ભારતીયકથાવિશ્વ−૪/હરિવંશ

Revision as of 06:40, 21 January 2024 by Meghdhanu (talk | contribs)


હરિવંશ


રાજા રજિ અને તેના પુત્રોની કથા

સ્વર્ભાનુકુમારી પ્રભા આયુની પત્ની હતી. તેના દ્વારા આયુ પાંચ પુત્રોનો પિતા બન્યો, તે બધા મહારથીઓ હતા. નહુષ, વૃદ્ધશર્મા, રમ્ભ, રજિ અને અનેના ત્રણે લોકમાં વિખ્યાત હતા. ભૂતકાળમાં દેવદાનવો વચ્ચે જ્યારે ઘોર યુદ્ધ થયું ત્યારે બંને પક્ષના લોકોએ પ્રજાપતિ બ્રહ્માને પૂછ્યું: ‘અમારા આ યુદ્ધમાં વિજય કોનો થશે? અમે તમારી પાસેથી સત્ય જાણવા માગીએ છીએ.’ બ્રહ્માએ કહ્યું, ‘શક્તિશાળી રાજા રજિ હાથમાં શસ્ત્રો લઈને જે પક્ષમાં રહીને લડશે તે ત્રણે લોકમાં વિજયી થશે. જે પક્ષે રજિ ત્યાં ધૃતિ, જ્યાં ધૃતિ ત્યાં લક્ષ્મી, જ્યાં ધૃતિ અને લક્ષ્મી ત્યાં ધર્મ અને વિજય.’ બ્રહ્માની વાત સાંભળીને દેવ-દાનવો પ્રસન્ન થઈ વિજય મેળવવાની ઇચ્છાથી રજિને પોતાના પક્ષમાં લેવા તેની પાસે ગયા. તે રાહુના દૌહિત્ર હતા, રાહુની પુત્રી પ્રભાના પેટે જન્મ્યા હતા. સોમવંશની વૃદ્ધિ કરનારા રજિ તેજસ્વી હતા. બધા જ દેવદાનવો પ્રસન્ન થઈ તેમની પાસે ગયા, ‘રાજન્, તમે અમને વિજયી બનાવવા હાથમાં ધનુષ લો.’ સ્વાર્થ સમજનારા રજિએ સ્વાર્થનો વિચાર કરીને દેવદાનવોને કહ્યું, ‘હું જો બધા દાનવોને જીતી ઇન્દ્ર થઈ શકું તો તમારા પક્ષે રહીને લડીશ.’ દેવતાઓએ કહ્યું, ‘ભલે એમ જ થશે.’ દેવતાઓની વાત સાંભળીને રાજા રજિએ મુખ્ય મુખ્ય દાનવોને પણ એવી જ રીતે પૂછ્યું, ‘અહંકારી દાનવોએ સ્વાર્થ જોઈને ગર્વપૂર્વક કહ્યું, ‘અમારા ઇન્દ્ર તો પ્રહ્લાદ છે. એમને માટે જ અમે વિજય મેળવવા માગીએ છીએ. આ શરતે જ તમે અમારા પક્ષે રહો.’ તેઓ દાનવોની વાત માનવા જતા જ હતા ત્યાં દેવતાઓએ તેમને પોતાના પક્ષે લાવવા કહ્યું, ‘રાજન્, તમે વિજય મેળવો અને અમારા ઇન્દ્ર બની જાઓ.’ દેવતાઓનું આ વચન સાંભળીને રજિએ બધા દાનવોનો નાશ કર્યો, અને આમ કરીને દેવતાઓએ ગુમાવેલી બધી સંપત્તિ તેમને પાછી મેળવી આપી. પછી દેવતાઓ સાથે રહીને ઇન્દ્રે પોતાને રજિનો પુત્ર બતાવી કહ્યું, ‘તમે અમારા સૌના ઇન્દ્ર છો એમાં કશી શંકા નથી. આજથી હું ઇન્દ્ર તમારો પુત્ર અને તમારા પુત્ર રૂપે મારી ખ્યાતિ થશે.’ ઇન્દ્રની આ વાત સાંભળીને રજિએ ‘તથાસ્તુ’ કહ્યું. તેઓ જ્યારે બ્રહ્મલોકવાસી થયા ત્યારે તેમના પાંચસો પુત્રોએ લોકવ્યવહાર પ્રમાણે પોતાનો ભાગ બળજબરીથી લીધો. તેમને ઇન્દ્રના ત્રિવિલ્પ નામના સ્વર્ગ ઉપર વારંવાર આક્રમણ કરીને લીધું. ઘણા સમય પછી રાજ્ય અને યજ્ઞભાગ ગુમાવી બેઠેલા ઇન્દ્રે એક દિવસ એકાંતમાં બૃહસ્પતિને કહ્યું, ‘તમે એક બોર જેટલા પણ પુરોડાશખંડની વ્યવસ્થા મારા માટે કરો. રજિના પુત્રોએ મારું રાજ્ય, મારું ભોજન છિનવીને મને સાવ પાણીપાતળો કરી નાખ્યો છે.’ બૃહસ્પતિએ કહ્યું, ‘જો વાત આવી હતી તો તારે મને પહેલાં જણાવવું હતું ને! તારું પ્રિય કરવા માટે હું બધું કરી છૂૂટું. તારા મનોરથની સિદ્ધિ માટે પ્રયત્ન કરીશ. એને કારણે તું તારું રાજ્ય અને તારો યજ્ઞભાગ બહુ શીઘ્ર પ્રાપ્ત કરી શકીશ. તારી ઇચ્છા પ્રમાણે હું કરીશ.’ એમ કહી બૃહસ્પતિએ ઇન્દ્રનું તેજ વધારવા કર્મ કરવા માંડ્યું. બૃહસ્પતિએ રજિના પુત્રોની બુદ્ધિમાં મોહ પમાડવા નાસ્તિકવાદથી ભરચક અને ધર્મનો દ્વેષ કરનાર શાસ્ત્ર ઊભું કર્યું. તર્કના આધારે પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોમાં તે ઉત્કૃષ્ટ મનાયું. બૃહસ્પતિનું આ નાસ્તિક દર્શન દુષ્ટ લોકોને બહુ પ્રિય છે. ધામિર્ક લોકોની વાતચીતમાં એની ચર્ચા નથી થતી. બૃહસ્પતિનું એ શાસ્ત્ર સાંભળીને મંદબુદ્ધિ રજિપુત્રો પ્રાચીન ધર્મગ્રંથોના દ્વેષી થયા. આ અન્યાયી દર્શન તેમને ગમી ગયું. એ અધર્મથી તેઓ નાશ પામ્યા. બૃહસ્પતિની કૃપાથી રજિપુત્રોનો નાશ કરીને ઇન્દ્ર પ્રસન્ન થયા. નાસ્તિકવાદનો આશ્રય લઈને તે રજિપુત્રો ધર્મવિરુદ્ધ બ્રહ્મદ્રોહી, અશક્ત, પરાક્રમહીન થઈ ગયા અને તેમને મારીને ઇન્દ્રે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. (હરિવંશપર્વ ૨૮મો અધ્યાય)

રાજા પૌણ્ડ્રકની કથા

રાજા પૌણ્ડ્રક્ શ્રેષ્ઠ, અતિ બળવાન, સત્ત્વસંપન્ન, મહાપરાક્રમી હતો. તે યાદવોનો તથા શ્રીકૃષ્ણનો દ્વેષીલો હતો. એક વેળા તેણે બધા રાજાઓને પોતાની સભામાં બળજબરીથી બોલાવ્યા અને કહ્યું, ‘મેં આખી પૃથ્વી પર વિજય મેળવ્યો છે, મોટા મોટા ચમરબંધી રાજાઓને પરાજિત કર્યા છે. પરંતુ યાદવો શ્રીકૃષ્ણની ઓથ લઈને અભિમાની થઈ ગયા છે. તેઓ મને કર આપતા નથી, અને કૃષ્ણ પોતાના ચક્ર વડે નિત્ય મારો તિરસ્કાર કરે છે. તે ગોવાળિયાને અભિમાન છે કે હું ચક્રધારી છું. મારી પાસે પણ એક શંખ, ચક્ર, ગદા, શાર્ઙ્ગ ધનુષ બાણ અને ભાથું છે. મને કેટલા બધાની સહાય છે. આમ અત્યારે તે ભારે તોરીલો થઈ ગયો છે. લોકોમાં મારું નામ વાસુદેવ છે, તે નામ અભિમાની, બળવાન ગોવાળિયાએ લઈ લીધું છે. મારી પાસે પણ એક મોટું અને ધારદાર ચક્ર છે, તેનાથી કૃષ્ણનું ચક્ર ધૂળમાં મળી જશે. મારું આ ચક્ર તેના ગર્વનું હરણ કરશે. તેનું નામ પણ સુદર્શન છે, અરે શ્રેષ્ઠ રાજાઓ, મારા ચક્રમાં સહ આરા છે, આ મહાભયંકર ચક્ર શ્રીકૃષ્ણના ચક્રનો નાશ કરશે અને ક્યાંયથી પરાજિત ન થાય એવું છે. મારું આ ધનુષ પણ દિવ્ય છે, શંગિડામાંથી બનાવેલું હોઈ તે શાર્ઙ્ગ નામે વિખ્યાત છે, એનો ટંકાર બહુ ભારે છે. મારી આ ગદાનું નામ પણ કૌમોદકી છે, તે વિશાળ અને સુદૃઢ છે. એક સહ ભાર લોખંડમાંથી તે બનાવડાવી છે. મારી આ નંદક નામની તલવાર પણ તેજ છે. આ તલવાર કાળની પણ કાળ છે અને શ્રીકૃષ્ણની તલવારનો નાશ કરશે. આ રીતે હું શંખ, ચક્ર, ગદા, તલવાર, કવચ વડે શ્રીકૃષ્ણને યુદ્ધમાં જીતી લઈશ. આમાં વિચાર કરવાનો ન હોય. એટલે મહાન રાજાઓ, મારી વાત સાંભળો. હવે તમે બધા મને જ ગદાધર, ચક્રપાણિ, ખડ્ગધારી, શાર્ઙ્ગધનુર્ધારી કહેવા માંડો. અત્યારે મને જ વાસુદેવ કહો, એ ગોવાળિયાને નહીં. એ ગોવાળિયાનો વધ કરીને હું એકલો જ વાસુદેવ રહીશ. મહામના નરકાસુર મારોમિત્ર હતો, તેને આ ગોવાળિયાએ મારી નાખ્યો હતો. જો હવે તમે મને વાસુદેવ નહીં કહો તો હું દસ હજાર ભાર સુવર્ણનો તથા એ ઉપરાંત ઘણા બધા ધનનો દંડ કરીશ.’ મનને અસહ્ય લાગે એવી વાત સાંભળીને કેટલાક બળવાન રાજાઓ સંકોચવશ ચૂપ રહ્યા, તેઓ બધા બળનો મહિમા જાણતા હતા. બીજા કેટલાક હાજીહા કરનારા રાજાઓ ‘ભલે-ભલે’ કહીને શોરબકોર કરવા લાગ્યા અને બળનું અભિમાન ધરાવતા બીજા રાજા કહેવા લાગ્યા, આપણે યુદ્ધમાં શ્રીકૃષ્ણને અવશ્ય પરાજિત કરીશું. સર્વ લોકના જાણકાર મુનિશ્રેષ્ઠ નારદ કૈલાસપર્વત પરથી વિદાય લઈને પૌણ્ડ્રકના નગરની દિશામાં જવા લાગ્યા. આકાશમાંથી ઊતરીને દ્વારપાલ પાસેથી રાજાજ્ઞા મેળવી રાજાના ભવ્ય ભવનમાં પ્રવેશ્યા, અને પૌણ્ડ્રકને મળ્યા. રાજાએ તેમનો અતિથિસત્કાર કર્યો અને ઋષિને બેસવા માટે સ્વચ્છ વસ્ત્ર પાથરેલું સુંદર આસન આપ્યું. પછી અભિમાની રાજાએ આરંભમાં તો નારદમુનિની કુશળતાના સમાચાર પૂછ્યા- પછી તે બોલવા લાગ્યો, ‘વિપ્રવર્ય, તમે તો કુશળ છો, બધાં કાર્યોમાં નિપુણ છો. દેવતાઓ, સિદ્ધો, ગંધર્વો તમને બહુ માન આપે છે, તમે કશાય અંતરાય વિના સર્વત્ર જઈ શકો છો. બધે જ સ્થળે તમારી પહોેંચ છે. આ બ્રહ્માંડમાં તમારા માટે કોઈ પણ સ્થાન અગમ્ય નથી. તો હવે તમે કહો, તમે જ્યાં જ્યાં ગયા છો ત્યાં ત્યાં આ તપસ્વી અને લોકપ્રસિદ્ધ બળવાન પૌણ્ડ્રકને જ બધા વાસુદેવ કહે છે ને! હું જ શંખ, ચક્ર,ગદા, શાર્ઙ્ગ ધનુષ ધરાવું છું. ઢાલ અને તલવાર લઈને, કવચ પહેરીને અનેક રાજ્યો પર મેં વિજય મેળવ્યો છે. બધાને હું જ દાન આપું છું. હું જ સમસ્ત રાજ્યનો ભોક્તા છું. બળપૂર્વક બધા ઉપર રાજ કરું છું. શત્રુઓ મને જીતી ન શકે, હું સ્વજનોનો રક્ષક છું, આજકાલ જે ગોપ વાસુદેવના નામે વિખ્યાત છે તેનામાં એવાં પરાક્રમ કે વીરતા નથી, તે મારું નામ કેવી રીતે ધારણ કરી શકે? તે ગોવાળ અજ્ઞાનને કારણે નાહક મારું નામ વાપરે છે. તમે નિશ્ચિત રીતે જાણી લો કે તે બળવાન યાદવને જીતીને હું એકલો જ આ વિશ્વમાં વાસુદેવ તરીકે રહીશ. બધા જ યાદવોને જીતીને કૃષ્ણની દ્વારકાનો વિનાશ કરીશ. હું જાતે તો યુદ્ધ કરીશ પણ સાથે સાથે બધા બળવાન રાજાઓ પણ મારી સાથે યુદ્ધ કરશે. મારી પાસે બહુ વેગીલા અશ્વ છે, વાયુવેગી રથ છે, અસંખ્ય હાથી છે, ઊંટ છે. આ વિરાટ સેનાની સાથે યુદ્ધભૂમિમાં જઈ શ્રીકૃષ્ણનો વધ કરીશ. વિપ્રવર્ય, તમે પ્રત્યેક નગરમાં મારા નામનો ઢંઢેરો પીટતા રહો, તમારે ઇન્દ્ર આગળ પણ મારાં પરાક્રમ, બળની વાત કરવી જોઈએ. મારી આ પ્રાર્થના છે. તમને હું વંદન કરું છું.’ નારદે આ સાંભળી કહ્યું, ‘બ્રહ્માંડમાં હું ગમે ત્યાં જઈ શકું છું. કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ કરાવવા માગતી હોય તો તેણે મારી પાસે આવવું જ પડે. સર્વત્ર જઈ શકવાની વિદ્યામાં તો હું પારંગત છું. રાજન્, તમે જે કહો છો તેવી વાત કરવાનો મારામાં ઉત્સાહ નથી. દુષ્ટોનો વધ તેમના બાંધવો સહિત કરીને સર્વશક્તિશાળી, ચક્રપાણિ, જનાર્દન આ પૃથ્વી પર રાજ કરી રહ્યા છે.

શ્રી હરિ હોય પછી કોઈ બીજો વાસુદેવ ક્યાંથી હોઈ શકે? સૂર્યકિરણોથી પ્રકાશિત દ્યુલોક અને ભૂલોક પર જ્યાં સુધી શ્રીકૃષ્ણનું રાજ ચાલતું હોય ત્યાં સુધી કોઈ કેવી રીતે પોતાની જાતને વાસુદેવ કહી શકે? તમારા જેવા મૂઢ માણસ જ અજ્ઞાનવશ આવી વાત કરી શકે. સર્વત્ર વિહરનારા, અઢળક વૈભવવાળા, પાપનાશક, સર્વવ્યાપી, શાર્ઙ્ગધનુર્ધારી, ગદાધર વિષ્ણુ તમારા ઘમંડની ધૂળધાણી કરી નાખશે. આદિદેવ, પુરાણપુરુષ, શ્રીકૃષ્ણ તમારા અભિમાનને ઓગાળી નાખશે. તમે જે વિચારો છો, બોલો છો તે તો ઉપહાસપાત્ર છે. શ્રીકૃષ્ણ પાસે જે શાર્ઙ્ગ ધનુષ અને તલવાર છે તેની સામે તમારાં શસ્ત્ર અર્થહીન છે. તમારા પતનનો સમય આવી પહોેંચ્યો છે.’

