સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૭

Revision as of 16:42, 31 May 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રકરણ ૧૭ : મનહરપુરીમાં મણિરાજ

મનહરપુરીમાંથી માનચતુર સવારોને લઈ નીકળ્યો તે પછી એના ઉતારામાંથી સર્વ સૂવાને વેરાઈ ગયાં પણ બરોબર ઊંઘ્યાં નહીં. પ્રાત:કાળ થતાં સર્વ કામમાં વળગ્યાં અને ઊંચે જીવે કામ કરવા લાગ્યાં. ચંદ્રકાંતની બરદાસ્ત કરવાનું કુસુમને માથે આવ્યું. એ નવરો પડી મિત્રશોકના વિચારમાં રહી ઉદ્વેગ ન પામે તેને માટે વિનોદ કરવાનું કામ કુસુમે સાધ્યું. પોતાના મિત્રનો ને આ કુટુંબનો સંબંધ કથાશેષ[1] થયો સ્મરી દુઃખી થયો. કુસુમ તેના નિઃશ્વાસથી ચેતી ગઈ અને બોલી : ‘ચંદ્રકાંતભાઈ, સરસ્વતીચંદ્રનો દોષ તો મને દેખાતો નથી, પણ એમ લાગે છે કે ઘર છોડી રોબિન્સન ક્રૂઝો જેવું કરવાનું એમને પ્રથમથી જ કંઈ મન હશે.’ ‘પણ એ કાંઈ સારું કહેવાય?' ‘મને તો એમ આથડવું બહુ ગમે; મને તો લાગે છે કે એમને બધે ફરવાનું મન થયું હશે અને ઘરમાં આવું થયું એટલે બધાંને માથે ઢોળી પાડવાનો લાગ ખોળી ભાઈસાહેબે મનમાનતું કર્યું!' ‘તે તો પરણીને પણ થાત.’ ‘પણ એ બધાં અણસરજી પીડા. આ જુઓને કુમુદબહેનને પરણ્યાનું જ ફળ છે કની? મારે કાંઈ છે? પરણ્યાં એટલે પડ્યાં!?' ‘બહેન! એવું બોલાય નહીં હોં!' કુસુમ કાંઈક શરમાઈ ગઈ, ને વદન ફેરવી બોલી : ‘તો સહેજ કહું છું, તે એટલા સારું કે મને તો સરસ્વતીચંદ્રનો રજ વાંક વસતો નથી. અને જ્યારે બધું જાણી-જોઈને નીકળ્યા છે ત્યારે તો એવા ચતુર પુરુષ કાંઈ વિચાર કરીને જ નીકળ્યા હશે.' એટલામાં બારણે હોંકારા થયા. કુસુમે બારણું જોયું. મુખી ઘોડો દોડાવતો આવતો હતો અને જે મળે તેને વિજય-સમાચાર કહેતો હતો. થોડી વારમાં તો ગુણસુંદરી, ચંદ્રકાંત અને સર્વ મંડળે આ સમાચાર વિગતથી સાંભળી લીધા. હવે તો માત્ર માનચતુર અને કુમુદસુંદરીની વાટ જોવાના ઉમંગમાં અને આનંદભરી આતુરતામાં એક પળ એક જુગ જેવી લાગવા માંડી. ચંદ્રકાંત ઓસરીના ઓટલા ઉપર નજર નાખતો ઊભો અને સ્ત્રીમંડળ શયનખંડમાં જઈ બેઠું. કુસુમ ગુણસુંદરીના કહ્યાથી એક પેટી ભણી દોડી અને તેમાંથી સારંગી કાઢી વગાડવા લાગી. સારંગીના સ્વરથી ચંદ્રકાંત