે છે. ન્હાનાલાલે કબૂલ્યું છે કે ‘વીસમી સદી'ના તંત્રી હાજી મહંમદ અલારખિયા શિવજીએ એમને મુગલપરસ્તી શીખવાડી. ન્હાનાલાલ ૧૯૦૫માં દિવાળીની રજામાં હિન્દ આવતા અંગ્રેજ યુવરાજને અનુલક્ષીને લખેલું ‘રાજ યુવરાજને સત્કાર’ કાવ્ય લઈને મુંબઈ પહોંચેલા. હાજીએ એ કાવ્યમાં ન્હાનાલાલે ઉલ્લેખેલા અકબર અંગેની ભક્તિ જોઈ અને હોલ્ડને લખેલું ‘મોગલ એમ્પરર્સ' પુસ્તક વાંચવા આપ્યું. પછી તો ન્હાનાલાલે ભારતના મુગલયુગ વિશે ઘણું વાંચ્યું. ન્હાનાલાલ કહે છે કે, ‘હાજીએ હને મુગલપરસ્ત કીધો’ ન્હાનાલાલને પ્રતીત થયું કે હિન્દુ ઇસ્લામનો અજબ સમન્વય એ અકબરશાહ છે. આથી મુગલસંસ્કૃતિની મોહિનીથી પ્રેરાઈને ન્હાનાલાલે પહેલું ‘જહાંગીર નૂરજહાં’ (૧૯૨૮) નાટક રચ્યું અને પછી ‘શાહાનશાહ અકબર' (૧૯૩૦) નાટક રચ્યું. ન્હાનાલાલ આ નાટકોમાં ન તો ઇતિહાસ આપવા માગે છે, ન તો કવિતા આપવા માંગે છે પણ ઇતિહાસની કવિતા આપવા માંગે છે. સત્ય અને કવિતાનો સમન્વય કરવા માગે છે. ન્હાનાલાલનું ‘શાહાનશાહ અકબર’ નાટક ભારતમાં અકબરયુગ બેસે છે ત્યાંથી શરૂ થાય છે અને અકબરની વિજયયાત્રાની સાથે સાથે આગળ વધી અકબરની ધર્મયાત્રાને કેન્દ્રમાં મૂકે છે. અકબરનું પરાક્રમ એની શૂરવીરતા, એની ઉદારનીતિ - આ બધું તો જુદાં જુદાં પ્રસંગચિત્રોમાં રજૂ થયું છે પણ ન્હાનાલાલનું મુખ્ય ધ્યાન અકબરે પ્રભુને સત્ય પ્રત્યેક મહાધર્મમાં છે એમ વિચારીને જે વિશ્વધર્મોનો સમન્વય કર્યો અને દીને ઇલાહી નામનો નવો પંથ સ્થાપ્યો એના પર સ્થિર કર્યું છે. સર્વસમન્વય અને સર્વ કલ્યાણનો જીવનમંત્ર અકબરના પાત્ર દ્વારા ન્હાનાલાલે પ્રસરાવ્યો છે. અકબર કહે છે : ‘ઇસ્લામ કહે અકબરશાહ ઇસ્લામી છે / હિન્દુઓ ભણે અકબરશાહ હિન્દુ છે; જરથ્રુસ્થી બોલે અકબરશાહ જરથ્રુસ્થી છે / જૈનીઓ ભાખે અકબરશાહ જૈની છે / ખ્રીસ્તી ઉચ્ચારે અકબરશાહ ખ્રીસ્તી છે / બૌદ્ધો કહે અકબરશાહ બૌદ્ધ છે / અકબરશાહ તો છે ખુદાનો બંદો’ અને પછી ઉમેરે છે : ‘અકબરશાહ એકદેશવાસી નથી | સમસ્ત માનવજાતિનો છે’ સર્વધર્મ સમન્વયની આ ભાવના સાથે ન્હાનાલાલે એ પણ દ્રઢ કરી આપ્યું કે ‘હિન્દુની, ઇસ્લામની, બૌદ્ધની, ખ્રીસ્તીની ધાર્મિકતા પુણ્ય છે, ધર્માંધતા પાપ છે.’ કેન્દ્રવર્તી આ સંદેશા સાથે ‘શહાનશાહ અકબરશાહ' ત્રિઅંકી નાટક છે. પહેલા અંકના છ પ્રવેશો દ્વારા અકબરની નગરચર્યા, ‘હિન્દવાસી જેટલા હિન્દુ’ થવાનો સંદેશ આપતા શેખજી સાથેનો મેળાપ, તાનસેનનો સમાગમ, રાણી રૂપમતીનો પ્રસંગ, અજમેરીની ઝિયારત અને ચિતોડગઢનું ક્ષાત્રતેજ - આલેખાયાં છે. અકબરનું યુદ્ધપાસું બતાવવાનો ન્હાનાલાલનો પ્રયત્ન છે. બીજા અંકના પહેલા છ પ્રવેશોમાં ફતેપુર શિક્રીની જામતી જાહોજલાલી, બંધાતો જતો નવરત્ન દરબાર, ગુજરાતવિજય, અનારકલીનો પ્રસંગ- નિરૂપાયાં છે. આ પછીના ‘વૃંદાવનની સંતમંડળી’ના સાતમા પ્રવેશમાં અકબરની ધર્મવૃત્તિ અને તત્કાલીન સમાજના ભક્તો તરફની એની ઉદારનીતિ પ્રગટ થઈ છે પહેલા બે અંકમાં અકબરની વિજયકૂચ સાથે જે દૃઢ થતી ધર્મવૃત્તિનું ધ્યાન કર્યું છે, તે ત્રીજા અંકના પહેલા પ્રવેશમાં દીને ઈલાહીમાં પલટાય છે. પછીના છ પ્રવેશોમાં આરાવલ્લીના કોતરોમાં ઝકતા રાણાપ્રતાપના શૌર્યનો પરિચય, જહાંગીર - નૂરજહાંનો પરિચય, દક્ષિણમાં વિસ્તારેલા સામ્રાજ્યનો પરિચય તો થાય છે પણ પાંચમા પ્રવેશમાં એકલવાયા બાદશાહનો જે પરિચય થાય છે તે અદ્ભુત છે. સ્વજનો ગુમાવ્યા પછી લાંબા આયુષ્યની સાથે વૃદ્ધત્વમાં વિયોગથી ઊભી થતી જે એકલતા વેઠવાની આવે છે એની વેદનાનો ચિતાર ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. સ્વજનો અને નવરત્નો ખરી પડ્યા પછી લાંબુ આયુષ્ય જીવતા અક્બરશાહ આજ આથમતો મહિમા જુએ છે ને કહે છે. ‘શાહીનશાહ અકબરશાહ આજ એકલવાયો છે.’ પછી કહે છે : ‘લાંબા આયુષ્ય એટલે જીવનનો સૂનકાર’ અને પછી ઉમેરે છે ‘વાટસાથીઓ વિનાની સૂની વાટ/જીવનસંગાથીઓ વિનાના સૂના જીવનઘાટ / એટલે લાંબા આયુષ્યના ઓવારા / સુહૃદ સૂનું જીવન એટલે / પીંચ્છ ખરેલી પાંખોનું પંખેરું / કલગી ને કલાપ હરાયેલો મોર’ આ પછી અકબરશાહ મૃત્યુનો પડછાયો માથે ભમતો જુએ છે અને અનુભવે છે કે ‘બાદશાહ સહુને જીત્યો, મૃત્યુ બાદશાહને જીતશે.’ દુનિયાના ડગમગતા પુલની પાળે આવા અમ્મર આશાધામ બંધાય છે પણ છેવટે રાજ્ય રાજ્યના અને પ્રજા જીવનનાં ખંડેરો જ બચે છે – સૌ ઇતિહાસ કારમાં કબ્રસ્તાન બનીને રહી જાય છે. આવી ઘોર પ્રતીતિ પર આવતું ન્હાનાલાલનું નાટક એની અનેક મર્યાદા હોવા છતાં માનવજાત માટે મહામુલો સંદેશો આપી જાય છે, એમાં કોઈ શં