નારદ મુનિની આ વાત સાંભળીને અભિમાની રાજા પૌણ્ડ્રક ક્રોધે ભરાઈ બોલ્યો, ‘તમે આ શું બોલો છો? હું રાજા છું અને બ્રાહ્મણો મારી સાથે છે. તમે તો શાપ આપનારા છો એટલે તમે અહીંથી તમારી ઇચ્છા થાય ત્યાં જતા રહો. મને તમારો ડર લાગે છે એટલે હમણાં ને હમણાં જ જતા રહો.’ રાજાએ આમ કહ્યું એટલે નારદ મુનિ જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ હતા ત્યાં ગયા અને તેમને બધી વાત જણાવી. આ સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું, ‘પૌણ્ડ્રકને જે બકવાસ કરવો હોય તે ભલે કર્યા કરે. આવતી કાલે હું તેનું અભિમાન ઓગાળી નાખીશ.’ આમ કહીને શ્રીકૃષ્ણ મૂગા રહી ગયા. આ બાજુ પૌણ્ડ્રક ઘણી બધી સેના લઈને દ્વારકાની દિશામાં જવા માંડ્યો. કેટલાય સહ અશ્વ, હાથી અને કરોડો અસ્ત્ર-શસ્ત્ર ધરાવતા રાજાએ પ્રયાણ કર્યું. એકલવ્ય જેવા રાજા તેની આસપાસ હતા. આઠ હજાર રથ, દસ હજાર હાથી, દસ કરોડ પદાતિઓ તે સેનામાં હતા. આવડી મોટી વિરાટ સેનાને લઈને નીકળી પડેલો પૌણ્ડ્રક ઉદયગિરિ પર ઊગતા સૂરજ જેવો દેખાતો હતો. અડધી રાતે તેણે દ્વારકા પર આક્રમણ કર્યું. રાતે ઘોર અંધારામાં પદાતિઓના હાથમાં સળગતી મશાલો હતી. ઘણા શ્રેષ્ઠ રાજાઓ વિવિધ અસ્ત્ર-શસ્ત્ર લઈને શક્તિશાળી દ્વારકા પર આક્રમણ કરવા ગયા. પરાક્રમી અને બળવાન રાજા પૌણ્ડ્રક પણ મશાલો લઈ એક મોટા રથમાં બેસીને દ્વારકા જઈ રહ્યો હતો. તે રથમાં અનેક શસ્ત્રો હતાં. પટ્ટિશ, તલવાર, ગદા, પરિઘ, તોમર, શક્તિ, તલવાર જેવાં અનેક અસ્ત્ર હતાં. ઝાંઝરોવાળી ઝાલરોથી તેનો રથ શણગારાયો હતો. ધનુષ, ગદા યથાસ્થાને હતાં. તે મહારૌદ્ર વિશાલ રથ પ્રલયકાલીન મેઘ જેવો ગંભીર ઘોષ કરનારો હતો. તેનું સ્વરૂપ અગ્નિ અને સૂર્ય જેવું હતું. મહાશક્તિશાળી રાજા જગદીશ્વર શ્રીકૃષ્ણનો તથા તેમની બધી દિશામાં ઊભેલા યાદવોનો વધ કરવા માગતો હતો. તે પોતાની સેનાના મુખ્ય મુખ્ય રાજાઓને પોતાની સાથે લઈ ગયો અને નગરદ્વારે પહોેંચી સેનાને ગોઠવીને તેણે રાજાઓને કહ્યું, ‘રણભેરી વગાડો અને મારા નામનો પોકાર કરીને કહો કે યાદવો, અહીં આવીને યુદ્ધ કરો, અથવા યોગ્ય કર આપો. મહાન પરાક્રમી રાજા પૌણ્ડ્રક યુદ્ધ કરવા અહીં આવ્યા છે અને શ્રીકૃષ્ણની વીરતાનો આશ્રય લેનારા બધા યાદવોને તે મારી નાખશે.’ આ બધા રાજાઓ સૂચકોને મળ્યા. ત્યાં લાખો મશાલો સળગતી હતી. યુદ્ધની ઇચ્છા ધરાવતા રાજાઓએ આમતેમ યુદ્ધ શરૂ કરી દીધાં હતાં, ‘ક્યાં છે શ્રેષ્ઠ વીર? જગદીશ્વર ક્યાંં છે? વીર સાત્યકિ ક્યાં છે? કૃતવર્મા ક્યાંં છે? બધા યાદવોના શિરોમણિ બલરામ ક્યાં છે?’ આમ કહીને તે રાજાઓ બધી દિશાએથી અસ્ત્ર, શસ્ત્ર, બાણ વડે દ્વારકા પર આક્રમણ કરવા લાગ્યા. યાદવોએ જોયું કે શત્રુસેના મોટી સંખ્યામાં છે, બધા પાસે અસ્ત્રશસ્ત્ર છે અને ઝંઝાવાત વેળા ઊમટેલા સમુદ્ર જેવા દેખાય છે. રાત્રે બહુ મોટું સંકટ આવ્યું છે, ત્યારે યાદવો પણ યુદ્ધ કરવાની ઇચ્છાથી સજ્જ થયા. બધા યાદવોના હાથમાં મશાલ હતી. સાત્યકિ, બલભદ્ર, કૃતવર્મા, ઉદ્ધવ, ઉગ્રસેન અને બીજા યાદવ વીરોએ કવચ ધારણ કર્યાં. આ યાદવો બધા જ પ્રકારનાં યુદ્ધોમાં કુશળ, રાત્રે પણ કમર કસીને લડનારા, બધા જ પ્રકારનાં અસ્ત્રશસ્ત્ર ધરાવનારા યુદ્ધ માટે સજ્જ થઈ ગયા. તેમની સાથે રથી, અશ્વારૂઢ સૈનિકો, હાથી પર સવાર થયેલા, શસ્ત્રધારી પદાતિઓ હતા. બધાના હાથમાં ધનુષબાણ હતાં, પ્રજ્વલિત મશાલો હતી, તેઓ પણ લલકારવા લાગ્યા, ‘ક્યાં છે પૌણ્ડ્રક?’ મશાલોને કારણે સમગ્ર વિસ્તાર પ્રકાશિત થઈ ગયો અને પછી ફરી ચોતરફ અંધકાર છવાઈ ગયો. બંને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. હવે રૂવાંડાં ખડાં થઈ જાય એવો કોલાહલ થવા લાગ્યો. અશ્વની સામે અશ્વ, હાથી સામે હાથી, રથની સામે રથ અને પદાતિની સામે પદાતિ, ખડ્ગધારી સામે ખડ્ગધારી, ગદાધારી સામે ગદાધારી ભીડાયા. એ વીર સૈનિકોનો ધ્વનિ મહાપ્રલય વેળાએ થતી સમુદ્રગર્જના જેવો હતો. બંને પક્ષના સૈનિકો સામા પક્ષવાળા ઉપર પ્રહાર કરતા હતા, રાજાઓ ઘવાવા માંડ્યા. તેઓ એકબીજાને કહેતા હતા, ‘આ ખડ્ગધારી પરાક્રમી ધરાશાયી થઈ ગયો. આ દારુણ બાણ ભયાનક છે, આ ગદાધારી રાજા આપણને બધાને બહુ પીડા પહોેંચાડે છે. અનેક શસ્ત્રો લઈને આ બળવાન યોદ્ધો ઘૂમી રહ્યો છે. આ હાથી દંતશૂળ વડે ધસારો કરી રહ્યો છે. આ સૈનિક બધી દિશાઓમાં ઘૂમી રહ્યો છે.’ કોઈ કોઈ શૂરવીર વાયુના જેવી ગતિથી સર્વત્ર ગયા અને પોતાનાં બાણોથી શત્રુઓનાં બાણનો તથા દંડોથી શત્રુઓના દંડનો વિનાશ તેમણે કર્યો. કેટલાય યોદ્ધાઓ ભાલાથી ભાલાનો, ગદાથી ગદાનો, પરિઘથી પરિઘનો, શૂલથી શૂલનો ઉચ્છેદ કરતા હતા. આ પ્રકારે યુદ્ધ કરતા કરતા બહુ મોટું યુદ્ધ થયું અને ભારે કોલાહલ થવા લાગ્યો. આ રણભૂમિમાં બહુ વિશાળ પ્રાણીઓ અનેક પ્રકારના ધ્વનિ કરતા હજારોની સંખ્યામાં જોવા મળ્યાં. ત્યાં થતો શંખધ્વનિ બહુ ભયંકર હતો. રાત્રે થઈ રહેલા આ યુદ્ધમાં બહુ રોમાંચક ધ્વનિ થઈ રહ્યો હતો. બંને પક્ષના આ મહાયુદ્ધમાં કેટલાય રાજા કાળનો કોળિયો બનીને ધરતી પર ઢળી પડ્યા, કેટલાય બહુ પરાક્રમી રાજા હાથમાં શસ્ત્ર લઈને એકબીજાની સાથે લડતા હતા અને સામાના વાળ વિખેરીને ધરાશાયી થઈ જતા હતા. કેટલાય યોદ્ધાઓનાં કવચ વિદીર્ણ થઈ જવાને કારણે તેમના ટુકડેટુકડા થઈ ગયા હતા. એક બીજાનો વધ કરી નાખવાની ઇચ્છાથી અસ્ત્રશસ્ત્રનો પ્રહાર કરી યોદ્ધાઓ જીવ ગુમાવી બેસતા હતા અને યમરાજના રાજ્યને સમૃદ્ધ કરતા હતા. આમ યુદ્ધમાં ભાગ લેનારા બધા રાજા ત્યાં મૃત્યુ પામ્યા. નિષાદોનો રાજા એકલવ્ય કાલાન્તક અને ભયંકર હતો. તે હાથમાં મહાઘોર ધનુષ લઈને સહ બાણ વડે યાદવોને પીડવા લાગ્યો. તેણે અનેક તીક્ષ્ણ અને મર્મભેદી બાણ વડે યાદવોની સેનાનો સંહાર કર્યો. અસ્ત્રશસ્ત્રધારી અત્યંત બળવાન ક્ષત્રિયોને પણ તેણે ધરાશાયી કરી દીધા. તેણે પચીસ બાણ વડે નિશકને, દસ બાણ વડે સારણને, પાંચ બાણ વડે કૃતવર્માને, નેવું બાણ વડે ઉગ્રસેનને, વસુદેવને અક્રૂરને, ઉદ્ધવને ઘાયલ કર્યા. આમ એક એક કરીને તેણે બધા યાદવવીરોને ઘાયલ કર્યા અને હાંકી કાઢ્યા. તે બોલતો રહ્યો, ‘હું બળવાન અને પરાક્રમી એકલવ્ય છું. અત્યારે મારા હાથમાંથી બચીને સાત્યકિ ક્યાં જશે? બળના અભિમાની એવા હળધર પણ હાથમાં ગદા લઈને ક્યાં જાય છે?’ આમ તે યદુકુળના શ્રેષ્ઠવીર પુરુષોને લલકારતો અને સિંહનાદ કરીને સિંહોને પણ આશ્ચર્ય પમાડતો હતો. આમ જ્યારે યાદવોની સેનાનો નાશ થયો અને પરાક્રમીઓ ભયભીત થઈને ચારે દિશાઓથી પાછા આવ્યા, બધી મશાલો બુઝાઈ ગઈ, ચોતરફ સન્નાટો છવાઈ ગયો ત્યારે પૌણ્ડ્રકે માની લીધું કે યાદવો પરાજિત થઈ ગયા. તેણે પોતાના સૈનિકોને કહ્યું, ‘રાજાઓ, હવે વિલંબ ન કરો; ભાલા, ત્રિકમ વડે આ નગરીને ખોદી નાખો. કુહાડી, હળ અને પથ્થર ફેંકવાનાં યંત્રો લઈને આ નગરીની ચારે બાજુ જાઓ. નગરીના કિલ્લા તોડીફોડી નાખો, બધા મહેલો પાડી નાખો, યાદવ કન્યાઓનું અને દાસીઓનું અપહરણ કરો. ધન લૂંટો.’ પૌણ્ડ્રકના કહેવાથી બધા યોદ્ધાઓએ કિલ્લાઓ, લોકોથી ઊભરાતા મહેલોનો વિનાશ કરવા માંડ્યો. અને એનો ઘોર ધ્વનિ સંભળાયો. ‘પૂર્વ દ્વારના કિલ્લાઓ અમે તોડી નાખ્યા.’ આ તોડફોડના ભયંકર અવાજથી સાત્યકિ બહુ ક્રોધે ભરાયા. ‘કેશવ તો આ નગરીના રક્ષણનો બધો ભાર મારા પર નાખીને શંકર ભગવાનનાં દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયા છે. એટલે દ્વારકાની રક્ષા મારે કરવી જોઈએ.’ આમ વિચારીને દારુકના પુત્રે સજ્જ કરેલા એક મોટા રથમાં તે બેઠા, દારુકપુત્ર તે રથનો સારથિ હતો. વિશાળ ધનુષ અને ઝેરી સાપ જેવાં ભયંકર બાણ લઈને કવચથી સજ્જ થઈને બાજુબંધ, કુંડલ, ધનુષ, ગદા, ખડ્ગ સમેત શ્રીકૃષ્ણનાં વચનનું સ્મરણ કરીને યુદ્ધ માટે તે નીકળી પડ્યા. મશાલોથી પ્રકાશિત એવા સ્થળે તે ગયા. બલરામ પણ યુદ્ધ કરવા ગયા. ધનુષબાણ લઈને તેજસ્વી રથમાં બેસીને તે નીકળી પડ્યા. તેમની સાથે બધા સૈનિકો મોટો ધ્વનિ કરતા આગળ વધતા હતા. નીતિજ્ઞોમાં શ્રેષ્ઠ, મહાપરાક્રમી ઉદ્ધવ પણ નીતિ-પ્રીતિનો સમન્વય કરી ભયંકર ઘોષ કરતા ઉન્મત હાથી પર બેસીને નીકળ્યા. બીજા યાદવો પણ યુદ્ધની ઝંખના કરતા આગળ ગયા. કૃતવર્મા જેવા સમર્થ યોદ્ધાઓ પણ શ્રીકૃષ્ણનાં વચનોનું સ્મરણ કરીને રથ અને હાથી પર બેસીને મશાલો સળગાવી આગળ ચાલ્યા. પૂર્વદ્વાર આગળ યુદ્ધ કરવા માગતા બધા યોદ્ધા એકબીજાને મળીને ત્યાં ઊભા રહ્યા. મશાલોથી પ્રકાશિત માર્ગ પર જ્યારે તે વિશાળ સેના ઊભી રહી ગઈ ત્યારે ધનુષ, બાણ, ગદા સહિત સાત્યકિએ વાયવાસ્ત્ર ચઢાવી ધનુષની પણછ કાન સુધી ખેંચી અને શત્રુસેના પર એ અસ્ત્ર ફેંક્યું. ત્યાં ઊભેલા શત્રુપક્ષના ઉત્તમ યોદ્ધાઓ વાયવાસ્ત્રથી પીડા પામી પૌણ્ડ્રક પાસે જઈ પહોેંચ્યા. વાયુવેગથી કંપતા બધા રાજાઓ પણ પહેલાં જ્યાં ઊભા હતા ત્યાં પહોેંચી ગયા. પૂર્વદ્વારે ઊભા રહી સાત્યકિ એક તીક્ષ્ણ બાણ સજી બોલ્યા, ‘રાજવીઓમાં શ્રેષ્ઠ બુદ્ધિમાન પૌણ્ડ્રિક ક્યાં છે? હું મહાબલી સાત્યકિ ધનુષબાણ લઈને તેની સાથે યુદ્ધ કરવા અહીં ઊભો છું. જો તે દુરાત્મા નીચ રાજા મારી આંખે ચઢશે તો હું તેને માર્યા વિના રહેવાનો નથી. હું ભગવાન શ્રીકૃષ્ણનો સેવક છું અને પૌણ્ડ્રકનો વધ કરવા ઊભો છું. હું આ બધા ક્ષત્રિયોના દેખતાં તે દુરાત્માનું મસ્તક છેદીને ગીધ અને કૂતરાને ધરી દઈશ. રાતે જ્યારે બધા યાદવો સૂઈ રહ્યા હતા ત્યારે કયો શ્રેષ્ઠ માનવી ચોરની જેમ આવું તિરસ્કારપાત્ર કાર્ય કરી શકે? આ બળવાન રાજા નહીં પણ ચોર છે. જો એ નીચ રાજામાં શક્તિ હોત તો તે આવું કાર્ય ન કરત. ચોરની જેમ કામ કરનારા એ રાજા મારી સામે આવતો નથી.’ એમ કહી મહાબલી વીર સાત્યકિ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. તેમણે ધનુષની પણછ કાન સુધી ખેંચીને બાણ સજ્જ કર્યું. સાત્યકિની વાત સાંભળીને પૌણ્ડ્રક બોલવા લાગ્યો: ‘ક્યાં છે કૃષ્ણ? ક્યાં છે એ ગોવાળ? સ્ત્રી અને પશુનો હત્યારો ક્યાં છે? જે સ્વામી બનીને સેવા કરાવે છે તે મારો શત્રુ ક્યાં છે? મારું નામ ગ્રહણ કરીને ક્યાં સંતાઈ ગયો છે? મારા મિત્ર નરકાસુરનો વધ કરીને તે પોતાને મહાપરાક્રમી માને છે. યુદ્ધમાં એ દુરાત્માનો વધ કરીને જ મારો ક્રોધ શાંત થશે. વીર, તું અહીંથી જતો રહે. મારી સાથે યુદ્ધ કરવાની તારામાં હિંમત નથી. થોડો સમય ઊભો રહીશ તો મારું બળ જોઈ શકીશ. દુર્જય બાણો વડે તારું મસ્તક છેદી નાખીશ. આ રણભૂમિ પર મારા હાથે તું મૃત્યુ પામીશ એટલે ધરતી તારું રક્તપાન કરશે. તે ગોવાળ પણ સાંભળશે કે સાત્યકિ મૃત્યુ પામ્યો. તારા મૃત્યુથી તેનું અભિમાન ઓગળી જશે. અમે પહેલેથી જાણીએ છીએ કે તે ગોવાળ તમારા ઉપર નગરરક્ષાનો ભાર નાખીને કૈલાસ પર્વત પર ગયો છે. સાત્યકિ, તારામાં તાકાત હોય તો કોઈ તીક્ષ્ણ બાણ સજાવ.’ આમ કહી પૌણ્ડ્રક ધનુષબાણ લઈ સામે ઊભો રહી ગયો. શ્રેષ્ઠ યાદવ વીર સાત્યકિએ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને ક્રોધિત થઈ કહ્યું, ‘પૌણ્ડ્રક, રાજાઓમાં તું અધમ છે. એટલે જ તું આવું બોલી રહ્યો છે. જીવનની ઇચ્છા રાખતો કયો માણસ જગન્નાથ શ્રીકૃષ્ણ માટે આવું બોલી શકે? આવી વાણી ઉચ્ચારતી વેળા તારા માથે મોત ભમે છે. આવી અયોગ્ય વાત કહેતાં તો તારી જીભના સો ટુકડા થઈ જવા જોઈએ. પૌણ્ડ્રક, હું હમણાં જ તારું મસ્તક ધડથી જુદું કરી નાખીશ. જ્યાં સુધી તારું મસ્તક ધડ પર છે ત્યાં સુધી જ તારું નામ વાસુદેવ સાથે જોડાયેલું છે. આવતીકાલથી તું ભગવાન વાસુદેવ નહીં રહે. જે બધાના કર્તાહર્તા છે, જે સર્વવ્યાપી છે તે એકલા જ શ્રીકૃષ્ણ વાસુદેવ રહેશે. તુચ્છ રાજા, હમણાં જ તારું મસ્તક દૂર કરું છું. જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ આવે નહીં ત્યાં સુધી તું તારું પરાક્રમ દેખાડ. આનાથી વધુ સારો અવસર તને પછી નહીં મળે. હું યુદ્ધનો નિર્ધાર કરીને ઊભો છું. તું મારી શક્તિ જોજે. હું સાચું કહું છું, તું આ પહેલાં આ નગરમાં આવ્યો ન હતો. તારા જેવા વાસુદેવના પૂતળાને જોઈને બસ, હવે તારા શરીરના રાઈ રાઈ જેવા ટુકડા કરીને કૂતરાઓને ખવડાવીશ.’ વાસુદેવ નામધારી પૌણ્ડ્રકને આમ કહી સાત્યકિએ એક તીક્ષ્ણ બાણ ચલાવ્યું, અને પૌણ્ડ્રકને ઘાયલ કર્યો. આવી રીતે તે ઘવાયો એટલે તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. તે રાજા ક્રોધે ભરાયો. વારે વારે સિંહનાદ કરી નવદસ બાણ વડે સાત્યકિને ઘાયલ કર્યા. ફરી યમરાજ જેવા તીક્ષ્ણ બાણ વડે સાત્યકિને ઘાયલ કર્યો અને પોતાના સૈનિકોને પ્રસન્ન કર્યા. કપાળમાં ગંભીર ઘા થયો એટલે યાદવશ્રેષ્ઠ સત્યપ્રતિજ્ઞ સાત્યકિ રથના પાછલા ભાગમાં પડી ગયા. પછી રાજાએ દસ બાણ વડે સારથિને અને પચીસ બાણ વડે રથના ચારે ઘોડાને ઘાયલ કર્યા. તે બધા લોહીથી લથબથ થઈ ગયા અને ત્યાં જ આકળવિકળ થયા. વાસુદેવ રથ પર બેસીને જોર જોરથી સિંહનાદ કરવા લાગ્યો. તેના ઘોષથી સાત્યકિ જાગી ગયા, ઘોડાને અને સારથિને ઘાયલ જોઈને તેઓ ક્રોધે ભરાયા. તે બોલ્યા, ‘હવે જોઉં છું. તારામાં કેટલું બળ છે?’ પછી સાત્યકિએ બાણ ચલાવી પૌણ્ડ્રકની છાતી વીંધી. તેનાથી તે ધ્રૂજી ગયો અને છાતીમાંથી ગરમ ગરમ લોહી વહેવા લાગ્યું. ફુત્કાર કરતા સાપની જેમ લાંબા નિ:શ્વાસ નાખતો તે રથમાં બેસી પડ્યો. તેને કશું કરવાની સુધબુધ ન રહી. દસ બાણ વડે રાજાના રથને તોડીફોડી નાખ્યો, ભાલા વડે રથની ધ્વજા કાપી નાખી. તેના દેખતાં દેખતાં જ બાણો વરસાવીને ચારેય ઘોડાને ઘાયલ કર્યા, સારથિનું મસ્તક છેદી નાખ્યું. પૌણ્ડ્રકના ઘોડા પણ મૃત્યુ પામ્યા. પછી દસ બાણ મારીને રથનાં પૈેંડાં કાપી નાખ્યાં. આમ કરીને સાત્યકિ વાસુદેવની મજાક ઉડાવવા લાગ્યો. પછી બળવાન સાત્યકિએ મોટેથી સિંહનાદ કરીને સિત્તેર બાણ મારી પૌણ્ડ્રકને વધુ ઘાયલ કર્યો. માથે, બગલોમાં, પીઠ પર, છાતી પર એ બાણ વડે ઘાયલ થયેલો, તરસ્યો રાજા માત્ર ધૈર્યને કારણે ઊભો હતો. જેવી રીતે ઉદાર પુરુષ નિર્ધન થઈ ગયા પછી દાન આપી ન શકે તેવી રીતે પૌણ્ડ્રક કોઈ પણ પ્રતિકાર કર્યા વિના ચુપચાપ ઊભો રહ્યો. પછી ક્રોધે ભરાઈને તેણે અર્ધચન્દ્ર વડે સાત્યકિને ઘાયલ કર્યા. તે ભારે ક્રોધાવેશમાં આવી ગયો હતો. ઘાયલ સાત્યકિએ પાંચ બાણ વડે પૌણ્ડ્રકનું ધનુષ છેદી નાખ્યું અને સિંહનાદ કર્યો. હવે વાસુદેવે હાથમાં ગદા લઈ ઘુમાવી અને સાત્યકિની છાતીમાં મારી. સાત્યકિએ ડાબા હાથે ગદા ઝાલી લીધી અને એક બાણ વડે પૌણ્ડ્રકને ઘાયલ કર્યો. એ ગાળામાં વાસુદેવે સાત્યકિને ધ્યાનમાં રાખી દસ શક્તિઓ વડે ઘાયલ કર્યા. એ શક્તિઓ વડે ઘવાયેલા સાત્યકિએ એ ધનુષ ફેંકીને બીજું ધનુષ લીધું અને શત્રુઓને ઘાયલ કરવા માંડ્યા. યાદવોને આનન્દ પમાડનાર સાત્યકિએ ક્રોધે ભરાઈને ગદા વડે વાસુદેવને ઘાયલ કર્યો. વાસુદેવે પણ સામે ગદાનો પ્રહાર કર્યો. બંને વીર વનમાં એકબીજા સામે લડતા સિંહની જેમ દેખાતા હતા. પછી ક્રોધે ભરાયેલા સાત્યકિએ ડાબી બાજુ અને વાસુદેવે જમણી બાજુ આક્રમણ કર્યું. સાત્યકિની છાતીમાં ભારે ઘા થયો, સાત્યકિએ પણ તેના બાહુઓ પર ભારે પ્રહાર કર્યો. એને કારણે વાસુદેવ ઘુંટણિયે પડી ગયો, પછી ઊભા થઈને તેણે સાત્યકિના કપાળે લાત મારી. સાત્યકિ થોડી પીડા થઈ એટલે જરા બેઠા અને પછી ઊભા થઈને વાસુદેવ પર ગદા ઝીંકી. વાસુદેવ બહુ શક્તિશાળી હતો. તે સાક્ષાત્ મૃત્યુ જેવો હતો. જાણે પોતાનાં નેત્ર વડે તે સાત્યકિને ભસ્મ કરવા માગતો હોય તેમ જોતો હતો. ગદા વડે સાત્યકિ પર પ્રહાર કર્યો. એ પ્રહારથી સાત્યકિ ધરતી પર બેસી ગયા, જાણે મૃત્યુના ખોળામાં જઈ બેઠા. પછી સ્વસ્થ થઈને શત્રુએ ફંગોળેલી ગદા ઊછળીને બંને હાથ વડે પકડી લીધી અને કાળા લોખંડની બનેલી સુંદર, ભારે ગદાના બે ટુકડા કરી નાખ્યા. સાત્યકિએ ગર્જના કરી. પછી વાસુદેવે એ ગદા ફગાવીને સાત્યકિને ડાબા હાથે ઝાલી લીધો અને જમણા હાથની મુઠ્ઠીથી તેમની છાતીમાં પ્રહાર કર્યો. સાત્યકિએ ગદા ફેંકી દીધી અને વાસુદેવને એક લપડાક મારી. વાસુદેવે પણ સામે લપડાક મારી. આમ બંને વચ્ચે લપડાકોનું યુદ્ધ શરૂ થયું. ઘુંટણ, હાથ, મસ્તક વડે પ્રહારો થવા લાગ્યા. છાતીથી છાતી પર, ઘુંટણથી ઘુંટણ પર અને હાથથી હાથ પર ઘા થવા લાગ્યા. તે નીરવ, નિસ્તબ્ધ રાત્રિમાં પૌણ્ડ્રક અને સાત્યકિ અખાડામાં ઊતરેલા મલ્લની જેમ યુદ્ધ કરવા લાગ્યા. બંને પક્ષની સેનાને સંશય થવા લાગ્યો કે સાત્યકિ મૃત્યુ પામશે કે પૌણ્ડ્રક? આજે બંને એકબીજાનો વધ કરવાની ઇચ્છાથી નિશ્ચિત સ્વર્ગે સીધાવશે, ત્યાં સુધી તેઓ યુદ્ધ કરવાનું બંધ નહીં કરે. આ બંને બહુ બળવાન છે, તેમનાં ધૈર્ય, પરાક્રમ અદ્ભુત છે. તે બંને મહાવીર છે, શ્રેષ્ઠ છે. દેવ અને દાનવ વચ્ચે પણ આવું ઘોર યુદ્ધ થયું ન હતું. આવું યુદ્ધ ન તો જોયું હતું, ન તો સાંભળ્યું હતું. બંને પક્ષના સૈનિકો રાત્રિના અંધકારમાં આ યુદ્ધ જોઈને આમ બોલતા હતા. પછી બંને વીર બાહુુયુદ્ધ કરવા લાગ્યા. સાત્યકિએ પૌણ્ડ્રકને દસ મુક્કા માર્યા, પૌણ્ડ્રકે પાંચ મુક્કા માર્યા. બંનેના મુક્કાઓનો અવાજ બ્રહ્માંડને ક્ષુબ્ધ કરતો હતો. બધાને અચરજ પમાડતો હતો. આ દરમિયાન નિષાદરાજ એકલવ્ય ક્રોધે ભરાઈ ધનુષ લઈ બલરામ સામે આવી ગયો. દસ બાણ વડે બલરામને ઘાયલ કરીને બીજાં દસ બાણ મારી બધાના દેખતાં દેખતાં જ તેમનું ધનુષ વચ્ચેથી છેદી નાખ્યું. બલરામે દસ બાણ વડે નિષાદના સારથિને ઘાયલ કરી, ત્રીસ બાણ વડે રથને તોડીફોડી નાખ્યો. પછી સાડા ચાર હાથ લાંબું અને સુદૃઢ પણછ ધરાવતું ધનુષ લઈને એક બાણ વડે નિષાદે બલરામને ઘાયલ કર્યા. એટલે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે ફુત્કારતા શેષનાગની જેમ દસ સર્પાકાર બાણ વડે એકલવ્યના ધનુષને મૂળમાંથી જ છેદી નાંખ્યું. આ જોઈ નિષાદરાજ એકલવ્યે તીક્ષ્ણ ધારવાળી તલવારથી બલરામ પર ઘા કર્યો. યુદ્ધકુશળ બલરામે પાંચ બાણ વડે તે તલવારને અધવચ્ચે જ તોડી નાખી. પછી નિષાદરાજે બલરામના સારથિ પર ધ્યાન કેન્દ્રિત કરી બીજી તલવાર ઉગામી. તે કાળા લોખંડની બનેલી તલવાર સુંદર હતી, અને બલરામે તે તલવારને પણ તોડી નાખી. પછી મહાબલી નિષાદરાજે ઘંટાઓથી સજાવેલી શક્તિ બલરામ પર ઉગામી મોટી ગર્જના કરી. તે શક્તિ જ્યારે બલરામ પાસે આવી ત્યારે એ ભયાનક શક્તિને બલરામે હાથમાં ઝાલી લીધી અને બધાના આશ્ચર્ય વચ્ચે એ જ શક્તિ નિષાદરાજની છાતીમાં મારી. એનાથી ઘવાઈને તેનું આખું શરીર વ્યાકુળ થઈ ગયું અને તે ધરતી પર પડી ગયો. તે લગભગ મૃત:પ્રાય જેવો થઈ ગયો. તે નિષાદના સેંકડો, હજારો સાથીઓ હતા. તેની સેનામાં અઠ્યાસી હજાર નિષાદ સૈનિકો હતા. જેવી રીતે સળગતી આગમાં પતંગિયાં ઝંપલાવે તેવી રીતે તે બધા ધનુર્ધારી નિષાદ બાણ, શક્તિ, કુહાડી, ગદા, પટ્ટિશ, શૂલ, પરિઘ, તોમર, ભાલા, કુહાડી લઈને રામચંદ્ર જેવા પરાક્રમી બલરામ પર પ્રહારો કરવા લાગ્યા. ઘણાં બાણ તેમણે વરસાવ્યાં. પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી બલરામ પર કેટલાક નિષાદોએ કુહાડી વડે, ભાલા વડે, પરશુ વડે, ગદા વડે, શક્તિ વડે પ્રહારો કરવા માંડ્યા. પછી ક્રોધે ભરાયેલા બલરામ હળ વડે બધાને ખેંચી ખેંચીને મારવા લાગ્યા. તેના પ્રહારથી હજારો પર્વતવાસી નિષાદ ધરતી પર ઢળી પડ્યા. થોડી જ ક્ષણોમાં મહા બળવાન નિષાદોનો વધ કરી બલરામ ગરજવા લાગ્યા. રાતે ભયંકર માંસભક્ષી પિશાચ તે સૈનિકોનું માંસ ખાવા લાગ્યા, તેમનું લોહી પીવા લાગ્યા. તે સમયે બધાં માંસભક્ષી પ્રાણીઓ મરી ગયેલાઓનું માંસ ખાઈ ઘોર અટ્ટહાસ્ય કરતાં હતાં. કાચું માંસ ખાનારા રાક્ષસ, પિશાચ ઘણું બધું લોહી પીને, માંસ ખાઈને તૃપ્ત થતા હતા. યુદ્ધથી સંતોષ પામીને કાગડા, બગલા, ગીધ, બાજ, શિયાળ નૃત્ય કરતાં હતાં. ભયાનક રાક્ષસો પણ માંસ ખાવામાં રચ્યાપચ્યા હતા. એ દરમિયાન એકલવ્યને કળ વળી, બધા પર્વતવાસી નિષાદો મૃત્યુ પામ્યા એ જોઈને તે ક્રોધે ભરાઈ બલરામ સામે ગયો. તેણે બલરામની સાથળ પર ગદાનો પ્રહાર કર્યો એટલે બલરામે ક્રૂરકર્મા નિષાદરાજને ગદાથી ભારે ચોટ પહોેંચાડી. પછી તો બંને વચ્ચે ભયાનક ગદાયુદ્ધ શરૂ થયું. તે ગદાઓ અથડાવાથી થતો ધ્વનિ સમસ્ત સમુદ્રોનાં ઊછળતાં મોજાંના ધ્વનિ જેવો હતો. પ્રલયકાળે સમુદ્રોનો જે ઘોષ થાય તેવો ત્યાં થઈ રહ્યો હતો. તેનાથી નાગરાજ શેષ પણ કંપી ઊઠ્યા. પૃથ્વી-આકાશ બધે જ ભારે ધ્વનિ થયો. આ બાજુ રણકુશળ પૌણ્ડ્રકે સાત્યકિ પર ગદા વડે પ્રહાર કર્યો અને સાત્યકિએ વળતો પ્રહાર કર્યો. એકબીજાનો વધ કરવા માગતા તે ચારે યોદ્ધાઓની ગર્જના આખા બ્રહ્માંડને ક્ષુભિત કરતી હતી. પછી સૂર્યોદયની લાલિમા પ્રગટી, તારા અસ્ત પામ્યા. અન્ધકાર ઓગળવા માંડ્યો. ઉષાના આગમને અન્ધકાર પૂરેપૂરો દૂર થયો. સૂર્ય ભગવાન ઊગ્યા, ચન્દ્ર ઝાંખો થયો. સૂર્યોદય થયો ત્યારે પણ ચારેય યોદ્ધાઓનું યુદ્ધ દેવાસુર સંગ્રામ જેવું લાગતું હતું. વિમળ પ્રભાત ઊગ્યું એટલે દેવકીનંદન શ્રીકૃષ્ણે બદરિકાશ્રમમાંથી દ્વારકા જવાની ઇચ્છા કરી. બધા ઋષિમુનિઓને નમસ્કાર કરી ભગવાન ગરુડ પર બેઠા અને દ્વારકા જવા નીકળ્યા. દ્વારકા પાસે આવતાં તેમણે યુદ્ધ કરી રહેલા સૈનિકોનો કોલાહલ સાંભળ્યો, અને તે વિચારે ચઢ્યા, ‘આ યુદ્ધજનક ઘોર ધ્વનિ શાનો? અહીં તો બંધુ બલરામ અને સાત્યકિની ગર્જના પણ સંભળાય છે. ચોક્કસ પૌણ્ડ્રકે દ્વારકા પર આક્રમણ કર્યું લાગે છે. એ દુરાત્મા સાથે યાદવોનું યુદ્ધ થઈ રહ્યું છે. એમનો જ આ અવાજ સંભળાય છે. આમાં બીજો વિચાર કરવાનો ન હોય.’ આમ વિચારી ભગવાને યાદવોને પ્રસન્ન કરવા પાંચજન્ય શંખ વગાડ્યો. તે શંખધ્વનિથી પૃથ્વી અને આકાશ છવાઈ ગયા. એ સાંભળી યાદવો કહેવા લાગ્યા, ‘નિશ્ચય શ્રીકૃષ્ણ ભગવાન પધારી રહ્યા છે. આ પાંચજન્ય શંખનો જ ધ્વનિ સંભળાય છે.’ યાદવોને ખાત્રી થઈ ગઈ. તે બધા નિર્ભય થઈ ગયા અને ત્યાં તેમની આંખે ગરુડ ચઢ્યું. થોડી વારે શ્રીકૃષ્ણનાં દર્શન થયાં. સૂત અને માગધો તેમની પાસે ગયા, બધા જ યાદવો ત્યાં ગયા અને શ્રીકૃષ્ણને ઘેરીને ઊભા રહ્યા. ભગવાને ગરુડને સ્વર્ગે જવાની આજ્ઞા આપી, પછી દારુકને કહ્યું, ‘તું મારો રથ લઈ આવ.’ પછી તરત જ સારથિ રથ લઈને આવ્યો. ગરુડની વિદાય પછી શ્રીકૃષ્ણ રથમાં બેઠા અને યુદ્ધસ્થળે પહોેંચ્યા. યુદ્ધ કરી રહેલા વીરો સમક્ષ પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. પૌણ્ડ્રક યુદ્ધની ઇચ્છા કરતા શ્રીકૃષ્ણને જોઈ સાત્યકિને પડતા મૂકી તે શ્રીકૃષ્ણ પાસે ગયો. એ જોઈ સાત્યકિએ પૌણ્ડ્રકને રોકી કહ્યું, ‘રાજન્, તમારે યુદ્ધ છોડીને જવું ન જોઈએ. એ સનાતન ધર્મ નથી. મને હરાવીને બીજા સાથે યુદ્ધ કરવા જાઓ. તમે ક્ષત્રિય છો, જ્યાં સુધી હું યુદ્ધ કરવા ઇચ્છું છું ત્યાં સુધી તમારે બીજે જવાનું ન હોય. હું હમણાં જ તમારું બધું અભિમાન ઓગાળી દઈશ.’ એમ કહી સાત્યકિ શ્રીકૃષ્ણના દેખતાં જ પૌણ્ડ્રકની આગળ ઊભા રહી ગયા, પણ પૌણ્ડ્રક સાત્યકિની અવગણના કરીને શ્રીકૃષ્ણ પાસે ગયો. ક્રોધે ભરાયેલા સાત્યકિએ તેને ઠપકો આપી ભગવાનની સામે જ પૌણ્ડ્રકને ગદા મારી. તેણે પૂરી સાવધાની અને શક્તિ વાપરીને પૌણ્ડ્રકને ગદા મારી હતી. આ જોઈ શ્રીકૃષ્ણે સાત્યકિની ભારે પ્રશંસા કરી. પછી ‘તેને જે કરવું હોય તે કરવા દે’ એમ કહી સાત્યકિને રોક્યો એટલે તે યુદ્ધનિવૃત્ત થઈ ગયો. પછી રાજા પૌણ્ડ્રકે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું, ‘અરે યાદવ, અરે ગોપાલ, અત્યારે તું ક્યાં જતો રહ્યો હતો? હું તને જ મળવા આવ્યો છું. હું હમણાં વાસુદેવના નામે વિખ્યાત છું. મારી સાથે બહુ મોટી સેના છે. હું સેના સમેત તારો વધ કરીને એકલો જ પૃથ્વી પર વાસુદેવ તરીકે રહીશ. ગોવિંદ, તારું વિખ્યાત, તેજસ્વી, મહાન ચક્ર મારા ચક્ર વડે નાશ પામશે. એનું મને દુઃખ છે, પણ રણભૂમિ પર મારી પાસે ચક્ર છે એમ માનીને અભિમાન નહીં કરવું. હું આજે બધા ક્ષત્રિયોના દેખતાં દેખતાં જ તારા એ બળનો નાશ કરીશ. જનાર્દન, મને જ શાર્ઙ્ગી સમજી લે. માત્ર તું જ શાર્ઙ્ગી છે એમ ન માનીશ. મારી પાસે શંખ છે એનું અભિમાન પણ નહીં કરતો, હું પણ શંખી છું, ગદાધર છું, ચક્રપાણિ છું. જગતમાં જે બધા પરાક્રમીઓ અને જ્ઞાનીઓ છે તે બધા હવે મને જ શંખ, ચક્ર, ગદાધારી કહેશે. ભૂતકાળમાં તેં કંસના સેવકોનો, પૂતનાનો, બીજા અસુરોનો વધ કર્યો હતો. એટલે તારી વીરતાનું તને અભિમાન હતું. મારી સામે તો ઊભો રહે. તારું એ અભિમાન ઓગાળી નાખીશ. જો યુદ્ધ કરવું હોય તો શસ્ત્ર ઉઠાવ.’ આમ કહી પૌણ્ડ્રક હાથમાં બાણ લઈ ભગવાન સામે ઊભો રહી ગયો. બનાવટી વાસુદેવની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસ્યા અને તેને કહેવા લાગ્યા, ‘તારી જે ઇચ્છા હોય તેમ તું કર. હું તો પાપી છું. મેં ગોહત્યા, બાલહત્યા, સ્ત્રીહત્યા કરી છે. તું સદા શંખ, ચક્ર, ગદાધરી, શાર્ઙ્ગ ધનુષધારી બની રહે. મારું વાસુદેવ નામ પણ લઈ લે. ચક્રી, ગદી, શંખી જેવાં નામોનો વ્યર્થ ભાર પણ રાખ. પણ હું તને કશુંક કહેવા માગું છું, યોગ્ય લાગે તો સાંભળ. મારા જગદીશ્વરના જીવતા જીવ બલવાન ક્ષત્રિય તને એ નામે બોલાવે છે. અસુરોનો નાશ કરનાર મહાન ચક્ર મારી પાસે છે, તારું ચક્ર આકારમાં તેને મળતું આવે છે, પણ શક્તિમાં નહીં. તારા બધાં શસ્ત્રોમાં પણ શક્તિ નથી. હું નિત્ય ગોપ જ છું. બધાં પ્રાણીઓને પ્રાણદાન કરનારો છું. બધા લોકનો રક્ષક છું, દુષ્ટોનું દમન કરું છું. તારે શત્રુઓ પર વિજય મેળવીને જ મોટી મોટી વાતો કરવી જોઈએ. હું શસ્ત્ર લઈને અહીં તારી સામે ઊભો છું, મને પરાજિત કર્યા સિવાય તારે આ બધું બોલવાનું ન હોય. તારામાં શક્તિ હોય તો મને મારીને જાતની પ્રશંસા કર. હું રથ, ધનુષ, ગદા, તલવાર અને ચક્ર લઈને તારી સામે ઊભો છું. રથ પર સવાર થઈ યુદ્ધ માટે તૈયાર થા.’ આમ કહી ભગવાન શ્રીકૃષ્ણ સિંહનાદ કરવા લાગ્યા. ભગવાન વાસુદેવે બાણ વડે પૌણ્ડ્રક પર પ્રહાર કર્યો. રાજાએ પણ દસ બાણ વાસુદેવ પર ચલાવ્યાં. મિથ્યા વાસુદેવે દારુકને પચીસ, ઘોડાઓને દસ અને શ્રીકૃષ્ણને સત્તર બાણ માર્યાં. શ્રીકૃષ્ણે મનોમન તેની પ્રશંસા કરી. પછી રિપુસૂદન કેશવે શાર્ઙ્ગ ધનુષની પણછ ચડાવી તીક્ષ્ણ બાણ મારી પૌણ્ડ્રકની ધ્વજા કાપી નાખી. તેના સારથિનું મસ્તક કાપીને ચારેય ઘોડાઓને મારી નાખ્યા, રથ તોડીફોડી નાખ્યો, બંને પાર્શ્વરક્ષકોને ઘાયલ કરી રથનાં પૈેંડાં ભાંગી નાખ્યાં અને હસતા હસતા ત્યાં ઊભા રહ્યા. ત્યારે પૌણ્ડ્રક રથમાંથી કૂદી પડ્યો અને એક તીક્ષ્ણ તલવારનો ઘા કરવા ગયો. ભગવાન એ તલવારના સો ટુકડા કરીને રથ પર બેસી રહ્યા. પછી પૌણ્ડ્રક વાસુદેવે મહા ઘોર પરિઘ લીધું અને બધા ક્ષત્રિયોની સામે વાસુદેવ પર ફ્ેંક્યું. એ પરિઘના શ્રીકૃષ્ણે બે ટુકડા કરી નાખ્યા. પછી શત્રુદમન પૌણ્ડ્રકે મહા ઘોર, હજાર આરાવાળું ત્રીસ ભાર લોખંડમાંથી બનાવેલું ચક્ર હાથમાં લઈ ભગવાનને કહ્યું, ‘અરે અભિમાની પુરુષોના અગ્રણી જો, આ ભયંકર અને તીક્ષ્ણ ચક્ર તારા ચક્રનો વિનાશ કરશે. આ ચક્ર વડે બધા ક્ષત્રિયોના દેખતાં દેખતાં તારું બધું અભિમાન ઓગાળી દેશે. તારા માટે જ આ મહાભયંકર ચક્ર બનાવ્યું છે. તારામાં શક્તિ હોય તો આ ચક્રને છેદી નાખ.’ આમ કહી મહાબલી પૌણ્ડ્રકે એ ચક્રને સોવાર ઘુમાવી શ્રીકૃષ્ણ પર ફેંક્યું. એટલે શ્રીકૃષ્ણ તે સ્થાનેથી ઊતરી ગયા અને એ ચક્રને નિષ્ફળ કરી સિંહનાદ કરવા લાગ્યા. પહેલાં તો રાજાનું સાહસ જોઈને શ્રીકૃષ્ણ વિસ્મય પામ્યા હતા અને ‘રાજા પૌણ્ડ્રકનું પરાક્રમ દુ:સહ છે, તેનું ધૈર્ય અદ્ભુત છે.’ આમ વિચારી તેઓ રથમાંથી નીચે ઊતરી પડ્યા. પછી પૌણ્ડ્રકે એક શિલા ફેંકી, પણ શ્રીકૃષ્ણે એ જ શિલા પાછી તેના પર ફેંકી. આમ લાંબો સમય યુદ્ધની લીલા કરીને પોતાનું ચક્ર હાથમાં લીધું, તે ચક્ર દૈત્યોનું લોહી પીનારું હતું, તે ચક્રનો એકેએક ભાગ દૈત્યોના માંસથી પુષ્ટ થયો હતો. દૈત્ય સ્ત્રીઓના ગર્ભપાત તે ચક્ર કરાવતું હતું. તે સોનામાંથી બન્યું હતું. તે ઘોર ચક્ર દૈત્યો અને દાનવોનો વિનાશ કરનાર હતું. તેના આરા હજારોની સંખ્યામાં પ્રગટ થતા હતા, ક્યારેક સેંકડોની સંખ્યામાં. દેવગણો દ્વારા પુજાતું એ ચક્ર અદ્ભુત હતું, અને દૈત્યોને ભય પમાડતું હતું. ગોવિંદે એ ચક્ર વડે પૌણ્ડ્રકનો વધ કર્યો. તેના શરીરનો નાશ કરીને એ ચક્ર પાછું શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયું. પછી નિર્જીવ થઈને રાજા ધરતી પર પડી ગયો. ભગવાનની માયા પામવી અઘરી હતી. તેઓ પૌણ્ડ્રકનો વધ કરીને યાદવોથી પુજાઈને સુધર્મા સભામાં ગયા. આ તરફ બલરામે નિષાદરાજ એકલવ્યની છાતીમાં શક્તિ વડે પ્રહાર કર્યો અને સિંહનાદ કર્યો. પછી ક્રોધી નિષાદરાજે મહાબલી બલરામની છાતીમાં ગદાથી પ્રહાર કર્યો. એટલે બલરામે પોતાના પર ઉગામાયેલી ગદાને ઝીલી લીધી અને એકલવ્ય પર આક્રમણ કર્યું. આ જોઈને નિષાદરાજ મકર વગેરેના નિવાસસ્થાન સમુદ્ર તરફ દોડ્યો. તેની પાછળ પાછળ બલરામ પણ દોડ્યા. સમુદ્રમાં ઘૂસીને નિષાદરાજ પાંચ યોજન અંદર જતો રહ્યો, અને બલરામથી ડરીને ત્યાં જ રહેવા લાગ્યો. આમ બલરામે નિષાદરાજ એકલવ્ય પર વિજય મેળવ્યો. પછી બલરામે મણિ-રત્નોથી મઢેલી સુધર્મા સભામાં પ્રવેશ કર્યો. સાત્યકિ પણ ત્યાં આવ્યા, બીજા યાદવો પણ ત્યાં આવ્યા. અને પછી ત્યાં શ્રીકૃષ્ણે કૈલાસ પર્વત પર શંકર ભગવાનનાં કરેલાં દર્શનની વાત કરી. (ભવિષ્યપર્વ અધ્યાય ૯૦-૧૦૨)