ચમક્યો. પાસેની જાળીમાંથી આ દેખાવ એ જોવા લાગ્યો. સામે એક પગ પેટી પર વાંકો અને એક પગ જમીન પર સ્વસ્થ રાખી કુસુમ કેળના છોડ જેવી ઊભી હતી અને નાજુક સારંગી કેળનાં પાંદડાં જેવી લાગતી હતી. ગાતાં ગાતાં તો કુસુમના પગ, હાથ અને લલાટ વેગભર્યું નૃત્ય કરી રહેવા લાગ્યાં અને એ નૃત્ય-પ્રસંગે તે વર માગવા ગયેલી દેવકન્યા પાર્વતી-સંમુખ મહાદેવીને પ્રસન્ન કરવા નૃત્ય કરતી હોય અથવા કાકી અને માની આરસ જેવી પ્રતિમાઓ પાસે ફુવારા પેઠે ઊછળી રહી હોય એવી દેખાવા લાગી. નૃત્ય પૂરું થતાં કુસુમ ઊઠી અને ખંડ બહાર દોડી ગઈ. ‘કેમ ભાભીજી, વિચારમાં પડ્યાં?' સુંદરે પૂછ્યું. ‘આ કુસુમ જુએ એટલું શીખે, ગમે એટલું બોલે અને ઝાલી ઝલાય નહીં; આપણા ઘરમાં તો ઠીક છે. પણ સાસરે તે આ કેમ સમાશે? અને મોઈ – હજી તો એને મીરાંબાઈ જેવાં રહેવાનું મન થાય છે. એને મીરાંબાઈ થવું છે. એને ઘરમાં બંધાઈ રહેવું નથી. વિલાયત મોકલીએ તો ત્યાંયે જવું છે. તળાવમાં તરતાં શીખી અને અધૂરામાં પૂરું નાચતાંયે શીખી.’ ‘પણ એનામાં હજી કળી આવ્યો નથી.’ સુંદર બોલી. ‘હા, એટલું વળી ઠીક છે. પણ કુમુદના જેવી ગરીબડી નથી કે જ્યાં જાય ત્યાં સમાય. સિંહણ જેવી છે તેને તો સિંહ જોઈએ, તે કાંઈ ભરી રાખ્યા છે જગતમાં? જો સરસ્વતીચંદ્ર જડે અને કહ્યું માને તો એમને હાથ તો રહે ખરી; પણ જે ધણીને દસ લાખ રૂપિયાની ગાદી છોડતાં વાર ન લાગી તેને આપણે તે શું સમજાવનાર હતાં?' ‘આ ચંદ્રકાંતના હાથમાં કંઈ વાત હશે.’ ‘હા, એટલા જ સારુ હું કુસુમને એમની નજરે જરા પડવા દઉં છું કની?' ચંદ્રકાંતે બારણે નિઃશ્વાસ મૂક્યો. થોડી વારમાં કુસુમ એની પાસે દોડતી આવી. મણિરાજ મહારાજની સવારી આ રસ્તે આવતી હોઈ ચંદ્રકાંતને તેની ખબર આપી ને બારણે ચક નંખાવી દીધો. રત્નનગરીના જુવાન મહારાજ મણિરાજનું વય આજ વીસ-એકવીસ વર્ષનું હશે. એના પિતા મલ્લરાજ ગુજરી ગયે બે-ત્રણ વર્ષ થયાં હતાં અને મણિરાજ ગાદી પર બેઠા પહેલાં થોડા કાળ પર વિદ્યાચતુરને પ્રધાનપદ મળેલું હતું. મણિરાજને નાનપણમાંથી મૃગયાનો શોખ હતો. સુંદરગિરિ અને મનહરપુરીની આસપાસનાં જંગલ એને માટે ઘણાં અનુકૂળ હતાં. કારણ તેમાં મનુષ્યની વસ્તી આછી અને પશુની વસ્તી ઘાડી