નવલકથાપરિચયકોશ/આતશ

Revision as of 20:46, 14 January 2024 by Shnehrashmi (talk | contribs)
૧૨૧

‘આતશ’ : કિશોર જાદવ

– અનંત રાઠોડ
Aatash.jpg

(‘આતશ’, પ્રકાશન વર્ષ : ૧૯૯૩, પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ)

વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યિક સંસ્થાઓમાં સતત સક્રિય સર્જક કિશોર જાદવનો જન્મ ધોળકા (અમદાવાદ) નજીક આંબલીયાળા ગામમાં ૨૦ જાન્યુઆરી ૧૯૩૯ના રોજ થયો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાં બી.કૉમ.ના અભ્યાસ પછી ગૌહત્તિ યુનિવર્સિટીમાં એમ.કૉમ. અને પીએચ.ડી. થયા. ત્યારબાદ કેલિફોર્નિયાની હાર્મની કૉલેજ ઑફ એપ્લાઈડ સાયન્સે તેમને ડી.લિટ.ની ઉપાધિ આપી હતી. તેઓએ નાગાલેન્ડ સરકારમાં અંગત સચિવ, મુખ્ય સચિવ અને યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે સેવાઓ બજાવી હતી. નાગાલેન્ડમાં વસવાટને કારણે તેમની કૃતિઓમાં ત્યાંનો સ્થાનિક પરિવેશ ઝિલાયો છે. તેથી ગુજરાતી કથાસાહિત્યમાં તેમનું સર્જન નોખી ભાત ઉપસાવે છે. તેમના સાહિત્યિક પ્રદાનમાં ચાર નવલકથાઓ, ચાર વાર્તાસંગ્રહો, બે વિવેચન, ચર્ચા અને મુલાકાતનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ઉપરાંત એમની પાસેથી હિન્દી અને અંગ્રેજીમાં ચાર પુસ્તકો મળે છે. ‘અમેરિકન બ્લેક રાઇટર્સ’ એમનો સંશોધન ગ્રંથ છે. તેમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સન્માનો મળેલાં છે. ‘આતશ’ કિશોર જાદવની૧૯૯૩માં પ્રકાશિત થયેલી નવલકથા છે. પુસ્તક રૂપે પ્રગટ થઈ એ પહેલાં કેટલાંક પ્રકરણો દીર્ઘ વાર્તાઓ રૂપે ‘ઉદ્દેશ’, ‘એતદ્’ અને ‘ગદ્યપર્વ’માં પ્રગટ થયાં હતાં. આ નવલકથા સાત પ્રકરણમાં વિભાજિત છે. દરેક પ્રકરણનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારી શકાય એ પ્રકારનું એનું વિશિષ્ટ સંઘટનસૂત્ર છે. પ્રકરણોનાં નામ પણ સૂચક છે, જેમ કે ‘હડફેટ’, ‘રાણીછાપ’, ‘નભચકરાવો’, ‘દુશ્ચક્રાભાસ’, ‘આતશ’, ‘સ્ટફબર્ડ’ અને ‘અસિપત્ર’. નવલકથાના આરંભે આલ્બેર કેમ્યુ (ધ રેબેલ), વૉલ્ટર બેંજામિન અનેલિયાન્દ્રો ડિયાઝનાં અવતરણો ટાંકવામાં આવ્યાં છે જે નવલકથાના કેન્દ્રિય વિષયને સમજવામાં ઉપકારક નીવડે છે. નવલકથાના નિવેદનમાં લેખક નોંધે છે કે પોતાની આગળની નવલકથા ‘રિક્તરાગ’ની જેમ જ પ્રસ્તુત નવલકથામાં પણ ‘હું’ નામનો ‘સ્વયંવૃત્તાંતશીલ’, ‘કાળપ્રવાહમાં નિરંતર આગળપાછળ તલાવગાહી ગતિ કરતો’, ‘કૃતિના વ્યાપ-ઊંડાણો, તેનાં પરિમાણોને