સાહિત્ય પલ્લવ – ભાગ ૩/એવા રે અમો એવા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬. એવા રે અમો એવા

નરસિંહ

એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે;
ભક્તિ કરતાં જે ભ્રષ્ટ કહેશો, તો કરશું દામોદરની સેવા રે. એવા૦
જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે;
હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે. એવા૦
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;
તમારે મન માને તે કહેજો, સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે. એવા૦
કર્મ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે;
સઘળા પદારથ જે થકી પામે મારા પ્રભુની તોલે નાવે રે. એવા૦
હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;
હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે. એવા૦