વેન રાજાની કથા

એક વેળા રાજર્ષિ અંગે અશ્વમેધ યજ્ઞ કર્યો. તેમાં વેદપાઠી બ્રાહ્મણોએ આમંત્ર્યા છતાં દેવતાઓ પોતાનો ભાગ લેવા આવ્યા નહીં. બ્રાહ્મણોએ આશ્ચર્ય પામીને રાજાને કહ્યું, ‘રાજન્, આહુતિરૂપે જે કંઈ હવિ ધરીએ છીએ તે દેવતાઓ સ્વીકારતા નથી. તમારી હોમસામગ્રી પવિત્ર છે તે અમે જાણીએ છીએ. તમે બહુ શ્રદ્ધાથી આ આખું આયોજન કર્યું છે. વેદમંત્રો પણ યથાયોગ્ય છે. ઋત્વિજોએ પણ બધા નિયમોનું પાલન કર્યું છે. દેવતાઓનો તિરસ્કાર થાય એવું કશું અહીં નથી. તો પછી દેવતાઓ પોતાનો હવિભાગ લેવા આવતા કેમ નથી?’ ઋષિઓની વાત સાંભળીને અંગ રાજા બહુ ઉદાસ થઈ ગયા. યાજકોની અનુમતિ લઈને સદસ્યોને પૂછ્યું, ‘દેવતાઓનું આવાહન કરવા છતાં તેઓ આવતા નથી, સોમપાત્ર પણ લેતા નથી, હવે તમે જ કહો, મારો કયો અપરાધ થયો છે? સદસ્યોએ કહ્યું, ‘રાજન્, આ જન્મમાં તો તમારો કોઈ અપરાધ થયો નથી. હા, પૂર્વજન્મનો એક અપરાધ છે અને એને કારણે તમે આ જન્મે પુત્રહીન છો. એટલે પહેલાં તો પુત્રપ્રાપ્તિનો ઉપાય કરો. જ્યારે સંતાન માટે યજ્ઞપુરુષ શ્રીહરિનું આવાહન કરીશું ત્યારે દેવતાઓ જાતે પોતાનો યજ્ઞભાગ લેશે. ભક્તને તેની ઇચ્છાનુસાર ભગવાન તેને આપે છે, જે રીતે તેમની આરાધના કરો તે રીતે ભક્તને ફળપ્રાપ્તિ થાય છે. આમ રાજાને પુત્રપ્રાપ્તિ થાય એવો નિશ્ચય કરીને ઋત્વિજોએ શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા માટે પુરોડાશ નામનો ચરુ આપ્યો. અગ્નિમાં આહુતિ નાખતાંની સાથે જ અગ્નિકુંડમાંથી સુવર્ણહાર અને શુભ્ર વસ્ત્રો ધારણ કરેલા એક પુરુષ પ્રગટ્યા. તેઓ એક સુવર્ણપાત્રમાં સિદ્ધ કરેલી ખીર લઈને આવ્યા હતા. ઉદાર રાજાએ યાજકોની સંમતિથી પોતાની અંજલિમાં ખીર લીધી અને પોતે સૂંઘીને ખીર પત્નીને આપી. અપુત્ર રાણીને રાજાએ તે ખીર પત્નીને આપી. એ પુત્રપ્રદાયિની ખીર ખાઈને રાણીને દિવસો રહ્યા. યોગ્ય સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર નાનપણથી જ અધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા પોતાના માતામહ મૃત્યુનો અનુગામી હતો, એટલે પુત્ર પણ ‘અધર્મી’ થયો. તે દુષ્ટ પુત્ર ધનુષબાણ લઈને વનમાં જઈ નિર્દોષ હરણોનો વધ કરતો. તેને જોતાંવેંત નગરજનો ‘આ વેન આવ્યો, વેન આવ્યો.’ એવી બૂમો પાડતા. મેદાનમાં રમતાં સમવયસ્ક બાળકોને પશુઓની જેમ મારી નાખતો. વેનની આવી દુષ્ટ પ્રકૃતિ સુધારવાનો બહુ પ્રયત્ન થયો પણ વેન ન સુધર્યો તે ન જ સુધર્યો. રાજા બહુ દુઃખી થયા. જેમને પુત્ર નથી તેમણે પૂર્વજન્મમાં ભગવાનની ભક્તિ કરી હશે, એટલે કુપુત્રને કારણે થતા શોકમાંથી, ક્લેશમાંથી તો ઊગરી ગયા. જેના પુત્રનાં કાર્યોથી માતાપિતાની બધી કીર્તિ ધૂળમાં મળી જાય છે, તેમને અધર્મના ભાગીદાર થવું પડે છે, બધા વિરુદ્ધ થઈ જાય છે, કાયમી (ચંતાિના) ભોગ બનવું પડે છે, ઘર કંકાસિયું થઈ જાય છે. આવા કહેવા પૂરતા પુત્રથી શો લાભ? તેવો પુત્ર તો આત્મા માટે બંધનરૂપ છે. તે આત્મા માટે બંધન બને છે. કુપુત્ર ઘરને નરક બનાવી દે છે. એટલે તેનાથી જલદી છુટકારો થઈ જાય છે. પછી આમ વિચારતાં વિચારતાં રાજાને રાતે ઊંઘ ન આવી. તેમનું મન ગૃહસ્થજીવન પરથી ઊઠી ગયું. મધરાતે તેઓ પથારીમાં બેઠા થઈ ગયા. વેનની મા તો નિદ્રાધીન હતી. રાજા એ બધો મોહ ત્યજી દઈને, કોઈનેય જાણ ન થાય એ રીતે વનમાં જતા રહ્યા. મહારાજ અનાસક્ત થઈને ગૃહત્યાગ કરી ગયા છે એ જાણીને પ્રજાજનો, પુરોહિત, મંત્રી, સ્વજનો શોકગ્રસ્ત થઈને તેમની શોધ કરવા લાગ્યા; જેવી રીતે યોગનું સાચું રહસ્ય ન જાણનાર પોતાના હૃદયમાં રહેલા ભગવાનને બહાર શોધે છે તેવી રીતે. જ્યારે રાજાના સમાચાર ન મળ્યા ત્યારે નિરાશ થઈને નગરમાં આવ્યા, એકત્રિત થયેલા બધાને અશ્રુપૂર્ણ નેત્રે જાણ કરી. જ્યારે ઋષિમુનિઓએ જોયું કે અંગ રાજા ન હોવાથી પૃથ્વીની રક્ષા કરનાર હવે કોઈ રહ્યું નથી, બધા લોકો ઉચ્છંખલ થઈ ગયા છે, ત્યારે સુનીથા રાજમાતાની સંમતિથી મંત્રીઓની નામરજી હોવા છતાં વેનનો રાજ્યાભિષેક કર્યો. જ્યારે ચોરડાકુઓને જાણ થઈ કે વેન રાજા છે ત્યારે તેઓ સાપથી ડરેલા ઉંદરોની જેમ આમતેમ સંતાઈ ગયા. રાજા થયો એટલે વેનને આઠે લોકપાલોની ઐશ્વર્યકળા પ્રાપ્ત થઈ એટલે અભિમાની થઈને પોતાને સૌથી મહાન માનવા લાગ્યો અને મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યો. ઐશ્વર્યના અભિમાનમાં આંધળો થઈને નિરંકુશ ગજરાજની જેમ આકાશ-પૃથ્વીને ધ્રુજાવતો બધે ભમવા લાગ્યો. ‘કોઈ પણ બ્રાહ્મણ કોઈ પણ પ્રકારના યજ્ઞ, દાન, હવન ન કરે’ એવો ઢંઢેરો પીટાવી બધાં ધર્મકાર્ય તેણે બંધ કરાવી દીધાં. દુષ્ટ વેનના આવા અત્યાચાર જાણીને બધા ઋષિમુનિઓ એકઠા થયા અને સંસારમાં આપત્તિ આવી એમ માનીને એકબીજાને કહેવા લાગ્યા, ‘જેવી રીતે બંને છેડેથી સળગતી લાકડીની વચ્ચે રહેતા કીડી જેવા જંતુ મોટી આફતમાં મુકાઈ જાય છે એવી રીતે અત્યારે બધા લોકો એક બાજુ રાજાથી અને બીજી બાજુ ચોરડાકુઓથી ત્રાસ્યા છે. અંધાધૂંધી ન થાય એટલે આપણે વેનને રાજા બનાવ્યો હતો પણ હવે પ્રજા તેનાથી ત્રાસી ગઈ છે. આ હાલતમાં પ્રજાને સુખશાંતિ મળે કેવી રીતે? સુનીથાના પેટે જન્મેલો વેન સ્વભાવથી જ દુષ્ટ હતો. સાપને દૂધ પાઈને ઉછેરવા જેવું થયું. આપણે પ્રજાની રક્ષા માટે તેને રાજા બનાવ્યો અને આજે તે પ્રજાનો નાશ કરવા બેઠો છે. આમ છતાં આપણે તેને સમજાવવો તો જોઈએ, પછી આપણે પાપના ભાગીદાર નહીં બનીએ. આપણે જાણી કરીને દુરાચારી વેનને રાજા બનાવ્યો હતો, હવે જો સમજાવવા છતાં આપણી વાત નહીં માને તો તેને આપણા તેજ વડે ભસ્મ કરી દઈશું.’ આવું વિચારીને ઋષિઓ વેન પાસે ગયા અને ક્રોધ છુપાવી કહેવા લાગ્યા, ‘રાજન્, અમે જે કહીએ છીએ તેના પર ધ્યાન આપો. એથી તમારા આયુષ્ય, શ્રી, બળ અને કીર્તિમાં વૃદ્ધિ થશે. જો માનવી મન, વચન, કર્મ, બુદ્ધિથી ધર્મપાલન કરે તો તેને સ્વર્ગ જેવા દુઃખમુક્ત લોક પ્રાપ્ત થાય. જો તેનો ભાવ નિષ્કામ હશે તો ધર્મ તેને અનન્ત મોક્ષપદે લઈ જશે. એટલે પ્રજાનું કલ્યાણ કરનાર ધર્મ તમારા કારણે નાશ પામવો ન જોઈએ. ધર્મનાશ થવાથી રાજા પોતાનું ઐશ્વર્ય ગુમાવે છે. જે રાજા દુષ્ટ મંત્રીઓથી અને ચોરલોકોથી પોતાની પ્રજાનું રક્ષણ કરે છે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. જેના રાજ્યમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા સ્વધર્મપાલન વડે યજ્ઞપુરુષની આરાધના કરે છે તેનાથી ભગવાન પ્રસન્ન રહે છે. કારણ કે ભગવાન (બધા જ લોકોથી પોતાની પ્રજાનું રક્ષણ કરે છે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. જેના રાજ્યમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા સ્વધર્મપાલન વડે યજ્ઞપુરુષની આરાધના કરે છે તેનાથી ભગવાન પ્રસન્ન રહે છે. કારણ કે ભગવાન બધા જ લોકોના આત્માના અને જીવમાત્રના રક્ષક છે. ભગવાન બ્રહ્મા જગદીશ્વરોના પણ ઈશ્વર છે, તે પ્રસન્ન હોય તો કશું દુર્લભ નથી. એટલે તો ઇન્દ્ર વગેરે લોકપાલો સમેત તેમની પૂજા આદરથી કરે છે. ભગવાન હરિ બધા લોક, લોકપાલ અને યજ્ઞોના નિયંતા છે. તેઓ વેદત્રયી રૂપ, દ્રવ્યરૂપ અને તપરૂપ છે. એટલે તમારા પ્રજાજનો તમારી ઉન્નતિ માટે અનેકવિધ યજ્ઞો કરી ભગવાનની પૂજા કરે છે, તેમને અનુકૂળ થઈને તમારે વર્તવું જોઈએ. જ્યારે રાજ્યમાં બ્રાહ્મણો યજ્ઞોનું અનુષ્ઠાન કરશે ત્યારે તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશરૂપ દેવતા તમને મનવાંછિત ફળ આપશે. ધર્મક્રિયાઓ બંધ કરી દેવતાઓનો તિરસ્કાર તમારે નહીં કરવો જોઈએ.’ આ બધું સાંભળી વેને કહ્યું, ‘તમે બહુ મૂરખ છો. દુઃખ એ વાતનું છે કે તમે અધર્મમાં ધર્મ જોઈ રહ્યા છો. એટલે તો આજીવિકા આપનાર પતિને ત્યજી બીજા જારપતિની ઉપાસના કરતી સ્ત્રીની જેમ ઈશ્વરની ઉપાસના કરો છો. જેઓ અજ્ઞાની બનીને રાજા રૂપી પરમેશ્વરનો દ્રોહ કરે છે તેઓ નથી તો આ લોકમાં સુખી થતા કે નથી પરલોકમાં સુખી થતા. તમે જેની આટલી બધી ભક્તિ કરો છો તે યજ્ઞપુરુષ છે કોણ? જેવી રીતે કુલટા સ્ત્રીઓ પતિને ત્યજીને બીજા પુરુષમાં મોહ પામે એના જેવી વાત આ તો થઈ. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, મેઘ, કુબેર, ચન્દ્રમા, પૃથ્વી, અગ્નિ, વરુણ — અને આ સિવાય વરદાન અને શાપ આપનારા બધા દેવ રાજાના શરીરમાં વસે છે. એટલે રાજા સર્વદેવમય છે. દેવતાઓ તેના અંશ છે. એટલે તમે બધા બ્રાહ્મણો અભિમાન મૂકીને બધાં જ કર્મ દ્વારા માત્ર મારી પૂજા કરો, બધાં બલિ મને ચઢાવો. મારા સિવાય અગ્રપૂજાનો અધિકારી કોણ થઈ શકે?’ આમ વિપરીત બુદ્ધિને કારણે વેન પાપી અને કુમાર્ગગામી થઈ ગયો હતો. તેનું પુણ્ય પરવારી ગયું હતું એટલે ઋષિમુનિઓની વિવેકપૂર્ણ વાત તેણે કાને ધરી જ નહીં, જ્યારે વેન રાજાએ ઋષિમુનિઓનું આવું અપમાન કર્યું ત્યારે ઋષિઓ વધુ ક્રોધે ભરાયા. ‘મારી નાખો, સ્વભાવથી જ દુષ્ટ થયેલાને મારી નાખો. જો વધુ જીવશે તો થોડા જ દિવસોમાં આખી પૃથ્વીનો નાશ કરશે. આ દુરાચારી સિંહાસનને પાત્ર જ નથી. તે નિર્લજ્જ યજ્ઞપતિ વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે જેની કૃપાથી તેને આવી સમૃદ્ધિ મળી છે તે શ્રીહરિની નિંદા આ દુર્ભાગી વેન સિવાય બીજું તો કોણ કરે?’ આમ પોતાનામાં સંતાઈ બેઠેલા ક્રોધને પ્રગટ કરીને તેમણે વેનને મારી નાખવાનો નિર્ધાર કર્યો. એક રીતે તો ભગવાનની નિન્દા કરીને પહેલેથી જ તે મૃત્યુ પામ્યો હતો એટલે માત્ર હુંકાર કરતાવેંત તે મૃત્યુ પામ્યો. બધા મુનિઓ પછી પોતપોતાના આશ્રમે ગયા. આ બાજુ વેનની શોકવિહ્વળ માતા સુનીથા મંત્રાદિ વડે તથા બીજી યુક્તિ વડે પુત્રના શબની રક્ષા કરવા લાગી. એક દિવસ ઋષિઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરી, અગ્નિહોત્રમાંથી પરવારી નદીકાંઠે હરિચર્ચા કરી રહ્યા હતા. તે દિવસોમાં લોકોમાં ભય ફેલાવનારા ઘણા બધા ઉપદ્રવ થઈ રહ્યા હતા, ત્યારે તેઓ બોલ્યા, ‘અત્યારે પૃથ્વીનો કોઈ રક્ષક નથી. ચોર ડાકુઓનો ઉપદ્રવ વધી ગયો છે.’ તેઓ આમ વિચારતા હતા ત્યાં તેમણે બધી દિશાઓમાં છાપો મારનારા ચોર ડાકુને કારણે ઊડતી ધૂળ જોઈ. એ જોતાંવેંત સમજી ગયા કે વેન રાજાના મૃત્યુને કારણે રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ છે, રાજ્ય નબળું પડી ગયું છે, ચોરડાકુની સંખ્યા વધી પડી છે, આ આખી આપત્તિ ધન લૂંટનારા અને એકબીજાના લોહીતરસ્યા લોકોને કારણે સરજાઈ છે. પોતાના તેજ અને તપોબળથી લોકોનો ત્રાસ રોકવાને સમર્થ હોવા છતાં એનું કશું નિવારણ કર્યું નહીં, પછી વિચાર્યું, ‘બ્રાહ્મણો સમદર્શી, શાંત હોય તો પણ ગરીબોની ઉપેક્ષા કરવાથી તેમનું તપ કાણા ઘડામાંથી જેમ પાણી વહી જાય તેમ નષ્ટ થાય. રાજર્ષિ અંગનો વંશ નાબૂદ થવો ન જોઈએ, કારણ કે એ વંશમાં ભગવત્પરાયણ અને શક્તિશાળી કેટલા બધા રાજા થઈ ગયા છે.’ આવો નિશ્ચય કરીને તેમણે મૃત રાજાની સાથળનું મંથન કર્યું તો એમાંથી એક પુરુષ જન્મ્યો. તે કાગડાના જેવો કાળો હતો, બધાં અંગ, હાથ સાવ ટૂંકાં હતાં, જડબાં બહુ મોટાં, પગ ટચુકડા, નાક ચપટું, આંખો રાતી અને કેશ તામ્રવર્ણા હતા. તેણે નમ્ર બનીને પૂછ્યું, ‘હું શું કરું?’ ત્યારે ઋષિઓએ તેને ‘નિષીદ્’(બેસી જા) કહ્યું એટલે તે નિષાદ કહેવાયો. તેણે જન્મીને તરત જ વેન રાજાનાં બધાં પાપ પોતાના માથે લઈ લીધાં, તેમનાં વારસ નિષાદ તરીકે ઓળખાયા અને તેઓ નગરમાં ન રહેતાં વન, પર્વતના વિસ્તારમાં રહી હિંસા, લૂંટફાટમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. પછી બ્રાહ્મણોએ વેનના હાથનું મંથન કર્યું, એમાંથી સ્ત્રીપુરુષનું યુગલ પ્રગટ્યું, તેને ભગવાનનો અંશ જાણી બધા પ્રસન્ન થયા. ઋષિઓએ કહ્યું, ‘આ ભગવાન વિષ્ણુની અને લક્ષ્મીની કળાઓમાંથી પ્રગટ્યાં છે. એમાંનો પુરુષ પોતાના સુયશને વિસ્તારશે એટલે તેનું નામ પૃથુ. સુંદર દાંત ધરાવતી ગુણવાન, અલંકારોને અલંકૃત કરનારી આ સ્ત્રી પૃથુને પતિ બનાવશે અને તેનું નામ અર્ચિ. પૃથુના રૂપમાં વિષ્ણુ ભગવાને જગતની રક્ષા માટે અવતાર લીધો છે અને અચિર્ના રૂપમાં નિત્ય ભગવાનની સેવા કરનારી લક્ષ્મી છે.’ બ્રાહ્મણો પૃથુની સ્તુતિ કરવા લાગ્યા, શ્રેષ્ઠ ગંધર્વોએ ગુણકીર્તન કર્યું, આકાશમાં વિવિધ વાજિંત્રો વાગ્યાં. બધા દેવ, પિતૃઓ, ઋષિઓ પોતપોતાનાં થાનકેથી આવ્યા. બ્રહ્મા પણ આવ્યા. પૃથુના જમણા હાથમાં વિષ્ણુ ભગવાનની રેખાઓ અને પગમાં કમળનું ચિહ્ન હતું એટલે બધાએ પૃથુને વિષ્ણુનો અંશ જ માની લીધો. વેદપાઠી બ્રાહ્મણોએ મહારાજ પૃથુના રાજ્યાભિષેકનું આયોજન કર્યું. બધાએ તેમાં સામગ્રી આપી. નદી, સમુદ્ર, પર્વત, સાપ, ગાય, પક્ષી, મૃગ, સ્વર્ગ, પૃથ્વી વગેરેએ પણ જાતજાતની ભેટ આપી. સુંદર વસ્ત્ર અને આભૂષણોથી શોભતા મહારાજ પૃથુનો રાજ્યાભિષેક વિધિવત્ થયો. તે સમયે અનેકવિધ અલંકારોથી સુશોભિત મહારાણી અચિર્ની સાથે તેઓ બીજા અગ્નિદેવ જેવા લાગતા હતા. કુબેરે તેમને સુવર્ણ સિંહાસન આપ્યું, વરુણે ચન્દ્રસદૃશ પ્રકાશિત છત્ર આપ્યું, એમાંથી સતત જલધારા પડ્યા કરતી હતી. વાયુએ બે ચામર, ધર્મે કીર્તિમયી માલા, ઇન્દ્રે સુંદર મુકુટ, યમે દંડ, બ્રહ્માએ વેદમય કવચ, સરસ્વતીએ સુંદર હાર, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર, લક્ષ્મીએ ચંદ્રાકાર ચિહ્નોવાળી તલવાર, અંબિકાએ સો ચંદ્રાકાર ચિહ્નોવાળી ઢાલ, ચંદ્રે અમૃતમય અશ્વ, વિશ્વકર્માએ સુંદર રથ, અગ્નિએ બકરા અને ગાયના શિંગડામાંથી બનાવેલું ધનુષ, સૂર્યે તેજસ્વી બાણ, પૃથ્વીએ ઇચ્છિત સ્થાને પહોેંચાડે એવી પાદુકા, આકાશના અભિમાની દ્યૌ દેવે નિત્યનૂતન પુષ્પોની માળા, આકાશચારી સિદ્ધ-ગાંધર્વોએ નૃત્યગાયનની સામગ્રી, અંતર્ધાન થવાની શક્તિ, ઋષિઓએ આશીર્વાદ, સમુદ્રે શંખ, સાતે સમુદ્રે, પર્વતે, નદીઓએ રથ માટેના માર્ગ આપ્યા. પછી સૂત, બન્દીજનોએ સ્તુતિ કરી. મેઘ જેવા ગંભીર અવાજે પૃથુએ કહ્યું, ‘અત્યારે તો પ્રજામાં મારો કોઈ ગુણ પ્રગટ્યો જ નથી, તો તમે સ્તુતિ કેવી રીતે કરશો? તમારી વાણી એળે જવી ન જોઈએ, એટલે તમે કોઈ બીજાની સ્તુતિ કરો. સમય આવે જ્યારે મારા ગુણ પ્રગટ થાય ત્યારે નિરાંતે મારી સ્તુતિ કરજો. શ્રીહરિના હોવા છતાં તુચ્છ માનવીઓની સ્તુતિ ન થઈ શકે…’ આ સાંભળીને ગાયકો પ્રસન્ન થયા, પછી થોડી જુદી રીતે દીર્ઘ સ્તુતિ કરી. રાજાએ તે બધાને ઉપહાર આપ્યા. બ્રાહ્મણો સમેત ચારે વર્ણના લોકોનો, સેવકોનો, મંત્રીઓનો, પુરોહિતોનો, નગરજનોનો, પ્રજાનો, જુદા જુદા વ્યવસાય કરનારાઓનો સત્કાર કર્યો. બ્રાહ્મણોએ પૃથુનો રાજ્યાભિષેક કરી તેમને પ્રજાના રક્ષક બનાવ્યા. તે દિવસોમાં પૃથ્વી અન્નહીન થઈ ગઈ હતી. ભૂખને કારણે લોકોનાં શરીર સાવ કંતાઈ ગયાં હતાં. તેમણે રાજાને કહ્યું, ‘જેવી રીતે કોટરમાં સળગતી આગને કારણે વૃક્ષ સળગી જાય છે તેવી રીતે અમે ભૂખની આગથી મરી રહ્યા છીએ. તમે શરણાગતોની રક્ષા કરનારા છો, અમે તમારા શરણે આવ્યા છીએ. તમે બધી પ્રજાના રક્ષણહાર છો. તો તમે ભૂખે મરનારાઓને અન્ન આપો. અન્ન મળે એ પહેલાં જ અમારું મૃત્યુ થઈ ન જાય.’ આ સાંભળીને પૃથુએ ઘણો સમય વિચાર કર્યો. પછી તેમને અનાજની અછતનું કારણ સમજાયું. ‘પૃથ્વીએ જ અન્ન અને ઔષધિઓને પોતાની અંદર સંતાડી દીધાં છે.’ પોતાની બુદ્ધિ વડે આ વાત જાણીને ત્રિપુરનાશક શંકર ભગવાનની જેમ ક્રોધે ભરાઈને પૃથ્વીને તાકીને બાણ ચઢાયું. ધનુષ ઉઠાવેલું જોઈ પૃથ્વી ધૂ્રજી ઊઠી અને જેવી રીતે પાછળ પડેલા શિકારીથી બચવા હરણી દોટ મૂકે તેવી રીતે પૃથ્વી ગાયનું રૂપ લઈ ભાગી. આ જોઈ પૃથુની આંખો રાતીચોળ થઈ, પૃથ્વી જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં પાછળ ધનુષબાણ લઈને રાજા ગયા. દિશા, વિદિશા, સ્વર્ગ, પૃથ્વી, અંતરીક્ષ જ્યાં જ્યાં પૃથ્વી ગઈ ત્યાં ત્યાં પૃથુ પાછળ હતા. જેમ મનુષ્યને મૃત્યુમાંથી કોઈ બચાવી ન શકે તેમ પૃથુથી પૃથ્વીને બચાવનાર કોઈ ન હતું. પછી ભયભીત થઈને પાછી ફરી અને પૃથુને કહેવા લાગી, ‘ધર્મજ્ઞ રાજવી, તમે તો બધાં પ્રાણીઓની રક્ષા કરનારા છો, મારી પણ રક્ષા કરો. હું દીન અને નિરપરાધ — તમે મને શા માટે મારવા માગો છો? જગતમાં તમે ધર્મજ્ઞની ખ્યાતિ ધરાવો છો, વળી હું સ્ત્રી, મારો વધ કેવી રીતે કરશો? સ્ત્રીઓનો અપરાધ હોય તો પણ સાધારણ જીવ તેમના ઉપર હાથ નથી ઉપાડતો, તમે તો કરુણામય, દીનવત્સલ છો, તો તમે આમ કરી શકો કેવી રીતે? હું સુદૃઢ નૌકા જેવી છું, આખું જગત મારા આધારે છે, તો મારો નાશ કરીને તમે તમારી જાતને અને તમારી પ્રજાને પાણી ઉપર કેવી રીતે રાખી શકશો?’ મહારાજ પૃથુએ કહ્યું, ‘તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી છે. તું યજ્ઞમાં દેવતારૂપે ભાગ તો લે છે પણ તેના બદલામાં અમને અન્ન નથી આપતી. એટલે આજે હું તારો વધ કરીશ. તું દરરોજ લીલુંછમ ઘાસ ખાય છે પણ દૂધ નથી આપતી. આવી દુષ્ટતા બદલ દંડ કરવો એ અયોગ્ય તો નથી. તારામાં સમજણ નથી, તેં ભૂતકાળમાં બ્રહ્માએ ઉત્પન્ન કરેલાં બીજને સંતાડી દીધાં છે અને હવે મારી પરવા કર્યા વિના તારા ઉદરમાંથી બહાર કાઢતી જ નથી. હવે બાણવર્ષા કરીને તને છેદી નાખીશ, ભૂખ્યા-તરસ્યા લોકોની આપત્તિઓ દૂર કરીશ. જે દુષ્ટ પોતાનું જ પોષણ કરે અને બીજાં પ્રાણીઓ પ્રત્યે નિર્દય બને તે પુરુષ હોય, સ્ત્રી હોય કે નપુસંક હોય તેને મારવાનું કોઈ પાપ રાજાને લાગતું નથી. તું અભિમાની અને મદોન્મત્ત છે, એટલે જ માયા વડે ગાયનું રૂપ લીધું છે. હું તારા ટુકડે ટુકડા કરી નાખીને યોગબળથી પ્રજાને ધારણ કરીશ.’ આ બોલતી વખતે પૃથુરાજા ક્રોધથી તમતમી ઊઠ્યા. તેમની વાણી સાંભળીને પૃથ્વી કાંપવા લાગી અને નમ્રતાથી બે હાથ જોડીને, તેમની સ્તુતિ કરવા લાગી. પછી બીતાં બીતાં બોલી, ‘ભૂતકાળમાં બ્રહ્માએ જે ધાન્ય સર્જ્યાં હતાં તે બધાં યમનિયમ ન પાળનારા દુરાચારી લોકો જ ખાઈ જતા હતા. તમે રાજાઓએ ભેગા થઈને મારો આદર કરવાનું બંધ કર્યું, એટલે બધા લોકો ચોર થઈ ગયા. પરિણામે યજ્ઞ માટેની ઔષધિઓ મેં સંતાડી દીધી. હવે ઘણો બધો સમય મારા પેટમાં રહેવાને કારણે એ ધાન્ય જૂનાં થઈ ગયાં છે. પૂર્વાચાર્યોએ બતાવેલા ઉપાયોથી તમે એ બધાં કાઢી લો — જો બધાં પ્રાણીઓની શક્તિ માટે અન્નની જરૂર છે તો મારા માટે યોગ્ય વાછરડો, દોહવાનું પાત્ર અને દોહનારીની વ્યવસ્થા કરો. હું એ વાછરડાને વાત્સલ્યથી રાખીશ અને દૂધના રૂપે તમને જે જોઈએ છે તે આપીશ. બીજી એક વાત. તમારે મને સમતલ કરવી પડશે, વર્ષા ઋતુ વીતી જાય તો પણ ઇન્દ્રે વરસાવેલું જળ બધે સચવાય- મારો આંતરિક ભેજ સુકાઈ ન જાય.’ પૃથ્વીની હિતકારી અને પ્રિય વાતો પૃથુએ સ્વીકારી લીધી, મનુને વાછરડો બનાવ્યો અને પોતાના હાથે બધાં ધાન્ય મેળવી લીધાં. પૃથુની જેમ બીજાઓએ પણ સારગ્રહણ કરી લીધો. ઋષિઓએ બૃહસ્પતિને વાછરડો બનાવી ઇન્દ્રિયરૂપી પાત્રમાં વેદરૂપી દૂધ મેળવી લીધું. દેવતાઓએ ઇન્દ્રને વાછરડો બનાવી સુવર્ણપાત્રમાં અમૃત, વીર્ય, ઓજ, શરીરબળ મેળવી લીધાં. દાનવો અને દેવોએ અસુરવર્ય પ્રહ્લાદને વાછરડો બનાવી લોખંડના વાસણમાં મદિરા અને આસવ ઝીલી લીધાં. ગંધર્વ અને અપ્સરાઓએ, પિતૃગણોએ અર્યમાને વાછરડો બનાવ્યો અને માટીના કાચા વાસણમાં કવ્ય રૂપી દૂધ મેળવ્યું. પછી કપિલદેવને વાછરડો બનાવી આકાશ રૂપી પાત્રમાં સિદ્ધોએ અણિમાદિ અષ્ટસિદ્ધિ અને વિદ્યાધરોએ આકાશગમન જેવી વિદ્યાઓ દોહી. કિંપુરુષોએ મયદાનવને વાછરડો બનાવી અંતર્ધાન થવું, વિચિત્ર રૂપ ધારણ કરવું — વગેરે માયાઓ મેળવી. આમ યક્ષ-રાક્ષસ, ભૂતપિશાચ જેવા માંસાહારીઓએ રુદ્રને વાછરડો બનાવી કપાલરૂપ પાત્રમાં રુુધિર-આસવ મેળવ્યાં. ફેણવાળા, ફેણ વગરના સાપ, નાગ, વીંછી વગેરે ઝેરી જંતુઓએ તક્ષકને વાછરડો બનાવી મુખરૂપી પાત્રમાં વિશ્વ રૂપી દૂધ મેળવ્યું. પશુઓએ ભગવાન રુદ્રના વાહન નંદીને વાછરડો બનાવી વન રૂપી પાત્રમાં તૃણ રૂપી દૂધ મેળવ્યું. મોટી મોટી દાઢોવાળા માંસાહારીઓએ સિંહ રૂપી વાછરડા દ્વારા પોતાના શરીરરૂપી પાત્રમાં કાચા માંસ રૂપી દૂધ મેળવ્યું, ગરુડને વાછરડો બનાવી પક્ષીઓએ કીટ પતંગિયાને વાછરડા રૂપે બનાવી ચર, ફળ વગેરે મેળવ્યાં. વૃક્ષોએ વડને વાછરડો બનાવી વિવિધ પ્રકારનાં દૂધ મેળવ્યાં; પર્વતોએ હિમાલયને વાછરડો બનાવી શિખરરૂપી પાત્રોમાં અનેક ધાતુઓ મેળવી. પૃથ્વી તો બધી ઇચ્છિત વસ્તુઓ આપનારી હતી. એટલે તેણે પોતપોતાની જાતિઓના અગ્રણીઓને વાછરડા બનાવી ભિન્ન ભિન્ન પાત્રોમાં જુદા જુદા પદાર્થોને દૂધ રૂપી દોહી લીધાં. આમ પૃથુ જેવાઓએ વિવિધ પાત્રોમાં પોતપોતાના અન્ન રૂપી દૂધ મેળવી લીધાં. આનાથી મહારાજ પૃથુ એટલા બધા પ્રસન્ન થયા કે પૃથ્વીને પુત્રી માનીને સ્નેહ કરવા લાગ્યા. પછી પૃથુરાજાએ ધનુષની અણી વડે પર્વતોને તોડી ફોડી ધરતીને સમથળ કરી મૂકી. તેઓ પિતાની જેમ પ્રજાના પાલનપોષણની ચંતાિમાં ડૂબી ગયા. પછી પ્રજા માટે ત્યાં નિવાસસ્થાનો ઊભાં કરી આપ્યાં. અનેક ગામ, કસબા, નગર, દુર્ગ, આહીરોની વસતી, પશુઓના વાડા, છાવણીઓ, કૃષિગ્રામો, પર્વતીય તળેટીનાં ગામ — વસાવ્યાં. મહારાજ પૃથુના સમય પૂર્વે પૃથ્વી તલ પર નગર ગામનું કોઈ આયોજન ન હતું. બધા લોકો પોતપોતાની સુુવિધા જોઈને જ્યાં ત્યાં વસતા હતા. મહારાજ મનુના બ્રહ્માવર્ત સ્થળે સરસ્વતી નદી પૂર્વાભિમુખ થઈ વહે છે, રાજા પૃથુએ ત્યાં સો અશ્વમેધ યજ્ઞની દીક્ષા લીધી. આ જાણીને ઇન્દ્રને વિચાર આવ્યો, આમ તો મહારાજ પૃથુનાં કર્મ મારાં કરતાં વધી જશે. એટલે તેઓ આ યજ્ઞમહોત્સવ સાંખી ન શક્યા. પૃથુરાજાના યજ્ઞમાં બધાના અંતરાત્મા જગદીશ્વર એવા વિષ્ણુ ભગવાન પધાર્યા હતા. તેમની સાથે બ્રહ્મા, રુદ્ર તથા સેવકો સાથે લોકપાલો આવ્યા હતા. ગંધર્વ, મુનિ, અપ્સરાઓ ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા હતા. સિદ્ધ, વિદ્યાધર, દૈત્ય, દાનવ, યક્ષ, સુનન્દ, નંદ જેવા ભગવાનના પાર્ષદો તથા ભગવાનની સેવા માટે ઉત્સુક રહેતા કપિલ, નારદ, દત્તાત્રેય, સનક વગેરે પણ આવ્યા હતા. આ યજ્ઞમાં યજ્ઞસામગ્રી આપનારી ભૂમિએ કામધેનુ રૂપે યજમાનોની બધી ઇચ્છાઓ પૂરી કરી હતી. નદીઓ દ્રાક્ષ, શેરડીના જેવા રસ વહી લાવતી હતી. જેમાંથી મધનો સ્ત્રાવ થતો હોય એવાં મોટાં મોટાં વૃક્ષ દૂધ, દહીં અન્ન, ઘી વગેરે અનેક પ્રકારની સામગ્રી પૂરી પાડતાં હતાં. સમુદ્ર બહુ રત્નો; પર્વત ભક્ષ્ય-ભોજ્ય-ઓષ્ય-લેહ્ય એમ ચાર પ્રકારનાં અન્ન અને લોકપાલો સમેત બધા અનેક પ્રકારના ઉપહાર અર્પણ કરી રહ્યા હતા. મહારાજ પૃથુ તો એક માત્ર શ્રીહરિને જ પોતાના ઈશ્વર માનતા હતા. તેમની કૃપાથી યજ્ઞકાર્યમાં તેમનો મોટો ઉત્કર્ષ થયો. પરંતુ આ ઘટના દેવરાજ ઇન્દ્ર જિરવી ન શક્યા, યજ્ઞમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પૃથુ યજ્ઞના અંતે યજ્ઞપતિની આરાધના કરી રહ્યા હતા ત્યારે ઈર્ષ્યાગ્નિને કારણે છાની રીતે યજ્ઞનો અશ્વ ચોરી ગયા. ઇન્દ્રે પોતાની રક્ષા માટે કવચરૂપથી પાખંડી વેશ ધારણ કર્યો હતો, તેનો આધાર લઈને પાપી પણ ધર્માત્માનો ભાસ ઊભો કરી શકે. એવા વેશે અશ્વને આકાશમાર્ગે લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર ભગવાન અત્રિની દૃષ્ટિ પડી. તેમના કહેવાથી મહારાજ પૃથુનો પુત્ર તેમની પાછળ પાછળ ગયો અને બોલ્યો, ‘અરે ઊભો રહે, ઊભો રહે.’ઇન્દ્રે માથે જટા ધારણ કરી હતી, શરીરે ભસ્મ ચોળી હતી. તેનો આવો વેશ જોઈને પૃથુપુત્રે તેમને ખરેખર ધર્મ માની લીધા અને તેમના પર બાણવર્ષા ન કરી. ઇન્દ્ર પર કશો પ્રહાર કર્યા વિના જ તે પાછો આવ્યો, ત્યારે મહર્ષિ અત્રિએ તેને ફરી ઇન્દ્રને મારવાની આજ્ઞા આપી. ‘આ દેવતાઅધમ ઇન્દ્રે તમારા યજ્ઞમાં વિઘ્ન ઊભું કર્યું છે, તો તું એનો વધ કર.’ અત્રિ ઋષિએ આવી રીતે કહ્યું એટલે પૃથુપુત્ર ક્રોધે ભરાયો. ઇન્દ્ર ખૂબ વેગથી આકાશમાં જઈ રહ્યા હતા, રાવણ પાછળ જટાયુ દોડે તેવી રીતે તે ઇન્દ્ર પાછળ દોડ્યો. સ્વર્ગાધિપતિ તેને પાછળ આવતો જોઈ વેશભૂષા અને અશ્વને ત્યાં રહેવા દઈ અંતર્ધાન થઈ ગયા એટલે પૃથુપુત્ર યજ્ઞપશુ લઈને પાછો આવ્યો. તેનું આવું અદ્ભુત પરાક્રમ જોઈ મહર્ષિઓએ તેનું નામ વિજિતાશ્વ પાડ્યું. યજ્ઞપશુને ચષાલ (યૂપની આગળ રાખેલું વલયાકાર કાષ્ઠ) અને યૂપ સાથે બાંધી દીધો. બળવાન ઇન્દ્રે ઘોર અંધારું ફેલાવ્યું અને એની આડ લઈને તે અશ્વને સુવર્ણસાંકળ સાથે લઈ ગયા. અત્રિ મુનિએ ફરી તેમને આકાશમાર્ગે વેગથી ધસતા જોયા. પણ ઇન્દ્ર પાસે કપાલ અને ખટવાંગ હતા એટલે પૃથુપુત્રે તેમના માર્ગમાં કશો અંતરાય ઊભો ન કર્યો. અત્રિએ રાજકુમારને ફરી કહ્યું અને ક્રોધે ભરાઈને તેણે બાણ ચઢાવ્યું. આ જોઈ વેશભૂષા અને અશ્વને ત્યાં જ મૂકીને ઇન્દ્ર અંતર્ધાન થઈ ગયા. વિજિતાશ્વ અશ્વને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવ્યો. ઇન્દ્રની એ નિંદાજનક વેશભૂષા મંદબુદ્ધિવાળાઓએ લઈ લીધી. ઇન્દ્રે અશ્વનું અપહરણ કરવા જે જે રૂપ સર્જ્યાં હતાં તે પાપના ખંડ હોવાથી પાખંડ નામે જાણીતા થયા. અહીં ખંડ શબ્દ ચિહ્નવાચક છે. પૃથુના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે યજ્ઞપશુનું હરણ કરતી વેળા ઇન્દ્રે અવારનવાર જેનો ત્યાગ કર્યો હતો તે નગ્ન, રકતાંબર, કાપાલિક જેવા પાખંડી આચારોમાં મનુષ્યબુદ્ધિ ઘણું કરીને મોહ પામે છે. કારણ કે તે નાસ્તિક મત દર્શનીય હોય છે અને યુક્તિપૂર્વક પોતાના પક્ષનું સમર્થન કરે છે. ખરેખર તે ઉપધર્મ છે, લોકો, ભ્રમમાં પડીને તેને ધર્મ માનીને તેમાં આસક્ત થઈ જાય છે. ઇન્દ્રની આવી પાપબુદ્ધિ જોઈને પરાક્રમી પૃથુને ભારે ક્રોધ આવ્યો. તેમણે ધનુષ ઉઠાવી બાણ ચઢાવ્યું. ક્રોધે ભરાયેલા પૃથુને જોઈ શકાતા ન હતા. જ્યારે ઋત્વિજોએ જોયું કે પરાક્રમી પૃથુ ઇન્દ્રવધ કરવા તત્પર છે ત્યારે તેમને અટકાવ્યા, ‘રાજન્, તમે તો બુદ્ધિમાન છો, યજ્ઞદીક્ષા લીધી હોય પછી યજ્ઞપશુ સિવાય કોઈનો વધ કરવો યોગ્ય નથી. યજ્ઞકાર્યમાં વિઘ્ન ઊભું કરનાર ઇન્દ્રને તો વિઘ્ન ઊભાં કરવાં અહીં જ બોલાવીએ છીએ, એમને બળજબરીથી અગ્નિમાં હોમી દઈશું.’ યજમાનને આમ કહીને ઋત્વિજોએ ક્રોધે ભરાઈને ઇન્દ્રનું આવાહન કરવા માંડ્યું. તેઓ સુવા વડે આહુતિ નાખવા જતા હતા ત્યાં જ બ્રહ્માએ ત્યાં આવીને તેમને રોક્યા. ‘યાજકો, તમારે ઇન્દ્રનો વધ નહીં કરવો જોઈએ. આ ઇન્દ્ર ભગવાનની જ મૂર્તિ છે. તમે યજ્ઞ વડે જે દેવતાઓની પૂજા કરો છો તે ઇન્દ્રનાં જ અંગ છે અને તમે યજ્ઞ વડે તેમને મારી નાખવા માગો છો. પૃથુના આ યજ્ઞકાર્યમાં ઇન્દ્રે જે પાખંડ પસાર્યું છે તે ધર્મનો ઉચ્છેદ કરશે એના પર વિચાર કરો. તેનો વિરોધ ન કરો. નહીં તો તે હજુ વધુ પાખંડમાર્ગનો પ્રસાર કરશે. ભલે પૃથુના નવ્વાણુ જ યજ્ઞ થાય.’ પછી પૃથુને કહ્યું, ‘રાજન્ તમે તો મોક્ષધર્મ જાણો છો. તમારે યજ્ઞકાર્યની જરૂર નથી. તમારું કલ્યાણ થાય. તમે અને ઇન્દ્ર બંને શ્રીહરિના શરીર છો, એટલે તમારા જ સ્વરૂપ એવા ઇન્દ્ર પ્રત્યે ક્રોધ નહીં કરવો જોઈએ. તમારો આ યજ્ઞ નિવિર્ઘ્ને સમાપ્ત નથી થયો તેની ચિંતા ન કરતા. અમારી વાત માની લો. જે માનવી વિધાતાના વિકૃત બનેલા કામને ફરી સુધારવા જાય છે તેનું મન અત્યંત ક્રોધે ભરાઈ મોહવશ થઈ જાય છે. એટલે આ યજ્ઞ અટકાવો. આના જ કારણે ઇન્દ્રે ચલાવેલા પાખંડથી ધર્મનાશ થાય છે. જે ઇન્દ્ર અશ્વનું અપહરણ કરી ગયો તેના જ બનાવેલા પાખંડો તરફ જગત ખેંચાઈ રહ્યું છે. તમે તો વિષ્ણુના અંશ છો. વેનના દુરાચારથી ધર્મલોપ થઈ રહ્યો હતો ત્યારે ધર્મરક્ષા માટે તેના જ શરીરમાંથી તમે પ્રગટ્યા છો. આ અવતારનો ઉદ્દેશ સમજી બધા ઋષિમુનિઓનો સંકલ્પ પૂરો કરો. ઇન્દ્રે પાખંડની જનેતા જેવી ઇન્દ્રની આ માયાનો નાશ કરો.’ બ્રહ્માની વિનંતીને માન આપીને પૃથુરાજાએ યજ્ઞનો આગ્રહ ત્યજી દીધો. ઇન્દ્ર સાથે મનમેળ કરી લીધો. પછી દેવતાઓએ તેમને વરદાન આપ્યાં. રાજાએ બ્રાહ્મણોને દક્ષિણા આપી, બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા. (પદ્મપુરાણમાં વેનને જન્મ આપનાર સુનીથાની કથા આગળ જોઈ ગયા. મૂળમાં આ કથા અહીં જેવી છે તેવી ભાગવતમાં આવી હતી, પછી હરિવંશપર્વના પાંચમા અધ્યાયમાં આવી.)

અન્ધકાસુરની કથા

ભગવાન વિષ્ણુએ જ્યારે દિતિના બધા પુત્રોનો વધ કર્યો ત્યારે તે દેવીએ તપ કરીને બ્રહ્માપુત્ર કશ્યપની આરાધના કરી. તે દેવીની તપસ્યા, સેવા વગેરેથી કશ્યપે પ્રસન્ન થઈને કહ્યું, ‘ઉત્તમ વ્રતનું પાલન કરનારી દેવી, હું તારા પર પ્રસન્ન છું, ઇચ્છા થાય તે વરદાન માગ.’ દિતિએ કહ્યું, ‘ભગવન્, દેવતાઓએ મારા બધા પુત્રોની હત્યા કરી છે, હવે દેવતાઓ મારી ન શકે એવો એક પુત્ર મારે જોઈએ છે.’ કશ્યપ બોલ્યા, ‘હે કમલલોચના, તારા પુત્રને દેવતાઓ મારી નહીં શકે, દેવાધિદેવ શંકર સિવાય કોઈ દેવતા તેનો વધ કરી નહીં શકે. મારી સત્તા રુદ્ર પર ચાલી નથી શકતી. એટલે તારા પુત્રની રક્ષા રુદ્રથી કરતી રહેજે.’ એમ કહી કશ્યપે દેવીના ઉદરનો સ્પર્શ કર્યો, પરિણામે દેવીએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને હજાર હાથ, હજાર મસ્તક, બે હજાર નેત્ર અને બે હજાર પગ હતા. તે અંધ ન હતો તો પણ અંધની જેમ ચાલતો હતો એટલે ત્યાંના લોકો તેને અન્ધક કહેવા લાગ્યા. હું અવધ્ય છું એમ જાણીને તે લોકોને ત્રાસ આપવા લાગ્યો. પોતાના બળનું અભિમાન કરીને તે રત્નો ઉઠાવી લાવતો હતો. ઘણો શક્તિશાળી હોવાને કારણે તેણે અપ્સરાઓને પોતાના ઘરમાં રાખી હતી. પાપી અન્ધકાસુરે પરસ્ત્રીઓનું અને પરધનનુંહરણ કરવા માંડ્યું, બધાનો તિરસ્કાર કરનારા અસુરોનો સાથ લઈને તે ત્રણે લોક પર વિજય મેળવવા તત્પર થયો. આ સમાચાર સાંભળી ઇન્દ્રે પિતા કશ્યપને પૂછ્યું, ‘અન્ધકાસુરે આવું કાર્ય આદર્યું છે તો અમે શું કરીએ? નાના ભાઈનો આવો દુરાચાર કેવી રીતે વેઠી શકાય? આ દિતિનો પ્રિય પુત્ર છે, હું એના પર પ્રહાર કેમ કરી શકું? હું જો એનો વધ કરીશ તો માસી મારા પર ક્રોધે ભરાશે.’ દેવરાજની વાત સાંભળીને કશ્યપે કહ્યું, ‘હું અન્ધકને અટકાવીશ.’ પછી કશ્યપ ઋષિએ દિતિ સાથે જઈને અન્ધકને માંડ માંડ ત્રિભુવનવિજય કરતાં અટકાવ્યો. એમની ના છતાં દુષ્ટ અન્ધક સ્વર્ગવાસી દેવતાઓને હેરાન કરતો જ રહ્યો. તે દુર્બુદ્ધિએ નન્દનવનનાં વૃક્ષો, ઉદ્યાનોનો નાશ કર્યો. ઉચ્ચૈ:શ્રવાના વંશજ અશ્વોને સ્વર્ગમાંથી બળ વાપરીને લઈ આવ્યો. વરદાનના અભિમાનને કારણે દેવતાઓને હેરાન કરતો જ રહ્યો. વરદાનના અભિમાનને કારણે દેવતાઓના દેખતાં જ ઐરાવતના વંશજ દિવ્ય હાથીઓનું અપહરણ કરી બેઠો. દેવતાઓ માટે આપત્તિ રૂપ અન્ધક જે યજ્ઞયાગાદિ વડે દેવતાઓને હવિ મળતા રહેતા હતા તે યજ્ઞમાં વિઘ્નો ઊભાં કરવા લાગ્યો. યજ્ઞમાં વિઘ્ન ઊભાં કરનારા અન્ધકથી ડરી જઈને ત્રણે વર્ણના લોકો ન યજ્ઞ કરી શકતા, ન તપ. તેની ઇચ્છા પ્રમાણે વાયુ વહેતો હતો. સૂર્ય તેની રુુુુચિ પ્રમાણે તપતા હતા, ચન્દ્રમા તેની ઇચ્છાથી દેખાતા અથવા ન દેખાતા. શક્તિના અભિમાનથી દુુર્બુદ્ધિવાળા અન્ધકના ભયથી આકાશમાં વિમાન ઊડી શકતા નહીં. આખું જગત તેનાથી ભયભીત થઈને ઓમકાર અને વષટકારના ધ્વનિવિહોણું થઈ ગયું. તેણે ઉત્તર કુરુ, ભદ્રાશ્વ, કેતુમાલ અને જંબુદ્વીપના બીજા પ્રદેશો ઉપર પણ આક્રમણ કરવા માંડ્યું. અજેય દેવતા અને દાનવ તેનું સન્માન કરતા હતા. બીજાં પ્રાણીઓ સમર્થ હોવા છતાં તેનો આદર કરતાં હતાં. તેના ઉત્પાતથી ત્રાસી ગયેલા બ્રહ્મવાદી ઋષિઓ ભેગા મળીને તેના મૃત્યુનો ઉપાય વિચારવા લાગ્યા. તે ઋષિઓમાં ધીમાન બૃહસ્પતિ પણ હતા. તેમણે કહ્યું, ‘આ અસુરનું મૃત્યુ રુદ્ર સિવાય કોઈના હાથે થવાનું નથી. દિતિને વરદાન આપતી વેળા કશ્યપે આમ કહ્યું હતું. એટલે હવે આપણે એવો ઉપાય વિચારીએ જેથી શંકર ભગવાનને આ અસુરના ત્રાસનો ખ્યાલ આવે. ભગવાન રુદ્ર આ જગતના સ્વામી છે, સજ્જનોના આશ્રય છે. જ્યારે તેમને આ વાતની જાણ થશે ત્યારે બધાનું દુઃખ દૂર કરશે. ભગવાન શંકરનું તો વ્રત છે કે દુષ્ટોથી સાધુઓની, ખાસ કરીને, બ્રાહ્મણોની રક્ષા કરવી. તો આપણે નારદ પાસે જઈએ, તેઓ ભગવાન શંકરના મિત્ર છે.’ બૃહસ્પતિની વાત સાંભળીને બધાએ આકાશમાં જોયું તો દેવર્ષિ નારદ જાતે જ ત્યાં આવી પહોેંચ્યા હતા. તેમણે નારદમુનિનો યથાયોગ્ય સત્કાર કર્યો, તેમનું પૂજન કર્યું અને કહ્યું, ‘દેવર્ષિ, તમે હમણાં જ કૈલાસ પર્વત પર જાઓ અને અન્ધકાસુરનો વધ કરવા ભગવાન શંકરને વિનંતી કરો. તમે જગતની રક્ષા કરવા પ્રયત્ન કરો.’ નારદ મુનિએ તથાસ્તુ કહી તેમની વિનંતી સ્વીકારી. ઋષિઓ ગયા પછી આ વિશે શું કરી શકાય તેનો વિચાર તે વિદ્વાન મુનિએ કર્યો. પછી ભગવાન શંકર (વૃષધ્વજ) જ્યાં નિત્ય મંદારવનમાં વિરાજતા હતા ત્યાં દેવર્ષિ નારદ જઈ પહોેંચ્યા. ભગવાન શૂલપાણિના મિત્ર મન્દાર વનમાં એક રાત રહીને શિવની આજ્ઞા લઈ ફરી સ્વર્ગલોકમાં પાછા આવ્યા. તેમણે પોતાના ગળામાં સારી રીતે ગૂંથેલી મંદારમાલા પહેરી હતી. તેની સુગન્ધ બીજી સુગન્ધોથી ચઢિયાતી હતી. તેઓ જ્યાં અભિમાની અન્ધકારસુર રહેતો હતો ત્યાં જઈ પહોેંચ્યા. નારદના ગળાનાં પુષ્પોની સુગંધથી અંધક આકર્ષાયો અને પુષ્પમાળા સામે જોઈને કહ્યું, ‘મુનિશ્રેષ્ઠ, આ સુંદર પુષ્પો ક્યાં છે? આ તો વારંવાર સુંદર વર્ણ અને સુવાસથી મને આકર્ષે છે, સ્વર્ગમાં જે પુષ્પો છે તેના કરતાંય આ પુષ્પો તો બધી રીતે ચઢિયાતાં છે. તમારી જો મારા પર કૃપા હો તો મને આ પુષ્પોનું સ્થળ બતાવો.’ પછી નારદ મુનિએ અન્ધકાસુરનો જમણો હાથ પકડીને કહ્યું, ‘મંદરાચલ પર્વત પર ઇચ્છાનુસાર ગતિ કરનારું એક વન છે. ત્યાં આ ફૂલ થાય છે. તે વન ભગવાન શંકરનું છે. એ વનમાં તેમની આજ્ઞા વિના કોઈ પ્રવેશી શકતું નથી. ત્યાં ભગવાનના પાર્ષદો તેની રક્ષા કરે છે. વિવિધ વેશ ધારણ કરેલા અનેક અસ્ત્રશસ્ત્ર તેમની પાસે છે. તેમનું રૂપ ભયાનક છે, તેમના પર વિજય મેળવવો બહુ અઘરી વાત છે. મહાદેવ તેની રક્ષા કરે છે એટલે તે બધાં પ્રાણીઓથી અવધ્ય છે. મંદાર વૃક્ષોના ઉદ્યાનમાં ભગવાન ઉમા સાથે વિહાર કરે છે, પોતાના પાર્ષદો સાથે તેઓ ત્યાં રહે છે. વિશેષ તપ કરીને ભગવાન શંકરની આરાધના કરો તો આ પુષ્પ મળે. આ બધાં વૃક્ષ ભગવાનને પ્રિય છે. સ્ત્રીરત્ન, મણિરત્ન અને એવું સર્વ બધાને ફળરૂપે આપે છે. ત્યાં મંદારવનમાં પુષ્પના તેજથી જ બધું પ્રકાશિત થાય છે. ત્યાં દુઃખ-શોક નથી. ત્યાં કેટલાંક વૃક્ષ ઉત્તમ સુવાસ પ્રગટાવે છે, કેટલાંક વૃક્ષ જળ પ્રગટાવે છે, બીજાં વૃક્ષ વિવિધ સુવાસિત વસ્ત્ર આપે છે. એટલું જ નહીં — એ વૃક્ષો પાસેથી ભક્ષ્ય, ભોજ્ય, પેય, ચોષ્ય, લેહ્ય પદાર્થો સાંપડે છે. બસ એક જ વાત સમજી લે કે તે મંદારવનમાં ભૂખતરસ, ગ્લાનિ, ચિન્તાને કોઈ સ્થાન નથી. ત્યાં સ્વર્ગથી અનેક ગણા ઉત્તમ ગુણ છે, એનું સેંકડો વર્ષોમાંય વર્ણન ન થઈ શકે. ત્યાં એક દિવસ માટે પણ રહેવા મળે તો મહેન્દ્ર સહિત બધા લોકો પર વિજય મેળવીશ. તે સ્વર્ગનુંય સ્વર્ગ છે, સર્વ સુખોનુંય સુખ છે. હું તો એવું માનું છું કે સમગ્ર જગતનો સાર આ મંદારવન જ છે.’ નારદ મુુનિની વાત ધ્યાનથી સાંભળી અન્ધકાસુરે મંદરાચલ જવાનો નિર્ધાર કર્યો. ઘણા બધા અસુરોની સાથે મહાદેવના નિવાસસ્થાન મંદાર પર્વત પર અન્ધકાસુર ગયો. પર્વત મેઘાચ્છાદિત હતો, ઘણી ઔષધિઓ ત્યાં હતી, વિવિધ સિદ્ધો અને મહર્ષિઓનો સમુદાય ત્યાં હતો. બધી દિશાઓમાં ચંદન અને અગરુનાં વૃક્ષો હતાં. સરલ(ચીડ)નાં વૃક્ષો પણ હતાં. કિન્નરોના ગીતધ્વનિથી તે સ્થળની રમણીયતા વધુ ગાઢ થતી હતી. વૃક્ષો પણ હતાં. હાથી અને સાપ પણ ઘણા હતા. વાયુને કારણે પ્રફ્ુલ્લ કાનનોથી નૃત્યનો ભાસ થતો હતો. વહેતી ધાતુઓને કારણે આંગળીને ચંદનની અર્ચા કરી હોય એમ લાગતું હતું. પક્ષીઓનાં કલકૂજન હતાં. પવિત્ર સ્થાને બેસનારા હંસ ઉડાઉડ કરતા હતા, આખા પર્વતમાં તે દેખાતા હતા. દૈત્યોનો વિનાશ કરનારા મહિષો વિહાર કરતા હતા. ચંદ્રકિરણો જેવી કાંતિવાળા સિંહ ચારે દિશાઓમાં હતા. મૃગોનાં ટોળાં હતાં. આ મંદારપર્વત દેવતારૂપ લાગતો હતો. તેને જોઈને ઘમંડી અન્ધક બોલ્યો, ‘હે મહાગિરિ, તું તો જાણે છે કે મારા પિતાના વરદાનથી હું બધા માટે અવધ્ય છું. ચરાચર પ્રાણીઓ સહિત ત્રણે લોક મારા અંકુશમાં છે. ભયભીત થઈને કોઈ મારી સાથે યુદ્ધ નથી કરતું. મારા જાણવામાં આવ્યું છે કે તારા શિખર પર પુષ્પોથી સુશોભિત પારિજાત વન છે. તે ક્યાં છે તે કહે. હું એ વનનો ભોગવટો કરીશ. ત્યાં જવા હું બહુ આતુર છું. તું ક્રોધે ભરાઈને શું કરી લઈશ? તારી રક્ષા કરી શકે એવો કોઈ પુુરુષ મને દેખાતો નથી.’ આ સાંભળીને મંદરાચલનો અધિષ્ઠાતા દેવ ત્યાંથી અંતર્ધાન થઈ ગયો. ત્યારે વરદાનના અભિમાનને કારણે તે અન્ધક ક્રોધે ભરાઈને ગર્જના કરતો બોલ્યો, ‘અરે પર્વત, યાચના કરવા છતાં તું મને માન નથી આપતો. તો લે, હું ક્રોધે ભરાઈ તને ચૂર ચૂર કરી નાખું છું.’ એમ કહી તે પરાક્રમી દાનવે બધા અસુરોની સાથે અનેક યોજનોમાં ફેલાયેલા મંદરાચલના એક શિખરને ઉખેડી નાખ્યું અને બીજાં શિખરો પર ફેંકીને ચૂર ચૂર કરી નાખ્યું. તે મહાન પર્વતે અનેક નદીઓને સંતાડી દીધી. તેની સ્થિતિ પર વિચાર કરીને તે મહાન પર્વત પર કૃપા કરી. તેમની કૃપાથી પારિજાત વગેરે પુષ્પોવાળું એ વન ફરી હાથી, હરણ અને હાથીઓથી શોભી ઊઠ્યું. મહાદેવના પ્રભાવથી અસુરોએ ઉખાડી નાંખીને ફેંકાયેલાં એ શિખર અસુરોને જ મારી નાખતાં હતાં. જે મહાન અસુરો મંદરાચલનાં શિખરો ફેંકીને ભાગી જતા હતા તેઓ જ મૃત્યુ પામતા હતા. જે અસુરો સ્વસ્થ ચિત્તે પર્વત શિખરો પર ઊભા રહ્યા હતા તેઓ શિખરો વડે મૃત્યુુ પામતા ન હતા. અન્ધકે જ્યારે પોતાની સેનાનો વિધ્વંસ જોયો ત્યારે ગર્જીને બોલ્યો, ‘અચલ, તારી સાથે યુદ્ધ કરીને શો લાભ? તેં રણભૂમિમાં છળ કરીને દૈત્યોનો વધ કર્યો છે. હવે આ વનના સ્વામીને હું લલકારું છું. તે યુદ્ધ કરવા મારી સામે આવે.’ અન્ધકાસુરે આમ કહ્યું એટલે તેને મારી નાખવાની ઇચ્છાથી મહેશ્વરદેવ હાથમાં ત્રિશૂળ લઈને નંદી પર બેસીને ત્યાં આવ્યા. ભગવાન ત્રિલોચન પ્રમથગણ અને ભૂતપ્રેતથી ઘેરાયેલા હતા. ભગવાન શંકરના કોપથી ત્રણે લોક ધૂ્રજી ઊઠ્યા. નદીઓ વિરુદ્ધ દિશામાં વહેવા લાગી, તેમનું જળ ખળભળી ઊઠ્યું. મહાદેવના તેજથી બધી દિશાઓમાં અગ્નિદાહ ફેલાયો. બધા ગ્રહ વિપરીત બન્યા, પર્વતો ડોલવા લાગ્યા, મેઘ તેમના ઉપર અંગારવર્ષા કરવા લાગ્યા. ચંદ્રનાં કિરણો ઉષ્ણ થયાં, સૂર્યનાં કિરણો શીતલ થયા. ઘોડીઓના પેટે ગાયના વાછરડા જન્મવા લાગ્યા, ગાયો ઘોડાઓને જનમ આપવા લાગી. પૃથ્વી પર વૃક્ષો એમ જ ભસ્મ થઈ ગયાં. ગાયો સાંડ પર ચઢી જતી હતી. સંસારની આ વિપરીત સ્થિતિ જોઈ પ્રજ્વલિત અગ્નિ જેવું ત્રિશૂળ શંકર ભગવાને ફેંક્યું અને તે અસુરની છાતીમાં વાગ્યું. અને અસુર ભસ્મ થઈ ગયો. બધા શંકર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દુંદુભિનાદ થયો, પુષ્પવર્ષા થઈ, ત્રણે લોકે નિરાંતનો શ્વાસ લીધો. દેવગંધર્વનાં ગીત, અપ્સરાઓનાં નૃત્ય થયાં. બધું જ પૂર્વવત્ થઈ ગયું. ઉમાસમેત ભગવાન પારિજાત વનમાં વિહરવા લાગ્યા, આખા વનને ઇન્દ્ર વગેરે દેવોના વિહારયોગ્ય બનાવ્યું. (વિષ્ણુપર્વ ૮૬-૮૭)

હંસ અને ડિમ્ભકની કથા

શાલ્વ દેશમાં બ્રહ્મદત્ત નામના એક પવિત્ર હૃદયવાળા, પ્રાણીમાત્ર પ્રત્યે દયા ધરાવતા, પંચયજ્ઞનું અનુષ્ઠાન કરનારા, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા રાજા થઈ ગયા. રૂપ અને ઉદારતા ધરાવતી બે પત્ની હતી, જેવી રીતે ઇન્દ્ર શચી સાથે સ્વર્ગમાં આનંદ મનાવતા હતા તેવી રીતે બ્રહ્મદત્ત પણ બંને પત્નીઓ સાથે આનંદ કરતા હતા. તેમને મિત્રસહ નામનો એક બ્રાહ્મણમિત્ર વેદ-વેદાન્તમાં તલ્લીન રહેનાર હતો. રાજાની જેમ તે પણ સંતાનહીન હતો. રાજાએ પુત્રપ્રાપ્તિ માટે દસ વર્ષ સુધી ભગવાન શંકરની આરાધના કરી, બ્રાહ્મણમિત્રે પુત્ર માટે વૈષ્ણવયાગ કર્યો. પછી શંકર ભગવાને રાજાને સ્વપ્નમાં દર્શન આપી રાજાને વરદાન માગવા કહ્યું ત્યારે રાજાએ બે પુત્ર માગ્યા- ‘તથાસ્તુ’ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. રાજાની ઊંઘ ઊડી ગઈ. મિત્રસહે પણ પાંચ વર્ષ કેશવની આરાધના કરી, ભગવાને તેને પોતાના જેવો જ પુત્ર આપ્યો. રાજાની બંને પત્નીઓ શંકર ભગવાનના તેજથી અને બ્રાહ્મણપત્ની વૈષ્ણવતેજથી સગર્ભા બની. શંકરની કૃપાથી જન્મેલા બે પુત્રોના સંસ્કાર કર્યા અને મિત્રસહની પત્નીને જન્મેલો પુત્ર એટલે જાણે ભગવાન જ તેના ઘરમાં પધાર્યા. ત્રણે પુત્રો સમવયસ્ક હતા. વેદવેદાંતમાં પારંગત થયા. મોટો રાજકુમાર હંસ, નાનો ડિમ્ભક અને બ્રાહ્મણપુત્ર જનાર્દન. બંને રાજકુમાર હિમાલય પર જઈને જળ અને વાયુનો આહાર કરતા તપ કરવા લાગ્યા, તેમની ઇચ્છા પરાક્રમી બનવાની અને અસ્ત્ર પ્રાપ્ત કરવાની હતી. શંકર ભગવાનનો જાપ પાંચ વર્ષ સુધી કર્યો અને ભગવાને પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે બંને બોલ્યા, ‘તમારી કૃપાથી દેવો-દાનવો-યક્ષ, ગાંધર્વો, અસુરો અમને જીતી ન શકે. વળી અમને અનેક પ્રકારનાં અસ્ત્ર આપો.’ ભગવાને હા પાડી અને પોતાના ગણ વિરૂપાક્ષને કહ્યું, ‘તું બબ્બે થઈને બે ભૂતેશ્વર થા અને ભયંકર યુદ્ધમાં આ બંને વીર કુમારોની સહાય કરજે.’ આમ કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. આમ બળવાન અને પરાક્રમી બંને કુમાર અસ્ત્રશસ્ત્રજ્ઞાતા થઈ ગયા. દેવદાનવ તેમને જીતી શકતા ન હતા. બંને શંકરના ભક્ત હતા. ભગવાનની વારે વારે સ્તુતિ કરતા, પછી ઘેર જઈને માતાપિતાની વંદના કરતા. જનાર્દને પણ દીર્ઘ કાળ અભ્યાસ કર્યો, તે વિષ્ણુ ભગવાનનો ઉપાસક બન્યો. તે ત્રણે પોતાની પત્નીઓમાં જ શ્રદ્ધા રાખીને માનતા હતા કે ધર્મ જ પરમ કલ્યાણકારી છે. એક વેળા તેઓ બંને જનાર્દનને સાથે લઈને મૃગયા માટે વનમાં ગયા અને ત્યાં ઘણાં પ્રાણીઓનો વધ કર્યો. પછી શિકાર કરી કરીને થાકેલા તે કુમારો પુષ્કર સરોવરની દિશામાં ગયા. ત્યાં સ્નાન કરીને સરોવર કાંઠે બેઠા. તે વેળા તેમના કાને વેદવાણી સંભળાઈ. પ્રસન્ન થઈ તેઓ પગે ચાલીને મહર્ષિ કશ્યપના આશ્રમમાં ગયા. ત્રણેએ ઋષિમુનિઓને પ્રણામ કર્યાં. ઋષિઓએ પણ તેમનો સત્કાર કર્યો, પછી હંસે ઋષિઓને કહ્યુંં, ‘અમારા પિતા રાજસૂય યજ્ઞ કરવા માગે છે તો તમે અમારા યજ્ઞમાં પધારજો. અમે દિગ્વિજય કરીને રાજા પાસે યજ્ઞનું અનુષ્ઠાન કરીશું, તો તમે બધા શિષ્યો સાથે સામગ્રી સાથે પધારજો. અમે ત્રણે આજે જ દિગ્વિજય કરવા નીકળી પડીશું. આમ તો અમે જ સૈનિકોની સહાય લઈને આ યજ્ઞનું અનુષ્ઠાન કરી શકીએ છીએ. કારણ કે યુદ્ધમાં દેવ-દાનવ અમને જીતી નહીં શકે. અમારી પાસે અનેક શસ્ત્રો છે.’ આમ કહીને મદોન્મત્ત હંસ ચૂપ થઈ ગયો. આ સાંભળી ઋષિઓએ કહ્યું, ‘તમારો યજ્ઞ થશે તો અમે શિષ્યો સમેત આવીશું, નહીંતર અમે અહીં જ રહીશું.’ પછી તે બંને જ્યાં દુર્વાસા મુનિ રહેતા હતા ત્યાં જઈ ચઢ્યા, એ ઋષિનાં દર્શન કર્યાં. આ મુનિ જો ક્રોધે ભરાય તો બધા લોકોને ભસ્મ કરી શકે. ક્રોધે ભરાયા હોય ત્યારે દેવતાઓ પણ તેમનું દર્શન કરવાનું સાહસ કરતા નહીં. તેમનું દર્શન કરીને બંને રાજકુમારોએ વિચાર્યું, ‘આ કોણ છે? આ આશ્રમ કોનો છે? ગૃહસ્થ જ ધર્માત્મા, ગૃહસ્થ જ ધર્મસ્વરૂપ હોય. ગૃહસ્થાશ્રમને ત્યજી દેનાર મૂર્ખ કે પાગલ છે. આ ધ્યાનમગ્ન છે અને છતાં તે ઠગ છે. આપણે આ બધાને ગૃહસ્થ બનાવીશું.’ એમ વિચારી દુર્વાસા ઋષિને તથા બીજાઓને તેમણે કહ્યું, ‘આ તમે શું કરવા માગો છો? અંત:કરણ તો શૂન્ય છે, ગૃહસ્થાશ્રમ ત્યજીને શું મેળવ્યું? તમે દંભની મૂર્તિ છો, તમે તો નાશ પામશો જ અને બીજાઓનો નાશ કરશો. તમને શિક્ષણ આપનાર પણ પાપી છે.’ જનાર્દને દુર્વાસાની સામે જોયું અને વિનીત ભાવે તેમના ચરણોમાં પડી, મિત્રોને કહ્યું, ‘તમારી બુદ્ધિ મંદ પડી ગઈ છે. તમે આવું ન બોલો. તમારા માટે આજનો દિવસ જાણે અંતિમ છે. આ બધા શુુદ્ધ હૃદયવાળા સંન્યાસી છે, તેમનાં અંત:કરણ તેજસ્વી છે. આવી અયોગ્ય વાતો બીજું તો કોણ કરી શકે? મંત્રદ્રષ્ટા ઋષિઓએ પહેલેથી ચાર આશ્રમોની વ્યવસ્થા કરી છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ — આ બધામાં શ્રેષ્ઠ સંન્યાસ્તાશ્રમ છે. તમે વૃદ્ધ પુરુષોની ઉપાસના ક્યારેય નથી કરી. હંસ, હું જીવતાં જીવ આ વાત સાંભળી જ ન શકું. હું તમને બંનેને છોડીને જતો રહું કે આત્મહત્યા કરું? ભયાનક ઝેર પી લઉં?’ આમ કહી તે રુદન કરવા લાગ્યો. ક્રોધે ભરાયેલા દુર્વાસા મુનિએ બંને સામે જોયું- જાણે બંનેને ભસ્મ કરી નાખવા માગતા ન હોય, જનાર્દન સામે સ્નેહપૂર્ણ નેત્રે જોઈ રહ્યા હતા. પછી તેમણે કહ્યું, ‘તમે સ્વજનો પાસે જતા રહો. વિલંબ ન કરો. તમારી વાતોથી મારામાં રોષ પ્રગટ્યો છે, તેને હું રોકી નહીં શકું. જતા રહો. હું તમને ભસ્મ કરી શકું છું. મંદબુદ્ધિના રાજકુમારો, તમારું અભિમાન શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાન શ્રીકૃષ્ણ ઉતારી નાખશે.’ દુર્વાસા ઋષિ આટલું કહીને ત્યાંથી બીજે જવા મથ્યા ત્યારે હંસ તેમને રોકવા ગયો. ક્રૂર હંસે દુર્વાસા મુનિનો હાથ ઝાલી તેમનું કૌપીન ફાડી નાખ્યું. આ જોઈ બીજા મુનિઓ દસે દિશાઓમાં ભાગવા લાગ્યા. મિત્ર જનાર્દન લાગણીવશ થઈને વિલાપ કરવા લાગ્યો, તે બોલ્યો, ‘અરે, આ શું કરી રહ્યા છો?’ દુર્વાસા મુનિ તેમને મારી નાખવા સમર્થ હતા છતાં બંનેને કહેવા લાગ્યા, ‘અરે નીચ રાજકુમારો, તમને મારી નાખવા હું સમર્થ છું, પણ હું તમારો વધ નથી કરવા માગતો. અહીં અમે સાધુધર્મ પાળીએ છીએ. સમગ્ર વિશ્વના નાથ, યદુકુળના નાયક અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી શ્રીકૃષ્ણ છે, તે તમારું અભિમાન ચૂર કરશે. તમારો બંધુ જરાસંધ પણ ક્યારેય આવી વાત કરવાનું સાહસ નથી કરી શકતો. હવે જરાસન્ધ પણ તમારો બંધુ નહીં રહી શકે. જો તે તમારી વાત ચુપચાપ સાંભળી લેશે તો તેનો ધર્મ પણ નાશ પામશે. તમે અહીંથી જતા રહો, જતા રહો.’ પછી દુર્વાસા ઋષિએ જનાર્દનને કહ્યું, ‘તારું કલ્યાણ થાઓ. ભગવાન શ્રીકૃષ્ણમાં તારી ભક્તિ દૃઢ થાય. ભગવાન સાથે મિલન બેત્રણ દિવસમાં થશે. તું સાધુ સ્વભાવનો જ રહીશ, અને સાધુ પુરુષનો વિનાશ નથી થતો. જા, બધી વાતો તારા પિતાને જણાવજે.’ કાળથી પ્રેરાયેલા બંને રાજકુમારે તે ઋષિઓનાં સાધનસામગ્રી, કાષ્ઠભોજનપાત્ર, કમંડળ તોડી નાખ્યાં. પછી વ્યાધ પાસે માંસ રંધાવીને ખાધું અને પોતાના નગરમાં ગયા. ધર્માત્મા જનાર્દન સ્નેહવશ તેમનું અનુસરણ કરતો રહ્યો. તેણે દુઃખી થઈને સ્વીકારી લીધું કે હવે આ બંનેનો વિનાશ થવાનો છે. સાધુશ્રેષ્ઠ દુર્વાસા મુનિએ બીજા ઋષિમુનિઓને કહ્યું, ‘હવે આપણે પુષ્કર સરોવર પરથી શ્રીકૃષ્ણની દ્વારકાનગરીમાં જઈએ. તેમને આપણી વીતકકથા કહીશું. આપણે આ બધી તોડફોડની વાત પણ ભગવાનને કહીશું.’ એમ કહીને તેઓ બધી તોડેલી ફોડેલી વસ્તુઓ એકઠી કરીને દ્વારકા જવા નીકળી પડ્યા. તેમની સંખ્યા પાંચ હજારની હતી. દુર્વાસા ઋષિને આગળ કરતા રાતદિવસ ચાલી ચાલીને બધા દ્વારકા પહોેંચ્યા, ત્યાં કોઈ વાવમાં સ્નાન કરી ભગવાનનાં દર્શન કરવા ગયા. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ સાત્યકિ સાથે રમત રમી રહ્યા હતા. પછી મુનિઓ ત્યાં પહોેંચ્યા, તે બધાને જોઈ યાદવો વિચારમાં પડી ગયા, દુર્વાસાની પાછળ પાછળ બધા આવતા હતા, તેમના કૌપીનનો અડધો ભાગ તો ચિરાઈ ગયો હતો, હાથમાં તૂટેલો દંડ હતો. રાજા હંસે તેમના પર ભારે જુલમ ગુજાર્યો હતો. યાદવોએ ભયભીત થઈને દુર્વાસા સામે જોકહ્યું. તેમણે ઋષિનો સત્કાર કરી બેસવા માટે આસન ચીંધ્યું. શ્રીકૃષ્ણે પણ તેમને આસન પર બેસવા વિનંતી કરી. તેમનું સ્વાગત કર્યું, પછી તેમને આગમનનું કારણ પૂછ્યું, ‘તમે બધા તો નિઃસ્પૃહી છો, એટલે એવી કશી અપેક્ષા લઈને તમે અહીં આવ્યા નથી. તો પછી તમારા આગમનનું કારણ હું સમજી શકતો નથી. કોઈક કારણ તો છે.’ આમ કહ્યું એટલે દુર્વાસા મુનિનો ક્રોધ વધી ગયો. તેઓ ભગવાનને કહેવા લાગ્યા, ‘તમે તો દેવતાઓના દેવતા છો. તમારાથી કશું છાનું નથી.’ એમ કહી તેમણે ભગવાનની સ્તુતિ કરી. ‘અમે બહુ દુઃખી થઈને તમારી પાસે આવ્યા છીએ. શંકર ભગવાનનું વરદાન પામનારા બે ક્ષત્રિયકુમારે — હંસે અને ડિમ્ભકે — ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ માની અમારો તિરસ્કાર કર્યો. અમારા આ બધાં સાધન તોડીફોડી નાખ્યાં. તમે ક્ષત્રિયધર્મનો આશ્રય લઈને બધાની રક્ષા કરો છો છતાં અમારી હાલત આવી થઈ ગઈ. આ બે જીવતા રહેશે તો ત્રણે લોક નષ્ટ થઈ જશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર — કોઈ બચશે નહીં. આ બંને આગળ ઇન્દ્ર સહિત કોઈ દેવ ટકી નહીં શકે. ભીષ્મ, બાહલીક, જરાસંધ પણ ન ટકી શકે. ભગવાન શંકરના વરદાનથી તેઓ બહુ અભિમાની થઈ ગયા છે. તે બંને સાથે જ રહે છે, એ કદી જુદા પડતા નથી. આ બંનેનો વધ કરી ત્રિલોકને બચાવી લો. તમને વધારે તો શું કહીએ? તમે બધાની રક્ષા કરો.’ આટલું કહી દુર્વાસા મુનિ મૂગા રહી ગયા. શ્રીકૃષ્ણે જરા શ્વાસ લઈને દુર્વાસા ઋષિની સામે જોયું, ‘ભગવન્, જે થઈ ગયું તે થઈ ગયું, મારો જ વાંક, મને ક્ષમા કરો. મારી વાત સાંભળો અને શાંત થાઓ. હું હંસ અને ડિમ્ભકને યુદ્ધમાં હરાવીશ,એ બંનેને ગમે તે દેવે વરદાન આપ્યું હોય તો પણ તેમને, તેમની સેનાનો નાશ કરી તમને આનંદ કરાવીશ. હું સોગંદ ખાઈને કહું છું. બંને રાજાઓનો વધ કરીશ. હું એ બંને નીચ કુમારોને જાણું છું. બળવાન છે, મદોન્મત્ત છે. શંકર ભગવાનનું વરદાન પામીને તે અભિમાની થઈ ગયા છે. રાજા જરાસંધ, તે બંનેને માટે પોતાના પ્રાણ આપી દેશે. એ બંને વિના જરાસંધ પૃથ્વી પર વિજયી થઈ નહીં શકે. જરાસંધની તેમને સહાય મળશે. ભલે, હું તેમને તેઓ જ્યાં હશે ત્યાં પહોેંચીશ. તમે તમારું કર્તવ્ય કરતાં કરતાં જ્યાં જવું હોય ત્યાં જાઓ.’ પછી દુર્વાસા ઋષિએ શ્રીકૃષ્ણનો આભાર માન્યો. પછી શ્રીકૃષ્ણે બધા સાધુઓની પૂજા કરી, તેમને માટે બધા પ્રકારની ભોજનસામગ્રી તૈયાર કરાવી. હંસ અને ડિમ્ભક તેમના પિતા બ્રહ્મદત્ત પાસે જઈને કહેવા લાગ્યા, ‘હવે તમે રાજસૂય યજ્ઞ આરંભો. આ જ મહિનામાં તમારા યજ્ઞની સિદ્ધિ માટે પ્રયત્ન કરીશું.’ રાજાએ પુત્રોની વાત માની લીધી. બંને પુત્રોને દુ:સાહસ માટે તૈયાર થયેલા જોઈ જનાર્દને હંસને સમજાવ્યો, ‘ભીષ્મ, જરાસંધ, બાહલીક જેવા છે અને તમે આ સાહસ કરવા તૈયાર થયા છો. એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામને ભીષ્મે જીતી લીધા હતા. જરાસંધનું પરાક્રમ તમે જાણો છો. જરાસંધ સામે લડીને શ્રીકૃષ્ણે કેવું પરાક્રમ કર્યું હતું. બલરામ જો ક્રોધે ભરાય તો તેઓ એકલા જ ત્રણે લોકનો સંહાર કરી શકે. આપણે ઋષિઓનો વિરોધ કર્યો હતો. દુર્વાસા મુનિ શ્રીકૃષ્ણને મળવા ગયા છે, આ વાત મારે ત્યાં જમવા આવનાર એક બ્રાહ્મણે કહી હતી. આ સંજોગોમાં આપણે શું કરવું તેનો વિચાર મંત્રીઓ સાથે મળીને કરો, પછી રાજસૂય યજ્ઞ કરીશું.’ હંસે જનાર્દનની વાત સાંભળી ભીષ્મની બહુ નિંદા કરી. ‘શ્રીકૃષ્ણ-બલરામ આપણી સામે ઊભા ન રહી શકે. જરાસંધ તો આપણો હિતચિંતક છે. તું શ્રીકૃષ્ણ પાસે જા અને તેમને કહે, ‘કેશવ, તમે યજ્ઞ માટે બહુ સામગ્રી અને ધન આપો. ઘણા મીઠાનો સંગ્રહ કરીને આવ. તું મારો મિત્ર છે.’ જનાર્દન કશું બોલ્યા વગર ત્યાં વાત સાંભળીને શ્રીકૃષ્ણ પાસે જવા તત્પર થયો. ‘આજે કે કાલે હું જઈશ.’ જનાર્દન શંખ, ચક્ર, ગદા, પદ્મધારી શ્રીકૃષ્ણનું દર્શન કરવા આતુર બનીને દ્વારકા જવા નીકળી પડ્યો. જેવી રીતે ગ્રીષ્મ ઋતુમાં સૂર્યકિરણોથી ત્રસ્ત બનેલો પથિક દૂર દૂર પાણી જોઈને ત્યાં વહેલો વહેલો જઈ ચઢે તેમ તે શ્રીકૃષ્ણને મળવા આતુર હતો. હંસને કારણે જ શ્રીકૃષ્ણનાં દર્શનનો લાભ મળશે એટલે તે હંસને પરમ મિત્ર માનવા લાગ્યો. હું ધન્ય ધન્ય થઈ ગયો. મારી માતા પણ ધન્ય, તે ભગવાનનાં દર્શન કરીને આવેલા એવા મને જોશે અને પછી તો તે ભગવાનનાં દર્શન કરીને કેવો કૃતાર્થ થઈશ તેની વાતો મનોમન કરવા લાગ્યો. ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન કરી તે પ્રસન્ન થઈ ગયો. શ્રીકૃષ્ણને અને બલરામને વંદન કરીને તેણે કહ્યું, ‘હું હંસ અને ડિમ્ભકનો દૂત છું.’ એ આગળ કશી વાત કરે તે પહેલાં શ્રીકૃષ્ણે તેને આસન પર બેસવા કહ્યું, અને પછી જનાર્દનનો સત્કાર કરીને ભગવાને કહ્યું, ‘મને એ બંને ભાઈઓનાં પરાક્રમની તથા પ્રયોજનની જાણ છે. તમારા પિતાજી તો કુશળ છે ને?’ જનાર્દને બ્રહ્મદત્ત રાજાની અને પોતાના પિતાની કુશળતાના સમાચાર આપ્યા. હંસ અને ડિમ્ભકની કુશળતા પણ જણાવી. પછી ભગવાને કહ્યું, ‘રાજકુમારોનો શો સંદેશ છે? તમે નિરાંતે બધી વાત કહો. તમારા મનમાં કશી શંકાકુશંકા રહેવી ન જોઈએ. તેમણે જે કહેવડાવયું છે તે કહેવા યોગ્ય હોય કે ન હોય, કરવા યોગ્ય હોય કે ન હોય તે બધું સાંભળીને અમે તમને પ્રત્યુત્તર આપીશું, તમે તો દૂત છો, તમારે માટે વાચ્ય કે અવાચ્યની કશી શંકા ન હોવી જોઈએ, એટલે હંસે અને ડિમ્ભકે તે કહ્યું છે તે બધું જણાવો.’ ભગવાનની વાત સાંભળીને જનાર્દને કહ્યું, ‘ભગવાન, તમે અજાણ્યાની જેમ કેમ બોલો છો? તમે તો સર્વજ્ઞ છો. જગતની કોઈ ઘટના તમારી જાણબહાર નથી. તમે તમારા મનથી બધું જોઈ શકો છો તો પછી મને શા માટે પૂછો છો? છતાં તમે મને પૂછો છો તો હું કહું છું. બ્રહ્મદત્ત રાજા રાજસૂય યજ્ઞ કરવાના છે. એ માટે જ મને અહીં મોકલ્યો છે, તેમણે મને મુખ્ય યાદવો પાસે કરની વસૂલાત કરવા અને તમને આમંત્રવા અહીં મોકલ્યો છે. ભગવાન, તમારે એ યજ્ઞ માટે પુષ્કળ મીઠું આપવાનું છે. તે બંનેએ તમારી પાસેથી કર વસૂલવા મને મોકલ્યો છે. તમે વેળાસર મીઠું લઈને આવો એવો સંદેશો છે.’ જનાર્દન આમ બોલ્યા એટલે શ્રીકૃષ્ણ થોડી વાર અટ્ટહાસ્ય કરીને બોલ્યા, ‘મારી વાત ધ્યાનથી સમજજો. હું એ બન્નેને કર આપીશ, હું કર આપનારો રાજા છું. મારી પાસે કરની માગણી કરવી એ બંને ભાઈઓની કેવી ધૃષ્ટતા છે. મારી પાસેથી કર ઉઘરાવવાની વાત પહેલવહેલી આવી. આ પહેલાં મારી પાસેથી કોઈએ કર માગ્યો ન હતો.’ પછી ભગવાને યાદવોને કહ્યું, ‘મારી પાસેથી કરની ઉઘરાણી કરવી એ કેવી હાસ્યાસ્પદ ઘટના છે! રાજા બ્રહ્મદત્ત રાજસૂય યજ્ઞ કરશે, એ યજ્ઞ કરાવનારા તેમના પુત્રો છે. શ્રીકૃષ્ણ એ બંને પુત્રો માટે ઢગલો મીઠું લઈને જશે. મને વાસુદેવને કર આપવાનું કહ્યું એટલે યુદ્ધમાં મને જીતી લીધો. સાંભળો સાંભળો.’ શ્રીકૃષ્ણ આમ બોલ્યા એટલે બલરામ સહિત બધા યાદવો હંસ-ડિમ્ભકની મજાક ઉડાડવા લાગ્યા. ‘શ્રીકૃષ્ણ કર આપવાના.’ એમ કહી યાદવો એકબીજાને તાલી આપી પુષ્કળ હસવા લાગ્યા. તાળીઓનો તથા અટ્ટહાસ્યનો ધ્વનિ પૃથ્વીમાં વ્યાપી ગયો અને જનાર્દન હંસની નિંદા કરતો મનોમન બોલ્યો, ‘અરે, દૂતકાર્ય કેવું કષ્ટદાયક છે!’ અને તે સંકોચ પામીને નીચું મેં કરીને બેસી રહ્યો. યાદવોના હસીમજાકની વચ્ચે શ્રીકૃષ્ણે જનાર્દનને કહ્યું, ‘બ્રહ્મન્, તમે મારો સંદેશો સંભળાવજો- હું શાર્ઙ્ગધનુષમાંથી છોડેલાં અને શિલા પર ઘસીને ધારદાર કરેલાં બાણ વડે તમારા બંનેનો વધ કરીશ- તે મનસ્વી રાજાઓને મારી તીક્ષ્ણ તલવારથી કર આપીશ. મારા હાથે છોડેલું આ ચક્ર તમારું મસ્તક કાપી નાખશે. એ જ મારો કર. ભગવાન શંકરે તમને જે વરદાન આપ્યું છે તેને કારણે તમે ફાટી ગયા છો. જો તે શંકર તમારા રક્ષણહાર બનીને આવશે તો પણ તેમને હરાવીને હું તમને બંનેને મારી નાખીશ. કોઈ એવી જગા શોધી કાઢો જ્યાં આપણે ભેગા થઈ શકીએ. હું સેના અને વાહનો લઈને ત્યાં આવીશ. તમે પણ નિર્ભય થઈને સેના લઈને આવી ચઢજો. પુષ્કર, પ્રયાગ, મથુરા — જ્યાં કહેશો ત્યાં હંું આવી ચઢીશ, એમાં વધુ વિચાર કરવાની અનિવાર્યતા નથી. તમે જો આ સંદેશો એ બંનેને આપી ન શકો તો સાત્યકિને સાથે લઈ જજો, એ આ સંદેશ કહેશે. તમે માત્ર સાક્ષી રહેજો. તમારો મારા માટે જે સ્નેહ છે તે હું જાણું છું. આ દુઃખી સંસારમાં વિજયી થઈને મારી કથાવાર્તામાં પરોવાયેલા રહેજો.’ જનાર્દનને આમ કહીને શ્રીકૃષ્ણે સાત્યકિને કહ્યું, ‘તું આ બ્રાહ્મણ સાથે જઈને આપણી વાત એ બંનેને કહેજે. એટલે યુદ્ધભૂમિ પર આપણે વેળાસર મળી શકીએ. તું ધનુષ લઈને જજે, હાથમાં મોજાં પહેરી રાખજે. એક અશ્વ લઈને જજે. બીજા કોઈ સહાયકને લઈ જતો નહીં.’ સાત્યકિએ તેમની વાત માનીને શીઘ્ર ગતિવાળા અશ્વને તૈયાર કરી જવાનો નિર્ધાર કર્યો. પોતાની સાથે કોઈ સહાયક ન લીધો. શ્રીકૃષ્ણ બોલ્યા, ‘હંસ અને ડિમ્ભકની ધૃષ્ટતા તો જુઓ.’ પછી દૂત જનાર્દન શ્રીકૃષ્ણને વંદન કરીને સાત્યકિ સાથે ચાલી નીકળ્યા. શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા જનાર્દને રાજસભામાં પ્રવેશી સાત્યકિને આસન આપ્યું અને તેમની સાથે એક બીજા આસન પર તે બેઠા. હંસ અને ડિમ્ભકની સાથે સાત્યકિને ઓળખાણ કરાવી. ‘રાજન્, સાત્યકિ દ્વારકાથી દૂત બનીને આવ્યા છે. તેઓ શ્રીકૃષ્ણની જમણી ભુજા જેવા છે.’ આ સાંભળી હંસે કહ્યું, ‘તેમના વિશે મેં વાતો સાંભળી છે, આજે તેમનાં દર્શન થયાં. સાંભળ્યું છે તે પ્રમાણે આ સાત્યકિ વેદ, ધનુર્વેદ, શસ્ત્રવિદ્યા, શાસ્ત્રવિદ્યામાં નિપુણ છે. અહીં અમારી સામે ઉપસ્થિત થઈ બંને ભાઈઓને સ્નેહ કરી રહ્યા છે. સાત્યકિ, શ્રીકૃષ્ણ અને બલરામ કુશળ તો છે ને? ઉગ્રસેન અને બીજા યાદવો?’ સાત્યકિએ હળવા સૂરે કહ્યું, ‘હા, બધા કુશળ છે.’ તે વેળા તેમનું મેં રોષથી તમતમી ઊઠ્યું હતું. પછી વાક્ચતુર હંસે જનાર્દનને પૂછ્યું, ‘તું ચક્રધારી શ્રીકૃષ્ણને મળ્યો હતો ને? શું આપણું કાર્ય થયું? ત્યાંના બધા સમાચાર પૂરેપૂરા કહી સંભળાવ, સમયનો દુર્વ્યય ન કર.’ હંસે આમ કહ્યું એટલે નારાયણ સ્વરૂપ શ્રીકૃષ્ણની સ્તુતિ નિરંતર કરનાર જનાર્દને સ્મિતપૂર્વક કહ્યું, ‘હા, મેં શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં. તેમના એક હાથમાં શંખ છે અને બીજા હાથમાં ચક્ર છે. તેમના બાજુબંધ જાંબુનદ નામના સોનાથી મઢેલા છે. અને તે ઝગમગતી પ્રભાવાળા કૌસ્તુભ મણિ પહેરે છે. મેં આ ભગવાનનું દર્શન કર્યું છે. તેમને જૂના યાદવો, પ્રમુખ ઋષિઓ ભજે છે, ચારણો સહિત બીજા રાજાઓ તેમની સ્તુતિ કરે છે. પ્રવાલ અને કૂંપળ જેવા હોઠ પર સ્મિત રમે છે.’ અને એમ કહી શ્રીકૃષ્ણની વિસ્તારપૂર્વક પ્રશસ્તિ કરી. ‘તેઓ તમારું સ્મરણ કરતા હતા, ‘હું ક્યારે, ક્યાં તેમને મળીશ? કેવી રીતે તેઓ સામે આવશે?’ હાથમાં શંખ લઈને તેઓ આમ વિચારતા હતા. પોતે કરદાતા છે એ સાંભળીને તે હસવા લાગ્યા અને તમારો ઉપહાસ કરતા હતા. તે દેવર્ષિ નારદ અને દુર્વાસા મુનિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. તે વેળા હું વિચારતો હતો, ‘મારો મિત્રોએ કેવું અસાધ્ય કાર્ય ઉપાડ્યું છે? તમને બીજી બધી વાત સાત્યકિ કહેશે.’ જનાર્દનની વાત સાંભળીને ક્રોધે ભરાઈ હંસે કહ્યું, ‘અરે, બ્રાહ્મણ, તારા મોઢે આ કેવી વાત સાંભળું છું? ત્રણે લોકને જીતનારા એવા અમારી આગળ કહેવા માટે તારી પાસે આ જ વાત છે? શ્રીકૃષ્ણે તારા પર ભુરકી નાખી છે, તેમને જોઈને તારા મનમાં મોટો ભ્રમ પેદા થયો છે. આ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી શ્રીકૃષ્ણને જોઈ તું મોહ પામ્યો છે. તેમની માયાએ તને ભરમાવ્યો છે. મિત્ર છું એટલે તારી વાત મેં સાંખી લીધી. હવે તારે આ પૃથ્વી પર જ્યાં જવું હોય ત્યાં જા. હું એ ગોવાળને જીતીને અને ઘણા બધા યાદવોનો વિનાશ કરીને યજ્ઞ કરીશ. પહેલો સંકલ્પ યાદવોને જીતવાનો, તું જા, જતો રહે. બધી રીતે કષ્ટ પડ્યું હોવા છતાં હું બ્રાહ્મણનો વધ કરવા માગતો નથી.’ પછી હંસે સાત્યકિને કહ્યું, ‘બોલો યાદવકુમાર, તમે અહીં કેમ આવ્યા છો? નન્દપુત્રે શું કહેવડાવ્યું છે? મારા માટે કયો કર મોકલ્યો છે?’ સાત્યકિએ કહ્યું, ‘શંખ,ચક્ર, ગદા ધારણ કરનારા શ્રીકૃષ્ણનો સંદેશ સાંભળો. તેમણે કહ્યું છે. ‘હું શાર્ઙ્ગ ધનુષમાંથી છૂટેલા, શિલા પર ઘસીને ધારદાર કરેલા બાણ વડે તમારો બધો કર ચૂકવી દઈશ. મારી તીક્ષ્ણ તલવાર વડે તારું મસ્તક વાઢી નાખીશ. હંસ, તારા માટે આ કર સારો પુરવાર થશે. નૃપાધમ, તારી ધૃષ્ટતાની કોઈ સીમા છે? જે દેવાધિદેવ પાસે કર માગે તેની જીભ કાપી નાખવી જોઈએ, એ જ તેના કરનો અંત છે. શાર્ઙ્ગ ધનુષનો ટંકાર અને પાંચજન્ય શંખનો ધ્વનિ સાંભળીને કોણ જીવવાની ઇચ્છા કરશે? ભગવાન શંકર પાસેથી મળેલા વરદાનથી તું છકી ગયો છે, એટલે જ શ્રીકૃષ્ણને આમ કહે છે. બલરામ ઉપરાંત હું-સાત્યકિ, કૃતવર્મા, નિશદ, બભ્રુ, ઉત્કલ, તારણ, સારંગ, વિપૃથુ, ઉદ્ધવ વગેરે તેમની સાથે છે. તે બધા કૃષ્ણની આગળ જ ઊભા રહે છે. તેમના બે પુત્ર- પ્રદ્યુમ્ન અને સાંબ તો અશ્વિનીકુમાર જેવા છે. તેઓ એકલે હાથે તમારો વધ કરી શકે એમ છે. વાણીના દેવ શંકર તો વરદાન આપીને દૂર ઊભા છે. તમને બંનેને મારવાને તે સમર્થ છે. તમે બંને કોના ભરોસે યુદ્ધ કરવા માગો છો અને હાથમાં ધનુષબાણ લઈને ઊભા છો? તમે ત્રિલોકની રક્ષા કરનારા શ્રીકૃષ્ણના બાણ વડે મૃત્યુ પામશો! ભગવાને પૂછાવ્યું છે, યુદ્ધ ક્યાં કરવું છે? પુષ્કરમાં, ગોવર્ધન પર્વત પર, મથુરા કે પ્રયાગમાં? જ્યાં ઇચ્છા થાય ત્યાં આવજો. શ્રીકૃષ્ણની આજ્ઞા વિના કોણ રાજસૂય યજ્ઞ કરે? આવી વાત કરીને સાજોસમો તું ઘેર જઈ શકીશ? તું આ જગતમાં ઉપહાસપાત્ર બનીશ.’ આમ કહી સાત્યકિ ઊભા થઈ ગયા. તેમની વાત સાંભળીને હંસ અને ડિમ્ભક ક્રોધે ભરાયા. તેમની આંખો રાતી થઈ ગઈ. જાણે બધી દિશાઓમાં જોઈ બધું ભસ્મ કરી નાખવા માગતા હોય તેમ બધા રાજાઓ સામે જોઈને સાત્યકિને કહ્યું, ‘ક્યાં છે? અરે યાદવબટુક, અહીં અમારી આગળ તું કેવો બકવાસ કરી રહ્યો છે? તું અહીંથી ચાલતો થા. અત્યારે દૂત બનીને આવ્યો છે, નહીંતર તારો વધ જ કરત. તું સાચે જ નિર્લજ્જ છે. અમે બંને સમસ્ત વિશ્વ ઉપર રાજ કરવાના છીએ. અમને કર ન આપીને કોણ જીવતો રહેશે? અમે બધા ગોવાળ અને ઘણા યાદવોને બંદી બનાવી તેમનું સર્વસ્વ કરરૂપે લઈશું. અરે નરાધમ, તું અહીંથી ચાલ્યો જા. ગમે તેમ બકવાસ કરી રહ્યો છે. દૂત બનીને આવ્યો છે એટલે તું અવધ્ય છે. શંકર ભગવાને અમને વરદાન આપ્યું છે; તેમણે અસ્ત્રો પણ આપ્યાં છે. યુદ્ધભૂમિ પર બે મહાભૂત અમારી રક્ષા કરશે. અમે ગોવાળોને જીતીને રાજસૂય યજ્ઞ કરાવીશું. તેં જે જે નામ ગણાવ્યાં છે તે બધા તો કાયર છે. એ બધાને રણભૂમિ પર મારીને કેશવને હરાવીશ. અત્યારે ધનુષબાણવાળી વિશાળ સેના એકઠી કરેલી છે. તેમાં રથ હશે, રથીઓ બેસશે, અનેક અસ્ત્રશસ્ત્ર હશે, ઘણું બધું ઈંધણ હશે. હવે આ સેના કૂચ કરશે. તું અવધ્ય રહીને અહીંથી જતો રહે. બેએક દિવસમાં પુષ્કરમાં યુદ્ધ થશે ત્યારે કૃષ્ણ-બલરામની શક્તિ મપાઈ જશે. તેં ગણાવેલા રાજાઓનું બળ પણ માપી લઈશું.’ આ સાંભળી સાત્યકિએ કહ્યું, ‘તમે બંને ભાઈઓનો વધ કરવા હું કાલે કે પરમ દિવસે આવીશ. જો હું દૂત ન હોત તો આજે જ તમને બંનેને મારી નાખત. તમે બંને કટુભાષીઓને આવતી કાલે કે પરમ દિવસે મારી નાખીશ. દૂત બનનારાઓએ ઘણાં દુઃખ વેઠવાં પડે છે. નહીંતર તમને બંનેને હું મારીને સુખી થાત… શ્રીકૃષ્ણ તમારું અભિમાન ઓગાળી નાખશે.’ એમ કહી સાત્યકિ રથમાં બેસીને જતા રહ્યા. દ્વારકા જઈને હંસ અને ડિમ્ભકની બડાઈ સાત્યકિએ કહી સંભળાવી. એટલે કેશવે સેનાપતિઓને કહ્યું, ‘રથ, હાથી, ઘોડાવાળી સેના સજ્જ કરો. સાથે ભેરી, ઢોલ જેવાં વાજિંત્ર પણ રાખજો. બધાં જ શસ્ત્રોથી સેનાને સજ્જ કરજો. ધ્વજા પતાકા, અલંકાર જેવાં આવશ્યક સાધન-સામગ્રી તૈયાર રાખજો.’ શ્રીકૃષ્ણની સૂચના પ્રમાણે સેના સજ્જ કરીને મુખ્ય મુખ્ય વીર સિંહનાદ કરતા નીકળી પડ્યા. ક્રોધે ભરાયેલા સાત્યકિ પણ આગળ ચાલ્યા. દારુક દ્વારા સજાવેલા રથ પર બેસીને શ્રીકૃષ્ણ શાર્ઙ્ગ ધનુષબાણ લઈને નીકળ્યા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા હતા. તેમણે હાથમોજાં પહેર્યાં હતાં. પીતાંબરધારી શ્રીકૃષ્ણ નવ ઘનશ્યામ જેવા દેખાતા હતા. તેમના વક્ષ:સ્થળે કમળહાર હતા. બ્રાહ્મણો દ્વારા થતી સ્તુતિ સાંભળતા તે જઈ રહ્યા હતા. પાંચજન્ય શંખ વગાડી ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. બીજાઓએ પણ ભેરી જેવાં વાજિંત્રો વગાડ્યાં. એમ કરતાં કરતાં બધા પુષ્કરમાં આવી પહોેંચ્યા. હંસ અને ડિંભકની પ્રતીક્ષા કરતા તેઓએ પુષ્કર સરોવરના કાંઠે પડાવ નાખ્યો. પોતપોતાને સ્થાને તેઓ સુખેથી સૂતા. સુંદર સરોવરને જોઈને શ્રીકૃષ્ણે આચમન કર્યું. ત્યાંના સાધુઓની વંદના કરી અને હંસ-ડિંભકના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. પછી હંસ અને ડિમ્ભક પણ રથમાં બેસીને પુષ્કરતીર્થ પહોેંચ્યા. તેમની આગળ સંહાર કરવાની ઇચ્છાવાળા બે ભયાનક ભૂત ચાલી રહ્યા હતા. તેમના આખા શરીરે ભસ્મ હતી અને મોટેથી તેઓ ગર્જના કરતા હતા. તેમના લલાટે ત્રિપુંડરેખા હતી. તેઓ જાણે બીજા રુદ્ર ન હોય એમ લાગતા હતા. તેમની પાછળ સેંકડો સૈનિકો હતા. તે બંનેની સાથે વિચક્ર નામનો દાનવ પણ હતો. તે આ બંધુઓનો મિત્ર હતો. વજ્રધારી ઇન્દ્ર પણ તેમની સામે કશું ન હતા. દેવાસુર સંગ્રામમાં તે વીરે દેવરાજ ઇન્દ્રને પણ પરાજિત કર્યા હતા. ભૂતકાળમાં તેણે વિષ્ણુ સાથે પણ યુદ્ધ કર્યું હતું. દ્વારકામાં આવીને યાદવોને પીડા પહોેંચાડી હતી. યુદ્ધના સમાચાર જાણીને કેટલાય લાખ દાનવોની સાથે હિડિંબ હંસ અને ડિમ્ભકની સહાય કરવા તે અહીં આવી ચઢ્યો હતો. તે દિવસોમાં હિડિંબ વિચક્રનો મિત્ર હતો. તે તો યુદ્ધમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતો. હિડિંબ બીજા નરભક્ષી રાક્ષસો સાથે ત્યાં જઈ ચઢ્યો. પોતાના હાથમાં શિલા અને પટ્ટિશ લઈને અઠ્યાસી હજાર દાનવો હિડિંબની પાછળ પાછળ આવ્યા હતા. હંસ અને ડિમ્ભકની સેના રાક્ષસો અને દૈત્યોથી છવાઈ ગઈ. તે સેના ત્રણે લોકને ભયભીત કરતી હતી. વિચક્રની સાથે તે બંને — હંસ અને ડિમ્ભક શ્રીકૃષ્ણનો વધ કરવા પુષ્કરમાં આવ્યા. પછી યાદવો અને હંસ-ડિમ્ભક વચ્ચે થનારા યુદ્ધના સમાચાર સાંભળી જરાસંધ તેમને પાપના ડરથી સહાય ન કરી. બીજા રાજાઓ હંસ અને ડિમ્ભકની સાથે જોડાયા તે બધા ગરજી ગરજીને કહેવા લાગ્યા, ‘પહેલાં હું જ શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરીશ. પુષ્કર તીર્થનો તો મહિમા બહુ મોટો છે. બંને સેના આમનેસામને આવી ગઈ. બંને પાસે અસંખ્ય અસ્ત્ર-શસ્ત્ર હતાં. બંને સેના એકબીજાને જીતવા માગતી હતી, એટલે બંને વચ્ચે ઘોર યુદ્ધ આરંભાકહ્યું. યોદ્ધાઓએ ફેંકેલી તલવાર શત્રુઓની છાતી વીંધતી, તેમનાં મસ્તક કપાઈને આકાશમાં ઊછળતાં. રાજાઓ અને રાક્ષસોની કાયાઓ વીંધાવા લાગી અને આમ ઘોર યુદ્ધ ચાલ્યું. મરી ગયેલા યોદ્ધાઓનાં શરીર ચૂંથવા બાજ, ગીધ આવી ચઢ્યાં. આ યુદ્ધમાં સત્યાસી હજાર હાથી, ત્રીસ કરોડ ઉમદા અશ્વારોહીઓ મૃત્યુ પામ્યા. કેટલાય યોદ્ધાઓ ઘાયલ થઈ મૃત્યુ પામ્યા, કેટલાયે તરસે મરી પુષ્કરમાં ઝંપલાવ્યું. ભૂતકાળના દેવાસુર સંગ્રામ જેવો આ સંગ્રામ હતો. શાર્ઙ્ગધારી શ્રીકૃષ્ણે વિચક્ર સાથે યુદ્ધ કરવા માંડ્યું. બલરામ હંસ સાથે, સાત્યકિ ડિમ્ભક સાથે લડવા લાગ્યા. શ્રીકૃષ્ણે દૈત્યની છાતીમાં તોતેર બાણ માર્યાં, દાનવે પણ શ્રીકૃષ્ણની છાતીમાં ઇન્દ્રનાં દેખતાં બાણ માર્યું, એટલે તેઓ લોહી ઓકવા લાગ્યા. પછી ક્રોધે ભરાઈને શ્રીકૃષ્ણે તેની ધજા કાપી નાખી, ચારેય ઘોડા અને સારથિનો વધ કરીને શંખ વગાડ્યા. પછી ક્રોધથી મૂચ્છિર્ત થયેલા દાનવે સ્વસ્થ થઈને ભયાનક શક્તિશાળી ગદા લઈ શ્રીકૃષ્ણના મુુકુટને અને પછી તેમના લલાટને ઘાયલ કર્યા અને તે સિંહનાદ કરવા લાગ્યો. તે પછી તેણે બહુ મોટી શિલા ઉપાડીને શ્રીકૃષ્ણની છાતી પર ફંગોળી. તે શિલાને પોતાના પર આવતી જોઈને શ્રીકૃષ્ણે હાથ વડે ઊંચકી લીધી અને તે દૈત્ય પર પાછી ફેંકી. એટલે તે દૈત્ય મૃત:પ્રાય થઈ ગયો અને દીર્ઘ શ્વાસ લેતો ધરતી પર ઢળી પડ્યો. પછી સ્વસ્થ થઈને તે ક્રોધે ભરાયો. ક્રોધને કારણે તેનું તેજ બમણું થઈ ગયું. ભયંકર પરિઘ લઈને ભગવાનને કહેવા લાગ્યો, ‘ગોવિંદ, આ પરિઘ વડે તમારું અભિમાન ઓગાળી નાખીશ. દેવાસુર સંગ્રામ વેળા તો તમે મારું પરાક્રમ જોયું હતું. એ જ મારી વિશાળ ભૂમિ છે, હું પણ એ જ છું. તમે મારી શક્તિ જાણી ગયા છો તો પણ મારી સાથે યુદ્ધ કરવા માગો છો. મારા હાથમાંથી છૂટેલા આ પરિઘને રોકી તો જુઓ.’ એમ કહીને શ્રીકૃષ્ણ પર એ પરિઘ છોડ્યું. ભગવાને તે હાથમાં પકડી લીધું અને કહ્યું, ‘હવે તારું આવી બન્યું.’ પોતાની તલવાર વડે એ પરિઘના ટુકડેટુકડા કરી નાખ્યા. પછી તે દૈત્યે સો શાખાવાળા એક ઊંચા વૃક્ષને ઉખાડી ભગવાન પર ફેંક્યું. શ્રીકૃષ્ણે તલવાર વડે તે વૃક્ષના પણ ટુકડેટુકડા કરી નાખ્યા. પછી તેનો વધ કરવાની ઇચ્છાથી અગ્ન્યાસ્ત્રનું સંધાન કરી બાણ માર્યું. તે બાણે બધાના દેખતાં જ તે દૈત્યને ભસ્મ કરી દીધો, અને તે બાણ પાછું શ્રીકૃષ્ણના હાથમાં પહોેંચી ગયું. પછી બચી ગયેલા દૈત્યો દસે દિશામાં ભાગતા ભાગતા મહાસાગરમાં જઈ ચઢ્યા. શ્રેષ્ઠ ધનુર્ધારી બલરામે ધનુષ હાથમાં લઈ દસ બાણ મારીને હંસને ઘાયલ કર્યો. હંસે પણ સામા પાંચ બાણ માર્યાં પણ બલરામે દસ બાણ વડે તેમને અધવચ્ચે કાપી નાખ્યાં, અને વળી હંસના લલાટમાં એક બાણ માર્યું. એનાથી હંસ બેસુધ થઈ ગયો. પછી સ્વસ્થ થયો ત્યારે ભાથામાંથી બાણ કાઢીને બલરામ પર છોડ્યું, અને તેમને ઘાયલ કર્યા, બધાને અચરજ પમાડી સિંહનાદ કર્યો. તેના બાણથી ઘાયલ થઈને બલરામ ક્રોધે ભરાયા અને લોહીની ઊલટી કરી તેમણે નિ:શ્વાસ નાખ્યા. તેમનું શરીર લોહીથી, કંકુથી ભીંજાયેલા જેવું થયું. પછી ભૂરા વસ્ત્રવાળા બલરામે હંસને અનેક બાણ વડે પીડા પહોેંચાડી. હંસના રથ, ધનુષ, ચક્ર વગેરેને વીંધ્યા. પછી હંસે એક બાણ વડે બલરામની ધજા કાપી નાખી, ચાર બાણ મારી ઘોડાના પ્રાણ હરી લીધા, એક બાણ વડે સારથિને યમલોક મોકલી દીધો. એટલે ક્રોધે ભરાઈને બલરામ ગદા લઈને હંસ પર ટૂટી પડ્યા. એ ગદા વડે હંસનાં રથ, ધ્વજ, ચક્ર, અશ્વ, સારથિને પૂરા કર્યા, અને વારંવાર ગર્જના કરી. ફરી હંસ પર ગદા વડે આક્રમણ કર્યું. આ જોઈ હંસ પણ ગદા લઈને કૂદી પડ્યો, આમ બન્ને વચ્ચે ગદાયુદ્ધ થયું.