વિસ્તારતો’, ‘સ્વયં વિસ્તરતો’ નાયક વ્યાપ્ત છે. પ્રથમ પુરુષ એકવચન કથનપદ્ધતિને અનુસરતી આ નવલકથાનો નાયક ‘હું’ ખૂબ સંવેદનશીલ છે. નવલકથાના આરંભે નાયક ‘હું’ ભયભીત અવસ્થામાં ભાગી રહ્યો છે. તેને લાગે છે એક ટોળું તેનો પીછો કરી રહ્યું છે. ભાગીને તે માલવિયા નામના એક પોલીસ અધિકારીને મળે છે. માલવિયા તેને સાંત્વના આપે છે. નવલકથાના આરંભે જ નાયક અપરાધભાવ અનુભવતો અને પલાયનવાદી દર્શાવાયો છે. ‘હડફેટ’ નામના પ્રથમ પ્રકરણમાં કથાવસ્તુની આટલી માંડણી કરીને બીજાથી છઠ્ઠા પ્રકરણમાં લેખકે કથાવસ્તુના તાંતણા ગૂંથ્યા છે અને અંતિમ પ્રકરણમાં લેખકે આરંભના જ ભયભીત નાયકને મૂક્યો છે. નવલકથાનું કથાવસ્તુ આ પ્રમાણે છે. નાયક ‘હું’નું તેની ભાભીના મુરબ્બીની દીકરી વૈશાલી સાથે વાગ્દાન થયેલું હતું. ત્રીજા પ્રકરણમાં વૈશાલી આત્મહત્યા કરે છે. ત્યાર પછી નાયક અરુંધતી નામની સ્ત્રીના સંપર્કમાં આવે છે. અરુંધતીની વર્તણૂક નાયકને કોર્ટના દરવાજા સુધી લઈ જાય છે. ત્યાર પછી કોઈ અનામી સન્નારી તેના જીવનમાં આવે છે જેની સાથે નાયકનું સ્નેહપૂર્ણ તાદાત્મ્ય સધાય છે. નાયક તેની સાથે સંપૂર્ણ નિકટતા કેળવે એ પૂર્વે જ આ સન્નારી કોઈ બીજા પુરુષ સાથે ભાગી જાય છે. અંતે મોટાભાઈના આયોજન પ્રમાણે નાયક સામાજિક નીતિનિયમો અનુસાર મોટો રસાલો લઈને એક સ્ત્રીને પરણવા જાય છે. પરંતુ, ત્યાં જેની સાથે લગ્ન કરવાનું છે તે વિરૂપ સ્ત્રી જોઈને આઘાત પામેલો નાયક પરણ્યા વગર ત્યાંથી ભાગી છૂટે છે. નાયકનો મશિયાઈભાઈ જશવંત તેને વારંવાર જાસાચિઠ્ઠી મોકલીને તેને ડરાવે છે. તેથી તે પાટનગર છોડીને નવા કોઈ નગરમાં રહેવા ચાલ્યો જાય છે જ્યાં તે કોજેનો નામની સ્ત્રીને પરણીને દાંપત્યજીવનની શરૂઆત કરે છે. આ દંપતીને નોરા નામની દીકરી જન્મે છે. નાયક અમદાવાદ કોર્ટમાં નોકરી કરે છે ત્યારે માલવિકાના પરિચયમાં આવે છે જેની સાથે તે સહશયન કરે છે. નાયક પોતાના પરિવારથી વિચ્છેદાય છે. એક વાર એક હોટેલમાં દારૂ પીને પડ્યો હોય છે ત્યારે ત્યાં નાચનારી છોકરી તેને ગમી જાય છે. એ છોકરીનો પીછો કરતાં કરતાં તે નોરા-કોજેના (પુત્રી-પત્ની) પાસે પહોંચી જાય છે. થોડો સમય તે પરિવાર સાથે રહે છે એ સમયગાળામાં જ પુત્રી નોરા ક્યાંક ભાગી જાય છે. આ ઘટના પાછળ કોજેના નાયકને જ જવાબદાર ગણે છે. પતિ-પત્ની વચ્ચેનો સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચે છે. જીવનના આ બધા ઉતાર-ચઢાવ અને એકાધિક સ્ત્રીઓથી નાસીપાસ થયેલો, સતત ભાગતો-રઝળતો-સંતાતો