હતી. ગ્રીષ્મ ઋતુના અનુકૂળ સમયમાં મહારાજ મણિરાજ રાતના પાંચ વાગતાં આજ મૃગયા રમવા નીકળી પડ્યો હતો. એટલામાં જ બહારવટિયાના સમાચાર મળવાથી તે અચિંત્યો અત્યારે મનહરપુરીમાં આવી ચઢ્યો હતો. મહારાજને નાનકડા ગામમાં પ્રાત:કાળમાં પધારતો જોઈ ગરીબ વસ્તી તેને સત્કાર દેવા તરવરવા લાગી. ઉત્તમ કન્યાવસ્ત્ર પહેરી, હાથમાં સોનારૂપાના ગંગા-યમુનાની ભાતવાળા મોટા થાળમાં શોભા અને સુગંધવાળાં કુસુમનો કોણાકાર[2] રાશિ લઈ, કુસુમ આવી. ધોળી ભોંય ઉપર રાતાં અને લીલાં ફૂલની કોરવાળું સોનારૂપાના તારથી ભરેલું ભૂરું રેશમી ઓઢણું પ્રાત:કાળની ફ્લવાડી પેઠે એના ગૌર શરીર ઉપર પવનની સૂક્ષ્મ લહેરોમાં ફરકી રહ્યું. કસુંબલ ચણિયાની દેખાતી એક પાસ વળેલી કરચલીઓ, પ્રભાતના પૂર્વાકાશમાં દેખાતી સૂર્યપ્રભાની રેખાઓ પેઠે જેનારને નિર્દોષ આનંદ અને ઉત્સાહ આપવા લાગી. એને પગે નાના નૂપુર સૂક્ષ્મ રણકાર કરી એની ગતિ સૂચવતાં હતાં. કેડે વાંકી રહેલી મોતી અને રંગીન મણિની ભરેલી મેખલા[3] ઇંદ્રધનુષ્ય જેવી લાગતી હતી. ગુણસુંદરી ચંદ્રકાંતને કહેવા લાગી : ‘ચંદ્રકાંતભાઈ, તૈયાર થાઓ. મહારાજ પળવારમાં પધારશે. ગમે તો બારણે પગથિયાં ઉપર ઊભા રહો.’ ગુણસુંદરીની ઓસરી બહાર લોકની ઠઠ વધી, કોલાહલ વધ્યો અને અચિંત્યો શાંત થઈ ગયો. રસ્તાની બે પાસ લોક ઊભા રહ્યા અને પર્વતો વચ્ચે ખીણ હોય તેમ લોકની વચ્ચે માર્ગ થઈ ગયો. મહારાજ મણિરાજ પોતાના મંડળ સાથે આવતા દેખાયા. મણિરાજના શરીરને તેની માતાએ રંગ અને કાંતિ આપ્યાં હતાં અને પિતાએ બાંધો અને બળ આપ્યાં હતાં. એનો વર્ણ શુદ્ધ કનકગૌર હતો. પણ ક્ષત્રિયશૌર્યના લોહીની તપેલા કનકના જેવી રતાશ એ ગૌરતામાં સ્પષ્ટ દેખાતી હતી. ગુણસુંદરીના ઉતારા પાસે એ આવે છે ત્યાર પહેલાં તો એને જોઈ ચારણ અથવા એવી જ કોઈ વર્ણની, રાજભક્તિથી ભરેલી સ્ત્રીઓ ભીડમાંથી આગળ આવી મણિરાજના સામી ઊભી રહી અને ઓવારણાં લેતી વીરસ્વરે ગાતી તેમાં સ્ત્રીકંઠનો લલકાર ભરવા લાગી. ઊંચા પર્વત પાસે આઘેથી કોમળ અને સ્મિતમય સુંદર ઉષા આવવા લાગે તેમ કુસુમ થાળ લઈ મહારાજ મણિરાજ પાસે ધીમે ધીમે આગળ આવી. નાની સરખી નદી આગળ નીચો નમી આકાશનો ઊંચો મેઘ ધારારૂપી હાથ નદી સુધી લાંબા કરે, તેમ મણિરાજે કુસુમના હાથમાંનો થાળ પોતાના હાથમાં લીધો. એક અંજલિ ભરી પુષ્પ ચંદ્રકાંતને આપ્યાં, બીજી અંજલિ ભરી કુસુમની અંજલિમાં આપ્યાં, ત્રીજી અંજલિ ભરી પોતે સ્વીકાર્યા અને બાકીનાં વસ્તીમાં વહેંચવા આજ્ઞા કરી. કુસુમે સંસ્કૃત શ્લોકો બોલતે બોલતે મહારાજ મણિરાજનું જે મધુર સ્વાગત કર્યું ને મહારાજ સાથે જે રમ્ય વાર્તાલાપ કર્યો તેથી સર્વ લોક સ્તબ્ધ થઈ એકીટશે જોઈ રહ્યા. ઓસરીના ઓટલા ઉપરના ચક્રમાંથી ગુણસુંદરી અને સુંદરગૌરી અમૃતપાન કરતાં હોય તેમ પુત્રીના મુખ સામું જોઈ રહ્યાં. ચંદ્રકાંત અકળાયો : ‘ઓ સરસ્વતીચંદ્ર, તારું ભાગ્ય ક્યાં ફૂટ્યું છે? કોણ જાણે ક્યાં અત્યારે આથડે છે ને મને અથડાવે છે? – રત્ન જો તો ખરો! અરેરે! પણ તારે બ્રહ્મચારી રહેવું છે ને આને મીરાંબાઈ થવું છે! એ જોગ ક્યાં ખાશે?' મહારાજ પાસે વધારે બોલવા પ્રયત્ન કરતાં મુગ્ધ કન્યાના ગાલ ઉપર ગુલાબી રંગના શેરડા પડી ગયા અને અંતે પાંદડાંના આચ્છાદનમાં અચિંતી ક્લની કળીઓ ફૂટવા માંડે તેમ દંતકલિકાઓ દેખાઈ.’ ‘પિતાના ઘરમાં પુત્રો ફરતા હોય તેમ જેના રાજ્યમાં મનુષ્યો નિર્ભય ફરે, તે સજા રાજવીઓમાં શ્રેષ્ઠ છે.’ એવા ભાવાર્થવાળો કુસુમ શ્લોક બોલી ને પ્રસન્ન થઈ મણિરાજે રજા આપી. વાર્તાવિનોદ કરતા કરતા મણિરાજ અને ચંદ્રકાંત અદૃશ્ય થયા. સુંદરગૌરી ખુશખુશાલ બની કુસુમને બળથી છાતીસરસી ચાંપવા લાગી, તે ગુણસુંદરી આનંદથી જોઈ રહી મનમાં બોલી : ‘ઘડી ઉપર અતિશય દુ:ખ હતું, ઘડીમાં શો આનંદ થઈ ગયો? ઈશ્વરની ગતિ ન્યારી છે. ખરેખર ઈશ્વરની ગતિ ન્યારી જ નીવડી. દુઃખ પછી સુખની ને સુખ પછી દુ:ખની ઘડી ઊભી હોય તેમ માનચતુરની સાથેના બે સવારે દુ:ખભર્યું મોંએ કુમુદસુંદરી નદીમાં તણાયાના સમાચાર કહ્યા. શોકની આગ આખા ઘરમાં ભભૂકવા લાગી. ઘરમાં-પરિવારમાં પૂછાપૂછ અને રડારોળ થઈ રહી. એટલામાં દોડતે ઘોડે એક સવાર આવ્યો ને બોલ્યો : ‘ગુણસુંદરીબા, બહારવટિયાઓમાંથી બહેન ઊગર્યાં ત્યારે નદીમાં તણાયાં. એમની ગાડીમાં આ એમની પોટલી હતી તે ગાડીવાને મોકલી છે.’ ગુણસુંદરી રડતી રડતી વિશેષ સમાચાર પૂછવા લાગી. ‘ગુણસુંદરીબા, નદી કોઈના હાથમાં નથી. પણ તમારે પુણ્યે સારાં વાનાં થશે એમ આશા રાખજો.’ ગાડીવાન બિચારો રડતો હતો ને કહેતો હતો કે ઈશ્વર પિયરમાં ને સાસરે-બે ઘરમાં તાળાં નહીં વાસે! ગુણસુંદરીનું હૃદય આથી તૃપ્ત થયું નહીં. દુ:ખી માતાએ માથું નાખી દીધું; અંતે હૃદય ખાલી થતાં ધૈર્ય આવવા લાગ્યું. અને કુસુમ પાસે ગાંસડી છોડાવી તો વનલીલાનો પત્ર નીકળ્યો. પ્રમાદધન, કૃષ્ણકલિકા અને બીજાં ક્ષુદ્ર માણસોની ખટપટના સમાચાર એમાંથી મળતાં ગુણસુંદરી મોટે સ્વરે બોલી : ‘સુંદરભાભી, જો કુમુદ નદીમાં ડૂબી હોય તો કસાઈને ઘેરથી ગાય છૂટી સમજજો. અરેરે! આ દુ:ખ મને તે શી રીતે જણાવે?' દીકરીના દુ:ખથી માતાની આંખમાં ફરી આંસુ ઊભરાયાં. ‘હેં! એ ફૂલથી તે એ કેમ વેઠાયું હશે? ભાભી, એ દુઃખનું માર્યું માણસ જીવ કાઢી નાખે હોં! આ નદીમાં અમસ્તી પડી નથી. લ્યો નક્કી એ દુઃખમાંથી છૂટવા પડેલી. ઓ મારી બહેન! અમારે મોંએ વાત કરવા જેટલી વાટ તો જોવી'તી?' સુંદર દુ:ખભરી બોલી. એની આંખમાં આંસુ ભરાયાં ને વળી બોલી : ‘ઓ મારા ફૂલ! તેં તે આ વજ્રનો માર કેમ સહ્યો હશે? બહેન, મેં તો તને કદી રોતી જોઈ નથી, તે તને આ શું થયું હશે?' કુસુમે પણ આંસુમાં આંસુ ભેળવ્યાં ને બનેવી ઉપરનો ક્રોધ ભેળવી ભમર ચઢાવી. કાગળમાં બીજી વાતો લખી હતી તેના પર તર્ક કરવામાં ગુણસુંદરી ગૂંથાઈ. કુમુદ ઉપર આરોપ મૂકવા પ્રમાદધને સંકેત કરેલો જાણી મનમાં ડામ દેવાયો. નવીનચંદ્રનું નામ વાંચી તે કોણ હશે એવો સહજ પ્રશ્ન ઊઠી શાંત થઈ ગયો. વનલીલાને રત્નનગરી બોલાવી, એની પાસેથી સર્વ જાણી, હૃદયમાં કાંટા વાગે તો જ ગાય જેવી રંક અને નિર્મલ પુત્રીને કસાઈવાડે બાંધ્યાના મહાપાપનું પ્રાયશ્ચિત્ત થાય, અને તે શોધવું જ એવો નિશ્ચય કર્યો. પણ વર વિના સર્વ સાસરિયાં કુમુદ ઉપર પ્રીતિ રાખતાં હતાં તે વિચાર થતાં કુટુંબને કસાઈવાડાની ઉપમા આપ્યાથી મહાદોષ થયો એમ લાગ્યું. હવે તો સર્વ દુ:ખનો સાથી, હૃદયનો મંત્રી, મારો ચતુર આવે તો જ આ વિષમ દશામાંથી છોડાવે એવો વિચાર ગુણસુંદરીને થયો. ત્યાં પતિનો સ્વર પણ બહાર સંભળાયો અને અમૃતપવનની અચિંતી લહેર દુ:ખી જીવ ઉપર આવી.




  1. વસ્તુ હાથમાંથી જતી રહે અને કથા કરવા જેટલો શેષ ભાગ જ રહે તે.(સં.)
  2. કોણના આકારવાળો (સં.)
  3. કંદોરાને ઠેકાણે પહેરવાની સાંકળી.