તે બંને પરાક્રમી, એકબીજાના વધની ઇચ્છાવાળા, યુદ્ધ માટે ભારે પરિશ્રમ કરનારા હતા. ભૂતકાળમાં જેવી રીતે દેવાસુર સંગ્રામમાં ઇન્દ્ર અને વૃત્રાસુર ઝૂઝયા હતા તેવી રીતે આ બંને યુદ્ધ કરી રહ્યા હતા. બંનેનાં શરીર લોહીથી લથપથ હતાં. એકબીજાના બળથી બંનેને દુઃખ થતું હતું. પછી બલભદ્રે જમણી દિશા પકડી, હંસે ડાબી દિશા પકડી. અને બંનેએ એકબીજાને ગદા વડે ઘાયલ કર્યા. શરીરનું બધું બળ પ્રયોજીને સામાને મારવાની ઇચ્છાથી આક્રમણ કર્યું. દેવતા, ગંધર્વ, કિન્નર આ જોઈને કહેવા લાગ્યા, આવું યુદ્ધ નથી જોયું, નથી સાંભળ્યું. પછી હંસે જમણી દિશા પકડી, બલરામે ડાબી દિશા પકડી. યુદ્ધવિશારદ આ બંનેએ દેવતાઓના દેખતાં જ એકબીજા પર ગદા વડે ભારે ઘા કર્યા. 

આ બાજુ સાત્યકિ અને ડિમ્ભક યુદ્ધ કરતા હતા. બંને વીર વિખ્યાત હતા. મહાયુદ્ધમાં ભારે પરિશ્રમ તેમણે કર્યો હતો. સાત્યકિએ વેદપારંગત ડિમ્ભકના શરીરમાં દસ બાણ માર્યાં. પોતાના પરાક્રમ પર ગર્વ ધરાવતા ડિમ્ભકે સાત્યકિ ઉપર પાંચ હજાર નારાચ ઉગામ્યા પણ સાત્યકિએ વચ્ચે જ એ બધાને ખંડિત કરી દીધા. પછી સાત બાણથી ઘાયલ થયેલા ડિમ્ભકે ફરી અસંખ્ય બાણ વડે સાત્યકિને ક્ષતવિક્ષત કરી નાખ્યા. એટલે સાત્યકિએ અર્ધચન્દ્રાકાર બાણ વડે ડિમ્ભકનું ધનુષ છેદી નાંખ્યુ. હવે તેણે બીજું ધનુષ લઈ સાત્યકિને ઘાયલ કર્યા. તે બાણથી ઘાયલ થયેલા અને લોહી ઓકતા સાત્યકિ વસંતમાં ખીલી ઊઠતા કેસૂડા જેવા દેખાયા. ફરી તેમણે ડિમ્ભકનું ધનુષ છેદી નાંખ્યું, એટલે નવું ધનુષ લઈ ફરી સાત્યકિ ઉપર પ્રહાર કર્યો. બધા ક્ષત્રિયોના દેખતાં જ સાત્યકિએ ડિમ્ભકના એકસો દસ ધનુષ છેદી નાખ્યાં, પછી બંને પોતાનાં ધનુષ પડતાં મૂકીને તલવાર લઈને યુદ્ધ કરવા લાગ્યા, તેઓ એ યુદ્ધના નિષ્ણાત હતા. દુ:શાસનપુત્ર, સોમદત્તપુત્ર, ભૂરિશ્રવા, અભિમન્યુ, નકુલ — આ બધા અસિયુદ્ધમાં નિષ્ણાત ગણાય. આ બધામાં સાત્યકિ અને ડિમ્ભક સર્વોત્તમ ગણાય. તે બંને એકબીજા સાથે તલવાર વડે લડવા લાગ્યા અને તેમણે અસિયુદ્ધના બધા પ્રકાર અજમાવ્યા. યુદ્ધનો નિશ્ચય બંનેએ કર્યો હતો. દેવતા, ગંધર્વ, સિદ્ધ અને મહર્ષિ- આ બધાએ વિજય માટે મથી રહેલા આ બંનેની બહુ પ્રશંસા કરી. ‘અરે બાહુબલથી શોભતા આ બંને વીરનાં પરાક્રમ અને ધૈર્ય અદ્ભુત છે. યુદ્ધમાં તેઓ સમર્થ છે, અસિયુદ્ધ અને ધનુર્યુદ્ધના નિષ્ણાત છે, એક શંકરના અને બીજા દ્રોણના શિષ્ય છે. અર્જુન, સાત્યકિ અને વાસુદેવ — આ ત્રણે યુદ્ધમાં મહાવીર કહેવાય છે. ડિમ્ભક, કાર્તિકેય અને શિવ — આ ત્રણ મહારથીઓ છે.’ આમ દેવતા, ગંધર્વ, સિદ્ધ, પક્ષ અને મુખ્ય નાગ યુદ્ધ જોવા આવેલા હતા અને તેઓ એકબીજા સાથે આવી વાતો કરતા હતા. વસુદેવ અને ઉગ્રસેન વૃદ્ધ થયા હતા છતાં યુદ્ધમાં પરમ સુખ માનતા હતા. તેમનાં શરીર સાવ જરી ગયાં હતાં, કરચલીઓ પડી ગઈ હતી, માથાના વાળ ધોળા થઈ ગયા હતા. તેઓ બંને હિડિંબ રાક્ષસ સામે યુદ્ધ કરવા લાગ્યા. અનેક બાણો વડે રાક્ષસને ઘાયલ કરી દીધો. રાક્ષસ મનુષ્યોને ખાઈ ખાઈને પુષ્ટ થઈ ગયો હતો. તેના હાથ વિશાળ, પેટ મોટું, આંખો વિકરાળ. માથાના વાળ પિંગલવર્ણા, આંખો વિકૃત, નાક બાજની ચાંચ જેવું, શરીર પર્વતાકાર, મોટી મોટી દાઢો, શિયાળ જેવું મેં. આ રાક્ષસ આખા જગતનો જાણે કોળિયો કરી જવા માગતો હતો. ખભા ઊંચા, છાતી વિશાળ, ગરદન લાંબી, દેખાતો હાથી જેવો. પટારો ભરીને માંસ ખાવા જોઈએ, અને ઘડા ને ઘડા ભરીને લોહી પીવા જોઈએ. હાથી વડે હાથીને, ઘોડા વડે ઘોડાને, રથો વડે રથોને, પદાતિઓ વડે પદાતિઓને કચડી નાખવા માગતો હતો. પોતાની સામે મનુષ્યો આવે એટલે નસકોરાં વડે તેમને ખેેંચી લેતો હતો. નરભક્ષી હિંડિબ કેટલાક યાદવોને મારીને ખાઈ ગયો હતો. કેટલાકને ખાતાં ખાતાં દૂર ફેંકી દેતો હતો. જેવી રીતે ક્રોધે ભરાયેલા રુદ્ર અન્તકાળે પ્રાણીઓનો સંહાર કરે છે તેવી રીતે એક ક્ષણમાં ઘણા યાદવોને ખાઈ ગયા. કેટલાક યાદવો ભય પામીને નાસી ગયા, કેટલાય તેના પેટમાં પહોેંચી ગયા. આ દરમિયાન વૃદ્ધ યાદવશ્રેષ્ઠ વસુદેવ અને ઉગ્રસેન ક્રોધે ભરાઈને તેની સામે આવી ઊભા- જાણે ક્રોધે ભરાયેલા સિંહની સામે બે અત્યન્ત વૃદ્ધ હરણ. ભયાનક-નેત્રવાળો રાક્ષસ બંનેને ખાઈ જવા મેં ખુલ્લું રાખીને દોડ્યો. ખુલ્લા મેં વડે તે પાતાળતલ જેવો લાગતો હતો. માનવશરીરોને વારંવાર ચાવતો રાક્ષસ તે બંને સામે દોડ્યા. ત્યારે યુદ્ધકુશળ આ યાદવોએ તેના ખુલ્લા મેંમાં બાણ ઠાલવી દીધાં. રાક્ષસ તે બધાં બાણનું નિવારણ કરી ફરી મેં ખુલ્લું કરીને દોડ્યો. તેણે બંનેનાં ધનુષ છિનવીને તોડી નાખ્યાં, પછી પોતાના હાથ ફેલાવીને તે વસુદેવને પકડવા ગયો. હિડિંબે કહ્યું, ‘ઉગ્રસેન, તું શા માટે અહીં ઊભો છે? હું તમને બંનેને હમણાં ખાઈ જઈશ. તારી સાથે વસુદેવને પણ. આવો, મારા મોઢામાં. તમે બંને મારા ગ્રાસ છો. વિધાતાએ શ્રીકૃષ્ણના પિતા બનાવેલા વસુદેવ ભૂખ્યા છે, પરિશ્રમથી થાક્યા છે. યુદ્ધમાં પરાક્રમ દેખાડે છે. હવે તમે મારા મોઢામાંથી બચીને બીજે જવાના નથી, મારા મોઢામાં પ્રવેશો. તમારું લોહી પીને મને તૃપ્તિ થશે. પછી તમારા બંનેનું માંસ આરોગીશ.’ આમ બોલતો રાક્ષસ મેં ખોલીને તેમની દિશામાં દોડ્યો. શસ્ત્રહીન થયેલા વસુદેવ અને ઉગ્રસેન ભયભીત થઈને આમતેમ દોડવા લાગ્યા. એટલામાં બલરામે વસુદેવને અને ઉગ્રસેનને આ સ્થિતિમાં જોયા એટલે હંસનો ભાર શ્રીકૃષ્ણ પર નાખીને રાક્ષસ સામે ઊભા રહીને બોલ્યા, ‘અરે દુરાત્મા, આવું સાહસ ન કર. આ બંનેને જવા દે. હું ઊભો છું. શત્રુઓનો વધ કરવાની ઇચ્છા ધરાવું છું, મારી સાથે યુદ્ધ કર. હું તને મારી નાખીશ.’ આમ સાંભળી તે રાક્ષસે ઉગ્રસેન અને વસુદેવને પડતા મૂક્યા અને તેણે વિચાર્યું, ‘આ મહાદુષ્ટ છે એટલે પહેલાં તેને ખાઈ જઉં.’ પછી મેં પહોળું કરીને બલરામ પર ટૂટી પડ્યો. બલરામ ધનુષ મૂકીને હાથ પર હાથ દબાવતા ત્યાં ઊભા. હિડિંબે બલરામની છાતીમાં મુક્કો માર્યો. બલરામ ક્રોધે ભરાયા અને તેમણે પણ રાક્ષસને મુક્કો માર્યો. પછી તો બંને વચ્ચે મુક્કાબાજી ચાલી. તેમના મુક્કાઓનો ધ્વનિ સંભળાવા લાગ્યો. હિડિંબે બલરામની છાતીમાં મુક્કો માર્યો, જાણે દેવરાજ ઇન્દ્રે વજ્ર વડે પર્વત પર આક્રમણ કર્યું. બલરામે રાક્ષસની છાતીમાં મુક્કા માર્યા. તેના મેં પર લપડાકો મારી, એનાથી નિશાચર હિડિંબ મૃત:પ્રાય બનીને ઘૂંટણિયે પડી ગયો. પછી બલરામે તે રાક્ષસને બંને હાથ વડે પકડ્્યો અને તેને ઘુમાવ્યો, ખાસ્સા સમય સુધી ઘુમાવ્યો. પછી બધાના દેખતાં તે રાક્ષસને ઉછાળી દૂર દૂર ફેેંકી દીધો અને તે રાક્ષસ મૃત્યુ પામ્યો. જે કોઈ રાક્ષસો ત્યાં હતા તે બલરામથી બી જઈને દસે દિશામાં ભાગી ગયા. સૂર્યનારાયણ પોતાનું તેજ સમેટીને અસ્ત પામ્યા, પ્રજાજનોનાં નેત્રોમાં અંધકાર પ્રવેશ્યો. સૂર્ય સમુદ્રજલમાં ડૂબ્યા એટલે ચન્દ્રોદય થયો. હંસની સેનાના શ્રેષ્ઠ રાજાઓ બોલવા લાગ્યા, ‘હવે આવતીકાલનું યુદ્ધ કિન્નરોથી ગાજતા ગોવર્ધન પર્વત પર થાય તો સારું.’ પછી તો હંસ અને ડિમ્ભક રાતોરાત ગોવર્ધન પર્વત પર પહોેંચ્યા. પ્રભાતકાળે સૂર્યોદય થયો એટલે શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વત પર ગયા. બધા એક સાથે ગોવર્ધન પર પહોેંચ્યા. તે પર્વત પર ગોધન અને સેનાઓના ધ્વનિ ગાજવા લાગ્યા. યાદવો પર્વતની ઉત્તરે પહોેંચ્યા અને યમુના પાસે ફરી યુદ્ધ આરંભાયું. વસુદેવે સાત બાણ વડે હંસ અને ડિમ્ભકને ઘાયલ કર્યા. સારણે પચીસ અને કંકે બાણ દસ બાણ માર્યાં. વિરાટે ત્રીસ, સાત્યકિએ સાત, વિપૃથુએ એેંસી અને ઉદ્ધવે દસ બાણ માર્યાં. આમ હંસ અને ડિમ્ભકની સાથે બધા યાદવો બાખડ્યા. ઉગ્રસેને તોતેર બાણ માર્યાં. પ્રદ્યુમ્ને ત્રીસ, સાંબે સાત, અનાધૃષ્ટિએ એકસઠ બાણ માર્યાં. આમ બધા યાદવ ઉત્સાહિત થઈને લડવા લાગ્યા. શ્રીકૃષ્ણના દેખતાં જ હંસ અને ડિમ્ભક સાથે યાદવો યુદ્ધ છેડી બેઠા. હંસે અને ડિમ્ભકે પણ બાણો વડે યાદવોને ઘાયલ કર્યા. તે બંનેએ તીવ્ર ધારવાળા બાણ વડે પ્રત્યેકને ખૂબ ઘાયલ કર્યા. બધા એનાથી ઘવાઈને લોહી ઓકવા લાગ્યા. તે જ વેળા શ્રીકૃષ્ણ અને બલરામ હાથમાં ધનુષ લઈને બંનેની સામે ઊભા રહી ગયા. જાણે ઇન્દ્ર અને કાર્તિકેય અસુરોની સામે લડતા ન હોય! આકાશમાં વિમાનોમાં બેસીને ગંધર્વ, સિદ્ધ, યક્ષ આ યુદ્ધ જોવા લાગ્યા. ત્યાં હંસ અને ડિમ્ભકની રક્ષા માટે મહાદેવે મોકલેલા બે ભૂતેશ્વર દૂત આવીને ઊભા. શ્રીકૃષ્ણ અને હંસ એકબીજા સાથે લડવા લાગ્યા. તે બધા અસ્ત્ર, શસ્ત્ર, પરાક્રમમાં નિપુણ હતા. આ બધાએ પોતપોતાનાં શંખ વગાડ્યા. પછી શ્રીકૃષ્ણે બધાને અચરજ પમાડતો પાંચજન્ય શંખ વગાડ્યો. લંબોદર અને વિશાળ શરીરવાળા ભયાનક ભૂતોએ શૂલ વડે શ્રીકૃષ્ણ પર આક્રમણ કર્યું. દેવતાઓ અને ગંધર્વોની પાસે એ બંનેના આક્રમણને કારણે શ્રીકૃષ્ણના મેં પર સ્મિત પ્રગટ્યું, અને તેમણે રથમાંથી નીચે કૂદીને બંને ભૂતેશ્વરોને પકડીને સો વખત ઘુમાવ્યા અને કૈલાસપર્વતની દિશામાં ફંગોળી દીધા. તે બંને કૈલાસપર્વતના શિખરે પહોેંચીને શ્રીકૃષ્ણનું આ પરાક્રમ જોઈને અચરજ પામ્યા, આ નિહાળીને હંસની મોટી મોટી આંખો ક્રોધથી રાતીચોળ થઈ ગઈ. દેવતાઓના દેખતાં તે બોલ્યો, ‘કેશવ, અમારા રાજસૂય યજ્ઞમાં શા માટે વિઘ્ન નાખો છો. બ્રહ્મદત્ત આ મહાયજ્ઞ કરશે. જો જીવ વહાલો હોય તો આ યજ્ઞમાં ઉચિત કર આપજો. જેવી રીતે દેવાધિદેવ શંકર છે તેમ બધા રાજાઓનો ઈશ્વર હું છું. આ યુદ્ધમાં તમારા અનુપમ બળનો વિનાશ કરીશ.’ આમ કહી હંસે ધનુષ બાણ હાથમાં લીધાં અને શ્રીકૃષ્ણના લલાટ પર પ્રહાર કર્યો. તે તો શ્રીકૃષ્ણ પર આભૂષણની જેમ સોહી ઊઠ્યું. શ્રીકૃષ્ણે સાત્યકિને કહ્યું, ‘વીર, તું મારો રથ હાંક.’ એટલે દારુકને ખસેડી સાત્યકિ રથ હાંકવા બેઠો. સાત્યકિએ રણભૂમિ પર રથ વડે ઘણી લીલા કરી. હંસના બાણ વડે ગંભીર ઘા પામેલા શ્રીકૃષ્ણે આગ્નેયાસ્ત્ર ઉગામી સાત્યકિને યુદ્ધભૂમિ પર આગળ વધવા કહ્યું અને હંસને કહ્યું, ‘પાપી, આ બાણ વડે હમણાં જ તને બાળી મૂકીશ, શક્તિ હોય તો તેને અટકાવજે. હવે બકવાસથી તને કશો લાભ નહીં થાય. તું ક્ષત્રિય છે તો કર્તવ્યપાલન કર. મારી પાસેથી કર જોઈતો હોય તો દેખાડ તારું પરાક્રમ. પુષ્કરમાં વસતા સાધુઓને તેં સંતાપ્યા છે, મારા હોવા છતાં તું બ્રાહ્મણો પર શાસન કરવા જાય છે, તારા જેવા ક્ષત્રિય રૂપી કંટકોનો નાશ કરીશ. તું પ્રમુખ સાધુઓના શાપથી આમેય મરી ચૂક્યો છે. આજે હું તને મોતના મેંમાં મોકલીને બ્રાહ્મણોની રક્ષા કરીશ.’ આમ કહી શ્રીકૃષ્ણે આગ્નેયાસ્ત્ર ફ્ેંક્યું, હંસે વારુણાસ્ત્ર વડે તેનું નિવારણ કર્યું. ગોવિંદે હંસ પર વાયવાસ્ત્ર ચલાવ્યું તો હંસે સામે મહેન્દ્રાસ્ત્ર ફેંક્યું. શ્રીકૃષ્ણના માહેશ્વરાસ્ત્રનું નિવારણ હંસે રૌદ્રાસ્ત્ર વડે કર્યું. શ્રીકૃષ્ણે સતત ગાંધર્વ, રાક્ષસ, પૈશાચ અસ્ત્ર ફેંક્યાં, હંસે બ્રહ્માસ્ત્ર, કૌબેરાસ્ત્ર, આસુરાસ્ત્ર અને યાસ્યાસ્ત્ર ફેંક્યાં. પછી જનાર્દન દેવે બ્રહ્મશિર નામનું ભયાનક, વિનાશક અસ્ત્ર ફેંક્યુું, આ અસ્ત્ર જોઈ હંસ ભયભીત થઈ ગયો, તો એ જ અસ્ત્ર વડે તેનું નિવારણ કર્યું. પછી બધાં પ્રાણીઓનું પોષણ કરનાર દેવાધિદેવ જનાર્દને યમુનાજીના જળનું આચમન કરીને એક તીક્ષ્ણ બાણ પર વૈષ્ણવાસ્ત્રનું સંધાન કર્યું. ભૂતકાળમાં દેવતાઓએ અસુરોનો વધ કરવા આ જ અસ્ત્ર પ્રયોજ્યું હતું. અત્યારે હંસનો વધ કરવા શ્રીકૃષ્ણે એ જ અસ્ત્ર વાપર્યું. આ ભયાનક અસ્ત્ર જોઈને હંસ ગભરાઈ ગયો, તે રથમાંથી કૂદીને યમુના નદીની દિશામાં ભાગ્યો, તે નદીમાં શ્રીકૃષ્ણે એક કાળે કાલિય નાગને નાથ્યો હતો. તે ધરો બહુ ભયાનક અને ઊંડો હતો. તેનો વિસ્તાર પણ બહુ મોટો હતો. તે ઘોર ધરામાં હંસ કૂદી પડ્યો, એના કૂદવાથી બહુ મોટો ધ્વનિ થયો — જાણે ઇન્દ્રે સમુદ્રમાં પર્વતો ફેંક્યા. શ્રીકૃષ્ણ પણ જગતને આશ્ચર્ય પમાડી તે ધરામાં કૂદ્યા અને હંસ ઉપર પગ વડે પ્રહાર કર્યો. એ પ્રહારથી હંસ મૃત્યુ પામ્યો. કેટલાક એમ કહે છે કે તે પાતાળમાં પહોેંચી ગયો અને સાપ તેને ખાઈ ગયા. ત્યાંથી તેને પાછો આવેલો કોઈએ જોયો નથી. પછી શ્રીકૃષ્ણ રથ પર આવી ગયા. બધા કહેવા લાગ્યા, શ્રીકૃષ્ણે હંસનો વધ કર્યો, વધ કર્યો. પોતાનો પરાક્રમી ભાઈ હંસ યુદ્ધમાં મૃત્યુ પામ્યો એ સાંભળીને બળવાન ડિમ્ભક બલરામને ત્યાં જ મૂકીને યમુનાકાંઠે ગયો અને બલરામે તેનો પીછો કર્યો. હંસ જ્યાં કૂદ્યો હતો ત્યાં ડિમ્ભક પણ કૂદ્યો અને તેણે યમુનાનાં પાણી ડહોળી નાખ્યાં. ક્રોધે ભરાયેલો ડિમ્ભક ઘડીમાં ડૂબકી મારતો અને ઘડીમાં ઉપર આવતો હતો. આમ છતાં તેણે પોતાનો ભાઈ ન જોયો. શ્રીકૃષ્ણ સામે જઈને પૂછ્યું, ‘અરે ગોપ, હંસ ક્યાં છે?’ વાસુદેવે ઉત્તર આપ્યો, ‘નીચ, યમુનાને પૂછ.’ આમ સાંભળીને ડિમ્ભકે ફરી યમુનામાં ડૂબકી મારી અને તે વિલાપ કરવા લાગ્યો, અને યમુનાના ધરામાં જ ડૂબકી મારીને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો અને તે એમ મૃત્યુ પામ્યો. બંને ભાઈઓ મૃત્યુ પામ્યા એટલે શ્રીકૃષ્ણ પાછા ફર્યા, બલરામ સાથે પોતાના જૂના સ્થાને થોડો સમય ગોવર્ધન પર્વત પર રહ્યા. (ભવિષ્યપર્વ ૧૦૪-૧૨૯)

સત્યભામા અને પારિજાત

રુક્મિની દેવીના ઉપવાસવ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીકૃષ્ણનો સમગ્ર પરિવાર રૈવતક પર્વત પર ગયો. શ્રીકૃષ્ણે દેવીનો બહુ આદર કર્યો અને તે વેળા નારદ ઋષિ ત્યાં આવ્યા, ભગવાને તેમની પૂજા કરી. ઋષિએ શ્રીકૃષ્ણના હાથમાં પારિજાત પુષ્પ મૂક્યું અને ભગવાને તે પુષ્પ રુક્મિની દેવીને આપ્યું. દેવીએ એ પુષ્પ માથામાં પરોવ્યું. એને કારણે દેવીની શોભા અનેકગણી વધી ગઈ. નારદ મુનિ બોલ્યા, ‘આ પુષ્પ તારા જ માટે હતું. તારા સ્પર્શથી આ પુષ્પ બધી રીતે અલંકૃત થઈ ગયું. આ પુષ્પને કારણે તું અત્યંત પૂજનીય થઈ ગઈ. આ પુષ્પ એક વરસ સુધી કરમાશે નહીં. તે એક વર્ષ સુધી સુવાસિત રહેશે, જેટલી ઠંડી કે ગરમી જોઈએ તે બધી આ પુષ્પ આપશે, મનમાં જે શ્રેષ્ઠ રસ જોઈતા હશે તે પણ આ આપશે. આ પુષ્પનું સેવન સૌભાગ્ય આણે છે. વળી, જેટલાં બીજાં પુષ્પ જોઈતાં હશે તે પણ આપશે. તું આ પુષ્પમાં જેટજેટલાં રૂપરંગ જોવા માગીશ તે બધાં મળશે. આ પુષ્પ ઐશ્વર્ય આપશે, પુત્રદાયક છે. તારી ઇચ્છા પ્રમાણે આ પુષ્પ નાનું-મોટું, હલકું-ભારે, સ્થૂળ-સૂક્ષ્મ થઈ જશે. અપ્રિય ગંધ નિવારશે. રાતે તે દીપક થશે. સંકલ્પ કરવાથી તે વસ્ત્ર, પુષ્પહાર, મંડપ આપશે. આ હશે ત્યાં સુધી દેવતાઓની જેમ કદી વૃદ્ધાવસ્થા, ભૂખતરસ, થાક તારી પાસે નહીં આવે. વિચાર કરીશ તો તારાં પ્રિય વાદ્ય, સંગીત, ગીત સામે પ્રસ્તુત કરશે. એક વર્ષ પૂરું થતાં તે જતું રહેશે. બ્રહ્માએ અસુરદ્રોહી દેવતાઓના સત્કાર માટે પારિજાતમાં આ બધું સીંચ્યું છે. હિમાલયકન્યા પાર્વતી સદા આ પુષ્પો ધારણ કરે છે. વળી, અદિતિ, શચી, સાવિત્રી, લક્ષ્મી તથા બીજી દેવપત્નીઓ આ પુષ્પ ધારણ કરે છે. એ બધા માટે પણ એક જ વર્ષનો સમય છે, આજે મને સમજાયું છે કે આ સોળહજાર સ્ત્રીઓમાં તું સૌથી વધારે પ્રિય છે. આજે તારા હાથમાં જ ભગવાને પુષ્પ આપ્યું એટલે સત્રાજિતપુત્રી સત્યભામાને સમજાશે કે કોનું સૌભાગ્ય વધારે છે. આજે જાંબુવતી અને શ્રીકૃષ્ણની બીજી પત્નીઓ નિસ્પૃહ થઈ જશે. તેં તો પ્રાણથી વિશેષ વસ્તુ મેળવી છે.’ સત્યભામાની દાસીઓ ત્યાં હતી. એમને જોઈને જ નારદમુનિએ બધી વાતો મલાવી મલાવીને રજૂ કરી અને એ બધી વાતો શ્રીકૃષ્ણના અંત:પુરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. શ્રીકૃષ્ણની બીજી પત્નીઓએ તો રુક્મિનીના સૌભાગ્યનાં બહુ વખાણ કર્યાં પણ સત્યભામા શોક્યનો મહિમા સાંખી ન શકી. તેણે રાતા રંગની સાડી ઉતારીને સફેદ સાડી પહેરી. વધારે પ્રજ્વલિત થતા અગ્નિની જેમ દેખાવાલાગી. તેનો ઈર્ષ્યાગ્નિ વધુ ને વધુ ઉત્કટ થઈ રહ્યો હતો. જેવી રીતે તારા વાદળ પાછળ ઢંકાઈ જાય તેમ સત્યભામા કોપભવનમાં ચાલી ગઈ. લલાટે શ્વેત વસ્ત્રપટ લગાડી દીધું. લલાટની કિનારીએ રાતું ચંદન લગાવી દીધું. પછી પલંગ પર બેસીને તેણે બધાં ઘરેણાં ઉતારી દીધાં, એક ચોટલો વાળી લીધો. ‘તમને અકારણ ક્રોધ થયો છે’ એમ કહીને દાસીઓએ તેને કોપભવનની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ સત્યભામાએ પોતાના હાથમાંના કમળને નખ વડે છૂંદી નાખ્યું. પછી નારદ રુક્મિની પાસે બેઠા હતા એટલે કોઈ બહાનું કાઢીને શ્રીકૃષ્ણ ત્યાંથી સત્યભામાના ભવનમાં જતા રહ્યા. તે ભવન વિશ્વકર્માએ ઊભું કર્યું હતું. સત્યભામા તો શ્રીકૃષ્ણની બહુ માનીતી હતી, વળી તે માનિની પણ હતી. તેઓ સત્યભામા રિસાઈ હશે એમ માનીને ભય પામીને ત્યાં ગયા. સેવકને બારણે ઊભો રાખ્યો, નારદમુનિના સત્કાર માટે પ્રદ્યુમ્નને કહ્યું. દૂરથી જ તેને કોપભવનમાં પ્રવેશતી જોઈ. તે દાસીની જેમ પડી રહીને લાંબા લાંબા નિ:શ્વાસ લઈ રહી હતી. પોતાના નખ વડે કચડી નાખેલું કમળ હલાવ્યા કરતી અને વચ્ચે વચ્ચે તે અટ્ટહાસ્ય કરતી હતી. પછી તે ભારે ચંતાિતુર થઈ જતી હતી. તે તો સર્વાંગસુંદર હતી, તેનાં નેત્ર કમળને ઝાંખાં કરતાં હતાં. દાસીના હાથમાંથી ચંદન લઈને તે તેની છાતીએ લગાવતી હતી અને ક્યારેક નિર્દય બનીને તેને ફટકારતી પણ. પલંગ પરથી ઊભી થઈને વારે વારે પડી જતી હતી. સત્યભામા પોતાનું મોં વસ્ત્રથી ઢાંકી દઈને તે તકિયા પર આડી પડી. આ જ અવસર મોકાનો છે એમ માની શ્રીકૃષ્ણ ત્યાં ગયા. દાસીઓને સૂચના આપી કે કશું બોલવું નહીં. દાસીઓને આમતેમ જવાની પણ ના પાડી. પછી તે સત્યભામા પાસે ઊભા રહ્યા. હાથમાં વીંઝણો લઈને તે પવન નાખવા લાગ્યા. પારિજાત પુષ્પને કારણે તે સુવાસિત થયા હતા. એ સુવાસ લઈને સત્યભામાએ પૂછ્યું, ‘આ શું છે?’ તે ઊભી થઈને બેસી ગઈ, શ્રીકૃષ્ણને ન જોયા, દાસીઓને પૂછ્યું, ‘આ સુગંધ ક્યાંથી આવે છે?’ પણ દાસીઓ કશું ન બોલી. શ્રીકૃષ્ણને ન જોયા એટલે તેણે અનુમાન કર્યું કે આ સુવાસ પૃથ્વીમાંથી જ આવે છે. પણ આટલી બધી ઉત્કટ સુવાસ હોય ખરી? પછી ચારે બાજુ જોયું ત્યારે શ્રીકૃષ્ણ દેખાયા. તેની આંખો ઊભરાઈ આવી અને એટલું જ બોલી, ‘તમારા શરીરમાંથી આવી સુવાસ પ્રગટે તે સ્વાભાવિક છે. તેમના પ્રત્યે પ્રેમ હોવા છતાં તે રોષે ભરાઈ. લાંબો નિ:શ્વાસ નાખીને મોં નીચું કર્યું. અને થોડી વાર તો બીજે જોતી બેસી રહી. બોલી, ‘તમે બહુ સુંદર દેખાઓ છો.’ પછી કમલદલ પરથી ઝાકળ સરે તેમ તેનાં નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી. પછી શ્રીકૃષ્ણ એકદમ દોડીને પલંગ પર ગયા અને પ્રિયાનાં નેત્રોમાંથી ઝરતાં અશ્રુ બંને હાથમાં ઝીલી પોતાના વક્ષ:સ્થળે લગાડી દીધાં. પછી બોલ્યા, ‘નીલ કમલદલ જેવાં નેત્રવાળી ભામિની, જેવી રીતે કમળ પરથી જળ વરસે તેવી રીતે તારાં આ બંને નેત્રમાંથી અશ્રુજળ ટપકે છે. તારું મોં પ્રભાતના ચંદ્ર જેવું અને બપોરના કમળ જેવું કેમ દેખાય છે? આજે શ્વેત વસ્ત્ર જ કેમ? શરીરે આભૂષણ કેમ નથી?’ એમ ઘણી બધી રીતે સત્યભામાને પૂછ્યા જ કર્યું. ‘તું મારી સામે થોડો પણ દૃષ્ટિપાત કરતી નથી. આખું જગત જાણે છે કે હું તારો દાસ છું. મેં તારું શું અપ્રિય કર્યું છે કે તું આમ વર્તે છે? હું સત્ય કહું છું કે મન, વચન કે કર્મથી તારી આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કર્યું નથી. બધી પત્નીઓને હું ચાહું છું પણ તારા જેટલો પ્રેમ કોઈના પર નથી. મારો પ્રેમ મરી ગયા પછી પણ એવો જ રહેશે. પૃથ્વીમાં ક્ષમા, આકાશમાં શબ્દ જેવી રીતે અટલ છે તેવી રીતે તારા માટેનો પ્રેમ અટલ છે.’ પછી સત્યભામાએ આંસુ લૂંછીને કહ્યું, ‘મારા મનમાં તો એવો વિશ્વાસ જ હતો કે તમે મારા છો પણ આજે સમજાયું કે તમારા મનમાં મારા માટે જરાય સ્નેહ નથી. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમે મારા દ્વિતીય છો અને તમારા માટે હું પણ દ્વિતીય છું, એમ માનીને મેં મારા જન્મને સાર્થક માન્યો હતો પણ હવે શું કહું? તમારું હૃદય હું સારી રીતે જાણી ગઈ છું. તમે માત્ર વાણીથી મને ભમાવો છો, તમારો પ્રેમ બનાવટી છે. હું તો સાવ સરળ છું અને તમારા પ્રત્યે ભક્તિ રાખું છું. પણ તમે છળકપટ કરો છો. વધારે તો શું કહું? જો તમે મારા પર કૃપા કરવા માગતા હો તો મને આજ્ઞા આપો. હું તપ કરીશ.’ આમ કહીને સત્યભામા ફરી આંસુ સારવા લાગી. એટલે શ્રીકૃષ્ણે ફરી સત્યભામાને કહ્યું, ‘તારા દુઃખને કારણે મારું હૈયું દાઝે છે, તારા દુઃખનું કારણ શું છે?’ પછી સત્યભામા નીચું મોં કરીને કહેવા લાગી, ‘તમે આપેલું સૌભાગ્ય વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હું મસ્તક ઊંચું રાખીને ચાલતી હતી. પણ આજે બધા મારો ઉપહાસ કરે છે. મારી દાસીઓએ મને બધી વાત કરી છે. દેવર્ષિ નારદે પારિજાતનું જે પુષ્પ તમને આપ્યું તે તમે તમારી પ્રિયાને આપીને મારી ઉપેક્ષા કરી. તમે રુક્મિનીને તે આપીને તમારો તેના માટેનો પ્રેમ વ્યક્ત કર્યો. તમારી સામે જ નારદે તેની પ્રશંસા કરી અને તમે આનંદપૂર્વક એ સાંભળતા રહ્યા. જો તેઓ તેની પ્રશંસા જ કરવા માગતા હતા તો પછી આ અભાગિનીનું નામ શું કામ લીધું? જો પહેલાં પ્રેમ કરીને પછીથી સંતાપવી જ હોય તો હવે મને તપ કરવાની આજ્ઞા આપો. સ્વપ્નમાં પણ હું જે માની ન શકું તે તમારા દેખતાં દેખતાં જ બન્યું. મને દુઃખ તો એ વાતનું કે તમે ત્યાં બેસીને તમારી વહાલી મહારાણીજીની પ્રશંસા સાંભળતા રહ્યા. તમે તો એક વેળા કહ્યું હતું કે શ્રેષ્ઠ વ્યક્તિઓ સંસારમાં સમ્માન માટે જ જીવે છે. એટલે હું અપમાનિત થઈને જીવવા માગતી નથી. જે મારી રક્ષા કરે તેનાથી જ આજે મને ભય લાગે છે. તમે મને ત્યજી દેશો તો મારી કેવી ગતિ થશે? મને જાણ નથી કે મેં દેવતાઓનું શું પ્રિય કે અપ્રિય કર્યું કે હું પ્રિયા હતી તે અપ્રિયા થઈ ગઈ. હું આ રૈવતક પર્વતનું દર્શન ક્યારે કરી શકીશ? તમારા દ્વેષ અને દુર્ભાગ્યને કારણે હવે અહીંના સુવાસિત વાયુનો લાભ મને ક્યારે મળશે? તમારા ખોળામાં રહીને મહાસાગરમાં જલક્રીડા કરવાનો લહાવો મને ક્યારે મળશે? તમે તો મને કહ્યા કરતા હતા કે તારાથી વધુ પ્રિય હોય એવું કોઈ નથી. તમારી એ વાતો ક્યાં ગઈ? હવે કોણ એ બધું યાદ રાખશે? જ્યારે તમે મારું સમ્માન કરતા હતા ત્યારે મારાં સાસુ મારો આદર કરતાં હતાં. હવે તમે મને અપમાનિત કરી એટલે સત્યા રાણીને તે દુર્ભાગ્યશાળી માનશે. તમે મને બીજાઓની બરાબરની પણ ગણતા નથી તો મારા આ ઉત્કટ પ્રેમનો કયો અર્થ? તમે આટલા બધા કપટી અને ધૂર્ત છો એ હું જાણતી ન હતી. તમે તો મારી શોક્યનો પક્ષ લેનારા અને મારા જેવી ભલીભોળી સ્ત્રીઓને ઠગનારા છો. તમે સ્વર, વર્ણ, ચેષ્ટા અને આકૃતિની પાછળ તમારું મૂળ સ્વરૂપ છુપાવી રાખ્યું હતું. તમે ચોર છો, આજે પકડાઈ ગયા. વાસ્તવમાં તમે લુચ્ચા છો.’ આમ ઈર્ષ્યાળુ બનેલી સત્યાને ધીરજ બંધાવતા શ્રીકૃષ્ણ બોલ્યા, ‘આમ ન બોલ, નારદ મુનિએ આમ જ મારું પ્રિય કરવા મને પુષ્પ રુક્મિનીના દેખતાં જ આપ્યું અને મેં ઉદાર બનીને રાણીને આપી દીધું. જો તારી દૃષ્ટિએ આ અપરાધ હોય તો તું એક અપરાધ સહી લે. તારે જો પારિજાત જ જોઈતું હશે તો હું એ આપીશ જ. પારિજાતનું વૃક્ષ સ્વર્ગમાંથી લાવીને તને આપીશ, તારે જેટલો સમય રાખવું હોય તેટલો સમય તું રાખજે.’ ભગવાનની આ વાત સાંભળીને સત્યભામા બોલી, ‘જો તમે આમ વૃક્ષ લાવી આપશો તો મેં આ ક્રોધ ત્યજી દીધો અને હવે મારું સુખ અનેક ગણું વધી જશે. સંસારની બધી સ્ત્રીઓ કરતાં મારું ગૌરવ વધી જશે.’ એટલે ભગવાને સત્યભામાનો રોષ દૂર કરવાનો ઉપાય વિચારી લીધો. સત્યભામા હવે રાજી થઈ ગઈ. પછી શ્રીકૃષ્ણ સ્નાનાદિથી પરવાર્યા અને નારદમુનિનું સ્મરણ કર્યું. મહાસાગરમાં સ્નાન કરી રહેલા નારદમુનિ પછી શ્રીકૃષ્ણ પાસે આવ્યા. ભગવાને સત્યભામા સાથે તેમની પૂજા કરી. શ્રીકૃષ્ણે ઝારી વડે પાણી રેડ્યું અને સત્યાએ મુનિના પગ ધોયા. પછી ભગવાને નારદમુનિને જમાડ્યા. નારદમુનિએ તેમને આશીર્વાદ આપ્યા. પછી નારદમુનિએ પોતાના ચરણોમાં પગે પડનારી સત્યભામાને આશીર્વાદ આપ્યા, ‘તું અત્યારે જેવી છે તેવી પતિવ્રતા સદા બની રહેજે. મારા તપોબલથી વધુ સૌભાગ્ય પ્રાપ્ત કરજે.’ આ સાંભળી સત્યભામા બહુ આનંદિત થઈ. પછી તે શ્રીકૃષ્ણની પાછળ બેસી ગઈ. થોડી વારે નારદમુનિએ કહ્યું, ‘હવે હું ઇન્દ્રલોક જઈશ. ત્યાં દર મહિને શંકર ભગવાનના માનમાં અપ્સરાઓનાં નૃત્યગાન થાય છે. ભગવાન શંકર અને પાર્વતી અદૃશ્ય રહીને આ જુએ છે. ઇન્દ્રે વિશાળકાય પારિજાતનું પુષ્પ આપીને મને આ સમારંભમાં બોલાવ્યો છે. આ વૃક્ષ શચીને બહુ જ પ્રિય છે, કશ્યપ ઋષિએ અદિતિદેવીની સેવાથી પ્રસન્ન થઈને પારિજાત વૃક્ષ સર્જ્યું હતું. ઋષિએ જ્યારે અદિતિને વરદાન માગવા કહ્યું ત્યારે અદિતિએ કહ્યું, ‘હું સદા સૌભાગ્યશાળી રહું એવું કશું મને આપો. ઇચ્છા થાય ત્યારે હું અલંકારમંડિત થઉં. હું સદા કુમારી જ રહું.’ ત્યારે ઋષિએ પારિજાત સર્જ્યું. તે મનોવાંછિત બધું આપી શકે, નિત્ય સુવાસિત રહે છે, તેમાં બધા પ્રકારનાં પુષ્પ ખીલે છે. દેવતાઓની કોઈ સ્ત્રી હું લાવેલો એવું પારિજાત લે છે, કોઈ સ્ત્રી અનેક રૂપવાળાં પુષ્પ લે છે તો કોઈ એ વૃક્ષ પરથી માત્ર કમળપુષ્પ જ ચૂંટે છે. કશ્યપ ઋષિએ મંદારમાંથી પણ સત્ત્વ ઉમેર્યું હતું એટલે પારિજાત બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ વૃક્ષ મનાયું. આ વૃક્ષ વિષ્ણુપદી ગંગાકાંઠે પ્રગટ થયું હતું એટલે તેનું નામ પારિજાત. મંદારપુષ્પોથી જોડાવાને કારણે તેને મંદાર પણ કહ્યું. જે લોકો તેને ઓળખતા ન હતા તેમણે કહ્યું આ કોઈ દારૂ છે એટલે તેનું નામ કોવિદાર પણ પડ્યું, આમ આ દિવ્ય વૃક્ષ મંદાર, કોવિદાર અને પારિજાત એમ ત્રણ નામે જાણીતું થયું.’ આમ નારદને સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘સ્વર્ગમાં રુદ્રના પાર્ષદોને મળીને તમે પાકશાસન(ઇન્દ્ર)ને મારી આ વિનંતી કહેજો. તમે મારો અને ઇન્દ્રનો સંબંધ તો જાણો છો. હું આજ્ઞા કરું છું એમ ન કહેતા. મારો આવો સંદેશ પહોંચાડજો. ભૂતકાળમાં અદિતિમાતાને પ્રસન્ન કરવા કશ્યપ ઋષિએ સર્વશ્રેષ્ઠ પારિજાત વૃક્ષનું સર્જન કર્યું હતું. માતાએ એ વૃક્ષ તમને સોંપ્યું હતું. આ વાત સાંભળીને મારી પત્નીઓ પણ દાન, ધર્મ અને મારી પ્રસન્નતા માટે તેનું દાન કરવા માગે છે. એટલે તમારા ભાઈએ આ પારિજાત વૃક્ષને દ્વારકા મંગાવ્યું છે. દાનકાર્ય સંપન્ન થતાં એ વૃક્ષ તમે સ્વર્ગમાં લઈ જજો. તો આવો સંદેશ ઇન્દ્રને પહોંચાડજો. મને પારિજાત મળે એવો પ્રયાસ તમે કરજો.’ આ સાંભળીને નારદઋષિ બોલ્યા, ‘હું તમારો સંદેશ પહોંચાડીશ પણ મને નથી લાગતું કે ઇન્દ્ર પારિજાત આપે. ભૂતકાળમાં સમુદ્રમંથન થયું ત્યારે પ્રગટેલા પારિજાતને કૈલાસમાં લઈ જવા ઇન્દ્ર પાસે મને શંકર ભગવાને મોકલ્યો હતો. ત્યારે ઇન્દ્રે શંકર ભગવાનને કહ્યું હતું: આ વૃક્ષ શચીના ઉદ્યાનમાં ક્રીડા રૂપે ભલે રહે.’ ભગવાને ઇન્દ્રને વરદાન આપ્યું. પછી ઉમાને પ્રસન્ન કરવા બસો યોજનના વિસ્તારમાં પારિજાતની કંદરા જ ઊભી કરી દીધી. ત્યાં ન સૂર્યપ્રકાશ પહોંચી શકે ન ચંદ્રમા. નંદિનીની ઇચ્છા પ્રમાણે ઠંડી કે ગરમી પડે છે. મહાદેવના તેજથી તે વન જાતે જ પ્રકાશિત થાય છે. શંકરપાર્વતી, તેમના ગણ અને મારા સિવાય તે વનમાં કોઈ પ્રવેશી શકતું નથી. સ્વર્ગીય પારિજાત કરતાં મંદરાચલવાસી પારિજાતના ગુણ વિશેષ છે, શંકર ભગવાનના તેજને કારણે તે સુંદરતમ પારિજાત ઉમાને વધારે પસંદ છે. એક કાળે મદમસ્ત બનેલા અંધકે પારિજાત વનમાં પ્રવેશી આખું વન ઉજ્જડ કરી નાખ્યું હતું. વૃત્રાસુર કરતાં દસ ગણા બળિયા અંધકને મહાદેવે મારી નાખ્યો હતો. એટલે આ પારિજાત ઇન્દ્ર તમને નહીં આપે. તે કલ્પવૃક્ષ છે એટલે ઇન્દ્રને અને શચીને મનવાંછિત જે જોઈએ તે આપે છે.’ આ સાંભળી ભગવાને કહ્યું, ‘શંકર ભગવાન તે વૃક્ષ કૈલાસ પર ન લઈ ગયા એ વાત સમજાય છે, પણ મુનિ, હું તો ઇન્દ્રનો નાનો ભાઈ છું. મેં સત્યભામાને પ્રસન્ન કરવા પારિજાત વૃક્ષ દ્વારકા લાવવાની પ્રતિજ્ઞા કરી છે. તમે અનેક રીતે તેને સમજાવો. મારા પ્રતિજ્ઞાભંગથી તો બધા લોકમાં હાહાકાર મચી જશે. મારા પર બધા લોકનું ઉત્તરદાયિતવ્ય છે, હું અસત્ય કેવી રીતે બોલી શકું? બધા દેવ, ગંધર્વ, રાક્ષસ, અસુર ભેગા થઈને આવે તો પણ મારો પ્રતિજ્ઞાભંગ નહીં કરી શકે. જો તમારી વિનંતી છતાં તે પારિજાત ન આપે તો હું તેના વક્ષ:સ્થલ પર ગદાનો પ્રહાર કરીશ. જો તે શાંતિથી નહીં માને તો મારે ઇન્દ્રલોક પર આક્રમણ કરવું પડશે. તમે મારો આ અટલ નિર્ધાર પણ જણાવી દેજો.’ પછી નારદમુનિ ત્યાં ગયા અને રાત રહી તે મહોત્સવ તેમણે જોયો પણ. ભગવાન શિવ બધા દેવ, ગણ, સ્કંદ, કાર્તિક, ઉમા વગેરેથી ઘેરાયેલા હતા. નૃત્યગાન પૂરાં થયાં એટલે ભગવાન શિવ કૈલાસ ગયા અને બીજા બધા પણ ગયા. પછી નારદમુનિ ઇન્દ્ર પાસે ગયા અને તેમણે ઊભા ઊભા જ કહ્યું, ‘અત્યારે હું વિષ્ણુભગવાનનો દૂત બનીને આવ્યો છું. મને તેમણે એક કાર્ય સોંપ્યું છે. તેમનું કષ્ટ દૂર કરવા આવ્યો છું.’ ઇન્દ્રે તેમની પૂજા કરીને ભગવાનનો સંદેશ પૂછ્યો. નારદમુનિએ કહ્યું, ‘હું તમારા નાના ભાઈને મળવા દ્વારકા ગયો હતો, મેં તેમને બધાને ચકિત કરવા પારિજાતનું એક પુષ્પ આપ્યું. એની વિશિષ્ટતાથી બધી પત્નીઓને નવાઈ લાગી. મેં તેમને કશ્યપ-અદિતિની વાતો કરી. સત્યભામાને દાનપુણ્ય કરવાનું મન થયું એટલે શ્રીકૃષ્ણે તે વૃક્ષ લાવવાની પ્રતિજ્ઞા કરી. અને તેમણે કહ્યું કે મારે તે પારિજાતને અહીં લાવવું છે. સત્યભામાનો મનોરથ સફળ થવો જોઈએ. મનુષ્યો પણ આ વૃક્ષ જોઈ શકે એવો લહાવો આપો.’ ઇન્દ્રે તેમને પહેલાં તો આસન ગ્રહણ કરવા કહ્યું, નારદમુનિ બેઠા એટલે ઇન્દ્રે કહ્યું, ‘તમે મારો આટલો સંદેશ કહેજો. મારા પછી તમારું જ સ્થાન છે. તમે તો પૃથ્વી પરથી ભાર ઉતારવા ગયા છો. પણ તમે તો માનવવ્યવહારોમાં જ રચ્યાપચ્યા છો. તમે જ્યારે પૃથ્વીનો ભાર ઉતારીને સ્વર્ગમાં આવશો ત્યારે તમારી પત્ની સત્યભામાના બધા મનોરથ પૂરા કરીશ. નાનાંમોટાં કાર્ય માટે સ્વર્ગનાં રત્ન પૃથ્વી પર ના લઈ જવાય, મને બ્રહ્મા શાપ આપે. એક વાર આ મર્યાદા દૂર થઈ જાય તો બધા જ મંડી પડશે. એક સ્ત્રીને રાજી રાખવા જો પારિજાત પૃથ્વી પર જાય તો સ્વર્ગના દેવો નારાજ થશે. શ્રીકૃષ્ણ અહીં રહીને સ્વર્ગમાં જે છે તે ભોગવી શકે. શ્રીકૃષ્ણ થોડા અભિમાની બની ગયા છે અને એને કારણે તે પાપી બન્યા છે. વળી પારિજાતનો લાભ એક વાર માનવોને મળી જશે તો તેઓ યજ્ઞયાગાદિ નહીં કરે. સત્યભામાને પ્રસન્ન કરવા અહીંથી તમે હાર, મણિ, વસ્ત્ર, અગરુ લઈ જાઓ, હું પારિજાત તો નહીં જ આપું.’ આ સાંભળીને નારદમુનિ બોલ્યા, ‘તમારા માટે મારા મનમાં બહુ આદર છે એટલે તમારા હિતની વાત કહું. હું તમારા આ વિચારને જાણતો હતો એટલે તો તમે મહાદેવને પારિજાત આપ્યું ન હતું. તમે જે જે વાત કરી તે બધી મેં તેમને જણાવી હતી, પણ કોઈ રીતે શ્રીકૃષ્ણ માન્યા ન હતા. તેમણે કહ્યું, મારી પ્રતિજ્ઞા કોઈ રીતે મિથ્યા નહીં થાય. તેઓ જો નહીં આપે તો હું તેમના વક્ષ:સ્થલ પર ગદાનો પ્રહાર કરીશ. હવે તમને જે ઠીક લાગે તે કરો. મારી દૃષ્ટિએ તો પારિજાત દ્વારકામાં ભલે જાય.’ રોષે ભરાઈને ઇન્દ્રે કહ્યું, ‘ભૂતકાળમાં પણ શ્રીકૃષ્ણે મારી વિરુદ્ધ ઘણું કર્યું છે. ખાંડવ વનમાં લગાડેલી આગ ઓલવવા મેં મેઘ મોકલ્યા પણ તેમણે બધા મેઘનું નિવારણ કર્યું. ગોવર્ધન પર્વતની ઘટનામાં પણ એવું જ થયું. હવે જો તે મારી છાતીમાં ગદા મારવાના જ હોય તો શું કરીશું? સ્ત્રીના કહેવામાં આવી જઈને શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા માગતા હશે તો ભલે. મને હરાવીને જ તે પારિજાત લઈ જશે.’ પછી નારદમુનિએ તેમને બહુ સમજાવ્યા પણ ઇન્દ્ર ન જ માન્યા. નારદમુનિએ દ્વારકા આવીને બધી વાત કરી. એટલે શ્રીકૃષ્ણે યુદ્ધ કરવાનો પાકો નિશ્ચય કરી લીધો. પછી શ્રીકૃષ્ણ સાત્યકિ સાથે ગરુડ પર બેઠા. તેમની પાછળ પ્રદ્યુમ્ન તૈયાર થયો. શ્રીકૃષ્ણે તો બધાના દેખતાં પારિજાતવૃક્ષને ભૂમિમાંથી ઉખાડીને ગરુડની પીઠ પર મૂકી દીધું. ઇન્દ્રને એ સમાચાર મળ્યા. એટલે ઐરાવત પર બેસીને તે નીકળ્યા અને તેમની પાછળ જયંત પણ નીકળ્યો. ઇન્દ્રને ભગવાને કહ્યું, ‘તમારી વહુરાણી માટે આ વૃક્ષ લઈ જઉં છું.’ પણ યુદ્ધ કર્યા વિના લઈ જવાશે નહીં એવું ઇન્દ્રે કહ્યું. પછી તો યુદ્ધ શરૂ થયું. શ્રીકૃષ્ણ ઇન્દ્ર સામે, પ્રદ્યુમ્ન જયંત સામે લડવા માંડ્યા. પછી પ્રવરે પારિજાતનું રક્ષણ કરવા યુદ્ધ કરવા માંડ્યું. જયંતે બહુ પ્રયત્ન કર્યા પણ પ્રદ્યુમ્ન પર કશી અસર ન થઈ. શ્રીકૃષ્ણથી બચવા માટે ઇન્દ્રે જયંતને અને પ્રવરને પોતાની આજુબાજુ ઊભા કરી દીધા. અને ફરી બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. એટલે અદિતિએ બંને હાથ પકડી લીધા, અને કહ્યું, ‘એક નાની વાત માટે એકબીજાને મારવાનું ન હોય. પહેલાં તો તમે શસ્ત્ર ફેંકી દો અને હું જે કહુું તે માનો.’ બંને સ્નાન કરીને કશ્યપ અને અદિતિ પાસે ગયા. પછી અદિતિએ ઇન્દ્રને કહ્યું, ‘દ્વારકા જાઓ અને આ વૃક્ષ પણ લેતા જાઓ. સત્યભામાનું વ્રત પૂરું કરાવો. એનું વ્રત પૂરું થાય એટલે પાછું એ વૃક્ષ સ્વર્ગમાં રોપી દેજો.’ પછી શચીએ શ્રીકૃષ્ણની પત્નીઓ માટે અનેક વસ્ત્ર આપ્યાં. એ બધું લઈને શ્રીકૃષ્ણ રૈવતક પર્વતે ગયા અને ત્યાં વૃક્ષ રોપ્યું. આનર્તવાસીઓ તે જોઈને પ્રસન્ન થયા. તેની સુવાસથી રોગી નિરોગી થયા, અંધ જનો દેખતા થયા. પછી શ્રીકૃષ્ણ બધા વડીલોને મળ્યા. આ વૃક્ષ શ્રીકૃષ્ણની ઇચ્છા પ્રમાણે નાનું મોટું થઈ જતું હતું. સત્યભામા પણ બહુ પ્રસન્ન થઈ. તેણે પુણ્યક વ્રત કરીને નારદમુનિને દાન કર્યું. નારદમુનિએ શ્રીકૃષ્ણ પાસે કપિલા ગાય, તલની સાથે સુવર્ણ અને મૃગચર્મ માગ્યાં. એક વરસ પારિજાત દ્વારકામાં રાખી સ્વર્ગમાં પહોંચાડી દીધું. અદિતિએ બંને વચ્ચે મનમેળ કરાવી આપ્યો. (વિષ્ણુપર્વ ૬૫-૭૬)

