◼
દુહા • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય
૦
બીજું સાજણ શું લખું? લખું એક ફરિયાદ
ક્યારે આવી હેડકી? તેય ન આવે યાદ...
૦
ધુમ્મસછાયા પૃષ્ઠથી, ઝાકળભીને હાથ
ગોખે ગભરુ બાલિકા સુંદરતાના પાઠ
૦
લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ
૦
ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ?