શાંત કોલાહલ/આવ્યો પૂનમનો પોરો
એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ
કે વંનમાં વેળાની વાંસળી વાગી
કે મંનમાં મેળાની મોહિની લાગી
કે તંનમાં હેલાની તરસું જાગી
કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં...
આસોની રાતનો રૂડો અંધાર
ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો;
લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં
વ્હાલાંના મુખનો મો’રો...કે
વાયરાને વાદ કાંઇ ઊડે ઉપરણો
ને વાતી સુગંધ કાંઇ તાતી !
ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય
આંખ જાગરણમાં હરખાતી...કે
આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં
ન કંચવો કોરો;
આયખાના મહિનાનો આજ રે અનેરો મારે
આવ્યો પૂનમનો પોરો...કે