વજ્રનાભ અસુરની કથા

વજ્રનાભ નામનો અસુર યુદ્ધમાં વિજયી નીવડતો હતો. એક વેળા તેણે મેરુ પર્વતના શિખર પર ભારે તપ કર્યું, એના તપથી પ્રસન્ન થઈને લોકપિતામહ બ્રહ્માએ દર્શન આપી ઇચ્છાનુસાર વરદાન માગવા કહ્યું, તેણે વરદાન માગ્યું, ‘દેવતાઓ મારો વધ કરી ન શકે. સંપૂર્ણ રત્નો વડે નિર્મિત વજ્રપુર નામનું નગર માગ્યું. તે નગરમાં વાયુનો પ્રવેશ પણ ન થાય અને કશો વિચાર કર્યા વિના મનોવાંછિત ભોગ પ્રાપ્ત થતા રહે.’ તે નગરની ચારે બાજુએ સેંકડો ઉદ્યાન હતાં, એ નગર વરદાનથી પ્રાપ્ત થયું. વજ્રનાભ દાનવ તેમાં રહેતો હતો. વરદાન પામેલા વજ્રનાભથી વીંટળાઈને અસંખ્ય દેવદ્રોહી અસુરો આનંદિત થઈ વજ્રનગરમાં અને તેનાં શાખાનગરોના મુખ્ય ઉદ્યાનોમાં રહેતા હતા. પોતાને મળેલા વરદાનના અભિમાનથી અખિલ વિશ્વને કષ્ટ આપવા તે તત્પર થયો. તેણે દેવલોકમાં ઇન્દ્રને કહ્યું, ‘પાકશાસન, હું ત્રણે લોક પર શાસન કરવા માગું છું. મારી સાથે યુદ્ધ કરો કાં તો દેવલોક ત્યજી દો. આ સમગ્ર જગત ઉપર બધા જ મહામનસ્વી કશ્યપપુત્રોનો અધિકાર છે.’ પછી સુરેશ્વરે બૃહસ્પતિ સાથે વિચારવિમર્શ કરીને વજ્રનાભને કહ્યું, ‘આપણા બધાના પિતા કશ્યપમુનિ યજ્ઞની દીક્ષા લઈ બેઠા છે. તેમનો યજ્ઞ પૂરો થાય પછી તેમને જે યોગ્ય લાગશે તે પ્રમાણે કરીશું.’ પછી તે દાનવ પિતા કશ્યપ પાસે ગયો અને તેણે ઇન્દ્ર સાથેની વાતચીત કહી સંભળાવી. એ સાંભળીને કશ્યપ મુનિ બોલ્યા, ‘યજ્ઞ પૂરો થાય પછી જે ઉચિત હશે તે કરીશ. ત્યાં સુધી તું વજ્રપુરમાં સાવધાન થઈને રહેજે.’ પિતાની વાત સાંભળીને વજ્રનાભ પોતાના નગરમાં ગયો. પછી ઇન્દ્ર સુંદર દ્વારોથી સુશોભિત દ્વારકા નગરી ગયા. ત્યાં અદૃશ્ય રહીને શ્રીકૃષ્ણને વજ્રનાભની વાત કહી. ત્યારે ભગવાને કહ્યું, ‘વાસવ, મારા પિતા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. એ પૂર્ણ થાય એટલે હું વજ્રનાભને મારી નાખીશ. તે નગરમાં પ્રવેશવાનો ઉપાય આપણે બંને વિચારીશું, કારણ કે વજ્રનાભની ઇચ્છા વિના ત્યાં પવન પણ પ્રવેશી શકતો નથી.’ શ્રીકૃષ્ણનો સત્કાર પામ્યા પછી ઇન્દ્ર સ્વર્ગમાં ગયા. વસુદેવના અશ્વમેધ યજ્ઞમાં ઇન્દ્ર પણ પધાર્યા હતા. જ્યારે યજ્ઞ શરૂ થયો ત્યારે ઇન્દ્ર અને શ્રીકૃષ્ણ વજ્રપુરમાં પ્રવેશવાની યુક્તિ વિચારતા બેઠા. તે યજ્ઞમાં ભદ્રનામા નામના નટે ઉત્તમ અભિવ્યક્તિ કરીને મહર્ષિઓને સંતુષ્ટ કર્યા. ત્યારે મુનિઓએ તેને વર માગવા કહ્યું. ત્યારે દેવેન્દ્ર અને શ્રીકૃષ્ણની ઇચ્છાનુસાર સરસ્વતીથી પ્રેરિત થઈને અશ્વમેધ યજ્ઞમાં પધારેલા મુનિઓને પ્રણામ કરીને ભદ્ર નામના નટે કહ્યું, ‘બધા દ્વિજો મને ભોજન આપે અથવા બધા બ્રાહ્મણો મારે ત્યાં જમે. સાતેય દ્વીપવાળી આખી પૃથ્વી પર હું હરીફરી શકું. આકાશમાં હરવાફરવાની શક્તિ આપો. વિશેષ શક્તિશાળી થઈ સ્થાવરજંગમ બધાં પ્રાણીઓ માટે હું અવધ્ય રહું. જે મૃત છે, જે જીવે છે, જે મારા દ્વારા ભવિષ્યમાં ઉત્પન્ન થશે એ બધામાં જેના જેના રૂપે હું ક્યાંય પ્રવેશવા જઉં ત્યાં વાદ્યો સહિત, એવો જ થઈ જઉં. વૃદ્ધાવસ્થા કે રોગ મને સ્પર્શી ન શકે. મારા પર ઋષિમુનિઓ અને બીજાઓ પણ પ્રસન્ન રહે.’ બ્રાહ્મણોએ ‘તથાસ્તુ’ કહીને તેને માગ્યા પ્રમાણેનું વરદાન આપ્યું. ત્યારથી આ શક્તિશાળી નટ સાત દ્વીપવાળી પૃથ્વી પર વિહાર કરતો રહે છે. દાનવરાજોના નગરમાં, ઉત્તર કુરુ, ભદ્રાશ્વ, કેતુમાલ, કાલામ્ દ્વીપોમાં વિહરે છે. વરદાન પામેલો મહાનટ બધા તહેવારે સુશોભિત દ્વારકા નગરીમાં પણ આવતો હતો પછી દેવલોકમાં નિવાસ કરનારા હંસોને ઇન્દ્રે બોલાવ્યા અને તેમને ધીરજ બંધાવીને કહ્યું, ‘હંસ, તમે લોકપિતા કશ્યપની સંતતિ હોવાને કારણે અમારા ભાઈ થાઓ, દેવપક્ષી બનો અને દેવતાઓ — પુણ્યાત્માઓના વાહન બનો. અત્યારે દેવતાઓ સમક્ષ શત્રુવધ સંબંધી એક કાર્ય છે. જે આપણા બધા માટે આવશ્યક કર્તવ્ય છે. આ કાર્ય તમારે સંપન્ન કરવાનું છે અને ગુપ્ત મંત્ર બીજા કોઈને કાને પડવો ન જોઈએ. દેવતાઓની આજ્ઞા ન માનો તો ભયાનક દંડ પણ વેઠવો પડે. તમારી સર્વત્ર ગતિ છે. વજ્રનાભના શ્રેષ્ઠ નગરમાં પ્રવેશ બીજાઓ માટે અશક્ય છે. તમે ત્યાં જઈને અંત:પુરની વાવોમાં ભમજો. એ તમારા માટે યોગ્ય છે. વજ્રનાભની એક રત્નસ્વરૂપા કન્યા પ્રભાવતી ત્રિલોકસુંદરી છે. જાણે ચન્દ્રની આભા જ તેની પ્રભા બનીને પ્રગટી ન હોય! ગિરિરાજ હિમવાનની પુત્રી ઉમા પાસેથી મળેલા વરદાનથી તેની માતાને તે પ્રાપ્ત થઈ છે એવું સાંભળ્યું છે. પોતાના ભાઈઓથી સુરક્ષિત આ પ્રભાવતી સ્વયંવરા છે. તે પોતાની ઇચ્છા પ્રમાણેના પતિની પસંદગી કરશે. તમે પ્રભાવતી આગળ મહાત્મા પ્રદ્યુમ્નના ઉત્તમ કુળ, સુંદર રૂપ, શીલ, શાંત સ્વભાવ, શ્રેષ્ઠ ગુણોની પ્રશંસા કરજો. વજ્રનાભની આ સતીસાધ્વી પુત્રી જ્યારે પ્રદ્યુમ્નમાં તન્મય થઈ જાય ત્યારે એકાગ્રચિત્તે તમે તેનો સંદેશ પ્રદ્યુમ્નને પહોંચાડજો. પછી તમે સંદેશની આપલે કરજો. તમારી બુદ્ધિ અનુસાર પ્રસંગોચિત જે લાગે તે કરી મારું હિત સાધજો. તમારે નેત્ર અને મુખ દ્વારા બધી રીતે પ્રસન્નતા વ્યક્ત કરવાની. પ્રભાવતીનું મન પ્રદ્યુમ્નમાં પરોવાઈ જાય એવી રીતે તેના ગુણો તમારે કહેતા રહેવાનું. આ બધા સમાચાર તમારે પ્રતિ દિન મને અને દ્વારકામાં મારા નાના ભાઈ શ્રીકૃષ્ણને જણાવતા રહેવાના. જ્યાં સુધી આત્મજ્ઞાની વૈભવપૂર્ણ પ્રદ્યુમ્ન વજ્રનાભની સુંદર પુત્રીને પોતાની ન બનાવે ત્યાં સુધી તમારા પ્રયત્ન ચાલુ રાખવાના. બ્રહ્માના વરદાનથી વજ્રનાભ જેવા બધા અસુરો દેવતાઓ માટે અવધ્ય છે, એટલે પ્રદ્યુમ્ન જેવા દેવકુમારો જ તેનો વધ કરી શકે. મુનિઓનું વરદાન પામેલો આ ભદ્રનામા નટનો વેશ ધારણ કરીને પ્રદ્યુમ્ન અને બીજા યાદવ વજ્રનાભનો વધ કરવા તેના નગરમાં જશે. આ તથા બીજાં જે કંઈ પ્રસંગોચિત કાર્ય હોય તે બધાં અમારા સૌનું પ્રિય કરવાની ઇચ્છાથી તમારે સંપન્ન કરવાના. વજ્રનાભના આ પ્રદેશમાં દેવતાઓ કોઈ રીતે પ્રવેશી નહીં શકે એ નિશ્ચિત છે.’ ઇન્દ્રની વાત સાંભળીને હંસ વજ્રપુર ગયા. ત્યાંના માર્ગથી તે પરિચિત હતા. તે પક્ષી ત્યાંના રમણીય સરોવરમાં બેઠા. ત્યાં સ્પર્શયોગ્ય સુવર્ણમય કમળ હતાં. તે હંસ મધુર સંસ્કૃત વાણી બોલતા હતા અને મધુર કૂજન કરતા હતા. તે નગરમાં તેઓ ભૂતકાળમાં આવી ચૂક્યા હતા. તો પણ નવા આવેલાની જેમ ત્યાંના પ્રજાજનોને આશ્ચર્ય પમાડતા હતા. અંત:પુરના ઉપયોગ માટેની વાવોમાં ફરવા લાગ્યા. તે સ્વર્ગીય હંસો ઉપર વજ્રનાભની દૃષ્ટિ પડી. તે હંસો મધુર વાણી બોલતા હતા. તેમને જોઈને અસુર બોલ્યો, ‘તમે નિત્ય સ્વર્ગલોકમાં વિહરો છો અને સુંદર વાણી બોલો છો. જ્યારે અમારે ત્યાં કોઈ ઉત્સવ આવે અને તમને તેની જાણ થાય તો તમારે અવશ્ય અહીં આવવાનું. આ તમારું જ ઘર છે. સ્વર્ગનિવાસી હંસોએ અહીં નિર્ભય થઈને આવવું જોઈએ.’ વજ્રનાભની વાત સાંભળીને તે પક્ષીઓએ ‘તથાસ્તુ’ કહીને તેની વાત માની લીધી અને દાનવરાજના મહેલમાં પ્રવેશ કર્યો. દેવતાઓની ઇચ્છા પાર પાડવા ત્યાં બધાનો પરિચય મેળવ્યો. તેઓ માનવબોલીમાં જાતજાતની કથાઓ કહેતા હતા. બધા જ કલ્યાણમય પદાર્થોનો ઉપભોગ કરનારી કશ્યપવંશી સ્ત્રીઓ પોતાના વંશ સંબંધિત કથાઓ સાંભળતી તેમાં વિશેષ રૂપે ખોવાઈ જતી હતી. ત્યાં હરતાફરતા મનોહર સ્મિત ધરાવતી વજ્રનાભની પુત્રી પ્રભાવતીને હંસોએ જોઈ. પછી બધા હંસોએ ચારુહાસિની રાજકુમારીનો પરિચય કર્યો. રાજકુમારી પ્રભાવતીએ તે વેળા શુચિમુખી નામની હંસીને પોતાની સખી બનાવી. એક દિવસ શુચિમુખીએ સેંકડો કથાઓ કહીને અનેકવિધ સુંદર ઉક્તિઓ કહીને પ્રભાવતીના મનમાં પૂર્ણ વિશ્વાસ મેળવી લીધો. પછી તે હંસી બોલી, ‘પ્રભાવતી, મારી દૃષ્ટિએ તું ત્રિલોકની અદ્ભુત સુંદરી છે. રૂપ, શીલ,અને ગુણમાં તું શ્રેષ્ઠ છે. એટલે હું તને કશુંક કહેવા માગું છું. ભીરુ ચારુહાસિની, તારું યૌવન વેડફાઈ રહ્યું છે. જેવી રીતે વહેતું પાણી ઊંધી દિશામાં વહેતું નથી એવી રીતે જે અવસ્થા વીતી જાય તે પાછી આવતી નથી. દેવી, સંસારમાં સ્ત્રીઓ માટે કામોપભોગ જેવું કોઈ સુખ નથી. આ હું તને સાવ સાચું કહું છું. તારા પિતાએ તારો સ્વયંવર તો રચ્યો પણ દેવતાઓ અને દાનવોના કુળમાં ઉત્પન્ન થયેલા કોઈ યોગ્ય પુરુષની પસંદગી તેં ન કરી. તું ના પાડે છે. એટલે લગ્નોત્સુક બધા પુરુષ લજ્જિત થઈ પાછા જાય છે. જે રૂપ અને શૌર્યવાળા છે, તારા કુળને શોભાવે તેવા છે, એવા પુરુષો આવે તો પણ તું એમને પસંદ કરતી નથી. રુક્મિણીનંદન પ્રદ્યુમ્ન અહીં શા માટે આવે? તેના રૂપ અને કુળની બરોબરી કરી શકે એવું ત્રિલોકમાં કોઈ છે જ નહીં. તે ગુણો અને વીરતામાં બધાથી ચઢિયાતા છે. તે પ્રદ્યુમ્ન દેવતાઓમાં દેવતા, દાનવોમાં દાનવ, મનુષ્યોમાં ધર્માત્મા મનુષ્ય છે. જેવી રીતે દૂધ આપનારી ગાયોના આંચળમાંથી અને સરિતાઓનાત ટપકે છે તેવી રીતે પ્રદ્યુમ્નને જોઈને સ્ત્રીઓની સાથળો આર્દ્ર થઈ જાય છે. તેમના મુખને પૂર્ણિમાના ચન્દ્રની, નેત્રોને નીલકમલની, તેમની ગતિને સિંહની ઉપમા હું આપી શકતી નથી. પ્રભાવશાળી વિષ્ણુએ બધા જગતનો અર્ક લઈને અનંગને સ-અંગ બનાવીને એ પુત્રનું નિર્માણ કર્યું છે. નાની વયમાં જ શંબરાસુરે તેમનું અપહરણ કર્યું હતું. પણ મોટા થઈને તેમણે તે અસુરનો વધ કર્યો હતો. પછી તેની બધી માયાનું હરણ કર્યું અને છતાં કોઈના શીલનો નાશ કર્યો નથી. તું મનમાં જે જે ઉત્તમ ગુણોની કલ્પના કરીશ, ત્રણે લોકમાં જે જે શ્રેષ્ઠ ગુણ ઇચ્છનીય છે તે બધા પ્રદ્યુમ્નમાં છે. તે કાન્તિમાં અગ્નિ જેવા, ક્ષમામાં પૃથ્વી જેવા, તેજમાં સૂર્ય જેવા, ગંભીરતામાં સાગર જેવા છે.’ આ સાંભળીને પ્રભાવતીએ શુચિમુખીને કહ્યું, ‘મેં બુદ્ધિમાન નારદ અને મારા પિતાના મોઢે કેટલીય વાર સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુએ ધરતી પર જન્મ લીધો છે. શાખાનગરોમાં જે અસુરો રહે છે તેમને મારા પિતા સંદેશ આપ્યા કરે છે, ‘વિષ્ણુ તો દૈત્યોના શત્રુ તરીકે જાણીતા છે, એટલે તેમનો કાયમ માટે ત્યાગ કરવો જોઈએ. તેમણે પોતાના તેજસ્વી ચક્ર, શાર્ઙ્ગ ધનુષ અને કૌમોદકી ગદા વડે દૈત્યોના ઘણા બધા કુળનો ધ્વંસ કર્યો છે.’ તો હે સ્મિતવદની, સ્ત્રીઓની સામાન્ય રીતે એવી ઇચ્છા હોય કે મારો પતિપક્ષ પિતાપક્ષ કરતાં ચઢિયાતો હોવો જોઈએ. અહીં પ્રદ્યુમ્નને લાવવાનો કોઈ ઉપાય હોય તો તું વિચાર, તારો મારા પર મોટો ઉપકાર થશે, મારું કુલ પવિત્ર થઈ જશે. મેં તને કાર્યસિદ્ધિનો ઉપાય પૂછ્યો છે. તું મને તે ઉપાય બતાવ. મેં યુવાન અને વૃદ્ધ અસુર સ્ત્રીઓના મોઢે સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુ દૈત્યોના દુશ્મન છે અને તેમને ઉદ્વેગમાં નાખનારા છે, પ્રદ્યુમ્નના જન્મની કથા મેં પહેલાં સાંભળી છે. જે રીતે કાલશંબરનો વધ કર્યો હતો તે પણ મારા જાણવામાં આવ્યો છે. મારા હૃદયમાં કાયમ પ્રદ્યુમ્નનો વાસ છે, મારું અને તેમનું મિલન થાય એવો કોઈ માર્ગ દેખાતો નથી. સખી, હું તારી દાસી અને તને દૂતી તરીકે મોકલીશ. હું અને પ્રદ્યુમ્ન મળીએ એવો કોઈ ઉપાય શોધી કાઢ.’ એટલે શુચિમુખીએ સ્મિતપૂર્વક ઉત્તર આપ્યો, ‘હે શુચિસ્મિતા, હું તારી દૂતી બનીને જઈશ, પ્રદ્યુમ્નને માટે તારા હૃદયની લાગણી જણાવીશ, તે અહીં આવે એવો પ્રયત્ન પણ કરીશ, તું સાક્ષાત કામદેવને મળીને તારી અભિલાષા પૂરી કરીશ. મારી એક વાતનો ખ્યાલ રાખજે, મારા કથાકૌશલની ચર્ચા તારા પિતા આગળ કરજે અને કહેજે કે શુચિમુખીને કથા કહેતાં બહુ સારી આવડે છે. તારા પિતા પાસે મારા વિશે હિતકારક જ બોલતી રહેજે.’ શુચિમુખીએ કહ્યું હતું એ પ્રમાણે જ પ્રભાવતીએ કર્યું. દાનવરાજ વજ્રનાભે અંત:પુરમાં તે હંસીને પૂછ્યું, ‘પ્રભાવતીએ તારી કથા કહેવાની રીતની બહુ પ્રશંસા કરી છે. તો ચાલ, તું કોઈ કથા કહે. આ સંસારમાં એવી કઈ અદ્ભુત ઘટના જોઈ છે. બીજાઓએ કદી જોઈ જાણી ન હોય, એવી આશ્ચર્યની કથા મને કહી સંભળાવ.’ એટલે શુચિમુખીએ મહાતેજસ્વી દાનવરાજ વજ્રનાભને કહ્યું, ‘સાંભળો ત્યારે. મેરુપર્વતની પાછળ સાધ્વી શાંડિલી રહે છે, તેનાં કાર્ય અદ્ભુત છે. બધાં પ્રાણીઓની હિતેચ્છુ કૌશલ્યા સુમનાને પણ એવી જ રીતે જોઈ છે. મુનિઓ દ્વારા વરદાન પામનારા એક નટને મેં જોયો છે. તે ઇચ્છાનુસારી રૂપ બદલી શકે છે. ત્રણે લોકમાં બધાનો માનીતો છે. તે ઉત્તર કુરુમાં જાય છે, કાલાદ્વીપમાં પણ જઈ ચઢે છે. તે ભદ્રાશ્વ, કેતુમાલ અને બીજા દ્વીપોમાં પણ આવનજાવન કરે છે. દેવતા અને ગંધર્વ જે ગીતો ગાય છે તે ગીતો આ નટ પણ ગાય છે. તે જાતજાતનાં નૃત્યો જાણે છે. પોતાનાં નૃત્યોથી દેવતાઓને પણ પૂરેપૂરા મંત્રમુગ્ધ કરી નાખે છે.’ વજ્રનાભે હંસીને કહ્યું, ‘થોડા દિવસ પહેલાં મેં મહાત્માઓ, સિદ્ધો, ચારણોના મોઢે આ નટની વાત વિગતવાર સાંભળી છે. મને પણ એ નટ જોવાની ઉત્કંઠા છે. મારી ખ્યાતિ તેના કાન સુધી પહોંચી લાગતી નથી.’ હંસીએ કહ્યું, ‘દૈત્યરાજ, આ નટ સાતે દ્વીપોમાં ફરે છે, ગુણગાન સાંભળીને તે જ્યાં ત્યાં જાય છે. જો તે તમારા વિશે સાંભળી લે તો તમારા નગરમાં આવી જ પહોંચ્યો સમજો.’ વજ્રનાભે કહ્યું, ‘તું એવો કોઈ ઉપાય શોધી કાઢ જેથી તે નટ મારા રાજ્યમાં આવે.’ હંસોએ બધા સમાચાર ઇન્દ્રને અને શ્રીકૃષ્ણને પહોંચાડ્યા. પછી આ કામમાં ભગવાને પ્રદ્યુમ્નને જોતર્યો. તેનું કામ હતું પદ્માવતી સાથે સંબંધ વધારવાનું અને વજ્રનાભનો વધ કરવાનું. એટલે ભગવાને પ્રદ્યુમ્નને દૈવી માયાનો આશ્રય લઈ નટ બનાવીને મોકલ્યો. નટના વેશમાં બીજા યાદવોને પણ મોકલ્યા. પ્રદ્યુમ્નને નાયક, સાંબને વિદૂષક અને ગદને પારિપાશ્વિર્ક રૂપે મોકલ્યા. બીજા યાદવોને પણ એ રીતે મોકલ્યા. મુખ્ય વારાંગનાઓને નટી બનાવીને મોકલી. પ્રદ્યુમ્ને નિર્મેલા વિમાનમાં બેસીને તેઓ ત્યાં ગયા. તે બધા પુરુષો રૂપમાં બધા પુરુષોને અનુરૂપ હતા અને રૂપસૌંદર્ય દ્વારા સ્ત્રીઓ સમાન હતા. તેઓ બધા વજ્રપુરના ઉત્તમ શાખાનગર સુપુરમાં ગયા. વજ્રનાભે સુપુરવાસી અસુરોને એ નટો માટે ઉત્તમ આવાસની વ્યવસ્થા કરવા, આતિથ્યસત્કાર કરવા, તેમને ઉત્તમ વસ્ત્ર, રત્ન આપવા પણ કહ્યું. બધાને પ્રસન્ન કરે એવી સામગ્રી આપવા પણ કહ્યું. અસુરોએ તેની આજ્ઞા પાળી. પહેલાં જેની વાતો સાંભળી છે એ જ નટ આવ્યો છે એ સમાચાર જાણી તેઓ તેને જોવા આતુર થયા. દૈત્યોએ ભદ્ર નટનો સત્કાર કરી તેને ઘણાં રત્ન આપ્યાં. પછી તે નટે સુપુરમાં નૃત્ય કરી બધાંને પ્રસન્ન કરી મૂક્યા. રામાયણ આધારિત એક નાટક કર્યું. વિષ્ણુએ રાવણનો વધ કરવા પૃથ્વી પર અવતાર લીધો. ઋષ્યશ્રુંગને પોતાની નગરીમાં લોમપાદે બોલાવ્યા, પછી દશરથ રાજાએ પોતાને ત્યાં પણ બોલાવ્યા. આ સાંંભળી દાનવે નટોને બોલાવ્યા. રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત, ઋષ્યશૃંગ અને શાન્તાનો વેશ તેમના જેવા રૂપાળ નટોએ ધારણ કર્યો હતો. રામના સમયમાં જીવતા વૃદ્ધ દાનવો પણ આ પાત્રોને જોઈ દંગ રહી ગયા, તેઓ બોલ્યા, આમનું રૂપ તો બરાબર પણ તે બધા મૂળ વ્યક્તિ જેવા જ લાગે છે. તેમના વેશભૂષા, અભિનય, પ્રસ્તાવ (ક્રિયાપ્રસંગો) તથા જે તે પાત્રોનો પ્રવેશ, આ બધું જોઈને અસુરો આશ્ચર્ય પામ્યા. નાટક જોવામાં ખોવાઈ ગયેલા દાનવો વારંવાર ઊભા થઈને જબરો કોલાહલ કરતા હતા. સંતોષ પામીને નટોને વસ્ત્ર, અલંકાર, માળા, હેમવૈડૂર્યમય હાર આપતા હતા. લોકો આમ જુદી જુદી વસ્તુઓની ભેટ આપતા હતા તે જોઈ નટ લોકો ખુશખુશ થઈ ગયા, તેમણે અસુરોના ગોત્ર અને પૂર્વજોનો ઉલ્લેખ કરીને તે અસુરોની તથા ઋષિમુનિઓની બહુ પ્રશંસા કરી, તે નગરના અસુરોએ એ બધા નટોના આગમનના સમાચાર વજ્રનાભને મોકલ્યા. તેના કાને આ સમાચાર ક્યારના પહોંચી ગયા હતા. એટલે આનંદિત થઈને તેણે એ બધા નટોને વજ્રપુરમાં લાવવાની સૂચના આપી. દાનવરાજની આજ્ઞાને માન આપીને શાખાનગરના અસુરો યાદવોને રમણીય વજ્રપુરમાં લઈ ગયા. દાનવરાજે તેમના નિવાસ માટે વિશ્વકર્માએ બનાવી આપેલું સુંદર ભવન ફાળવ્યું. અને જે જે વસ્તુઓ જોઈએ તે બધી વસ્તુઓ સો સો ગણી કરીને આપી. પછી વજ્રનાભે મહાકાલ નામના રુદ્રનો ઉત્સવ આરંભ કરાવ્યો. તેમાં તેણે આનંદમાં આવીને સુંદર ચમૂવાટ(ભવન) તૈયાર કરાવ્યું. જ્યારે નટોએ પૂરતો આરામ કરી લીધો ત્યારે મહા બળવાન વજ્રનાભે તેમને ઘણાં બધાં રત્ન આપી નાટક રજૂ કરવા આજ્ઞા આપી. અંત:પુરની સ્ત્રીઓ સારી રીતે જોઈ શકે એવી રીતે પડદામાં બેસાડીને વજ્રનાભ પોતે સ્વજનોની સાથે નટોનો અભિનય જોવા બેઠો. ભયંકર કર્મ કરનારા યાદવોએ અનુરૂપ શૃંગાર કરીને, નટવેશ ધારણ કરીને નૃત્યનો આરંભ કર્યો, પછી તો ઝાંઝ, કરતાલ, મોરલી, મૃદંગ, ઢોલ, વીણા જેવાં વાદ્ય યાદવો વગાડવા લાગ્યા. પછી યાદવકુમારો સાથે આવેલી વારાંગનાઓ દેવગાંધાર નામના છાલિક્ય ગાંધર્વનું ગાન કરવા લાગી, તે શ્રુતિમધુર હતું. શ્રોતાઓના મનને અને કાનને બહુ સુખ આપનારું હતું. પછી ગાંધાર વગેરે સાતે સ્વરોવાળા થઈને પ્રગટ થનારા ત્રિવિધ ગ્રામ, વસંત આદિ રાગ અને ગંગાવતરણ જેવા વિવિધ રાગવાળું ગીત મધુર સ્વરસંપત્તિ વડે ગાવા લાગી. લય, તાલ ને અનુરૂપ સુંદર ગંગાવતરણને સાંભળીને કેટલાક યાદવો ઊભા થઈ થઈને અસુરોને આનંદ આપવા લાગ્યા. કાર્યવશ નટ બનેલા પ્રદ્યુમ્ન, ગદ, સાંબ નાંદી રજૂ કરવા લાગ્યા, નાંદીના અન્તે રુક્મિણીપુત્ર પ્રદ્યુમ્ને ગંગાવતરણ સંબંધી શ્લોક ઉત્તમ અભિનય સાથે રજૂ કર્યો. ત્યાર પછી કુબેરલોક વિષયક રંભાભિસાર નામનું નાટક તેમણે ભજવ્યું. શૂર નામના યાદવે રાવણનો અભિનય કર્યો. મનોવતી નામની વારાંગનાએ રંભાનું પાત્ર ભજવ્કહ્યું. પ્રદ્યુમ્ન નલકુબેર બન્યા, સાંબ વિદૂષક બન્યો યાદવકુમારોએ માયા વડે ત્યાં કૈલાસ પ્રત્યક્ષ કરી બતાવ્યો. ક્રોધે ભરાયેલા નલકુબેરે રાવણને શાપ આપ્યો, રંભાને સાંત્વન આપ્યું, મહામુનિ નારદની કીર્તિગાથા રજૂ થઈ. આમ આ બધી ઘટનાઓને નાટ્યરૂપ અપાયું. સુંદર નૃત્ય અને અભિનયથી સંતોષ પામીને દાનવીર તે બધાની પ્રશંસા કરવા લાગ્યા. તે બધા નટોને સુંદર વસ્ત્ર, રત્નજડિત આભૂષણ અને વર્તુળાકાર મણિ આપ્યાં. વિચિત્ર વિમાન, આકાશગામી રથ અને ઉત્તમ જાતિના હાથી પણ આપ્યા. તે દાનવોએ યાદવકુમારોને દિવ્ય શીતલ ચંદન, અગરુ જેવાં સુગંધિત દ્રવ્યો આપ્યાં. ત્યાં અનેક વાર નાટક જોવાના અવસર મળ્યા. તે બધા અવસરે દાનવ સ્ત્રીઓ પોતે નિર્ધન અને રત્નહીન થઈ જાય એટલા બધા ઉપહાર તેમણે આપ્યા. પ્રભાવતીની સખી હંસીએ કહ્યું ‘હું યાદવો વડે રક્ષિત સુંદર દ્વારકા નગરીમાં ગઈ હતી. ત્યાં હું એકાંતમાં પ્રદ્યુમ્નને મળી. તારા હૃદયમાં પ્રદ્યુમ્ન માટે જે લાગણી છે તેની વાત મેં કરી. મારી વાત સાંભળીને તેમને પ્રસન્નતા થઈ અને આજે સાંજે તે તને મળવા આવશે. એટલે આજે તારી સાથે તેમનું મિલન થશે. યદુકુળમાં જન્મેલા પુરુષો પ્રેમીજનોને મિથ્યા સંદેશ આપતા નથી.’ આ સાંભળીને પ્રભાવતી આનંદ પામી. તેણે હંસીને કહ્યું, ‘તું પહેલાં પણ મારા ઘરમાં રહી ચૂકી છે. તો આજે પણ તું અહીં જ સૂઈ જજે. હું તારી સાથે રહીને પ્રદ્યુમ્નને જોવા માગું છું. તું સાથે હોઈશ તો મને કોઈ ભય નહીં લાગે.’ એટલે આકાશમાં વિહરનારી હંસીએ કહ્યું, ‘બહુ સારું. હું અહીં સૂઈ જઈશ.’ પ્રભાવતીની અગાશી પર તે બેઠી. વિશ્વકર્માએ બનાવેલા ભવનમાં પ્રભાવતીએ પ્રદ્યુમ્નના આગમન માટે સજાવટ કરવા માંડી. એ સુશોભન પૂરું થયું એટલે હંસી પ્રભાવતીને પૂછીને પ્રદ્યુમ્નને તેડી લાવવા ગઈ. પછી તે સુસ્મિતા હંસી પ્રદ્યુમ્ન પાસે જઈને બોલી, ‘તમે જે સમય ઠરાવ્યો છે તે સમય આવી ગયો છે. આજે રાતે જ તમારે મળવાનું છે.’ પ્રદ્યુમ્ને હા પાડી એટલે હંસી પાછી ફરી અને પ્રભાવતી પાસે જઈને બોલી, ‘ધીરજ રાખ, રુક્મિણીપુત્ર રાતે આવશે.’ શત્રુજિત વીર પ્રદ્યુમ્ને જોયું કે પ્રભાવતી માટે સુવાસિત પુષ્પહાર મોકલાઈ રહ્યો છે, તેના પર ઘણા બધા ભમરા બેઠા છે. ત્યારે પ્રદ્યુમ્ન પ્રભાવતી પાસે મોકલાઈ રહેલી પુષ્પમાલામાં ભમરો બનીને સંતાઈ ગયા. સ્ત્રીઓ ભમરાવાળી પુષ્પમાલા લઈ પ્રભાવતીના મહેલમાં જઈ પહોંચી અને તેમણે પ્રભાવતીના હાથમાં એ પુષ્પમાલા મૂકી દીધી. પ્રભાવતીએ માલા પોતાની પાસે રાખી. સંધ્યાકાળે બધા ભમરા ઊડી ગયા. પછી પોતાના સહાયકોથી વિખૂટા પડેલા પ્રદ્યુમ્ન પ્રભાવતીના કાનમાં પહેરેલા કમળમાં સંતાઈ ગયા. પછી વાક્ચતુર પ્રભાવતીએ પૂર્ણિમાના ચંદ્રને ઊગતો જોઈ હંસીને કહ્યું, ‘સખી, મારાં બધાં અંગ તપી રહ્યાં છે. હૃદયમાં પુષ્કળ દાહ, આ તે કેવો રોગ જેનું કોઈ ઔષધ નથી. આ શીતળ કિરણોવાળો ચંદ્ર બમણી ઉત્સુકતા વધારી રહ્યો છે. તે આંખોને સુંદર લાગે છે પણ અત્યારે અપ્રિય વર્તાવ કરે છે. મેં તો માત્ર તેમનું નામ જ સાંભળ્યું છે, જોયા પણ નથી, અને તો પણ મારાં બધાં અંગોમાં આગ આગ લગાડી રહ્યા છે. જો તે નહીં આવે તો મારે જીવતાં જીવત આ યૌવનકાળમાં જ પ્રાણત્યાગ કરવો પડશે. આ કેટલા દુઃખની વાત છે. મારા જેવી મનસ્વિનીને કામદેવ રૂપી સાપે ડસી લીધી છે, બાકી તો સ્વભાવથી જગતને આનંદ અને સુખ આપનારા ચંદ્રનાં કિરણો મને બાળે કેમ? સ્વભાવથી શીતળ અને વિવિધ પુષ્પોથી સુવાસિત રજ લઈને વહેતા વાયુ દાવાનળની જેમ મારા શરીરને બાળે છે. વારે વારે મારા મનને સ્વસ્થ રહેવા સમજાવું છું પણ મારું મન કામદેવે મથી કાઢ્યું છે એટલે તે નિર્બળ થઈ ગયું છે. હું ઉન્મની થઈ રહી છું, હું મોહ પામું છું, હૃદયમાં ભારે કંપન થાય છે, મારી દૃષ્ટિ ભમી રહી છે, આજે નિશ્ચિત હું નાશ પામીશ.’ શ્રીકૃષ્ણકુમાર પ્રદ્યુમ્ન સમજી ગયા કે અસુરપુત્રી પ્રભાવતીના મનમાં હું છવાઈ ગયો છું, ત્યારે પ્રસન્ન ચિત્તે તેમણે હંસીને કહ્યું, ‘તને તો જાણ થશે કે હું ભમરાઓની સાથે ભમરો બનીને હું પ્રભાવતી પાસે આવી ગયો છું, હું હવે પ્રભાવતીનો આજ્ઞાંકિત થઈ ગયો છું. તે મારી સાથે તેને ગમે તેવો વર્તાવ કરી શકે છે.’ આમ કહીને પ્રદ્યુમ્ને પ્રગટ થઈ પોતાનું રૂપ દેખાડ્યું. તેમની પ્રભાથી ત્યાં બધે પ્રકાશ થયો. તેમની કાંતિ આગળ ચંદ્રની કાંતિ પણ ઝાંખી પડી. પ્રદ્યુમ્નને જોતાવેંત પ્રભાવતીના કામસમુદ્રમાં જુવાળ આવ્યો, જેવી રીતે પૂર્ણિમાના ચંદ્રને જોઈને સમુદ્રમાં જુવાળ આવે છે તેવી રીતે. લજ્જાને કારણે પ્રભાવતીનું મોં નીચે નમ્યું, પણ ત્રાંસી આંખે તે પ્રિયતમને જોઈ લેતી હતી. તે રાજીવલોચના સ્થિર થઈને ઊભી રહી ગઈ. સુંદર અલંકારોથી શોભતી પ્રભાવતીની ચિબુકનો સ્પર્શ કરીને પ્રદ્યુમ્નની કાયા રોમાંચિત થઈ ગઈ. તે બોલ્યા, ‘પૂર્ણચંદ્ર જેવું આ મુખ સેંકડો મનોરથો વડે આજે પ્રાપ્ત થયું છે. તું મોં નીચું કરીને ઊભી છે, મારી સાથે બોલતી કેમ નથી? મુખચંદ્રની પ્રભાનો તિરસ્કાર ન કર, તેનો લોભ ન કર, ભય મૂકીને આ દાસ પર કૃપા કર. તારું આ સલજ્જ મોં મને આ પ્રસંગે યોગ્ય નથી લાગતું. હું હાથ જોડીને તને વિનંતી કરું છું. સમયોચિત કર્તવ્ય શું છે તે સાંભળ. સંસારમાં તારા રૂપની કોઈ તુલના નથી. તું દેશકાળને અનુરૂપ ગાંધર્વવિવાહ કરીને મારા પર કૃપા કર.’ પછી પ્રદ્યુમ્ને આચમન કરીને સૂર્યકાન્ત મણિમાં રહેલા અગ્નિને પ્રગટાવ્યા. મંત્રોચ્ચારણ કરી પુષ્પોની આહુતિ આપી. અલંકાર- યુક્ત પ્રભાવતીનો હાથ પોતાના હાથમાં લઈ અગ્નિની પ્રદક્ષિણા કરી. ત્યાં જગતના શુભાશુભના સાક્ષી અગ્નિ પ્રગટ્યા, પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવાનો સંકલ્પ કરી બારણે ઊભેલી હંસીને કહ્યું, ‘હવે તું આ ભવનના બહારના દ્વાર આગળ ઊભી રહે અને કોઈની દૃષ્ટિ અમારા પર ન પડે તે જોજે.’ એટલે હંસી તેમને પ્રણામ કરીને જતી રહી. પ્રદ્યુમ્ન સુંદર નેત્રોવાળી પ્રભાવતીનો જમણો હાથ પકડીને સુંદર શય્યા પર લઈ ગયા. પોતાની સાથળ પર બેસાડીને વારે વારે ધીરજ બંધાવી અને પોતાના મુખના સુવાસિત વાયુ વડે તેના કપોલને ચુંબન કર્યું. પછી જેવી રીતે વિકસિત કમલના મકરંદનુંપાન કરે છે તેમ તે તેના અધરરસનું પાન કરવા લાગ્યા. પછી રતિકલાકુશળ પ્રદ્યુમ્ને મનોહર નિતંબો ધરાવતી પ્રભાવતીને આલિંગન આપ્યું, અને તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. તેઓ તેને ઉદ્વિગ્ન કરતા ન હતા, કોઈ ક્ષુદ્ર વર્તાવ કરતા ન હતા. આખી રાત તેઓ ત્યાં રહ્યા અને સવારે નટોના નિવાસસ્થાને જતા રહ્યા. પ્રભાવતી તો એક ક્ષણ માટે પણ વિરહ વેઠી શકે તેમ ન હતી. છતાં તેણે પ્રિયને સમય થયો એટલે જવા દીધા. પ્રદ્યુમ્ન પણ મનોમન પ્રિયાનો જ વિચાર કરતા રહ્યા. દેવરાજ ઇન્દ્ર અને શ્રીકૃષ્ણની આજ્ઞાની પ્રતીક્ષા કરતા નટવેશે જ રહ્યા. પોતાના ગૂઢ લક્ષ્યને બધી રીતે છુપાવીને વજ્રનાભના ત્રિલોકવિજય સંબંધી કાર્યની પ્રતીક્ષા કરતા રહ્યા. જ્યાં સુધી કશ્યપ મુનિનો યજ્ઞ ચાલતો રહ્યો ત્યાં સુધી ત્રિલોકવિજયની પ્રતીક્ષામાં લીન દેવદાનવ વચ્ચે કોઈ વિરોધ ન હતો. એવામાં ત્યાં વર્ષાઋતુનું આગમન થયું, બધાં પ્રાણીઓ માટેની સુંદર ઋતુ આવી. મનોવેગી હંસ યાદવકુમારોને ઇન્દ્રના તથા શ્રીકૃષ્ણના સમાચાર પહોંચાડતા હતા. પ્રત્યેક રાતે હંસોથી સુરક્ષિત રહીને પ્રદ્યુમ્ન ભાર્યા પ્રભાવતી સાથે ક્રીડા કરતા રહેતા હતા. ઇન્દ્રની આજ્ઞાથી વજ્રપુરમાં નિવાસ કરતા હંસ ચોતરફ હતા પણ બળથી મોહ પામેલા દાનવોને હંસ કોણ છે — નટ કોણ છે તેની જાણ થતી ન હતી. પ્રદ્યુમ્ન તો દિવસે પણ પ્રભાવતીની પાસે જ રહેતા હતા. માયાથી તેમની છાયા જ નટોના સ્થાને જોવા મળતી હતી. તેઓ પોતાના અડધા શરીરે પ્રભાવતી સાથે રમણ કરતા હતા. નટોના વિનય, શીલ, લીલા, ચાતુરી, સરલતા, વિદ્વત્તાને કારણે અસુરો નિત્ય તેમને ચાહતા રહેતા હતા. અસુર સ્ત્રીઓ પણ યાદવકુમારોની સાથે આવેલી સુંદરીઓનાં રૂપ, વિલાસ, સુવાસ, મનોહર વાણી, શ્રેષ્ઠ સ્વભાવની ઘેલી બની હતી. વજ્રનાભના સુનાભ નામના ભાઈને ચંદ્રવતી અને ગુણવતી નામની બે સુંદર અને ગુણવાન પુત્રીઓ હતી. તેઓ નિત્ય પ્રભાવતીના મહેલમાં આવજા કરતી હતી. તેમણે પ્રભાવતીને વિલાસિની રૂપે જોઈ. પ્રભાવતી આ બંને બહેનો પર અત્યંત વિશ્વાસ કરતી હતી. તે બંનેએ એક વેળા પૂછ્યું, એટલે પ્રભાવતીએ કહ્યું, ‘મારી પાસે એક વિદ્યા એવી છે જેનાથી હું જે પતિને ઇચ્છું તેને મારી પાસે લાવી દે. એ પુરુષ દેવ હોય કે દાનવ — આ વિદ્યા તેને વિવશ બનાવી લઈ આવે છે. એ વિદ્યા વડે હું દેવકુમાર સાથે ક્રીડા કરું છું. જુઓ, મારી વિદ્યાના કે મારા પ્રભાવથી પ્રદ્યુમ્ન પ્રિયતમ બની ગયા છે.’ પ્રદ્યુમ્નના રૂપ અને યૌવનની સમૃદ્ધિ જોઈને બંને બહેનોને બહુ અચરજ થયું. એટલે સુંદર પ્રભાવતી બોલી, ‘દેવતાઓ નિત્ય ધર્મપરાયણ હોય છે અને મહાન અસુર દંભી હોય છે. દેવતાઓ તપ કરે છે, અસુરો સુખમાં લીન રહે છે. દેવતાઓ સત્યમય, અસુરો અસત્યમય, જ્યાં તપ, ધર્મ, સત્ય, હોય ત્યાં યુદ્ધમાં તે પક્ષનો વિજય થાય છે. તમે બંને પણ યોગ્ય દેવકુમારો પસંદ કરી લો. પતિ પામવાની આ વિદ્યા હું તમને આપું છું. તમે મનવાંછિત પતિ મેળવી શકશો.’ ત્યારે બંને બહેનો આનંદિત થઈ ગઈ. પતિનો આદર કરનારી પ્રભાવતીએ એ વિશે પૂછ્યું તો પ્રદ્યુમ્ને તેને સાંબ અને ગદનાં નામ કહ્યાં, ‘તે બંને સુંદર, સુશીલ અને શૂરવીર છે.’ પછી પ્રભાવતીએ બહેનોને કહ્યું, ‘ભૂતકાળમાં મારી સેવાથી પ્રસન્ન થઈને દુર્વાસા મુનિએ આ મંત્ર આપ્યો હતો. અને સાથે સાથે અખંડ સૌભાગ્ય અને અખંડ કૌમાર્યવ્રતનું વરદાન પણ આપ્યું હતું. તેમણે મને કહ્યું, ‘તું દેવ — દાનવ- યક્ષ — આ બધામાંથી જેનો વિચાર કરીશ તે તારો પતિ થશે. એમના વરદાનથી જ મેં પ્રદ્યુમ્નને પતિ બનાવવાની ઇચ્છા કરી. તમે બંને બહેનો આ વિદ્યા ગ્રહણ કરો અને એનાથી શીઘ્ર પ્રિયતમનો સાથ મળશે.’ આ સાંભળી બંને બહેનોએ પ્રભાવતી પાસેથી આ વિદ્યા ગ્રહણ કરી લીધી. તે શુભ લક્ષણા કન્યાઓએ વિદ્યાભ્યાસ કરીને ગદ અને સાંબનું ધ્યાન ધર્યું. પછી તો એ બંને કુમારો પ્રદ્યુમ્નની સાથે જ મહેલમાં પ્રવેશ્યા. માયાવી પ્રદ્યુમ્ને પોતાની માયા વડે તે બંને વીરને સંતાડીને રાખ્યા હતા. શત્રુજિત તે કુમારોએ પણ ગાંધર્વવિવાહ કરીને મંત્રોચ્ચારથી તે કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તે બંને સત્પુરુષોના પ્રિય હતા. ચંદ્રવતી સાથે ગદ અને ગુણવતી સાથે સાંબ પરણ્યા. આમ તે ત્રણે તે દિવસોમાં ઇન્દ્ર અને શ્રીકૃષ્ણની આજ્ઞાની પ્રતીક્ષા કરતા કરતા તે અસુરકન્યાઓ સાથે ક્રીડા કરતા રહ્યા. પૂર્ણ ચંદ્ર જેવું મુખ ધરાવતા પ્રદ્યુમ્ને ભાદરવા મહિનામાં આકાશને વાદળોથી છવાયેલું જોયું, ત્યારે વિશાલાક્ષી પ્રભાવતીને કહ્યું, ‘તારા મુખ જેવો દેખાતો ચંદ્ર અત્યારે આંખો સામે નથી, તારા કેશપાશ જેવાં વાદળોએ એને ઢાંકી દીધો છે. વાદળોમાં ચમકતી જે વીજળી દેખાય છે તે સુવર્ણાલંકારોથી શોભતી તારા જેવી લાગે છે, આ ગરજતાં વાદળ તારી મોતીમાળાની જેમ સ્વચ્છ જળ વરસાવી રહ્યાં છે. આકાશમાં ઘેરાયેલાં વાદળ વચ્ચે દેખાતી બકપંક્તિ તારા દાંત જેવી છે. નદીઓનાં પાણીમાં કમળ ડૂબી ગયાં છે, ધસમસતાં પાણી વહી રહ્યાં છે. વાદળોને વાયુ હંકારે છે. અરે પ્રાણવલ્લભા, તારા મુખ પર નેત્રોનો જે તિરંગો દેખાય છે તેના જેવું આ ઇન્દ્રધનુષ જો. આકાશ અને વાદળોની શોભામાં વૃદ્ધિ કરતું તે ઇન્દ્રધનુષ કામીજનોને આનંદ આપે છે. વાદળોને ગરજતાં જોઈ આનંદિત હૈયે મોર કળા કરી રહ્યા છે, તે બહુ સુંદર દેખાય છે, તું ત્યાં જો… ચંદ્ર જેવી ઊજળી અગાશીઓ પર બીજા મોર બે ઘડી માટે બેસી પછી ઊડવા માંડે છે ત્યારે બહુ સુંદર દેખાય છે. સુંદર દેખાતાં મોર વૃક્ષોની સૌથી ઉપરની ડાળી પર બેઠા છે, તેમની પાંખો ભીંજાયેલી છે, બે ઘડી વૃક્ષોની ટોચ પર ચૂડામણિની જેમ શોભીને તે નવા ઊગેલા ઘાસ પર બેસશે. તેમના મનમાં શંકા છે કે આ ઘાસ ધરતીથી ભિન્ન છે કે અભિન્ન? જલધારાઓની વચ્ચેથી વહેતો આ સુખદ પવન ચંદન લેપ જેવો શીતળ છે. કદંબ, અર્જુનનાં ફૂલોની સુવાસ લઈને પવન વાય છે. તે કામોદ્દીપક છે. રતિશ્રમથી થતા પ્રસ્વેદનો નાશ કરનાર અને નવાં પાણીને ખેંચી લાવનાર આ પવન ન હોત તો આ વર્ષાઋતુ મને ન ગમત. પ્રિયજનોના સમાગમ વખતે, રતિક્રીડાના અંતે પ્રસ્વેદને દૂર કરનારો પવન જ્યારે સ્પર્શે ત્યારે એનાથી વધુ સુખ બીજું શું? મોટી મોટી નદીઓના કિનારા જળમાં ડૂબેલા જોઈ સારસ, ક્રૌંચ, હંસ માનસરોવરમાં જવા લુબ્ધ થઈ ત્યાં જવાનો પરિશ્રમ સ્વીકારે છે. હંસ, સારસ અને ચક્રવાક જતા રહે પછી નદી, સરોવર શ્રીહીન લાગે છે. તેમના વિના નથી નદીઓ શોભી ઊઠતી કે નથી સરોવર. શ્રેષ્ઠ વર્ષાકાલ અને તે વેળા શયન કરનારા ભગવાન વિષ્ણુને જાણનારી યોગનિદ્રા અતિ લોકોત્તર મનોહર રૂપ ધારણ કરનારી શ્રીદેવીને પ્રણામ કરી શેષનારાયણ પર એક પડખે સૂતેલા ઈશ્વર — ઉપેન્દ્ર પાસે આવી છે. પ્રફુલ્લ કમળ જેવાં વિશાળ નેત્રોવાળી પ્રિયા, ભગવાન ઉપેન્દ્રની યોગનિદ્રા સ્વીકારી શ્વેત કાન્તિવાળા કમળ જેવા ચંદ્ર મેઘ રૂપી વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રીકૃષ્ણના મુખનું અનુકરણ કરે છે. બધી ઋતુઓ શ્રીકૃષ્ણ પાસેથી કૃપા મેળવવા તેમની સેવામાં કદમ્બ, નીપ, અર્જુન, કેવડો જેવાં બીજાં પુષ્પો લઈને આવે છે. આ પુષ્પોનો રસ ભમરા વારંવાર પીએ છે. જ્યારે ઝેરીલા સાપ તેમને સ્પર્શે છે ત્યારે તે કરમાઈ જાય છે. લોકોને તે અચરજ પમાડે છે. નાનકડા જલકુંડ જેવા આકાશના જળથી ભરેલા મેઘઘટા દ્વારા પડે છે ત્યારે તારા મુખ, સ્તન, સાથળ કામોદ્રેકે વશ થઈ પ્રસ્વેદથી ભીનાં થઈ ગયાં છે. આ વાદળોની ઘટા બકપંક્તિના પુષ્પહારથી અલંકૃત થઈ છે, તે જો, આ વાદળ જગતના હિતાર્થે ધરતી પર પાણી વરસાવે છે. પાણી ભરેલાં મેઘસમૂહને પોતાની સાથે ખેંચી લાવનાર પવન વાદળ સાથે વાદળને ટકરાવે છે, જાણે કોઈ ચક્રવર્તી રાજા શક્તિમદથી ઉન્મત્ત થયેલા વનહસ્તીઓને પોતાના હસ્તીઓ સાથે લડાવે છે. આ મેઘ શુદ્ધ, પવિત્ર, સુવાસિત વાયુથી સંલગ્ન થઈ દિવ્ય જળની જે વર્ષા કરે છે તે ચાતક, મોર જેવા શ્રેષ્ઠ પક્ષીઓને આનંદ આપે છે. વર્ષાના આઠ મહિના પહેલાં ક્યાંક દરમાં સંતાઈ રહેલા દેડકા વર્ષાના ચાર મહિનામાં પોતાની માદાઓ સાથે નાદ કરે છે, જાણે સત્ય અને ધર્મ પર પ્રેમ રાખનાર કોઈ વિદ્વાન બ્રાહ્મણ પોતાના શિષ્યોની મંડળીમાં વેદની ઋચાઓનો પાઠ કરી રહ્યો છે. વર્ષા ઋતુનો એક બીજો ગુણ પણ છે. અચાનક મેઘગર્જના સાંભળીને ભયભીત થયેલી પ્રિયાઓને પ્રણયી શયનકાળ સિવાય પણ આલિંગનથી તેમની કામવાસનાની વૃદ્ધિ કરે છે. ઉત્તમ વંશ, સુંદર વર્ણ અને સુંદર સ્વભાવવાળી પ્રિયા, વર્ષાકાળનો એક જ અવગુણ છે. તારા મુખ જેવો ચંદ્ર મેઘથી ઢંકાઈ જાય છે. જ્યારે વિશ્વને પ્રકાશિત કરનાર ચંદ્ર વાદળો પાછળથી જોવા મળે છે ત્યારે વિદેશથી પાછા ફરેલા પ્રેમીઓની જેમ લોકો ચંદ્રને વારંવાર જોયા કરે છે. પ્રોષિતભર્તૃકાઓના વિલાપનો સાક્ષી ચંદ્રમા જ્યારે દેખાય છે ત્યારે જેમના પતિ પરદેશથી પાછા ફરી રહ્યા હોય છે, તે સ્ત્રીઓનાં નેત્રમાં પ્રિયતમને જોઈને જ આનંદોત્સવ ઉજવાય છે. જેમને પ્રિયતમનો સાથ મળ્યો છે તેમને જ માટે આ નેત્રોત્સવ છે, પ્રિયતમનો વિરહ ભોગવતી યુવતીઓ માટે તો આ ચંદ્ર દાવાગ્નિ જેવો જ છે. આમ આ ચંદ્ર આહ્લાદક હોવા છતાં સંયોગ—વિયોગના અવસ્થાભેદને લીધે કેટલાકને પ્રિય તો કેટલાકને અપ્રિય લાગે છે. તારા પિતાના આ નગરમાં ચંદ્રમા વિના પણ ચંદ્રકિરણો જેવો ગૌર પ્રકાશ જોવા મળે છે. એટલે અહીં મને ચંદ્રમા હોય — ન હોય તેના ગુણઅવગુણની જાણ થતી નથી. આ ચંદ્ર, આ બુધ, આ પુરૂરવા, આ નહુષ, ઉપરિચર જેવા થઈ ગયા…યદુકુળમાં કપટ કરનાર કોઈ રાજા નથી. તું એ જ ચંદ્રવંશ અને યદુવંશની પુત્રવધૂ છે. તું જગદીશ્વર શ્રીહરિને વંદન કર. ભગવાન નારાયણ તારા સસરા થયા…’ કશ્યપ ઋષિનો યજ્ઞ સમાપ્ત થયો એટલે દેવદાનવ પોતપોતાના સ્થાને ગયા. વજ્રનાભ ત્રિભુવન વિજયની અભિલાષા લઈને કશ્યપ ઋષિ પાસે ગયો. તેમણે કહ્યું, ‘પુત્ર વજ્રનાભ, મારી વાત સાંભળવા યોગ્ય, ધ્યાન આપવા યોગ્ય હોય તો સાંભળ. તું તારા સ્વજનો સાથે વજ્રપુરમાં જ રહે. ઇન્દ્ર તપમાં તારાથી ચઢિયાતા છે. સ્વભાવથી જ શક્તિશાળી છે. બ્રાહ્મણભક્ત, કૃતજ્ઞ, ભાઈઓમાં જ્યેષ્ઠ, ઉત્તમ ગુણવાન છે. તે સંપૂર્ણ જગતના રાજા છે, સુપાત્ર છે, સત્પુરુષોના આશ્રય છે, બધાં પ્રાણીઓના હિતચિંતક છે. વજ્રનાભ, તું એમને જીતી નહીં શકે. એમ કરવા જતાં તું પોતે જ મૃત્યુ પામીશ. સાપને પગની લાત મારનારાની જેમ તું નાશ પામીશ.’ વજ્રનાભનું આખું શરીર કાળના પાશથી બંધાયેલું હતું, જેવી રીતે મૃત:પ્રાય રોગીને ઔષધ નથી ભાવતું તેવી રીતે તેને કશ્યપ ઋષિની વાત ન ગમી. ભ્રષ્ટ બુદ્ધિ ધરાવતો તે અસુર કશ્યપ ઋષિને પ્રણામ કરીને જતો રહ્યો. તેણે ત્રિભુવનવિજયનો માર્ગ નક્કી કરી લીધો. પોતાના બંધુઓ અને મિત્રોની સાથે વિજય પામવા સ્વર્ગલોકમાં ગયો. આ ગાળામાં મહાબલી કૃષ્ણ અને ઇન્દ્ર બંનેએ વજ્રનાભના વધ માટે હંસો દ્વારા સંદેશો મોકલ્યો. વજ્રપુરમાં એકઠા થયેલા મુખ્ય મુખ્ય યાદવવીરો હંસોના મોઢે આ સંદેશો સાંભળીને અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા. આજે પ્રદ્યુમ્ને વજ્રનાભનો વધ કરવો જોઈએ એમાં તો કશી શંકા નથી પણ વજ્રનાભ અને તેના ભાઈ — આ બંનેની કન્યાઓ યાદવોની પત્ની થઈ ગઈ છે. અત્યારે તે ત્રણે સગર્ભા છે તો આપણે શું કરીએ? તેમની પ્રસૂતિનો સમય પણ હાથવેંતમાં છે. એટલે તે બધાએ સારી રીતે વિચારીને હંસોને કહ્યું, ‘તમે ભગવાન શ્રીકૃષ્ણ અને ઇન્દ્રની પાસે જઈને અહીંની વાસ્તવિકતા જણાવો.’ પછી હંસોએ ત્યાં જઈને બંને દેવતાઓને બધી વાત કરી. એટલે તે બંનેએ હંસો દ્વારા સંદેશ મોકલ્યા, ‘યાદવો, તમારે બીવાની જરૂર નથી. એ સ્ત્રીઓના પેટે ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનારા ગુણવાન પુત્ર જન્મશે. ગર્ભાવસ્થામાં જ વેદ-વેદાંગનું સંપૂર્ણ જ્ઞાન પામશે. જન્મતાંની સાથે જ તેઓ યુવાન અને વિદ્વાન થઈ જશે.’ એટલે હંસોએે વજ્રપુર જઈને બંને દેવતાનો સંદેશો સંભળાવ્યો. તે સમયે પ્રભાવતીએ પ્રદ્યુમ્ન જેવાં જ સર્વગુણ સંપન્ન પુત્રને જન્મ આપ્યો. તે તત્કાલ યુવાન થઈ ગયો. એક મહિના પછી ચંદ્રાવતીએ પણ એક પુત્રને — ચન્દ્રપ્રભને જન્મ આપ્યો. તે પણ યુવાન થઈ ગયો. ગુણવતીએ પણ એક પુત્રને જન્મ આપ્યો. બંને બાળકો તત્કાલ યુવાન થઈ ગયા. યુદ્ધમાં શૂરવીર હતા. ઇન્દ્ર અને ઉપેન્દ્રની કૃપાથી તે બાળકોમાં બધા સદ્ગુણ આવ્યા હતા. એક દિવસ અગાશી પર હરતાફરતા તે યાદવકુમારોને અસુરોએ જોઈ લીધા. ઇન્દ્ર અને ઉપેન્દ્રની ઇચ્છાથી જ આમ બન્યું હતું. તે સમયે આકાશની દિશાએથી નગરરક્ષા કરનારા અસુરોએ ગભરાઈ જઈને સ્વર્ગવિજયની ઇચ્છા ધરાવનારા વજ્રનાભને એ કુમારો વિશે કહ્યું. આ સાંભળી વજ્રનાભે કહ્યું, ‘આ બાળકો મારા ઘરને કલંકિત કરનારાં છે. તેમને વધ કરવા પકડી લો.’ પછી અસુરરાજની આજ્ઞાથી અસુરસેનાએ બધી દિશાએથી નગરને ઘેરી લીધું. બધી દિશાઓમાં સંભળાતું હતું — પકડો અને મારી નાખો. શત્રુઓને દંડ આપનારા અસુરરાજની આજ્ઞાથી બધા યોદ્ધાઓ આમ બોલતા હતા. આ સાંભળીને માતાઓ શોકથી કલ્પાંત કરવા લાગી. તેમને રુદન કરતી જોઈ પ્રદ્યુમ્ને હસતાં હસતાં કહ્યું, ‘દાનવકન્યાઓ, તમે ગભરાઓ નહીં. જ્યારે અમે અહીં જીવતાજાગતા ઊભા છીએ ત્યારે આ અસુરો શું કરી લેશે? તારા પિતા અને કાકા હાથમાં ગદા લઈને ઊભા છે. તારા ભાઈઓ અને બીજા કુટુંબીજનો પણ યુદ્ધમાં ઊભા છે. આ બધા તારા સ્વજનો મારા માટે પૂજનીય છે, આદરપાત્ર છે. તું તારી બહેનોને પણ પૂછી જો. આ સમય બહુ ભયંકર છે. જેઓ મરણનું કષ્ટ વેઠીને યુદ્ધ કરે છે તેમનો નિશ્ચિત વિજય થાય છે. દાનવરાજ વજ્રનાભ અને બીજાઓ અમારો વધ કરવા યુદ્ધ કરશે. હવે આ પરિસ્થિતિમાં અમારે શું કરવું? તું કહે તેમ કરીશું.’ પ્રભાવતી રડતાં રડતાં ભૂમિ પર પડી ગઈ અને બોલી, ‘શત્રુસંહારક, શસ્ત્ર હાથમાં લઈ તમારી રક્ષા કરો. જીવતા રહેશો તો પુત્રો-પત્નીઓને જોજો. રુક્મિની અને પુત્ર અનિરુદ્ધને પણ મળી શકશો. આ બધો વિચાર કરીને તમે શંકામુક્ત થાઓ. બુદ્ધિમાન દુર્વાસાએ મને વરદાન આપ્યું હતું, તું અવિધવા રહીશ, પ્રસન્ન અને જીવિત પુત્રોની માતા બનીશ. ઇન્દ્રાનુજકુમાર, આ વરદાન મારા હૃદયને માટે આશ્વાસન રૂપ છે. સૂર્ય અને અગ્નિ જેવા દુર્વાસાનું વચન સત્ય થશે, મિથ્યા નહીં થાય.’ આમ કહી મનસ્વિની નારી પ્રભાવતીએ એક તલવાર સારી રીતે સ્વચ્છ કરીને આપી, સાથે સાથે શુભેચ્છા આપી, ‘તમે વિજયી થશો.’ પછી પાસે ઊભા રહેલા સારથિ હંસકેતુને કહ્યું, ‘તું અહીં રહી યાદવ અને સાંબની સાથે અસુરો સામે યુદ્ધ કર.’ તેણે કહ્યું, ‘હું આકાશ અને બધી દિશાઓમાં યુદ્ધ કરીશ.’ પછી પ્રદ્યુમ્ને માયા વડે એક રથ સર્જ્યો. અનન્ત શરીરવાળા, સહ મસ્તકવાળા એક ઉત્તમોત્તમ નાગને સારથિ બનાવ્યો. પછી અસુરસેનામાં વિહરવા લાગ્યા, પછી અર્ધચન્દ્રાકાર અને બીજા બાણ વડે અસુરોને પીડવા લાગ્યા. અસુરોએ પણ આમથી તેમ શસ્ત્રો વડે પ્રદ્યુમ્ન ઉપર બાણવર્ષા કરવા માંડી. કેયૂર અને કંકણની કાન્તિથી શોભતી અસુરભુજાઓને છેદી નાખી. અસુરોનાં અંગઉપાંગોથી ધરતી છવાઈ ગઈ. ઇન્દ્ર બીજા દેવતાઓની સાથે આકાશમાં ઊભા રહીને યુદ્ધ જોઈ રહ્યા હતા. જે અસુરોએ ગદ અને સાંબ પર આક્રમણ કર્યું તે બધા મૃત્યુ પામ્યા, જાણે અસંખ્ય જલજન્તુઓ મહાસાગરમાં વિલીન થઈ ગયા. યુદ્ધની વિષમ પરિસ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્રે ગદ માટે પોતાનો રથ મોકલી આપ્યો, સાથે જ માતલિના પુત્ર સુવર્ચાને સારથિ તરીકે આપ્યો. આ ઉપરાંત તેમણે સાંબના વાહન તરીકે ઐરાવત મોકલી આપ્યો. આટલું ઓછું હોય તેમ ઇન્દ્રે પ્રદ્યુમ્નના સહાયક તરીકે જયન્તને મોકલ્યો અને ઐરાવતની દેખભાળ કરવા પ્રવર નામના બ્રાહ્મણને કામ સોંપ્યું. જયંત અને પ્રવર બંને ભારે પરાક્રમી હતા. તેઓની કાર્યવાહી ઉત્તમ હતી એની જાણ ધરાવતા દેવરાજે બ્રહ્માની આજ્ઞા લઈને જયંત, પ્રવર, સુવર્ચા અને ઐરાવતને મોકલી આપ્યા હતા. બધાં પ્રાણીઓ પોતાના અંતરની વાત કહેતાં હતાં, ‘આ વજ્રનાભની તપસ્યા આછી થઈ રહી છે. આ મૂર્ખ દૈત્ય યાદવોના હાથે મૃત્યુ પામશે.’ પ્રદ્યુમ્ન અને જયંત — બંને વીર મહેલની છત પર જઈ બાણવર્ષા કરી અસુરોનો વધ કરવા લાગ્યા. કોઈનાથી ગાંજ્યા ન જાય એવા પ્રદ્યુમ્ને ગદને કહ્યું, ‘દેવરાજ ઇન્દ્રે તમારા માટે આ રથ મોકલ્યો છે, તેમાં લીલા રંગના ઘોડા જોડેલા છે. અને માતલિના મહાબળવાન પુત્ર સુવર્ચા આ રથના સારથિ છે. આ ઐરાવત હાથીને પ્રવર સંભાળશે અને તે સાંબ માટે છે. આજે દ્વારકામાં મહાદેવની મહાપૂજા છે, એ પૂરી થાય એટલે મારા પિતા શ્રીકૃષ્ણ અહીં કાલે આવશે. તેમની આજ્ઞાથી સ્વર્ગલોક જીતવાની ઇચ્છા ધરાવતા વજ્રનાભને તેના બાંધવોની સાથે મારી નાખીશું. આ દૈત્ય તેના પુત્રો સમેત દેવરાજ ઇન્દ્રનો પરાભવ ન કરી શકે એવો ઉપાય હું કરીશ. પરંતુ આપણે જરાય ઢીલ બતાવવાની નથી, સાવધાન રહીશું. વિદ્વાનોએ બધા ઉપાય કરીને પોતાની પત્નીઓની રક્ષા કરવી જોઈએ. જો પત્નીનો તિરસ્કાર કોઈ પરપુરુષ કરે તો એ ઘટના મૃત્યુથીય વધારે ભયંકર ગણાય.’ ગદ અને સાંબને આમ કહી મહાબળવાન પ્રદ્યુમ્ને પોતાની દિવ્ય માયા વડે કરોડો પ્રદ્યુમ્નો સર્જ્યા. દૈત્યોએ સર્જેલો ભયાનક અંધકાર દૂર કર્યો. શત્રુજિત પ્રદ્યુમ્નનું આવું પરાક્રમ જોઈ ઇન્દ્રને બહુ આનંદ થયો. બધાએ શત્રુઓની વચ્ચોવચ્ચ શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્નને જોયો. દરેકના અંતરમાં તેમનો વાસ છે એમ માન્યું આમ યુદ્ધ કરતાં કરતાં રુક્મિનીપુત્ર પ્રદ્યુમ્ને આખી રાત વીતાવી. પોતાના અદ્ભુત તેજ વડે અસુરોના ત્રીજા ભાગનો વિનાશ કર્યો. એક બાજુ શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન યુદ્ધભૂમિ પર અસુરો સાથે લડતા રહ્યા અને બીજી બાજુ જયંતે ગંગાજળમાં સંધ્યા કરી લીધી. એવી રીતે જયંત યુદ્ધ કરતા રહ્યા ત્યારે પ્રદ્યુમ્ને આકાશગંગાના જળ વડે સંધ્યાપૂજા કરી લીધી. હવે વિશ્વના નેત્ર રૂપી સૂર્યના ઉદયને બે ઘડી વીતી ત્યારે સર્પશત્રુ ગરુડ પર બેસીને ભગવાન હરિ ત્યાં પધાર્યા. હંસ, વાયુ, અને મન કરતાંય વિશેષ ગતિ કરનારા ગરુડ આકાશમાં ઇન્દ્ર પાસે આવી પહોંચ્યા. શ્રીકૃષ્ણે ઇન્દ્ર સાથે ઔપચારિક વાતો કરી શત્રુઓને ભયભીત કરનારો પાંચજન્ય શંખ વગાડ્યો. શત્રુઓનો સંહાર કરી રહેલા પ્રદ્યુમ્ન એ શંખધ્વનિ સાંભળીને તરત જ ત્યાં આવ્યા. શ્રીકૃષ્ણે તેમને કહ્યું, ‘પુત્ર, હવે વજ્રનાભનો વધ કર. શીઘ્રતાથી કર અને ગરુડ પર બેસીને જા.’ પછી પ્રદ્યુમ્ને બંને દેવોને વંદન કરીને એમ જ કર્યું. મનોવેગી ગરુડ પર બેસીને તરત મહા દ્વન્દ્વયુદ્ધ કરનારા વજ્રનાભ પાસે પહોંચી ગયા. બધાં જ અસ્ત્રશસ્ત્રના જાણકાર, અનિંદિત પ્રદ્યુમ્ન ગરુડ પર સ્થિરતાથી બેસીને વજ્રનાભને પીડવા લાગ્યા. ગરુડ પર બેઠા બેઠા જ તેમણે તે અસુરની છાતીમાં ગદા મારી. એનાથી ઘવાઈને તે વીર અસુર મૂચ્છિર્ત થઈ ગયો. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું, અને તે મૃત:પ્રાય થઈ ગયો. ત્યારે રણરાજવી શ્રીકૃષ્ણપુત્રે તેને કહ્યું, ‘તમે સ્વસ્થ થાઓ.’ પછી સ્વસ્થ થઈને તેણે પ્રદ્યુમ્નને કહ્યું, ‘તું શત્રુ હોવા છતાં મને તારા માટે માન છે. હવે તારા પ્રહારનો ઉત્તર આપવાનો મારો વારો આવ્યો છે. તો સ્વસ્થ થઈ જા.’ આમ કહીને ઘણા બધા કાંટા અને ઘંટવાળી ગદા વડે મેઘગર્જના જેવી ગર્જના કરીને તેણે પ્રદ્યુમ્ન પર પ્રહાર કર્યો. તેને કારણે પ્રદ્યુમ્નના કપાળ પર ભારે ઘા થયો. તે પણ મોંમાંથી લોહી વહેવડાવતા મૂર્ચ્છિત થઈ ગયા.પુત્રને આશ્વાસન આપવા શ્રીકૃષ્ણે સમુદ્રમાંથી પ્રગટેલા પાંચજન્ય શંખનો ઘોષ કર્યો. એના ધ્વનિથી પ્રદ્યુમ્નને કળ વળી, તે જોઈને બધાને પ્રસન્નતા થઈ, વિશેષ કરીને ઇન્દ્રને તથા શ્રીકૃષ્ણને. શ્રીકૃષ્ણની પ્રેરણાથી તેમનું સુદર્શન ચક્ર પ્રદ્યુમ્ન પાસે ગયું. તે ચક્રમાં સહ આરા હતા, અનેક ધાર હતી. તે ચક્ર દૈત્યોના સમૂહનો નાશ કરનારું હતું. બંને દેવને પ્રણામ કરીને પ્રદ્યુમ્ને તે ચક્ર દૈત્યરાજ વજ્રનાભનો વધ કરવા માટે ચલાવ્યું. બધા જ દૈત્યો જોતા રહી ગયા અને તે ચક્રે વજ્રનાભના મસ્તકનો છેદ ઉડાવી દીધો. મહેલની છત પર ઊભા રહેલા ગદે પોતાને મારી નાખવાની ઇચ્છા ધરાવતા સુનાભનો વધ કર્યો. સાંબે પણ યુદ્ધભૂમિની વચ્ચે ઊભા રહેલા અસુરોને મારી નાખ્યા. અસુરવીર વજ્રનાભના મૃત્યુથી, શ્રીકૃષ્ણના ભયથી ડરી જઈને બીજા ષટપુર જતા રહ્યા. વજ્રનાભનો સંહાર થયો એટલે શ્રીકૃષ્ણ અને ઇન્દ્ર વજ્રપુરમાં ઊતર્યા અને બંનેએ શોક — દુઃખને શાંત કર્યા. ત્યાં આબાલવૃદ્ધ ભયભીત હતા, તે બધાને ધીરજ બંધાવી. ઇન્દ્રે અને શ્રીકૃષ્ણે ભવિષ્ય અને વર્તમાનનો વિચાર કરીને બૃહસ્પતિના મતને અનુસરી વજ્રનાભના રાજ્યને ચાર ભાગમાં વહેંચ્યું. ચોથો ભાગ જયંતપુત્ર વિજયને, બીજો ચોથો ભાગ પ્રદ્યુમ્નપુત્રને, ત્રીજો ચોથો ભાગ સાંબના પુત્રને અને છેલ્લો ચોથો ભાગ ગદના પુત્ર ચંદ્રપ્રભને આપ્યો. વજ્રનાભના અંકુશમાં ચાર કરોડથી વધુ ગામ હતાં. એક સહ શાખાનગર હતાં, તે સર્વ વજ્રપુર જેવા જ સમૃદ્ધ હતાં. ત્યાંની બધી જ વસ્તુઓના ઇન્દ્રે અને શ્રીકૃષ્ણે ચાર ભાગ કર્યા. ત્યાંથી મળેલા કંબલ, મૃગચર્મ, વસ્ત્ર અને વિવિધ રત્ન પણ ચાર ભાગમાં વહેંચ્યા. ઇન્દ્રના કહેવાથી તે ચારેય વીર દેવદુંદુભિના ધ્વનિ સાથે ગંગાજળથી અભિસિક્ત થઈ સિંહાસન પર બેઠા. ચારેય રાજકુમારોનો રાજ્યાભિષેક ઋષિઓના સાન્નિધ્યમાં કર્યો, વિજયની સાથે સાથે.