તેમજ ભય અને એકલતા અનુભવતો નાયક નિરાધાર બની જાય છે. જેમાં પ્રથમ પ્રકરણનું અનુસંધાન રચાય છે. નવલકથાના અંતે નાયકની મનોસ્થિતિ દર્શાવતાં લેખક લખે છે કે : “ક્ષણભર દિગ્મૂઢ બની જઈ જોયું તો સૂર્યના તેજમાં ફિક્કું આતશમંડળ નીચે સરકતું, મારા અસ્તિત્વની ખોમાં ગરકતું ચાલ્યું.” (‘આતશ’, પૃ. ૨૦૭) ‘આતશ’ નવલકથામાં ભયનો ભાવ એક સ્થાયીભાવ તરીકે પ્રવર્તે છે. નવલકથામાં નાવીન્યપૂર્ણ ભાષા પ્રયોજાઈ છે. ‘અંધકારનું લોખંડી પડળ’, ‘કાળા ખડકો જેવા આકારો’, ‘આથમતા સૂર્યનાં ફાડચાં’, ‘લોહિયાળ હવા’, ‘કહોવાયેલા માંસલોચાને બાળતી ધૂણી’, ‘લોહીલુહાણ તરફડિયાં મારતું ડુક્કર’, ‘ડુક્કરના માંસના કટોરાઓ’, ‘તરતો કાળો શૂન્યાવકાશ’, ‘મદિરાથી પીલાયેલી બૂ’, ‘ઈમારતની પાંખને ફાડી નાખતો બોમ્બ’ વગેરે સંકેતસભર ભાષાપ્રયોગો દ્વારા લેખકે અહીં પરાવાસ્તવિક સૃષ્ટિ રચી છે. વિવિધ જુગુપ્સાપ્રેરક વર્ણનો દ્વારા નાયકનું ભાવજગત પ્રગટ થાય છે. વિવિધ અવાજો, પાત્રોની ક્રિયા-પ્રતિક્રિયાઓ, શબ્દચિત્રો વગેરે વડે લેખક ભયજનક અને અસલામતીભરી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. લેખકે નાયકના ભાવો વ્યક્ત કરવા માટે અંધકાર, ધુમ્મસ વગેરે જેવાં પ્રાકૃતિક તત્ત્વોનો પ્રતીકાત્મક સ્તરે ઉપયોગ કર્યો છે. થોડાંક ઉદાહરણો જોઈએ તો : – મૃતવત્ શાંતિ જાણે ભારે સીસાની જેમ અંદર ઊતરીને હાડેહાડને ગાળતી લાગી (પૃ. ૧૭) – અવકાશમાંથી અંધારું ગળીગળીને જાણે નીચે ઊતરતું હતું. તેમાં દૂરની પહાડીઓ વધુ ઘેરી, ગાઢ બનીને કાળા અંચળામાં અળપાતી હતી. શેરીઓમાં સમસ્ત શહેરનો ખાળ ખાબોચિયામાં ફેરવાતો, નીચાણમાં ઊભરાઈ જઈ વહેતો હતો. (પૃ. ૨૭) – ત્યાં નર્યો અંધકાર છવાયો છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ વેળાનો આદિમ અંધકાર. સામેના કાંઠા તરફ મેં નજર દોડાવી. પેલે પાર ગતિભેર પસાર થતી કારની બત્તીઓ આગિયાઓ જેમ ઉડાઉડ કરતી ભાળી. ઓચિંતા જ નભની ઝલક અદૃશ્ય થતાં, અંધારાં ઓળાઓ ફેલાવતી ક્ષણમાં કશોક ગુહ્ય પ્રપંચ હતો. તળાવના ગહન અને નિશ્ચલ જળવિસ્તાર પર ચોપાસથી રાત્રિનાં તેજસાપોલિયાં હવે દોડતાં હતાં. (પૃ. ૧૫૧) આ નવલકથાના ભાવવિશ્વ અને માધ્યમના સર્જનાત્મક વિનિયોગ વિશે વિવેચક જયેશ ભોગાયતા નોંધે છે કે : “નવલકથાની પશ્ચાદ્ભૂમાં ઉપદ્રવીઓના હુમલાઓને કારણે હિંસાનું વાતાવરણ, યુદ્ધજન્ય વિભીષિકાનો ઓથાર અને નવલકથાની અગ્રભૂમિમાં ‘હું’ની વિફળતા, તડીપાર થયાની સજા, રઝળપાટ – તે બંને પરિસ્થિતિનું સન્નિધિકરણ આધુનિક યુગની વિનાશક સ્થિતિને દર્શાવે છે. ‘હું’ની ચિત્તભ્રમ દશાના મૂળમાં અરાજકતા અને અસ્તિત્વ પર ઝળૂંબતી મરણની ભીંસ છે. ‘હું’ની વિસંગત મનોદશા વિવિધ પ્રવિધિઓ વડે આકાર પામી છે. તેમ પાત્રોનાં સ્થળોનાં વર્ણનો દ્વારા તેની ભીતરની સંકુલતા મૂર્ત થાય છે. અતિવાસ્તવપૂર્ણ નિરૂપણવિશેષો અને વર્ણનોમાં સર્જકની માધ્યમ વિનિયોગની શક્તિનો પરિચય થાય છે. તળપદા શબ્દપ્રયોગો સોંસરવા ઓજારો છે.” આ નવલકથાનો નાયક અનામી છે એટલે કે કોઈ પણ વ્યક્તિનો મનોસંઘર્ષ અહીં કલ્પી શકાય. નવલકથાનો નાયક વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે સમાજથી વિમુખ થયેલો છે. નાયક સિવાયના સન્નારી, મોટાભાઈ, સાહેબ, ભાભી વગેરે પણ અનામી પાત્રો છે જે નાયકની મનોસ્થિતિ માટે જવાબદાર બને છે. આધુનિક જીવનશૈલીની વિભીષિકામાં સપડાયેલો નાયક પોતાની આસપાસનાં પાત્રો ઉપરાંત ‘સ્વ’થી પણ વિચ્છેદ અનુભવે છે. પરિણામે સમગ્ર નવલકથામાં નાયકના જીવનમાં ‘આતશબાજી’ સર્જાય છે. નાયક સતત સ્ત્રીઓથી નાસીપાસ થાય છે. તેની વાગ્દત્તા આત્મહત્યા કરી લે છે તો અરુંંધતી તેને કોર્ટ સુધી પહોંચાડે છે. સન્નારી પ્રત્યે તેને અપાર આકર્ષણ હોવા છતાં તેને તે પ્રાપ્ત કરી શકતો નથી. પત્ની કોજેના સાથે તે ઉષ્માપૂર્ણ સંબંધો બાંધી શકતો નથી અને સતત સંઘર્ષમય દાંપત્યજીવન ગાળે છે. આખરે માલવિકા સાથેનું સહશયન પણ તેને અધૂરપનો જ અહેસાસ કરાવે છે. મોટાભાઈ, જશવંત વગેરેથી તે તરછોડાય છે. અંતે એક વૃદ્ધ દંપતી તેને હૂંફ આપે છે. પરંતુ, એ દંપતીનું પણ કરુણ અવસાન થાય છે. આમ, સતત વ્યથા, એકલતા, અસ્થિરતા, ભય વગેરેથી ઘેરાયેલા વિછિન્નમનસ્ક નાયકની આ કથા છે. નવલકથામાં સતત પ્રયોજાતા અંધકાર અને ધુમ્મસના પ્રતીકો નાયકના જીવનની શૂન્યતાનાં દ્યોતક છે. પ્રતીક-કલ્પનપ્રચુર, કૈંક અંશે બરછટ એવી, નિરૂપણભાષા, નાયકના ભાવોનું ચૈતસિક આલેખન, જુગુપ્સાપ્રેરક વર્ણનો વડે ઊભી થતી ભયજનક પરિસ્થિતિ, પાત્રો વચ્ચેના અલગાવને કારણે સર્જાતી તંગ અવસ્થાઓ, નવલકથામાં સતત અનુભવાતી ઇન્દ્રિયબોધાત્મકતા, ‘સ્વ’ની શોધમાં ભટકતો મનુષ્ય, આધુનિક મનુષ્યની અપરિહાર્ય નિયતિ વગેરે પરિબળો આ નવલકથાને નોંધપાત્ર બનાવે છે.

સંદર્ભ : ભોગાયતા, જયેશ. ‘આતશ’ માનવઅસ્તિત્વનું વૈશ્વિક વિધાન’, ‘કિશોર જાદવ અધ્યયન ગ્રંથ’. અમદાવાદ : પાર્શ્વ પ્રકાશન, ૨૦૦૬, પૃ. ૧૨૨

અનંત રાઠોડ
સંપાદક, ગુજરાતી વિભાગ,
રેખ્તા ફાઉન્ડેશન, નવી દિલ્હી
કવિ, સંશોધક, Archivist
Email: anant.rathod@rekhta.org