બધા જ રાજકુમાર આકાશગામી હતા. તે બધાનો અભિષેક કરીને ઇન્દ્રે જયંતને કહ્યું, ‘તારે આ બધા રાજાઓની રક્ષા કરવી જોઈએ. એમાં એક તો મારા વંશનો પ્રવર્તક છે અને ત્રણ શ્રીકૃષ્ણના વંશને વિસ્તારનારા છે. આ બધાને કોઈ પ્રાણી મારી નહીં શકે. તેઓ આકાશમાં આવજા કરતા રહેશે, સ્વર્ગમાં અને દ્વારકામાં આવતાજતા રહેશે. દિગ્ગજોની, ઉચ્ચૈ:શ્રવાની સંતતિ, વિશ્વકર્માનિર્મિત રથ તેમને આપો. ઐરાવતના પુત્ર શત્રુંજય અને રિપુંજય સાંબને અને ગદને આપો. એમની સહાયથી તેઓ દ્વારકા જઈ શકશે અને પોતાના પુત્રોને જોવા માટે ઇચ્છા થાય ત્યારે જઈ શકશે. આમ કહીને ઇન્દ્ર સ્વર્ગમાં અને શ્રીકૃષ્ણ દ્વારકા ગયા. ગદ, પ્રદ્યુમ્ન અને સાંબ ત્યાં છ મહિના વધુ રોકાયા અને જ્યારે રાજ્ય વધુ વ્યવસ્થિત થયું ત્યારે પછી તેઓ દ્વારકા ગયા. (વિષ્ણુપર્વ ૯૧-૯૭)

ધન્વંતરીની કથા

ભૂતકાળમાં સમુદ્રમંથન થયું ત્યારે ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ્યા. તે વખતે વિષ્ણુનાં નામોનો જપ કરતા અને આરોગ્યસાધક કાર્ય વિશે વિચાર કરતા તેઓ દિવ્ય તેજથી શોભતા હતા. પોતાની સામે તેમણે ભગવાન વિષ્ણુને જોયા, ભગવાને તેમને કહ્યું, ‘તમે જળમાંથી પ્રગટ્યા છો એટલે હવે અબ્જ.’ પછી ધન્વંતરી અબ્જ નામે વિખ્યાત થયા. તેમણે ભગવાનને કહ્યું, ‘હું તો તમારો પુત્ર. મારા માટે યજ્ઞભાગની વ્યવસ્થા કરી આપો અને લોકમાં મારું સ્થાન નિશ્ચિત કરી આપો.’ ભગવાન વિષ્ણુએ તેમને સાચી વાત કહી, ‘ભૂતકાળમાં યજ્ઞસંલગ્ન દેવતાઓએ યજ્ઞનો વિભાગ કરી દીધો છે. મહર્ષિઓએ આ વિભાગ દેવતાઓ માટે જ નિશ્ચિત કર્યો છે. આ વાત તું ધ્યાનથી સમજ. તને નાના મોટા હવિ ન મળી શકે. તું તો દેવતાઓ પછી જન્મ્યો છે. એટલે વેદ વિરુદ્ધ યજ્ઞભાગ તારા માટે સંભવી ન શકે. તું બીજા જન્મે સંસારમાં વિખ્યાત થઈશ. ગર્ભાવસ્થામાં જ તને અણિમા જેવી સિદ્ધિઓ મળશે; ત્યારે તું દેવત્વ પામીશ, પછી બ્રાહ્મણો મંત્રો વડે તારો યજ્ઞભાગ નિશ્ચિત કરશે. તે સમયે તું આયુર્વેદને આઠ ભાગોમાં વહેંચીશ. બ્રહ્માએ પહેલેથી આ વ્યવસ્થા કરી જ રાખી છે. બીજા દ્વાપરમાં તું સંસારમાં પ્રસિદ્ધ થઈશ.’ ધન્વંતરીને આ વરદાન આપીને ભગવાન અંતર્ધાન થયા. બીજા દ્વાપર યુગમાં સુનહોત્રના પુત્ર કાશીરાજ ધન્વ પુત્રની કામનાથી દીર્ઘકાલીન તપ કરવા બેઠા. તેમણે મનોમન પુત્ર માટે ધન્વંતરીનું તપ કરવા માંડ્યું. તેના તપથી પ્રસન્ન થયેલા દેવે કહ્યું, ‘ઉત્તમ વ્રતધારી, બોલો, કયું વરદાન જોઈએ છે? જે માગશો તે આપીશ.’ રાજાએ કહ્યું, ‘જો તમે પ્રસન્ન થયા હો તો મારા પુત્ર તરીકે અવતરો. એ જ રૂપે તમારી ખ્યાતિ વિસ્તરે.’ રાજાને વરદાન આપીને ધન્વંતરી અંતર્ધાન થયા; અને તે રાજાને ત્યાં જન્મ્યા. કાશીરાજ ધન્વંતરી બધા રોગોની ચિકિત્સા કરવામાં કુશળ હતા. મુનિવર ભરદ્વાજ પાસેથી વિદ્યા ગ્રહણ કરી તેને આઠ ભાગોમાં વહેંચી. પછી ઘણા શિષ્યોને અષ્ટાંગ આયુર્વેદ ભણાવ્યો. ધન્વંતરીના પુત્ર કેતુમાનથી વિખ્યાત થયા, કેતુમાનના પુત્ર ભીમરથ અને ભીમરથના પુત્ર દિવોદાસ. દિવોદાસના રાજ્યકાળમાં જ શાપને કારણે વારાણસી નિર્જન થઈ ગઈ. તે નગરી રુદ્ર ભગવાનના સેવક ક્ષેપક નામના રાક્ષસે વસાવી હતી. ભગવાન રુદ્રના પાર્ષદ નિકુમ્ભે શાપ આપ્યો હતો કે ‘એક હજાર વર્ષ સુધી વારાણસી નિર્જન રહેશે.’ એ નગરી નિર્જન બની એટલે દિવોદાસે ગોમતી નદીના કાંઠે એક નગરી વસાવી. વારાણસી ભૂતકાળમાં ભદ્રક્ષેણ્ય પાસે હતી. ઉત્તમ ધનુર્ધરો ગણાતા સો પુત્ર ભદ્રક્ષેણ્યને હતા. દિવોદાસે તે બધાનો નાશ કરીને ત્યાં પોતાનું શાસન સ્થાપિત કર્યું. ભદ્રક્ષેણ્ય રાજાનું રાજ્ય બળપૂર્વક દિવોદાસે છિનવી લીધું હતું. હવે સાંભળો વારાણસી નગરીની કથા. દિવોદાસ રાજા વારાણસી પ્રાપ્ત કરીને ત્યાંના રાજા બન્યા. તે સમુદ્રનગરીમાં રાજા નિત્ય રહેતા હતા. ભગવાન શંકર દેવી પાર્વતીનું મન રાજી રાખવા સસરાને ત્યાં જ રહેતા હતા. મહાદેવની આજ્ઞાથી તેમના પાર્ષદો પાર્વતી દેવીને રીઝવ્યા કરતા હતા. પાર્વતી તો પ્રસન્ન રહેતાં હતાં પણ તેમની મા મેના પ્રસન્ન ન હતાં. તેઓ હંમેશા પાર્વતીની અને શંકરની નિંદા કર્યા કરતાં હતાં. એક દિવસ તેમણે પાર્વતીને કહ્યું, ‘તારા પતિ મહાદેવ અને તેમના પાર્ષદો અનાચારી છે. ભોળાનાથ તો કાયમી દરિદ્ર છે. તેમનામાં શીલ જેવું તો કશું જ નથી.’ વરદાયિની પાર્વતી આ સાંભળીને ક્રોધે ભરાયાં અને મેં પર થોડું હાસ્ય આણીને મહાદેવ પાસે ગયાં. તેમની મુખકાંતિ થોડી ઝાંખી હતી. પછી તેમણે મહાદેવને કહ્યું, ‘હું હવે પિયરમાં નહીં રહું. તમે મને તમારે ઘેર લઈ જાઓ.’ પાર્વતીની વાત માનવા મહાદેવે ચારે બાજુ દૃષ્ટિપાત કર્યો. પૃથ્વી પર વસવા માટે ભગવાને વારાણસી નગરી પસંદ કરી. પરંતુ એ નગરીમાં તો રાજા દિવોદાસ રહેતા હતા. એટલે પોતાના ગણ નિકુંભને કહ્યું, ‘તું જઈને વારાણસીને નિર્જન કરી નાખ. પણ સાવચેતીથી કામ લેજે. દિવોદાસ બહુ બળવાન રાજા છે.’ એટલે નિકુંભે વારાણસીમાં જઈને કણ્ડૂક નાઈને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, ‘તું નગરીની સીમા પર મારી પ્રતિમા બનાવી મારા માટે નિવાસસ્થાનની વ્યવસ્થા કર. તું આમ કરીશ તો તારું કલ્યાણ કરીશ.’ કણ્ડૂકે તો સ્વપ્ન પ્રમાણે બધું કર્યું. રાજાને જણાવી નગરદ્વારે નિકુંભની પ્રતિમાની સ્થાપના વિધિપૂર્વક કરી. દરરોજ તે ઉત્સવ કરીને પૂજા કરતો હતો. ગંધ, પુષ્પ, માલા, ધૂપ, જલ, અન્નપાન અર્પણ કરીને તે નાઈ નિકુંભની પૂજા કરતો હતો. ત્યાં નિત્યપૂજા થતી અને પ્રજાને અઢળક વરદાન મળતા. પુત્ર, સુવર્ણ, દીર્ઘાયુષ્ય વગેરે ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થતી. રાજા દિવોદાસની રાણી સુયશા. તે પુત્ર કામનાની ઇચ્છાથી ત્યાં ગઈ. અને મોટા પાયે પૂજા કરી પુત્ર અનેક વાર માગ્યો. પણ નિકુંભ તેને વરદાન આપતા ન હતા. ‘જો રાજા અમારી ઉપર કોપ કરે તો કામ થઈ જશે.’ ખાસ્સો સમય વીત્યો એટલે રાજા ક્રોધે ભરાયો. ‘મારા નગરના દ્વારે બેઠેલો આ ભૂત પ્રજાને સેંકડો વરદાન આપે છે પણ અમને નથી આપતો. મારી જ નગરીમાં, મારા જ પ્રજાજનો નિત્ય તેની પૂજા કરે છે. મેં પણ દેવીને પુત્ર આપવા માટે કેટલી વાર કહ્યું, શા કારણે તે પુત્રનું વરદાન નથી આપતો? એટલે હવે તેનો સત્કાર નહીં કરવો જોઈએ. એટલે એ દુરાત્માના સ્થાનનો નાશ કરીશ.’ આવો નિશ્ચય કરીને દુરાત્મા, દુર્બુદ્ધિ, પાપી રાજાએ નિકુંભના સ્થાનનો નાશ કરાવ્યો. પોતાના સ્થાનનો નાશ જોઈને નિકુંભે રાજાને શાપ આપ્યો. ‘મારા કોઈ પણ અપરાધ વિના તેં મારા સ્થાનનો વિનાશ કર્યો છે. એટલે તારી આ નગરી નિર્જન થઈ જશે.’ આ શાપને કારણે નગરી નિર્જન બની ગઈ. પછી નિકુંભ મહાદેવ પાસે ગયા. વારાણસીમાં રહેતા લોકો ચારે દિશાઓમાં વિખરાઈ ગયા. પછી મહાદેવે તે નગરીમાં નિવાસ કર્યો, ઉમાનું મનોરંજન કરતા આનંદથી ત્યાં રહેવા લાગ્યા, પણ દેવી પાર્વતીનું મન ત્યાં માનતું ન હતું. તેમણે મહાદેવને કહ્યું, ‘ભગવાન, હું આ નગરીમાં નહીં રહી શકું.’ મહાદેવે કહ્યું,‘ હું બીજે ક્યાંય રહી નહીં શકું. આ અવિમુક્ત ક્ષેત્ર જ મારું ઘર.’ સત્યયુગ જેવા ત્રણ યુગમાં મહાદેવ અહીં રહે અને કલિયુગ આવે એટલે આ નગરી અદૃશ્ય થઈ જાય. એટલે ફરી વારાણસી નગરી હતી એવી થાય. (હરિવંશ પર્વ: ૨૯મો અધ્યાય)